યાદગાર પ્રસંગો – ગોપાલ મેઘાણી

[1] રાષ્ટ્રપતિ – ભિક્ષુ ચમનલાલ

મારા પુસ્તક ‘સ્વીટ્ઝરલૅન્ડ શોઝ ધ વે’ (સ્વીટ્ઝરલેન્ડ રસ્તો બતાવે છે)ની નવી આવૃત્તિ તૈયાર કરવા માટે હું એ દેશમાં ગયો હતો. સ્વીટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિ સાથે જેણે દસ વર્ષ કામ કર્યું છે એવા એક અધિકારીની મુલાકાત પાટનગર બર્નમાં મેં લીધી હતી, તેનો થોડો ભાગ અહીં રજૂ કરું છું :

સવાલ : તમારા રાષ્ટ્રપતિનો મહેલ ક્યાં છે ?
જવાબ : અમારા રાષ્ટ્રપતિને કોઈ મહેલ નથી. બગીચાવાળું ઘર પણ નથી. તે એક ફલેટમાં રહે છે ને તેનું ભાડું ભરે છે.

સવાલ : રાષ્ટ્રપતિને ત્યાં કેટલા નોકર છે ?
જવાબ : સ્વીટ્ઝરલેન્ડમાં ‘કેટલા’ એમ તો પૂછશો જ નહીં. એક હોય તો પણ આશીર્વાદ ગણાય. પણ રાષ્ટ્રપતિનાં પત્ની પ્રોફેસર છે, તેમને મદદ કરવા એક બાઈ પાર્ટ-ટાઈમ કામ કરે છે.

સવાલ : રાષ્ટ્રપતિના મહેમાનો ક્યાં ઉતરે છે ?
જવાબ : હોટલમાં.

સવાલ : રાષ્ટ્રપતિ કેટલા કલાક કામ કરે છે ?
જવાબ : ઑફિસનો સમય નવ કલાકનો છે. સવારના 7.30 થી 12.30 અને બપોરના 2.30 થી 6.30. ઘણીવાર તે સવારના સાત પહેલાં પણ આવે છે. અંગત મંત્રી સાડા સાતે આવે છે. કોઈ વાર સાંજના સાડા સાત કે આઠ વાગ્યા સુધી પણ રાષ્ટ્રપતિ કામ કરે છે. ઘેર પણ ફાઈલો લઈ જાય છે.

સવાલ : ફાઈલો ઘેર કોણ ઊંચકી જાય છે ?
જવાબ : રાષ્ટ્રપતિ પોતે. અમારે ત્યાં પટાવાળા નથી.

સવાલ : રાષ્ટ્રપતિ માટે રાજ્ય તરફથી કેટલી મોટરગાડી આપવામાં આવે છે ?
જવાબ : એક પણ નહીં. આવવા-જવા માટે તે બસ કે ટ્રામનો ઉપયોગ કરે, એવી અપેક્ષા રખાય છે. સામાન્ય રીતે સવારમાં તે ઘરેથી ચાલીને ઑફિસે આવે છે ને રોંઢો કરવા બસમાં ઘેર જાય છે.

સવાલ : બસમાં ગિરદી હોય તો ?
જવાબ : તો ? – બીજા કોઈ પણ મુસાફરની જેમ તે પણ ઊભા રહે છે. કોઈ સ્ત્રીને જગા ન મળી હોય તો તે પોતાની જગા તેને આપે છે. સ્ત્રીઓમાં તે બહુ લોકપ્રિય છે, કારણ કે સામાન્ય રીતે બીજા પુરુષો સ્ત્રીઓને જગા નથી આપતા. પણ તેઓ કહે છે : ‘સ્ત્રીઓને સમાન હક છે ને !’

સવાલ : તમારા રાષ્ટ્રીય દિને બે-ત્રણ હજાર સંપત્તિવાનોને આમંત્રણ આપતો ભભકાદાર ભોજન-સમારંભ ગોઠવાય છે ?
જવાબ : રાષ્ટ્રીય દિવસે રાજ્ય તરફથી કોઈ સમારંભ થતો નથી. સરકાર ઈચ્છે છે કે લોકો પોતાને ખર્ચે રાષ્ટ્રીય દિન જાતે જ ઉજવે અને ગામડાંમાં પણ લોકો ઉત્સાહથી એ દિવસ ઉજવે છે.

સવાલ : તમે તમારા રાષ્ટ્રપતિની ફિલ્મ બનાવો છો ? તેમનાં ભાષણો પુસ્તક આકારે છાપો છો ?
જવાબ : કદી નહીં.

સવાલ : બધા કામદારોની જેમ રાષ્ટ્રપતિને અઠવાડિયામાં બે દિવસ રજાના મળે છે કે ?
જવાબ : રાષ્ટ્રપતિ શનિવારે પણ ઑફિસે આવે છે. રવિવારે તે પોતાનાં પત્ની સાથે પહાડોમાં જાય છે. કુદરતના તે ખૂબ ચાહક છે.

સવાલ : તમારા રાષ્ટ્રપતિને અંગરક્ષકો છે ?
જવાબ : ના, પોતાના રક્ષણ માટે રાષ્ટ્રપતિએ કોઈ અંગરક્ષકની જરૂર નથી. સાદા પોલીસની પણ નહીં. તેમની લોકપ્રિયતા જ તેમની શ્રેષ્ઠ અંગરક્ષક છે. ઑફિસના દરવાજા પાસે પણ તમે પોલીસને નહીં જુઓ. રાષ્ટ્રપતિની ઑફિસ એક નાની ગલીમાં આવેલી છે. કોઈ પણ માણસ ત્યાં લિફટ મારફત જઈ રાષ્ટ્રપતિના અંગત મંત્રીને મળી શકે છે.
.

[2] રાવણ રથી…. – નંદકિશોર

1957ની વાત છે. રાયબરેલીની સંસદીય ચૂંટણીમાં હું ફીરોઝ ગાંધીનો પ્રતિસ્પર્ધી હતો. કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. કરીને હું જેવો બહાર આવ્યો કે રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યો. એ સંપર્કના પ્રભાવ હેઠળ જ હું તત્કાલીન વડાપ્રધાન નહેરુના જમાઈ ફીરોઝ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડ્યો. ચૂંટણીમાં હું થોડાક હજાર મતથી જ હાર્યો. પણ ફીરોઝ સાહેબના વ્યક્તિત્વનો પ્રભાવ એવો હતો કે એમના પ્રત્યે કડવાશને બદલે મારું મન સ્નેહ અને આદરથી ભરાઈ ગયું, અને હજી પણ એમને યાદ કર્યા વિનાનો એકેય દિવસ જતો નથી.

મને બરાબર યાદ છે કે ફીરોઝ સાહેબ એક લાંબી જીપમાં બેસીને ચૂંટણી માટે પ્રવાસ કરતા હતા, ત્યારે રસ્તામાં ક્યારેક હું પગપાળે જતો એમને મળી જતો. ચાલતા જવાનું કારણ એ કે મારી જૂની ભંગાર સાઈકલ પણ કદી કદી કોઈ કાર્યકર્તાને આપી દેવી પડતી. બીજું કોઈ સાધન વાપરવાના પૈસા નહીં. એવે વખતે તરત હું ફીરોઝ સાહેબને આ ચોપાઈ સંભળાવતો : ‘રાવણ રથી, વિરથ રઘુવીરા….’ ફીરોઝ સાહેબ હસી પડતા અને કહેતા, ‘આવ, તું પણ રાવણ બની જા !’ અને હું ફીરોઝ સાહેબની જ જીપમાં બેસીને એમની વિરુદ્ધ પ્રચાર કરવા માટે પ્રવાસ કરતો, અને કોઈ ગામ આવે તે પહેલાં થોડી વારે જીપમાંથી ઉતરી પડતો ! ગામમાં લોકોને મળીને પછી હું જલદી જલદી ગામની બહાર પહોંચી જતો – અને જેવી ફીરોઝ સાહેબની જીપ નીકળે કે ફરી એ જ ચોપાઈ સંભળાવતો. પછી ફીરોઝ સાહેબ મને પાછો રાવણ બનાવી દેતા ! સ્પર્ધા જીવનમાં હોવી જોઈએ, પરંતુ માનવીય મૂલ્યોના ભોગે નહીં; અને તે પણ દ્વેષપૂર્વક તો સહેજ પણ નહીં.
.

[3] ખોદી લે તારી મેળે ! – અજ્ઞાત

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી સોળ માઈલ દૂર સેહાની નામનું ગામ છે.
બ્રહ્મોદેવી નામની નવવધૂ પરણીને સેહાનીમાં પોતાને સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો. પણ સેહાનીમાં બે ખેતરવા દૂર ગામને કૂવેથી પાણીની હેલ સીંચી લાવવી પડતી હતી. ઉમંગભરી નવોઢાને ઘરના કૂવાની ખોટ સાલી અને રાતે પિયુની પાસે એણે વાત મૂકી : ‘આપણા ફળિયામાં જ એક કૂવો હોય તો કેવું સારું !’
‘તું કાંઈ ગામમાં નવીનવાઈની નથી આવી,’ પતિએ કહી દીધું, ‘કૂવાની એટલી બધી જરૂર હોય તો ખોદી લે તારી મેળે !’

એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઈ ગયાં. વળતી સવારે પાણી ભરવા જતાં પોતાની પાડોશણો પરમાલી, શિવદેવી અને ચંદ્રાવતીને એણે વાત કરી. ચારેય સહિયરોએ મળીને એક યોજના ઘડી. એક સવારે, ચારેયના ધણી પોતપોતાનાં ખેતરે ગયા પછી, એ પાડોશણોએ ગામના ગોરને તેડાવ્યો, સારું મૂહુર્ત જોવરાવ્યું ને પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડ્યો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં આઠ ફૂટ ઊંડો ખાડો જોઈને અજાયબ થઈ ગયા. તે છતાં મોઢેથી તો તે એટલું જ બોલ્યા કે, ‘અરે, આ તે કાંઈ બાયડિયુંનાં કામ છે ? આફૂરડી થાકીને પડતું મેલશે !’ પણ ખાડો તો દિવસે દિવસે ઊંડો થતો ગયો. ચારેય બાઈઓને કૂવાની ધૂન એવી લાગી ગઈ હતી કે રોજ ઊઠીને ઊંધે માથે ખોદયે જ જતી હતી. બે જણિયું અંદર ઊતરીને ખોદે, તો બીજી બે માટીના સૂંડલા બહાર ઠાલવી આવે. પછી તો અડખેપડખેનાં છોકરાંઓ ને બીજી થોડી બાઈઓને પણ ચાનક ચડી… ફક્ત ગામના મૂછાળા મરદ હાંસી કરતા અળગા રહ્યા.

મુહુર્ત કર્યા પછીના વીસમા દિવસે બ્રહ્મોદેવીને શિવદેવી ખાડાને તળિયે ઊભી ઊભી ત્રિકમ ચલાવી રહી હતી, ત્યાં એમના પગ તળેથી શીતલ જળની સરવાણી ફૂટી. એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો. ટાબરિયાંઓએ કિકિયાટા કર્યા, ગામની સ્ત્રીઓએ હરખનાં ગીતો ગાયાં. હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહરી ફરી વળી. પંચાયત ભેગી થઈ ને કૂવા પર પથ્થર-સિમેન્ટનું પાકું મંડાણ મુકાવવાનો ખર્ચ મંજૂર કર્યો.

બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામેગામ પડેલી છે. ‘ખોદી લે તારી મેળે !’ કહીને કોઈ વાર એમને ચાનક ચડાવી જોજો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈચ્છાઓની ઝંઝા – યૉસેફ મૅકવાન
ફાળાનો ફૂંફાડો – નટવર પંડ્યા Next »   

13 પ્રતિભાવો : યાદગાર પ્રસંગો – ગોપાલ મેઘાણી

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ.

 2. Vijay says:

  સ્ત્રિશક્તિ ની ખુબ સારી વાત્.

 3. Soham says:

  ૧.
  આપણા નેતાઓ એ સ્વીટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિ પાસેથી બોધ લેવાની જરુર છે…

  કેટલુ સાદુ જીવન જીવતા હશે.. આવા દેશો જે વ્યર્થ ખર્ચ ન કરે તે જ આગળ વધી શકે. અને દેશ ના વિકાસ માટે નાણા ફાળવી શકે…. આપણે અહીં તો કર-વેરા નેતાઓ ના કાફલા બનાવવા અને એમના ખર્ચા ને માટે જ છે…

  ૨.
  સ્પર્ધા જીવનમાં હોવી જોઈએ, પરંતુ માનવીય મૂલ્યોના ભોગે નહીં; અને તે પણ દ્વેષપૂર્વક તો સહેજ પણ નહીં. — નંદકિશોરજી ની વાત એક દમ સાચી છે.. આવા નેતા ક્યાં મળશે????

 4. Paresh says:

  “સ્પર્ધા જીવનમાં હોવી જોઈએ, પરંતુ માનવીય મૂલ્યોના ભોગે નહીં; અને તે પણ દ્વેષપૂર્વક તો સહેજ પણ નહીં” સુંદર વાત.

  માન. સંસદસભ્યશ્રી સંગ્માને સંસદમાં એક ચર્ચામાં સાંભળ્યાનું યાદ છે કે “પહેલાં ચૂટણી લડવા ટીકીટ એ રીતે અપાતી કે આ વિસ્તારના લોકો મને ઓળખે છે એટલે ટીકીટ આપો, હવે ટીકીટ એ રીતે મંગાય છે કે આ વિસ્તારના લોકો મને ઓળખતા નથી એટલે આ વિસ્તારની ટીકીટ આપો.” આમાં માનવીય મૂલ્ય ક્યાં આવે?

 5. Maharshi says:

  સ્પર્ધા જીવનમાં હોવી જોઈએ, પરંતુ માનવીય મૂલ્યોના ભોગે નહીં;

  વાત ખુબ ગમી…

 6. nayan panchal says:

  સ્પર્ધા જીવનમાં હોવી જોઈએ, પરંતુ માનવીય મૂલ્યોના ભોગે નહીં; અને તે પણ દ્વેષપૂર્વક તો સહેજ પણ નહીં.

  બ્રહ્મોદેવીની વાર્તા તો ન્યુઝચેનલ પર પણ આવી ગઈ છે.

  જાપાનમાં વીજળીની બચત કરવા માટે ત્યાના પ્રમુખે ટાઈ અને સૂટ ન પહેરવાનો નિર્ણય લીધો. ભારત જેવા ગરમ આબોહવા વાળા દેશમાં સૂટ કે ટાઈ પહેરવાનો નિર્ણય કેટલો યોગ્ય છે. કિલન્ટન પણ જ્યારે ભારત આવેલા ત્યારે શર્ટ – પેન્ટમાં જ ફરતા હતા.

  સુંદર સંકલન.

  આભાર.

  નયન

 7. Kanchanamrut Hingrajia says:

  પ્રથમના બન્ને પ્રસંગો આજના સંદર્ભમાં વિચારીએં તો કલ્પનાતિત જ લાગે !
  ત્રીજા પ્રસંગમાં ખરેખર લાગે છે કે કોઈની શક્તિને ઓચ્છી તો આંકવી જ નહિં તેમાં પણ જ્યારે તેને પડકારવામાં આવે ત્યારે તો નહિં જ નહિં.

 8. Veena Dave,USA. says:

  વાહ વાહ્ ખુબ સરસ લેખ્. આભાર્ .
  અત્યારે તો સામાન્ય માણસ ના ઘરમા ફોન પણ કામવાળા બાઈ કે ભાઈ ઉપાડે (ભારતમા).

 9. BINDI says:

  very nice!!

 10. Pradipsinh says:

  Wah saras lekh 6. maja padi gai.

 11. pragna says:

  પારકિ આશ સદા નિરાશ પરન્તુ અપના હાથ જગન્નાથ

 12. ભાવના શુક્લ says:

  સ્પર્ધા જીવનમા દોડવાનો અને સૌથી આગળ નીકળવાનો ઉત્સાહ આપે તો જ સાચી સ્પર્ધા..
  સ્પર્ધા એ અન્યને હરાવવા નહી પણ જાત ને જિતાડવા હોય તો અર્થપુર્ણ અને બહુમુલ્ય બની રહે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.