પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોશી

sombrero_spitzer

બે વર્ષ પહેલાં ઈ.સ. 2007માં જાપાનના વિજ્ઞાની કોશીબા ભારતની મુલાકાતે આવી ગયા અને તેમણે ‘પરમાણુ, મનુષ્ય અને બ્રહ્માંડ’ આ વિષે રસપ્રદ વાતો કરી. તેમના વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે ઉપરોક્ત વિષયમાં પરમાણુ તથા બ્રહ્માંડને સમજવામાં તો આપણે સારી પ્રગતિ કરી છે, પરંતુ વચ્ચેની મનુષ્યજાતિને વિજ્ઞાનની દષ્ટિએ સમજવી ભારે અઘરી છે !

પદાર્થના મૂળભૂત કણોનું વિજ્ઞાન – particle physics, અને તેમાંયે ખાસ કરીને ‘ન્યૂટ્રિનો’ નામના મૂળભૂત કણો વિષેના કાર્ય માટે તેમને નોબેલ ઈનામ મળ્યું છે. કોશીબાએ કહ્યું કે આજથી બરાબર ચાલીશ વર્ષ પહેલાં તેઓ ભારત આવેલા અને ત્યારની સરખામણીમાં આજે તમારો દેશ ભારે એક્ટિવ-કાર્યરત બની ગયો છે અને તે ભારે સુંદર વાત છે ! કદાચ એમની આ વાત સાચી જ છે કે ગુલામી અને ઘોર તમોગુણની અવસ્થામાંથી હવે આ દેશ ધીમે ધીમે રજોગુણ અથવા પ્રવૃત્તિના તબક્કામાં પ્રવેશી રહ્યો છે. જાપાની લોકો તો તેમની મહેનત તથા ખંતીલા સ્વભાવ માટે જાણીતા છે જ, જેથી તેમણે ઝડપી વિકાસ કર્યો છે.

પરમાણુ તથા બ્રહ્માંડનું વિજ્ઞાન આજે એકબીજાની ઘણાં નજીક આવી રહ્યાં છે. આનું મુખ્ય કારણ એ છે કે દ્રવ્ય અને શક્તિની એકબીજા સાથેની રમત અથવા તેમના એકબીજામાં પરિવર્તનની એક અદ્દભુત લીલા આજે આપણે જોઈ શક્યા છીએ. છેલ્લા એક સો વર્ષનો વિજ્ઞાનનો ઈતિહાસ જોઈએ તો જે દ્રવ્ય આપણે આપણી આજુબાજુના બ્રહ્માંડમાં જોઈએ છીએ, અનુભવીએ છીએ – પર્વત, નદી, વૃક્ષો, જલ, પૃથ્વી, તારાઓ, તારાવિશ્વો અને આ બધું જ, તેની મૂળભૂત સંરચના સમજવામાં આપણો મોટા ભાગનો પ્રયત્ન થયો છે. ગઈ સદીની શરૂઆતના દાયકાઓમાં એ સમજાયું કે ભલે બાહ્ય જગત ગમે તેટલું ચિત્ર-વિચિત્ર, વિવિધતાથી ભરપૂર દેખાતું હોય, પરંતુ છેવટે તો એ માત્ર મૂળ 92 તત્વોના અણુ-પરમાણુઓની રમત છે. એમાં પણ એ સમજાયું કે આવો દરેક પરમાણુ ઈલેક્ટ્રોન, પ્રોટોન તથા ન્યુટ્રોન નામના મૂળભૂત કણોનો બનેલો છે. આમ વિજ્ઞાનીઓ વિચારવા લાગ્યા કે સમગ્ર બ્રહ્માંડને સમજી લેવું હોય તો હવે તો આપણે કેવળ આ ત્રણ મૂળભૂત કણો અને તેમના ગુણધર્મોને જ સમજી લેવાના રહ્યા ! આ પ્રયત્નોમાંથી જ પાર્ટિકલ ફિઝિક્સના વિજ્ઞાનનો જન્મ થયો.
દરેક પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન તથા ન્યુટ્રોન કણો રહેલા છે અને સૂર્ય ફરતા જેમ ગ્રહો ફરે છે તેમ આ કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોન કણો ઘૂમે છે. આવા પરમાણુઓ ભેગા થાય ત્યારે અણુઓ-moleculesની રચના થાય છે અને આવા વિવિધ સંકુલ અણુઓ તથા પરમાણુઓ દ્વારા જ આ સઘળું દ્રવ્યજગત બનેલું છે આ વાત સમજાઈ. તેમાંય સૌથી સરળ અને મૂળભૂત તો હાઈડ્રોજન વાયુનો પરમાણુ છે, જેના કેન્દ્રમાં કેવળ એક પ્રોટોન કણ છે જે ઘન વીજભાર ધરાવે છે અને તેની આસપાસ ઋણ વીજભારવાળો કણ ઈલેક્ટ્રોન ફરે છે. આજે વિશાળ અને મહાકાય દૂરબીનોથી બ્રહ્માંડમાં દૂર દૂર નજર નાખીએ ત્યારે લગભગ બધી દિશાઓમાં હાઈડ્રોજન વાયુનાં મહાકાય વાદળો પ્રસરેલાં જોવા મળે છે ! આકાશના તારાઓ તથા આપણો સૂર્ય પણ આવા હાઈડ્રોજન વાયુના જ મહાકાય ગોળાઓ છે, જેમાં પરમાણુ પ્રક્રિયા દ્વારા હાઈડ્રોજન બળી રહ્યો છે અને તેના પરમાણુઓનું સંયોજન (fusion) થઈને હિલિયમ તત્વના પરમાણુઓ બનતા જાય છે. આમાંથી જ આગળ પરમાણુ પ્રક્રિયાઓ થતી જઈને તાંબું, લોખંડ, કેલ્શિયમ અને આવાં વિવિધ તત્વોના વધુ સંકુલ પરમાણુઓ બનતા જાય છે, જેના કેન્દ્રમાં અનેક પ્રોટોન-ન્યુટ્રોનકણો હોય, જેની આસપાસ અનેક ઈલેક્ટ્રોન વિવિધ કક્ષાઓમાં ઘૂમતા હોય.

આના પરથી આજના ખગોળવિજ્ઞાનીઓ અનુમાન કરે છે કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે ત્યારે સર્વપ્રથમ બનેલું તત્વ હાઈડ્રોજન જ હશે. પરંતુ અણુ-પરમાણુની આ વાત પછી 1930 તથા 1940ના દાયકાઓમાં એ સમજાયું કે વાસ્તવમાં તો આ પ્રોટોન તથા ન્યુટ્રોન જેવા કણો પણ ભારે સંકુલ ગુણધર્મો ધરાવે છે ! આમ, અણુ-પરમાણુથી કથા પૂરી નથી થતી, આ કણોના ગુણધર્મો તથા પ્રકૃતિને પણ સમજવા પડશે તેવો આપણને ખ્યાલ આવ્યો. આવા પ્રયત્નોમાંથી જ આખાય ક્વોન્ટમ વિજ્ઞાનનો જન્મ થયો. સાથે જ, અતિ શક્તિશાળી પ્રયોગશાળાઓ, જેને particle accelerators કહેવાય છે, તેમાં આ કણો વિશેના વિગતવાર અભ્યાસો શરૂ થયા. તેમાં ભારે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રો દ્વારા આવા વીજભારિત કણોને મોટા વેગોથી દોડાવીને, તેમનાં સંયોજનો તથા અથડામણોમાં કેવી ગતિવિધિઓ જોવા મળે તે તપાસીને તેમના ગુણધર્મોનો અભ્યાસ થાય છે.

આવા અભ્યાસદ્વારા એક નવી જ હકીકત બહાર આવી અને તે એ કે પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણો તે ખરેખર તો મૂળભૂત કણો છે જ નહિ અને તે ‘કવાર્ક’ નામના બીજા મૂળભૂત કણોના બનેલા છે ! આ રીતે નવા ને નવા અન્ય પાયાના કણો પણ શોધાતા ગયા છે અને આજની તારીખે તો કુલ 96 મૂળભૂત કણોની વાત પાર્ટિકલ ફિઝિક્સમાં કરવી પડે છે. અત્યંત ઊંચી શક્તિની પ્રયોગશાળાઓમાં જ્યારે આવા કણોનો અભ્યાસ થાય ત્યારે એક અન્ય નવી જ વાત એ પણ બહાર આવે છે કે આવા ઊંચા ઉષ્ણતામાન અથવા શક્તિ હોય ત્યારે આ દ્રવ્યકણોનું સતત શક્તિમાં અને શક્તિનું દ્રવ્યકણોમાં નિરંતર રૂપાંતર ચાલ્યા કરે છે. આમ દ્રવ્ય તથા શક્તિ વચ્ચેના એક નવા જ અદ્વૈતનું દર્શન જોવા મળે છે. હવે બ્રહ્માંડની જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે તો તે, આજના વિશ્વ વિજ્ઞાન પ્રમાણે, અત્યંત ઊંચા ઉષ્ણતામાને જ હોય. આથી આવા early universeમાં આવી દ્રવ્ય તથા શક્તિના પરસ્પરના રૂપાંતરની ઘટનાઓ ઘણો જ અગત્યનો ભાગ ભજવવાની. એટલે આવી પ્રક્રિયાઓનો અભ્યાસ વિજ્ઞાનીઓ ભારે રસથી કરી રહ્યા છે.

આ સંદર્ભમાં કોશીબાએ પોતાના વિદ્યાર્થીકાળની એક વાત રસપૂર્વક કરી. તેઓના અભ્યાસકાળમાં તેમને રસાયણશાસ્ત્ર જરાય ન ગમતું. એનું કારણ એ હતું કે રસાયણના વિષયમાં 92 તત્વો સાથે કામ પાડવું પડે અને એ બધાંનાં સંયોજનો તથા વિઘટનોનો અભ્યાસ કરવો પડે. બીજી બાજુએ, ભૌતિક વિજ્ઞાનના અભ્યાસમાં તો કેવળ પરમાણુ અને તે ત્રણ મૂળભૂત કણોનો બને, આવી એ વખતની માન્યતા. આથી આટલાં વધુ તત્વો સાથે કામ પાડવાને બદલે કેવળ ત્રણ કણોનું વિજ્ઞાન કેવું ઉત્તમ, આમ વિચારી તેમણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો. પણ ત્યાં તો થોડાં જ વર્ષોમાં આ ત્રણ મૂળભૂત કણોમાંથી 96 પાયાના પાર્ટિકલ્સ બહાર પડ્યા અને આખાયે વિજ્ઞાનનો જટિલતા ભર્યો અભ્યાસ થયો ! જો કે તેમાં કોશીબાનો પોતાનો ફાળો પણ હતો જ. આ સઘળા elementary particlesનો અભ્યાસ કરવા માટે અતિ શક્તિશાળી પ્રયોગશાળાઓની જરૂર હોય છે જે અતિશય ખર્ચાળ હોય છે અને અમુક મર્યાદાથી આગળ વધવાનું તેમાં શક્ય હોતું નથી. આથી જ વિજ્ઞાનીઓનું ધ્યાન આજે early universe, અર્થાત બ્રહ્માંડના શરૂઆતના તબક્કાઓની સ્થિતિ, તેના તરફ દોરાયું છે. ત્યાં સ્વાભાવિક રીતે જ ઉષ્ણતામાન એટલું ઊંચું હોય છે કે મૂળભૂત કણોનો અને તેનાં વિજ્ઞાન તથા સંયોજનોનો સુંદર અભ્યાસ થઈ શકે. આની વિશેષ વિગતો ક્યારેક ફરી વાર વિચારીશું.

દ્રવ્યકણો તથા શક્તિના અદ્વૈત અને એકમાંથી બીજામાં પરિવર્તનની આપણે આગળ વાત કરી. પરંતુ હજુ આ અભિન્નતા સંપૂર્ણ નથી. દ્રવ્યકણોનો એક વિશિષ્ટ ગુણધર્મ છે તેમનું પોતાની ધરી આસપાસનું ભ્રમણ. દરેક દ્રવ્યકણ ચોક્કસ પ્રકારે પોતાની ધરી પરત્વે ભ્રમણ કરે છે. જ્યારે દ્રવ્યમાંથી શક્તિમાં પરિવર્તન થાય ત્યારે આ ભ્રમણ અદશ્ય થાય છે અને શક્તિ, જેમાં ભ્રમણ જેવો કોઈ ખ્યાલ નથી, તેનું દ્રવ્યમાં રૂપાંતર થાય ત્યારે વળી નવા ઉત્પન્ન થયેલા કણો ભ્રમણ કરવા લાગે છે. આ ઘટના તથા કોયડો સમજવાનું કાર્ય હજુ વિજ્ઞાનમાં અધૂરું જ છે.

ફરીથી કોશીબાની વાત પર પાછા ફરીએ તો, પરમાણુ તથા બ્રહ્માંડને સમજવામાં આપણે આટલો વિકાસ કર્યો છે પણ તેના મધ્યમાં રહેલો માનવ સમજવો આટલો મુશ્કેલ શા માટે છે ? કદાચ તેનું મૂળ કારણ એ જ છે કે જ્યારે પણ મનુષ્યની વાત આવે ત્યારે સાથે જ તેના અંત:કરણની વાત પણ આવે છે. આ અંત:કરણ અથવા mind ને સમજવામાં આજના વિજ્ઞાને ઓછામાં ઓછી પ્રગતિ કરી છે ! આજના આધુનિક મનોવિજ્ઞાનીઓને જો પૂછીએ કે ‘What is mind ?’ તો તેનો ઉત્તર મળશે : ‘Never mind !’ આવો જવાબ મળવાનું કારણ એ જ છે કે આજના વિજ્ઞાન પાસે અંત:કરણ જેવી કોઈ ઘટનાનો સ્વતંત્ર ખ્યાલ જ નથી. મગજ અને તેના ચેતાતંત્ર દ્વારા થતાં સર્વ કાર્યોને જ આજનું વિજ્ઞાન ‘Mind’ તેવું નામ આપી દે છે. આથી જ આજના જીવવિજ્ઞાનીઓ દઢપણે માને છે કે મગજ અને તેની સંરચના, તથા તે કેવી રીતે વિદ્યુત ન્યુરોન્સ દ્વારા સંદેશાઓની આપ-લે કરે છે તે સમજી લઈશું એટલે કુદરતની આ અદ્દભુત રચના મનુષ્ય (અથવા અન્ય પ્રાણીઓ) વિષે પૂરેપૂરી સમજણ મળી જશે. આવો તર્ક સફળ થશે કે કેમ તે અલગ પ્રશ્ન છે અને તેના વિષે ઘણીયે ચર્ચાઓ આજે વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. આવી જ વિચારસરણીને આધારે કેટલાક લોકો તો ક્વોન્ટમ વિજ્ઞાન તથા ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો મગજનાં કાર્યોને સમજવા કામે લગાડી રહ્યા છે, તો અન્ય વિજ્ઞાનીઓ કોમ્પ્યુટર તથા માનવીના મગજનું કાર્ય, તેના વચ્ચેની સમાનતા તથા ભિન્નતાઓ શોધવામાં પડ્યા છે.

આજના વિજ્ઞાને અનેક દિશાઓમાં અદ્દભુત પ્રગતિ કરી છે એમ કહી શકાય, પણ આ સાથે જ એ પણ સ્વીકારવું રહ્યું કે આ બધી પ્રગતિ મુખ્યત્વે તો સ્થૂળ જગતના દ્રવ્યની રચનાઓ સમજવાની દિશામાં જ છે. એવા કેટલાયે કુદરતના અદ્દભુત પ્રશ્નો છે જ્યાં આપણું જ્ઞાન અને સમજણ કેવળ શૂન્યવત છે. એટલે આજની આપણી બ્રહ્માંડ વિષેની સમજણને આધારે મગજનાં કાર્યો અથવા અંત:કરણની સંરચના અને કાર્યો સમજી શકાય કે કેમ તે એક ગહન પ્રશ્ન જ રહે છે. ખરેખર તો, બ્રહ્માંડ તથા પરમાણુ વિષેના આજ સુધીના આપણા બધા જ જ્ઞાનનો આધાર માનવનું અંત:કરણ જ છે. અંત:કરણની એકાગ્રતા દ્વારા જ છેવટે તો વિજ્ઞાનીઓ ગહન રહસ્યોનું ઉદ્દઘાટન આજ સુધી કરી શક્યા છે. ઘણા એવું માને છે કે સમગ્ર બ્રહ્માંડ અને તેમાં માનવ પણ આવી જાય, તે કેવળ સૂક્ષ્માતિસૂક્ષ્મ ગણિતિય સંરચના જ છે. આ ગણિત પૂરેપૂરું સમજી લઈશું એટલે બ્રહ્માંડનાં સર્વ રહસ્યો હસ્તામલકવત થઈ જશે ! પરંતુ બીજા ઘણા વિચારકો આવું નથી પણ માનતા અને કહે છે કે આ તો આખાય પ્રશ્નનું વધારે પડતું સરળીકરણ છે !

ખેર, એ જે હોય તે. ખરેખર નોંધપાત્ર વાત તો એ છે કે આજનો માનવ આવા અદ્દભુત પ્રશ્નોના સીમાડે આવીને ઊભો છે એટલું જ નહિ, અનેક ગહન રહસ્યોનાં ઉદ્દઘાટન થતાં પણ જાય છે. આથી જેટલું આગળ વધી શકાય તેટલું આ માર્ગે આગળ ચાલવું અને ચાલ્યા કરવું, એ જ ડહાપણનું કામ જણાય છે. પછી તો રસ્તો જ આગળનો રસ્તો બતાવતો જશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુભાષિતોની સંપત્તિ – સં.દવેન્દ્ર ત્રિવેદી
સદભાવના પર્વનો સારાંશ (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

18 પ્રતિભાવો : પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોશી

 1. ખુબ જ સુંદર લેખ અને બહુ જ મહત્ત્વનો. જપાને જે પ્રગતી કરી છે, તેમાં પોતાની ભાષાના ઉપયોગે પણ કદાચ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. એ લોકો અંગ્રેજીના ગુલામ નથી. એમણે કદાચ પોતાની ભાષામાં આ બધું જ્ઞાન મુક્યું છે. આપણે આ લેખ જેવા અસંખ્ય લેખો ગુજરાતીમાં ઉતારે તેવા વીદ્વાનોની જરુર છે.

  મૃગેશભાઈને આ લેખ આપવા બદલ લાખો ધન્યવાદ અને હાર્દીક આભાર.

 2. જાપાનની પ્રગતીમાં ભાષાનો બાધ ક્યારેય નડયો નથી. જાપાન એકલું જ શા માટે..રશિયા..ચીન..ફ્રાંસ
  જમૅની..ઈટલી..વગેરે મોટા ભાગના દેશોએ કરેલી પ્રગતિમાં ભાષા એ ગૌણ વિષય છે.

  આજે વિજ્ઞાન વિષય રાખ્યો અને તે પણ મારો પ્રિય વિષય ફિઝીકસ. તાંજેતરમાં ફ્રાંસ – સ્વીસ સરહદ
  પર ભુગૅભમાં હાઈડ્રોજન પર થયેલું સંશોધન શકિતી પેદા કરવા માટેનું અંતિમ લક્ષ હતું. ભવિષ્યમાં ન્યુંકિલીયર એનૅજી કદાચ ઈતિહાસ બની જશે અથવા થડૅ વલ્ડૅ કંટ્રીને પહેરાવી દેવામાં આવશે..પ્રેમથી..!!

  તંત્રીશ્રીને ભલામણ કે આ રીતે વિવિધ વિષય પર જ્ઞાન વહેંચતા રહેશો. રીડ ગુજરાતી ફકત
  વાતૉ રે વાતૉ ના બની રહેવું જોઈએ..!!

  આભાર.

 3. pragna says:

  વિગ્નાન નિ પ્રગતિ વિશે નો અદ્ભુત લેખ .વાંચવા નિ મજા આવિ .

 4. Rasendu C. Vora says:

  “ઘણા એવું માને છે કે સમગ્ર બ્રહ્માંડ અને તેમાં માનવ પણ આવી જાય, તે કેવળ સૂક્ષ્માતિસૂક્ષ્મ ગણિતિય સંરચના જ છે. આ ગણિત પૂરેપૂરું સમજી લઈશું એટલે બ્રહ્માંડનાં સર્વ રહસ્યો હસ્તામલકવત થઈ જશે ! પરંતુ બીજા ઘણા વિચારકો આવું નથી પણ માનતા અને કહે છે કે આ તો આખાય પ્રશ્નનું વધારે પડતું સરળીકરણ છે !”
  The first part of above quotation clearly suggests that these believers do not or fail to take into account the multiplicity of the functions of a brain, whether human, animal or plant. Human brain does not only control the functioning of different body organs, which is its PHYSICAL TASK, but also it thinks, rationalizes what it experiences and reacts to such experiences as well, which is ITS MENTAL TASK. Just how this can be explained by mathematical calculations, howsoever complex !!!

 5. Maharshi says:

  ‘What is mind ?’ તો તેનો ઉત્તર મળશે : ‘Never mind !’

  સાચી વાત!!!

 6. Chirag Patel says:

  સરસ લેખ. મારો પ્રીય વીષય.

 7. Manhar Sutaria says:

  નમસ્કાર ડો. પંકજભાઈ, મ્રુગેશભાઈ.
  આખો લેખ ઘણો જ સુંદર અને માહીતીસભર છે, ધન્યવાદ. મને એક વાત સમજાતી નથી કે બ્રહ્માંડ ની ઉત્પતી કે અંત કઈ રીતે થઈ શકે, હાં કોઈ એકલ દોકલ તત્વ વિષે કે ગ્રહ-નક્ષત્ર વિષે બોલય, લખાય કે વીચારાય તો તે સમજી શકાય, પરંતુ બ્રહ્માંડ નો તો કોઈ આરો કે ઓવારો નથી પછી તેની ઉત્પતી કેવી ને અંત કેવો. કદાચીત્ મારી સમજવામા ભૂલ હશે. યોગ્ય લાગે તો જવાબ આપશો.
  ધન્યવાદ.
  મનહર સુતરીયા

 8. Veena Dave,USA. says:

  !!!!!!!!!!!??

 9. digish says:

  આ લેખ વાંચવાની મઝા આવી ગઈ.
  મને આમા ઘણીખરી સામ્યતા આદિ શંકરાચાર્ય ના દર્શન જેવી લાગે છે.
  સાથે સાથે એ વાત્ નો ગર્વ પણ થાય છે કે પુરાતન ભારત નુ પાર્ટીકલ વીજ્ઞાન અને માનસ શાસ્ત્ર નુ જ્ઞાન અદભુત છે.

 10. Nilesh says:

  સરસ લેખ – પંકજભાઈને અભિનંદન!

 11. “…દ્રવ્યકણોનું સતત શક્તિમાં અને શક્તિનું દ્રવ્યકણોમાં નિરંતર રૂપાંતર ચાલ્યા કરે છે”
  દ્રવ્ય (Money) અને શક્તિ (Power) હંમેશા એકબીજામાં પરિવર્તનશીલ રહ્યાં છે! અને આજનું રાજકારણ તેનો સાક્ષાત્ દાખલો છે! 🙂

  “…આજની તારીખે તો કુલ 96 મૂળભૂત કણોની વાત પાર્ટિકલ ફિઝિક્સમાં કરવી પડે છે…”
  અને હજી ભવિષ્યમાં તેના પણ ભાગ જેવા વધુ નાના પાર્ટિકલ મળી શકે કારણ કે દૂરથી ડુંગર દેખાય તેને સમજવા મથતાં માઈક્રોસ્કોપ નીચે કાંકરીઓ અને ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ નીચે અણુ-પરમાણુ નિર્મિત દેખાઈ રહ્યો હતો તે પદાર્થમાં હવે પાર્ટિકલ ઍક્સૅલરેટર વડે આ પરમપરમાણુઓ નો તાગ મળ્યો છે. બસ જોવાનું એ છે કે કૉણ પહેલાં થાકે છે, માનવ આ “અંદર ઉતરવા”ની મથામણ થી અને કુદરત “થોડું થોડું” ઉઘાડતા જવાની રમતથી!

  “…આજના વિજ્ઞાન પાસે અંત:કરણ જેવી કોઈ ઘટનાનો સ્વતંત્ર ખ્યાલ જ નથી…”
  “હું કરું હું કરું”..આ મન અને માનવ એકાબીજા પાસે કેટલું કામ લઈ શકે છે અને તેની ભેદરેખા શું છે તે વિજ્ઞાનની ફૂટપટ્ટીથેી બ્રહ્માંડ માપવા નીકળવા જેવી વાત છે!

  “…તે કેવળ સૂક્ષ્માતિસૂક્ષ્મ ગણિતિય સંરચના જ છે.”
  — The Matrix!

  “…અને કહે છે કે આ તો આખાય પ્રશ્નનું વધારે પડતું સરળીકરણ છે”
  આ તો ભાઈ “ચોળો તેમ ચીકણું થાય” તેવી વાત છે! ક્યારેક તો સમાધાન લાવવું જ પડશે ને!

  બ્રહ્માંડનો તાગ શોધવા (અસ્તિત્વ સમજવા) જેટલું ધ્યાન ધરતી પર હવા-પાણી-ખોરાક ની શુધ્ધિ અને ઉપલબ્ધતા (અસ્તિત્વ ટકાવવા) પર રખાશે તો કદાચ આ રહસ્યો ઉકેલાઈ જાય ત્યારે તેનો લાભ લેવા જેવા-જેટલાં માનવો બચ્યાં હશે! 🙂

  અંતે, આદ્યાત્મ અને વિજ્ઞાન ને જોડતા આ “હટકે” લેખ માતે લેખક-સંપાદકને ધન્યવાદ!

 12. nayan panchal says:

  સપ્તપદી

 13. kumar says:

  આજે રીડગુજરતી પર વિજ્ઞાન લેખ માણી ને આનંદ થયો.

 14. Ashish says:

  ખુબ સરસ લેખ . મ્રુગેશ ભાઈ ગુજરાતી સાહિત્ય ની સાથે આવા વિજ્ઞાન લેખ પણ મુકતા રહો તેવી વિનતી .

 15. ghanshyam says:

  ખુબ સારો લેખ શે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.