મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી

[વ્યવસાયે ‘સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર’ માં કાર્યરત એવા શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) આ સુંદર મુલાકાત મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 94264 59564 પર અથવા આ સરનામે pranav.trivedi@sbi.co.in સંપર્ક કરી શકો છો. ]

dsc_9121

એકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત… આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીના મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદ – કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી.

કેટલાય દિવસથી આ વ્યક્તિને મળવાની મનમાં એક તડપ ઉઠી હતી. એમાંય જ્યારે જ્યારે કન્યા વિદાયનું પ્રસિદ્ધ ભાવભર્યું ગીત કાને પડે અને લૂંટાતો લાડ ખજાનો જોતાં રહી ગયેલાં કવિ દાદને મળવાની ઝંખના જોર પકડે. અંતે દસમી ફેબ્રુઆરીને મંગળવારે સાંજે ખિસ્સામાં સરનામાંની ચબરખી અને હૃદયમાં એક ગીતમાત્રથી અનેકને ભાવવિભોર બનાવી દેનાર કવિને મળવાનો રોમાંચ લઈ જુનાગઢના તેમના નિવાસસ્થાને પહોંચવાનો સુયોગ સાંપડ્યો. કશા જ પૂર્વ પરિચય વગર અને કોઈ દેખીતા દુન્વયી કારણ વગર સીધા જ પહોંચી જવાનો ક્ષોભ ત્યાં પહોંચતા જ ખરી પડ્યો અને ઔપચારિક વાતોની ક્ષણો બાદ પૂરા બે કલાક સુધી શબ્દ, સાહિત્ય અને સંવેદનાના ત્રિવિધ રંગે અમારૂં ભાવ વિશ્વ રંગાતું રહ્યું.

ગુજરાતમાં કોઈ કન્યા વિદાયનો પ્રસંગ એવો નહી હોય જેમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…’ એ ગીત ન વાગ્યું હોય. કવિ દાદની આ રચના માટે અહોભાવપૂર્વક અમે જ્યારે કહ્યું કે આપનું આ ગીત ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ ની જેમ અમર થઈ ગયું છે ત્યારે મર્માળુ હસીને કવિએ કહ્યું કે એ તો સાંભળનારને એમાં પોતાની લાગણીનો પડઘો દેખાય એટલે એ લોકજીભે રમતું થયું. ૧૯૪૦ના સપ્ટેમ્બરની અગિયારમી તારીખે વેરાવળ તાલુકાનાં ઇશ્વરિયા ગામે જન્મેલા કવિ દાદના ચહેરા પર વહી ગયેલા સમયના અનેક રંગો દેખાય છે. ચાર ધોરણ સુધીનું શિક્ષણ લઈ બાર જ વર્ષની વયે પિતાને ગુમાવનાર આ ચારણ જે ચોથો વેદ ગણાય છે એ પીડાનાં પાંચમા વેદને પણ પચાવી ગયાં. કવિ નર્મદ જેમ પોતાના કવિત્વ માટે તાપી નદીને યશ આપે છે એમ કવિ દાદ પણ હિરણ નદીના કાંઠે વીતેલાં પોતાનાં શૈશવની વાત કરતાં કરતાં મનોમન હિરણ્યતીર્થ પ્રદેશની યાત્રા કરી લે છે અને કહે છે : ‘મને કવિ બનાવ્યો આ હિરણ નદીએ. એણે મને શબ્દદિક્ષા આપી.’ થોડીવાર આંખ બંધ કરી કવિ પોતાનું બાળપણ તાજું કરતા જાણે અર્ધી સદી પહેલાનાં સમયખંડમાં લટાર મારી લે છે. કવિ દાદે પોતાની પ્રેરણામૂર્તિ હિરણ નદીના સમયાંતરે બદલાતાં સ્વરૂપોની વાતો પણ ભાવવિભોર થઈને કરી. સવારની હિરણ, બપોરની હિરણ, સાંજની હિરણ, સંધ્યાકાળે દેખાતી હિરણ અને રાત્રીના અંધકારની હિરણ વિષે પોતાની કલમમાંથી ટપકેલાં કવિતની વાતો કરતાં કરતાં કવિ દાદનાં રૂંવે રૂંવે જાણે હિરણ નદી વહેવા લાગે છે. સર્જકની અંદર વહેતી સ્પંદનોની નદી જ સર્જકતા ખિલવે છે એ સત્યનો આ સાક્ષાત્કાર હતો.

માનવીના સંવેદનોની અનુભૂતિમાં ટેરવાંનાં પ્રભાવથી સુપેરે પરિચિત કવિ દાદે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘ટેરવાં’ રાખ્યા પછી ઉત્તરોત્તર ‘ટેરવાં ભાગ-૧ થી ભાગ 3’ પણ ભાવકો સુધી પહોંચાડ્યાં. એ સિવાયની વિવિધ નાનકડી પુસ્તિકાઓ તો અલગ. આમ તો ચારણ ગઢવીના ખોળિયાંમાં લોહી નહી પણ સાહિત્ય વહેતું હોય છે. પણ આ કવિ બહુ વિનમ્રભાવે અને આદરથી કવિશ્રી મકરંદ દવેને યાદ કરે છે. ગોંડલ કે જુનાગઢમાં તો ઠીક પણ શ્રીમકરંદભાઇ ને મળવા ખાસ નંદીગ્રામ પણ ગયાં એ વાત કરતી વેળા કવિના ચહેરાં પર સાંઈ મકરંદે સાધેલી સૂફીપણાંની ઊંચાઈ પ્રત્યે ભારોભાર આદર છલકે છે. કવિ મૂલત: અંતર્મુખી સ્વભાવને કારણે કવિઓ સાથે બેસતા હોવા છતાં પણ પોતાની રચનાઓ સંભળાવવા ક્યારેય તલપાપડ નહોતા થતાં પણ જુનાગઢના અનેક કવિઓના પ્રેમ થકી અને પૂ.મોરારિબાપુના સંપર્કથી આ ક્ષેત્રે પ્રદાન કરી શક્યાં એ વાતમાં એમનું નિરાભિમાનપણું પ્રગટ થાય છે.

સૃષ્ટિનાં ગુઢસત્યો અને તથ્યો વિષે જાગરૂક કવિ દાદ જીવનની રોજિંદી ઘટમાળમાં જાત સાથેનું એકાંત અને સર્જકતા જાળવી લેવાની વાત પોતાની આગવી શૈલીમાં કરતાં કહે છે : ‘આ તો ભાઈ, દળતાં દળતાં ફાકતાં જવાની વાત છે. દળવું એ આપણી રોજિંદી ઘટમાળ છે પણ એ ઘરેડ વચ્ચે પણ મનનો ખોરાક તો ચાલુ જ રાખવાનો છે.’ સર્જકતા ઇશ્વરકૃપા વગર આવે જ નહીં એમ દ્રઢતાપૂર્વક કહી કવિએ સરસ વાત કહી : ‘ઉપરવાળાના આશિર્વાદ હોય તો જ આ વહેતા વહેણમાંથી અંજલિ ભરી શકીએ બાકી ઘણા તરસ્યા ય વયાગ્યાં !’

‘દીકરી વહાલનો દરિયો’ના વિમોચન પ્રસંગે અભિયાનના આમંત્રણથી મુંબઈ ગયેલાં એ પ્રસંગ યાદ કરતાં કવિ કબૂલે છે કે ‘કાળજાં કેરો કટકો મારો…’ એ સંવેદનાઓ વારંવાર શબ્દદેહ ધારણ કરતી નથી હોતી. સાહિત્ય પરિષદનું જુનાગઢ ખાતેનું અધિવેશન જે સ્વતંત્રતા સેનાની શ્રી રતુભાઈ અદાણીની હયાતી દરમિયાન યોજાયેલું તેની પણ એક રસપ્રદ વાત કવિ દાદ કરે છે. શ્રી રતુભાઈએ કવિ દાદના કવિત્વને પડકારતાં હોય એ રીતે કહેલું કે ‘કવિ, ભોજન મંડપમાં લોકોના હાથ જમતાં અટકી જાય અને મોં તરફ જતો કોળિયો ક્ષણભર માટે અટકી જાય એવું કંઈક કરો…!’ અને જેવી થાળીઓ પિરસાઈ કે ભોજન મંડપના એક ખૂણે ખાસ બનાવાયેલાં સ્ટેજ પરથી અસલ ગઢવીના મિજાજ અને પહાડી રણકાથી કવિ દાદે કાવ્યગાન શરૂ કરતાં જ શ્રી રતુભાઈ અદાણીના શબ્દો પ્રમાણે જમનારા સૌના હાથ ક્ષણભર માટે થંભી ગયા’તાં.

અમારી એમના સાનિધ્યમાં વીતેલી સાંજની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે સાસરે ગયેલી દીકરીની સંવેદનાંનું એક કાવ્ય ‘મારાં ફળિયાનાં વડલાંની ડાળે, હિંચકો હીરલે ભરિયો……’ વહેતું મુક્યું અને એક અદ્દભુત ભાવવિશ્વ સર્જાયું. એ કમરામાં હાજર અમારા સૌની આંખો વહેતી હતી અને કારૂણ્યથી પ્રત્યેક ક્ષણ પાવક બની રહી હતી. કવિ દાદ રાજકારણીઓમાં પણ પ્રિય હતાં. ભૂ.પૂ. મુખ્યપ્રધાનશ્રી કેશુભાઈ પટેલ જ્યારે સત્તા પર હતાં ત્યારે એમના એક જન્મદિને કવિ દાદ પણ શુભકામના પાઠવવા ગયાં ત્યારે જાહેરમાં શ્રી કેશુભાઇએ કબૂલ્યું હતું કે મારી સરકારની ગરીબ દીકરીઓ માટેની યોજના ‘કુંવરબાઈનું મામેરૂં’ની પ્રેરણા મને કવિ દાદની ‘કાળજા કેરો કટકો મારો…’ એ રચના પરથી મળી છે. રાજ્ય સત્તા પર શબ્દ સત્તાનો કેવો અદભૂત પ્રભાવ….! અનેક માન સન્માન, સ્મૃતિ-ચિન્હો અને વાહ વાહના અધિકારી કવિ દાદ વર્તમાન કવિતાના લોકપ્રિય ગઝલ પ્રકારને પણ સાધ્ય કરી ચુક્યા છે. કેટલાંક શેર પ્રસ્તુત છે જે એમણે એમની પ્રભાવી શૈલીમાં અમને સંભળાવ્યાં.

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે

શબ્દો થકી સૂરતા ને સાધનાર આ સરલ હૃદયી અને નખશીખ ઉમદા ઇન્સાનને મળવું એ અમારા માટે એક યાદગાર સંભારણું બની રહ્યું.

(સાક્ષાત્કાર સહયોગ: ભાવાક્ષી ત્રિવેદી, મનિષા ભુવા, તસવીર સૌજન્ય: હરેશ ભુવા)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સંકલિત
અત્તરિયાને – બાલમુકુન્દ દવે Next »   

24 પ્રતિભાવો : મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી

 1. ટહુકો પર આ ગીત સાંભળ્યું?

  કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

  http://tahuko.com/?p=587#comment-14959

 2. Arvind says:

  its just like fellings from your heart!!!!

 3. Moxesh Shah says:

  Dear Mrugeshbhai / All the readers,

  If any one can post the complete text of the legendry poetry refered in this article, i.e.

  ‘કાળજાં કેરો કટકો મારો…’

  {અને ‘મારાં ફળિયાનાં વડલાંની ડાળે, હિંચકો હીરલે ભરિયો……’ – એક ની સાથૅ એક મફત }

  I will be veyr much thankful.

 4. Megha Kinkhabwala says:

  કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
  મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

  છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
  ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

  બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
  રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

  આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
  અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

  ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
  ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

  લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
  જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

 5. Megha Kinkhabwala says:

  Moxeshbhai,

  I couldn’t find “મારાં ફળિયાનાં વડલાંની ડાળે, હિંચકો હીરલે ભરિયો”

 6. Veena Dave,USA. says:

  Wah, no words to right for this article….. and the ‘sher’ is very good.. and ‘kalja kero…… tears in my eyes.
  Thanks Trivedibhai.

 7. sudhir patel says:

  એક કવિ સાથેના સાક્ષાત્કારની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ!
  શ્રી પ્રણવભાઈ અને શ્રી મૃગેશભાઈને અભિનંદન.
  સુધીર પટેલ.

 8. દિલીપ મ ખત્રી says:

  પરમ સ્નેહિ શ્રી પ્રણવભાઈ,

  કવિ શ્રી દાદ સાથેની આપની મુલાકાત અત્યંત લાગણીસભર અને માહિતીપ્રદ રહી. દરેક ગુજરાતી ના કાનમાં ગુંજતુ આ કાવ્ય ( હું તો એને લોકગીત ની કક્ષા માં જ મુકીશ ) મારી આંખ માંથી ઝરણું થઇ ને વહી ગયું.

  સુંદર ભાવાત્મક શૈલી માં રજુઆત બદલ ખુબ-ખુબ અભિનંદન.

  ચિંતા એક જ છે કે ગુજરાતી ભાષાની આ ચારણી લોક શૈલી-સરસ્વતી ક્યાં સુધી વહેશે ?
  વારસો ક્યાં સુધી સચવાશે?

  કવિ શ્રી દાદ ના તસવીર સ્વરુપે દર્શન કરાવવાં બદલ શ્રી હરેશ ભુવા, શ્રીમતી મનિષા ભુવા તેમજ ભાવાક્ષી ત્રિવેદી નો ખુબ-ખુબ આભાર.

  દિલીપ મનહરભાઇ ખત્રી
  ૧૫.૦૩.૨૦૦૯

 9. Soham says:

  મારો એક ભાઈબંધ તો આ કવિ નો દીવાનો છે….

  અને. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો.. એનુ પ્રિય ગીત્.. મજા આવશે અમે બન્ને સાથે આ ગીત સાંભળીશું ત્યારે…..

  મૌજા હિ મૌજા….

 10. Moxesh Shah says:

  Thank you very much, Meghaben.

 11. nayan panchal says:

  સુંદર મુલાકાત.

  હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
  રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

  કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
  તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

  આભાર.

  નયન

 12. Sanjay Upadhyay says:

  પ્રણવભાઈ, પ્રસિદ્ધિથી દુર રહી શબ્દબ્રહ્મની સાધના કરનાર આ અદભુત વ્યક્તિત્વ નો પરિચય કરાવવા બદલ ધન્યવાદ.

 13. MAHESH "DAD GADHVI says:

  પ્રણવભાઈ,
  આપે મારા પિતાશ્રીની મુલકત લીધી અને આ વેબસાઈટ પર મુકી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
  જે જે લોકોએ પ્રતીભવો આપ્યા એમનો પણ હું આભાર માનુછું. પિતાશ્રીએ આપના વિશે વાત પણ કરી હતી.

  હું Relaince Industries Ltd Jamnagar માં નોકરી કરુ છું.

  આભાર્
  મહેશ “દાદ્” ગઢવી
  જામનગર્
  મો-9998987061

 14. Prakash Jani says:

  Really excellant, No word to describe……..Heart throbing experience to read “Kalja kero……..”

 15. narendra bhatti says:

  વાહ પ્રણવભાઈ, મજા પડી ગઈ….તમારી કલમ રસાળ અને સ્પોન્ટોનિયશ જણાઈ.

  નરેન્દ્રસિંહ્

 16. Hiteshbhai Zakharia says:

  અમો એ આ લેખ વાચિયો મઝા પડિ આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.