[સુભાષિતો, જોડકણાંઓ, લોકોક્તિઓ વગેરે આપણો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. અહીં તેનું આચમન કરાવતો સંચય સંગ્રહિત કર્યો છે જે ખૂબ જ મનનીય અને ચિંતનીય છે. એક-એક સુત્ર ખૂબ જ જીવનોપયોગી બની રહેશે તેવી શ્રદ્ધા સાથે ‘જનકલ્યાણ-1995’માંથી સાભાર. – તંત્રી.]
[1]
અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય,
સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય.
[2]
અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ,
ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.
[3]
આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ,
પણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ
[4]
ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ,
લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.
[5]
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝે જંગ,
એકલ જગનિંદા સહે, એ મર્દોને રંગ (‘શેષ’)
[6]
કડવાબોલો શેઠિયો, જૂઠાબોલી નાર,
નિત્યજમાઈ પરોણલા, એતા માથે ભાર.
[7]
અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
છીપે જળ મોતી થયું, સંગતનાં ફળ શૂર
[8]
અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન,
શિયળ ખંડિત ના ભલું, નવ કૈં શિયળ સમાન
[9]
કમળ જળે નિત્ય રહે, નિમિષ ન ભેદે નીર,
કામ ન ભેદે નેહને, જેનું શુદ્ધ શરીર (શામળ ભટ્ટ)
[10]
કરવત, કાતર, કુજન, એ વહેરી જુદાં કરંત,
સૂઈ, સુહાગો, સજ્જન, ભાંગ્યાં એ સાંધંત.
[11]
કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત,
દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત
[12]
કૂવા-ઢાંકણ પાવઠું, જગનું ઢાંકણ જાર,
બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર.
[13]
ખાળ તારી આંખડીનાં નીરને, સંકટોમાં આ ન છાજે વીરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં લગી પંપાળશો તકદીરને !
[14]
ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો,
બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. (બરકત વીરાણી)
[15]
ખેડુ વાળે પાણીને, લુહાર ઘડતો બાણ,
સુથાર વાળે લાકડું, જ્ઞાની વાળે જાત.
[16]
ચાળણી થોથાં રાખીને કાઢી નાખે સાર,
સૂપડું સાર જ સંઘરે, છાંડે માંહ્યથી ધાર.
[17]
જગતની ભુલભુલામણીમાં રખે, બાપુ ! ભૂલો પડતો,
જજે શેર-શો જીવનપંથે, સીધો ઈતિહાસને ઘડતો (ન્હાનાલાલ)
[18]
જિંદગી વાટે નથી ‘કિસ્મત’ ઉતાવળ કામની,
ચાલનારા પહોંચશે ને દોડનારા થાકશે (કિસ્મત કુરેશી)
[19]
જીત્યે વધતું વેર, હાર્યાને નિદ્રા નહિ,
સદાય એને લે’ર, (જે) હારે કે જીતે નહિ (ધમ્મપદ)
[20]
જીવનના ચોપડે સઘળા હિસાબો થઈ જશે સરભર,
જમા રાખો ‘તું હી તું’, ને બીજી બાજુ ઉધારો ‘હું.’
[21]
જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભળાવ,
પાણિયારું નહિ પ્રભુ ભરે, ભરશે નદી-તળાવ (દલપતરામ)
[22]
જેને જેનું કામ નહિ તે ખરચે નહિ દામ,
જો હાથી સસ્તો મળે, ગરીબને શું કામ ?
[23]
ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. (શૂન્ય પાલનપુરી)
[24]
તપે તાપે તોયે સુખડ નવ સૌરભ પરહરે,
મરે ભૂખે ભાવે મૃગપતિ કદી ના તૃણ ચરે.
[25]
‘તું નાનો, હું મોટો’, એવો ખ્યાલ બધાનો ખોટો,
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો (પ્રેમશંકર ભટ્ટ)
[26]
તોફાન-વાવંટોળ વેઠી ભાગ્યનાં, હૈયું ધરીને મર્દનું આગે જજો,
શીખી જજો સહેવું છતાં હસવું સદા, છે જીવવાની જિંદગાની જીવજો.
[27]
ત્યજી દોષ, ગુણો લેતા, સૂપડા સમ સજ્જન,
દોષગ્રાહી, ગુણત્યાગી, ચાળણી-શો જ દુર્જન.
[28]
દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ (મલૂકદાસ)
[29]
દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,
કાપી વાદીનો કંડિયો, મૂષક સર્પમુખ જાય (દલપતરામ)
[30]
દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિનાનું ભોજ,
સ્વપ્નવિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.
[31]
દેશ ને દીનને અર્થે ઓજસ્વી કર યૌવન,
ચિરંજીવી થશે બીજો બનીને વીર વિક્રમ (દેશળજી પરમાર)
[32]
ધણી, ધતૂરો, ઢોર ને ચતુરા, ચાકર, ચામ,
કેળવશો જેવાં તમે, તેવાં દેશે દામ.
[33]
ધન, જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક,
એ ચાર ભેળાં મળ્યે કરે અનર્થ અનેક.
[34]
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય,
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
[35]
નિજ ઘરનું, પરનું વરે, ત્યાં તેવો મન-રંગ,
દરજી પહોળું વેતરે, મોચી વેતરે તંગ.
[36]
નિર્લજ્જ નર લાજે નહિ, કરો કોટિ ધિક્કાર,
નાક કપાયું તો કહે : ‘અંગે ઓછો ભાર !’
[37]
નિશા-નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે,
આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે ?
[38]
નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી આવી,
સહનશીલતા ધરાની એ, જીવનમાં નિત શીખું છું.
[39]
નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય,
જુઓ, ત્રાજવું તોલતાં નમતું ભારી હોય.
[40]
પડ્યો જગ-ખીણે તું માનવ-હીરો ભલે આજ હો,
જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો
[41]
પરને કાજે પંડને ખુવે, રામને ખોળે જે શિર દઈ સૂએ,
એમની પાછળ એમને મૂએ, આભ ચૂએ ને ધરતી રૂએ.
[42]
પરાગ જો અંતરમાં હશે તો, એ પાંગરીને કદી પુષ્પ ખીલશે,
મનોરથો સ્વપ્ન મહીં હશે તો, સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.
[43]
પાણીમાં પાષાણ, ભીંજે પણ ગળે નહિ,
મૂરખ આગળ વાણ, રીઝે પણ બૂઝે નહિ.
[44]
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.
[45]
પેખી ચલગત પારકી, અમથો અંતર બાળ,
કરશે તે ફળ પામશે, તું તારું સંભાળ.
[46]
પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.
[47]
પ્રીતિ કહે : ‘ઘણું આપું છતાં પામું કશું ના હું.’
કરુણા કહે : ‘આપું હું માત્ર, નવ કશું ચાહું.’
[48]
બધી જ આશા, બધી જ ઈચ્છા, ફળી શકે ના કદી જીવનમાં,
બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં ?
[49]
બાહુમાં બળ ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ,
આપણા વહાણનાં સઢ ને સુકાન તો આપણે જ હાથે સંભાળીએ.
[50]
મન મક્કમ, મજબૂત જેમનાં હૃદય વિશાળ મહાન,
સાચી શ્રદ્ધા સાથ બાવડાં કામગરાં બળવાન.
[51]
મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય.
[52]
માગણ, છોરુ, મહીપતિ, ચોથી ઘરની નાર,
છત-અછત સમજે નહિ, ‘લાવ, લાવ ને લાવ !’
[53]
માગ્યા સમી જગતમાં ચીજ એક પ્રીતિ,
માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ.
[54]
‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’
[55]
માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.
[56]
માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.
[57]
મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.
[58]
મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.
[59]
મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.
[60]
મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.
[61]
વરીએ જોઈને જાત, મરતાં યે મૂકે નહિ,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.
[62]
વિદ્યા વપરાતી ભલી, વહેતાં ભલાં નવાણ,
અણછેડ્યા મૂરખ ભલા, છેડ્યા ભલા સુજાણ
[63]
વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોક,
સમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક
[64]
વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ,
વ્હાલાં થઈ કરશે તારાજ.
[65]
શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત,
ત્યાં માનવી જીવિત ના, થયો મૃત
[66]
સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત
[67]
સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.
[68]
સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.
[69]
સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ,
સુખ ભોગવીએ સર્વ તો દુ:ખ પણ લઈએ જોઈ.
[70]
સૂતેલ હોય તો બેઠો થઈ જજે, બેઠો ઊઠજે અધીર,
દૂરને મારગ પાંખ્યું વીંઝજે, છૂટ્યું આવે જેમ તીર.
[71]
સૂર્ય-રશ્મિ-પંથમાં વાદળ ભલે વચ્ચે પડે,
ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.
[72]
સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત
[73]
હથેળીમાં વાળ નહિ ને ગધેડાને ગાળ નહિ’
ચાડિયાને શરમ નહિ ને અઘોરીને ધરમ નહિ.
[74]
હંસા-પ્રીતડી એટલી વિપત પડે ઊડી જાય,
સાચી પ્રીત શેવાળની, જળ સાથે સૂકાય.
[75]
પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જુવો;
ત્રીજો મૂર્ખ તે બેન ઘેર ભાઈ, ચોથો મૂર્ખ તે ઘરજમાઈ.
[76]
સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.