- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવવું કે મરવું ? – અનુ. અરુણા જાડેજા

[ સુપ્રસિદ્ધ ફાઈવ-સ્ટાર ‘ઑર્કિડ’ હૉટલોના નિર્માતા શ્રી કામતના જીવનપ્રસંગો પર લખાયેલ ‘ઈડલી, ઑર્કિડ અને હું’નો શ્રીમતી અરુણાબેને સુંદર અનુવાદ કર્યો છે. આ સળંગ આત્મકથાત્મક પુસ્તક અગાઉ જનકલ્યાણ સામાયિકમાં ધારાવાહી લેખ સ્વરૂપે પ્રકાશિત થયું હતું. આજે તેમાંથી માણીએ શ્રી કામતની જીવનકથાનો એક અંશ. (મૂળ લેખક : શ્રી વિઠ્ઠલ વિશ્વનાથ કામત) ]

જે લોકોને જિંદગીમાં આ સવાલ ઊભો થયો નથી એમના જેવું ભાગ્યશાળી બીજું કોણ ? હું પણ એમનામાંનો જ એક હતો, હમણાં કાલ સુધી ! ત્યારે જો કોઈએ મારું ભવિષ્ય ભાખ્યું હોત, ‘એક દિવસ એવો આવશે જ્યારે તને જીવવા કરતાં મરવું વહાલું લાગશે.’ તો એની આ ‘જોક’ પર હું પેટ પકડીને હસ્યો હોત. કારણ કે મને તો નવાં નવાં ટેન્શન્સ માથે લેવાની ટેવ હતી. પૈસાની એવી મને કાંઈ પડી નહોતી. અને તેમાંય સૌથી મોટી વાત તો એ હતી કે મારા ફરતે હતું ‘કામત’નું રાખણહાર વલય.

અચાનક જ એક દિવસ મારી આજ સુધીની જિંદગી સપનાની જેમ પૂરી થઈ ગઈ ને ભૂતકાળમાં સમાઈ ગઈ. મારી સામે પડેલી ઉજ્જ્ડ વાસ્તવિકતાના ડામ સહેતો સહેતો વર્તમાનમાં ડગલાં માંડવા લાગ્યો. સૌપ્રથમ તો મેં મારી પત્ની ને બાળકોને વિશ્વાસમાં લઈને એમને સાચી હકીકતથી વાકેફ કર્યાં.
‘હું દેવામાં પૂરેપૂરો ડૂબી ગયો છું. હજીય મારે દેવું કરીને ‘ઑર્કિડ’ તો પૂરું કરવું જ છે.’ આ બધી વાત મેં એમને સરખી રીતે સમજાવી. એ લોકોએ પણ સમજદારી બતાવી.
પત્નીએ કહ્યું : ‘તમે ચિંતા કરશો નહીં, એવું હશે તો આપણે ઘર વેચીશું.’
મેં કહ્યું : ‘જોઈશું !’
પણ ત્યારે વિદ્યાએ એના મનની જે તૈયારી બતાવી એનો મને ઘણો ટેકો રહ્યો. જેવો રામનો હનુમાન એવો મારોય એકનિષ્ઠ મિત્ર રમેશ શાનબાગ ! એનેય મેં બધી વાત કરી.

પછી જેમના જેમના પૈસા મારી પાસે નીકળતા હતા એ બધાને આ મોંકાણની વાત કરી ને એની પાછળનું કારણ પણ જણાવ્યું અને કહ્યું કે બીજું કોઈ તમને આડીઅવળી વાત કરીને જણાવે એના કરતાં હું જ તમને સાચી હકીકત જણાવી દઉં. સાથોસાથ હું એ પણ કહું છું ‘તમારા પૈસા તમને જરૂર મળશે, મોડા મળશે પણ ડૂબશે નહીં એટલી વાત ચોક્કસ.’ નેવું ટકા લોકોએ મારી વાત પર ભરોસો રાખ્યો. દસ ટકાએ બડબડ કરી, એ મેં ચૂપચાપ સાંભળી લીધી. હું જાણતો જ હતો, ‘આ તો હજી શરૂઆત છે. હજી આગળ શા શા ખેલ થશે એની કોને ખબર !’

બડબડ કરનારા પેલા દસ ટકામાંના એક ભાઈના ઘરે બનેલી આ બીના. આ ભાઈ સાથે મારે એમ કાંઈ થોડોઘણો નહીં, સોળ સોળ વર્ષોનો પૈસાનો વ્યવહાર ! મારી પાસે એ જે પૈસા રાખતો એનું વ્યાજ હું દર મહિને અચૂક ભરતો. હવે મેં જ્યારે એને મારી સાચી હકીકત જણાવી ત્યારે એ તો ભારે ઊકળ્યો. બરાડી બરાડીને મને કહેવા લાગ્યો : ‘અલ્યા, મૂરખા, ગધેડા ! તારામાં તો અક્કલનો છાંટોય નથી. ન કરવાનાં કામ કરતો ફરે છે. ભોગ તારાં કરમ !’ પછી છેલ્લે એણે મને પૂછ્યું : ‘તું તો ડૂબ્યો તે ડૂબ્યો, પણ હવે મારું શું થશે ?’
મેં એને સમજાવી જોયું, ‘તમે એની કોઈ ચિંતા કરશો નહીં. એક વરસમાં તો તમારા બધા પૈસા હું પાછા વાળી દઈશ.’ પણ એને તો કેમેય કર્યો વિશ્વાસ બેસે જ નહીં. એણે તો હવે વધારે ને વધારે બબડવાનું શરૂ કર્યું : ‘ક્યાંથી વાળવાનો હતો એ પૈસા ? મારા જ ભોગ લાગ્યા તે તને પૈસા આપ્યા. મારું જ નસીબ અવળું !’ મને ઘણું દુ:ખ થયું. નીચું માથું કરીને હું ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યાં તો રસોડામાંથી ‘છૂછ્….. છૂછ્..’ એવો અવાજ આવ્યો. મેં જોયું તો એમનાં પત્ની મને ઈશારાથી બોલાવતાં હતાં. હું અંદર ગયો. એમણે તરત જ મારા હાથમાં સ્ટીલનો એક ડબો થમાવ્યો ને ધીમેકથી કહ્યું : ‘આ લઈ જાવ.’
મને થયું કાંઈ ખાવાનું છે એટલે મેં સંકોચાતા કહ્યું : ‘ના…ના, મને કાંઈ નથી જોઈતું.’
એટલે ફરી પાછું દબાયેલા અવાજે કહ્યું : ‘આ લઈ જાવ. એમાં પૈસા છે. મેં ભેગા કરેલા તે. છેલ્લાં સોળ વરસથી તમે અમને જે વ્યાજ આપતા રહ્યા એના લીધે મારે ત્યાંનાં લગ્નનાં ટાણાં સચવાઈ ગયાં. મારા ઘરમાં રાચરચીલું પણ આવ્યું. એ બધું આમને નથી સમજાતું. પણ આજે તમારા માથે ખરાબ દા’ડો આવ્યો છે. તમે આ પૈસા વાપરજો. કેટલા છે તે મેં ગણ્યા નથી. પણ કાલે આવીને તમે આ પૈસા મારા પતિને તમારા વ્યાજના કરીને પાછા આપજો. એટલે એમનો ગુસ્સો થોડો ઠંડો પડશે.’

મારી આંખ ભરાઈ આવી. બીજે દિવસે એમના પતિને એ જ પૈસા આપ્યા. તો એ તો એટલો ખુશ થઈ ગયો કે આગલે દિવસે એમણે સંભળાવેલા બધાં સ્વસ્તિ વચનો ભૂલીને મને પૂછ્યું : ‘તમને હજી પૈસા જોઈએ છે કે ? જોઈતા હોય તો કહેજો હાં કે !’ મેં રસોડાનાં બારણાંમાં જોયું. એ ઊભાં’તાં. મારાં સંકટહારિણી, એ ઘરનાં ગૃહસ્વામિની. એમના મોઢા પર મર્માળુ સ્મિત હતું. મનેય આ આખી પરિસ્થિતિને લીધે હસવું આવી ગયું. ચાલો, આવીને ઊભેલું ટાણું તો સચવાયું, છુટકારાનો હાશકારો લેતો હું ત્યાંથી બહાર નીકળ્યો.

‘ઑર્કિડ’નું કામ ચાલુ જ રહે તેટલા માટે હું તનતોડ પ્રયત્નો કરી રહ્યો હતો. આવા વખતે દરેક જણ તમારો ગેરફાયદો ઉઠાવતું હોય છે. અને એટલું જો તમને સમજાય છે તોય તમે એને તમારો ગેરફાયદો ઉઠાવવા દો છો કારણ કે હુકમનું એકેય પત્તું તમારા હાથમાં હોતું નથી. આ ગાળામાં મેં બેંકમાંથી અતિશય ઊંચા ભાવે મળે તેટલું કરજ લીધું. બીજાને સત્તર ટકે મળતું હોય તો મને એકવીસ ટકે, એવા ભયંકર દરે તેઓ મને આપતા, પણ હું નાઈલાજ હતો. કેટલાય દિવસો સુધી હું ઘરે જતો જ નહીં. ‘ઑર્કિડ’માં જ રોકાતો ને કામને આગળ ધકેલતો હતો. ક્યારેક ઘરે જતો તો જણાતું કે પત્ની ખૂબ જ કરકસરથી સંસારનું ગાડું ચલાવી રહી છે. હરસ-મસાવાળાને જેમ ઝાડે ફરવા જવાની બીક લાગે તેવી મને પહેલી તારીખની બીક પેઠેલી રહેતી. મને થતું પહેલી તારીખ ક્યારેય આવે જ નહીં.

આખો દિવસ વૈતરાં કર્યા કરતો તોય રાત્રે ઊંઘ ક્યાંથી ? પછી પત્ની સૂઈ જાય તેની રાહ જોતો ને મધરાત પછી દબાયેલા પગલે ઊઠતો અને દરિયાકિનારે ફરવા જતો. ક્યારેક ક્યારેક તો અંદરની લાગણીઓ હું રોકી શકતો નહીં, તો પછી હું મનની બધી જ વાતો દરિયાને કહેતો. કારણ કે એ સમયે કોઈ સાથે મોકળા મને વાત કરીએ એવું કોઈ હતું જ નહીં. માણસજાતમાં એક જોવા જેવું હોય છે કે જેનું પેટ ભરાયેલું છે એને દસ જગ્યાએથી તેડાં આવે છે અને જેનું પેટ ખાલી છે એનાથી બધા મોં ફેરવી લે છે. કાલ સુધી મારે ત્યાં હતી રેલમછેલ, બધા મારી આગળપાછળ ફરતા એવો વિઠ્ઠલ કામત ! આજે વિઠ્ઠલ કામતનો ભાવ કોઈ પૂછતું નહોતું. ત્યારે, મારો એક ઓળખીતો માણસ જાહેરાત લેવા મારી પાસે આવ્યો. એણે દસ હજારની જાહેરાત માગી. એક જમાનો હતો કે માગતાની વારમાં જ મેં એને આપી દીધી હોત. આજે મેં નકાર દીધો. પેલો ચોંટ્યો જ હતો, ‘ઠીક, પાંચ હજારની આપ….’ મેં માથું હલાવીને પાછો નકાર દીધો. પેલો તો જાણે મારી પાછળ જ પડી ગયો, ‘જવા દે, હજાર ? પાંચસો ? કાંઈ નહીં તો સોની તો તું આપીશ જ.’ ના પાડી. એ તો ખીજે ભરાયો, ‘ક્યા તુમ તો સો રૂપયેકી ઍડ ભી દે નહીં સકતે ? અરે, તુમસે તો ભિખારી અચ્છા !’ હવે મેં હકારમાં માથું હલાવ્યું. મનમાં ને મનમાં મેં કહ્યું : ‘હા ભાઈ, તારી વાત સાચી છે ! ભિખારીનું જીવતર મારા કરતાં સાચે જ સારું છે. ભલે ને ચોક્કસ રકમ ના હોય પણ રોજેરોજની કમાણી તો હાથમાં આવે અને વળી ખાસ તો એ કે એની સામે કોઈ હાથ ફેલાવીને ઊભેલું હોતું નથી.’ અહીં પણ હું હસી પડ્યો, ઘડીભર માટે જ ! ‘બહુ થયું ને હસવું આવ્યું’ એમાંનું.

આમેય હું નિરાશાની ઊંડી ને ઊંડી ખાઈમાં ડૂબ્યે જતો હતો. આખુંય જગત મારી સામે વહેમભરી નજરે જોઈ રહ્યું છે. હું ચોર છું એવી જાતજાતની બીક મને લાગતી ને દિવસોદિવસ હું વધુ ને વધુ અંતર્મુખ થતો ગયો. અત્યાર સુધી કરેલી ભૂલો હવે સમજાતી હતી. લોકો કેટલીય વાર સલાહ લેવા મારી પાસે આવતા. મારા પૈસાને મારો સમય ખરચીને એમને મદદ કરતો રહ્યો, ક્યારેય કોઈ પાસેથી પૈસોય લીધો નહોતો. મારા કપરા કાળમાં મને સમજાયું કે મારા કામના પૈસા મારે લઈ લેવા જેવા હતા. એમ હોત તો પછી કોઈ સારી જગ્યાએ દાનમાં આપી દીધા હોત. પણ હું તો માનતો કે આપણી પોતાની મહેનતના પૈસા લેવા એ વાત જ ભૂલભરેલી છે. એવું તે કોઈ કરતું હશે ? આશા-નિરાશાનો હિંડોળો ખૂબ ઊંચે જતો ને પાછો એટલો જ નીચે આવતો હતો. અને એક દિવસ એવો આવ્યો કે મને થયું, બસ હવે ઘણું થયું. આ જીવતર ટૂંકાવી નાંખવું છે.

‘ઑર્કિડ’માંથી હું નીકળ્યો ને સીધો જઈ પહોંચ્યો મુંબઈના બીજે છેડે મારા મિત્રની ઑફિસમાં. એની સામે મનની હતાશા ઉપરાછાપરી ઠાલવતો ગયો. મારા એ બોલવામાં ક્યાંયે ધડ-માથાનો મેળ નહોતો. હતી માત્ર કડવાશ ! ‘આ જિંદગીમાં હું શું પામ્યો ? ન પૈસો કે ન કોઈનો સાથ ! છેલ્લાં એકવીસ વર્ષોમાં મેં પિક્ચર જોયું નથી, સિગારેટ પીધી નથી, નથી પીધો દારૂ કે નથી કરી મોજમજા. કર્યું તો ફક્ત કામ કામ અને કામ ! અને એનું જ આ ફળ ? આજે મારે આ બધાં બંધનો ફગાવી દેવાં છે.’ ખરેખર તો મારે કહેવું’તું, ‘જીવવાની મારી કોઈ ઈચ્છા નથી. મારે આ જીવતર ટૂંકાવવું છે’ પણ કોણ જાણે કેમ હું આ વાત કહી શક્યો નહીં.
મારો મિત્ર મારા મનની હાલત કળી ગયો. એણે કહ્યું : ‘તારે શું કરવું છે ? દારૂ પીને તારું દુ:ખ હળવું કરવું છે ? કે પછી પીને જ આવ્યો છે ?’
મેં માથું હલાવીને ના પાડી.
મારો વાંસો થાબડતાં એણે આત્મીયતાથી કહ્યું : ‘તારે જે કરવું હોય તે કર પણ હું તારે માટે રોજની જેમ નારિયેળપાણી મંગાવું છું. હમણાં તો એ પી લે, થોડોક શાંત થા. પછી આપણે વાત કરીએ.’ એ મિત્રનો પટાવાળો નીચેથી નારિયેળપાણી લઈ આવ્યો. મારો મિત્ર કાંઈ કામ અંગે થોડી વાર માટે રૂમની બહાર ગયો. બાવીસમા માળે આવેલી એની ઑફિસમાં હવે હું એકલો જ હતો.

નારિયેળપાણીના ઘૂંટડા ભરતો ભરતો હું બારી પાસે ઊભો રહ્યો. એક બાજુ મરીનડ્રાઈવ, પેલી બાજુ સૂર્ય દરિયામાં ડૂબકી મારવાની તૈયારીમાં હતો. મેં બીજી તરફ નજર ફેરવી ને મને ‘એ’ દેખાયો. મારી જિંદગીમાં ઓચિંતો જ પલટો લાવનાર એક સામાન્ય માણસ. એ સામેની યુકો બેંકની ગગનચુંબી ઈમારતના ત્રેવીસમા માળની દીવાલને બહારથી રંગી રહ્યો હતો. એ ઈમારત બહાર બાંધેલી વાંસની પાલખ ઉપર નચિંતપણે એ ઊભો હતો. પોતાનું કામ કરવામાં પૂરો મગ્ન હતો. જેમ જેમ એ પાલખ પર નીચે ને નીચે આવતો’તો તેમ તેમ એના હાથના પીંછોડાથી ભીંતને નવો જન્મ મળી રહ્યો હતો. ‘ઓ બાપ રે, આ માણસ તો કેટલું મોટું જોખમ ઉપાડી રહ્યો છે ? જીવને જોખમમાં મૂકીને કામ કરે છે છતાંય એના મોઢા પર એણે ઉપાડેલા જોખમનું જરા જેટલુંય ટેન્શન નથી. સારું કામ કર્યાની, સંતોષ પામ્યાની લાગણી એના મોઢા પર દેખાય છે.’

તો પછી મારે આ પ્રોબ્લેમનો એવડો મોટો હાઉ શું કરવા ઊભો કરવો ? જીવન-મરણ વચ્ચે એક વાળ જેટલું અંતર રાખવાવાળા આ માણસ જેવું જોખમ તો મેં ક્યારેય લીધું નથી. એ તો ઠીક, પણ આ માણસ પોતાના જીવને આટલું જોખમમાં શું કરવા મૂકી રહ્યો છે ? મહિનાના બે-ત્રણ હજાર રૂપિયા મળે એટલા માટે, એમાંથી એણે એના જીવનનો ગુજારો કરવાનો હતો, એના કુટુંબનું ભરણપોષણ કરવાનું હતું. અચાનક મને મારી જ શરમ થઈ આવી. અતિશય શરમ ! જીવ ટૂંકાવી દેવાથી મારી સમસ્યાનો ઉકેલ થોડો આવવાનો હતો ? ઊલટાનું એનાથી તો મારાં કુટુંબીઓ માટે વધુ ગૂંચવાડાભરી સમસ્યાઓ ઊભી થાત ને ?

બારીના કાચમાંથી દેખાનારા એ રંગારાને મેં મનમાં ને મનમાં પ્રણામ કર્યા, મારી ફરજનું ભાન કરાવી આપવા માટે. ઘડીભર માટે મેં આંખો મીંચી લીધી. મને મારી પોતાની જ ઓળખાણ થઈ ગઈ છે એવી ખાતરી જ્યારે થઈ ત્યારે મેં આંખો ખોલી. સામે મિત્ર ઊભો હતો, એની સામે મેં હસીને જોયું. મારા પલટાયેલા ‘મૂડ’ સામે એ નવાઈથી જોઈ રહ્યો. એને શી ખબર કે હમણાં થોડી જ ક્ષણો પહેલાં મારો પુનર્જન્મ થઈ ચૂક્યો હતો.