- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પૈસો અને પ્રેમ – પ્રસાદ માહુલીકર

[રીડગુજરાતીને આવી સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પ્રસાદભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર]

જ્યારે પણ નીનાદ અને નતાશા મળતાં ત્યારે થોડી રોમેન્ટીક વાતો થઈ ગયા બાદ નીનાદ અચૂક થોડી ગંભીર તથા વાસ્તવિક વાતો કરતો કે પોતે કેટલો સામાન્ય છે એટલે નતાશા તેની સાથે ખુશ તો રહેશે ને !

આમ તો નીનાદ મધ્યમવર્ગનો છોકરો. બધી રીતે સામાન્ય, જ્યારે નતાશા પૈસાદાર ઘરની છોકરી. કેટલીક મુલાકાતો બાદ નતાશાએ જ્યારે નીનાદને પૂછયું હતું:
‘આપણે ક્યારે એકબીજાની આટલાં નજીક આવી ગયાં, ખ્યાલ જ ન રહ્યો, નહીં ?’
‘હા, બધુ અચાનક થઈ ગયું. બાકી તું ક્યાં અને હું ક્યાં !’
‘કેમ એવું બોલે છે ?’
‘ઠીક જ છે ને. તારાં તથા મારાં વચ્ચેનું અંતર કેટલું બધું છે.’
‘શેનું અંતર, પૈસાનું ?’
‘એ જ ને.’
ત્યારે નતાશા થોડી અકળાઈને કહેતી, ‘તું કેમ જ્યારે મળીએ ત્યારે આવી બધી વાતો કરે છે ? આપણા વિચારોમાં ક્યાં કોઈ અંતર છે ? આપણાં મન એકબીજાની સાથે કેવાં મળી ગયાં છે. પ્રેમ કાંઈ એકબીજા વચ્ચે કેવું અંતર છે તે જોઈને થોડો થાય છે. પૈસાથી પ્રેમને ખરીદી શકાતો નથી નીનાદ ! ને પ્રેમની દોલત પાસે પૈસાની દોલત ઓછી છે.
નીનાદ કશું બોલ્યો નહીં એટલે નતાશા ફરીથી બોલી,
‘તું અવારનવાર આપણાં વચ્ચેના પૈસાના અંતરની વાત ન કરતો નીનાદ. તારી આ વાતથી મને તકલીફ થાય છે. એવું લાગે છે કે જાણે મારાં પ્રેમમાં કોઈ ઉણપ છે એટલે જ તને આવી ચિંતા થાય છે. નહીં તો આપણો પ્રેમ સાચો છે, આપણાં પ્રેમ વચ્ચે કોઈ અંતર નથી.

નતાશાને આમતો ઘરેથી દરેક વાતની સ્વતંત્રતા મળેલી હતી. તેનાં ઉપર કોઈ બિનજરૂરી બંધન હતાં નહીં. જ્યારે તેણે નીનાદ વિશે ઘરમાં વાત કરી તો શરૂઆતમાં કોઈએ બહુ ગંભીરતાથી લીધી નહીં. પણ જ્યારે તેણે ફરીથી આ વાત ભાર દઈને કરી ત્યારે બધાએ તેની નોંધ લીધી. નતાશાને સીધો જ સવાલ પૂછવામાં આવ્યો કે, ‘છોકરો કેટલું કમાય છે ?’ નતાશાને ઘરનાં લોકોનો સૌથી પહેલો પ્રશ્ન જ ખૂંચ્યો, જોરદાર ખૂંચ્યો.

‘કેમ સીધું આવું જ પૂછી રહ્યાં છો ? એવું કેમ ના પૂછયું કે નીનાદ મને કેમ ગમ્યો ? તમારી દીકરીએ હંમેશા શ્રેષ્ઠત્તમનો જ આગ્રહ રાખ્યો છે. તમે આ વાત સારી એવી રીતે જાણો છો. પહેલાં એવું તો પૂછો કે નીનાદ મને કેમ ગમે છે. એ પછી પૈસા સાથે સંકળાયેલા સવાલો પૂછો.’

‘એ બધું ઠીક છે નતાશા. તેં પસંદ કર્યો છે એટલે સારો જ હશે પણ પૈસો એ માણસની પ્રથમ લાયકાત છે.’
નતાશા ગમે તે રીતે ઘરનાં લોકોને પોતાનો પ્રેમ સમજાવવા માગતી હતી ને ઘરનાં લોકોને મન આ બધી વાતો સાવ ક્ષુલ્લક હતી. તેઓને મન પૈસાએ સૌથી મહત્વની વાત હતી. પિતાજીએ વારંવાર પૈસાને લગતી પૂછપરછ કર્યા કરી. તેમની બધી થિયરી પૈસાની આસપાસ ફર્યા કરતી. છેવટે કંટાળીને નતાશાએ કહ્યું:
‘તમે લોકો સમજતાં કેમ નથી ? એકને એક વાત ફરી-ફરીથી પૂછયાં કરો છો. મને તો એ જ સમજાતું નથી કે લોકો બે પ્રેમીઓની લાગણીઓને પૈસાથી કેમ મૂલવે છે ? પ્રેમનો સંબંધ મન સાથે હોય છે, પૈસા સાથે નહીં. પ્રેમ શું છે તે તો જેણે પ્રેમ કર્યો હોય તે જ સમજે. જેઓ માત્ર પૈસાને સમજે છે તેમને પ્રેમની શું સમજ ?’

ઘરનાં લોકો તેમની રીતે સાચાં જ હતાં. કોઈપણ પોતાની દીકરી દુ:ખી થાય તેવું ન વિચારે. પરંતુ નતાશાને એક વાત કઠતી હતી કે પોતાનાં માણસો પોતાનું સુખ શેમાં છે તે સમજી શકતાં ન હતાં અથવા તો સમજવા ઈચ્છતાં ન હતાં. તેઓ બધાં સુખની ગણતરી પૈસાના અનુસંધાનમાં કરતાં હતાં. જ્યારે નતાશા તેઓને એ સમજાવવા માગતી હતી કે જરૂરીયાત જેટલો પૈસો હોય પછી ભલે ને માણસ બહુ પૈસાદાર ન હોય તો પણ સુખેથી રહી શકાય છે. બધાં કદાચ પોતપોતાની રીતે સાચા હતા.

થોડા દિવસ પછી….

‘મને આ વાતનો જ ડર હતો, નતાશા. મેં મારા મનને પહેલેથી જ આ માટે તૈયાર કરી રાખ્યું હતું. તારાં-મારાં વચ્ચે પૈસાનું અંતર છે તે છે જ. તેને કેવી રીતે ઓછું કરવું તે કદાચ મારાં જેવા અણઘડ માણસને સમજાશે પણ નહીં. પરંતુ એકવાતનો ઘણો આનંદ છે કે આપણાં પ્રેમમાં કોઈ અંતર નથી.’ નતાશાની આખી વાત સાંભળ્યા પછી નીનાદે કહ્યું. નતાશા બોલી, ‘અરે કેવી વાતો કરે છે નીનાદ ! હું કાંઈ તારાથી અળગી થવાની નથી. જો તેઓ તેમની રીતે સાચાં છે તો આપણે પણ ખોટાં નથી.’

બે પ્રેમીહૈયાઓ મનભરીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, ત્યારે કદાચ પૈસાદારો અને પૈસાનાં વ્યવહાર એ વખતે પણ પૈસાની ગણતરીમાં ખૂંપેલા હશે ! કારણકે પૈસો પણ માણસની જરૂરિયાત છે.