સીટી બર્ડ – મણિલાલ હ. પટેલ

ફણસોરા ગામની બગલમાં શામળસૂરા ગામ. બંને, જૂનાં રજવાડી ગામો. ખાધેપીધે સુખી અને સંપ-લક્ષ્મી માટે સુખ્યાત. લોક કેળવાયેલું. બિહારીભાઈ બત્રીસ વર્ષના. સ્વભાવે ઓછાબોલા, અંતરમુખ જીવ. બાપા કાલીકટમાં તમાકુના વેપારી. અહીં શામળસૂરમાં બિહારીને ગામની બેઉ બાજુની સીમમાં વાડીઓ. ઊગમણીમાં કોટ અને લીંબુડી, બાકીનાં ખેતરોમાં ઋતુ પ્રમાણે ડાંગર, બાજરી ને બટાટા પકવે. આથમણી વાડીમાં આંબા અને સાથલગાં ખેતરોમાં શાકભાજી. કારેલાંના માંડવા; ગુવાર, ભીંડા ને પરવળ પણ થાય. પાડાની કાંધ જેવી જમીન, કાળી ચીકણી ને પાસાદાર. કાળજૂનો કૂવો એવો તો સાબદો કે બિહારીએ પડખે વહેતી નહેરનાં પાણી તરફ નજરે ના કરવી પડે. કૂવાનાં લીલાંકાચ પાણી ઊનાળે ઊંડા જાય પણ ખૂટે નહિ.

સાચી વાત છે, ચરોતરના પાટીદારો મજૂરી નથી કરતા. આવડત અને આયોજનથી ખેતી કરવામાં બિહારી પણ જલદી પાવરધા થઈ ગયેલા. સવારે દશ વાગતાં પહેલાં ખેતરે આંટો મારી, મજૂરોને કામ ભળાવી પાછા આવી જાય. બપોરે તો એ ભલા અને ભલી એમની મેડી. પત્ની વર્ષા સાથે છાપાં વાંચે ને વાતો કરે. બપોરે તો વાડા સુધીય ન જાય. લહેરી જીવ, કશી ધખના નહીં. સાંજે નોકરિયાતની જેમ ફરવા નીકળ્યા હોય એમ બીજી વાડીએ આંટો ખાઈ આવે.

બિહારીને વહેલા ઊઠવાની ટેવ. પરોઢે પંખીઓ બોલે ને બિહારી આંખ ખોલે. દાતણપાણી અને દિશાલોટો પરવારીને બિહારી નહાઈ લે. પત્ની ચાપાણી મૂકે એ પહેલાં તો બિહારી નેવાં નીચેની ઢીબોમાં ચકલાં માટે પાણી અને જુવાર-બાજરીની ચણ રાખી દે. પછી એકલા ચા ના પીવે, વર્ષાને પાસે બેસાડીને સાથે ચા પીવાની ટેવ. બા બૂમો પાડે કે વહુને સવાર સવારમાં તો કેટલું બધું કામ હોય. પણ બિહારી જવાબ ન વાળે. વર્ષા સામે જોઈને મલકાય. વર્ષાનાં કર્ણમૂલ શરમથી લાલ લાલ થઈ જાય. બિહારી જોઈ રહે વર્ષાની ઓળઘોળ થતી જતી સ્નેહાર્દ્ર આંખો. આવી તૃપ્તિના ઓડકાર સાથે દિવસ આરંભાય, એટલે તો મહેમાન ગયેલા બિહારી બાર ગાઉંનો માર્ગ મધરાતે કાપીનેય સ્કૂટર પર ઘેર આવે. વર્ષા જાગતી હોય, વાટ જોતી… મિત્રો એટલે તો બિહારીની મેડીને ‘મોરઢેલની મેડી’ કહી મર્મમાં હસી લેતા. આ મેડીએ એને દીકરાની બા બનાવી હતી.

કાલે, બિહારી ઊઠીને વાડામાં દાતણ કરવા જાય છે ને જુવે છે તો પાછળને લીમડે-પંખીઓએ કકલાણ કરી મેલ્યું છે. બેચાર કાગડા પણ કકળી ઊઠેલા ઊડે છે…. કાબર, લેલાં, ચકલીઓનોય પાર નથી; થોડાં બુલબુલ, આઘાં રહેતાં દૈયડ, ગભરૂ દરજીડો, ચંચળ ફૂલસૂંઘણી, નાચણ, દેવચકલી બધાં સંપીને ચારે તરફ ઊડી ઊડી આઘાંપાછાં થાય છે. બિહારી ત્યાં પહોંચે એ પહેલાં તો બેચાર કૂતરાં ઊંચે કાને ને ફાટી આંખે લીમડાની ડાળે જોતાં ટાંપી ઊભાં છે. બિહારીને થયું, સાપ હોય તો કૂતરાં ધ્યાન આપે નહિ. જઈને જોયું તો બિલ્લીબાઈ ! ઓહ ! ઈંડાં-બચ્ચાનું દાતણ કરવા કાળમુખી ડાળે જઈ બેઠી છે ! બિહારીને જોતાં પંખીઓ ટાઢાં પડ્યાં, કૂતરાંને ભગાડી, બિહારીએ બિલ્લીબાઈને નીચે ઉતાર્યાં…… દાતણ ચાવતાં બિહારીને થયું કે આવું આપણા વાડામાં તો આ પહેલીવાર થયું. એણે વર્ષાને ચા પીતાં પીતાં પૂછ્યું : ‘આ કાળી બિલાડી તારા પિયરથી તો નથી આવીને ?!’ વર્ષાએ કાંઈ બોલ્યા વિના ખભા ચડાવ્યા.
‘ના ચાલે, બિલાડીને કાં તો ભગાડવી પડે, કાં તો દૂધભાત આપીને ટેવાડવી પડે….’ બિહારીએ મનોમન નક્કી કર્યું, પણ વર્ષાને ચીડવવા ફરીથી કહ્યું : ‘માન ન માન પણ બિલાડી તારા પિયરથી તારી ખબર પૂછવા આવી લાગે છે, મારાથી છુપાઈને સ્તો !’
‘મારી મસિયાઈ, એ તો જિજા-જમાઈની ખબરે આવી છે કે બહેનબાને એમના વર કેવુંક પજવે છે…’ કહેતાં વર્ષા હોઠ મરડે છે.
‘દિવસે, કે રાતે પણ પજવે છે ?’ – બિહારીની સામે આંખ કાઢતી વર્ષા હસી પડે છે. બિહારીને લાગ્યું કે પોતાની આસપાસ મોતી વેરાઈ ગયાં છે, કંકુ ઢોળાઈ ગયું છે.. પોતે એની છાલકમાં તણાઈ રહ્યા છે…

વર્ષા આમ જ તો આકર્ષાઈ હતી – બિહારીના ભલાભોળા હસવા પર. ગોરા બિહારીનું રૂપાળું મુખ જોનારથી ઝટ ભૂલી શકાતું નહોતું. શામળસૂરના છોકરાઓની છાપ સત્તાવીસીમાં સારી. છોકરા ભણે છે ને ખેતી, ઉદ્યોગ કે વ્યવસાય-વ્યાપારમાં જાતમહેનત માટે જોતરાઈ જાય છે. બીજા ગોળના યુવાનોની જેમ ગ્રીન કાર્ડવાળી છોકરીઓ પોતાને પરણીને પરદેશ લઈ જશે એવી આશામાં પાનના ગલ્લે કે ચોતરે-પરબડીએ બેસીને શામળસૂરાના છોકરા જિન્દગીનાં વર્ષો વેડફતા નથી. તો ફણસોરાની છોકરીઓ બોલવે ચાલવે સંસ્કારી, બાહોશ ને ચપળ-ચાલાક પણ ખરી. ભણે એટલું ગણે પણ ખરી. વંશવેલો ગણો કે એવું વળુ, છોકરીઓ ઊંચી, પાતળી, ગોરી, દેખાવડી. વર્ષા એ સૌની પ્રતિનિધિ જેવી. કાચ જેવી ચળકતી આંખોમાં જોતાં જ લાગે કે અથાગ રહસ્યની જગા છે એ…. બિહારીને એ આંખોએ મ્હાત કર્યા હતા. છટાથી ચાલે, હસે ને શરમાય. હૈયાની વાત ચહેરા પર અંકાઈ જાય. પોતાના ભાઈની સાસરી શામળસૂરામાં, વર્ષા ભાભીને મળવા આવતી હતી એ દા’ડે ભાગોળે સામે મળેલા બિહારીની અને એની આંખો મળેલી, ક્ષણવાર ઘોડો ઠોકર ખાઈ જાય એવું થયેલું – બંનેને ! પછી રઢ લાગેલી. ઢૂકડાં ગામ ને સંબંધે ગૂંથાયેલાં…. મળવાં-જોવાં તો સહજ બને.

વર્ષા સ્નાતક થયેલી. પરદેશથી આવેલો પાટીદાર મૂરતિયો એને જોતાં મોહી પડેલો. વગર દહેજે વરવાનું કહેણ મોકલ્યું. પણ વર્ષાના બાપે છોકરીનું મન રાખ્યું… શામળસુરા જેવું ગામ ને બિહારી જેવો ભણેલો-જમીનદાર તથા દેખાવડો મૂરતિયો. પરદેશને એમને લાત મારેલી ને ગામે એમને ગાંડાં ગણેલા… બાપ-દીકરીને બંનેને. ‘અક્કર્મીનો પડિયો કાણો તે આનું નામ !’ પણ વર્ષાના બાપે બિહારીના કુટુંબનાં સોડસાથરો, સંસ્કાર ને આબરૂ આગળ જન્માક્ષર સરખાવીને શંકાળું બનવાનુંય ટાળેલું. ‘ધણીએ એમના લેખ લખ્યા છે. એણે જ તો મેળવ્યાં છે બેઉને, હવે એમાં મેખ મારનારો હું કોણ ?’

ઉનાળાના દિવસો છે. તડકો કહે મારું કામ. મારુતિઓ દોડે છે આજકાલ. પાટીદારોમાં લગ્નસરા ચાલે છે. ગુલમોર ગરમાળાનાં ઝાડ ફૂલ્યાં સમાતાં નથી. ફળિયે માંડવા ને વાડીએ ભોજન. સજ્જ છોકરીઓ ને છેલબટાઉ છોકરા… સોડપુર કે સુણાવમાં, પાળજ કે પરવોટામાં બધે જ સરખાં…. તડકાને ગણકાર્યાં વિના રમે છે ગરબા-ડિસ્કો શૈલીના. બિહારીને શાંતિ છે. સગાં-સંબંધમાં લગ્નો પતી ગયાં છે… ફણસોરા મહેમાન જવાનું છે, વર્ષા કહે છે, ‘કાલે તો ગ્રહણ છે, એ કેડ્યે જઈશું.’ બિહારી આજે મોડા ઊઠ્યા છે. આખી રાત પેલી કાળી બિલાડી ઘરમાં ને વાડાના ઝાડવે ઝાડવે ફરતી હોય એવા અણસારા બિહારીને વારેવારે જગવી દેતા હતા. પરોઢે આંખ મળી તે ઝટ ખૂલી નહીં. મોડે સુધી સૂતા બિહારીનું નિંદ્રસ્થ મુખ જોતી વર્ષાને એ ચૂમી લેવાનું મન થયું… ને એ જાગી ગયા. કદી નહીં ને બિહારીએ પલંગનું ગાદલું વાળી કબાટમાં મૂક્યું, વળી સદા ઢાળેલો રહેલો પલંગ, શું સૂઝ્યું તે દીવાલ સોતો ઊભો કરી દીધો. વર્ષાએ પૂછ્યું : ‘કેમ ફરી પાથરવો જ નહિ પડે ? તમે તો ન કરવાનું કામ…’ બિહારી વધુ સાંભળ્યા વિના દાતણ માટે લીમડા તરફ ગયા.

લીમડાની બખોલમાંથી મોટુંમસ બિકાળવું ઘૂવડ ફાટે ડોળે બિહારીને તાકી રહ્યું છે. બિહારી એને હાથ હલાવી ડારે છે પણ ઘૂવડ તો અવિચળ છે. એ કાંઈ દેખતું નહીં હોય ? કહે છે કે ધોળે દા’ડે દેખતું નથી. પણ બિહારીને એવું તો ઘૂરઘૂર તાકી રહ્યું છે કે ડરી જવાય. બિહારીએ એને ઉરાડવા ઢેફૂ લીધું. એને તરત યાદ આવ્યું કે લોકવાયકા એવી છે કે ઘૂવડને ઢેફાથી કદી નહીં ઉરાડવું, પથ્થર જ લેવો. જો ઢેફૂ લઈને ઉરાડવા જાવ ને ઘૂવડ ચાંચમાં ઢેફૂ ઝીલી લે, અને એ ઢેફૂ લઈને ઊડીને કોઈ તળાવ નદી કે કૂવામાં નાખી દે, તો જેમ ઢેફૂ પાણીમાં ઓગળે તેમ એ ઢેફૂ મારનારો માણસ પણ ઓગળી જાય… બિહારીને અચાનક પરસેવો વળી ગયો. એમણે ઢેફૂ નીચે નાખી દીધું ને પથ્થર શોધવા નજર દોડાવી, ન મળ્યો. ઊંચે જોયું તો ઘૂવડ બખોલમાં સરકી ગયું છે. પણ બાજુની ડાળી પર એક નાજુક નમાયું પંખી બેઠું છે. પેટગળું પીળાં, પાંખો કાળી ને વચમાં સફેદ પટ્ટા. ઝીણી તીક્ષ્ણ ચાંચ. આંખો ગભરૂ. આવું નિર્દોષ પંખી બિહારીના જોયામાં પહેલાં કદી આવ્યું નહોતું. એ અપલક તાકી રહ્યા પંખીને. પંખી ચંચળ છે, ઊડીઊડીને ડાળ બદલે છે ને બોલે છે, ના, ના, બોલે છે ત્યારે મધુર સીટી વાગતી હોય એવો અવાજ કાઢે છે. વળી વળીને એ સીટી વગાડતું રહે છે. બિહારીને થયું કે પેલું ઘૂવડ આ સીટી-બર્ડને ગળી જવા તો નહીં તાકી બેઠું હોય ? એના બરડામાંથી ધ્રુજારી નીકળી ગઈ. ઘૂવડ પાછું બખોલના મોઢે આવીને તાકી રહ્યું છે.

વર્ષાનો ચા માટેનો સાદ પડ્યો. બિહારી પાછા વળ્યા પણ મન તો ઘૂવડ અને ‘સીડી બર્ડ’ વચ્ચે ઝોલે ચઢેલું છે. બિહારી વર્ષાને આ નાજુક પંખીની વાત કરે છે. પેલા ઘૂવડ પરનો અકારણ રોષ દાબી દેવા ચાહતા બિહારીએ વર્ષાને કહ્યું : ‘આજે તો લાપસી બનાવ લાપસી ! કેવું મજાનું પંખી આપણા વાડામાં આવ્યું છે….’ વર્ષા બિહારીમાં આજ સવારથી કૈંક નવી નવાઈનું જોઈ રહી છે. માત્ર સોમવારે મંદિર જતા બિહારી આજે ગુરુવારે ‘ભાગોળનાં મંદિરોમાં જતો આવું’ એમ કહીને નીકળી પડ્યા ત્યારે તો વર્ષાની નવાઈ તર્ક-વિતર્કમાં પલટાઈ ગઈ : ‘રામ જાણે ! આ અલગારી આદમીને શું શું થતું હશે !’ દરમ્યાન ચિતોડિયાવાળા મિત્ર પુષ્પકાન્ત આવી ચડ્યા છે. બિહારીના નાનકડા ઢબુને એ વાર્તા સંભળાવે છે; બીજા બે-ત્રણ મિત્રો આવી ચડ્યા છે એ અને ભાગોળથી આવેલા બિહારી બધા વાર્તા સાંભળે છે : ‘વસ્તુનગરીના રાજા પૃથ્વીસિંહને પાંચપાંચ રાણીઓ પુત્ર ન મળે. એક સવારે રાજા ફરવા નીકળે છે તો સામે મળેલો ખેડૂત પીઠ ફેરવીને ઊભો રહી જાય છે. રાજા કારણ પૂછે છે તો કહે છે : ‘અન્નદાતા ! માફી ચાહું છું, પણ હું ખેતર વાવવા નીકળ્યો છું ને આપ જેવાના શકન ? આપને કોઈ સંતાન નથી, આપ સામે મળો તો અપશુકન થાય મને… મારાં ખેતર ન ઊગે તો પ્રજા ખાય શું !

બીજે દિવસે કુંભાર, ત્રીજે દિવસે વેપારી, ચોથે દિવસે જોશી – રાજાના અપશુકનથી પૂંઠ ફેરવી લે છે. રાજાને થયું વાંઝિયા મહેણું તો ભાંગવું જોઈએ. રાજા નગર છોડી વનમાં જઈ તપ કરે છે… પાંચ વર્ષને અંતે પુત્રપ્રાપ્તિનું વરદાન પામી રાજા ઘરે આવે છે. માનીતી રાણીની કૂખે નવ માસે દીવા જેવો દીકરો અવતરે છે. જોશીડા તેડાવીને રાજા જોષ જોવરાવે છે. વડો જોષી કહે છે : ‘અન્નદાતા ! જીભ કચડવા જેવું છે. પણ પુત્રનું મરણ લગ્નમંડપમાં વાઘને લીધે લખાયું છે… લેખમાં મેખ મારવાનું માનવીનું ગજું શું ?!’ રાજા રાજકુંવરને મોટો થતો જુએ છે. રાજકુંવરના લગ્ન માટે માગાં આવે છે. છેવટે રાજકુંવર કન્યાકુંવરી પસંદ કરે છે. લગ્ન લેવાય છે. ચારે બાજુ દરવાજા બંધ… દિશાઓ પર ચૉકી પહેરો છે, નગર બહાર, વન સુધી, વાઘ ન આવે એની પેરવી કરી દેવાઈ છે. મંડપ શણગારાયેલો છે. કુળદેવીનો ફોટો મૂકાયો છે – જેમાં દેવીજી વાઘ પર સવાર થયેલાં બેઠાં છે. કુળદેવીને કુંવર પગે લાગવા જાય છે – ત્યાં જ કાગળમાં ચીતરેલો વાઘ જીવતો-સાચુકલો વાઘ બનીને કુંવરને ફાડી ખાય છે….’ ઢબૂડો તો વાત પૂરી થઈ એટલે રમવા ચાલ્યો ગયો. પણ મિત્રો ચર્ચાએ ચડ્યા….
‘કાળ કોને કહ્યો ભાઈ ! આ જુવોને કાગળનો વાઘ સાચુકલો વાઘ થયો તે…’
‘મારનારો ધારે ત્યાં ઉગારનાર ગમે એટલા કોટ-કિલ્લા કરે તોયે થનાર તો થઈને રહેવાનું….’
‘ભર્યા દરબારમાં બેઠેલાને બોલાવીને લઈ જાય; કાળ એટલે કાળ !’
‘આ અમારા વાલજી માસ્તર. અમારી સાથે ચોતરે બેઠેલા. કહે કે ઘેર જતો આવું. અમે કહ્યું ચા મંગાવી છે પીને જાવ. પણ જિદ્દી માને તો ને ! ઘેર જઈને, કદીય નહીંને બળદોને ઘાસ નાખવા વળ્યો. મેડીએ ચડી પૂળો ખેંચવા જાય છે ત્યાં જ ઝેરી જાનવરનો ડંખ…. ઓ મારે ! બીડી પીએ એટલી વારમાં તો ઝેર ફરી વળ્યું ડિલમાં. અમે તો માનતાય નહોતા. પણ દોડતા જઈ પહોંચ્યા ને જોયું તો શરીર લીલુંછમ થઈ ગયેલું… મરણ કુંડાળી લખેલી તે મિથ્યા થોડી થાય !’
‘અમારા ત્રણોલવાળા વેવાઈ-વેવાણની વાત લ્યો ને ! મુંબઈથી વળવાનું તે રાતના ગુજરાત મેલની ટિકિટો. પણ બે દિવસનો ગાળો. વેવાણ કહે મુંબઈમાં ફરીએ. વેવાઈ કહે હું તો જાઉં, મારે ઑફિસનું ઘણું કામ છે. વિમાનની ટિકીટ લીધી. વેવાણ રોકાયાં મુંબઈમાં ને વેવાઈનું વિમાન ઊપડ્યું, ઊડ્યું એમને લઈને સ્તો ! કેવું ચોઘડિયું હશે રામ જાણે ! અમદાવાદ ઊતરવાની છેલ્લી મિનિટે વિમાન તૂટી પડ્યું ને સળગી ગયું – કોઈ બચ્યું નહોતું…’
‘વેવાઈને મોત બોલાવતું હશે, નહિ તો આવો મોટો માણસ અધીરો થાય ખરો ?’

બિહારી બોલ્યા : ‘હું તો વેવાણને ઉગારનારાની વાત કરવા માગું છું. કણજરીવાળા મારા મામાની વાત લ્યો. હૉલી-ડે સ્પેશ્યલમાં આવતા’તા. રાતની ગાડી જંપી ગયેલી. એમને લાગી બીડીની તલબ. સિગારેટ તો કાઢી પણ દિવાસળી ન મળે. ડબ્બા વીંધતા એ તો પહોંચ્યા ગાર્ડના ડબ્બે. સિગારેટ સળગાવીને વળતા’તા. ગાર્ડ કહે ઊંધ ના આવતી હોય તો વાતો કરીએ; બેસો બે ઘડી. તે બેઠો. પાંચ મિનિટમાં મોટા ધડાકા સાથે બે ગાડીઓ ટકરાઈ… મામાનો ડબ્બો ચિરાઈને વેરવિખેર હતો. એમની સાથેનો મુસાફર એવો તો ચપ્પટ થઈ ગયેલો-રોટલો જાણે ! તો બોલો, મામાને ઊગાર્યા કોણે ? બીડીની તલબે ? પેલા ગાર્ડે કે પછી ઉગારનારાએ…?’
‘ભાઈ ઉગારનારા આગળ મારનારના હાથ પણ હેઠા પડે છે એય એટલું જ સાચું ! પણ મોત તો છઠ્ઠીમાં લખ્યા પ્રમાણે આવીને આપણને આગળ કરીને લઈ જાય છે. ત્યારે આપણને તો ખબર પણ ક્યાં હોય છે કશાયની ! કુદરત કોને કહી છે ?’

બપોરનું ખાવા ટાણું થતાં સૌ વિખરાયા. બિહારીને પુષ્પકાન્ત લાપસી જમીને આડા પડખે થયા, વાસણ અજવાળીને વર્ષા-ઢબૂ પણ જંપી ગયાં છે. બિહારીની આંખ મળી નહીં. એમને પેલું ઘૂવડ જોવાનું મન થયું. હજીય એ બખોલમાં બેઠું હશે ? ને પેલું સીટી-બર્ડ ? નાજુક પંખીનો મધુર અવાજ યાદ આવતાં બિહારી ઊઠ્યા. માથે રૂમાલ નાખી વાડાના લીમડે ગયા. પંખીઓ જંપી ગયાં છે. પેલી ઘૂવડ-બખોલ તાપમાં ડાકણના વાંસા જેવી વરવી દેખાય છે. બિહારી સીટી-બર્ડ જોવા બીજે ઝાડવે ત્રીજે ઝાડવે ફરતા ફરતા ક્યારે પોતાની આથમણી વાડીએ આવી લાગ્યા એ ખબરે ન પડી. બિહારી ઝાડવે ઝાડવે જુએ છે. કૂવા પર ઝૂકી રહેલી આંબાની ડાળે બેસીને પેલું સીટી-બર્ડ બોલતું હતું… જાણે બિહારીને બોલાવતું ના હોય ! બિહારી પાસે ગયા, જુએ છે તો કૂવાના પાણીમાં કબૂતરનાં બે બચ્ચાં પડી ગયાં છે. કબૂતરી મૂંઝાયેલી બેઠી છે. બિહારીને બચ્ચાં ઉગારવા માટે જંપેલું સીટી-બર્ડ અહીં સુધી લઈ આવ્યું હોય એવી લાગણી થાય છે. એ મજૂરને છાબડું લાવવા બૂમ પાડીને પોતે કૂવામાં ઊતરે છે. પગથિયાંને બદલે ભીંતે ગોબેલા પહોળા પથ્થરો છે, કંદોરિયો ઝાલીને બિહારી છાબડામાં બચ્ચાં લેવા મથે છે, પણ ગભરાટના માર્યાં બચ્ચાં સરી જાય છે.

છાબડું પડતું મૂકી બિહારી પાણી પાસેની લાકડાની પાટડીએ જઈને બચ્ચાં પકડવાનું નક્કી કરે છે. પાટડી પર જઈને ઘોડો કરીને બેસે છે જેવો બચ્ચાં લેવા નમે છે તેવી જ પાણીમાં રહીને બોદાઈ ગયેલી પાટડી બેઉ છેડેથી તૂટે છે. બિહારી સીધા પાણીમાં… એમના હાથ પાણી પર તરફડતા રહી જાય છે.. મજૂરે બૂમાબૂમ કરી મૂકી, પણ બપોરે સીમમાં કોણ હોય ! બીજી વાડીનો રખેવાળ આવી લાગ્યો ત્યાં લગીમાં તો બિહારીના હાથ સંકેલાઈ ગયા હતા. ઊંડાણવાળી પાટડીએ પગની આંટી પડી જવાથી બિહારીની લાશ તોળાઈ રહીને તગતગતી હતી…. ધખતે બપોરે બિહારીભાઈ મેડી મૂકી પડસાળે ન ઊતરે તે વાડીએ હોય એવું માનવા લોક તૈયાર નહોતું. શામળસૂરા ને ફણસોરા ગામો વાડીએ ઉમટ્યાં છે. સૌના ચહેરા પર કાલિમા લીંપાઈ ગઈ છે.
‘રે રે ! સારા માણસની આવી દશા…. ?’
‘બચ્ચાં બચાવવા જનારનો જીવ લેનારો ભગવાનેય ખરો કઠોર !’ માથાં પછાડી બેભાન થઈ ગયેલી વર્ષાને માટે ડૉક્ટર આવ્યા હતા. અવાક બની ગયેલી બાને પુષ્પકાન્ત આશ્વાસન આપતો હતો : ‘કાળે ભૂલવ્યા, બા ! એને કાળે છેતર્યો ! યમરાજા કબૂતરનાં બચ્ચાં થઈને આવ્યા… નહીં તો મને મૂકીને એ વાડીએ જાય ખરો ?!’
‘જાહ રે જાહ ! કાળમુખા કાળ !’ બોલતાં પુષ્પકાન્તની મુઠ્ઠીઓ વળી જતી હતી. ત્યારે આ બધી ધમાલથી અજ્ઞાત ઢબૂડો, પપ્પા સવારે વાત કરતા હતા એ સીટી-બર્ડને વાડાના લીમડે શોધવા ફાંફાં મારતો હતો… અને કાળી બિલાડી વાડ વીંધીને બીજે વાડી જતી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગોત્સવ-2009 – સંકલિત
જીવવું કે મરવું ? – અનુ. અરુણા જાડેજા Next »   

22 પ્રતિભાવો : સીટી બર્ડ – મણિલાલ હ. પટેલ

 1. ગ્રામ્યજીવનના ધબકાર સમી આ ટુંકીવાતૉ વાંચીને મન ઉદાસ થઈ ગયું.
  મણિલાલ હ. પટેલ મુળ ઉ. ગુજરાતના..પણ કમૅક્ષેત્ર ચરોતર એટલે જ આ ધરતીનો ધબકાર ઝીલી શક્યા.

  ચરોતરના પાટીદારો મજુરી નથી કરતા..સાચી વાત છે.

  ૧૯૫૬ પહેલાં પાટીદારો ના આધિપત્યમાં ઘણી જમીનો હતી. મોટેભાગે માણસો(ક્ષત્રિય) રાખીને ખેતી કરાવતા..પરંતું..ખેડે એની જમીન..ના કાયદા હેઠળ જમીનો જતી રહી..મુળ કારણ આફ્રિકા ગયેલા પાટીદારો ક્ષત્રિયોને જમીનો સોંપીને ગયેલા..સમય બદલાયો અને સોના જેવી.. બાપદાદાની સિંચેલી જમીનો ..ગઈ..!!

  આભાર.

 2. Paresh says:

  કાળની ઝાળથી કોણ બચી શકે? Narration સુંદર છે. આભાર

 3. Aparna says:

  catchy narration, reader would almost get lost in the story -as much that the death of the main character gives you feeling of a personal loss
  i have heard about your poems, but nice to read the story as well

 4. Arvind says:

  very nice!!!!
  I have never read such a heart filling story..

 5. Arvind says:

  very very nice………

 6. Rajshri says:

  The story is very nice. Very rare found such stories.

 7. SAKHI says:

  very nice

 8. nayan panchal says:

  સુંદર હ્રદયસ્પર્શી વાર્તા.
  આભાર.

  નયન્

 9. Harshad Patel says:

  Story flow evenly and it forces you to read completely. Maibhai Patel has written several articles and it is worth enjoying it!

 10. rita jhaveri says:

  all the ill omens were telling me something bad is about to happen,
  but is was so nicely written , that you cant stop reading.
  thanks.

 11. Veena Dave,USA. says:

  touchy story.

 12. ઈન્દ્રેશ વદન says:

  સરસ વાર્તા.

 13. ઈન્દ્રેશ વદન says:

  બરાબર આ જ કોનસેપ્ટ પર એક ફિલ્મ હતી – ફાઈનલ ડેસ્ટીનેશન.

 14. Nimbus says:

  કાળની ઝાળથી કોણ બચી શકે? સરસ વાર્તા
  ફાઈનલ ડેસ્ટીનેશન ફરી એકવખત જોવાની ઈચ્છા થઈ આવી.

 15. kanu yogi says:

  સરસ મજાની રચના……
  કનુ યોગી

 16. Gunvant says:

  ભાઈ ઉગારનારા આગળ મારનારના હાથ પણ હેઠા પડે છે એય એટલું જ સાચું !

  બાળપણમા વાડીમાં કરેલા તોફાનોની યાદ આવી. આજે વિચારીએ તો લાગે છે કે ઘણી વખત મોતના મુખમાંથી પાછા આવ્યા હતા.
  આંખ ભરાઈ ગઇ. જુની યાદો તાજી થઇ.
  સરસ

 17. Vaishali Maheshwari says:

  Good emotional story Mr. Manilal Patel.
  Very touchy.

  Thank you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.