ઈચ્છાઓની ઝંઝા – યૉસેફ મૅકવાન

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

અજયના ચિત્તને અંદરને અંદર વંટોળની જેમ કશું શારી રહ્યું હતું. તે મનોમન તૂટી રહ્યો હતો. પોતાનું ઘર મકાનમાં તબદીલ થઈ રહ્યું હોય એમ અજયને જ નહીં, પૂર્વીને પણ લાગી રહ્યું હતું ! અજય થોડી થોડીવારે બાલ્કનીમાં આંટો મારી પાછો ઓરડામાં આવતો. આયના સામે ઊભો રહી અનાયાસ બબડતા બોલી જતો : ‘શું થઈ ગયું છે આ પૂર્વીને…. વિકૃત અહંકારે એને જકડી દીધી છે તો ! પોતેય દુ:ખી બને છે ને ઘર આખાનેય….’ એમ બબડતો પાછો બાલ્કનીમાં સરકી રહે છે. જુએ છે તો સામેના ફલેટની બારીના છજા પર બેઠેલા બે કબૂતરો ચાંચમાં ચાંચ પરોવી ગેલ કરે છે… નિસાસા સાથે બોલાઈ જાય છે… માનવીના જીવતરમાં સુખનો પર્યાય ક્યાં હશે અન્યત્ર ? હશે….?

અજયને એટલું તો સમજાઈ ગયું હતું કે જો ભૂલેચૂકેય પોતે પૂર્વીને સમજાવવા જશે તો ઘરમાં હોળી જ સળગવાની ! આમ તો આ વાતાવરણ જ તંગ થઈ ગયું છે… એમાં સુંદરી અને રાજા – એ બંને બાળકો બિચારાં અસમંજસમાં પડી સોરાયાં કરે છે… છેલ્લા ત્રણ દિવસથી ! ઘરમાં પહેલા જે આનંદનું… હસીમજાકનું ગૂંજન હતું તેને ખરેખર પાંખો ફૂટી… અને ક્યાંક ઊડી ગયું.. દૂર દૂર… સુંદરી અને રાજા પણ મમ્મી-પપ્પા એકબીજાં સાથે બરાબર કેમ નહીં બોલતાં હોય… ? તે કંઈ સમજી શકતાં ન હતાં. અરે, પોતેય માંહોમાંહે ખૂલીને વાત કરી શકતાં ન હતાં. મમ્મી-પપ્પાના વર્તનથી તેઓ દિગ્મૂઢ થઈ ગયાં હતાં.

અજયનું મન ઑફિસમાંય પૂરનાં પાણીની જેમ ઘૂમરી લેતું ડહોળાયેલું રહેતું. બાળકો ચૂપચાપ સ્કૂલબસમાં બેસી જાય. ને પૂર્વી ઘરમાં એકલી પડે. એ વખતે ઘર તેને કોઈ ભયકારી ગુફા જેવું લાગતું. એ સમયે અજયનો પ્રેમ તેની આંખોમાં આંસુનાં ફૂલો બની શાંત સુગંધ પ્રસરાવી ખર્યે જતો ! એના અંતરમાં પોતાના સુખી દિવસોનાં દશ્યો ડોકિયાં કરી પછી ક્યાંય વિલીન થઈ જતાં ! અને નિસાસા સાથે તેનાથી બોલાઈ જતું…. ‘આ શું થઈ ગયું છે મારા અજયને… એનામાં આવો વિકૃત ઘમંડ ક્યાંથી આવી ગયો ?’ પછી થોડું અટકી બોલી, ‘ઘમંડ સમજણને ખાઈ રહ્યો છે. ને માણસજાત એનાથી કેવી ખવાઈ રહી છે !’ અજય ઑફિસથી ઘેર આવતો ને સૂનમૂન રહી પોતાનાં કામો કરતો. પોતાને વેદનાના મોટા ભંડકિયામાં પુરાયેલો અનુભવતો. દાંતી દાંતી પડેલી પતંગની દોરી થઈ ગઈ હોય એવી રીતે ખપજોગી વાત તે પૂર્વી સાથે કરતો. ઘરમાં પોતાના કબાટમાં કે ચોપડીઓના થપ્પામાં તે મિથ્યા ખાંખાખોળાં કરતો. વળી બહાર લૉબીમાં બેસી સિગારેટના ધુમાડાના આકારો હવામાં તરતા મૂકતો ને જોરથી ફૂંક મારી તેમને છિન્નભિન્ન કરી દેતો ! અને અકારણ થોડું કટાક્ષમાં હસી લેતો.

આ પરિસ્થિતિ છેલ્લા ત્રણેક દિવસથી જ થઈ હતી છતાં તેમને બન્નેને લાગતું કે તેઓ જાણે આમ જ વર્ષોથી જીવી રહ્યાં છે. ત્રણ દિવસ પહેલાં વાત આટલી જ બની હતી. બારી પાસે ઊભેલી પૂર્વીને અજયે પાછળથી આવી, તેને કમરેથી પકડી તેના સુવાસિત ગળાને મધુર ચૂંબન કરતાં કહેલું, ‘પૂર્વી ડાર્લિંગ ! આપણા આ ત્રીજા બાળકનું નામ તેં કંઈ વિચાર્યું છે ?’
બારીમાંથી દેખાતા આકાશને જડવત બનીને તાકી રહેલી પૂર્વીએ આ જાણે કે સાંભળ્યું ના સાંભળ્યું કર્યું. અજયે ફરી પોતાની ધૂનમાં તેને ચૂંબન કર્યું ને તેને ખભા પકડીને હચમચાવી નાખી. ફરી એ જ પ્રશ્ન દોહરાવ્યો…
‘અજય !’ ગંભીરસ્વરે પૂર્વીથી બોલાઈ ગયું, ‘મારે ત્રીજું બાળક નથી જોઈતું… હું ઍબૉર્શન કરાવવા ચાહું છું…’ ધનુષ્યમાંથી તીર છૂટી ગયા પછી ધનુષ્યની દોરી જે રીતે ધ્રૂજી રહે તે રીતે પૂર્વીનું બદન થડકી રહ્યું… એનું એ વાક્ય અજયના અસ્તિત્વને જાણે કે વીંધી આરપાર નીકળી શૂન્યતામાં વિલિન થઈ ગયું ! બન્ને વચ્ચેથી કોરીકટ્ટાક ક્ષણો પસાર થઈ ગઈ. પછી પૂર્વી હળવાશથી બોલી :
‘આમેય, આવી આર્થિક પરિસ્થિતિમાં જીવન દોહ્યલું બનતું જાય છે. મોંઘવારી માણસોને ખાઈ રહી છે. એમાં બે બાળકોના ખર્ચા જ ન પહોંચી વળાય એવા… ત્યાં વળી આ ત્રીજું… બહુ વિચારતાં મને લાગ્યું કે… ઍબૉર્શન કરાવી લેવું યોગ્ય….’ પછી ક્ષણેક રોકાઈ બોલી, ‘અને પછી સાથોસાથ ગર્ભાશયનું ઑપરેશન પણ કરાવી જ દઈએ….!’

પૂર્વીનું આવું બોલવું સાંભળી અજયને જાણે અપાકર્ષણનો કરંટ લાગ્યો હોય તેમ પૂર્વીથી થોડો અળગો થયો ! ફુંગરાયો, થોડું ચિઢાયો. બોલ્યો, ‘તને અત્યારે આ સૂઝ્યું ? તારે આ વાત તો પહેલાં જ વિચારી લેવાની હતી.’ આમ બોલતો અજય પૂર્વી પાસે પહોંચ્યો, તેની પીઠ પર હાથ પસવારતા બોલ્યો : ‘રાજાના બર્થ વખતે હવે આપણે ત્રીજું બાળક ન જોઈએ એવો જો તેં નિર્ણય લીધો હોત તો… એ વખતે જ ઑપરેશન કરાવી દેત ને…!’ કહી તે અટકી ગયો. પૂર્વીનું ડૂસકાભર્યું હળવું રૂદન ઓરડાની શાંતિમાં ગમગીનીનાં અદીઠ વર્તુળો છાપતું હતું. તેની વચ્ચે અજય બોલ્યો :
‘હવે જ્યારે આ બાળક દુનિયામાં આવવાનું ભાગ્ય લઈને આવ્યું છે ત્યારે તું આવું ઈચ્છે છે ?’ પછી ધીરજથી ઉમેર્યું : ‘જો પૂર્વી, આ બાળક આવી જાય પછી આપણે ઑપરેશન કરાવી દઈશું બસ ! પણ હવે ઍબૉર્શન તો નહીં જ !’
પૂર્વીએ ફૂંફાડો માર્યો : ‘અજય, રાખ તારી સલાહ તારી પાસે. તારો ખ્યાલ તને મુબારક ! મારે ઍબૉર્શન કરાવવું જ છે.’
‘પૂર્વી, એ હત્યા કહેવાશે !’
‘આ હત્યા નથી, સમજણભર્યું પગલું છે. આપણાં બાળકો સુંદરી અને રાજાનો ઉછેર સારી રીતે કરી શકાય એ એનો હેતુ છે.’
‘પણ પૂર્વી… આ બાળક એનું ભાગ્ય લઈને આવશે.’
‘તો ઍબૉર્શન એ જ એનું ભાગ્ય ન હોય, અજય !’ બોલતાં પૂર્વી રડી પડી. હવે અજયે મૌન મુનાસિબ માન્યું.

બસ, આટલી વાતમાંથી છેલ્લા ત્રણેક દિવસથી બન્ને વચ્ચે તંગ વાતાવરણ ઘરમાં ગૂંગળાયા કરતું હતું. તેનાથી ઘરનાં આનંદ-શાંતિ ડહોળાઈ ગયાં હતાં. આવા તંગ વાતાવરણમાં જીવવાનો અર્થ જ બદલાઈ જતો હોય છે ! બંને વચ્ચે ખપજોગી વાત થાય. એકબીજાં સામે કતરાયા કરે… અને બન્નેના અસ્તિત્વ વચ્ચે અંતર પડતું અનુભવાય… બંનેના દિલો-દિમાગ ઉશ્કેરાટભર્યાં રહેતાં. આવી પરિસ્થિતિ વચ્ચે બંને બાળકોની આંખમાં એક પ્રકારના ભયનું વાતાવરણ ડોકિયાં કરતું હતું. એમની મુગ્ધતા અને એમનું ચાંચલ્ય – જાણે બાનમાં આવી ગયા હતાં ! અજય અને પૂર્વી બંને બાળકોની આવી દયનીય બનતી જતી સ્થિતિથી વાકેફ હતાં, પણ તેઓ વિકૃત અહંકારની અદશ્ય જાળમાં બરાબર ફસાયાં હતાં ! અજય દીકરી સુંદરીને અને દીકરા રાજાને પાસે બોલાવતો. તેમની સાથે જાતજાતની વાતો કરતો…. તેમને હસાવી તેમના મુરઝાતા ચહેરા ખીલવવા મથતો.. પણ બધું વ્યર્થ ! બાળકો પપ્પાને તાકી રહેતાં અને ઠાલું હસી લેતાં ! પૂર્વી પણ બંને બાળકોને હદયે ચાંપી વહાલ કરતી…. ચૂમીઓ ભરતી… પણ બંને બાળકોની આંખોમાં ઝબક્યા કરતા પ્રશ્નાર્થેને મિટાવી શકતી નહીં. આવા વાતાવરણમાં એક વખત દસેક વરસની સુંદરીએ મમ્મીને પૂછી જ નાખ્યું, ‘મમ્મી ! તું અને પપ્પા વાતો કેમ નથી કરતાં ? પહેલાં તો ડ્રોઈંગરૂમમાં બેસી કેવી મજાની વાતો કરતાં હતાં. અમનેય કેવું હસાવતાં !’ સુંદરીની વાત સાંભળી પૂર્વી થોડી ક્ષણો તેને તાકી રહી. પછી જરા મોટેથી બોલી, ‘બેટા, આ પ્રશ્ન તારા પપ્પાને પૂછા, જા !’

બિચારી સુંદરી દયામણે ચહેરે મમ્મીને જોઈ રહી.
ત્યાં બાલ્કનીમાં રહેલા અજયે આ સાંભળ્યું. તેના પગ તેને તે ઓરડામાં ખેંચી લાવ્યા. ચિત્રમાં હળવા-આછા રંગો પૂરવા પીંછી ફેરવાતી હોય એવા સ્વરે અજય બોલ્યો, ‘પૂર્વી આવો ગુસ્સો છોડી દે. દીકરી પર શા માટે ગરમ થાય છે ? હું જોઉં છું કે આપણી વચ્ચેની સ્થિતિથી બંને બાળકો ‘બિચારાં’ બની રહ્યાં છે !’ આમ બોલતાં અજયે સુંદરી અને રાજાને પોતાની પાસે ખેંચી માથે હાથ ફેરવ્યો. એ જોઈ પૂર્વી રડમસ ચહેરે ત્યાં ધસી આવી ને બંને બાળકોને પોતાની છાતી સાથે ચાંપી રહી. બોલી, ‘બેટા, બેત્રણ દિવસથી મારી અને તારા પપ્પાની તબિયત ઠીક નથી ને એટલે… !’ પૂર્વીએ વાત વાળી લીધી.
‘મમ્મી, તું આ સાચું કહે છે ?’ સુંદરીના મોમાં ઉત્સાહના શબ્દો ખીલી રહ્યા. પાસે ઊભેલો રાજા બોલ્યો, ‘બેન, ચાલ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા મમ્મી-પપ્પાને સાજા કરી દે !’ આ સાંભળતાં અજયની અને પૂર્વીની આંખોમાંથી આ દશ્ય પીગળી ખરી રહ્યું !

પછી બંને બાળકો ત્યાંથી ઊછળતાં-કૂદતાં ઘરમાં ભગવાનની છબી હતી ત્યાં પહોંચી ગયાં. અજય અને પૂર્વી સૂનમૂન બની પરસ્પરને તાકી રહ્યાં. પછી પૂર્વી જરાક મલકી. બારીમાંથી દેખાતા આકાશને પોતાની નજરમાં સમાવવા પ્રયત્ન કર્યો. અજય તેની નિકટ ગયો. તેને પોતાના બાહુમાં જકડી કપાળ પર ચુંબન કર્યું. પૂર્વીએ ધીમા સ્વરે કહ્યું : ‘અજય, તારી ઈચ્છા….’
અજયે તેના મોં પર હાથ મૂકી પૂર્વીના શબ્દોને ત્યાં જ સીલ કરી દેતાં કહ્યું : ‘પૂર્વી, તારી વાત મને સમજાઈ છે. આપણે ઍબૉર્શન કરાવી જ દઈશું. સાથે સાથે ઑપરેશન પણ…!’ અને આ સાંભળતાં પૂર્વીની આંખોના બંધ તૂટી ગયા. તે ત્રુટક ત્રુટક અવાજે બોલી, ‘અજય… આ..ઈ…લ..વ…યુ…!’ પછી એ અજયને વીંટળાઈ રહી.
‘તારી વાત સાચી છે, પૂર્વી ! મેંય ઘણો વિચાર કર્યો. જો સુંદરી અને રાજાને સારી રીતે ઉછેરવાં હોય તો… આ મોંઘવારીમાં અને આજના કોકટેલ માહોલમાં વધુ બાળકો બોજ બની જાય !’ પછી અજયે ઉમેર્યું, ‘આ દુનિયામાં ઘણા એક બાળક થતાં ઑપરેશન કરાવી સુખમય જીવન વીતાવે છે !’ અજય પૂર્વીની આંખનાં આંસુ લૂછી રહ્યો હતો ત્યાં જ સુંદરી અને રાજા બારણામાં આવી ઊભાં, મમ્મી-પપ્પાને ખુશ જોઈ એમના ચહેરા પર આનંદનો વરખ ચઢી ગયો ! આંખોમાં ઉલ્લાસ ઝળહળી રહ્યો. એ તરત રમવા દોડી ગયાં.
‘હું આજ સાંજે જ આપણા ફૅમિલી ડૉક્ટર મહેતા સાહેબને મળી બધું કલીયર કરું છું !’ અજય બોલી ગયો, ‘એમનાં સલાહસૂચન મુજબ કરીશું. તારી તબિયતનું વિચારવું પડે ને !’ અજયનું છેલ્લું વાક્ય પૂર્વીના ચિત્તને એક થડકો આપી પસાર થઈ ગયું ! બસ, આ ક્ષણથી રાજા-સુંદરીની મસ્તીથી ઘર ગૂંજી રહ્યું. પૂર્વીને ય લાગ્યું કે જીવન ખરેખર અગમનિગમની એક ગૂઢ રમત છે.

ડૉ. મહેતાને મળવા અજય ઑફિસમાંથી સાંજે કલાક વહેલો નીકળ્યો. ડૉ. મહેતાને મળ્યો. બધી વાત જણાવી. પૂર્વીનો આગ્રહ છે કે આ ઍબૉર્શન કરાવી જ નાખવું. આખી વાત ડૉક્ટરે ધ્યાનથી સાંભળી પછી કોઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હોય એમ અજયને લાગ્યું, એટલે બોલ્યો : ‘શું ડૉક્ટર સાહેબ, તમે કંઈ વિચારમાં…!’
‘આ અંગે મારે તમારી અને પૂર્વીબેન સાથે થોડી વાત કરવી છે.’
‘એટલે કેવી ?’
‘એ વાત અહીં નહીં તમારા ઘેર કરવી છે ! જો તમને કંઈ વાંધો ન હોય તો….’
અજયે ઉન્માદમાં આવી પૂછી નાખ્યું : ‘અરે, સાહેબ, મને કહો તો ખરા…’
‘આ પ્રેગનન્સીના ઍબૉર્શન અંગે જ છે.’
‘શું ? કહો તો ખરા…’
‘ના, એમ નહીં. તમારી અને પૂર્વીની હાજરીમાં જ…. એટલે !’
‘આ અંગે મારે પૂર્વીને જણાવવું પડે….’
‘તો લગાવો મોબાઈલ ને પૂછો… અત્યારે જ નક્કી કરી લઈએ ક્યારે મળવું તે.’ ડૉક્ટર સાહેબ બોલી ગયા. અજયે ઘેર પૂર્વીને ફોન લગાવ્યો. મહેતા સાહેબ ઍબૉર્શન અંગે તને મળવા માગે છે એમ જણાવ્યું. આ સાંભળી પૂર્વી અચંબામાં પડી ગઈ. પછી તેને થયું, ચોક્કસ અજયે મહેતા સાહેબને ઠસાવ્યું હશે કે પોતે ઍબૉર્શન માટે તૈયાર નથી પણ પોતે મારી જીદને લીધે તૈયાર થયો છે. એટલે મહેતા સાહેબ મને સમજાવવા ખુદ ઘરે આવતા લાગે છે. અજાયની વાતથી તેનું હૃદય ધડકી રહ્યું. તે અસમંજસમાં પડી. તેને ય જાણવાની તાલાવેલી લાગી. અજયને ફોનમાં જ કહ્યું : ‘અજય, ભલે ડોક્ટર સાહેબ આજે જ આવે !’
‘સાહેબ, પૂર્વી કહે છે તમે આજે જ ભલે આવો.’ અજયે પૂર્વીની ઈચ્છા ડોક્ટર સાહેબને જણાવી.
ડૉક્ટર બોલ્યા : ‘તો પછી તમે ઘરે જાવ… અત્યારે સવા છ જેવું થયું છે, હું સાતેક વાગ્યે આવું છું.’ તે મર્મભરી નજરે અજયને જોઈ રહ્યા.
અજય બોલ્યો : ‘પણ સાહેબ, મને થોડો ઈશારો તો….’
‘હવે ઘરે આવું જ છું ને માયાને લઈ !’

અજયે ઘર તરફ મારમાર સ્કૂટર દોડાવ્યું. પોતે આ વાતાવરણમાં જાણે કોઈ ભૂલો પડેલો ગ્રહ છે એવી લાગણી થઈ. આ તરફ પૂર્વી પણ ઉચાટ અને અજયની વાટ નિહાળતી ફલૅટની બાલ્કનીમાં આંટા મારતી હતી. એણે તો ધારી જ લીધું હતું કે અજયે ડોક્ટર સાહેબને કંઈક ભેરવી દીધું છે. અજય આવતાં જ તે બધું મનમાંથી ઉભરાયું. તેણે બારણું ખુલ્લું જ રાખ્યું હતું, અજયે જેવો અંદર પગ મૂક્યો કે તરત જ રોકેટ ગતિએ તેણે પ્રશ્ન ફેંક્યો, ‘અજય, કેમ ડૉક્ટર સાહેબ ઘેર આવે છે ? તેં શું ભેરવ્યું એમને, હેં ?’
‘પૂર્વી, મેં તો તેમને ઍબૉર્શન કરાવી દેવાની ઈચ્છા જ જણાવી… ત્યારે…’
‘ના… ના.. અજય, તેં તારી મૂળ ઈચ્છા જણાવી હશે અને સમજાવ્યું હશે કે…’ પૂર્વીએ અકળામણ ઠાલવતાં કહ્યું.
અજય વચ્ચે જ બોલ્યો : ‘પ્લીઝ પૂર્વી ! તું કશું ઊલટું ન ધારી લે !’
‘તો પછી મને મળવા ડૉક્ટર ઘરે કેમ આવે છે ?’
‘પૂર્વી’ અજયે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘મેં એમને બે-ત્રણ વાર કારણ પૂછ્યું પણ તેમણે કહ્યું કે તેઓ મારી અને તારી હાજરીમાં જ આ અંગે વાત કરવા ચાહે છે !’ આ સાંભળી પૂર્વી મૂંગી થઈ ગઈ પણ મનમાં અજય વિશે ગડમથલ ચાલતી હતી. અજય પણ સૂન થઈ ગયો ને વિચારતો રહ્યો કે ડૉક્ટર સાહેબ શું કહેવા માગતા હશે ! બંને જણા વિચિત્ર પ્રકારનું ભારણ અનુભવી રહ્યા.

પૂર્વીએ નોકર મોકલી સામે રહેલા ‘સ્વાદ નાસ્તાઘર’માંથી દાળવડાં મંગાવ્યા. ડો. મહેતાને એના દાળવડાં ખૂબ ભાવતા. ઘણીવાર તો ડૉક્ટર સાહેબ ગમ્મત ગમ્મતમાં ફોન પર પૂર્વીને જણાવતાં – ‘દાળવડાં ખાવા આવું કે મોકલાવે છે ?’ અને પૂર્વી નોકર મારફતે તે સ્પેશ્યલ દાળવડાં મોકલતી પણ ખરી ! ડૉરબેલ વાગ્યો. બારણું ઉઘાડ્યું. નોકર દાળવડાં લઈ આવી ગયેલો. બોલ્યો, ‘ભાભી, પેલા તમારા ડૉક્ટર સાહેબ આવ્યા છે. મેં ગાડીમાંથી તેમને ઊતરતા જોયા.’ પૂર્વી અને અજય તરત બાલ્કનીમાં ગયાં. નીચે નજર નાખી તો ખરેખર મહેતા સાહેબ અને તેમનાં પત્ની માયાબહેન નજરે પડ્યાં. અજયના મનમાં કૂતુહલનાં ફૂદાં ઊડાઊડ કરતાં હતાં. પૂર્વીના ચિત્તાકાશમાં અજયનાં રૂપો આકારાતા હતાં. અજયે છેવટે કંઈક બફાટ કર્યો જ લાગે છે. મારી આગળ ઍબૉર્શન સ્વીકાર્યું… પણ ડૉક્ટરને કંઈક…. – ત્યાં ખુલ્લા રાખેલા બારણામાંથી છેક અંદર પ્રવેશી મહેતા સાહેબે ટહુકો કર્યો :
‘એ આવું કે પૂર્વી !’
‘આવો, આવો, સાહેબ, તમારું જ ઘર છે ને !’
‘કેવો વિચિત્ર છે, છેક ઓરડામાં આવી પૂછે છે – આવું અંદર ?’ માયાબહેને મહેતા સાહેબે કરેલી મજાકને વળ ચઢાવ્યો. પૂછ્યું : ‘ક્યાં ગયા અજયભાઈ ?’
‘આ આવ્યો… જરા આંખો બળતી હતી ને થોડી ગભરામણ જેવું લાગતું હતું તે ફ્રેશ થવા ગયેલો… !’ ઓરડામાં આવતાં અજયે સ્પષ્ટતા કરી.

આ સાંભળતાં પૂર્વીના મનમાં શંકાની પેલી ખીલી ફિટ થઈ ગઈ ! પણ તે ડૉક્ટરસાહેબ તરફ જોતાં બોલી, ‘હું તમારી કૉફી અને અમારી ચા બનાવી લાવું… તમે વાતો કરો.’ અને એ રસોડામાં ગઈ. સુંદરી અને રાજા બાલ્કનીમાં ઊભા ઊભા આ બધું જોતાં હતાં. તે દોડીને અંદર આવ્યાં. સુંદરી બોલી, ‘ડોક્ટર અંકલ, તે દિવસના જેવી જૉક્સ સંભળાવોને !’ અને ડૉક્ટર સાહેબે જોક્સ પર જોક્સ કહી ગમ્મતનું વાતવરણ ખડું કરી દીધું ! ત્યાં પૂર્વી ચા-કૉફી-દાળવડાં લઈ આવી. બાળકોને કહ્યું : ‘લો આ તમારા દાળવડાં.. લઈ જાવ તમારા સ્ટડી રૂમમાં. ત્યાં ખાવ. અમારે ડૉક્ટર અંકલ સાથે કામ છે.’
બાળકો હસીને બીજા ઓરડમાં ગયાં.
પછી કૉફી-ચાની સંગત સાથે દાળવડાંની મજા માણતા ડૉક્ટર સાહેબ બોલ્યા, ‘જો પૂર્વી, તારે ઍબૉર્શન કરાવવાનું નથી.’ આ સાંભળતાં જ પૂર્વીએ અજય તરફ કટાક્ષ નજરે જોયું. અજયના ચહેરા પર કશોક ફફડાટ સળવળી રહ્યો !
‘મહેતા સાહેબ !’ અજયે ઉચાટભર્યા અવાજે ઉમેર્યું, ‘અમને ત્રીજા બાળક માટે હવે…’
માયાબહેન વચ્ચે જ બોલ્યાં : ‘પૂર્વીબહેન… તમારું શરીર નંખાઈ જશે… અને અમારી વાત તો પૂરી સાંભળો..!’ પૂર્વીની આંખોમાં ચિંતાનાં વાદળો ઘુમરાવાં લાગ્યાં.
ડૉક્ટરે કૉફીનો ઘૂંટ ભરતાં કહ્યું : ‘વાત એમ છે કે માયાની નાની બહેન દેવકી છે… એને કોઈ સંતાનની શક્યતા નથી. આજે સાત વરસથી દવા ચાલે છે પણ હવે એ શક્ય નથી.’
‘એટલે તમારું આ સંતાન દત્તક લેવું છે એમને માટે…’ માયાબહેને ઘટસ્ફોટ કરતાં ઉમેર્યું, ‘અમને તમારો વાંધો નથી. આપણી વચ્ચે તો વળી સારી ઘરવટ છે !’ અજય અને પૂર્વી આખો મામલો સમજી ગયાં. એમનો ઉચાટ શમી ગયો. અજયે વિચાર્યું… હાશ ! આમ અમારું બાળક અમારી આંખો આગળ જ મોટું થશે… પૂર્વીને થયું મારું બાળક કોઈના જીવનમાં ખુશી ઉમેરતું હોય તો… એ વેદના હું વેઠી લઈશ.
‘શું વિચારો છો ?’ મૂક બેઠેલાં અજય-પૂર્વીને ઉદ્દેશીને માયાબહેન બોલ્યાં.
મહેતા સાહેબ બોલ્યા : ‘માયાની બહેન દેવકી માટે અમે અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેવાનું વિચારતા હતાં. અજયભાઈ, તમે સાંજે આવી આ વાત કરી એટલે મારા મનમાં આ વિચાર સ્ફૂર્યો !’
‘અજયભાઈ, તમારા ગયા પછી ડૉક્ટર સાહેબે મને ફોન કરી દવાખાને બોલાવી લીધી.’ માયાબહેન બોલ્યાં, ‘અમે ત્યાં બેસી તરત આ નિર્ણય લીધો. મારી બહેન દેવકી માટે આ યોગ્ય હશે.’

અજય અને પૂર્વીના ચહેરા પર ખુશી છલકાઈ રહી.
‘ઝાઝો વિચાર ના કરો.’ ડૉક્ટર સાહેબ બોલ્યા, ‘ઍબૉર્શન કરાવવું એના કરતાં એક જીવને બચાવી લેવો…. એજ ધર્મ !’ … અને ઍબોર્શન માટે તૈયાર થયેલી પૂર્વી ભાવાવેશમાં બોલી ગઈ :
‘મહેતા સાહેબ, માયાબહેન… જાવ આ સંતાનને હું જન્મ આપીશ… તે તમારું.’ અજય તરફ જોઈ હસીને ઉમેર્યું, ‘અજય, હવે મારે ઍબૉર્શન નથી કરાવવું !’ અને અજયની આંખમાં હરખનાં ઝળઝળિયાં ઝળક્યાં. તેણે પૂર્વીને ખભેથી પકડી પોતાની તરફ ઝૂકાવતાં કહ્યું : ‘પૂર્વી, આઈ એમ પ્રાઉડ ઑફ યુ !’
પૂર્વી મુલાયમ મલકાતાં બોલી : ‘અજય, આ બાળક ચોક્કસ એનું ભાગ્ય લઈને જ આવ્યું છે !’ એટલામાં સુંદરી અને રાજા પણ ત્યાં આવી ચઢ્યાં. સુંદરીએ બધાંને આમ હસતાં-મલકાતાં જોયાં એટલે પૂછ્યું :
‘ડૉક્ટર અંકલ, તમે શું આ લોકોને જોક સંભળાવી ?’ …. અને સુંદરી અને રાજા એકલાં એકલાં હસી પડ્યાં !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવતાનો સેતુ – ઉદય ત્રિવેદી
યાદગાર પ્રસંગો – ગોપાલ મેઘાણી Next »   

17 પ્રતિભાવો : ઈચ્છાઓની ઝંઝા – યૉસેફ મૅકવાન

 1. જેની સાથે લોહીની સગાઈ નથી તેવી વ્યકિતી માટે જે બલિદાન આપે
  અને તેના ચહેરા પર સ્મિતની લહેરખીઓ પ્રસરાવે તેને જોઈને તો ઈશ્વર પણ ભયભીત થાય અને તેનું આસન પણ ડોલવા લાગે…!!!

  માનવતાના દિવડા પ્રગટાવવા અઘરા નથી..થોડું સાહસ અને ત્યાગની વૃતિ જોઈએ.
  તેથી જ કહ્યું છે..

  માનવસેવા એ જ પ્રભુ

 2. nayan panchal says:

  ખરેખર, જીવમાત્ર પોતાનુ ભાગ્ય લઈને જ જન્મે છે.

  સુંદર વાર્તા.
  આભાર.

  નયન

 3. ભવિષ્યમાં બાળક માટે અજય અને પૂર્વીના મનમાં ફરી બાળક માટે પોતાનું બાળક હોવાની ભાવના,લાગણી જાગે તો શું?
  બાળક અને દત્તક લેનાર દંપતિ પણ મુશ્કેલીમાં પડે. આ વાર્તાનો અંત ગળે ન ઉતર્યો. કારણકે બાળક માટે અજય અને પૂર્વીના ક્યારેક તો પોતે ખરા મા-બાપ હોવાની ભાવના જાગવાની જ! અરે! બાળક જન્મવા પહેલાં પણ અજયના મનમાં તો એના માટે પિતૃત્વ જાગી જ ગયેલ બતાવેલ છે.

 4. SAKHI says:

  GOOD ARTICAL

 5. Veena Dave,USA. says:

  good story.

 6. Payal says:

  I am not sure if I agreee with the whole story.. I don’t like the theme. First it is quite controversial. The end seems forced to be all happy and peppy which may not be the case at all..I specially don’t like this one sentence માયાબહેન વચ્ચે જ બોલ્યાં : ‘પૂર્વીબહેન… તમારું શરીર નંખાઈ જશે.. Pruvi’s physcial health has nothing to with the abortion if it done early and properly.. This sends out wrong message that any woman considering abortion is wrong and commiting a sin.. when are we ever going to move forward? Again I am not bashing the author in any way, I just don’t think that the story is all that good.

 7. Sonu says:

  nice piece of short story, worth reading. In an ideal world, Ajay and Purvi would have given the birth to the third child and would have forgotten him/her completely once donating it to someone. But, we do live in a real world. Moreover we are human beings with emotions and intelligence. Considering these facts, it is obvious that the decision of donating a child looks like “getting carried away in a moment” rather than a mature decision after careful thinking. The author can consider such small thoughts in his further writing to make it more realistic.

 8. naresh badlani says:

  what should i write about this short but unique story,,,,,,,,,i dont have enough words….this thing shows that we are human with lots of imotines….

  simply its superb…

 9. Johnson Christian says:

  સરસ વાર્તા, છેલ્લે સુધી પક્ઙ જમાવી રાખી,
  યોસેફ અન્કલ તમને કદાચ ખબર નાહિ હોય પણ હુ તમારો ઋણી છું.

  આભાર સહ્
  જ્હોન્સન (વડોદરા)

 10. kumar says:

  સરસ. એકદમ અલગ.

 11. Bhupendra says:

  very good idea..Best story

 12. hiral says:

  bhut hi acha hae ye strory khya yesa reyal me ota hae ??????????? ager ha to pls, muje cotect karna muje bhi bagvan 10 sal se khuch nahi diya ager koy bhi muje apna bacha dega to wo mere liye bhgvan se bhi bada hoga sprry but after oll i am olso whuman

 13. ભાવના શુક્લ says:

  સુંદર સ્પર્શી જતી વાર્તા.

 14. Vaishali Maheshwari says:

  Good start of this story but it sounds too good to be true.
  This couple should have thought about not giving birth to the third child immediately after giving birth to second child.

  Doing abortion is a sin. We are taking someone’s life before it even comes to this world.

  The end part of the story sounds to be over convincing. Doctor’s wife just tells once to Purvi that she can donate her child, and Ajay and Purvi get convinced also so fast. This part could not be digested. May be Ajay and Purvi have very good relations with Doctor’s family, but still donating a child is a big thing. And moreover, this child will be growing up in front of them as Maya’s sister, who is going to adopt this child stays nearby. This can definitely raise problems in the future.

  Ajay and Purvi do not wish to have third child just because they think that financially they will not be able to take care of three children together, but what if they become well-set in few years after their third child comes to this world.

  So, end part is not acceptable, but it was good to read overall as a story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.