અનુભવની વણજાર – અનુ. ભવાનીદાસ વોરા

[મૂળ લેખિકા : યોગિની જોગળેકર.]

નોકરી નથી એટલે અનુભવ નથી અને અનુભવ નથી એટલે નોકરી નથી મળતી. આવું દુષ્ટ વિષયચક્ર હંમેશનું હોય છે. તો પણ હિંમતવાળા માણસે જીવ દાવ પર મૂકી આ ચક્રવ્યૂહ તોડવો જ પડે છે. તીસ-ચાલીસ વર્ષ પહેલાં જ્યારે ગ્રેજ્યુએટની કિંમત થતી હતી ત્યારની આ વાત છે. એ દિવસે યુનિવર્સિટીનું રિઝલ્ટ બહાર પડતું હતું. હું ફર્સ્ટ કલાસમાં બી.એ. પાસ થયો હતો. આ રિઝલ્ટ સાથે એક અંગ્રેજી મિડિયમની સ્કૂલમાં મેં શિક્ષકની જગા માટે અરજી કરી અને તે લઈ સીધો સ્કૂલમાં ગયો. સ્કૂલના પ્રાચાર્ય ભલા માણસ હતા. તેમણે કહ્યું : ‘અમે તો કોઈ જાહેરખબર આપી નથી.’
મેં હાજરજવાબી થઈ ઉત્તર આપ્યો : ‘સારો ટીચર જાહેરખબરની રાહ જોતો નથી.’
મારા જવાબથી ખુશ થઈ તેમણે પૂછ્યું : ‘અચ્છા, કયો વિષય શીખવશો ? ક્યા વર્ગમાં શીખવશો ?’
મેં કહ્યું : ‘તમે કહો તે વિષય અને તમે કહો તે વર્ગમાં જઈ શીખવીશ.’
મારા સ્ફૂર્ત જવાબથી તે રાજી થયા અને બોલ્યા : ‘અમારી સ્કૂલમાં તો કોઈ જગા નથી પણ અમારી બીજી સિસ્ટર સંસ્થામાં એક ‘લીવ વેકેન્સી’ છે. બોલો જશો ? હું તમને નોટ લખી આપુ છું.’ ‘બેગર્સ હેવ નો ચોઈસ’ એમ વિચારી તેમની ચિઠ્ઠી લઈ હું તે શાળાના પ્રિન્સિપાલને મળ્યો. સૂટ-બૂટમાં સજ્જ એ સાહેબે મારા ખાદીના ઝભ્ભા-લેંઘા પર નજર નાખી પૂછ્યું :
‘ગાંધીવાદી લાગો છો.’
મેં તરત જવાબ આપ્યો : ‘સાહેબ, બેકાર માણસને પરવડતો સાવ સસ્તો પોશાક આ જ છે. પણ તમે મારી નિમણૂંક કરો અને સારો પગાર આપશો તો સૂટ પહેરીને પણ આવીશ.’
તેમણે હસીને કહ્યું : ‘ધેટ્સ લાઈક એ ગુડ બોય ! હું તારી ટેસ્ટ લઉં છું. આ પુસ્તક ટીચર્સ-રૂમમાં જઈ વાંચ. પછી અંગ્રેજીનો પાઠ તારે નવમીમાં શીખવવાનો છે. બે કલાક પછી તારી કલાસમાં હું ઓબ્ઝર્વ કરવા આવીશ.’

એ અંગ્રેજી ટેક્સ-બુક મેં વાંચી. એમાં ઈંગ્લૅન્ડનાં રાજકવિ લોર્ડ ટેનિસની એક કવિતા ‘ચાર્જ ઑફ ધ લાઈટ બ્રિગેડ’ હતી. દેશભક્તિની આ કવિતા તો મારું પ્રિય કાવ્ય હતું. કલાક પછી નવમીના વર્ગમાં ગયો ત્યાં પહેલી બેન્ચ પર પ્રિન્સિપાલ અને બીજા એક સિનિયર શિક્ષક બેઠા હતા. ક્ષણભર તો હું ગભરાયો. ચાર કરડી આંખો મારી સામે જોઈ રહી હતી; પણ તેમની પાછળ મેં નજર કરી તો વિદ્યાર્થીઓના ઉત્સુક અને હસતા ચહેરાઓ નિહાળી હું પ્રફુલ્લ બન્યો અને મેં તેમને શીખવવાનું શરૂ કર્યું. ટેનિસને દેશભક્તિનું એ ગાન ત્યારે રચ્યું હતું જ્યારે 600 બહાદુર અંગ્રેજ સોલ્જરો 1857ની ‘ક્રિમિયન વોર’માં પોતાના સેનાપતિએ ભૂલમાં કરેલો ઓર્ડર જાણવા છતાં રશિયન તોપોનાં નાળચાં સામે ધસી શહાદતને વર્યા હતા. કવિતાના એ અમર શબ્દો –

There’s not to question why,
There’s not to reason why,
There’s not to make reply,
There’s but to do and die.
Into the valley of death,
Road the noble six hundred.’ નો અર્થ મેં વિદ્યાર્થીઓને સમજાવ્યો, સાથે સાથે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અમર શહીદોની વીરગાથા મેં મારી વાતોમાં વણી લીધી. વિદ્યાર્થીઓના અભિભૂત ચહેરા જોયાના સંતોષથી મેં મારો પોણા કલાકનો પીરિયડ પૂરો કર્યો.

એક કલાક બાદ મુખ્ય આચાર્યે તેમની ઑફિસમાં એક સીલબંધ કવર મારા હાથમાં મૂકી કહ્યું : ‘મોટી સ્કૂલના મુખ્ય પ્રાચાર્યને આ કવરમાં તમારા વિષેનો અભિપ્રાય લખ્યો છે, તે તેમને આપજો. હવે તમે જઈ શકો છો.’ આ સીલબંધ કવર મેં મુખ્ય શાળાના પ્રાચાર્યને આપ્યું. તેમણે કવર ખોલી લખાણ વાંચ્યું : ‘તમે મોકલેલા ઉમેદવારે ધણીપણે પીરિયડ લીધો. વિષયનું મેટર ઓછું પડ્યું નહિ, પરંતુ બે મુખ્ય ભૂલો કરી. એક તો બ્લેક બોર્ડનો ઉપયોગ કર્યો નહિ અને બીજું વિદ્યાર્થીઓને કોઈ સવાલ પૂછ્યા નહિ એટલે નવમા-દસમા ધોરણ માટે આ ભાઈની નિમણૂક કરવી યોગ્ય લાગતી નથી.’

અભિપ્રાય સાંભળી હું નિરાશ થઈ ગયો. પ્રાચાર્યને પણ આ અભિપ્રાય ગમ્યો નહિ. કોણ જાણે તેમના મનમાં મારે માટે લાગણી થઈ હતી ! તેમણે મને કહ્યું : ‘ચાલ, મારી સાથે’ એમ કહી મને ટેક્સીમાં બેસાડી બીજી સ્કૂલમાં પહોંચ્યા અને મને નાપાસ કરનાર મુખ્ય આચાર્યને હુકમ કર્યો : ‘આપણી શિક્ષણ સંસ્થાના મુખ્ય અધ્યક્ષ તરીકે હું તમને આજ્ઞા કરું છું કે આ યુવાન વિષ્ણુ વિશ્વનાથ જોશીની તાત્કાલિક તમારી સ્કૂલમાં ટીચર તરીકે નિમણૂક કરો. તમે લખેલી ભૂલો એવી કાંઈ મોટી ભૂલો નથી. કદાચ સ્કૂલમાં પહેલે દિવસે તમે પણ આવી ભૂલ કરી હશે.’ થયું, મને નોકરી તો મળી, પણ મુખ્ય આચાર્યને આ પોતાનું અપમાન લાગ્યું હશે એટલે તે મારા શિક્ષણમાં નાના નાના દોષ જોવા લાગ્યા. મારે રજા જોઈતી હોય તો તે નકારવા લાગ્યા. મારા ફ્રી પીરિયડમાં કંઈ આગળ અભ્યાસ ન કરી શકું એટલે ગેરહાજર શિક્ષકના વર્ગ લેવા મને મોકલવા માંડ્યા. ટૂંકમાં આ નોકરી મને સદશે નહિ એવું મને સ્પષ્ટ જણાવા માંડ્યું. એ દરમ્યાન મને અમારા ગામ નજીકની ગ્રામ પંચાયતમાં કલાર્કની નોકરીની ઑફર મળી અને મેં તે સ્વીકારી લીધી અને પ્રામાણિકપણે ગ્રામ પંચાયતમાં કામ કરવા લાગ્યો. મારા સાહેબ મારા પર ખુશ હતા, કારણ કે મારું કામ વ્યવસ્થિત હતું, સમયસર ઑફિસમાં હાજર થઈ જતો, ગેરહાજર ન રહેતો અને કોઈ કામ ‘ પેન્ડિંગ’ ન રાખતો. પગારમાંથી કંઈક બચાવીને મારાં માતાપિતાને થોડી રકમ મોકલતો તેનો પણ મને આનંદ હતો, પણ ફરી વાર એવું કંઈક બન્યું કે મારે આ નોકરીને પણ રામરામ કરવા પડ્યા, કારણ પણ સાવ વિચિત્ર હતું.

એક દિવસ એક અરજદારે એક સામાન્ય કામ કરવા માટે અરજી કરેલું બંધ કવર મને આપ્યું. એ કવર મેં તેની સામે જ ફોડ્યું અને વાંચ્યું. એ અરજી સાથે સો રૂપિયાની નોટ જોડી હતી. મેં ટાંચણી કાઢી એ નોટ તેને પરત કરી. તેને તો આ જોઈ નવાઈ જ લાગી.
મેં તેને પૂછ્યું : ‘આવું સરળ કામ કરાવવા તેં આવો અવળો રસ્તો કેમ લીધો ?’
આજુબાજુ જોઈ સૂચકપણે તેણે કહ્યું : ‘સાહેબ, અહીં તો આવો જ શિરસ્તો છે.’
મેં કહ્યું : ‘હતો, હવે નહિ હોય. શા માટે આમ કરી તમે અમને બગાડો છો ? જાઓ, તમારું કામ થઈ ગયું એમ સમજજો.’ તેની અરજી લઈ હું સાહેબ પાસે ગયો. તેમણે અરજીની આગળપાછળ જોઈ કહ્યું :
‘બસ, આટલું જ ? અરજી સાથે બીજું કંઈ ન હતું ?’ તેમને મારા માટે શંકા આવી હતી. મેં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : ‘સાહેબ, અરજી સાથે સોની નોટ હતી, તે મેં તેને પાછી આપી દીધી. બીજા ખાતાની વાત જવા દો, પણ આપણા ખાતામાં વજન ન મૂકવા છતાં કામ થઈ શકે તેવા પ્રામાણિક પ્રયત્નો કરું છું.’ સાહેબની કૅબિનમાં અમે બે જ હતા. એટલે તે ધીમેથી કહેવા લાગ્યા : ‘મિ. જોશી, પ્રામાણિકતા અને વાસ્તવિકતામાં ઘણું અંતર છે. તમે હજુ રાજા હરિશ્ચંદ્રના જમાનામાં જીવો છો, પણ સૌને તે પરવડે નહિ. હમણાં તો તમે બ્રહ્મચારી છો, પણ જ્યારે કુટુંબવાળા થશો ત્યારે ફક્ત પગારમાં પૂરું નહિ પડે તે તમોને કહી રાખું છું. વળી, તમારે નોકરી તો કરવી જ છે ને ?’
‘નોકરી તો કરવી છે, પણ આવા દૂષિત વાતાવરણમાં નોકરી કરવાની હોય તો હું રાજીનામું દેવાનું પસંદ કરીશ.’ અને થોડા દિવસો બાદ આ નોકરીમાંથી રાજીનામું આપી હું છૂટો થયો. પણ એ સાહેબ માટે એટલું કહેવું પડશે કે એક રીતે રાજીનામું આપી મેં તેમનું અપમાન કર્યું હોવા છતાં તેમણે મને ખૂબ પ્રશસ્તિભર્યું ‘સર્વિસસ સર્ટિફિકેટ’ આપ્યું. મેં તેમની છેલ્લી વિદાય લીધી ત્યારે તેમની આંખો ભીની થઈ હોય એવું મને લાગ્યું.

હવે હું પૂના આવ્યો અને ફરી એક શાળામાં જોડાયો. મારું મૂળ પિંડ શિક્ષકનું જ છે એમ હવે મને લાગતું હતું એટલે વચ્ચે વચ્ચે મને સારા પગારવાળી અન્ય નોકરીઓ મળતી હતી તે મેં નકારી કાઢી. શાળામાં હું જીવ દઈને કામ કરતો હતો. વિદ્યાર્થીઓને પ્રિયપાત્ર બનતો જતો હતો. આંતર-શાળેય વ્યાયામ, સ્કાઉટ,, સ્પોર્ટ્સ સ્પર્ધાઓની જવાબદારીભર્યાં કામો રાજીખુશીથી કરતો હતો તેથી પ્રિન્સિપાલ મારા પર ખુશ હતા. થોડા મહિનાઓ બાદ વાર્ષિક પરીક્ષાઓ આવી. રિઝલ્ટનો દિવસ નજીક આવવા લાગ્યો. મારા નવમીના કલાસમાં ભોસલે કરીને એક ગુંડા ટાઈપ વિદ્યાર્થી હતો, તેને હું પ્રયત્નો કરવા છતાં સુધારી શક્યો ન હતો. ગુંડાગીરી જાણે તેના લોહીમાં ભળી ગઈ હતી. તે વાર્ષિક પરીક્ષામાં ચાર મુખ્ય વિષયોમાં ફેલ હતો – અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ભાષા.. એટલે મેં તેને નવમીમાં ફેલ કર્યો હતો. મારી જગાએ બીજો કોઈ શિક્ષક હોત તો તેણે પણ ભોસલેને નાપાસ કર્યો હોત. પરિણામ-પત્રક આખરી સહી માટે પ્રાચાર્ય પાસે ગયું અને થોડી વારમાં જ પ્યુન મને બોલાવવા આવ્યો.

તેમણે ભોસલેના નામ નીચે લાલ લીટી અને નાપાસનો રિમાર્ક જોઈ ઊંચા અવાજે મને પૂછ્યું :
‘જોશી, તમે ભોસલેને નાપાસ કર્યો છે ?’
‘હા, સાહેબ. તમે લાલ લીટીઓ જુઓ. તે ચાર મુખ્ય વિષયમાં નાપાસ થયો છે.’
‘તો પણ તમારે તેનો કેસ ‘રિકન્સિડર’ કરવો જોઈએ.’ તેમણે કહ્યું.
‘શા માટે ? ક્યા નિયમને આધારે ?’
મુખ્ય અધ્યાપકે શાંતિથી કહ્યું : ‘દરેક નિયમને અપવાદ હોય છે તેના આધારે…’
‘પણ શા માટે ? આવા વિદ્યાર્થીને દસમીમાં ચડાવશું તો આપણું શાળાંત પરીક્ષાનું પરિણામ ખરાબ નહિ આવે ? આ એક વિદ્યાર્થીનો સવાલ નથી, પણ આપણી સ્કૂલની આબરૂનો સવાલ છે….’ મેં ઉશ્કેરાઈને કહ્યું.
‘તો પણ તમારે ભોસલેને પાસ કરવો જોઈએ કારણ કે તે આપણી શિક્ષણ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીનો પુત્ર છે અને દર વર્ષે તેને આમ જ પ્રમોશન આપવામાં આવે છે.’
‘સોરી સર, હું તેને પાસ નહિ કરી શકું. તમે તેને તમારા અધિકારની રૂએ પાસ કરી શકો છો.’
‘પણ મિ. જોશી તમે સમજતા કેમ નથી ? તમે જ્યાં સુધી તેને પાસ કરવાનો રિમાર્ક ન લખો ત્યાં સુધી હું તેને નિયમ પ્રમાણે પાસ ન કરી શકું. તમે મારું કહેવું સમજો છો ને ?’
‘તો પછી સાહેબ, તેને નાપાસ જ રહેવા દો.’ એમ કહી હું ગુસ્સામાં તેમની ઑફિસની બહાર નીકળી ગયો. આનું પરિણામ શું આવશે તેની મને ખબર હતી અને આને માટે હું સંપૂર્ણ રીતે તૈયાર પણ હતો.

બીજે દિવસે મને મુખ્ય ટ્રસ્ટી સાહેબનું તેડું આવ્યું. નોકરીના રાજીનામાનો કાગળ લખી, ખિસ્સામાં રાખી, હું તેમને મળવા ગયો. મને તે એક વૃદ્ધ અને સંસ્કારી ગૃહસ્થ લાગ્યા. તેમના ટેબલ પર મેં તૈયાર કરેલી રિઝલ્ટ-શીટ પડી હતી. તેના તરફ નજર કરી મેં મારા રાજીનામાનો પત્ર તેમના ટેબલ પર મૂકી દીધો.
‘આ શું છે, ભાઈ ?’ તેમણે શાંત અવાજે પૂછ્યું.
‘સર, મારી નોકરીના રાજીનામાનો પત્ર !’
‘રાજીનામું ! શા માટે ? મેં તો તમારું રાજીનામું માગ્યું નથી !’
‘સર, મેં તમારા પુત્રને નવમીમાં ફેલ કર્યો છે એ તમને સ્વાભાવિક રીતે ગમ્યું ન હોય એટલે મારી નોકરીનું રાજીનામું આપું છું.’
‘ભાઈ, તમે ઘણા ઉતાવળિયા છો. ખુરશી પર બેસો. આ કવર લ્યો, તેમાંનો કાગળ વાંચો અને તે પર સહી કરો.’ એમ કહી તેમણે ટેબલના ખાનામાંથી એક કવર કાઢી મારા હાથમાં મૂક્યું. મેં કવર ખોલીને એમાંનો કાગળ વાંચ્યો અને હું સ્તબ્ધ થઈ ગયો. એ કાગળમાં મારી હેડમાસ્તર તરીકે નિમણૂંકનો ઓર્ડર હતો.
‘પણ સર…. સર…!’ મારાથી આગળ બોલાતું ન હતું.
એમને એ જ શાંત સ્વરે કહ્યું : ‘હા ભાઈ, તમારી તાત્કાલિકતાથી સ્કૂલના આસિ. હેડમાસ્તર તરીકે મેં એપોઈન્ટમેન્ટ કરી છે, ભાઈ. સાંભળો, હું તમારા જેવા યુવાનની શોધમાં જ હતો. પ્રામાણિક, નિષ્પક્ષ અને નીડર એવો યુવાન મને મળી ગયો. એને હું જવા દઉં એવું તમે મને કહેવા માગો છો ? ભવિષ્યમાં તમે આ સ્કૂલના મુખ્ય અધ્યાપક થઈ શકશો એવું મને લાગે છે.’
‘સર, તમારો ઉપકાર હું જિંદગીભર……!’
‘ના ભાઈ, આમાં ઉપકાર જેવું કશું નથી. તારી સત્યવાદિતા અને ટેકીલાપણું મને ગમી ગયાં. બાકી અમે તો સૌ નિર્માલ્ય થઈ ગયા છીએ. ભાઈ, આપણા દેશવાસીઓને સાચો માર્ગ દેખાડવા તારા જેવા થોડા યુવાનોની દેશને જરૂર છે. ગાંધીજીની આત્મકથા વાંચજે. તે કંઈ શરૂઆતથી મહાત્મા નહોતા બન્યા. શરૂઆતમાં તે આપણા જેવા જ સામાન્ય માણસ હતા. પણ સત્ય, ટેક, નીડરતા અને લોકસેવાની ભાવનાને કારણે આપણે તેમને ‘મહાત્મા’ તરીકે સન્માન્યા. તારામાં એ મહાત્માનો નાનકડો અંશ જોઈ હું રાજી થયો છું અને છેલ્લે એક વિનંતી કરું છું, તેને તું આજ્ઞા નહિ માનતો.’
‘ના સર ! તમે મને આજ્ઞા પણ કરી શકો છો. તમે અમારા અધ્યક્ષ છો.’
‘તું મારા દીકરાને ટ્યુશન આપી તેને માણસ બનાવ તો હું તારો હંમેશ માટે ઉપકારી થઈશ. એ માટે તને મહેનતાણું મળી રહેશે.’
‘સર, જરૂર તેને ટ્યુશન આપીશ, પણ મારો સિદ્ધાંત છે કે વિદ્યાદાન માટે હું મહેનતાણું નથી લેતો. મારી આ શરત તમારે માન્ય કરવી પડશે.’
‘ભલે ભાઈ, તું કહે તેમ કરીશ. તારી તો બધી જ વાત ન્યારી છે. મારી નજરમાં તું ઘણો મોટો થઈ ગયો છે, ભાઈ. તને જોઈને ઘણું સારું લાગે છે. ગૉડ બ્લેસ યુ !!’

વિષ્ણુ વિશ્વનાથ જોશી ઘણાં વર્ષોથી રિટાયર થઈ ગયા છે, પણ તેમણે શીખવેલા નીતિમત્તાના પાઠ હૃદયમાં ઉતારી તેમના સેંકડો વિદ્યાર્થીઓ આજે દેશભરમાં પથરાઈ ગયા છે અને એ સૌ પોતપોતાની રીતે સદનીતિના પાઠ જાહેર જીવનમાં અમલમાં મૂકી રહ્યા છે. તમને એમાંથી એવો કોઈ મળી જાય તો નક્કી જાણજો કે એ વિષ્ણુ વિશ્વનાથ જોશી – રિટાયર્ડ પ્રિન્સિપાલનો વિદ્યાર્થી હશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિમિનું ભાષા-શિક્ષણ – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની
આંસુનો દરિયો – મીરા ભટ્ટ Next »   

25 પ્રતિભાવો : અનુભવની વણજાર – અનુ. ભવાનીદાસ વોરા

 1. mahendra kansara says:

  thanks for such a inspiring artcle.

 2. Vijay Ramani says:

  શીક્ષક સમાજ ના ઘઙવૈયા છે.

 3. ડીસિપ્લીન મેક્સ ધ નેશન ગ્રેટ…

  આ સુવાક્ય નિશાળમાં વગૅખંડના બોડૅ પર હંમેશા વાંચતા. બ્રિટીશ એમ્પાયરના પાયામાં આ ડીસિપ્લીને જબરજસ્ત ભાગ ભજવેલો..તેથી જ આ ૬૦૦ બહાદુર સૈનિકો શહાદતને વરેલા..આપણે આઝાદી આવતાં આ ડીસિપ્લીન જેવી ચીજ(!) અપનાવી નહી.

  આજે પણ આ જોશીજી જેવા શિક્ષકોની કમી નથી..ફ્ક્ત શિક્ષણસંસ્થાઓ તરફથી પ્રોત્સાહનની જરુર છે.
  આજે શિક્ષણજગતમાં નવા પ્રયોગો કરતાં પહેલાં અભિપ્રાય લેવાતો નથી તે પણ હકિકત છે. તાંજેતરમાં જ મોટાભાઈ ( મુખ મંત્રી મોદી )એ પાઠ્યપુસ્તક લઈને પરિક્ષા આપવાનો પ્રયોગ કરવાનું સુચન વહેતું મુક્યું છે તથા જવાબો ઓપ્શનમાં આપી શકાશે..વિવાદ અને વિરોધનાં વંટોળ ઉઠતાં હાલ મુલતવી રાખેલ છે.

  મોટાભાઈની બધી વાતોમાં હાજી હા..કરીને સારંગી વાદન કરીશું તો ભાવી પેઢી આપણને માફ નહિ કરે.
  ગુજરાતના શિક્ષણમાં પ્રયોગો કરતાં પહેલાં શિક્ષકોનો અભિપ્રાય લેવો જોઈએ.

 4. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ.

 5. kantibhai kallaiwalla says:

  I feel proud and delighted to read this article. Many thanks to writer,translator and editor of readgujrati. My thousands salutes to Vishnubhai Joshi. May his tribe increase.

 6. Aparna says:

  inspiring story
  should be circulated widely in the teacher community for 2 reasons – maintain the motivation of those like Vishnubhai and for others to pursue an idol like him

 7. Rakesh says:

  Education was one of the most important pillar of our culture, very good article to inspire us to bring the traditional value education and move not only in material education…..

 8. nayan panchal says:

  એક માતા એક બાળકને બગાડી શકે છે, પરંતુ એક શિક્ષક આખી પેઢી બગાડી શકે છે.

  વિષ્ણુભાઈને સલામ,

  આભાર.

  નયન

 9. Krishman says:

  Inspiring in today’s world. Simply outstanding.

 10. SAKHI says:

  VERY NICE

 11. Harshad Patel says:

  Truth and honesty never fails. It is the right way for the teacher to be a guiding light to his students.

 12. Dineshtilva says:

  Good. Me mobilethi aa message lakhyo

 13. Veena Dave,USA. says:

  વાહ વાહ ખુબ સરસ લેખ્ . મા. વિ.વિ. જોશી ને સાદર પ્રણામ.

 14. kumar says:

  ખરેખર પ્રેરણાદાયક્

 15. umang says:

  its a very great story.

 16. astha says:

  very fantastic

 17. Dhaval B. Shah says:

  પ્રેરણાદાયક લેખ.

 18. Rajni Gohil says:

  If character is lost everything is lost. આટલી સુંદર અનુકરણીય વાર્તા વાંચીને ઘણા યુવાનો પણ પ્રામાણિકતાની સુવાસ જગતમાં ફેલાવતા રહેશે એમાં શંકાને સ્થાન નથી.
  This world is full of possibilities we have to bring it in reality.

 19. Devang says:

  શિક્ષક વિષ્ણુ જોશી ને લાખ લાખ વન્દન …

 20. Vaishali Maheshwari says:

  Thank you Ms. Yogini (Original Writer) and Mr. Bhavanidas.

  Very inspirational story. I wish there should be more and more human beings like Mr. Vishwanath Joshi.

  Honesty is the best policy. Professor Vishwanath tried to be honest at all times at all jobs, but due to his honesty he had to loose so many jobs. The best part was his courage. He was fearful and he kept enough patience. Even after changing multiple jobs, he did not give up honesty. He continued to be honest and at last, he got its fruits. He was promoted to a higher position just because he was a hardworker, trustworthy and a very honest person.

  Hats off to such humanbeings…..Bravo!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.