સુભાષિતોની સંપત્તિ – સં.દવેન્દ્ર ત્રિવેદી

[સુભાષિતો, જોડકણાંઓ, લોકોક્તિઓ વગેરે આપણો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. અહીં તેનું આચમન કરાવતો સંચય સંગ્રહિત કર્યો છે જે ખૂબ જ મનનીય અને ચિંતનીય છે. એક-એક સુત્ર ખૂબ જ જીવનોપયોગી બની રહેશે તેવી શ્રદ્ધા સાથે ‘જનકલ્યાણ-1995’માંથી સાભાર. – તંત્રી.]

[1]
અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય,
સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય.

[2]
અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ,
ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.

[3]
આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ,
પણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ

[4]
ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ,
લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.

[5]
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝે જંગ,
એકલ જગનિંદા સહે, એ મર્દોને રંગ (‘શેષ’)

[6]
કડવાબોલો શેઠિયો, જૂઠાબોલી નાર,
નિત્યજમાઈ પરોણલા, એતા માથે ભાર.

[7]
અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
છીપે જળ મોતી થયું, સંગતનાં ફળ શૂર

[8]
અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન,
શિયળ ખંડિત ના ભલું, નવ કૈં શિયળ સમાન

[9]
કમળ જળે નિત્ય રહે, નિમિષ ન ભેદે નીર,
કામ ન ભેદે નેહને, જેનું શુદ્ધ શરીર (શામળ ભટ્ટ)

[10]
કરવત, કાતર, કુજન, એ વહેરી જુદાં કરંત,
સૂઈ, સુહાગો, સજ્જન, ભાંગ્યાં એ સાંધંત.

[11]
કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત,
દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત

[12]
કૂવા-ઢાંકણ પાવઠું, જગનું ઢાંકણ જાર,
બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર.

[13]
ખાળ તારી આંખડીનાં નીરને, સંકટોમાં આ ન છાજે વીરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં લગી પંપાળશો તકદીરને !

[14]
ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો,
બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. (બરકત વીરાણી)

[15]
ખેડુ વાળે પાણીને, લુહાર ઘડતો બાણ,
સુથાર વાળે લાકડું, જ્ઞાની વાળે જાત.

[16]
ચાળણી થોથાં રાખીને કાઢી નાખે સાર,
સૂપડું સાર જ સંઘરે, છાંડે માંહ્યથી ધાર.

[17]
જગતની ભુલભુલામણીમાં રખે, બાપુ ! ભૂલો પડતો,
જજે શેર-શો જીવનપંથે, સીધો ઈતિહાસને ઘડતો (ન્હાનાલાલ)

[18]
જિંદગી વાટે નથી ‘કિસ્મત’ ઉતાવળ કામની,
ચાલનારા પહોંચશે ને દોડનારા થાકશે (કિસ્મત કુરેશી)

[19]
જીત્યે વધતું વેર, હાર્યાને નિદ્રા નહિ,
સદાય એને લે’ર, (જે) હારે કે જીતે નહિ (ધમ્મપદ)

[20]
જીવનના ચોપડે સઘળા હિસાબો થઈ જશે સરભર,
જમા રાખો ‘તું હી તું’, ને બીજી બાજુ ઉધારો ‘હું.’

[21]
જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભળાવ,
પાણિયારું નહિ પ્રભુ ભરે, ભરશે નદી-તળાવ (દલપતરામ)

[22]
જેને જેનું કામ નહિ તે ખરચે નહિ દામ,
જો હાથી સસ્તો મળે, ગરીબને શું કામ ?

[23]
ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. (શૂન્ય પાલનપુરી)

[24]
તપે તાપે તોયે સુખડ નવ સૌરભ પરહરે,
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી ના તૃણ ચરે.

[25]
‘તું નાનો, હું મોટો’, એવો ખ્યાલ બધાનો ખોટો,
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો (પ્રેમશંકર ભટ્ટ)

[26]
તોફાન-વાવંટોળ વેઠી ભાગ્યનાં, હૈયું ધરીને મર્દનું આગે જજો,
શીખી જજો સહેવું છતાં હસવું સદા, છે જીવવાની જિંદગાની જીવજો.

[27]
ત્યજી દોષ, ગુણો લેતા, સૂપડા સમ સજ્જન,
દોષગ્રાહી, ગુણત્યાગી, ચાળણી-શો જ દુર્જન.

[28]
દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ (મલૂકદાસ)

[29]
દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,
કાપી વાદીનો કંડિયો, મૂષક સર્પમુખ જાય (દલપતરામ)

[30]
દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિનાનું ભોજ,
સ્વપ્નવિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.

[31]
દેશ ને દીનને અર્થે ઓજસ્વી કર યૌવન,
ચિરંજીવી થશે બીજો બનીને વીર વિક્રમ (દેશળજી પરમાર)

[32]
ધણી, ધતૂરો, ઢોર ને ચતુરા, ચાકર, ચામ,
કેળવશો જેવાં તમે, તેવાં દેશે દામ.

[33]
ધન, જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક,
એ ચાર ભેળાં મળ્યે કરે અનર્થ અનેક.

[34]
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય,
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.

[35]
નિજ ઘરનું, પરનું વરે, ત્યાં તેવો મન-રંગ,
દરજી પહોળું વેતરે, મોચી વેતરે તંગ.

[36]
નિર્લજ્જ નર લાજે નહિ, કરો કોટિ ધિક્કાર,
નાક કપાયું તો કહે : ‘અંગે ઓછો ભાર !’

[37]
નિશા-નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે,
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે ?

[38]
નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી આવી,
સહનશીલતા ધરાની એ, જીવનમાં નિત શીખું છું.

[39]
નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય,
જુઓ, ત્રાજવું તોલતાં નમતું ભારી હોય.

[40]
પડ્યો જગ-ખીણે તું માનવ-હીરો ભલે આજ હો,
જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો

[41]
પરને કાજે પંડને ખુવે, રામને ખોળે જે શિર દઈ સૂએ,
એમની પાછળ એમને મૂએ, આભ ચૂએ ને ધરતી રૂએ.

[42]
પરાગ જો અંતરમાં હશે તો, એ પાંગરીને કદી પુષ્પ ખીલશે,
મનોરથો સ્વપ્ન મહીં હશે તો, સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.

[43]
પાણીમાં પાષાણ, ભીંજે પણ ગળે નહિ,
મૂરખ આગળ વાણ, રીઝે પણ બૂઝે નહિ.

[44]
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.

[45]
પેખી ચલગત પારકી, અમથો અંતર બાળ,
કરશે તે ફળ પામશે, તું તારું સંભાળ.

[46]
પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.

[47]
પ્રીતિ કહે : ‘ઘણું આપું છતાં પામું કશું ના હું.’
કરુણા કહે : ‘આપું હું માત્ર, નવ કશું ચાહું.’

[48]
બધી જ આશા, બધી જ ઈચ્છા, ફળી શકે ના કદી જીવનમાં,
બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં ?

[49]
બાહુમાં બળ ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ,
આપણા વહાણનાં સઢ ને સુકાન તો આપણે જ હાથે સંભાળીએ.

[50]
મન મક્કમ, મજબૂત જેમનાં હૃદય વિશાળ મહાન,
સાચી શ્રદ્ધા સાથ બાવડાં કામગરાં બળવાન.

[51]
મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય.

[52]
માગણ, છોરુ, મહીપતિ, ચોથી ઘરની નાર,
છત-અછત સમજે નહિ, ‘લાવ, લાવ ને લાવ !’

[53]
માગ્યા સમી જગતમાં ચીજ એક પ્રીતિ,
માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ.

[54]
‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’

[55]
માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.

[56]
માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.

[57]
મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.

[58]
મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.

[59]
મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.

[60]
મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.

[61]
વરીએ જોઈને જાત, મરતાં યે મૂકે નહિ,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.

[62]
વિદ્યા વપરાતી ભલી, વહેતાં ભલાં નવાણ,
અણછેડ્યા મૂરખ ભલા, છેડ્યા ભલા સુજાણ

[63]
વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોક,
સમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક

[64]
વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ,
વ્હાલાં થઈ કરશે તારાજ.

[65]
શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત,
ત્યાં માનવી જીવિત ના, થયો મૃત

[66]
સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત

[67]
સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.

[68]
સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.

[69]
સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ,
સુખ ભોગવીએ સર્વ તો દુ:ખ પણ લઈએ જોઈ.

[70]
સૂતેલ હોય તો બેઠો થઈ જજે, બેઠો ઊઠજે અધીર,
દૂરને મારગ પાંખ્યું વીંઝજે, છૂટ્યું આવે જેમ તીર.

[71]
સૂર્ય-રશ્મિ-પંથમાં વાદળ ભલે વચ્ચે પડે,
ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.

[72]
સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત

[73]
હથેળીમાં વાળ નહિ ને ગધેડાને ગાળ નહિ’
ચાડિયાને શરમ નહિ ને અઘોરીને ધરમ નહિ.

[74]
હંસા-પ્રીતડી એટલી વિપત પડે ઊડી જાય,
સાચી પ્રીત શેવાળની, જળ સાથે સૂકાય.

[75]
પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જુવો;
ત્રીજો મૂર્ખ તે બેન ઘેર ભાઈ, ચોથો મૂર્ખ તે ઘરજમાઈ.

[76]
સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી
પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોશી Next »   

26 પ્રતિભાવો : સુભાષિતોની સંપત્તિ – સં.દવેન્દ્ર ત્રિવેદી

 1. ખુબ રસપુર્વક વાંચ્યું. બહુ ગમ્યું. આભાર મૃગેશભાઈ. ધન્યવાદ.

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ

  “સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
  સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી”

 3. Maharshi says:

  મજા આવી…. પરંતુ ૨ લેખ કર્યા હોત તો વધું ઠીક રહેત….

 4. nayan panchal says:

  મૃગેશભાઈ,

  હોમપેજ પર મૂકી દો, રોજનો એક સુભાષિત.

  આભાર,

  નયન

  સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
  સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત

  ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો,
  બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે.

 5. Kanchanamrut Hingrajia says:

  અનેક અનુભવ પછી એક સુભાષિત રચાય છે.
  સુભાષિતો આપણને થોડામાં ઘણું ઘનું કહી જાય છે.
  સુભાષિતોની સંપત્તિની વહેંચણી મનને સમૃધ્ધ કરતી ગઇ.આભાર.

 6. Manhar Sutaria says:

  સુભાષિતો તો જીવનની ફિલસૂફિ છે અને જીવન જિવવાનુ શીક્ષણ છે, સઘળા લોકો રીડ ગુજરાતી નો લાભ લે અને સુસંસ્કારી બને એવી અભ્યર્થના.
  ધન્યવાદ મ્રુગેશભાઈ, ત્રિવેદીભાઈ

 7. આને કહેવાય ‘થોરામાં ઘનું’! વાહ ભૈ!

 8. raj says:

  i like all subhashit kem ke te aapni bhasha ni samrudhhi batave che.
  haji vadhu subhashit mokalva vinanti

 9. Lata Hirani says:

  આ તમે સરસ આપ્યુઁ મૃગેશભાઇ.. મજા પડી. ઘણા વખતે આ સાઇટ ખોલી.. નવા રુપરઁગ જોઇને બહુ આનંદ થયો. અભિનંદન..

 10. Bhumish says:

  I rate it 6 from 10

 11. BINDI says:

  ખુબ જ મઝા આવી ગઈ.
  બધા જ સુભાષિતો દાદ માગી લે છે.
  ઘણુ જણવા મળ્યુ!!!!!!
  આભાર.

 12. Nikunj Purohit says:

  ખુબ જ મજા આવી

 13. pareshantani says:

  GOOD CLOCTION OF SUBHASIT. I HAVE GUJARATI FONTS HENCE I AM WRITING IN ENGLISH…

 14. pareshantani says:

  જિંદગી વાટે નથી ‘કિસ્મત’ ઉતાવળ કામની,
  ચાલનારા પહોંચશે ને દોડનારા થાકશે (કિસ્મત કુરેશી)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.