મિમિનું ભાષા-શિક્ષણ – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

[મૂળ લેખક : બામાચરણ મિત્ર ]

જીવનબાબુને મનમાં ખૂબ લાગી આવે છે. તેમની એકની એક દીકરી મિમિ સાવ મૂરખ છે. ભણવામાં તેનું ચિત્ત ચોંટતું નથી. હાથમાં ચોપડી લે છે કે તરત એ ઝોકે ચઢી જાય છે અને કંઈ સવાલ પૂછો ત્યારે મૂરખની જેમ જોઈ રહે છે.

જીવનબાબુ અડધા કલાકથી બોલબોલ કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે – ‘આ હૃદય મારું અર્પણ કર્યું તારા ચરણે, હે નાથ !’ મિમિ મોં ફાડીને મોટી મોટી આંખો વડે તાકી રહી છે, જાણે બધું ગળે ઉતારી રહી છે. જાણે બધું સમજી શકી છે, એવા ભાવથી પપ્પાની સામે એ જોઈ રહી છે. વચ્ચે વચ્ચે તેના વાંકડિયા વાળ પવનમાં ઊડીને આંખો પર પડે છે ત્યારે ચિડાઈને તે ઊંચા કરી ફરી તેવી જ રીતે જોઈ રહે છે. વાળ જાણે તેની સમજવાની ક્રિયામાં આડા આવી રહ્યા હોય તેમ તેને ગુસ્સાથી તેણે હડસેલી દીધા. મિમિનો ભાવ જોઈ જીવનબાબુ વધારે ઉત્સાહથી સમજાવવા લાગ્યા. થોડી વાર પછી મિમિની વિસ્ફારિત મોટી મોટી આંખો ધીમે ધીમે ઝીણી થવા લાગી. તે જીવ પર આવી આંખ ઉપરનાં પોપચાંને ઊંચા રાખવાનો પ્રયત્ન કરતી હતી. અડધા કલાક સુધી ઉપરની પંક્તિ સમજાવ્યા પછી જીવનબાબુને સંતોષ થયો કે પોતે મિમિને પદ્યનો ભાવાર્થ બરાબર સમજાવીને ગળે ઉતાર્યો છી. સંતોષથી હસતાંહસતાં એમણે હવે તેને પૂછ્યું : ‘બેટા, સમજી ગઈ ને ?’

મિમિએ ફરી વાર માથાના વાળ ઊંચા કરી ડાબેથી જમણી તરફ યથાશક્તિ ડોકી નમાવી મોં પર હાસ્ય લાવી જણાવ્યું, કે મને બધું સમજાયું છે, પણ તરત તેની આંખોમાં ડર ડોકાયો ને ઊંઘમાં ઘેરાયેલી આંખો ડરથી પહોળી થઈ ગઈ. જીવનબાબુ ગુસ્સે થઈ બોલ્યા : ‘સમજી છે તો પછી મૂરખની જેમ શા માટે જોઈ રહી છે ? ચાલ, સમજાવ મને, તું શું સમજી છે તે !’
મિમિએ ગળામાં બે-ચાર ઘૂંટડા થૂંકના ઉતારી બોલવા માંડ્યું : ‘નાથ એટલે સ્વામી કે ભગવાન, જેણે આપણને સરજિયાં છે, તેઓ ખૂબ સારા માણસ છે, કોઈને કાંઈ કહે નહિ, કોઈના ઉપર ગુસ્સે થાય નહિ, ખૂબ ખૂબ સારા માણસ છે.
‘તારું માથું સમજી છે. બદમાસ કહીંની ! હું એક કલાકથી બક બક કરી રહ્યો છું ત્યારે તું એટલું સમજી કે ભગવાન કોઈ માણસ છે ! સર્જન બોલતાં આવડતું નથી, એટલે કહે છે ‘સરજિયાં !’ દિવસે દિવસે નાની કીકલી થતી જાય છે ! દસ વરસની ઢાંઢી થઈ, પાંચમા ધોરણમાં એક વરસ નાપાસ થઈ.. લગારે શરમ નથી.’

મિમિએ ડરીને પાછળ ખસી જઈને કહ્યું, ‘ના, ના, ભગવાન એક… ભગવાન….’
‘ભગવાન એક શું ?’ જીવનબાબુએ ત્રાડ નાખી પૂછ્યું. મિમિ બબડી – ‘પપ્પાએ શું કહ્યું હતું ? ભગવાન એક ?’ એ જ વખતે મિમિની લાડકી બિલાડી શંકી દોડી આવી મિમિના ખોળામાં ચઢી બેઠી – મ્યાઉં, મ્યાઉં કરવા લાગી.
મિમિના મોંએ આવ્યું : ‘ભગવાન એક મ્યાઉં…’
જીવનબાબુને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે શંકીનું ગળુ પકડી તેને દૂર ફગાવી, રસોડા તરફ જોઈ બૂમ પાડી કહ્યું : ‘હજારવાર કહ્યું કે ઘરમાં બિલાડી ફિલાડી રાખશો નહિ, ભણવામાં છોકરીનું ચિત્ત નહિ ચોંટે… દિવસરાત બિલાડીની સાથે રમ્યા કરે છે. નિશાળેથી આવી હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી ત્યાં દફતરનો ઘા કરી શંકીની પાછળ દોડવાનું શરૂ ! હટ્, માના ગુણ ઊતર્યા છે દીકરીમાં ! મર મૂઈ, જા જઈને જો કે શરાધબાબુની દીકરી જેવું મોટે મોટેથી વાંચે છે ! જો, લિંગરાજબાબુની દીકરી જો; એ કલાસમાં પહેલો નંબર લાવે છે. મારા નસીબે તું ભટકાઈ છે. આ વંશમાં કોઈ એવું પાક્યું નહિ, જે વંશનું ગૌરવ વધારે. નસીબ, નસીબ, બીજું શું ? હટ્, ગઈ પરીક્ષામાં ઉત્તરવહી ફાડી તેની હોડી બનાવી તરવા મૂકી ચાલી આવી હતી. મરી કેમ ન ગઈ તું….!’

ગઈ વાર્ષિક પરીક્ષા વખતે મિમિ પરીક્ષા આપવા નિશાળમાં બેઠી હતી, તે જ વખતે મુશળધાર વરસાદ પડ્યો. પાણી નિશાળનો વરંડો ટપીને કલાસરૂમના દરવાજા સુધી આવી ગયું. મિમિનું મન કાબૂમાં રહ્યું નહિ. પોતે પરીક્ષા આપી રહી હતી તે વાત મિમિ એકદમ ભૂલી ગઈ. તે ધીમે ધીમે પરીક્ષા હૉલમાંથી બહાર આવી ગઈ. ઉત્તરવહીનાં પાનાં એક-પછી-એક ફાડી તેણે હોડીઓ બનાવી પાણીમાં તરવા મૂકી ! હોડીઓ હાલકડોલક થતી તરવા લાગી. મિમિ ખુશ ખુશ થઈ ગઈ. સંતોષથી હોડીઓ જોતી જોતી એ વરસાદમાં ભીંજાતી ઘેર આવી. ઘેર આવી કે પપ્પા યાદ આવ્યા. પપ્પાની બીકથી તેને તાવ આવી ગયો. તાવ ઊતરતાં ખાસ્સા દિવસો લાગ્યા. તે વરસે મિમિ નાપાસ થઈ, પણ તાવના કારણે તે વખતે ઠપકામાંથી બચી ગઈ. પણ પછી જીવનબાબુને આ વાતની જાણ થતાં, તેઓ ખૂબ ગુસ્સે થયા હતા અને મિમિને ખૂબ મારી હતી. આજે એ વાત યાદ આવી જતાં જીવનબાબુનો ગુસ્સો બમણો થઈ ગયો. સટાક કરતી એક થપ્પડ મિમિના ગાલ પર ઝીંકીને એમણે કહ્યું : ‘આજે આ કવિતાનો અર્થ તું સમજાવશે નહિ ત્યાં સુધી તને છોડવાનો નથી. ગમે તેટલું મોડું થાય, આજે તું છે ને હું છું. આજે ખાવાપીવાનું બંધ ! ચાલ, સમજાવ આનો અર્થ, સમજાવે છે કે નહિ ? રોવાનું બંધ કર….’

રસોડામાંથી બૂમ સંભળાઈ : ‘તમે ક્યારેય દીકરીને ભણાવતા નથી, અને જ્યારે ભણાવવા બેસો છો ત્યારે મારવા સિવાય બીજી વાત નહિ ! બિચારી આવડી અમથી છોકરી પાસેથી કેટલી આશા રાખી શકાય ? તમને ભણાવતાં જ આવડતું નથી…’
જીવનબાબુ ગુસ્સે થઈને બોલ્યા : ‘શું કહ્યું, મને ભણાવતાં આવડતું નથી ? કલાકથી સમજાવું છું. બધું સમજી ગઈ હોય એમ એણે ડોકી પણ હલાવી. મને ખબર છે, એનામાં તારા જ ગુણ ઊતર્યા છે ! જુઓ તો ખરા, લાડ કરી કરીને દીકરીને માથે ચઢાવી છે તે !’
રસોડામાંથી ફરી દઢ સ્વર સંભળાયો : ‘બસ, આજે હવે રહેવા દો, આવ મિમિ, જમવા બેસ.’
મિમિએ ઊઠવા ઢીંચણ ઊંચક્યા. જીવનબાબુએ રાડ પાડી : ‘ખબરદાર, આટલું સમજાવ્યા વગર તારે આજે ઊઠવાનું નથી. બોલ, ભગવાન શું છે ? મેં તને બધું સમજાવ્યું છે, તું મને સમજાવ !’

ભાવાર્થ સમજાવવામાં પહેલેથી જ ભગવાનને કારણે જ મુશ્કેલી ઊભી થઈ હોવાથી મિમિએ આંસુ લૂછી ભગવાનને મનમાં ને મનમાં ગાળો દેતાં કહ્યું : ‘આ ભગવાન તે સારો માણસ કે બળ્યામોંનો ? જો ને, મને એના જ કારણે જ પપ્પાનો માર પડ્યો !’ આમ કહી ભગવાનની બાદબાકી કરી તે આગળ સમજાવવા જતી હતી, પણ મનમાં ‘બળ્યામોં’ના કહી ગાળ દીધા પછી તેને પૂરી મંદિરના જગન્નાથ યાદ આવ્યા. મંદિરમાં જગન્નાથને જોઈને તેણે નાનીને કાનમાં પૂછ્યું હતું : ‘નાની, જગન્નાથનું મોં શું બળેલું છે ?’ દોહિત્રીના આ શબ્દોથી નાનીની આંખમાંથી આંસુ ખરી પડ્યાં હતાં. તેમણે મિમિને ચુંબન પર ચુંબન ચોડતાં કહ્યું હતું : ‘હા, દીકરી, તેઓ બળ્યામોંવાળા ભગવાન છે !’ તે વાત અત્યારે યાદ આવતાં મિમિને જાણે અંધકારમાં પ્રકાશ દેખાયો. તેની આંખો ચમકી ઊઠી. જગન્નાથ જાણે તેની આંખો સામે આવી ઊભા. તેણે એ ચહેરો ફરી એકવાર ધ્યાનથી જોઈ કહ્યું : ‘જગન્નાથ એ જ ભગવાન છે.’ પણ નાનીની યાદ આવતાં જ મિમિની બંને આંખો ભરાઈ આવી. તે બધું ભૂલી જઈ બોલી : ‘જુઓ ને, પપ્પા, નાનીએ મને લખ્યું છે કે તું મને ખૂબ જ યાદ આવે છે. તારા વગર મને ગમતું નથી. નાનીને અહીં લઈ આવો ને, પપ્પા !’
‘અત્યારે નાનીની વાત છોડ. પણ હા, જગન્નાથ ભગવાન છે. તે પછી આગળ બોલ !’

નાનીના વિરહથી વ્યાકુળ મનને કવિતાના ભાવાર્થ તરફ વાળતાં મિમિને થોડો વખત લાગ્યો. આંસુ ખાળતાં તેણે કહ્યું : ‘કવિ અહીં કહે છે…. કહે છે… કહે છે કે…. નાની, ના….!’ મિમિથી હવે રહેવાયું નહિ, તેણે ભેંકડો તાણ્યો. જીવનબાબુએ ધડ ધડ કરી તેની પીઠ પર બે ધોલ ઠોકી દીધી. ‘હટ્, મારું કપાળ ! આ તો જુઓ, આની સાથે કલાકથી આટલા લમણા કૂટ્યા, બધું ક્યાં ભૂલી ગઈ ? નિશાળના માસ્તર પણ કહેતા હતા કે મિમિ કલાસમાં બિલકુલ ધ્યાન નથી આપતી. વિચિત્ર જવાબો આપે છે. બોલ, વિરોધ શબ્દનો અર્થ શું ? સુખનો વિરોધ શબ્દ કહે ! બોલ, કહે છે કે નહિ ? બે શરમ, શરમ નથી આવતી રડે છે તે ? છી, છી, મારી દીકરી, હવે રડવાનું બંધ કર અને મેં શું સમજાવ્યું હતું તે કહે….. કવિ કહે છે કે… પછી આગળ ?’
મિમિએ આંસુ લૂછતાં લૂછતાં ફરી કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો : ‘કવિ કહે છે કે….’

આટલું કહ્યા પછી એણે ફરીથી પોતાની જાતને પૂછ્યું – કવિ કોણ છે ? એ વળી શા માટે કંઈ કહે ? ફરી બધું ભેળસેળ થઈ ગયું. પેલી બાજુના ઓરડામાં શંકી મ્યાઉં મ્યાઉં કરતી અધીરી થઈ એને બોલાવે છે. આ બાજુ કવિ કોણ છે અને તેઓ શું કહે છે અને શા માટે કહે છે તે મિમિને યાદ આવતું નથી. મિમિ મનમાં ને મનમાં શંકીને ગાળો દેવા લાગી, ‘બળ્યામોંની, આ ભણવાનું પતવા દે, પછી તારી વાત છે. એવી ધીબી નાખું, એવી ધીબી નાખું… પણ આજે ભણવાનું પતે એવું લાગતું નથી. હે મહાપ્રભુ, હે જગન્નાથ, આ બળ્યામોંના કવિએ શું કહ્યું છે તે જરી મને યાદ કરાવી દો ને !’
એ જ વખતે બહારથી કોઈએ બૂમ પાડી : ‘સાહેબ ઘરમાં છે ?’
જીવનબાબુએ ચિડાઈને જવાબ આપ્યો : ‘ના, સાહેબ નથી.’
બહારથી જવાબ આવ્યો : ‘જી, મોટા સાહેબ આપને બોલાવે છે, ઝટ કચેરીમાં ચાલો, કંઈ ખાસ કામ છે.’
જીવનબાબુએ ચિડાઈને ખમીશ પહેરતાં પહેરતાં કહ્યું : ‘હું જાઉં છું, અડધા કલાકમાં પાછો આવું છું. જો, મેં તને જે સમજાવ્યું તે લખી નાખજે, અને બીજા મહાવરાનો પાંચમો દાખલો ગણી રાખજે. જો આટલું નહિ કરે, તો જોજે, તારી કેવી વલે કરું છું તે !’

જીવનબાબુ ઝટ ઝટ જતા રહ્યા. કચેરીમાં પૂરના પ્રશ્ને જરૂરી કામ પતાવતાં એમને એક કલાક લાગ્યો. ઘેર આવી બહારના દરવાજા આગળ ધીમેથી બૂટ કાઢી હાથમાં લઈ બારીમાં ડોકિયું કરીને જોયું – મિમિ ઊંઘે છે કે ભણે છે ? બારીમાંથી જે દેખાયું એમાં એમને કંઈ સમજાયું નહિ. એમના મોટાભાઈ અને નાનાભાઈ બંને નોટ પર ઝૂકીને કંઈ લખી રહ્યા હતા. કેટલુંયે લખાયું છે, કેટલાક ફાટેલા કાગળ આજુબાજુ પડ્યા છે. મિમિ બે પગ લંબાવી શંકીને ખોળામાં બેસાડી તેને થપથપાવતી ગીત ગાય છે – ‘ધોરે બાયા ધો, જેઉં કયારારે ગહળ માંડિયા સેઈ કિયારીરે સો’ (હત રે બિલાડા હત, જે ક્યારીમાં વધારે ધાન તે ક્યારીમાં જઈને ઊંઘ !). ઓરડીમાં ધસી આવી જીવનબાબુએ પૂછ્યું – ‘મિમિ, આ રીત છે તારી ભણવાની ?’ મિમિએ ચમકીને પપ્પાને જોતાં શંકીને ધકેલી કાઢી, ડરનું માર્યું તેનું મોં વિલાઈ ગયું, કાળુંમેશ થઈ ગયું.
‘મોટા ભાઈ, આ શું ચાલી રહ્યું છે ?’ જીવનબાબુએ નવાઈ પામીને પૂછ્યું.
‘અમે દાખલા ગણીએ છીએ. છી, છી, આટલી નાની છોકરીએ આટલા અઘરા દાખલા ગણવાના ? આ શું ‘સરળ ગણિત’ કહેવાય ? આમાં લેખકે પોતાની પંડિતાઈ દેખાડી છે કે પછી છોકરાનું ગજું કેટલું છે તે ચકાસવાનું કર્યું છે ? લે, તું ગણી આપ જોઉં આ દાખલો !’

જીવનબાબુએ દાખલાની રકમ વાંચી : ‘હું મારા ઘેરથી ડેલાંગની એક સભામાં પગપાળો જવાનો છું. સભામાં મારે બરાબર સાંજના સાત વાગે પહોંચવાનું છે. હું જો કલાકના 3 માઈલની ઝડપે ચાલું તો નિયત સમય કરતાં અડધો કલાક વહેલો પહોંચું છું. અને જો કલાકના 2 માઈલની ઝડપે ચાલું તો નિયત સમય કરતાં એક કલાક મોડો પહોંચું છું. તો મારા ઘરેથી સભાનું સ્થળ કેટલું દૂર આવેલું છે તે કહો.’ દાખલાની રકમ વાંચી જીવનબાબુએ આંકડા આમતેમ મૂકી બે-ત્રણ વાર ગણવા પ્રયત્ન કરી જોયો. ગણવાનું ક્યાંથી શરૂ કરવું તે તેમને સૂઝયું નહિ.
મોટા ભાઈએ કહ્યું : ‘અરે, દાખલો ગણવાનું તો બાજુએ રહ્યું, પણ મિમિએ સૌથી પહેલો તો એ સવાલ કર્યો કે આ સભા શું છે ? ત્યાં ન જઈએ તો ચાલે નહિ ? હવે સમજાવો એને સભા એટલે શું ? અમે ગમે તેમ કરીને સભા વિશે સમજાવ્યું ત્યારે મિમિએ ફરી પૂછ્યું, ‘ઠીક, પણ થોડા મોડા વહેલા પહોંચવાથી શું ખાટુંમોળું થઈ જવાનું છે, તે આટલી ચિંતા ?’ આવા અઘરા સવલોના જવાબ આપવામાં જ અડધો કલાક જતો રહ્યો. એ પછી અમે બંને અડધો કલાકથી દાખલો લઈને બેઠા છીએ. મિમિની દોઢ નોટ ખલાસ થઈ ગઈ…’

બધા હસ્યાં, જીવનબાબુએ કહ્યું : ‘ઠીક, હવે દાખલાની વાત જવા દો. મિમિ, એ મિમિ, ભાષાનું કામ પતાવ્યું ?’
‘ના, હું દાખલો ગણતી હતી. મોટા પપ્પા અને નાના પપ્પાએ મને જમવા બોલાવી. મેં કહ્યું – ભણવાનું નહિ પતે ત્યાં સુધી નહિ આવું – હું ભણું નહિ તો ભગવાન ગુસ્સે થાય. એટલે એ લોકો દાખલો ગણવા બેઠા, હું….’
‘તું શંકીને ઊંઘાડવા બેઠી ! ના, હવે આવું નહિ ચાલે; પણ આજે મારું સમજાવેલું તું નહિ બોલે ત્યાં સુધી હું તને છોડવાનો નથી. ચાલ, ‘આ હૃદય મારું અર્પણ કર્યું તારા ચરણે, હે નાથ !’ એનો અર્થ સમજાવ.’
મિમિએ હવે હિંમત કરી કહ્યું : ‘નાથ એટલે જગન્નાથ, જેમનું મોં કાળું છે, મોટી મોટી આંખો, ને પહોળું મોં…’ જીવનબાબુએ આંખો કાઢી મિમિ તરફ જોયું. પણ મોટા ભાઈની હાજરીથી ડરીને તેઓ મિમિને કંઈ કહી શકયા નહિ. પણ બાપાની મોટી મોટી આંખો જોઈ મિમિનું મોં લેવાઈ ગયું. તેનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો.

મોટા ભાઈ સમજી ગયા. કહે, ‘હા દીકરી, તું સાચું કહે છે. વાહ, તું બહુ સરસ સમજી છે. હા, એ પછી…. ?’
‘એ પછી, તે જગન્નાથને જોઈને કવિ નામના માણસે કહ્યું… કહ્યું….’
મોટા ભાઈએ મિમિને ખોળામાં ખેંચી લઈ કહ્યું, ‘દીકરી, તારું ભણવાનું આજે અહીં પૂરું થયું. તેં જે પૂછ્યું, તે તને કોઈ સમજાવી શકશે નહિ. હૃદયને શી રીતે અર્પણ કરાય તે વાત હું આજ સુધી સમજ્યો નથી, તને શી રીતે સમજાવું ? અને પેલો કવિ પણ તે સમજ્યો હશે એવું મને લાગતું નથી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફાળાનો ફૂંફાડો – નટવર પંડ્યા
અનુભવની વણજાર – અનુ. ભવાનીદાસ વોરા Next »   

21 પ્રતિભાવો : મિમિનું ભાષા-શિક્ષણ – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

 1. nayan panchal says:

  હૃદયને શી રીતે અર્પણ કરાય તે વાત હું આજ સુધી સમજ્યો નથી, તને શી રીતે સમજાવું ? અને પેલો કવિ પણ તે સમજ્યો હશે એવું મને લાગતું નથી.’

  ઘણા સમય પછી રીડગુજરાતી પર આવી વાર્તા વાંચી. છૂપા સંદેશાથી ભરપૂર.

  ગઈકાલના છાપાંમાં સમાચાર હતા કે SSCની એક વિધાર્થીનીએ ચોરી કરતા પકડાઈ જતા (જે સાબિત નથી થયુ) ડરથી આત્મહત્યા કરી લીધી. તેના મૃત્યુ માટે જવાબદાર કોણ ?

  નયન

 2. Veena Dave,USA. says:

  હે ભગવાન, માણસો પોતાના બાળકોને સમજી શકે એવી બુધ્ધિ માણસો ને આપ.

 3. pragna says:

  હૃદયને શી રીતે અર્પણ કરાય તે વાત હું આજ સુધી સમજ્યો નથી, તને શી રીતે સમજાવું ? અને પેલો કવિ પણ તે સમજ્યો હશે એવું મને લાગતું નથી.’

  ખરેખર, ભણતર ભાર વિના નુ હોવુ જોઈઍ તેમ આ વાર્તા વાન્ચ્યા પચ્હિ લાગે ચ્હે.

 4. kumar says:

  ભાર વિના નુ ભણતર ….આપણા મહાન ભારત મા આત્યારે તો શક્ય નથી.

 5. BINDI says:

  ખુબ જ સરસ !!!

  ભાર વિનાના ભનતર માટે સૌ પ્રથમ માતા-પિતા એ સમજવુ પડે કે માત્ર ભણતર એ જીવન મા સવૅસ્વ નથી.
  અન્ય આવડતો ને આધારે પણ જીવન સુંદર બનાવી શકાય છે.

  બિન્દી(નાઈજીરીયા)

 6. કલ્પેશ says:

  એમ નથી લાગતુ કે બાળકો માટે કંઇ નવુ કરવાની જરુર છે.

  વિચારો આ કવિતાને સ્કુલમા વાંચી હતી -“હુ કરુ, હુ કરુ એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે”
  આની સમજણ એમ કે “કુતરુ બળદગાડી નીચે ચાલી રહ્યુ છે અને એમ માને છે કે એ ગાડી ને ખેંચી રહ્યુ છે”

  આનો ખરો અર્થ સમજતા આખુ જીવન કાઢીએ તો પણ ના પામી શકીએ
  ?

 7. Pradipsinh says:

  bichadu balak aava raxaso same shu kari sake. . aapni apexao vadhi gai 6. etale j to aavu thai 6.

 8. alka says:

  બાળકો ને સમજવા માટે બહુ જ ધીરજ ની જરુર પડે છે

 9. Gira says:

  હૃદયને શી રીતે અર્પણ કરાય તે વાત હું આજ સુધી સમજ્યો નથી, તને શી રીતે સમજાવું ? અને પેલો કવિ પણ તે સમજ્યો હશે એવું મને લાગતું નથી…. this is the most beautiful line in this short story…

 10. Dr. Aniruddh says:

  ઘના લામ્બા સમય બાદ આવિ સુન્દર રચના વાચવા મલી. લેખક નો ખુબ ખુબ આભર
  ભન્તર જ્યરે ભાર બને ત્યરે સાચેજ બોરિન્ગ્ હોય તે આજ ના મા બાપ ક્યરે સમજ્શે?
  હે ભગવાન તુ મારા દેશ્ ના મા બાપ ને સદ્ બુદ્ધિ આપ્.

 11. Vaishali Maheshwari says:

  Nice story.

  Parents should not compare their children and try to make them feel inferior.
  Parents should just highlight the positive qualities that their children have, this way kids gain confidence in them and their respect for parents will also increase. Otherwise they will keep on getting afraid / scared of their parents.

  Every child has some interest, God’s gift in him/her.
  It is parent’s responsibility to understand their children well and try to find out what interests their child the most. Parents should try to become the best friend of their children. This way children will feel secured and respectable.

  Hope Mimi’s Dad also understands her and tries not to focus more on studies but help her cultivate other interests that she have along with giving her the basic education that she needs.

  Mimi’s Dad tried a lot to explain the poem to Mimi and at the end when Mimi did not understand anything he got frustrated, which is a natural human reaction. But Mimi’s Dad should try explaining Mimi the importance of education and promise her that he would give her full support to develop any other interest she might have if she agrees to get the basic education, which is very important.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.