આંસુનો દરિયો – મીરા ભટ્ટ

[ સુપ્રસિદ્ધ સાહિત્યકાર મીરાબેન ભટ્ટની કલમે લખાયેલ, નારી જીવનની સમસ્યાઓ અને ઉકેલ અંગે નિરુપણ કરતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘આંસુનો દરિયો’માંથી પ્રસ્તુત બે લેખો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497. ]

aansunodariyo[1] આભ ભરીને ઊડતાં હજુ શીખવું મારે

બપોરે અઢીના સુમારે બાપુજી (આત્મારામભાઈ)એ દેહત્યાગ કર્યો અને થોડી વારમાં તો વડીલો, સ્વજનો, મિત્રગણથી આંગણું ભરાઈ ગયું. ઘરના સૌ સભ્યો અંતિમ સંસ્કારની પૂર્વતૈયારીમાં લાગ્યા હતા, ત્યાં ભારતીએ આવીને મને કહ્યું : ‘મારી ઈચ્છા સ્મશાનયાત્રામાં જવાની છે.’
‘તારી ઈચ્છા હશે તો જરૂર મારો સાથ તને રહેશે.’ મેં કહ્યું. અને જ્યારે બાપુજીના પાર્થિવ દેહને લઈ સૌ ભાઈઓ બહાર નીકળ્યા, ત્યારે અમે ત્રણ બહેનો પણ એ અંતિમ યાત્રામાં સાથે જોડાઈ. પાંચ-સાત મિનિટના અંતર સુધીમાં તો કશી પ્રતિક્રિયા વ્યકત ના થઈ પરંતુ જેવો એક રસ્તો છોડી બીજો રસ્તો પકડ્યો ત્યાં થોડી ચણભણ શરૂ થઈ અને એક મુરબ્બી વડીલ બીજા કોઈને કહેતા સંભળાયા, ‘હવે આ બહેનોને પાછી ઘેર મોકલી દેવી જોઈએ.’ પણ સંદેશો અમારા સુધી પહોંચી ના શક્યો.

વળી પાંચેક મિનિટનું અંતર કાપ્યું ત્યાં બીજા એક વડીલ મિત્ર પાસે આવીને કહે :
‘બસ બહેન, હવે પાછાં ફરો તો સારું.’
‘અમે તો ઠેઠ સુધી આવવાનું નક્કી કર્યું છે.’
‘પણ વડીલોનું મન દુભાય છે…..’
‘પણ અમારી ઈચ્છા છે.’ મેં દઢતાપૂર્વક કહ્યું.
‘હા, પણ સામાન્ય રીતે બહેનો સ્મશાનમાં આવતી નથી.’
‘બધી સામાન્યતાઓને વળગી ના રહેવાય. કેટલીક સામાન્યતાઓ તોડવી પણ પડે.’
‘દલીલોમાં તો તમને નહીં પહોંચાય, પણ વડીલોની ઈચ્છાને માન આપો.’
‘આ બાબતમાં હું એમની ક્ષમા ઈચ્છું છું.’ એ વાત તો ત્યાં અટકી. સ્મશાને પહોંચ્યા. બધી તૈયારીઓ શરૂ થઈ. ધાર્યા કરતાં ઈતરજનોએ આખી ઘટનાને ઘણી સ્વાભાવિક રીતે લીધી. કદાચ ભાવનગરની સંસ્કારિતા તે આ જ હશે ! પણ મારી દીકરી અમી જ્યારે લાકડાં લેવા સાથે ગઈ ત્યારે વળી એક મુરબ્બીથી ના રહેવાયું.

‘તમે ભલે આવ્યાં, પણ આ અમીને ન લાવ્યાં હોત તો સારું હતું !’
‘એણે પોતે જ ઈચ્છા વ્યકત કરી અને એમાં કશું ખોટું મને લાગતું ન હતું, હું ના શી રીતે કહું ?’ ચિતા ખડકાણી, સૌએ પ્રાર્થના કરી અને અનિલભાઈએ અગ્નિસંસ્કાર કર્યો. રામધૂન ચાલુ હતી. અમી પાસે વળી કોઈ વડીલ પહોંચી ગયા :
‘બેટા, હિંમત રાખજે…’
‘દાદા, હું સ્વસ્થ છું.’ અમીએ જવાબ આપ્યો. ચિતા પ્રગટી, અગ્નિજ્વાળાઓ બાપુજીના દેહમાં રહેલા કોઈ અમર અંશને ઊર્ધ્વારોહી ગતિ આપતી ઊંચે વધવા લાગી. ઈચ્છા તો હતી કે અગ્નિજ્વાળાના એ પાવક ઊર્ધ્વારોહણ સાથે ઈષોપનિષદના મંત્રો લલકારીએ…..
वायुरनिलममृतम अथेदम भस्मान्त शरीरम ।
ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर ।।
(આ પ્રાણ પેલા ચૈતન્યમય અમૃત તત્વમાં વિલીન થાઓ, અને પછી શરીરની રાખ થાઓ. ઈશ્વરનું નામ લઈ, હે દઢ સંકલ્પમય જીવ, યાદ કર. તેનું કરેલું યાદ કર. હે મારા જીવ, પોતાના સંકલ્પો છોડી દઈને તેનું કરેલું યાદ કર….)

પછી ચાલુ પ્રાર્થનામાં સૂર પુરાવી થોડી વારે ઘરે પાછાં ફર્યાં. અહીં પણ ધારણા ખોટી પડી. હતું કે ખરો વિરોધ તો હવે ઘેર જઈને સ્ત્રીસમાજનો જ સહન કરવો પડશે. સુખદ આશ્ચર્ય વચ્ચે અનુભવ્યું કે બહેનોએ પણ આખી ઘટનાને સ્વાભાવિક રીતે જ લીધી. હા, કેટલીક બહેનોએ સ્મશાનની, દેહ બાળવાની, ચિતા ખડકવાની વિગતો અંગે જિજ્ઞાસાપૂર્વક પૃચ્છા કરી આટલું જરૂર પૂછી લીધું કે : ‘તમે એ બધું જોઈ શક્યાં ?’… અને જ્યારે અમે સંમતિસૂચક માથું હલાવ્યું, ત્યારે તેમની આંખોમાં એક ચમકાર પણ અમે અનુભવ્યો.

હમણાં મુંબઈના યુવા-શિબિરમાં નારી જીવનની પારિવારિક સમસ્યાઓની છણાવટ કરતાં મેં કહેલું : ‘મારી દષ્ટિએ સ્ત્રી માટે પારિવારિક સમસ્યાઓમાં મોટામાં મોટી સમસ્યા કોઈ હોય તો એ આ છે કે જે જીવન સાગર સમું વિશાળ બની શકે, તેને કૂવા જેવું સીમિત બનાવી દેવાય છે.’ સ્ત્રીના ચિત્તને નાનપણથી જ એક ઘરમાં બાંધી દેવાય છે. છોકરીને ઈચ્છા થાય તે પહેલાં એનાં નાક-કાન વીંધાઈ જાય છે, એના કાંડે બંગડીઓ ચડી જાય છે, દેહનું ભાન સતત દીકરીના ઉછેરમાં ઠરાવાતું રહે છે અને પછી મોટી થઈને એ સ્ત્રી સાડીઓની દુકાનમાંથી બહાર નથી નીકળતી કે અરીસા સામેથી ખસવાનું નામ નથી લેતી, ત્યારે એની દેહપરાયણતા પર આપણે સૌ આછું હસી લઈએ છીએ, પણ આ દેહપરાયણતા એ જન્મતાની સાથે તો ગાંઠે બાંધી લાવી નથી ! સ્ત્રીમાં રહેલી દેહપરાયણતાને સતત કેળવવામાં આવે છે. ‘તું છોકરી છું, તારે પરણવાનું છે, તારે પારકે ઘેર જવાનું છે, તારે બાળકો પેદા કરવાનાં છે – વિવેકાનંદ, ગાંધી જેવા !’… કોઈ દીકરીને એમ નથી કહેતું કે તારે પોતે વિવેકાનંદ-ગાંધી જેવા થવા મથવાનું છે. છોકરાને એના પિતૃત્વની યાદ કોઈ અપાવતું નથી કે તું ભવિષ્યમાં બાપ થવાનો છું. પણ છોકરીઓને સતત એક નાનકડા સીમિત ક્ષેત્રમાં સીમાબદ્ધ કરી દેવામાં આવે છે.

સ્ત્રીઓ શા માટે સ્મશાનમાં ન જઈ શકે ? શું સ્ત્રીના દેહનો ‘भस्मांत’ નથી ? એનો દેહ અજર-અમર છે ? નજર સામે નશ્વર દેહને ભડભડ સળગી જતો એ જોશે નહિ તો ક્યાંથી એની દેહપરાયણતા ઓછી થશે ? કેવી રીતે એ તત્વને આત્મસાત કરશે કે રાખ બની જનારા આ દેહથી ભિન્ન એવું કોઈ આત્મતત્વ તે હું છું ! વૈરાગ્યની ચિનગારી એનો ચિત્તસ્ફોટ કરે તેવી એને કોઈ તક જ નહીં આપવાની ? શું એવો ડર છે કે જીવનનાં આ મૂળભૂત તથ્યોને સ્ત્રી આત્મસાત કરશે તો એની સુકોમળતા, એનું વાત્સલ્ય, એની સ્નેહશીલતા ઘટી જશે ? આવું ખોટું ગણિત શા માટે ? દેહની નશ્વરતાને પિછાણનારા બુદ્ધ-મહાવીર, રામ-કૃષ્ણ, ઈશુ, ગાંધી-વિનોબા શું ઓછા કરુણાવાન અને સ્નેહશીલ હતાં ? સ્ત્રીના પ્રેમને પણ અસીમતાની ક્ષિતિજોને ચૂમવાની તક તો મળવી જોઈએ ને ? ‘સ્ત્રી લોહી વહેતું ના જોઈ શકે, સ્ત્રી શરીરને બળતું ના જોઈ શકે, સ્ત્રી ઑપરેશન ના કરી શકે, સ્ત્રી તો ગરોળી-ઉંદરડાથી પણ બીને ભાગી જાય…’ – આ બધાં તથ્યો સંસ્કારગત છે. જે સ્ત્રી સંસ્કારોની વાડને ઓળંગી ગઈ તે આ બધું જ કરી શકે છે અને અત્યાર સુધી વિવિધ ક્ષેત્રે સ્ત્રીઓએ જે કાંઈ કર્યું છે, તેનાથી અનંતગણું વધારે સ્ત્રી કરી શકે તેમ છે. જરૂરિયાત છે એક જ વાતની અને તે એ કે સ્ત્રીનો ઉછેર મુક્ત ઉછેર બને. કુદરત ભાન ન કરાવે ત્યાં સુધી બાળક એ બાળક છે, નથી તો એ નર નથી તો એ માદા. નર્યા મનુષ્ય થઈને જીવવાના દિવસ જીવનમાં જેટલા વધશે તેટલી માનવતા વધુ પાંગરશે.

તાજેતરમાં જ દક્ષિણમાં હૈદ્રાબાદના ન્યાયાધીશ શ્રી ચૌધરીએ વ્યંકટ-સરિતાના મુકદ્દમામાં એક વાજબી ચુકાદો આપ્યો કે વૈવાહિક જીવનમાં પતિ કે પત્નીને સહશય્યાનો ઈન્કાર કરવાનો અધિકાર છે. આવો ‘ના’ પાડવાનો અધિકાર તે સ્વાયત્ત અધિકાર છે, પછી તે પતિ હોય કે પત્ની હોય. દેહ નશ્વર છે તો સાથોસાથ પવિત્ર પણ છે. એના પર બળાત્કાર ન થઈ શકે. પરપુરુષનો તો સવાલ જ નથી, પતિ કે પત્ની એકબીજા પર બળાત્કાર કરે તો તે પણ માનવના મૂળભૂત અધિકાર પરની તરાપ છે. ચૌધરી સાહેબે યથાર્થપણે કહ્યું છે કે ભારતમાં તો આવું વલણ હતું જ નહિ. આ તો ઈંગ્લૅન્ડથી આયાત કરેલી ઉધારી ચીજ છે. આપણે ત્યાં ઘણા એવા દાખલા છે જ્યાં પતિ-પત્નીએ એકબીજાની આવી ભાવનાને માન આપી બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય. પ્રત્યેક જીવને પોતાનું જીવન એ ઈશ્વર તરફથી મળેલું સીધું વરદાન છે, એના પર બીજા કોઈનો અધિકાર ન હોઈ શકે. પણ કેટલીય સ્ત્રીઓ એવી મળે છે જે કહેતી હોય છે કે અમારો ‘ના’ પાડવાનો અધિકાર સ્વીકારાતો નથી. ‘નિકાહ’ ફિલ્મની નાયિકા એના પતિને આવા જ એક પ્રસંગે ખૂબ માર્મિક પ્રશ્ન પૂછે છે કે ‘મારી ઈચ્છા ન હોય અને હું ‘ના’ ન પાડી શકું તો મારામાં અને વેશ્યામાં ફર્ક શું રહ્યો ? હું તમારી પત્ની છું, બજારમાંથી ખરીદી આણેલી કોઈ વેશ્યા નથી.’

‘સ્વાતંત્ર્ય-ઉપનિષદ’ની આ બધી તો હજી બારાખડી છે. પોતાના માટે સ્વાતંત્ર્યનો સહજ સ્વીકાર થઈ જાય છે, પરંતુ બીજાના સ્વાતંત્ર્યનો સ્વીકાર, તેમાંય પોતાનાથી ગૌણ ગણાતી વ્યક્તિના સ્વાતંત્ર્યનો સ્વીકાર એ ખૂબ અઘરી ચીજ છે. માનવજાતને હજુ ઘણું શીખવાનું બાકી છે.
.

[2] વિશ્વસુંદરી નહીં, ચારુશીલા બનીએ

થોડા દિવસો પહેલાં એક કૉલેજ કન્યા મારી પાસે વક્તૃત્વ-સ્પર્ધાના અનુસંધાનમાં થોડી ચર્ચા-વિચારણા કરવા આવી. વિષય હતો – સૌંદર્યપ્રસાધનોની (beauty equipments) આવશ્યકતા. સદનસીબે એ સ્પર્ધક વિષયની વિરોધમાં બોલવાની હતી, એટલે મારું કામ સરળ થઈ ગયું. બે દિવસ પછી એ હસતી હસતી આવી, પણ થોડા ‘પરંતુ-રામાયણ’ સાથે કહે, ‘બહેન, મારો પહેલો નંબર આવ્યો, પણ ઈનામમાં મને શું મળ્યું, ખબર છે ? પુસ્તકો કે એવું કશું નહીં પણ સાતસો રૂપિયાનાં વિવિધ સૌંદર્યપ્રસાધનો !’
મેં કહ્યું : ‘એ પેકેટ ત્યાં જ પછાડીને કેમ ચાલી ન આવી ?’
તો કહે : ‘મને વિચાર તો આવ્યો, પણ એવી હિંમત ન કરી શકી. વળી મને એકલીને જ નહીં, શ્રોતાઓને પણ એકેક શીશી ભેટ આપવામાં આવી હતી !’

સ્પર્ધાના નિર્ણાયકોમાં ‘બ્યૂટી-પાર્લર’ ચલાવનાર બહેનો તથા ડૉક્ટર હતા, છતાં પહેલી પસંદગી એ સ્પર્ધકની થઈ, જે વિષયના વિરોધમાં બોલી, અને એને નવાજવા માટે સૌંદર્યપ્રસાધનોનો જ પુરસ્કાર ! આવો વિરોધાભાસ કેમ ? આટલો બધો આંતરવિરોધ શા માટે ? આ તો કૉલેજ-સ્તરની સ્પર્ધા હતી, પરંતુ વિશ્વકક્ષાએ પણ વિશ્વસુંદરીની સ્પર્ધાની બૌદ્ધિક ચકાસણીમાં લગભગ પ્રત્યેક સ્પર્ધકને આંતરિક સૌન્દર્ય – inner beautyની વાત કરતાં જ સાંભળ્યા છે અને છતાંય એ જ છોકરીઓ સ્પર્ધા માટે જ્યારે રંગમંચ પર આવે ત્યારે જે છતું થતું જોવા મળે, તે તો શારીરિક અંગોપાંગો જ ! શરીરનાં અંગોપાંગનું સૌષ્ઠવ અને સૌંદર્ય તપાસવા માટે એને અનાવૃત્ત કરવાં જ પડે. પરંતુ હજારો પ્રેક્ષકો સામે, વિશાળ રંગમંચ પર સ્પર્ધકને બબ્બે-ત્રણ ત્રણ વાર આંટા મરાવવા પાછળ કઈ દષ્ટિ કામ કરે છે ? વળી સ્ત્રીઓની સૌન્દર્ય-કસોટીમાં નિર્ણાયકો પણ મોટા ભાગે પુરુષો જ કેમ ? મહિલા-નિર્ણાયકો આ જ ચકાસણી બંધ ઓરડે ન કરી શકે ?

જો કે મને તો આ દૈહિક સૌન્દર્ય-સ્પર્ધાનો મૂળમાંથી જ વાંધો-વિરોધ છે ! સૌન્દર્યનો વિરોધ કરું એટલું દેવાળું દિલ-દિમાગે નથી કાઢ્યું, એટલું દિલડું હજુ સાજું-સાબૂત છે. સૌંદર્ય તો સર્જનહારની વિભૂતિ છે, એનો વિરોધ કેવો ? પરંતુ એની ઉપાસના હોય, એની સ્પર્ધા કેવી રીતે હોય ? વળી આ તો શારીરિક સૌન્દર્યની વાત અને તે પણ ભારત જેવા દેશમાં, જેને માનવતાનું સૌન્દર્ય એમાં જડ્યું છે, જ્યાં દૈહિકતા આત્મપ્રભાના ઓજસથી ઢંકાયેલી હોય ! ભારતીય સંસ્કૃતિમાં સૌંદર્ય ઉપભોગનો નહીં, ઉપાસનાનો વિષય મનાયો છે. આવા દેશમાં સુંદરતાના નામે નગ્નતાનું વરવું પ્રદર્શન થાય એ જરીકે શોભતું નથી.

ભારતને નગ્નતાનો છોછ નથી. સંસ્કૃત ભાષામાં તો સૂર્યને ‘મહાનગ્ની’ કહ્યો છે. ભારતના લોકો નગ્નતાને જેટલી પચાવી ગયા છે, તેટલી તો ભાગ્યે જ બીજી કોઈ પ્રજા પચાવી શકી હશે. પરંતુ ભારતનો નગ્નતા-બોધ વૈરાગ્ય અને સંન્યાસ સાથે જોડાયેલો છે, જ્યારે અહીં તો શારીરિક સૌન્દર્યને છતું કરવા માટેની આસુરી નગ્નતા છે. બાકી, નાગા સંન્યાસીઓનું સરઘસ નીકળે અને લોકો એને વધાવવા આવે, એવું દશ્ય દુનિયાના કયા દેશમાં જોવા મળે ? કાશ્મીરની પેલી લલ્લેશ્વરી પહાડની ઘાટીઓમાં ભરબજારે નગ્ન ઘૂમતી હોય અને છતાં આ નગ્નતાને પચાવી, ભારતના લોકો ‘એક હૈ અલ્લા દૂજી હૈ લલ્લા’ કહી સંતમહિલાઓમાં લલ્લાને સ્થાન આપે, તો આમાં કઈ નગ્નતા પુરષ્કૃત થઈ છે ? એટલે ભારતને નગ્નતાની કોઈ નવાઈ નથી. પરંતુ લાખો રૂપિયા ધરાવતી સ્ત્રીઓ નિર્લજ્જપણે અંગપ્રદર્શન કરે ત્યારે ભારતની આંખોને આ બધું અડવું-અડવું લાગે છે. આંખોને આ પરિસ્થિતિ પણ અસહ્ય લાગે છે કે હજારો પ્રેક્ષકોથી ઊભરાતા સભાખંડમાં અંગપ્રદર્શન કરતી સુંદરીઓનાં અંગોપાંગ પર અનેક ભૂખાળવી નજરો સ્થિર થઈ હોય ! નજર-નજરમાં ફેર હોય છે અને આ ફેર જ નજરને નજરાણું પણ બનાવી શકે અથવા ભીતરના કાદવ-કીચડ ઉછાળતી ‘મેલી નજર’, ‘કુદષ્ટિ’ કે ‘ચોર નજર’ બનાવી શકે.

ઈંગ્લૅન્ડની એક દંતકથા છે. ત્યાં દર વર્ષે ‘લેડી ગોડાઈવ ફેસ્ટીવલ’ નામે એક ઉત્સવ ઉજવાય છે, એની પાછળ એક કહાણી છે. લિઓફિક નામના રાજાની ગોડાઈવા નામની એક રૂપાળી રાણી હતી. રૂપસંપન્નતા સાથે એનામાં ગુણસંપન્નતા પણ હતી. પરંતુ રાજા ભારે પથ્થરદિલ ! પ્રજા પર આકરા કરવેરા નાંખી ધનવૈભવમાં આળોટતો. એક વાર એણે પ્રજા પર કમ્મરતોડ કરવેરા ઝીંક્યા ત્યારે પ્રજાવત્સલ રાણીથી સહન ન થયું. એણે પતિને કરવેરા ઓછા કરવા વિનવ્યા, તો નફ્ફટ રાજા કહે છે – ‘જો તું સાવ નિર્વસ્ત્ર હાલતમાં ઘોડા પર બેસીને સરિયામ રાજમાર્ગ પરથી પસાર થાય તો હું કરવેરા ઘટાડું !’ રાણીએ પ્રજાહિત ખાતર રાજાની આ માંગણી સ્વીકારી. પણ પ્રજાએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમણે પ્રજાધર્મ સંભાળી નિર્ણય કર્યો કે રાણીમા જ્યારે રાજમાર્ગ પરથી પસાર થવાનાં હોય, ત્યારે દરેકે પોતાના મકાનનાં બારી-બારણાં બંધ કરી, ઘરમાં પુરાઈ રહેવું ! પ્રજાની આ સ્વૈચ્છિક નજરકેદ હતી. એમણે પોતાની નજરને જ કેદ કરવાનું ઉચિત માન્યું. જાહેર થયેલા સમયે રાણીની સવારી નીકળી, સૌ નગરજનો બંધબારણે પુરાયેલાં રહ્યાં, પરંતુ ટોમ નામના એક પુરુષથી રાણીને જોયા વગર ન રહેવાયું, એટલે એણે સહેજ બારણું હડસેલી બહાર રસ્તા પર ડોકિયું કરી ચોરનજરે જોઈ લીધું. દંતકથા છે કે ટોમે જેવી નજર કરી, તેવી તેની આંખોનું નૂર ચાલ્યું ગયું અને એ આંધળો થઈ ગયો. ત્યારથી માણસની આ વિકૃત નજર માટે Phrase બની ગયું, Peeping Tom. પ્રત્યેક માનવમાં આ Peeping Tom લપાયેલો બેઠો જ હોય છે. સવાલ આટલો જ છે કે નજરને સંવરણ શીખવાડવું છે કે એને બહેકાવી વિકૃતિના ખાડામાં નીચે ઉતારવી છે ! આવી સ્પર્ધાઓ દ્વારા તો બારીમાંથી ડોકિયું કરવાને બદલે ખુલ્લેઆમ પ્રગટપણે જોવાની વ્યવસ્થા કરી આપે છે, એના પરિણામે લોકો વધારે નિર્વિકાર, સ્વસ્થ અને સંયમી થાય છે કે એમની વૃત્તિઓ બહેકી-વિકૃત બનીને વકરી જાય છે ? દેશની પ્રજા ઉત્તરોત્તર કામવાસનાને કાબૂમાં લઈ સંયમનાં સોપાન ચઢે એ જોવું જોઈએ કે એમની લોલુપતા સંયમની બધી પાળો તોડી નાંખે તેવાં આયોજનો થવાં જોઈએ ?

આવી સ્પર્ધાનો ચેપ હવે શાળા-કૉલેજોને પણ લાગી રહ્યો છે ! એકદમ ‘કૉલેજ-સુંદરી’ એવું નામ તો આપી શકતા નથી, એટલે ‘પ્રતિભા-શોધન’ જેવું વાઘાં પહેરાવેલું કોઈ શિષ્ટ નામ આપે છે. ભોજનની થાળીમાં કચુંબર-ચટણી-પાપડ હોય તે રીતે કન્યાની બૌદ્ધિક સજ્જતા, વાકપટુતા જોવાય, પણ નજરનો મુખ્ય વિષય બની જાય છે એનો ‘દેહ’ ! કહેવાય છે કે અત્યારે સૌથી વધારે ભીડ થતી હોય તો એ ‘મોડેલિંગ’ના વ્યવસાયમાં. શેરીએ શેરીએ ‘બ્યૂટી-પાર્લરો’ ફૂટી નીકળ્યાં છે, અને ગામડાંની ગોરીઓના ગાલ-હોઠ પણ હવે કુદરતી લાલી-ગુલાબી છોડી, અથવા બહુ બહુ તો, મહેંદી-હળદર-ચણાના લોટ કે લીંબુના રસનાં પ્રસાધનોને બદલે કૃત્રિમ સાધનોનો આશરો લેતી થઈ ગઈ છે ! આપણે ત્યાં પણ સૌંદર્ય-પ્રસાધનો વપરાતાં હતાં, પરંતુ દેહની પૂજા કરનારી રૂપમોહિનીઓ કદીય ભારતીય સ્ત્રી સમાજ માટે આદર્શ નથી બની. ભારતમાં અપ્સરાઓ-રૂપજીવિકાઓ પણ હતી, પરંતુ લોકહૃદયના સિંહાસન પર રાજ્ય ચાલતું હોય તો ‘શીલ’ને વરેલી કોક ‘ચારુશીલા’ઓનું ! ભારતના લોકહૃદયમાં સીતા-સાવિત્રી-દ્રૌપદી વસી ગયાં છે, તે એમનાં રૂપરંગને કારણે નહીં, એમનાં ઊઘડતાં કમલદળ જેવાં નિર્મળ, નિષ્કલંક, તેજસ્વી ચારિત્ર્યને કારણે ! ભારતને ‘વિશ્વસુંદરી’ની જરૂર છે, એનાં કરતાં આવી ચારુશીલાની વધારે જરૂર છે. એની પણ સ્પર્ધાઓ ગોઠવવાની કશી જરૂર નથી. જરૂર છે આ શીલ-નિર્માણ થાય, ચારિત્ર્ય-ઘડતર થાય તેવા વાતાવરણની, તેવી કાળજીની, તેવા જતનની !

પરંતુ આ કોઈ સંકુચિત ચોખલિયાવૃત્તિ નથી. આની પાછળ એક સમજણ છે ! અનુભવને આધારે જીવનને સત્યમ-શિવમ-સુન્દરમ ભણી લઈ જનારી દિશાઓનો જાત અનુભવ છે ! શારીરિક રૂપસૌંદર્ય તો ગણીગાંઠી વ્યક્તિઓને જ મળે, પરંતુ આરોગ્ય, સ્વસ્થતા, સૌષ્ઠવ, ઉપરાંત આંતરિક શીલ-સૌંદર્ય તો પ્રત્યેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. આ સીધી-સાદી સમજણને સંઘરી શાશ્વત સૌન્દર્યને ઉપાસી, સાચા સૌંદર્યને પામવા ખૂબ સુંદર બનીએ ! એવી સુંદરતા પામીએ, જે ભીતરથી ફૂટે, એને કોઈ બાહ્ય પ્રસાધનોનું અવલંબન લેવું ન પડે ! થોડું ફૂલને, નદી કે આકાશને પૂછી લઈએ કે એમની સુંદરતાનું રહસ્ય શેમાં છે ? પછી તો સૌન્દર્યનું રહસ્ય પામવાની પ્રક્રિયા જ આપણને સુન્દરતાને ધામ પહોંચાડી દેશે.

[ કુલ પાન : 254. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનુભવની વણજાર – અનુ. ભવાનીદાસ વોરા
વિદુરનીતિ – શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસ Next »   

22 પ્રતિભાવો : આંસુનો દરિયો – મીરા ભટ્ટ

 1. Pranav says:

  “ભારતને નગ્નતાનો છોછ નથી. સંસ્કૃત ભાષામાં તો સૂર્યને ‘મહાનગ્ની’ કહ્યો છે.”
  ઉપરના વાક્યમા સુર્યને મહાન અગ્નિ કહ્યો છે. તેને અને નગ્નતા ને કોઇ સમ્બન્ધ મને લાગતો નથી.
  બીજા વાચકો નુ શુ કહેવુ છે ?

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  “શારીરિક રૂપસૌંદર્ય તો ગણીગાંઠી વ્યક્તિઓને જ મળે, પરંતુ આરોગ્ય, સ્વસ્થતા, સૌષ્ઠવ, ઉપરાંત આંતરિક શીલ-સૌંદર્ય તો પ્રત્યેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. આ સીધી-સાદી સમજણને સંઘરી શાશ્વત સૌન્દર્યને ઉપાસી, સાચા સૌંદર્યને પામવા ખૂબ સુંદર બનીએ !”

  “થોડું ફૂલને, નદી કે આકાશને પૂછી લઈએ કે એમની સુંદરતાનું રહસ્ય શેમાં છે ? પછી તો સૌન્દર્યનું રહસ્ય પામવાની પ્રક્રિયા જ આપણને સુન્દરતાને ધામ પહોંચાડી દેશે.”

 3. Ashish Upadhyay says:

  pranv bhai ni vaat saachi chhe. surya nu naam mahanagni e sanskrit ma chhe. je sandhi chhe. ene mahan agni kahyo chhe. tene nagnata saathe koi j sambandh nathi. to aa bhul sudharva vinanti.

 4. Divyant Shah says:

  વાત ખુબ સરસ રજુ કરી છે…

 5. nayan panchal says:

  સમય સાથે અમુક રિવાજોને તિલાંજલી આપી દેવી જોઈએ. સ્મશાનમાં સ્ત્રીઓ જાય એ આવકારવા લાયક છે.

  સૌંદર્ય સ્પર્ધાઓને તો ડિમાન્ડ અને સપ્લાઈનો નિયમ લાગુ પડે છે. લોકો માંગશે તો કોઈક પીરસશે. આજના મટેરિયલ વર્લ્ડનુ એક પરિમાણ છે.

  આંતરિક શીલ-સૌંદર્ય તો પ્રત્યેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. આ સીધી-સાદી સમજણને સંઘરી શાશ્વત સૌન્દર્યને ઉપાસી, સાચા સૌંદર્યને પામવા ખૂબ સુંદર બનીએ ! એવી સુંદરતા પામીએ, જે ભીતરથી ફૂટે, એને કોઈ બાહ્ય પ્રસાધનોનું અવલંબન લેવું ન પડે.

  સુંદર લેખ, આભાર.

  નયન

 6. yogesh says:

  I would urge some of other readers not to copy and paste same phrases from the article, it does not make any sense. Also they should stop eschanging conversations and views back and forth with another readers.

  BTW, my comment is for Shree Mrugeshbhai (editor)

 7. Editor says:

  શ્રી પ્રણવભાઈ તેમજ આશિષભાઈ,

  લેખિકાબેન સાથે વાત થયા પ્રમાણે તેમણે જણાવ્યું છે કે અહીં સૂર્ય વૈરાગ્યના અર્થમાંછે. તેની સામે કોઈ આવરણ ટકી શકતું નથી; તેથી એ અર્થમાં સૂર્ય ‘મહાનગ્ની’ છે એટલે કે અહીં આ શબ્દ સંન્યાસના અર્થમાં છે. (જો અગ્નિ શબ્દ સાથે હોય તો સંધિના નિયમ પ્રમાણે ‘મહાનાગ્નિ’ થવું જોઈએ.) મૂળમાં આ શબ્દ વિનોબાજી દ્વારા વપરાયેલ છે તેથી વધારે સ્પષ્ટતા માટે તેઓ તેમના વક્તવ્યને ચકાસીને ટૂંક સમયમાં આપણને વધારે વિસ્તારથી જણાવી શકશે.

  ધન્યવાદ.

  લિ. તંત્રી,
  મૃગેશ શાહ.

 8. Kanchanamrut Hingrajia says:

  સ્થપિત પરંપરા-રિવાજ એ તો સ્થળ,કાળ,આર્થિક,સામાજિક,ભૌગોલિક,રાજકીય વગેરે પરિસ્થિતિ પ્રમાણે નિર્માણ થતા હોય છે,સમયે સમયે તેનું મૂલ્યાંકન ન થાય તો તે સમાજ પર બોજ બની જાય.

  “સૌંદર્ય તો સર્જનહારની વિભૂતિ છે, એનો વિરોધ કેવો ? પરંતુ એની ઉપાસના હોય, એની સ્પર્ધા કેવી રીતે હોય ? વળી આ તો શારીરિક સૌન્દર્યની વાત અને તે પણ ભારત જેવા દેશમાં, જેને માનવતાનું સૌન્દર્ય એમાં જડ્યું છે, જ્યાં દૈહિકતા આત્મપ્રભાના ઓજસથી ઢંકાયેલી હોય ! ભારતીય સંસ્કૃતિમાં સૌંદર્ય ઉપભોગનો નહીં, ઉપાસનાનો વિષય મનાયો છે. આવા દેશમાં સુંદરતાના નામે નગ્નતાનું વરવું પ્રદર્શન થાય એ જરીકે શોભતું નથી.”
  મીરાબેનનું આ કથન આપણને ઢંઢોળવા માટે પૂરતું છે.

 9. ritu says:

  the story about acceptance of change is very good. is it real?
  if it is so my heartiest congrates for the 3 ladies.

 10. Veena Dave,USA. says:

  Very good articles. I am agree with Meeraben’s views. ભાવેણા ની વાત્યુ નોખી જ હોય્.

 11. સામાજિક પરિવતૅન એ ખુબ જ ધીમી અને ઘણી વાર નરી આંખે ના દેખાતી ઘટના છે. ગુજરાતમાં સ્મશાનમાં સ્ત્રીઓની હાજરી એ કાંઈ નવી ઘટના નથી. વષૉ પહેલાં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓએ વૈદિક વિધિ અને ક્રિયાકાંડ કરવાની શરુઆત કરેલી જે આજે પણ ચાલુ છે. વૈદિક વિધિ ફક્ત બ્રાહ્મણ જ કરી શકે એ જુના વિચારો ત્યજવા યોગ્ય છે..કોઈપણ જ્ઞાતિની વ્યકિતી જેને શાસ્ત્રનું જ્ઞાન છે તે કરી શકે..સવાલ ફ્ક્ત શરુઆતનો છે. આજે ઘામિઁક ક્રિયાકાંડ મંદિરોમાં પણ ઓછાં થતાં જાય છે જેનું ઉદાહરણ દિલ્હીનું અક્ષરધામ છે જે આંખે ઉડીને વળગે તેવી ઘટના છે.

  શારીરિક સૌંદયૅ અને પ્રસાધનનો વેપલો એ તો કોસ્મેટિક કંપનીઓનું પાપ છે..એક સુસ્મિતા સેનને વિશ્વસુંદરી બનાવીને આ કંપનીઓએ તેમના વેચાણમાં બેહિસાબ વધારો કયૉ તે આપણે જાણી છીએ. આંખોમાં વસતા વાસનારુપી સાપોલિયા કાઢવા અઘરા છે જે જીનેટિકલી બિલ્ટ છે.

  પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય..!!

 12. Paresh says:

  સામાજિક પરિવર્તન ધીમી ગતિ એ થઈ તો રહ્યું જ છે. દિકરીઓ હવે અગ્નિદાહ પણ આપે છે તે જોયું પણ છે. સમજણ પણ વધી રહી છે અને સાથે સાથે વિકૃતિ પણ વધી રહી છે. આશા રાખીએ કે સમજણનો વૃધ્ધિ દર વધારે હોય.

 13. Brinda1 says:

  વાચવા મજબુર થવાય એવુ પુસ્તક!

 14. prashant oza says:

  atyant sunder….
  bahu j saras

 15. deepa says:

  hello,
  i am happy for you and respect your views for daughter to have equal right as son. unfortunately, my brother, who is M.D. did not understand his sisters feeling or society and old beliefs is more important than any thing else. big scar in my heart for lifetime.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.