સંયુક્ત કુટુંબનો મૂલ્યસભર આનંદ – કલ્લોલિની હઝરત

સંબંધો વગરનું જીવન કલ્પી શકાતું નથી. કુટુંબીજનો, સગાંસંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, કાર્યક્ષેત્રના સહકાર્યકરો – કયા સંબંધો, આજે મને ખૂબ સ્પર્શે છે એ અભિવ્યક્ત કરવું ઘણું જ કઠિન છે. દરેક સંબંધ વિવિધ છે, ભાવસભર છે, પ્રિય છે; છતાં આજના ભૌતિકવાદનાં અનેક પ્રલોભનોની ભરપૂર અને અતિવેગભર્યા સમય સાથે ડગ માંડવાના પ્રયત્નો તો કરતાં હોઈએ છીએ છતાં મન અને હૃદયમાં, એવા સ્પંદનો તો જાગે જ છે કે આ સતત દોડધામમાં અન્યોન્ય સ્પર્ધા સેવતા સમયમાં જીવનનાં નૈતિક મૂલ્યો ઘસાતાં જાય છે. એટલે જ આજે હું એ સમયમાં સરકી જઉં છું કે જ્યારે આ મૂલ્યો વ્યક્તિઓના રોજિંદા જીવનમાં વણાઈ ગયેલાં હતાં. મારાં માતા-પિતા, કાકા-કાકી સાથેના સંયુક્ત કુટુંબમાં જે શૈશવ અને કન્યાકાળનાં વર્ષોના સંબંધ, તે વર્ષોના અનુભવો આજે તો મને સુંદર સ્વપ્ન સમા લાગે છે.

સંયુક્ત કુટુંબની ભાવના તો એવી કે અમે ત્રણ બહેનો – એક ભાઈ અને કાકાની બે દીકરીઓ – એક દિકરો – પણ કોણ કોનાં સંતાન ! ઘણીવાર મહેમાઅનોને પ્રશ્ન થઈ પડતો.

મારા પિતાનો એમના ભાઈ માટેનો અનન્ય પ્રેમ તે કેવો ! સવારે મારા કાકાના ઊઠ્યા પહેલાં મારા પપ્પા ચાનો કપ પણ ન લે અને કાકા બહાર ગયા હોય તો એમના ઘરે આવતાં પહેલાં જમવાની વાત નહીં. તે જ રીતે કાકાનું એમના પ્રત્યેનું માન, મન સાચવવું; આ સર્વની સાક્ષી હું આજે ખૂબ nostalgia થી એ સમય યાદ કરું છું.

મારાં મા-કાકીની જોડી એટલે સમજણ અને સમજ સાથેનાં સાઠ વર્ષની અન્યોન્ય માયા. આજે જરા-જરામાં કંટાળો દર્શાવતાં બાળકોને તથા મોટાંઓને જોઈએ ત્યારે મા-કાકીનું કોઈ પણ અપેક્ષા વગરનું ઉદ્યમી જીવન મારે માટે પ્રેરણાદાયી દષ્ટાંત બની રહેતું. દિવેટિયાં કુટુંબ પ્રાર્થનાસમાજી હતું. છતાં સવારે પૂજાપાઠ, રસોઈ-મોડી વયે મહારાજ રસોઈ કરે. છતાં મોટા રસોડાના વરંડામાં રસોઈને લગતી કંઈ ને કંઈ પ્રવૃત્તિ, દરેકને ભાવતી વાનગી વારાફરતી બનાવવી, બપોરે પત્રલેખન, સાંજે ફરીથી સ્નાન કરી સીવવા-ભરવા-ગૂંથવાની પ્રવૃત્તિ, મહિલાપરિષદના કાર્યક્રમોમાં હાજરી, મારાં ભાભી ક્ષમાની સ્કૂલના વાર્ષિક સમારંભમાં જરૂર જઈ કાર્યક્રમને અંતે પ્રિન્સિપાલને અભિનંદન આપવાં, સંગીત કાર્યક્રમોમાં જવું, વાંચન, મહેમાનોની અવરજવર, દરેકને ચા-નાસ્તા, પાડોશનાં બાળકો માટે કાગળ-પેન્સિલ, બૉકસ રાખી મૂકવા, આવે ત્યારે ભણાવવા, બન્ને અન્નપૂર્ણાં સમા અમારા ઈનામી ગામના પટેલ, મહેતાજી, ખેડૂત કોઈ પણ અચાનક આવે તો ઉદ્યમથી નવેસરથી રસોઈ બનાવી પ્રેમથી જમાડવા – ઘરનાં કામ કરનારી છોકરીઓ માટે જાતે થાળી પીરસવી, જેથી કોઈ પણ વાનગી આપવાની રહી ન જાય : એનાં છોકરાં નિશાળેથી આવે તેમને માટે દૂધ અને નાસ્તો તૈયાર રાખવો, એમના અભ્યાસમાં ઊંડો રસ લેવો – એ સર્વે પણ કુટુંબીજન સમા જ હતા. આ સર્વે કાર્યોમાં પુત્રીસમાન પુત્રવધૂઓ શોભના-ક્ષમા એટલો જ રસ દાખવતાં. આ બધો ક્રમ જીવનનાં છેલ્લાં વર્ષો સુધી ચાલુ હતો; આ દિનચર્યામાં કંટાળાને અવકાશ જ ક્યાં હતો ! ફાવશે-ગમશે-ભાવશે એ મંત્ર સાથે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ અને સંતોષથી સમાઈ જવું એ એમને માટે સ્વાભાવિક હતું.

મારા પિતાના જીવન પ્રત્યેના અભિગમનો વિચાર કરું તો એમ લાગે કે આવી વ્યક્તિ હોઈ શકે ? કુટુંબમાં એક લગ્નપ્રસંગે મારી સાથે મુંબઈથી પ્રતિમાફોઈએ એક કવરમાં પત્ર અને લગ્નપ્રસંગનો ચાંલ્લો મોકલ્યા હતા. એ કવર મારા પપ્પાથી કંઈ મુકાઈ ગયું અને શોધતા હતા ત્યારે ઘણાં વર્ષો સુધી આ નિર્દોષ વાતાવરણથી દૂર રહેલી મારાથી બોલાઈ ગયું, ‘અરે, એમાં તો પૈસા હતા !’ મારા પપ્પાએ કહ્યું, ‘એ તો ઠીક છે પણ ખાસ તો એમાં પ્રતિમાફોઈના હાથે લખેલો પત્ર હતો તે ખાસ શોધું છું.’ આવા તો અનેક પ્રસંગો એમના નિર્દોષ, નિષ્કપટી સ્વભાવને અભિવ્યક્ત કરી શકે.

કાકાનો બાળકો પ્રત્યેનો પ્રેમ અનન્ય હતો. રોજના ક્રમની કોઈ પણ વસ્તુ, નિશાળમાં જરૂરી વસ્તુઓ માટે અમે એમની પાસે જ જતાં. અમદાવાદની કૉલેજમાં મોટર ચલાવી લઈ જવા માટે મને એટલું જ પ્રોત્સાહન. એ પ્રેમ અમારાં બાળકો સુધી વિસ્તર્યો. સર્વેને ભેગાં કરી અમારી કોકા-કોલાની ફૅકટરી જોવા લઈ જવા, આઈસ્ક્રીમ ખાવા, સિનેમા જોવા લઈ જવા વગેરે. બાળકો માટે આ સમય ફાળવવો, એમને જુદા-જુદા ઍક્સ્પોઝરની તક આપવી એ એમના અંતરના પ્રેમ અને લાગણી દર્શાવે છે. બાહ્ય દેખાવ ખાતર કંઈ પણ કરવું એ આ ચાર જણને વિચાર સુદ્ધાં ન આવે.

આ વાતાવરણમાં એમને ભાંડુઓને તો સ્વૈરવિહાર શાળાએ જવાનું, ભણવામાં એકાગ્રતા રાખવાની, જરા પણ ખલેલ નહીં, પ્રથમ નંબરે પાસ થયાનો એટલો જ આનંદ. ઈતરપ્રવૃત્તિઓ તો કેટકેટલી; અમારા બંગલાનું વિશાળ કમ્પાઉન્ડ હતું. મારા કાકાને કહેવાની જ વાર. બૅડમિન્ટન રમીએ એટલે ખાસ બેડમિન્ટન કોર્ટ કરાવી. રાત્રે રમી શકીએ એ પ્રમાણેની લાઈટની વ્યવસ્થા કરાવી આપી; પછી તો ઘણાં વર્ષ માટે બૅડમિન્ટન કલબ ચલાવતા. આસપાસ રહેતા આ સર્વે ફી વગર આનો લાભ લેતા; મારી કઝીન ઉલ્લાસીની બૅડમિન્ટન ચૅમ્પિયન થઈ હતી.

એક મોટા રૂમમાં ટેબલટૅનિસની પણ વ્યવસ્થા હતી. અમારા મિત્રો ભેગાં મળી દર વર્ષે અમે સ્પોર્ટ્સનું આયોજન કરતાં. એટલી જ સુવિધા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે મળતી. ખૂબ નાની વયથી શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે ઉસ્તાદ આવતા. અમારા બંગાળી મિત્રો પાસે ઘણાં બંગાળી ગીતો શીખતા. દર વર્ષે ભેગાં મળી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ તે માટે કંપાઉન્ડમાં પડદા સાથે સ્ટેજ બંધાઈ જાય. આવા પ્રોત્સાહનને કારણે તો કવિ ન્હાનાલાલની અપદ્યાપદ્ય નાટ્યકૃતિ જયા-જયન્તમાં જયાનું પાત્ર ભજવી શકી. મારી બહેનો શાલિની, અવનિ, ચેતના, ઉલ્લાસિની, ભાભીઓ ક્ષમા-શોભના વગેરે નેજા હેઠળ નવરાત્રિ ગરબા દર વર્ષે હૉલના સ્ટેજ પર રજૂ કરતાં. પ્રૅક્ટિસ અમારી અગાસીમાં થાય. મા-કાકી કોઈ-કોઈ કામ પરથી આવતી બહેનોને આગ્રહપૂર્વક ચા-નાસ્તો જરૂર આપતાં. પ્રોગ્રામની પુસ્તિકા માટે તો પપ્પા-કાકા ખાસ આગ્રહ રાખતા. ભાઈઓ ગૌરાંગ-પ્રદીપ આ કાર્યક્રમને લગતા સઘળા બહારનાં કામ ઉપાડી લેતાં.

આ સાથે સંગીતના સૂરો, સાહિત્યનું વાંચન એ તો જીવનક્રમમાં વહેતા. કબાટ ભરીને સુસાહિત્યનાં પુસ્તકો – શરદચન્દ્ર, રમણલાલ દેસાઈ, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, ખાંડેકર – અનેક પ્રસિદ્ધ પુસ્તકોના સેટ વસાવી શાળાના દિવસોમાં જ વાંચેલા. અંગ્રેજી સાહિત્ય પણ એટલું જ. નરસિંહરાવની રોજનીશીથી તો મોટાં કબાટો ભરેલાં હતાં.

વૈભવી કે ધનાઢ્ય જીવનશૈલી નહીં છતાં કમ્ફર્ટેબલ જીવનમાં આંતરિક સમૃદ્ધિ ભરી-ભરી હતી. સંતોષ, પ્રેમ, લાગણીની સુગંધ ચોમેર પ્રસરાયેલી રહેતી. આ માતા-પિતા (ફ્લૉરા-અરુણકાન્ત) તથા કાકા-કાકી (મીનાક્ષી-નિશિકાન્ત) સાથેના આ સંબંધોનો ઈમ્પેકટ આજે પણ એટલો જ તીવ્ર છે. એની સુવાસ આજે પણ મનને વિશુદ્ધ બનાવી શકે છે. આ અનુભવો, આ વર્ષો, આ અપેક્ષારહિત પ્રેમ અને લાગણી મારે માટે દીવાદાંડી સમાન છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવો પત્થર વિશ્વમાં મળશે નહીં – ડૉ.વિવેક મનહર ટેલર
પૈસો અને પ્રેમ – પ્રસાદ માહુલીકર Next »   

11 પ્રતિભાવો : સંયુક્ત કુટુંબનો મૂલ્યસભર આનંદ – કલ્લોલિની હઝરત

 1. meena chheda says:

  માનનીય કલ્લોલિની હઝરત બેન,
  આપને મળેલ સંસ્કાર સમૃદ્ધિના વારસાને શબ્દો દ્વારા આજે જ જાણ્યું .. બાકી આપના જીવન ને તો આ જ દીવાદાંડીના રસ્તે ચાલતા રોજ અનુભવીએ જ છીએ.. આજે આપના થકી જ ‘લેખીની’ ઘર પામી છે.. આપને પ્રણામ.
  મીના છેડા

 2. Neela says:

  આપની વાત સાવ સાચ્ચી છે કે સંયુક્ત કુંટુંબમાં રહેવું અને જીંદગી સરળતાથી પસાર થઈ જાય છે અને નાના મોટા દરેક જણા સચવાઈ જાય છે પરંતુ આ MACHINE નાં પૈડે ચાલતી દુનિયાના લોકોને તો સ્વતંત્રતા જોઈએ છે તો આ જમાનાનાં જુવાનિયાને કોણ સમઝાવશે?
  નીલા

 3. સુરેશ જાની says:

  કલ્લોલિની બહેન
  તમારા જેવા કુટુંબ જીવનની ઇર્ષ્યા આવે છે. પણ સામાન્ય અનુભવ એવો છે કે, સ્ત્રીઓમાં વધતા શિક્ષણ અને વધતી જતી અસહનશીલતા ની સાથે કુટુંબમાં એકવાક્યતા ઝાંઝવાના જળ જેવી થઇ ગઇ છે.
  સમાજની વાસ્તવિકતાઓને નજરમાં રાખીએ તો કુટુંબ વિભક્ત થાય પણ મીઠા સંબંધો જળવાઇ રહે અને દુઃખમાં સૌ સાથે થઇ જાય તો પણ ઘણું. વળી સામાન્ય રીતે મધ્યમ અને નીચલા વર્ગમાં શહેર્રી વિસ્તારોમાં રહેવાના મકાનોની સંકડાશ પણ ધાનમાં રાખવી ઘટે. બંગલામાં કે બધાનો સમાવેશ કરી શકે તેવા ફ્લેટમાં રહેવાનું કેટલા લોકોના નસીબમાં હશે?
  સંયુક્ત કુટુંબની શું વાત કરીએ? ન્યુક્લીયર કુટુંબોમાં પણ સહેજમાં તિરાડો તરત પડવા માંડે છે. મને જયવતીબેન કાજીનો સુંદર લેખ યાદ આવે છે. જેમાં એકવીસમી સદીની વાસ્તવિકતાનું અને બદલતા જતા સ્ત્રીઓના મિજાજનું તલસ્પર્શી દર્શન તેમણે આપ્યું છે.
  માટે ભલે કુટુંબો નાના થઇ જાય. પણ સુખ દુઃખમાં સાથે રહેવાની ભાવના રહે તો પણ ઘણું છે. આ માટે સાચા સંસ્કારો નું સિંચન ગળથૂથીમાંથી થાય તે વધારે જરૂરી છે.

 4. urmila says:

  Read article on joint family,enjoyed it -few years ago nearly all the families had the same loving atmosphere but there were families as well where there was lot of unhapiness – but times have changed and now there is an increase in nucleur family system BUT love for your children,love for your parents,love for your grandhildren is still the same in all human beings-every humanbeing when expressed love towards them either by smiling or by helping overworked youngesters (machine as neela says)responses with love or gratitude -they only need to be loved more through their own to make them realise that family warmth is an important part of their life to come to, at the end of a tiring/difficult/disappointing
  day – no matter how far they are physicaly – it is your relatioship with each member of the family that counts in this fast runnning world -living in western world what i have observed over the years is that young indian generation of today and their western community friends have realised the advantages 0f staying in joint families as they had the opportunity to compare them with the host community -having said that space/privacy needed for each individual doesnot permit the joint family system – but there are no restrictions on working hard to creat a good relationship with family members so that they stand by eachother in time of need

 5. bhavna says:

  aaje jyare T.V. ma SAASU VAHUNA ZAGDA,BHAI BHAI NI VACHHE DUSHMANI,BUSINESS GHARNI LADIES NA HATH MA,LADIESONU OFFMA JAVU,NANAMOTANU MAAN NA RAKHVU,SAJIDHAJINE KITTY PARTYMA JAAVU ETC dekhade chhe.koik to aava kutumb upper serial banavo to navi pedhi pan kai shikhe.kutunmbo tuta bache ane sayunkt pariwarni bhavna peda thai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.