મોતિયો – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

કેટલીક વ્યક્તિઓએ ચોકસાઈને જીવનમાં વણી લીધી હોય છે. ચોક્કસ સમયે ઊઠવું, ચોક્કસ સમયે જમવું, ચોક્કસ સમયે નોકરી-ધંધાના સ્થળે જવું કે પછી ચોક્કસ પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવો.
આશિષ આમાંનો એક હતો.
બારમું ધોરણ પાસ કર્યા પછી એને મેડિકલમાં એડમિશન ન મળ્યું ત્યારે બહુ વિચારીને એણે જિંદગીનો નવેસરથી પ્લાન બનાવ્યો. તબીબીશાસ્ત્ર સાથે નાતો જોડી જ રાખવો. ભલે ડૉક્ટર ન બની શક્યો પણ દવા સાથે તો સંલગ્ન થઈ શકાય ને ! એણે બી.એસ.સી વીથ ફાર્મોકોલોજીનો અભ્યાસ અપનાવ્યો. બી.ફાર્મ થઈ એક મેડિકલ સ્ટોર ખોલવો અને એ પણ નવી બંધાનારી હૉસ્પિટલ સામે જ. શહેરના પરિરસથી થોડી બહાર આ હૉસ્પિટલ બંધાશે ત્યારે આજુબાજુ મેડિકલ સ્ટોર, તો જરૂરિયાત બની જવાનો.

એણે પોતાના ભવિષ્યની રૂપરેખા બનાવી, પિતાને વાત કરી. પોસ્ટ-માસ્તર તરીકે નોકરી કરતા પિતા ચંદુભાઈને પુત્રની વાત વાજબી લાગી. એણે ગણતરી કરી કે પુત્ર બી.ફાર્મ થઈ બે-ત્રણ વર્ષ કોઈ દવાની દુકાને અનુભવ લઈ સ્ટોર કરે ત્યાં સુધીમાં એનો નિવૃત્તિકાળ પણ આવી જશે અને નિવૃત્તિમાં સ્ટોરની પ્રવૃત્તિમાં જોડાઈ શકશે. આવી બધી વાસ્તવિકતાઓએ લક્ષમાં રાખી પિતાએ સહમતી આપી કે હૉસ્પિટલની આજુબાજુમાં કોઈ જગા મળી જાય તો અત્યારથી જ લઈ લેવી. ભવિષ્યમાં કામ લાગશે. એકના એક પુત્રને લાઈનસર ચડાવવામાં જે મદદ થાય તે.

પુત્રએ અભ્યાસમાં મન પરોવ્યું અને પિતાને જગાની શોધમાં. એમના પ્રયત્નો ફળ્યા. હૉસ્પિટલની સામે જ એક નવા બંધાતા કોમ્પ્લેક્સમાં એમને બે ગાળાની દુકાન મળી ગઈ. અત્યાર સુધી એકઠી કરેલી તમામ બચત એમણે આ જગામાં રેડી દીધી. ભવિષ્યમાં અહીં મેડિકલ સ્ટોર ઊભો કરવો છે એ ગણતરીએ ચાલુ બાંધકામે થોડા ફેરફાર પણ કરાવી લીધા. પિતા-પુત્ર ભવિષ્યની રૂપરેખા પ્રમાણે આગળ વધતા જતા હતા. આશિષે અભ્યાસ પૂરો કરી ડિગ્રી મેળવી કે એક દવાની દુકાને નોકરીએ રહી ગયો. નોકરી દરમ્યાન એણે દેશભરની દવાઓ બનાવતી કંપનીઓ અને એમની દવાઓની જાણકારી મેળવી લીધી. રાત-દિવસ એક કરી એણે દવાના વેચાણ પર મળતું કમિશન, ઈન્સેન્ટિવ, બિલ-ચુકવણીના દિવસો, ક્રેડિટ પર મળતો માલ વગેરેની માહિતી મેળવી લીધી. ફાઈનલ-યરનો મેડિકો જેટલી મહેનત કરે એવી જ, એનાથી બલકે વિશેષ જહેમત એણે ઉઠાવી. મન પર એક જ ધૂન સવાર હતી કે મેડિકલ સ્ટોર ઊભો કરવો જ. આ ધૂન એણે બરાબર કેળવી અને એક દિવસ એણે ‘આશિષ મેડિકલ સ્ટોર’ ઊભો કરી દીધો.

ધંધો કરવો એ સહેલી વાત તો નહોતી જ. દર્દીનાં સગાંવહાલાં જે પ્રિસ્ક્રિપ્શન લઈ આવતા એમાંની ઘણી દવાઓ એની પાસે નહોતી. પિતાએ નિવૃત્તિ લાભમાંથી મળેલી સારી એવી રકમ ખર્ચી કાઢેલી છતાંય દવાની કંપનીઓ પાસેથી વધુ માલ મેળવવા પૈસાની જરૂરત રહેતી જ એટલે આશિષે નક્કી કર્યું કે બેન્ક લોન લઈને ખાસ પ્રકારની દવાઓ દુકાનમાં રાખવી. એના સ્ટૉર્સનું જે બેન્કમાં ખાતું હતું એના મેનેજરને એ મળ્યો. બૅન્ક મેનેજર કૈલાસચંદ્રની મથરાવટી મેલી. એ મથરાવટીથી અજાણ એવા આશિષે જ્યારે એનો સંપર્ક સાધ્યો ત્યારે કૈલાસચંદ્રે લોન આપવાની ચોખ્ખી ના પાડી દીધી અને સંભળાવ્યું – ‘પહેલાં મારી બેન્કમાં ચાલુ ખાતું ખોલાવો એ પછી તમારા ખાતાના તમામ વ્યવહારો અમે જોઈએ અને નક્કી કરીએ કે તમને લોન અપાય કે નહિ.’
‘પણ સાહેબ, છેલ્લા આઠ મહિનાથી તમારી બેન્કમાં મારું ખાતું છે. આ રહ્યો મારો ખાતા નંબર. તમે એ જોઈ નક્કી કરી શકો છો કે મને કેટલી અને કેવા પ્રકારની લોન જોઈએ છે.’
‘તમારે કઈ ફેસીલીટી જોઈએ છે ?’ ચૂંચી આંખ કરી કૈલાસચંદ્રે પૂછ્યું.
‘કેશ ક્રેડિટ.’
‘સ્ટોરમાં કેટલો માલ છે ?’
‘છ-સાત લાખ રૂપિયાનો તો ખરો જ.’
‘સ્ટોક સ્ટેટમેન્ટ છે ?’
‘આ રહ્યું’ કહી એણે સાથે લાવેલું સ્ટોક રજિસ્ટર બતાવ્યું. સ્ટોક રજિસ્ટરનાં કેટલાંક આડાં-અવળાં પાનાં ફેરવી હવે મેનેજરે રસ બતાવ્યો અને કહ્યું –
‘કેટલી લોન જોઈએ છે ?’
‘પાંચ લાખ રૂપિયા સુધીની.’
‘હંઅઅઅ….’ કહી એણે ફરી રજિસ્ટરમાં થોડાં પાનાં ફેરવ્યા અને પછી પૂછ્યું –
‘વાર્ષિક સરવૈયું છે ?’
‘સાહેબ, હજી વર્ષ પૂરૂં થયું નથી પણ આજ સુધીનું કાચું સરવૈયું બનાવ્યું છે. આ રહ્યું એ’ કહી એણે સરવૈયાની નકલ રજૂ કરી. ફરી એમાં ચંચુપાત, ફરી થોડા સવાલ-જવાબ અને પછી કૈલાસચંદ્ર બોલ્યા : ‘સારું, લોન-ફોર્મ ભરો. લોનનું ફોર્મ કેશ-ક્રેડિટ વિભાગમાંથી મળશે. મકવાણાને મારું નામ દેજો એટલે આપી દેશે. ન આપે તો મારી પાસે આવજો.’

કૈલાસચંદ્રને આ ગ્રાહક ‘હૃષ્ટપુષ્ટ બકરા’ જેવો લાગ્યો. બે દિવસમાં લોન ફોર્મ ભરી આશિષે એ બેન્કમાં રજૂ કરી દીધું. જેટલી વિગતો માગી હતી એ ચોકસાઈ કરીને ભરી હતી છતાંય મેનેજર કૈલાસચંદ્ર કોઠું આપતો નહોતો. ‘તમારી અરજી વિચારણા હેઠળ છે, ‘વિગતો તપાસાઈ રહી છે’, ‘જામીનોની ચકાસણી થઈ રહી છે’ જેવાં બહાનાં બતાવી અરજી કર્યાંની તારીખથી દિવસો લંબાવતો ગયો. આખરે એને એક ખાતેદાર તરફથી જાણવા મળ્યું કે મેનેજરને પેટમાં ક્યાં દુ:ખે છે ! એ ખાતેદારને વચમાં રાખી આશિષે જાણ્યું કે લોન મંજૂર કરવા કૈલાસચંદ્રની આંગળીઓ અને હથેળી મજબૂત થવી જોઈએ. એ વિના એ બિચારો મંજૂરીની મહોર કેમ મારી શકે ? આશિષ પાસે કોઈ રસ્તો નહોતો. પાંચ લાખ રૂપિયાની એને સખત જરૂર હતી. ભલે એ સ્ટોર્સના વહીવટમાં ચોખ્ખો હોય પણ અહીં ચોખલિયાઈ ચાલે નહિ. એણે પિતાની સલાહ લઈ, વ્યવહારબુદ્ધિ કેળવી અને મેનેજરની કેબિનમાં બેઠાબેઠા રૂપિયા ઉપાડ્યા. પ્યૂન ટોકન લઈ પૈસા લાવ્યો અને નોટોનું બંડલ કૈલાસચંદ્રની ઑફિસ બેગમાં પૂરાઈ ગયું.

એ પછી તો ત્રણ-ચાર વર્ષના ગાળામાં આશિષ મેડિકલ સ્ટોરે જબરું ગજું કાઢ્યું. લગભગ તમામ જીવનરક્ષક દવાઓ એણે સ્ટોરમાં ઉપલબ્ધ કરી દીધી. પિતા હવે મેડિકલ સ્ટોરમાં બેસતા હતા એટલે એને કોઈ માણસ રાખવાની જરૂર ઊભી ન થઈ. આશિષે હોસ્પિટલના તમામ ડૉક્ટરો સાથે સારો સંબંધ કેળવી એમને ધંધામાં મદદરૂપ થવા કહ્યું. સાથેસાથે એણે ડૉક્ટરોને વિનંતી કરી કે જે ગરીબ દર્દી દવાના પૈસા ખર્ચી ન શકે તો એની ભલામણ અવશ્ય કરજો. સ્ટોરમાંથી એને દવાઓ વિના મૂલ્યે અપાશે. આમ તો સ્ટોર્સ રાત્રે નવ વાગે બંધ થઈ જતો. પણ એના સ્ટોરના શટર્સ પર એના ઘરનો ફોન નંબર ચીતરાવી લીધો. કોઈ પણ જીવનરક્ષક દવા ક્યાંયથી ઉપલબ્ધ ન થાય તો એના ઘેર ફોન કરવો. આશિષ આમ તો હૉસ્પિટલમાં જ ફરતો રહેતો. ગરીબ દર્દીઓના કુટુંબીજનોને જો ટિફિનની જરૂર પડે તો એ પહોંચાડતો, ડોક્ટરો પાસેથી અદ્યતન દવાઓની માહિતી મેળવતો અને એ દવાઓનો સ્ટોક ઊભો કરી લેતો. હૉસ્પિટલના પરિસરમાં હવે એવું કહેવાતું કે કોઈ દવા ક્યાંયથી ન મળે તો આશિષ મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવી. કોઈને નિરાશ નહિ થવું પડે. જરૂર પડ્યે, ગાંઠના પૈસા ખર્ચી એ કંપનીમાં ફોન કરી, પ્લેન મારફત દવા મંગાવી લેતો. સૌને મદદરૂપ થવાની ભાવના ધંધાની બરકરત લાવી ગઈ. આશિષ અડધો ડૉક્ટર જ થઈ ગયો હતો. વગર અભ્યાસે એ ડૉક્ટર ઑફ મેડિસીન ગણાઈ ગયો. વર્ષો પહેલાં ડૉક્ટર બનાવાની એની મનોકામનાઓ આ રીતે સંતોષાઈ એનાથી આશિષને આનંદ હતો.

એક વખત બેન્ક મેનેજર કૈલાસચંદ્ર એના સ્ટોર્સ પર આવી ચડ્યા અને એની સામે ડૉક્ટરે લખી આપેલું પ્રિસ્ક્રિપ્શન ધરી દીધું. પ્રિસ્ક્રિપ્શનમાં છ મોંઘા ભાવનાં ઈંજેક્શનો લખેલાં. લાઈફ સેવીંગ ડ્રગ્જ એ ફ્રીજમાં સાચવી રાખતો હોવાથી આશિષે ફ્રીજ ઉઘાડ્યું. એમાં દસ ઈંજેક્શનોનું બોક્સ પડ્યું હતું. આ એક ખૂબ જ મહત્વનાં ઈંજેક્શનો હતાં. ફ્રીજ બંધ કરી ફરી એ કાઉન્ટર પર આવ્યો અને કહ્યું :
‘સોરી સાહેબ, આ ઈંજેક્શનો સ્ટોકમાં નથી.’
‘પણ ડૉક્ટર ભણશાળીએ કહ્યું હતું કે આ ઈંજેક્શનો તમારી પાસે છે.’
આશિષ હસ્યો. એણે ખૂબ જ નમ્રતા દાખવી કહ્યું : ‘ડૉક્ટર ભણશાળી સાચા છે. એ ઈંજેક્શનો હું રાખું છું પણ હમણાં કંપનીના કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે કશો ગજગ્રાહ ચાલતો હોવાથી કંપની માલ મોકલવામાં ઢીલ કરે છે. નિયમિત રીતે કન્સાઈન્મેન્ટ આવતાં નથી.’
‘તો પછી આ ઈંજેક્શનો ક્યાંથી મળશે ?’
‘હું ધારું છું કે લગભગ કોઈ જાણીતા સ્ટોર્સમાં નહિ હોય કારણ કે ઈંજેક્શનો ખૂબ મોંઘા છે અને એટલું મોટું ઈન્વેસ્ટમેન્ટ કોઈ નથી કરતું. એનો વપરાશ ખૂબ ઓછો. દર્દી છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે આ ઈંજેકશનોનો ડોક્ટરો સહારો લે છે….’
‘મારાં મધર ખૂબ જ સિરિયસ છે અને હમણાં જ એક ઈંજેક્શન આપવું પડે એમ છે….’
‘તમારી વાત સાચી. તમે બીજાં સ્ટોર્સમાં તપાસ કરો ને’ કહી આશિષ બીજા ઘરાકો તરફ વળ્યો. હવે એને આ બેન્કની કે એના મેનેજરની જરૂર નહોતી. એને હવે સામે ચડીને બીજી બેન્કો મદદ કરતી હતી.

અડધો-પોણો કલાક પછી કૈલાસચંદ્ર ફરી આશિષ પાસે આવ્યા અને આર્જવભર્યા સ્વરમાં કહ્યું :
‘પ્લીઝ આશિષભાઈ, તમે આ ઈંજેક્શનો ક્યાંકથી પણ મેળવી આપશો ? મારાં મધરની જીવાદોરીનો આ સવાલ છે. હૉસ્પિટલની નર્સો અને મેટ્રનો કહે છે કે તમે ક્યાંકથી પણ આ ઈંજેકશનો મેળવી આપો છો…’
‘તમે સાહેબ, એક કામ કરો. મુંબઈમાં તમારી બેન્કની શાખાઓ છે ને એમાં કામ કરતા તમારા મિત્રને ફોન કરો. એ મુંબઈમાંથી આ ઈંજેક્શનો મેળવી શકશે. આ ડ્રગ્સ મેન્યુફેકચરીંગ કંપની મુંબઈની છે એટલે ત્યાંથી પણ એ મેળવી શકશે. એ પછી આ ઈંજેક્શનો મેળવી તમારો મિત્ર એરપોર્ટ પર જાય…’
‘રહેવા દો ને સાહેબ, ખરે વખતે આવા કોઈ મિત્રો તકલીફ નથી ઉઠાવતા…’
‘અરે, ક્યાંક તો તમે આંબો વાવ્યો હશે ને ?’ આશિષે વેધક દષ્ટિથી કૈલાસચંદ્રની સામે જોયું. કૈલાસચંદ્ર નીચું જોઈ ગયા. કશું બોલ્યા વિના એ કાઉન્ટર પાસે ઊભા રહ્યાં.
આખરે આશિષે કહ્યું : ‘તમને એક શરતે આ ઈંજેક્શનો મેળવી આપું.’
‘કઈ ?’
‘તમે મારા સ્ટોર્સની કેશ ક્રેડિટ મંજૂર કરાવતી વખતે જેટલા પૈસા મારી પાસે લીધા હતા એટલા પૈસા વ્યાજસહિત ચૂકવી આપો તો હું સાંજ સુધીમાં ઈંજેક્શનો મેળવી આપું.’
‘પણ ત્યાં સુધીમાં મોડું નહિ થઈ જાય ?’
‘ઓ.કે. તમે પૈસા એકઠા કરીને જ્યારે મારી પાસે આવો ત્યારે ઈંજેક્શનો હાજર રાખું. હું કંપનીના પ્રતિનિધિને, કંપનીને કે અન્ય સ્થળોએ તપાસ કરી બે-ત્રણ ઈંજેક્શનો તો જરૂર મેળવી આપીશ.’

કૈલાસચંદ્ર ગયા અને કલાકમાં નોટોની થોકડી લઈ પાછા ફર્યાં. નોટો ગણી આશિષે એને તિજોરીમાં મૂક્યા અને છ ઈંજેક્શનોનું બિલ બનાવી કૈલાસચંદ્ર સામે ધર્યું. કૈલાસચંદ્રે પૈસા ગણી આપ્યા. એને ગલ્લામાં મૂકી આશિષ કૈલાસચંદ્ર સામે મીઠું મલક્યો.
‘ઈંજેક્શનો ? એ આપોને એટલે હું ડૉક્ટર ભણશાળીને આપી આવું.’
‘એ ઈંજેક્શનો તો ક્યારનાંય ડૉ. ભણશાળી પાસે પહોંચી ગયા છે. એમાંનું એક તો તમારા મધરને અપાઈ પણ ગયું હશે. મેં ડો. ભણશાળી સાથે વાતચીત પણ કરી લીધી છે…. જુઓ મેનેજર સાહેબ, મારે તમને એક વાત કહેવી છે. કયો માણસ ક્યારે ખપમાં આવશે એની આપણને ખબર નથી હોતી. હૉસ્પિટલનો મામૂલી માણસ પણ આપણે ધાર્યું ન હોય ત્યારે લોહી આપવા તૈયાર થઈ જાય છે. તમે થોડાંક આંબા વાવતા શીખો ને ? ક્યાં સુધી આવી ખાયકી કરતા રહેશો ? સરકારે તમને સેવા માટે મોટી પદવી આપી છે. તગડો પગાર બાંધી આપ્યો છે ને સુવિધા માટે એરકન્ડિશન્ડ ઑફિસ અને કેટકેટલાય એલાવન્સીસ આપે છે. તમારે પેટ ભરવા જોઈએ કેટલું ? સેવા કરતા શીખશો તો કેટકેટલાય અજાણ્યા શખ્સોની મદદ ટપકી પડશે પણ બાવળ વાવશો તો કપરી ગરમીમાં એનો છાંયડો ટાઢક નહિ આપે. જાઓ, હવે તમારી મા પાસે બેસો અને ઈશ્વરને પ્રાર્થના કરો કે એ બચી જાય. આ મારું વિઝિટિંગ કાર્ડ. મારો સ્ટોર્સ રાત્રે બંધ રહે છે પણ ફોન કરશો તો અડધી રાત્રે પણ ઉઘાડીને હું દવાઓ આપીશ….’

કૈલાસચંદ્ર આ માણસને જોઈ રહ્યા. પહેલી વખત એ બેન્કમાં લોન લેવા આવ્યો ત્યારે જે ચશ્મામાંથી આ માણસને નિહાળ્યો હતો એના કરતાં અત્યારે એ જુદો લાગ્યો. એને થયું ચશ્માનાં નંબર બદલવાની જરૂર છે અથવા આંખની ફેરતપાસ કરાવવી પડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવવું કે મરવું ? – અનુ. અરુણા જાડેજા
સંબંધો નવા સ્વરૂપમાં – મકરંદ કવઠેકર Next »   

32 પ્રતિભાવો : મોતિયો – ગિરીશ ગણાત્રા

 1. Rajan says:

  ખુબ સરસ….

 2. Urmila says:

  તમે થોડાંક આંબા વાવતા શીખો ને ? ક્યાં સુધી આવી ખાયકી કરતા રહેશો ? સરકારે તમને સેવા માટે મોટી પદવી આપી છે. તગડો પગાર બાંધી આપ્યો છે ને સુવિધા માટે એરકન્ડિશન્ડ ઑફિસ અને કેટકેટલાય એલાવન્સીસ આપે છે. તમારે પેટ ભરવા જોઈએ કેટલું ? સેવા કરતા શીખશો તો કેટકેટલાય અજાણ્યા શખ્સોની મદદ ટપકી પડશે પણ બાવળ વાવશો તો કપરી ગરમીમાં એનો છાંયડો ટાઢક નહિ આપે.

  well written words – as you saw so shall you reap

 3. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. તમે ગીરીશભાઈની કોઇ પણ વાર્તા વાંચો સાથે એક મેસેજ જરુર હશે જ. અને દરેક વાર્તાનો મેસેજ જીવનપયોગી હોય છે. ખુબ સરસ.

 4. kumar says:

  ખરેખર ખુબ સરસ વાત કહી.

 5. આજના સરકારી કમૅયોગીઓ માટે પ્રેરણાદાયક…

  માણસ કંઈ નહિં તો બે જગ્યાએ રિ-ફોમૅ થતો હોય છે..હોસ્પિટલ અને સ્મશાન..સ્વજનને અગ્નિની જ્વાળાઓમાં પંચમહાભુત થતા જોઈને..!!!

 6. Paras says:

  Good…Very Good….Keep it Up…

 7. Ravi , japan says:

  wah girish bhai !!!
  very nice story and good message !!

 8. Moxesh Shah says:

  Excellent Story. Very good message. Enjoyed a lot.

  Title of the story might be worked out more effectively/appropriately.

 9. Aparna says:

  story gives a good message and a plesant ending too
  plz post more stories like this

 10. કુણાલ says:

  ખુબ સુંદર લેખ .. !!

 11. Rupal says:

  Very nice story.

 12. payal says:

  Very nice. If God gives u more than u need then its ur responsibility to spread it. God gives u love then u must give other love.Thats is called “life”.

 13. SAKHI says:

  VERY NICE ARTICAL

 14. nayan panchal says:

  કયો માણસ ક્યારે ખપમાં આવશે એની આપણને ખબર નથી હોતી. હૉસ્પિટલનો મામૂલી માણસ પણ આપણે ધાર્યું ન હોય ત્યારે લોહી આપવા તૈયાર થઈ જાય છે. તમે થોડાંક આંબા વાવતા શીખો ને ?

  આંબા વાવવાની તક જ્યારે પણ મળે છોડવી નહિ, ફરી કદાચ ન પણ મળે.

  નયન

 15. Veena Dave,USA. says:

  આન્બા વાવવા ખુબ જરુરિ …….સરસ વારતા…આભાર ગણાત્રાભાઈ.

 16. Jaydev says:

  nice one

 17. Kanchanamrut Hingrajia says:

  માત્ર કોઈ ખપમાં આવશે તેટલા માટે જ તેની સાથે સંબંધ રાખવો તે તો સંબંધોનો વેપાર જ છે.ખપની અપેક્ષા આપણને સ્વાર્થિ બનાવે છે.”કયો માણસ ક્યારે ખપમાં આવશે એની આપણને ખબર નથી હોતી.”તેટલું પણ ધ્યાનમાં રાખીને માણસ સારો બને તો પણ ઘણું.

 18. mshah says:

  excellent story.

 19. jayesh dave says:

  બાવળિયા વાવિ અને આંબા નિ આશા ન રખાય એ કહેવત યાદ આવિ ગૈ.

 20. Kavita says:

  Very good treatment to the subject. Personally I am touched by the ” Amba vavta shikho”. Very well said.

 21. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સરસ વાર્તા.

 22. JITENDRA BAROT says:

  very well said and thank you very much to all. just keep it up for the future…

 23. Dhaval B. Shah says:

  બહુ સરસ.

 24. girish says:

  VERY NICE

 25. ઉમંગ says:

  અદભુત્…..

 26. ઉમંગ says:

  આંબા વાવસો તો કેરી મળસે અને બાવળ વાવસો તો કાંટા મળસે…..

 27. Vaishali Maheshwari says:

  Excellent story.

  Ashish taught a very good lesson to the bank manager. We never know in our life, we can need anyone’s help at anytime. It is better to have a helpful and an honest nature.

  Thank you Mr. Girish Ganatra.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.