માનવતાનો સેતુ – ઉદય ત્રિવેદી

[ નવોદિત યુવાસર્જક શ્રી ઉદયભાઈ (બૅંગ્લોર) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે. માનવતા, જીવન અને અધ્યાત્મ તેમના રસના વિષયો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે udaytrivedi@gmail.com અથવા આ નંબર પર +91 98864 60844 સંપર્ક કરી શકો છો.]

આપણે સહુએ આપણી આજુબાજુમાં દારુણ ગરીબીમાં સબડતા ઘણા લોકોને જોયા હશે. આપણામાંથી ઘણાં એ દ્રશ્ય જોઈને અંદરથી હચમચી ગયા હશે. એમાંથી થોડા લોકોએ તેમને યથાયોગ્ય મદદ પણ કરી હશે. પરંતુ આવી ક્યારેકની મદદ તેમની પરિસ્થિતીને બદલી નથી શકતી. એવો કોઇ ઉપાય ખરો કે જેનાથી તેમને પગભર બનાવી શકાય કે જેથી તેઓ ખુદ પોતાનું ભવિષ્ય સુધારી શકે ?

એક ઉપાય છે તેમને થોડા પૈસા આપીને નાના કામધંધા માટે પ્રોત્સાહિત કરવાનો. એ માટે બેંકની મદદ લઈ શકાય. પણ દરેક બેંકના લોન આપવાના પોતાના નિયમો હોય છે અને જેમને બે ટંક રોટલાના ફાંફાં પડતાં હોય તેમને બેંક કઈ ગેરેન્ટી પર લોન આપે ? જે લોકો શાહુકાર કે નાણાં ધીરનાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લાવે છે તેમનું તો આખું જીવન એ વ્યાજ ચુકવવામાં જ ચાલ્યુ જાય છે. શું આ સમસ્યાનો સમાજ કોઈ ઉકેલ ન લાવી શકે ? શું સમાજના પગભર લોકો નાની નાની મદદ વડે એક મોટી ક્રાંતિ ન લાવી શકે ? મધર ટેરેસાએ કહ્યું છે, ‘બહુ ઓછા લોકો મહાન કાર્યો કરી શકે છે, પણ દરેક વ્યક્તિ નાનું કાર્ય પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કરીને તેને મોટું બનાવી શકે છે.’ આવું એક નાનું પણ પ્રેરણાદાયી કાર્ય આજે વિકસીને લાખો લોકોના જીવનને ઉજાળે છે. એ પ્રેરણાદાયી કાર્ય છે ‘બાંગ્લાદેશની ગ્રામીણ બેંક’ અને તેના સ્થાપક છે : ડો. મોહમ્મદ યુનુસ.

આ સમય છે ૧૯૭૪નો. ત્યારે બાંગ્લાદેશ એક રાષ્ટ્ર તરીકે હજુ નવુંસવું હતું. એ દરમિયાન વાવઝોડા, પુર, દુકાળ અને થોડા રાજનીતિક કારણોને લીધે બાંગ્લાદેશના લાખો લોકો માર્યા ગયા હતાં. ડો.યુનુસ અમેરિકાથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી લઈને તાજેતરમાં જ પાછા આવ્યા હતા. બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને તેમને ખુબ આઘાત લાગ્યો. જ્યારે દેશમાં લોકો મરવાને વાંકે જીવતા હાડપિંજર જેવા હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ફક્ત અર્થશાસ્ત્રના પાઠો ભણાવવાં એ તેમને દંભ લાગ્યો. તેમને થયું કે તેઓ જે કંઈ પણ ભણ્યા છે તે બધું પુસ્તકીયું જ્ઞાન છે જે જીવનના પ્રશ્નોને ઉકેલી નથી શકતું. અને તેઓ લોકોના પ્રશ્નોને સમજવા યુનિવર્સિટી નજીકના ગામડાઓમાં જવા લાગ્યા. તેઓ ગ્રામલોકોના જીવનને ઉપર-ઉપરથી, તર્કબુદ્ધિથી નહીં પરંતુ એક ધરતીના જીવની જેમ અનુભવવા, સમજવા અને ઉકેલવા માંગતા હતાં. તેમાનો એક અનુભવ તેમને એક નવી જ દિશામાં લઈ ગયો.

તેઓ એક અતિ ગરીબ મહિલાને મળ્યા જે વાંસની ચીજવસ્તુઓ બનાવતી હતી. લાંબી વાતચીતને અંતે તેમણે જાણ્યું કે તે મહિલાને એક દિવસના ફ્ક્ત ૨૦ પૈસા મળતા હતાં. તેઓ એ માની ન શક્યા કે આટલી મહેનતથી આટલા સુદર વાંસની ચીજો બનાવનાર વ્યક્તિ આટલું ઓછું કમાતી હતી ! મહિલાએ જણાવ્યું કે તેની પાસે વાંસ ખરીદવાના પૈસા નહોતાં એટલે એ વાંસ તે કોઈની પાસેથી ખરીદતી હતી. એ વ્યક્તિએ એવી શરત મૂકી હતી કે મહિલા પોતાની ચીજો ફક્ત તેને જ, તે કહે એ ભાવે વેચી શકે. એ વ્યક્તિ આ ચીજોને ૧૦ ગણી કિંમતે બજારમાં વેચતો હતો. ડો.યુનુસે વિચાર્યું : લોકો ૨૦ પૈસા માટે આટલી તકલીફમાં મુકાઈને જીવે છે અને કોઈ કાંઈ ન કરી શકે ? તેમના મનમાં તુમુલયુધ્ધ ચાલ્યું. શું આ મહિલાને પૈસા આપી એક સમયનો પ્રશ્ન હલ કરવો ? પરંતુ તેઓ કામચલાઉ ઉપાય નહોતાં કરવા માંગતાં. અંતે તેમણે નક્કી કર્યુ કે સહુ પ્રથમ આ વિસ્તારમાં જરૂરતમંદ લોકોની યાદી બનાવવી. ઘણા દિવસોની મહેનતને અંતે તેમણે ૪૨ લોકોની યાદી તૈયાર કરી. જ્યારે તેમણે જરુરી પૈસાની ગણતરી કરી તો સરવાળો થયો ફક્ત ૧૦૦૦ રૂપીયા !! જે સમાજ ૪૨ મહેનતકશ લોકોને ૧૦૦૦ રૂપીયા ન આપી શકે એ સમાજના નાગરીક તરીકે જીવવામાં તેમને શરમ આવી !

તેમણે એ દરેકને જોઈતા પૈસા આપ્યા – લોન તરીકે. દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતાએ તેને ચુકવી શકે, અને હા, દરેક વ્યક્તિને પોતાની ચીજો જ્યાં પણ સારો ભાવ મળે ત્યાં વેચવાની સ્વતંત્રતા હતી. એ મહિલાની આંખના આંસુની ચમકમાં ડો.યુનુસને નવો વિચાર સ્ફુર્યો. જો આ કામ માટે બેંકની મદદ લેવામાં આવે તો કેટલાયે લોકોને તેનો લાભ મળી શકે ! તેઓ યુનિવર્સિટીની બેંકના મેનેજરને મળ્યાં અને ગરીબોને લોન આપવાની વાત કરી. તેમને તો જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો ! તેમણે ડો.યુનુસને કહ્યું કે આવું તો કોઈ પાગલ જ વિચારી શકે. આ શક્ય જ નથી. ગરીબોને લોન કઈ રીતે મળે ? તેમની પાસે જામીનમાં મુકવા માટે કશું જ નથી. તેઓ પૈસા પાછા કંઈ રીતે આપશે ? ડો.યુનુસે તેમને એક તક આપવાની વિનંતી કરી. આમ પણ લોનની રકમ ખુબ જ નાની હતી, પરંતુ મેનેજરે બેંકના નિયમોને આગળ કરી તેમને ના પાડી દીધી. ડો.યુનુસ હવે બેંકના ઉપરી અધિકારીઓને મળ્યા, પણ બધાનો જવાબ એક જ હતો. કોઈ વિનંતીની તેમના પર અસર ન થઈ. આખરે ડો. યુસુફ લોન બાબતે મધ્યસ્થ બનવા તૈયાર થયા. તેઓ કાયદેસર રીતે લોનના પૈસાની ગેરેન્ટી આપવા અને જો લોન લેનાર પૈસા પરત ન કરે તો ખુદ ચુકવવા તૈયાર થયાં. આટલી બાંહેધરી મળ્યા બાદ બેંક ડો.યુનુસને લોનના પૈસા આપવા તૈયાર થઈ. સામે ડો.યુનુસ લોનના પૈસા તેમની ઈચ્છા મુજબના વ્યક્તિને આપવા સ્વતંત્ર હશે તેમ બેંકે કબુલ્યું. આમ તેઓ બેંક પાસેથી પૈસા લઈ ગરીબોને વહેચી દેતાં.

આ હતી તેમના નાના કામની શરૂઆત. બેંકના અધિકારીઓ તેમને હંમેશા કહેતા કે એ ગરીબ લોકો તેમને પૈસા પાછા નહી આપે. પણ ડો.યુનુસ કહેતા કે હું એક પ્રયત્ન જરુર કરીશ અને નવાઈની વાત એ બની કે બધા જ લોકોએ લોનના પૈસા ચુકવી દીધા ! ડો.યુનુસે અત્યંત ઉત્સાહથી આ વાત મેનેજરને કરી, પણ મેનેજરે કહ્યું : ‘એ લોકો તમને બનાવી રહ્યા છે. થોડા સમયમાં જ તેઓ મોટી રકમની લોન લઈ જશે અને પછી કદી પરત નહીં કરે !’ અને ડો.યુનુસે તેમને થોડી મોટી રકમની લોન આપી અને બધા જ પૈસા પાછા આવી ગયા. પરંતુ મેનેજર મક્કમ હતા : ‘કદાચ એકાદ ગામમાં આવું ચાલે, પણ બીજા ગામમાં આવું કરશો તો બિલકુલ નહીં ચાલે !’ અને ડો.યુનુસે બીજા ગામમાં લોન આપવાનું શરૂ કર્યું અને તે પણ સફળ થયું. હવે આ વાત ડો.યુનુસ અને બેંકના ઉપરી અધિકારીઓને માટે એક યુદ્ધ જેવી બની ગઈ. તેઓ હંમેશા કહેતા રહ્યાં કે પાંચ-પચાસ-સો ગામડાંમાં આવું ન ચાલી શકે અને ડો.યુનુસે એ બધું કરી દેખાડ્યું. આ પરિણામો બેંકના ઉપરી અધિકારીઓને માટે આશ્ચર્યજનક હતાં. તેમણે જ આપેલા પૈસાથી ડૉ. યુનુસ આ કાર્ય કરતા હતાં, પરંતુ તેઓ હજુ પણ એ માન્યતામાંથી બહાર નહોતા આવ્યા કે ગરીબ લોકો લોનના પૈસા પાછા આપી શકે ! આખરે ડો.યુનુસને લાગ્યુ કે બેંકના અધિકારીઓને સમજાવવાથી કંઈ નહી થાય. તેઓ પોતે દ્રઢપણે વિશ્વાસ ધરાવતાં હતાં કે ગરીબો લોનના પૈસા પાછા આપી શકે. તેમને થયું શા માટે આ કામ માટે એક બેંક ન ખોલવામાં આવે ? તેમણે સરકારને પ્રપોઝલ મોકલી અને ૨ વર્ષની સમજાવટને અંતે સરકારની મંજુરી મળી.

આખરે ગાંધીજીના જન્મદિન ૨ ઓક્ટોબર, ૧૯૮૩ના રોજ ‘ગ્રામીણ બેંક’ની શરૂઆત થઈ. ગ્રામવિકાસના ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતી આ બેંકનું નામ અને તેનો સ્થાપનાદિન બંને આનાથી વધુ ઉચીત ન હોઈ શકે ! ગ્રામીણ બેંકનો મંત્ર છે ‘દરેક વ્યક્તિ લોન લેવાનો હક ધરાવે છે’. તેમનો ધ્યેય છે ગરીબ કુટુંબને, ખાસ કરીને ગરીબ મહિલાઓને મદદ કરીને તેમને ગરીબીમાંથી બહાર લાવવી. તેમની વિચારધારા કાર્યરત બેંકીંગ પ્રણાલીથી એકદમ વિરુદ્ધ છે, જે ગરીબોને લોન માટે હકદાર નથી ગણતી. ગ્રામીણ બેંક કોઈ ક્રેડીટ કે કાયદાકીય કાગળ પર નહી, ફક્ત પરસ્પર વિશ્વાસ પર ચાલે છે. ગ્રામીણ બેંકની લોન પ્રણાલીને ‘માઈક્રોક્રેડીટ’ કહે છે. માઈક્રોક્રેડીટ એટલે ગરીબ મહેનતકશ લોકોને નાની, ક્યારેક તો ૧૦૦ રૂપીયા જેવી લોન આપવી અને એક એવું માળખું બનાવવું કે જે તેમને પ્રગતિના પંથે લઈ જઈ શકે. આ માઈક્રોક્રેડીટના પૈસા લોકો પોતાનો નાનો વ્યવસાય ચલાવવા વાપરે અને જ્યારે તેઓ પોતાની પહેલી લોનના પૈસા ભરે ત્યારે તેમને થોડી મોટી રકમની લોન મળે. આમ વિકાસશીલ બની અંતે તેઓ સ્વાવલંબી બની પોતે જીવનની પ્રાથમિક જરૂરીયાતો સંતોષી શકે.

ગ્રામીણ બેંકની પદ્ધતિ મુજબ લોન પ્રણાલી વ્યક્તિના સામાજીક જીવનને અનુલક્ષીને હોવી જોઈએ, નહીં કે કોઈ બેંકના અફર નિયમો મુજબ. લોન પ્રણાલી ગરીબોને હિતકારી હોવી જોઈએ. તેઓ ગરીબોને ઘરબેઠાં સેવા આપે છે – એટલેકે બેંક ખુદ તેમની પાસે પહોંચે છે, લોકો નહીં. લોન મેનેજર ગામની મુલાકાત લઈને લોન લેનાર વ્યક્તિ વિશે જાણકારી રાખે છે. શરૂઆતમાં તેઓ લોન કોઈ વ્યવસાય શરૂ કરવા આપે છે અને લેણદાર એ રકમ ચુકવી શકે એ માટે શક્ય પ્રયત્નો કરે છે. બાદમાં અભ્યાસ અને બીજી બાબતો માટે પણ લોન મળે છે. દરેક લોન લેનાર વ્યક્તિ પાંચ વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપ તેમના સદસ્યોની કોઈ ગેરેન્ટી નથી લેતું પણ તેમનું કામ એ જોવાનુ છે કે દરેક સદસ્ય જવાબદારીથી વર્તે અને લોનની રકમ ચુકવવામાં કોઈને તકલીફ ન પડે. કોઈ સદસ્ય લોન ન ચુકવી શકે તો બાકીના લોકોએ એ રકમ ચુકવવી જરુરી નથી પણ મોટાભાગના કિસ્સાઓમાં બાકીના લોકો રકમ ચુકવી દે છે જેથી બીજી વખત તેમના ગ્રુપને લોન મળી શકે. કેટલા ટકા લોકો બેંકની લોન પરત કરતાં હશે ? તેનો જવાબ કોઈપણ સરકારી કે ખાનગી બેંકની સરખામણીમાં આશ્ચર્યજનક છે. ૯૮% !! કોઈને પણ પ્રશ્ન થાય કે બેંક પાસે લોનને બાદ કરતાં આવકના સાધન ક્યા ? શરૂઆતના વર્ષોમાં ઘણી સંસ્થાઓ ઓછા વ્યાજે પૈસા આપતા, બાદમાં બાંગ્લાદેશની સરકાર પણ મદદ કરે છે. જાન્યુઆરી ૨૦૦૯ સુધીમાં ૭૭ લાખ લોકોએ લોનનો લાભ લીધો છે જેમાંની ૯૭% મહિલાઓ છે.

ગ્રામીણ બેંકને ભારત સરકારનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ઈન્ટરનેશનલ ગાંધી પીસ પ્રાઈઝ’ વર્ષ ૨૦૦૦માં મળ્યું છે. ડો.યુનુસને ૨૦૦૬માં પ્રતિષ્ઠિત નોબેલ પીસ પ્રાઈઝ મળ્યું છે. આ એવોર્ડ લેવા તેમને બદલે તેમની જ બેંકના એક સમયના લેણદાર અને હાલના બોર્ડ સદસ્ય એવા ‘તસ્લીમા બેગમ’ ગયા હતા. તસ્લીમા બેગમે ૧૯૯૨માં લોન લઈ એક બકરી ખરીદી હતી અને બાદમાં વ્યવસાયમાં સફળ થઈ અંતે તેઓ ગ્રામીણ બેંકના જ એક હોદ્દેદાર બન્યા. બેંકના કાર્યથી સમાજ ઉત્થાનનું આ સચોટ ઉદાહરણ છે.

ગ્રામીણ બેંકની સફળતાથી પ્રેરાઈને ૪૦થી વધારે દેશોમા આવાં પ્રોજેકટ શરૂ થયા છે. વર્લ્ડ બેંકે પણ ગ્રામીણ બેંક જેવી યોજનાઓ શરૂ કરી છે. ગ્રામીણ બેંકની સૌથી મોટી સફળતા છે માત્ર વિશ્વાસ પર ચાલતી પ્રણાલી. આજના સમયમા જ્યારે સમાજ એકંદરે નિષ્ઠા અને મૂલ્યો ગુમાવતું જાય છે ત્યારે કોઈ નાણાકિય સંસ્થા ફક્ત વિશ્વાસને સહારે લાખો લોકોને પ્રગતિશીલ જીવન જીવવાના મૂળભૂત હકની ભેટ આપે છે એ સાનંદાશ્ચર્યની વાત છે. ગ્રામીણ બેંકે સમગ્ર વિશ્વને બતાવ્યું છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિની મદદ કરવા માટે ફક્ત વિશ્વાસની જરૂર છે, કોઈ જામીનની નહી. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ના મંત્રમાં માનતા આપણા સમાજને આવા જ કોઈ સેતુની જરુર છે એવુ નથી લાગતુ ? વર્ષો પહેલા પોરબંદરનો એક ફકીર આવા જ કોઈ કામની ધૂણી ચેતવતો ગયેલો, એ ધૂણી ધખાવવા શું આપણે પણ કોઈ પ્રસંગની રાહ જોઈ બેઠા છીએ ? જરૂર છે બસ એક નાના કામની નિષ્ઠાપૂર્વક શરૂઆત કરવાની. આખરે માનવતાના એ સેતુની સામે પાર પણ આપણા જ ભાઈ-બહેનો રહેલા છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંક કોનો ? – આશીતા ઝવેરી
ઈચ્છાઓની ઝંઝા – યૉસેફ મૅકવાન Next »   

31 પ્રતિભાવો : માનવતાનો સેતુ – ઉદય ત્રિવેદી

 1. Brinda1 says:

  I’d heard about this Gramin Bank and its success, but reading its journey for the first time. very inspiring!

 2. ગુજરાત માટે આ નવી ઘટના નથી. ગુજરાતમાં વિશ્વાસના સેતુથી ચાલતી સહકારી બેંકોનો પાયો ૨૦મી સદીની શરુઆતમાં નંખાયો હતો અને આઝાદી આવતા સુધીમાં તો તે સહકારી વડલો ચારેકોર પથરાઈ ચુક્યો હતો. આ સહકારી બેંકોએ ગુજરાતના વિકાસમાં અદ્વિતીય ભાગ ભજવ્યો છે.

  કણૉવતીમાં સેવા નામની સંસ્થા વષૉથી સુપેરે ચાલે છે. જેના સંચાલક ઈલાબેન ભટ્ટથી કોણ અજાણ છે.

  બાંગ્લાદેશની ગરીબી કંઈક અંશે ઓછી કરવામાં આ ગ્રામીણ બેંકનો સાથ ત્યાંની સરકારને સારો મળ્યો છે.

 3. Sanjay says:

  અદ્ભુત લેખ. આજ થી readgujarati નિયમિતપણે follow કરીશ.

 4. Nilesh Mehta says:

  ખુબજ સરસ અને પ્રેરનાત્મ્ક લેખ…

  ઊદય, અન્ત મા તમે સરસ વાત વહેતી મુકિ. આપને પન આવુ કશુક ચોક્કસ પને કરિ શકિયે.

  આપને જરુર થિ કરિશુ પન ખરા….

  જય શ્રિ ક્રશ્ન – હર હર મહાદેવ

 5. Paresh says:

  ખરી વાત કે માનવતાના એ સેતુની સામેની બાજુએ આપણા જ ભાઈઓ અને બહેનો રહેલાં છે. અને ક્યારેક ફાયરીંગ લાઈનની સામેની બાજુએ આપણે પણ હોઈ શકીએ. ભૂકંપે બતાવેલ છે કે ઉપરવાળો મહાશક્તિશાળી છે. સહકારી બેન્કો ઉપરાંત બ્લડબેંક, ભૂદાન ચળવળ વિ આ પ્રકારના તપ જ છે. આ પ્રકારના કાર્ય કરતાં તમામને આદરપૂર્વક પ્રણામ.

 6. sureshptrivedi says:

  Aapna juna vakhat ma jyare electricity nana gamdaoma nohati tyare nano divdo ratre je parakash aapto tena vade kam chalavta hata.Ane diwalima gamna chore aakhu gaam potana diva lae avi muktu tyare ketlo jalhalat lagto hato tem ek ek karta divada bhega thay tyre ketlu bhavya kam thai shake tenu jwalant udaharan DR.MOHAMMED YOUNES e purvar kari dekhadyu.Te dharat to pote to arthshashtra America ma bhanya hata to aavi jafa sha mate kari!?Pan emne to desprem hato ane garib loko ni lachari joi ne dil ma ajanpo thayo ane e dur karvani dradhhta ne vacha apva bank manager sathe mathakut kari ne te nishfaltama parinami chhta ye himmat harya shivay potana maksad ma safal thava mate pote jate sahas kari ne siddhha kari batavyu ke manas ni mansai haji parvari nathi gai.Koi par vishwas mulvo ke koi no vishwas sampadan karvo te banne bahu moti vaat chhe.Jem aapna darek aanglani lambai ek sarkhi nathi tem samaj ma pan evu j chhe chhata aapna aangla sarkha hot to mutthi barobar vali shakat khari?97% paccha avi jay ane te pan koi damdati vina to ethi rudu biju shu?Bhaneli vyakti ma ahankar na hoy to kevu sunder rachnatkam karya thai shake e janav va badal UDAYBHAI TRIVEDI ne ABHINANDAN.

 7. nayan panchal says:

  આટલો સરસ માહિતીપ્રદ લેખ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

  ખેડૂતોના દેવા માફ કરતી સરકારે આ લેખ પરથી ઘણુ શીખવા જેવુ છે. ખેડૂતોને પગભર બનાવીશુ તો દેવા માફ કરવાની નોબત નહી આવે.

  નયન

 8. ashish upadhyay says:

  very good article, good research has been done before writing, keep it up, hope that we will see your other articles on readgujarati in future.

 9. Bihag says:

  The concept is not entirely new to India. We have our fair share of Rural Banks working towards making credit available to those who can do not come under conventional definition of Credit-worthy individuals. As someone pointed out, we have a good system of Co-op Milk Federations (Exemplary Amul) and Co-op Sugar Factories have also worked well in some parts of the country.

  In reality, Grammen Bank is not an entirely feasible solution for most of the rural poor. Majority of rural poverty stems from extreme dependence on rain for harvest. The money that is so willingly lost in such initiatives could be better used to create and maintain a reliable irrigation system which would not only improve the condition of poor farmers, it will also help country’s economy less dependent on weather forecasts.

  A wonderful article nevertheless.

 10. Veena Dave,USA. says:

  સરસ લેખ.

 11. Veena Dave,USA. says:

  ગરીબ કરતા પેસાદાર્ લોકો લોન નથી ભરતા એવુ વધારે કેસમા બને.

 12. Viren Shah says:

  I agree with Bihag.
  The initiative needs a different direction other than lending.

 13. Harsh says:

  સરસ લેખ! હુ આવીજ એક સંસ્થા જાણુ છુ – http://www.RangDe.org/ – જે ભારતમાં આવુ કામ કરે છે …

 14. Radhika says:

  અદ્ ભુત લેખ. સુન્દર પ્રેરનાત્મક વિચાર.

 15. milan says:

  nice article. very well written and plethora of information on how a small thing can result into a big change. world needs such visionaries to change him.

 16. Nirad Joshi says:

  ખરેખર અદભૂત….

  Thanks to Tushar for sharing this link and Thanks Uday as always keep writing article like this which really enpowers thinking of noble cause.

  Cheers,
  Nirad

 17. Tushar says:

  ખરેખર અદભુત ક્ર્મ્ન્યે વધિકા ર્સ્તે મા ફલેશુ કદાચન …nisvarth bhave kai pan karvathi ketketlu mali aave… આમજ આગલ વધિએ…

 18. હું RangDe.org – જે આવિજ એક સંસ્થા છે – માટે સામાજીક ભંડોળ (charity નહિ) ભેગુ કરુ છું. મદદ કરશો? આભાર 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.