- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઊંચી કહેવાતી મૉર્ડન સ્કૂલો – જયાબહેન શાહ

મૉર્ડન સ્કૂલોના કિશોર વિદ્યાર્થીઓની ગતિવિધિ જોઈને તેના સંચાલકો વાજ આવવા લાગ્યા છે. મોટીમસ ફી આપીને વિદ્યાર્થીઓ દાખલ થાય છે. બાલમંદિરથી અંગ્રેજી માધ્યમ અને મોટી મોટી વાતો. માબાપો પણ ઘેલાં થયાં છે. અમારાં સંતાનને ફલાણી અદ્યતન ‘સ્કૂલ’માં દાખલ કરીશું. મારાં બાળકો મોટા ‘ઑફિસરો’ બનશે. મોટા ઉદ્યોગપતિઓ બનશે ને બધું માલામાલ થઈને રહેશે. નાનકડું બાળક શાળામાં દાખલ થાય ત્યારથી તેની પાછળ હજારો રૂપિયાનું પાણી કરવામાં આવે છે.

આવી કહેવાતી અદ્યતન સ્કૂલોના સંચાલકો હવે રાવ કરવા લાગ્યા છે કે કિશોરો દ્વિચક્રી વાહનો અથવા મોટરગાડીઓમાં સ્કૂલે આવે છે, સાથે મોબાઈલ ફોન લાવે છે, ચાલુ શાળાએ ફોન ઉપર વાતો કરે છે. એમ ન કરવા ‘ટીચરો’ કહે છે છતાં વિદ્યાર્થીઓ માનતા નથી. પરદેશી મોંધાદાટ કપડાં, દફતર, પેન – બધું જ ‘હાઈ કલાસ’. વૅકેશનમાં યુરોપ-અમેરિકાના પ્રવાસો, નાસ્તામાં ફાસ્ટ ફૂડનાં પૅકેટો, બસ જોતા રહો ! કેટલીક સ્કૂલના સંચાલકો ચિંતામાં પડી ગયા છે કે, ‘ટીચર’ કલાસ ચલાવે ત્યારે મોબાઈલ ફોન ચાલવો ન જોઈએ પરંતુ માને તો ને ? આવા હાલ છે.

વિચાર થાય છે કે પૂર્વકાળમાં રાજકુમારોને પણ ગુરુકુળોમાં અભ્યાસ કરવા રાજામહારાજાઓ મોકલતા હતા તો એ શું બેવકૂફી હતી ? ગુરુકુળમાં શરીર ખડતલ થાય એવાં કામો કરવાનાં રહેતા. કૃષ્ણ-સુદામા સંવાદમાં શું આવે છે? ગોધન ચરાવવા જવાનું હતું. કરગઠિયા વીણવાં પડતાં, ગુરુકુળનાં બધાં જ કામો શિષ્યોને કરવાનાં હતાં. સાથોસાથ શિખા બાંધીને વિવિધ વિદ્યાઓ આત્મસાત્ કરવાની હતી. જ્યારે નવા જમાનાના મોટા ધનપતિઓનાં બાળકો એશઆરામી જીવન તરફ વળ્યાં છે. શરીર જરાય ઘસાય નહીં તેની પૂરી કાળજી રાખવાની. તાજેતરમાં હું એક શાળાની મુલાકાતે ગયેલી. કન્યાકેળવણીની હૉસ્ટેલ જોઈ અને પૂછયું કે આ બધી કન્યાઓ પોતાના રસોડા-ઓસરીની સફાઈ કે પીવાના પાણીનાં મટકાં જાતે ભરે છે ખરી ? રસોડામાં શાક સમારવા કે રોટલી વણવામાં મદદરૂપ થાય છે કે કેમ ? તો તેના સંચાલકે જવાબ આપ્યો કે, અમારા ટ્રસ્ટીઓ કહે છે કે આવી ફિઝૂલ બાબતોમાં દીકરીઓનો સમય બરબાદ નહીં કરવાનો ! એમને તો કમ્પ્યુટર, ઈન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે શીખવવાનું. તો વાત આમ છે ?

આ બધા વચ્ચે એક સામાજ-હિતચિંતક કહે છે કે, જો તમે તમારાં બાળકોને સાચે રસ્તે ચાલે ને જીવનરણમાં ટકી શકે તેવું ઈચ્છતા હો તો તમે એવી કહેવાતી અદ્યતન સ્કૂલોમાં નહીં મોકલતા. એમ કરવાથી તમારાં બાળકો કરોડપતિનાં બાળકો સાથે બરાબરી નહીં કરી શકે. તેમની પાસે ખર્ચાળ સાધનો નહીં હોય, શાળાએ પહોંચવા ગાડીઓ નહીં હોય, વૅકેશનમાં યુરોપ-અમેરિકા ફરવા જવા જેટલા પૈસા નહીં હોય. પરિણામે તેઓ દેખાદેખીથી, લઘુતાભાવ અનુભવવા લાગશે ને તેમાંથી બાળસહજ વિકૃતિઓ પેદા થશે ને ભણવાનું એક બાજુએ રહી જશે ને તમારાં બાળકો માનસિક પીડાનાં ભોગ બનશે. પરંતુ આવી સલાહ માનવા સત્તા કે ધનમાં મદાંધ બનેલા લોકો નહીં માને.

બધાંની નજર અમેરિકા તરફ છે પરંતુ ત્યાંનું ભણતર કેવું આકરું છે તે તરફ જુઓ. ત્યાં કેટલી મહેનત કરવી પડે છે. બાપને પૈસે ત્યાં તાગડધિન્ના કરવામાં આવતા નથી. ખુદ કેનેડીનો પુત્ર વૅકેશનમાં લોકોના આંગણાની લોન-હરિયાળી નીંદવા જતો ને થોડીઘણી કમાણી કરી લેતો. ત્યાં વિદ્યાર્થીઓ ભણતર સાથે ગણતર કરે છે. ત્યાં માત્ર 33 ટકાએ પાસ થવાતું નથી. સર્વાંગી રીતે શિક્ષણ આપવાની ત્યાં કોશિશ થાય છે. ત્યાંની હૉસ્ટેલોમાં ઍરકન્ડિશનરો ઓછાં હોય છે. ખુલ્લામાં નગ્નાવસ્થામાં નળ નીચે ઊભા રહીને વિદ્યાર્થીઓ નહાય છે. ઘણુંબધું જાતે કરી લે છે. અમેરિકા પાસેથી કેટલું સારું શીખવા જેવું છે. તે શીખવાને બદલે વાહિયાત બાબતોનું અનુસરણ કરવામાં આપણો એલાઈટ વર્ગ રાચે છે.

ભારત આજે બે ખંડમાં વહેંચાઈ ગયો છે : એક બાજુ અઢળક સંપત્તિવાળો ઉપલો વર્ગ અને સામી બાજુએ તે તદ્દન સામાન્ય વર્ગ જેને પોતાનાં બાળકોને સામાન્ય શિક્ષણ આપવાની પણ ત્રેવડ નથી. ધનપતિઓનાં બાળકો કહેવાતી મોર્ડન સ્કૂલોમાં ભણીને બહાર પડે ત્યારે તેને ગરીબી કે અભાવ શું ચીજ છે તેની ક્યાંથી ખબર હોય ? પછી તેઓ ‘ગરીબીને મરો ગોળી’ એમ સમજીને પોતાના જીવનની તરાહ મુજબ દેશનું ભાવી નિર્માણ કરવા ઈચ્છે છે. જો વર્ગનું નામ આપવું હોય તો શોષિત વર્ગ આપી શકાય. આમ, એક નૂતન શોષક વર્ગ ઊભો થઈ રહ્યો છે.

સ્વરાજની સંધ્યાએ ગાંધીજીને કોઈ સુજ્ઞજને પ્રશ્ન પૂછેલો કે બાપુ સ્વરાજ્યમાં આપને કોના તરફથી મુશ્કેલી પેદા થાય તેવું લાગે છે ? ત્યારે બાપુએ દુ:ખ સાથે જવાબ આપેલો કે મને બીક છે વર્તમાનકાળમાં અંગ્રેજી ઢબની કેળવણીમાં તૈયાર થયેલા ભણેલા વર્ગની. તેઓ મહદ્ અંશે સ્વાર્થી, એકલપેટા અને ગરીબ તેમ જ પીડિતો પ્રત્યે સંવેદના ગુમાવી બેઠેલો વર્ગ છે. બાપુના એ શબ્દો અક્ષરેઅક્ષર સાચા પડતા આપણે જોઈ રહ્યા છીએ. તો શું કરવું ? આજે તો લોકોની દોટ એ તરફ છે. જેમને એવું પોસાતું નથી તેઓની મંછા પણ એવી જ હોય છે. આ શબ્દો છે : પૂ. વિનોબાજીના, ગાંધીજી અને વિનોબાજી જેવા દ્રષ્ટાઓની આજે લોકો હાંસી ઉડાવે છે. તેઓને ખબર નથી કે ખબર હોવા છતાં પોતાનાં બાળકો, સમાજ તેમ જ દેશને તેઓ ઊંધે રવાડે ચડાવી રહ્યા છે. એકવાર ગાંધીજીએ કહેલું કે, સ્વરાજ્યમાં ‘મૉર્ડન સ્કૂલો’ ને સ્થાન નહીં હોય, તમામ માટે સમાન અભ્યાસક્રમ તેમ જ સુવિદ્યા સુલભ હશે. તેમાં સાદાઈ હશે, જીવનની તાલીમ મળતી હશે, ચારિત્ર્યગઠન અને સ્વાવલંબન એ કેળવણીનો પાયો હશે, અને વિષયોનું સંપૂર્ણ અનુભવયુક્ત જ્ઞાન હશે. આ પરિપ્રેક્ષ્યમાં વર્તમાન કેળવણીના રંગઢંગ જોઈને વિચાર કરવા પડે તેમ તો છે જ. પરંતુ એ અંગે કોઈ વિચારશે ? એવું વિચારનારાઓનો નવો એલાઈટ વર્ગ ‘બુદ્ધુ તેમ જ દેશને પાછળ ધકેલનારા જુનવાણી’ કહીને તરછોડે છે. જ્યારે પાયાનું વિચારનારા સામે ભારતના ભાવીનું એક દૂરનું એક સ્પષ્ટ દર્શન છે. આજે તેની અવગણના થઈ રહી છે પરંતુ તેની કિંમત ચૂકવ્યા વિના નહીં ચાલે. દેશમાં આજે વર્ણભેદ છે, જ્ઞાતિભેદ છે, ધાર્મિક ભેદભાવો તો છે જ. હવે પછીના આપણા દેશમાં એક બેફામ બ્યૂરોક્રેટિક ધનિક વર્ગ હશે અને તેની સામે દાંતિયા કાઢતો કરોડોનો ‘પછાત’ કહેવાતો વર્ગ હશે. આજના તમામ ભેદભાવો કરતાં તે ઓછો ખતરનાક નહીં હોય. સમજવું હોય તો સમજી લેવાની જરૂર છે.