સદભાવના પર્વનો સારાંશ (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 પછીથી હવે આગળ…. ]

dsc_0307‘આપણા ધર્મની સુગંધ’ વિષય અંતર્ગત મુસ્લિમ ધર્મ વિશે શ્રધ્ધેય ઈસ્લામિક સ્કોલર શ્રી મૌલાના વહીદુદ્દીનખાને વક્તવ્ય આપ્યું હતું. તેમણે પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે : ‘મને આપ સૌને મળવાનો અત્યંત આનંદ છે. ઈસ્લામનો મૂળ અર્થ ‘પ્રેમ’ છે. હું આખી દુનિયામાં ગયો છું અને જ્યાં પણ જાઉં ત્યાં કહું છું કે ભારતથી સારો દેશ હજી સુધી મને મળ્યો નથી. સૌને કહું છું કે તમે હજી ભારતને બરાબર ઓળખતા નથી. પયગંબર સાહેબે કહ્યું હતું કે મને ઈન્ડિયા તરફથી ઠંડી હવા આવે છે… જે દેશ તરફથી પયગંબરને ઠંડી હવા મળે એ દેશ તરફથી તમને ગરમ હવા લાગતી હોય તો કોનો અનુભવ સાચો ? ઈતિહાસ કહે છે કે આ દેશમાં મુસલમાન આવ્યા અને દેશે એનું સ્વાગત કર્યું. ચાહે તે સૂફી રૂપે હોય, વેપારી રૂપે કે એક સામાન્ય વ્યક્તિ રૂપે. વાત તો ત્યારે બગડી કે જ્યારે દેશના ભાગલા પડ્યા. મારી દષ્ટિએ દેશના ભાગલા પડવા એનાથી મોટી ખરાબ ઘટના ઈતિહાસમાં કોઈ નથી.’

‘હું આખી દુનિયાને મારો આધ્યાત્મિક પરિવાર માનું છું. આપ સૌ પણ તેમાંના જ છો. પયગંબર સાહેબે કહ્યું હતું કે બધા ભાઈ-બહેનો સૌ એકબીજાના આધ્યાત્મિક ભાઈ-બહેનો છે. ભારતમાં જન્મવાનો મને ગર્વ છે. અહીં પ્રેમ છે, શાંતિ છે અને ધીરજ છે. અત્યારે અહીં આ કૈલાસ ગુરુકૂળનું વાતાવરણ મને આધ્યાત્મિક બાગ જેવું લાગે છે. વળી, ભારતમાં આશ્રમનો જે વિચાર છે તે એકદમ યુનિક છે. વિશ્વમાં એવો વિચાર બીજે ક્યાંય જોવા મળતો નથી. એક જગ્યાએ કેનેડાથી આવેલા એક યુવાનને મેં પૂછ્યું કે તમે ભારત કેમ આવ્યા ? તો એણે ગંભીરતાથે કહ્યું કે ત્યાં હું શારીરિક રીતે સુખી હતો અહીં હું આધ્યાત્મિક રીતે સુખી છું. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ‘મારા પ્યારા ભાઈઓ અને બહેનો’ એવું સંબોધન કર્યું ત્યારે તાળીઓનો ગડગડાટ થયો. એમ કેમ થયું ? કારણ કે એ સંબોધનમાં ભારતનો આત્મા બોલતો હતો. ભારત બધાને પોતાના ભાઈ-બહેન માને છે. આ કોઈ એકની વાત નહીં પરંતુ બધા જ ભારતીયોમાં આ જાદુ છે.’

‘ઘણા લોકો માને છે કે ઈસ્લામ લડાઈનો ધર્મ છે જ્યારે હિંદુ પ્રેમનો ધર્મ છે. ખરેખર વાત એમ નથી. બધા જ ધર્મો પ્રેમના જ હોય. એનો કોઈ ખોટો ઉપયોગ કરે તો એ ખોટી વાત છે. દરેક વસ્તુનો ખોટો ઉપયોગ થતો હોય છે; એની કોઈ સીમા નથી. પરંતુ એક વાત યાદ રાખવી ઘટે કે ખુદા અહિંસા પર જે ચીજ આપે છે તે હિંસામાં કદી નથી આપતા. ઈસ્લામ માટે થઈને લડાઈ કરનારને હું પાગલ માનું છું. હું આવું સાચું કહું તે ઘણાને ગમતું નથી, પણ સચ્ચાઈ તો કહ્યે જ છૂટકો. કાલે અમે નારાયણભાઈ દેસાઈ અને ધર્માધિકારીજી પાસે બેઠા હતા ત્યારે મેં શ્રી નારાયણભાઈને કહ્યું કે ગાંધીજી વિશે કંઈક કહો. એ વખતે એમણે એક સરસ વાત કરી કે આઝાદીની જાહેરાત થવાના સમયે ગાંધીજી નોઆખલીમાં હતા. ત્યાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. એમણે ત્યાંથી એક સજ્જનને અહીં પત્ર લખ્યો હતો કે મારી ચારે બાજુ આગ છે; રમખાણો છે – પણ મારા મનમાં ઠંડક છે. બસ, આ જ ભારત છે. ભારત એનું નામ છે જે કાંટાની વચ્ચે ફૂલ બનીને રહે. આગની વચ્ચે ઠંડક મહેસૂસ કરે.’

‘મને એક પ્રસંગ યાદ આવે છે અને તે સ્વામી વિવેકાનંદજીના જીવનનો. એક વાર શિકાગોમાં રસ્તે તેઓ ચાલતા જતા હતા અને એમણે ભગવા કપડાં પહેર્યાં હતાં. ત્યાંથી પસાર થતાં એક પત્નીએ પતિને કહ્યું કે આ માણસ મને જેન્ટલમેન નથી લાગતો. સ્વામીજી સાંભળી ગયા. એમણે એ બહેન પાસે જઈને કહ્યું કે : ‘In your country, tailor makes a man gentleman but the country from which I come, character makes a man gentleman.’ આ ભારતની આત્માનો અવાજ એમના મુખે હતો. હું પ્રોફેટની જેમ દરેક માનવીને માનવીના સ્વરૂપે જોવા ટેવાયેલો છું. બધા જ ખુદાના સંતાનો છે. જેવા તમે એવો હું. દુનિયામાં સર્વ સમાન છે. મેં બધા જ ધર્મોને વાંચ્યા છે, તેથી હું કહી શકું કે દરેકની પદ્ધતિમાં ફેર હોઈ શકે. રહેવાની-બેસવાની અને રીતરિવાજોની પદ્ધતિ જુદી હોઈ શકે પણ મૂળતત્વમાં કદી અલગપણું ન હોઈ શકે. એમાં કોઈ અંતર ન હોય. કુરાનમાં કહ્યું છે કે તમને જેમાં દુશ્મન છુપાયેલો દેખાય છે; એમાં જ મિત્ર હોય છે. આ સમજાવવા માટે હું ગાયનું પ્રતિક વાપરું છું. ગાય શું કરે છે ? તમે ગાયને ઘાસ આપો અને એ તમને દૂધ આપે. ગાય પરમાત્માની એક વ્યવસ્થા છે જે દૂધ ન હોય એનું પણ એ દૂધ કરી શકે. એવી રીતે, કોઈ પણ નેગેટીવ અનુભવમાંથી પણ પોઝીટીવ શોધી કાઢવું જોઈએ. દુશ્મનમાં પણ મિત્ર છૂપાયેલો હોય છે. કુરાને આ જ વાત સમજાવી છે. ગાંધીજીએ જે વાત કરી કે મારી ચારે બાજુ આગ છે પણ મારી અંદર ઠંડક છે – બસ એ જ ઈસ્લામ છે. ઈસ્લામ એટલે બીજું શું ? મેં મુસલમાનોને ઘણીવાર કહ્યું કે તમે આ દેશને બરાબર ઓળખ્યો નહીં, એને તમે ઓળખો. મારું મિશન છે કે મારા મૃત્યુ પહેલા ભારતને હું ‘આધ્યાત્મિક’ સુપરપાવર તરીકે જોઉં. એને માટે જ હું રડું છું, દુઆઓ કરું છું અને મારી અંતિમ ઈચ્છા પણ એ જ છે. ભારતની ઓળખાણ એની આધ્યાત્મિકતા છે અને તે એ રીતે જ આગળ આવશે. આપણા સાધુ, સંતો અને આશ્રમો એ તમામ આધ્યાત્મિક જાગૃતિના કેન્દ્રો છે.’

તેમણે ‘જેહાદ’નો સાચો અર્થ સમજાવતું એક પુસ્તક લખ્યું છે જેના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે : ‘લોકો માને છે કે જેહાદ એ જાણે ઈસ્લામની ઓળખ છે. હું એમને કહું છું કે જેહાદનો અર્થ એ નથી જે તમે લઈ રહ્યા છો. જેહાદ શબ્દને લડાઈ સાથે કોઈ લેવાદેવા નથી. ઈન્ટરનેટ વગેરે માધ્યમ દ્વારા પણ હું એ સમજાવી રહ્યો છું. હું બધાને પ્રોસેસ રૂપે એ જણાવી રહ્યો છું અને આપણે સૌ એ પ્રોસેસના એક ભાગ છીએ – અને એ પ્રોસેસ છે પ્રેમ અને શાંતિની સ્થાપનાનો.’

વક્તવ્યના સમાપનમાં તેમણે કહ્યું હતું કે : ‘છેલ્લે એટલું કહીશ કે દુનિયામાં ખુદાએ અનેક વસ્તુ બનાવી છે અને તેમાનું એક છે ગુલાબ. એમાં કાંટા પણ હોય છે અને ફૂલો પણ હોય છે. બધા એકલા ફૂલ થઈ શકે તો સારું છે પણ ન થવાય તો કાંટા જોડે પણ ફૂલ બનીને રહો. ગુલાબ એ કહે છે કે બધા ફૂલ બને તો સારું પણ જો કોઈ કાંટો બને તો પણ તમે ફૂલ બની રહો. આખો સમાજ ફૂલ બની જાય તોય સારું પણ કદાચ કોઈને ન સમજાવી શકો તો પણ તમે તમારી સુગંધ ગુમાવશો નહિ. સમય આવ્યે કદાચ કોઈ કાંટાનું પણ ફૂલમાં પરિવર્તન થઈ જશે. અલ્લાતાલા મારા દેશને સુખી અને સારો બનાવે.’

dsc_0315બીજા દિવસની આ પ્રથમ બેઠકના અંતિમ વક્તા ફાધર રૂડોલ્ફ હરેડીયાએ ખ્રિસ્તીધર્મની સુગંધ વિશે વાત કરી હતી. તેઓ ઈન્ડિયન સોશ્યલ ઈન્સ્ટીટ્યૂટ, દિલ્હીના નિયામક તેમજ સોશ્યોલોજીસ્ટ છે. તેમણે તેમનું વક્તવ્ય અંગ્રેજીમાં આપ્યું હતું જેનો સારાંશ ત્યાર બાદ ફાધર વિલિયમે આપ્યો હતો. ફાધર વિલિયમે સાર સમજાવતા કહ્યું હતું કે : ‘ઈસુના ઉપદેશમાં પ્રેમ મુખ્ય છે. યુરોપમાં ધર્મના નામે જેટલા યુદ્ધો થયા એટલા ક્યાંય થયા નથી. અને આ સાંભળ્યા પછી ઈસુનો ધર્મ એ પ્રેમ ધર્મ છે એ કહેતા સંકોચ જરૂર થાય છે પણ તેમ છતાં એમ કહેવું જ યોગ્ય છે કે તેઓ પ્રેમને જ ધર્મ માને છે. જ્યાં સુધી ખ્રિસ્તીધર્મમાં પ્રેમ ટકી રહેશે ત્યાં સુધી જ ખ્રિસ્તી ધર્મ જગતમાં ટકી રહેશે. જ્યાં ખ્રિસ્તીધર્મમાં પ્રેમ ન દેખાય તો સમજવું કે ત્યાં ખ્રિસ્તીધર્મ ખલાસ થઈ ગયો છે. આ ધર્મમાં ભગવાનને ત્યાં જવાનો મોક્ષનો માર્ગ એ નેશનલ એક્સપ્રેસ હાઈ-વે નથી. એ તો વાયા-વાયા પાડોશી મારફતે એટલે કે માનવતાના માર્ગે જાય છે. ઈશ્વરને ત્યાં સીધુ પહોંચાતું નથી; પાડોશીને પ્રેમ કરીને જ પહોંચાય એવી ખ્રિસ્તીધર્મની દ્રઢ માન્યતા છે. માનવ પ્રેમનું આ ધર્મમાં મોટું સ્થાન છે. ઈસુને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે અમને એવું કશુંક આપો કે જેથી અમને બધા તમારા અનુયાયીઓ તરીકે ઓળખે ત્યારે ઈસુએ છેલ્લા ભોજન પહેલા બધા શિષ્યોને ભેગા કર્યા અને તેમણે પોતે બધા શિષ્યોના પગ ધોયા. તે પછી એમને ઓળખ ચિન્હ આપ્યું અને તે હતું : ‘તમને જગત મારા અનુયાયી તરીકે ત્યારે જ ઓળખશે અથવા તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો.’ ઈસુના અનુયાયીની આ એક માત્ર ઓળખ કે અસ્મિતા છે.’

dsc_0324‘ખ્રિસ્તી માન્યતામાં એમ કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં જેને પ્રવેશ મળશે અને ઈશ્વર બધાને જ્યારે બોલાવશે ત્યારે એમ કહેશે કે તમે આ મારું તૈયાર કરેલું રાજ્ય ભોગવો કારણ કે જ્યારે મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું. હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે મને આશરો આપ્યો હતો, હું ઉઘાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો આપ્યા હતાં અને હું માંદો હતો ત્યારે તમે મારી સેવા કરી હતી. બધા પૂછે છે કે આવું ક્યારે બનેલું ? અમે આપને ક્યારે ખવડાયું અને ક્યારે પાણી પાયું ? ત્યારે ઈશ્વર કહેશે તમે મારા ભાઈઓ-સંતાનો માટે જે કંઈ કર્યું એ મારી માટે જ કર્યું છે. એથી ઊલટું, જેમને ઈશ્વરના દરબારમાં પ્રવેશ નહીં મળે એમને આ આધારે જ પ્રવેશ નહીં મળે. ખ્રિસ્તી ધર્મનો આ પાયો છે. હકીકતે તે જળવાયો હોય કે ન હોય તે એક જુદી વાત છે.’

‘હવે કેટલીક ઈસુએ વર્ણવેલી પ્રેમની લાક્ષણિકતાની વાત કરું. તેમણે કહ્યું છે કે પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્દભવે છે. જે પ્રેમ રાખે છે તે ઈશ્વરને ઓળખે છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. કોઈ એમ કહે કે હું ઈશ્વરને બહુ પ્રેમ કરું છું અને જો પાડોશી પર એનો પ્રેમ ન હોય તો એ જૂઠું બોલે છે એમ સમજજો. તું જેને જોઈ શકે છે એના પર પ્રેમ ન રાખતો હોય તો જે નથી દેખાતો એની પર તું પ્રેમ રાખે છે એ કેમ માની શકાય ? પ્રેમ હોય તો ક્ષમા પણ આવે જે પ્રેમની પહેલી લાક્ષણિકતા છે. ક્ષમા કેટલી ? વારંવાર. એની કોઈ સંખ્યા નહીં. એ દરેકને માટે હોવી જોઈએ. કોઈ બાકાત નહીં. જેમ સૂર્ય બધા માટે, વરસાદ બધા માટે એમ પ્રેમ અને ક્ષમા બધાને માટે. ફક્ત મિત્રો પર નહીં; શત્રુઓ પરત્વે પણ પ્રેમ રાખો. બૂરું કરનારનો સામનો કરશો નહિ. કોઈ જમણા ગાલ પર તમાચો મારે તો ડાબો ગાલ ધરી દેજો. તમને રંજાડનાર માટે પણ દુઆ માંગો. તો જ તમે પરમ પિતાના સંતાનો ગણાશો. પ્રેમ રાખે એના પર પ્રેમ રાખીને નવું શું કર્યું !’

ફાધર રૂડોલ્ફના શબ્દોનું અનુવાદ કરતાં ફાધર વિલિયમે વધુમાં જણાવ્યું હતું કે : ‘પ્રેમની પરિભાષમાં આજે વિકાસ થયો છે. માત્ર ઘર બાંધી આપવું કે નાની મોટી મદદ જ નહીં; હવે તેમાં ‘લીબરેશન થિયોલોજી’ ઉમેરાઈ છે. એનો અર્થ છે કે નાના સુકૃત્યો જ નહીં પણ સમાજ માટે ઉપયોગી થવું. બાળમજૂરી વિરુદ્ધ કામ કરવું, ગુજરાતી ભાષા માટે કામ કરવું વગેરે…. એ બધા માનવબંધુના પ્રેમના કામ છે. જે દિવસે માનવબંધુ પ્રેમ વિશે બાંધછોડ આવશે તે દિવસે ખ્રિસ્તિધર્મનું અસ્તિત્વ રહેશે નહિ. આ ફાધરે કહેલી બાબતનો સારાંશ છે. છેલ્લે એક વાત કહીને પૂરું કરું કે ખ્રિસ્તીનું આ જગતમાં મિશન, ઈસુના અનુયાયી તરીકે શું છે ? એમનું મિશન છે જગતનું ઋણ બનવાનું અને જગતનો દીવો બનવાનું જેથી જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ મળે; જ્યાં અસ્વાદિષ્ટતા હોય તે મધુર સ્વાદિષ્ટ બને.’

[બીજો દિવસ : બીજી બેઠક ]

dsc_0333બપોરની બેઠકનો પ્રારંભ બપોરે ત્રણ વાગ્યે થયો હતો, જેનો વિષય હતો : ‘સંપૂર્ણ સંવાદિતા તરફ’. આ બેઠકના પ્રથમ વક્તા શ્રી દિલીપ સિમીયન દિલ્હી ખાતે યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, ઈતિહાસકાર છે અને દિલ્હીના અમન ચેરીટેબલ ટ્રસ્ટના તેઓ નિયામક છે. તેમણે પોતાની વાતનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે : ‘આ વિચાર-વિમર્શમાં જોડાઈને મને બહુ ખુશી થઈ. આવા વધારે ને વધારે સત્રો યોજાવા જોઈએ. હું ઘણો પ્રભાવિત થયો છું અને તેની મારા પર ઘણી જ ભાવુક અસર થઈ છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘મને હંમેશા લાગ્યું છે કે બધા જ ધર્મો સારા છે અને બધામાં જો આટલો પ્રેમભાવ છે તો પછી આટલી ધમાલો, યુદ્ધો વગેરે કેમ થાય છે ? આ બાબત આપણે વિચારવી પડશે, નહિ તો એમ લાગશે કે જાણે દુષ્ટ વસ્તુઓ ક્યાંક બહારથી આવે છે અને આપણે બધા એકબીજાની વાહવાહ કરવામાં રહી જઈશું અને આત્મખોજ ગુમાવી બેસીશું. હું વિનમ્રતાપૂર્વક પૂછવા માગું છું કે બધા જ ધર્મો જો સારા હોય તો દુષ્ટતા આવી ક્યાંથી ? આ પ્રશ્ન મને બહુ કનડે છે.’

પોતાના સ્વાનુભવની વાત કરતાં તેમણે કહ્યું કે, ’19-20 વર્ષની ઉંમરે હું નકસલવાદી બનવામાં જોડાયો. એ વખતે મારા આદર્શ મહાન હતા. ગરીબોનું ઉત્થાન, શોષણનો અંત વગેરે અમે ઈચ્છતા હતા એટલે એ શાનદાર આદર્શો પૂરા કરવા અમને લાગ્યું કે નકસલવાદી બનવું યોગ્ય રસ્તો છે. એમાં જોડાયા બાદ મને સમજાયું કે દુનિયામાં મહાન આદર્શો માટે હિનકાર્યો થાય છે. ન્યાયના કામ માટે અન્યાય થાય છે અને હિંસાને દૂર કરવા માટે જ કાયમ હિંસાનો સહારો લેવાય છે ! આપણે પોતે જ આવા ખોટા કામ કરીએ છીએ. પાપ બીજે ક્યાંયથી આવતા નથી, પાપ પુણ્ય સાથે જ ચાલતા હોય છે. દુષ્ટતાને પુણ્યથી જ શક્તિ મળે છે. આ બાબત આપણે વિસ્તારથી વિચારવી પડશે.’

‘સૌપ્રથમ તો મને લાગે છે કે આપણે દુષ્ટતાને આપણી અંદરથી ઉખાડી નાખીએ. હું મારા અનેક વામપંથી મિત્રોને કહું છું કે અસત્ય અને જૂઠ પર કોઈ રાજનીતિ ચાલી ન શકે. એની માટે શું જૂઠનો સહારો લઈશું ? આપણા આંદોલનોમાં જો કુકર્મો થયા હોય તો એનો જાહેરમાં સ્વીકાર કરો. એમ કરશો તો જ આગળ વધાય. આ બાબતે મારો એક અનુભવ આપને કહું. 1970-72માં હું અજ્ઞાતવાસમાં રહીને ઉત્તર પ્રદેશમાં એક ખેતમજૂર તરીકે કામ કરતો હતો. પોલીસના મારા નામે વોરન્ટ હતા. એક સમયનો દેશદ્રોહી ગણાતો હું આજે તમારી સામે ઊભો છું ! એ દિવસોમાં બાંગ્લાદેશના ભાગલા અને વગેરે ઘટનાઓના સંદર્ભે મેં પેપરમાં વાંચ્યું કે ચીન હંમેશા પાકિસ્તાનનો સાથ આપશે. એણે પાકિસ્તાનમાં ચાલતા દૂષણો વિશે કશું ન કહ્યું. હું તો સ્તબ્ધ થઈ ગયો. પાર્ટીના ચેરમેનને પત્ર લખવા વિચાર્યું પણ મોકલું કેવી રીતે ? કારણ કે હું તો અજ્ઞાતવાસમાં હતો. સમય જતાં મેં જોયું કે હું તર્કની તાકાત ખોઈ રહ્યો છું. મેં જાણે મારી જાતને સમજાવી લીધું કે જે બધું છે એ બરાબર છે અને મારે દરેક હકીકત આગળ ઘૂંટણ ટેકવી દેવા ! યાદ રાખો, કે જેની આગળ તમે ઘૂંટણ ટેકવી દો છો એ સત્ય નથી હોતું, જૂઠ હોય છે. સત્ય તો તમને પગ પર ઊભા કરે. એ પછી તો લાંબી વાતો છે… યુદ્ધ જાહેર થયું… મહિનાઓ સુધી તે ચાલ્યું…. મારા વિચારો બદલાયા.. અણસમજમાં લીધેલી એ બધી પ્રવૃત્તિ છોડીને મેં જીવનમાં સાચો રસ્તો અપનાવ્યો….’

‘એ પછી મને આગળ જતાં સમજાયું કે સત્ય અને અહિંસાનો બહુ નજીકનો સંબંધ છે. ગાંધીજીએ કહ્યું હતું કે દેશપ્રેમ અને અહિંસા એમ બેમાંથી જો કોઈ એકને પસંદ કરવાનું હોય તો હું અહિંસાને પસંદ કરું. એમણે એમ કહ્યું હતું કે ‘જો ભારત અહિંસા છોડી દે તો હું મારી જાતને અનાથ સમજીશ.’ એટલે જ ગાંધીજી કોઈ એક દેશ કે કોમના નેતા નથી, એ વિશ્વવ્યાપક સ્તરની એક વિભૂતિ છે એમ હું માનું છું. આજે જો હું જાપાની હોત તો પણ એમ જ કહેત. માત્ર ભારતીય છું એટલે હું આમ નથી કહેતો. ગાંધીજીએ કહ્યું છે કે અહિંસા શાશ્વત છે. સત્યને પણ બારીકીથી શોધવું પડશે. સવારે દેશના ભાગલાની વાત થઈ હતી, હું તો એમ કહીશ કે મુસલમાનોએ દેશના ભાગલા કર્યા એ વાત જ ખોટી છે. એ વખતે હિંદુ મુસ્લિમ કોઈને મતદાનનો હક નહોતો. એ ભાગલા તો રાજનેતાઓએ કર્યા. લોકોની આ સુક્ષ્મ વાત સમજવામાં ભૂલ થાય છે કે લોકો પર ભાગલા ઠોકી બેસાડવામાં આવ્યા હતા, કોઈએ કર્યા નહોતાં.’

વર્તમાન બાબતો વિશે વાત કરતાં શ્રી દિલીપજીએ જણાવ્યું હતું કે : ‘મને એમ લાગે છે કે આપણે એવા કાળથી ગુજરી રહ્યા છે જેને ‘નિરર્થકતા’નો કાળ કહે છે. જેમાં શબ્દોની તાકાત ઓછી થઈ ગઈ હોય, પાપ-પુણ્ય સમજવાની તાકાત ઓછી થઈ ગઈ હોય અને બધા જ જાણે સર્વનાશ ભણી આગળ દોડી રહ્યા છે. તમે કંઈ કહો કે ન કહો એનાથી કશો ફર્ક જ ન પડે એવો નિરર્થકતાવાદ સમાજમાં વધી રહ્યો છે. શબ્દ એનું વજન ગુમાવી રહ્યો છે. ભાષાનો આશય ખતમ થઈ રહ્યો છે. સાચું ખોટું સમજવાનો જાણે આપણી પાસે માનદંડ જ નથી. જુઓ, એક કન્સેપ્ટ છે : Theodicy. દયાળુ કુદરતની ઉપસ્થિતિમાં આટલી મારફાડ, રમખાણો કેમ થાય છે ? દુ:ખનું કારણ શું છે ? આ બધાને લીધે આપણા મનમાં જન્મતા નિરાશાવાદ સામે ઝઝૂમવા એક Theodicy બનાવવામાં આવી જેમાં કહેવાયું કે આ બધી મુશ્કેલીઓ ખુદાની કોઈ યોજનાનો ભાગ છે જે આપણે સમજી નથી શકતા. માણસની આદત છે કે બેજવાબ પ્રશ્નો કર્યા જ કરે. જેમણે ઈશ્વર નથી એમ માન્યું એ બધા સેક્યુલર બાજુ આવી ગયા અને એમાં બુદ્ધિને સાયન્સ સુધી રોકી લેવામાં આવી. ગણિતમાં સાબિત થાય એ જ સાચું આપણે એવું માનવા લાગ્યા. માનવજ્ઞાનને આપણે બે ભાગમાં વહેંચી દીધું. વળી, વિજ્ઞાન તો ન્યુટ્રલ. ગણિત આપણને કદી બતાવી ન શકે કે અહિંસા સારે કે ખરાબ ! આપણે નૈતિક વસ્તુને અલૌકિક વિભાગમાં નાખી દીધી જાણે એની વાત જ કરવાની ન હોય ! અમુક આંદોલન કરતા પક્ષોમાં વળી બીજા પ્રકારની અલૌકિકતા આવી ગઈ જેને હું નામ આપીશ ‘ભવિષ્ય’; અને એ પણ પાછું સાધારણ નહિ, ઉજ્જ્વળ ભવિષ્ય. ભવિષ્ય એક પ્રકારનું દિગંત બની ગયું છે. એનો એ છેડો આપણે જેટલા આગળ વધીએ એટલો દૂર જતો જાય છે. આપણે આગળ વધીએ છીએ અને દિગંત પાછળ હટે છે. એ ભવિષ્યની હું વાત કરું છું જેને આપણે રાજનીતિમાં સ્થાન આપી દીધું છે. એના વડે આપણને બતાવવામાં આવે છે કે ‘ધીરજ રાખો, દિગંત આવી રહ્યું છે.’ ભવિષ્ય માટે આપણને એવું શીખવવામાં આવે છે કે એના માટે આપણે થોડા કુકર્મો કરવા પડશે પણ નિશ્ચિંત રહો એ પછી જાણે બધા પાપ ધોવાઈ જશે ! એ પહેલા પાપ માફ અને એ પછી પાપ થશે જ નહિ ! આ જાણે આપણે પોતાને બેવકૂફ બનાવવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ ખોટા માર્ગો તમને બધે જ મળશે; એ પછી ભલેને વામપંથ હોય, રાષ્ટ્રવાદી હોય કે સામ્યવાદી.’

‘આપણે વર્તમાનમાં જીવતા નથી. આપણા બધાની નજર જાણે એ ‘ઉજ્જ્વળ ભવિષ્ય’ તરફ રહેલી છે. અથવા તો આપણે અતિતને પૂજીએ છીએ. કોઈને કોઈ ‘ગોલ્ડન ઍજ’ શોધી કાઢીએ છીએ અને પછી એનાં ગાણાં ગાઈએ છીએ. વર્તમાન સમયને આદર આપતા નથી. બૅંગ્લૉરમાં પબ કલ્ચરનો વિરોધ કરવો હોય તો તમે વાતચીત, વાદ-વિવાદથી કરો; પણ તમારે તો લોકોના હાડકાં જ તોડવા છે. દરેક બાબતમાં આવું થાય છે. કોઈ વાત સમાજમાં ખોટી હોય ત્યારે ખુલ્લી રીતે એની ચર્ચા કરો; પરંતુ આ તો ગુંડાઓ રોકીને જાત જાતની સેનાઓ રોકીને લોકોને મારપીટ કરવામાં આવે છે. હિંસાને દૂર કરવા માટે શું આવા ઉપાયો ? એટલે જ કહું છું કે આપણો કાળબોધ ખતમ થઈ ગયો છે. અંતમાં એટલું કહીશ કે વર્તમાનને સમજીશું તો ગાંધીજીની અહિંસાને બરાબર સમજી શકીશું.’

dsc_0344બીજી બેઠકના બીજા વક્તા શ્રી અમરભાઈ કન્વર વ્યવસાયે દિલ્હી સ્થિત ફિલ્મ નિર્માતા છે. તેમણે અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે અને તેમની ઘણી ફિલ્મો આંતરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામી છે. તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું કે ‘સમયનો સૌથી નાનો હિસ્સો ‘ક્ષણ’ કહેવાય છે. આ ક્ષણમાં જિંદગી અને મૃત્યુ બંને છૂપાયેલા છે. જીવનનો અર્થ આ બે વચ્ચે રહેલો છે. ફિલ્મનો સૌથી નાનો હિસ્સો તસ્વીર છે અને તેમાં પણ જીવન અને મૃત્યુ રહેલા છે. આ બંનેમાં જો સમય નામનું તત્વ ઉમેરીએ તો અર્થ સમજાતો જાય છે. તસ્વીરોનો સમૂહ એટલે ફિલ્મ. ફિલ્મમેકર તરીકે વિષયોની શોધખોળ હું કરતો રહું છું. મારું સમગ્ર ફિલ્મો બનાવવાનું કામ, ક્યારેક મને લાગે છે કે મેં અહિંસાને સમજવા માટે કર્યું. વળી, ક્યારેક મને એમ પણ લાગે છે કે મેં પ્રેમને સમજવા માટે કર્યું. આમ જુઓ તો અહિંસા અને પ્રેમ એક જ વસ્તુ છે.’

‘મેં 1997માં અને 2007માં ‘હિંસા’ના વિષય પર બે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે જેમાંની પ્રથમ અંગ્રેજી ફિલ્મ 30 મિનિટની છે અને બીજી હિન્દી ફિલ્મ 2 કલાકની છે. આજે હું અહીંયા આપને પ્રથમ અંગ્રેજી ફિલ્મ બતાવીશ. આ બંને ફિલ્મો વચ્ચેનો ગાળો દસ વર્ષનો છે. આ ગાળાને ધ્યાનમાં રાખતા હિંસાના જુદા જુદા સ્વરૂપો વિશે મેં એક સૂચિ બનાવી છે એની આપને થોડી વાત કરું. 1984ની સાલમાં મને એમ હતું કે હું મોટો અમીર બની જાઉં. એ સમયે વર્ષના અંતભાગમાં કોમી રમખાણો થયા, હજારોની કત્લેઆમ થઈ. મને સવાલ થયો કે સરકાર હિંસાના પક્ષમાં કેવી રીતે હોઈ શકે ? બીજો પ્રશ્ન મને થયો કે મારી પાસે ઊભેલી પોલીસ પણ રક્ષણ કરવાની જગ્યાએ હિંસાના પક્ષમાં કેવી રીતે હોઈ શકે ? પૃથ્થકરણ કરતાં મને સમજાયું કે ટૂંકાગાળામાં લોકોને હિંસાથી પ્રસિદ્ધિ બહુ મળે છે એટલે સમાજમાં હિંસાનું પ્રમાણ ખૂબ વધે છે. ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા કે હિંસા તો સ્વાભાવિક છે ! કેટલાક વળી એમ પણ માને છે કે તે જરૂરી છે. આવા બધા વાદો સમાજમાં ચાલે છે. બીજો એક એવો પણ મત છે કે વ્યાપક હિંસા જરૂરી છે ! એનાથી લાંબાગાળા સુધી શાંતિ રહે છે એવો ખોટો ખ્યાલ પણ સમાજમાં વ્યાપી રહ્યો છે. વળી, મને તો એમ પણ સાંભળવામાં મળ્યું કે જેની પર સતત હિંસા થઈ રહી હોય, જે પીડિત હોય એ પોતાના બચાવ માટે હિંસાનો ઉપયોગ કરે એ જરૂરી છે. જ્યારે હિંસા થાય ત્યારે એવો પણ મત ફેલાતો હોય છે કે ફલાણો ફલાણો પક્ષ જ હિંસા કરે છે અમે નથી કહેતા. કોઈક લોકો તો વળી અમુક સમયને પાગલપનનો ગાળો કહે છે. એટલે એ લોકો એમ માને છે કે સમય એવો આવી જાય એટલે હિંસા થઈ જાય ! જાણે કે આપણા હાથમાં કશું છે જ નહિ !’

‘એકવાર ફરતા ફરતા હું આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો. ત્યાં ચારેબાજુ પર્વતો અને જંગલોનો વિસ્તાર હતો. ત્યાંની નહેરોમાં જે પાણી વહેતું હતું એ પહાડોમાંથી આવતું હતું. ખાસિયત એ હતી કે એ પર્વતોમાં બોક્સાઈટ હતું. એકવાર આદિવાસીઓને ખબર પડી કે આ બધા મોટા પર્વતો સરકારે લીઝ પર મોટી કંપનીઓને વેચી દીધા છે અને સરકારનો હેતુ એલ્યુમિનિયમ મેળવવાનો છે. ત્યાં એક નિધન નામનો આદિવાસી રહેતો હતો. એણે મિત્રો સાથે મળીને વિદ્રોહ કર્યો. કંપનીઓને ઘૂસવા ના દીધી. મેં નિધનને એક સવાલ પૂછ્યો કે હિંદુસ્તાનને બોક્સાઈટની જરૂર છે, એલ્યુમિનિયમ બનાવવાનું છે અને રાષ્ટ્રની પ્રગતિ માટે એ છે. તો તમે આખા દેશની ભલાઈ માટે થઈને ચાર નાના ગામડાં કેમ પકડી રાખો છો ? આટલો વિદ્રોહ શું કામ કરો છો ?
એણે મને પૂછ્યું : ‘આ મારા હાથમાં શું છે ?’
‘ચપ્પુ’ મેં કહ્યું
એણે મને કહ્યું : ‘એનાથી ઘાસ પણ કપાય અને ગળું પણ કપાય. આ બંને ક્રિયાઓ થાય. તમારા સવાલનો જવાબ હું પછી આપીશ પહેલા મને મારા એ સવાલનો જવાબ આપો કે આ ઘાસ કાપવામાં અને ગળું કાપવામાં શું ફરક છે ?’ – તો આ વાતને ધ્યાનમાં રાખીને મારો તમને એ પ્રશ્ન છે કે અહિંસાની બાબતમાં આપણે માનીએ છીએ તો પછી ફક્ત માણસ માણસને મારી નાખે ત્યારે જ એ લાગણી કેમ થાય છે ? માણસ જ્યારે જંગલ ખતમ કરે, પહાડો ખતમ કરે, લોકોના ગુજારાનું સાધન ખતમ કરે, ખેડૂતો આત્મહત્યા કરે ત્યારે કેમ આપણું રુવાડું નથી ફરકતું ? શું તમે કદી વિચાર્યું છે ક નદીઓ વેચાઈ જાય ? પહાડ વેચાઈ જાય ? આ હિંસા આપણને કેમ દેખાતી નથી ? મારી પાસે ગુજરાતના અનેક ફોટોગ્રાફ છે; ક્યારેક બતાવવા કોશિશ કરીશ. એમાં એવા ફોટા છે કે નદીઓમાંથી બોટલ ભરો તો પાણીનો રંગ કાળો…. રાત્રે ટ્રકો ફરે એની પાછળ જઈને જુઓ તો ખ્યાલ આવે કે એ કેમિકલ ક્યાં નાખે છે. વાપી-અંકલેશ્વર બધે આવું ચાલે છે. આ પ્રકારની હિંસા તો આખા ભારતમાં બીજે ક્યાંય નથી. પ્રકૃતિ અને પર્યાવરણને નષ્ટ કરવાની જાણે સ્પર્ધા ચાલી રહી છે. કેવડી મોટી હિંસા ! અને પાછું આપણને એનો પશ્ચાતાપ પણ નથી !’

‘છેલ્લે એક વાત મને કદી નથી સમજાતી તે મારે કહેવી છે. હિંસા આપણે ત્યાં વર્ષોથી છે અને અનેક હિંસાઓ આપણે જોઈ છે. પણ એ હિંસામાં જ્યારે એક પક્ષ સફળ થાય અને એનો વિજય ઉત્સવ ઉજવે – એ તો જરાય સમજાતું નથી. એનો અર્થ શું ? આ બાબતે વિચાર કરવો પડશે. એક ફિલ્મમેકરની દ્રષ્ટિએ મને લાગે છે કે હિંસાને સમજવું હોય તો દર્દને સમજવું પડશે. એ દર્દ હિંસા પછી છૂપાઈ જાય છે; દેખાતું નથી. એ દર્દને શોધવા માટે કેવી આંખો જોઈશે ? એ દર્દ એવું છે કે જેના માટે શબ્દો પણ નથી. એ જ્યારે આપણને મળશે ત્યારે આ હિંસાની વિરુદ્ધની ભાષા આપણને જડશે. નહીં તો, એક પ્રચાર કરવામાં આપણે બીજા પ્રચારની સામગ્રી બનાવતા રહીશું ! તો પ્રસ્તુત છે આ વિષય પર 30 મિનિટની અંગ્રેજી ફિલ્મ; જેનું શીર્ષક છે : A Season Outside.’

બીજી બેઠકના અંતે પ્રોજેક્ટર પર ‘A Season Outside’ ફિલ્મ બતાવવામાં આવી હતી. રાત્રે 8 થી 10 દરમ્યાન વિખ્યાત ગાયક, સ્વરકાર, કવિ, તુલસી-કબીર-વિવેકાનંદ જેવી એક-વ્યક્તિસંગીત નાટિકાના સર્જક શ્રી શેખર સેને સંગીતના સૂરે શ્રોતાઓને ડોલાવ્યા હતા. વિવિધ પ્રકારની ગઝલો, પદ, ભજનો અને ગીતોના મધુર સંગીતથી વાતાવરણ સ્વરે ગૂંજી ઊઠ્યું હતું.

[ત્રીજો દિવસ : અંતિમ બેઠક]

છેલ્લા દિવસની અંતિમ બેઠકનો પ્રારંભ સવારે 9 કલાકે થયો હતો જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વક્તાઓ અને શ્રોતાઓએ ‘સદભાવના પર્વ’ સંબંધિત પોતાના પ્રતિભાવો આપ્યા હતા. શ્રીમતી દક્ષાબેન પટ્ટણી, આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈ, શ્રી ઉત્તમ પરમાર તેમજ સદભાવના ફોરમના સભ્યોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા તેમજ આજના સમયને અનુલક્ષીને આ પ્રકારના પર્વોની જરૂરિયાત અંગે વાત કરી હતી. આભારવિધિ બાબતે શ્રી સંજયભાઈ એ જણાવ્યું હતું કે આપણને સૌને આ પ્રકારના પર્વોની ગરજ છે માટે કોઈનો વ્યક્તિગત આભાર ન માનતા સૌને સાદર વંદન કરું છું.

dsc_0397સમગ્ર પર્વના અંતિમ ચરણમાં પૂ.મોરારિબાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. વાતના અનુસંધાનમાં તેમણે જણાવ્યું હતું કે : ‘કોઈ પણ વ્યક્તિને એની નબળાઈઓ સહિત સ્વીકારવા તૈયાર થશો ત્યારે જ ગતિ કરી શકશો. જીવનમાં કોઈ ભૂલ થાય તો એને તુરંત સ્વીકારવી જોઈએ. ગાંધીજીએ તો કેટલી બધી ભૂલોનો સ્વીકાર કર્યો હતો. મારી અગાઉ બોલેલા ઉત્તમભાઈએ એક સૂચન કર્યું કે બાપુ આજે તમે જુદા પ્લેટફોર્મ પર બોલવા જઈ રહ્યા છો… હું સમજું છું કે ઉત્તમભાઈ કંઈ મને રામકથા છોડવાનું નથી કહેતા; એ તો હું છોડી નહીં શકું પણ હું એટલું સ્પષ્ટ કહેવા ઈચ્છું છું કે હું જે વર્ષોથી કરું છું એનું માધ્યમ રામકથા છે. મારે કરવાનું તો આ જ છે. ભગવાન રામે પણ એ જ કર્યું છે. સૌથી પહેલી પદયાત્રા કોણે કરી ? રામે કરી. દશરથજી પાસે કંઈ નેનો ન હોય, પણ રથ તો હતો જ ! પણ છતાં ભગવાન એમાં બેઠા નહીં. એમને ખ્યાલ હતો કે મારે સમાજની કેટલીયે અહલ્યાના ઉદ્ધાર કરવાના છે, કેટલીય સંમૂઢ ચેતનાનું પ્રાગટ્ય કરવાનું છે. એ વખતે રામને લાગ્યું કે આટલી ટૂંકી યાત્રાથી જો આટલી ક્રાંતિ થઈ શકતી હોય તો મારે એવી કોઈ યોજના કરવી જોઈએ કે જેથી ચૌદ વરસની લાંબી પદયાત્રા કરી શકું અને રાક્ષસો, આદિવાસીઓ બધાને મળી શકું. તેથી, હું જે રામકથાનું માધ્યમ લઈને ફરું છું એ ગાંધીજીના શબ્દોમાં સાધનશુદ્ધ માધ્યમ છે. તેના દ્વારા આ જ કરવાનું છે. બધા પોતપોતાના સ્તરે કામ કરે છે. કદાચ મને એમ લાગે છે કે આપણા બધાનું લક્ષ્ય એક છે. મારું લક્ષ્ય કોઈને કંઠી પહેરાવવાનું નથી. તેથી હું વારંવાર કહું છું કે મારે બધા શ્રોતાઓ છે, શિષ્યો નથી. મેં જેની કંઠી બાંધી છે એટલે કે મારા સદગુરુ પાસેથી હું જે કંઈ શીખ્યો છું એને મારા જીવનમાં ચરિતાર્થ કરી શકું એટલું બસ છે. મારા દાદાએ મને જે વિચારો આપ્યા છે એ વિચારોની માળાનો મેર વિવેક છે. માળા ફેરવતા જેમ મેર આવે એટલે પાછા ફરી જઈએ તેમ વિવેકનું ઉલ્લંઘન ન થાય.’

સત્ય વિશે વાત કરતાં બાપુએ જણાવ્યું હતું કે : ‘મને એ વાતનો આનંદ છે કે સમાજમાં સત્ય બોલનારા ઘણા છે પરંતુ સત્ય સ્વીકારનારા નથી. ઘણા લોકો એવા હોય છે કે જે વ્યક્તિગત સાધનામાં અસત્ય ક્યારેય ન બોલે; પણ તેમનામાં બીજાનું સત્ય સ્વીકારવાની હિંમત હોતી નથી. ત્યાં એમને દ્વેષ અને પૂર્વગ્રહો નડે છે. હકીકતે તો આપણે નાના બાળકમાંથી કોઈ સારી વાત શીખવા મળે તો એ સ્વીકારવાની પણ આપણી તૈયારી હોવી જોઈએ. મારી દીકરીની નાની દીકરીનું નામ શિવાની છે. એણે એકવાર શંકરભગવાનનો ફોટો જોઈને પૂછ્યું કે : ‘મમ્મી, આ કોણ છે ?’
‘એ શંકર ભગવાન છે.’ મારી દીકરીએ જવાબ આપ્યો.
‘તો માણસને બે આંખ હોય, એમને ત્રણ કેમ છે ?’
‘એ તો બેટા, શિવજીને ત્રણ આંખ હોય.’
‘આપણે તો એક આંખે જોઈ શકીએ, બે તો ઘણી છે તો પછી ત્રીજીનું શું કામ ?’ બાળસહજ એણે પૂછ્યું.
‘એ તો મહાદેવ છે ને એટલે એમને ત્રણ આંખ છે.’
‘તો એ ત્રણેય ખોલે ?’
‘ના…ના, બેટા, એ તો ક્યારેક એવું હોય ત્યારે જ ત્રીજી ખોલે.’
‘તો એ ત્રીજી આંખ ખોલે તો શું નીકળે ?’
‘એમાંથી ફાયર નીકળે, દીકરા..’ એને એની ભાષામાં સમજાવ્યું.
ત્યાર પછી જે નાની દીકરીએ કહ્યું એને હું ગુરુમંત્ર માનીશ. એણે એમ કહ્યું : ‘મા, હવે એ ત્રીજી આંખમાંથી ફાયરને બદલે ફ્લાવર ના નીકળે ?’ જીવનમાં જ્યાંથી પ્રેરણા મળી હોય એને ભૂલવું ન જોઈએ. બાપ, એટલે જ દરવાજા ખુલ્લા રાખવા. હું જ્યારથી બોલું છું ત્યારથી કહું છું કે મારી કથા એ કોઈ ધાર્મિક સંમેલન નથી. ભગવાન રામે કર્યું એમ રામકથાનું શુદ્ધ સાધન લઈને હું ચાલી રહ્યો છું. મારા વિચારો સાથે કદાચ કોઈને તકલીફ હોઈ શકે અને બધાના વિચારોમાં હું હા-એ-હા કરું એમ ન પણ બને. એ વખતે હું તમને ન ગમું એવું પણ બને; પરંતુ દરેક હાલતમાં સત્ય સ્વીકારવું રહ્યું. હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી મેં મારા જીવનના દરવાજા ખુલ્લા રાખ્યા છે. વળી, આ તો વૈદિક પરંપરા છે કે દશેય દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. આ સંદર્ભે એક વાત એ પણ કહું કે મારા મુસ્લિમભાઈઓ અહીં ગુરુકૂળમાં આવીને નમાજ પઢે એની મને મુશ્કેલી તો હોય જ નહીં પણ ઉલ્ટાનો મને એનો આનંદ હોય.’

‘વ્યાસપીઠ પરથી ‘હરિબોલ’ સાથે ‘અલીમૌલા..’ની ધૂન બોલાવું તો મુશ્કેલીઓ તો મનેય આવે પણ સદભાવનાથી કદમ ભરવા માટે સાહસ કરવું પડશે. આ ‘સદભાવના’ પર્વમાં સદ બધાનું એક જ છે પણ ભાવના બધાની અલગ અલગ છે. જવાનું છે આપણે ‘સદ’ સુધી. આ એક તપસ્યા છે. એની માટે સાહસ જોઈશે અને સાથે વિવેક જોઈશે. વિવેક વગરનું સાહસ પતનનું કારણ બની શકે. સાહસ અને વિવેક પછી નિર્ભયતા જોઈશે. આલોચનાઓ તો થવાની જ. લોકો મનેય કહેતા હતા કે બાપુ તમે પ્લેનમાં અને સ્ટીમરમાં કથા કરી હવે અગ્નિમાં કરો. મેં એમને જવાબ આપ્યો કે હું ચોવીસેય કલાક અગ્નિ પર જ કથા કરું છું. ટીકા એ અગ્નિ જ છે. લોકમાન્યતા જેવો મોટો અગ્નિ બીજો કોઈ નથી. પછી તો મેં રમૂજમાંય જવાબ આપેલો કે કથાનો નિયમ એવો છે કે મંડપ બીજા બાંધે, તૈયારી બીજા લોકો કરે અને શ્રોતાઓ પહેલા આવે અને પછી વક્તા આવે – તે તમે બધા આવીને ગોઠવાઈ જજો અને તમારામાંથી કોઈ બચશે તો પછી કથા કરીશ ! ઘણી વાર લોકો મને કહે કે અમુક જણ તમારી પાછળ પડી ગયા છે ત્યારે હું રમૂજમાં એનો અર્થ એવો કરું કે એક તો પાછળ છે અને પાછા પડી ગયા છે ! ઊભા ય નથી રહી શકતા ! એટલે હું કહું છું કે જ્યારે કોઈને પણ મારા નિવેદન વિશે કંઈ પણ ગેરસમજ થાય તો મને ફેસ-ટુ-ફેસ, આંખમાં આંખ નાખીને મારી સાથે વાત કરી લેવી.’

‘તો આપણે વાત કરતા હતા – સાહસ, વિવેક અને નિર્ભયતાની. આ બધું જ કરવા માટે સાધનશુદ્ધિ જોઈએ. ગાંધીબાપુનો આ શબ્દ છે. હું તો એથીયે એક ડગલું આગળ વધીને કહીશ કે આપણો હેતુ શુદ્ધ હોવો જોઈએ. ઘણીવાર દુનિયાની દષ્ટિએ આપણું સાધન શુદ્ધ હોય પણ આપણો હેતુ શુદ્ધ નથી હોતો. અમારે અહીં ત્રણ દિવસ ધર્મસંવાદ હતો ત્યારે એક મેગેઝીનમાં છપાયું કે ત્રણ દિવસથી એક કૂતરું મરેલું પડેલું એ કોઈએ જોયું નહીં…. પણ અલ્યા ભાઈ, આ ટીકા કરવા કરતાં મને પહેલે દિવસે કહી દીધું હોત તો હું હાથે ખેંચીને નાખી આવત. અને તમેય જાગૃતિથી માણવા આવ્યા હોય તો તમારુંય એ કર્તવ્ય નહોતું ? શું આ પર્વો સંજયભાઈએ કહ્યું એમ આપણા બધાની ગરજ નથી ? એ કૂતરું જેણે આખો લેખ લખ્યો એણે હટાવી દીધું હોત તો હું એને બોલાવીને સૂતરની આંટી પહેરાવત. પણ આપણે એવું છે કે મરેલા કૂતરાં જ જોવા છે ! એની સામે કેટલું કામ થાય છે એ આપણે જોઈ શકતા નથી. એટલે હું એમ કહેતો હતો કે સાધન શુદ્ધ હોય પણ હેતુ શુદ્ધ ન હોય તો તકલીફ પડે.’

‘હું માનું છું કે આ સદભાવના પર્વ એક દ્રવ્યયજ્ઞ છે. બે પથ્થરો સદીઓથી છૂટા હોય, પણ ભેગા કરો તો સેતુ બને. બે લોઢાના ટુકડા પીગળે, દ્રવિભૂત થાય તો જોડાઈ જાય. તેથી મને એમ લાગે છે કે આ દ્રવ્ય યજ્ઞ થયો છે. અહીં ફાધર છે, મૌલાના છે – બધા ભેગા થયા છે. આપણા હૃદય ચોક્કસ દ્રવ્યા છે. આ પીગળવાનો યજ્ઞ છે. મને લાગે છે કે આ પણ એક તપ છે. બીજી એક વાત હું એ કહીશ કે કોઈ પણ સેવાનું ક્ષેત્ર ભજન વગર સિદ્ધ નહીં થાય. ભજન એટલે પ્રાર્થના. હું માળા લઈને બેસી જવાનું કહેતો નથી. ઉપનિષદોએ કહ્યું કે સ્વધ્યાયમાં પ્રમાદી ન બનો. અહીં બધાએ નિર્ભિક થઈને આરપાર ચર્ચાઓ કરી, તેથી એક અર્થમાં એ એક સ્વધ્યાય થયો. આપ સૌએ આવીને આ ભૂમિને પાવન કરી. આશીર્વાદ તો હું શું આપું ? એ આપવાની મારી શક્તિ નથી. મારી શુભકામના અને પ્રસન્નતા જરૂર વ્યક્ત કરું છું. આ ગુરુકૂળનો આવો સદઉપયોગ થયો એ માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું.’

‘અંતમાં એટલું કહીશ કે અહિંસાનો જન્મ કરુણા વગર નહીં થાય. અહિંસા કરુણાની કૂખે જન્મશે. ધર્મસંકટ આવે તો પણ અસત્યનો આશ્રય ન કરવો. સત્ય સત્ય જ રહેવું જોઈએ. સત્યનો કોઈ વિકલ્પ ન હોય. કરુણાનો પણ એ જ રીતે કોઈ વિકલ્પ ન હોય. અહિંસાનો પણ કોઈ વિકલ્પ ન હોય. પ્રેમ વગર ત્યાગનો જન્મ નહીં થાય, સત્ય વગર કોઈ દિવસ અભયનો જન્મ નહીં થાય. છેલ્લે રાજેન્દ્ર શુક્લની વાત કહી પૂરું કરું….’

વિદાય કોઈને નહીં,
નિષેધ કોઈનો નહીં
હું શુદ્ધ આવકાર છું,
હું સર્વનો સમાસ છું…..

આ ગુરુકૂળ આપ સૌનું છે તેથી હું ખરેખર હૃદયપૂર્વક કહું છું કે વારંવાર અહીં આવતા રહેજો. અને છેલ્લે…

सितारो को आंखो में महेफ़ूझ रखना
बहोत देर तक रात ही रात होगी
मुसाफ़िर हे हम भी, मुसाफिर हो तुमभी
ईसी मोड पर फ़िर मुलाकात होगी.

આ પર્વમાં દરેક વક્તાઓના વક્તવ્ય બાદ ચર્ચાનો અવકાશ રાખવામાં આવ્યો હતો. આ સત્ર સાથે સર્વધર્મ પ્રાર્થના અને મધુર ગીતો પણ માણવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો હતો. કૈલાસ ગુરુકૂળ ખાતેના હૉલમાં જાણીતા ચિત્રકાર શ્રી સવજી છાયા (દ્વારકા)ના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ રીતે સમગ્ર પર્વની મંગલમય વાતાવરણમાં સમાપ્તિ થઈ હતી.

[1] સદભાવના ફોરમના સભ્યો

તુલા-સંજય
સત્યકામ જોષી
ગૌરાંગ દીવેટીઆ
મહંમદ શફી મદની
ફાધર વિલિયમ
ડંકેશ-ભારતી

[2] સદભાવના પર્વની ડી.વી.ડી પ્રાપ્તિ સ્થાન :

સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[3] સદભાવના ફોરમની આગામી પ્રવૃત્તિઓ વિશે જાણવા માટે :

શ્રી ડંકેશભાઈ ઓઝા,
103, ઑમ એવન્યૂ, દિવાળીપુરા, વડોદરા-395007.
ફોન : +91 265 2350138. મોબાઈલ : 9725028274.

[4] સદભાવના પર્વના તમામ ફોટોગ્રાફ નીચે મુજબ છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોશી
સદભાવના પર્વનો સારાંશ (ભાગ-1) – મૃગેશ શાહ Next »   

22 પ્રતિભાવો : સદભાવના પર્વનો સારાંશ (ભાગ-2) – મૃગેશ શાહ

 1. Vikram Bhatt says:

  અન્ય વધુ પ્રચલિત માધ્યમોએ આવા સુંદર પર્વનું વધુ coverage કેમ નહી કર્યુ હોય?
  Atleast ગુજરાતી print mediaએ તો ખાસ લેખમાળા રજૂ કરવા જેવી હતી.
  Mrugeshbhaએ મોડે મોડે પણ સદભાવના પર્વના અહેવાલનું વચન સુપેરે નિભાવ્યુ. અભિનંદન.

 2. Brinda1 says:

  બહુ જ સરસ કવરેજ કર્યુ છે તમે. આવી સભાઓ ઘણા વ્યાપક સ્તર પર થવી જોઈએ,

 3. આભાર સાહેબ…

 4. jasama says:

  shree mrugeshbhai, thank u.tame ghani mehanat kariche ane amne gher betha ganga aapi. jsk.jasama gandhi.usa.

 5. dipak says:

  Thankyou very much Mrugeshbhai.

 6. Nirupam Avashia says:

  Dear Mrugeshbhai,
  Khubj sundar aalekhan. (both part-1&2)
  Congratulation!.

 7. kantibhai kallaiwalla says:

  Will tons of talks and no ounce of action will help us?Public, politicians, preacher, pand priest will walk in one direction togeher, i repeat will walk in one direction, not talk in one direction then prosperity, peace and progress will join with us all seven P otherwise all seven will lead togeher to piece eighth unwanted P

 8. Bharat Atos says:

  આપે બે ભાગમાં થોડા શબ્દોમાં સરસ રીતે આખા કાર્યક્રમને અમને પીરસી અમને પણ તેની અનુભુતી કરાવી.
  ખરેખર આવા સુંદર કાર્યક્રમમાઁ હાજર રહેવું તે એક લ્હાવો કહેવાય.
  અને તમે પરોક્ષ રીતે અમને આ સદભાવનાનો જે લ્હાવો આપ્યો તે માટે આપનો ખુબ ખુબ આભાર.

 9. Veena Dave,USA. says:

  Wow, Thanks Mrugesh.
  Pujya Moraribapu A GREAT SAINT.

 10. Harshad Patel says:

  I read both part one and two. Majority od speakers have menttioned Gandhiji. Mahatama Gandhi taught us, Indians about seven sins in the world:
  Wealth witout work,
  Pleasure without conscience,
  Knowledge without character,
  Commerce without morality,
  Science without humanity,
  Worship without sacrifice,
  Politics without principle.

  We are far off from what Gandhiji taught us.

 11. Kalpana Umarvadia says:

  Thank you Mrugeshbhai! Very nicely done. Agree with Jasamaben! Tame Kharekhar Amne Ghar betha Ganga aapi. it is very much appreciated. Thanks again.

 12. R N Gandhi says:

  મૌલાના વહિઉદીનજી અને ફાધર ઋડોલ્ફ ના પ્રવચનો ખરે જ સુન્દર છે. પરન્તુ મુસ્લીમ અનૅ ખ્રિસ્તિ સમાજને સાચા માર્ગે કોણ વાળી શકશે? મૌલવીઓ અને પાદરીઓ સાથ આપે તો જ શક્ય બને. હીન્દુઓનુ સૌભાગ્ય છે કે સત્યના માર્ગે વાળનાર પુજ્ય મુરારીબાપુ જેવા સન્તોની ફોજ સમાજનુ સતત ધ્યાન રાખે છે.

  રાજકારણીઓ પણ સાથ આપે તો સોનામા સુગન્ધ ભળે. આ ભગીરથ કાર્ય અવતારી પુરુષ જ કરાવી શકે.

  પ્રભુ સૌને સદબુધ્ધી આપે !

 13. bipinShah says:

  Image is so light that it is not possioble to read.

 14. nayan panchal says:

  hats off to you Mrugeshbhai and all the speakers, organizers…

  I am just wondering every year, how many such beautiful events are going completely unnoticed.

  And our media is wasting how much energy, power and paper on useless things.

  ભગવાન સૌને સદબુધ્ધિ આપે.
  આભાર.

  નયન

 15. Kanchanamrut Hingrajia says:

  મૃગેશભાઈ,
  ખૂબ ખૂબ આભાર સદભાવના પર્વની શબ્દો અને ચિત્રો દ્વારા ઝાંખી કરાવવા બદલ.
  અહિં જે કહેવાયુ તે સંપૂર્ણ સત્ય જ છે તેને આપણા પ્રતિભાવ કે બિરદાવલિની જરુર ન હોય.
  ખરાબ શું છે,ક્યાં છે,કોણ આચરે છે,શા માટે આચરે છે,તેનો હલ શું છે તે સમાજના દરેક સમજુ વ્યક્તિ જણે છે.જરુર છે માત્ર દુર્યોધન વૃત્તિમાથી બહાર નિકળી આચરણમાં /અમલમાં મૂકવની.પ્રભુ આપણને સૌને તેવી શક્તિ આપે.

 16. Yusuf Kundawala says:

  Excellent coverage Mrugeshbhai–One comment to Mr RN Ghandhi-It is not only muslim and christian religions but there needs improvement in hindu samaj too !there are fanatics as Hindu sangh and likes of Shiv sena who teach haterates to other religions and we need many more Moraribapus.We need all of us to work together to eliminate this menace of fanaticism–Regs & best wishes–Yusuf

 17. GIRISH BAROT says:

  shri mrugeshbhai,jetlo ABHAR manie atlo ochho j padse,bahu j sunder kam tame karyu chhe. shri R.N.Gandhi ane Bhai Yusuf Kundavala banne emni jagya e sachha chhe,je kai KHARABI chhe te apni POLITICAL SYSTEM ma chhe. Jya sudhi ‘VOTE’ nu politics chalse tya sudhi apae badha khali bolta j rahisu ane badhi j party’s vote ‘LEVA’ mate nava nava ‘tukka’ ladavi ne ,BHANELA ne ABHAN loko ne temni vato thi BHARMAVI ne dhamal karav ta j rahese. Ano ek sahelo ane saro rasto e j ke badha e j VOTING KARVU joi e, compulsary voting pan thai sake.Mani lai e ke darek ‘UMEDVAR’ devil chhe pan je ochha ma ochho devil hoi tene VOTE apvo joi em maru manvu chhe.

 18. nilam doshi says:

  સદભાવના પર્વમાં જઇ આવ્યા જેટલો આનંદ થયો. ઘેર બેઠા ગંગા ..
  આભાર…મોરારીબાપુનું કહેવું સાવ જ સાચું છે. અને તેઓ રામક્થમાં રામની સાથે અલ્લાહને યાદ કરે તો કશું ખોટું નથી. તેમના જેવા સંત આવી કોઇ નવી શરૂઆત કરે તો ઉત્તમ ગણાય. અને દાખલારૂપ બને.

 19. જનક પરીખ્ says:

  મૃગેશભાઈ,

  સદભાવના પર્વમાં મેં ભાગ લીધો હતો, અને ત્યારબાદ તમારું ઝીણવટભરેલું લખાણ વાંચીને મારે કહેવું પડશે કે ભૈ વાહ!

  જનક પરીખ

 20. HIREN BRAHMBHATT says:

  JUST ONE LINE…
  SIMPLY SUPERB SIR…
  HEARTY CONGRATULATION..
  KEEP IT UP….THANKS….
  HIREN BRAHMBHATT.

 21. vipul mehta says:

  if name mentioned in each photo, it can be more knowledgable.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.