- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સદભાવના પર્વનો સારાંશ (ભાગ-1) – મૃગેશ શાહ

[‘સદભાવના પર્વ’નો આ વિશેષ લેખ બે ભાગમાં આપવામાં આવ્યો છે તે ધ્યાનમાં લેશો. સદભાવના ફોરમના સભ્યોની માહિતી, સંપર્કસુત્ર તેમજ આ પર્વના તમામ ફોટોગ્રાફ્સ લેખના અંતે આપવામાં આવ્યા છે. તેમજ આવતીકાલે નવા બે લેખોનું પ્રકાશન કાર્ય બંધ રહેશે તેની નોંધ લેશો. ગુરુવારથી પુન: બે લેખો સાથે ફરી મળીશું – તંત્રી.]

છેલ્લાં થોડાં વર્ષોમાં મહદઅંશે ગુજરાતમાં અને કેટલેક અંશે સમગ્ર ભારતમાં જોવા મળેલા સાંપ્રદાયિક તનાવ અને અસહિષ્ણુતા કોઈ સામાન્ય નાગરિકને પણ ચિંતા ઉપજાવે તેવા હતા. એનાથી બિનસાંપ્રદાયિકતાના ખ્યાલ અંગેના કેટલાક પાયાના પ્રશ્નો પણ ઊભા થયાં. આ માહોલમાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મસંસ્થાઓ પોતાપોતાનું દાયિત્વ યોગ્ય રીતે નિભાવે એ અનિવાર્ય બની રહ્યું. આ સંદર્ભમાં બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા તથા સર્વધર્મસમભાવ જેવા ખ્યાલોની વૈચારિક સફાઈ થાય અને તે આધારિત આનુષંગિક પગલાં લેવાય તે આશયથી આજથી દોઢેક વર્ષ પહેલાં કેટલાક બૌદ્ધિકો અને કર્મશીલોના જૂથે વિચાર-વિમર્શ શરૂ કરેલો.

તેમની આરંભની બેઠકો અને ગયા ઉનાળામાં, કૈલાસ ગુરુકૂળ ખાતે, મહુવામાં ‘વિશ્વગ્રામ’ સાથે આયોજિત ચિંતનશિબિરમાં થયેલી વિચાર ગોષ્ઠિ ખૂબ જ ફળદાયી અને ઉપયોગી રહી. એના નિચોડ રૂપે ‘સદભાવના ફોરમ’ ની રચના થઈ. સદભાવના ફોરમ એક લચીલું ફોરમ છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંવાદ દ્વારા સંવાદિતાનું વાતાવરણ રચવાનો છે. સદભાવના ફોરમ એ જાણે કે સૌનો સહિયારો પુરુષાર્થ છે. આ વિચારો વિશાળ ફલક પર ગોઠવાય અને સમાજના વ્યાપક હિસ્સાને સ્પર્શે એ માટે એક ‘સદભાવના પર્વ’ યોજવાનું નક્કી કરવામાં આવ્યું અને તેના પરિણામે આ ‘સદભાવના પર્વ’ પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં મહુવા ખાતે તા. 25 થી 27 ફેબ્રુઆરી, 2009 દરમ્યાન યોજાયું જેમાં મને પણ ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મળ્યું. આ સંદર્ભે જે જે વક્તાઓ પાસેથી જે કંઈ પણ જાણવા-સમજવા મળ્યું તેનો સારાંશ, વક્તાઓની જ બોલીમાં અહીં રજૂ કરવા પ્રયાસ કરું છું. આશા છે કે અહિંસા, સર્વધર્મ સમભાવ અને પરસ્પર પ્રેમમય વાતાવરણ સર્જવા માટે આ ચિંતન આપણને સૌને ઉપયોગી થઈ રહેશે.

[પ્રથમ દિવસ : પ્રથમ બેઠક]

પ્રથમ દિવસની પહેલી બેઠકની શરૂઆત સવારે નવ વાગ્યે થઈ હતી જેનો પ્રારંભ વિભાબેન અને શ્રી રાસબિહારીભાઈના મંગલગાનથી થયો હતો. આ બેઠકનું સંચાલન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું હતું. ‘ગાંધીની અહિંસા અને ગાંધીની સર્વધર્મ સમભાવનાની વિભાવના’ વિશે પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈએ કહ્યું હતું કે : ‘રેંટિયા બારસ અહિંસા દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખાઈ. આ સત્ય અને અહિંસા વિશે ગાંધીજીએ સ્પષ્ટ કહેલું જ છે કે એ બંને અનાદિકાળથી ચાલ્યા આવે છે. એમાં કોઈ નવી વાત નથી. પરંતુ મને લાગે છે કે ગાંધીની પહેલાં અહિંસા તો હતી પરંતુ એનો અર્થ ‘પેસીવ’ હતો. ગાંધીજીએ અહિંસાનો ‘એક્ટિવ’ અર્થ કર્યો. કોઈને ઈજા ન પહોંચાડવી, દુ:ખ ન આપવું, કતલ ન કરવી – વગેરે અહિંસાના સર્વસામાન્ય અર્થ હતાં; પરંતુ ગાંધીજીએ તેને વ્યાપક કર્યા. એમને લાગ્યું કે અહિંસામાં જબરજસ્ત તાકાત છે જે વ્યક્તિ અને સમાજના પરિવર્તનમાં ઉપયોગી થઈ શકે.’

‘ગાંધી પહેલા અને પછીની અહિંસામાં જો બીજો ફરક જોઈએ તો – અહિંસા એ વ્યક્તિગત ગુણ હતો જેને ગાંધીજીએ સામાજિક મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કર્યો. સત્યાગ્રહ દ્વારા એમણે તે કરી બતાવ્યું. સત્યાગ્રહને તેમણે સત્ય-પ્રેમ-આત્માની શક્તિ કહી. એ સત્યાગ્રહમાં રહેલી અહિંસાની તાકાત + સામાજીક ગુણ = ગાંધીની અહિંસા. ગાંધીજીએ અહિંસાને સક્રિય કરીને મૂલ્યમાં ફેરવી.’

‘આ અહિંસાના ગાંધીજીના જીવનમાં ચાર જુદા-જુદા સ્વરૂપો દેખાય છે. એમણે તો કહ્યું જ છે કે સત્ય શોધતા મને અહિંસા જડી છે. (1) અહિંસાનું એમના જીવનમાં પહેલું સ્વરૂપ એટલે પેલો “ચોરી અને પ્રાયશ્ચિત’નું પ્રકરણ. સોનાના કડાની ચોરી કરે છે પણ કબૂલાત કરવાની હિંમત ચાલતી નથી. બોલવાની હિંમત ગાંધીજીમાં 24 વર્ષ પછી આવી, બાકી તેઓ લખીને કબૂલાત કરતા. પિતાને પત્ર લખીને ધ્રૂજતા હાથે ડરતાં-ડરતાં આપે છે અને પિતા માંદગીને કારણે ધ્રૂજતા હાથે વાંચે છે. એકને ભયને લીધે ધ્રૂજારી છે; બીજાને માંદગીને કારણે તે છે. પિતા વાંચતા વાંચતા રડી પડ્યા પરંતુ એક પણ શબ્દ બોલ્યા નહીં. ચિઠ્ઠી ફાડીને સૂઈ ગયા. આ સમયે ગાંધીજીને અહિંસાનું એક તત્વ લાદ્યું કે એકની વેદના બીજા સુધી વગર શબ્દે પણ પહોંચી શકે છે કારણ કે બંનેમાં આત્મા રહેલો છે. (2) 13 વર્ષની ઉંમરે લગ્ન પછી ‘ધણીપણું’ નામનો પ્રસંગ આવે છે જેમાં તેઓ કસ્તૂરબાને કહેતા કે મને પૂછ્યા વિના બહાર જવાય નહીં. બધા કામ મને પૂછીને જ કરવા. કસ્તૂરબાએ તેમની એક પણ વાતનો પ્રતિવાદ ન કર્યો, દલીલ ન કરી પણ એ સાથે એમણે ગાંધીજીની એક પણ વાત કબૂલ પણ ન કરી. એ જ હતું અહિંસાનું બીજું સ્વરૂપ જેને ગાંધીજીએ ‘સવિનય કાનૂનભંગ’ કહ્યું. (3) ત્રીજો પ્રસંગ પેલો ટ્રેનમાંથી ધક્કો મરાયો તે. ગાડીમાંથી ધક્કો મરાતાં પ્લેટફોર્મ પર પડેલો ગાંધી એક હતો જ્યારે એમાંથી ઊભો થયેલો ગાંધી બીજો હતો. માણસ દ્વિજ થઈ ગયો. જે એમ વિચારીને પરદેશ ગયો હતો કે 105 પાઉન્ડ મારા કુટુંબ માટે વાપરીશ, એને પડતાની સાથે એ વિચાર આવ્યો કે આ મારા જેવું અપમાન બધાનું થતું હશે ? ક્ષણેક માટે એમને થયું કે ફરિયાદ કરું ? પરંતુ થોડું વિચારતા સમજાયું કે બદલો લેવામાં કોઈ અર્થ નથી. એમને પૃથ્થકરણ કરતાં લાગ્યું કે દોષ વ્યક્તિમાં નહીં, વ્યવસ્થામાં છે – આ અહિંસાનું વિરાટ ત્રીજું પગલું. એમને આ પ્રસંગમાં અહિંસાના અનેક પાસાઓ દેખાયા. (4) ચોથો પ્રસંગ એ પેલા વકીલ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા માટે દબાણ કરે છે તે. એ સમયે ગાંધીજીએ છ જણને પત્ર લખ્યા. એ છ વ્યક્તિમાંના એક એટલે શ્રીમદ રાજચંદ્ર. એમણે શ્રીમદ રાજચંદ્રને 27 પ્રશ્નો પૂછ્યા. એ ઘટનામાં ગાંધીજીને ‘અનાસક્તિ’ના સ્વરૂપનું દર્શન થયું. શ્રીમદ રાજચંદ્રે તો સ્પષ્ટ જવાબ આપ્યો કે : “ધર્મનો વિચાર તમારે પોતે જ કરવો જોઈએ. કોઈની સલાહ લઈને ધર્મનો વિચાર ન કરાય. અંતરમાં સૂઝે તે માનજો પરંતુ સ્વીકારતા પહેલા તમારા ધર્મના પુસ્તકો વાંચી લેજો.” એ બધી ઘટનાઓમાં ગાંધીજીને લાગ્યું કે સત્ય જે મને એક સ્વરૂપે દેખાય છે તે બીજાને બીજા સ્વરૂપે પણ દેખાઈ શકે. દર્શનની દષ્ટિએ અહિંસાનો જન્મ આમાંથી થયો.’

‘અગાઉ વાત કરી તેમ ગાંધીજીએ અહિંસાને સામાજિક મૂલ્ય તરીકે પ્રતિષ્ઠિત કર્યું. ગાંધીજીના અગિયાર વ્રત પણ સામાજિક મૂલ્ય હતા, નહિ કે વ્યક્તિગત ગુણ. એમણે હિંદની સમગ્ર પ્રજામાં ચેતનાનો સંચાર કર્યો. આ માટે તેમણે ચળવળની વ્યૂહરચના એવી રાખી કે દર દસ વર્ષે મોટું આંદોલન જેમ કે નમકનો કાયદો, ભારત છોડો આંદોલન… વગેરે. અને બે મોટા આંદોલન વચ્ચે નાના-નાના અનેક આંદોલનો. પરંતુ જોવાની વાત એ છે કે બધા મોટા આંદોલનો નિષ્ફળ અને તમામ નાના આંદોલનો સફળ ! એમણે નાના-નાના ઉદ્દેશોથી આખા દેશને એક તારે જોડ્યો – એવી મોટી એમની સ્ટ્રેટેજી હતી. વળી, દરેક આંદોલન સાથે રચનાત્મક કાર્યક્રમ જેવા કે અસ્પૃશ્યતા નિવારણ, સાક્ષરતા વગેરે.. તો ખરું જ. આ રીતે એમનો સામાજિક મૂલ્ય તરફ વધારે ઝોક હતો.’
છેલ્લે વર્તમાન સંદર્ભમાં અહિંસાની વાત કરતાં શ્રી નારાયણભાઈએ જણાવ્યું હતું કે ‘દુનિયામાં હિંસાથી કામ નથી થતા. હિંસાની નિષ્ફળતા જેટલી પૂરવાર થઈ છે એટલી અહિંસાની સફળતા પૂરવાર થઈ નથી. એ જેટલી થશે એટલી અહિંસા વધુ ચાલશે. આતંકવાદને નિષ્ફળ કરવાનો જવાબ એક જ છે કે આપણે અભયને કેટલું સફળ કરી શકીએ છીએ. ડરતા રહીશું તો આતંકવાદને સફળ કરતાં જઈશું. નિર્ભયતા સિવાય એનો બીજો કોઈ જવાબ ન હોઈ શકે. સરકાર પગલાં લે એ તો સારું, પણ નાગરિક તરીકેની આપણી ફરજ એટલે સામુહિક નિર્ભયતાનું પ્રદર્શન.’

આ પ્રથમ બેઠકના બીજા વક્તા એટલે દાદા ધર્માધિકારીના સુપુત્ર શ્રી ચંદ્રશેખર ધર્માધિકારી. મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રહી ચૂકેલા શ્રી ધર્માધિકારીજીએ વાતની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે : ‘અહિંસા અને સર્વધર્મસમભાવ બંને એક જ છે. સત્ય, ઈશ્વર, નીતિ – એ બધા જ ધર્મોના શાશ્વત મૂલ્યો છે અને એ મૂલ્યો બધે જ સમાન છે. કોઈ ધર્મ એની વિરુદ્ધ નથી. એ શાશ્વત મૂલ્યો સમજવાની જગ્યાએ લોકો કર્મકાંડને વધારે મહત્વ આપે છે જેના વિરોધમાં ગાંધીજીએ ઘણું કામ કર્યું. દુનિયામાં તો જાણે કર્મકાંડ જ ધર્મ બની ગયો ! બધા જ ધર્મોના શાશ્વત મૂલ્યોને જ હું તો અધ્યાત્મ માનું છું. ગાંધીજીએ ધર્માધિકારીઓ, મૌલવીઓ અને પાદરીઓથી ધર્મને મુક્તિ અપાવી કારણ કે એમણે માન્યું કે આ બધા ધર્મોના દલાલો છે. ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે જેમ દલાલ હોય તેમ ઈશ્વર અને ભક્ત વચ્ચેના દલાલ એટલે આ બધા કહેવાતા ધાર્મિક નેતાઓ ! ધર્મના નામે દુનિયામાં જેટલી હિંસા થઈ છે એટલી કદાચ કોઈના નામે નથી થઈ.’

તેમણે વાતનો પ્રવાહ આગળ ચલાવતા કહ્યું કે ‘ખ્રિસ્તી ધર્મ શાંતિની વાત કરે છે પણ દુનિયામાં સૌથી વધારે યુદ્ધો ખ્રિસ્તીઓએ કર્યા. હિન્દુ ધર્મ દેવીપૂજક છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેવીના જૂદા જૂદા સ્વરૂપ પૂજાય છે પરંતુ હિન્દુધર્મમાં જ સ્ત્રીઓ પર સૌથી વધારે અત્યાચાર થયા, બુદ્ધ ધર્મ મૂર્તિ વિરોધી છે પરંતુ દુનિયામાં સૌથી વધારે મૂર્તિઓ બુદ્ધ ભગવાનની બની છે ! જૈનધર્મમાં સાધુ ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરે પણ એ ધર્મના મંદિરો વૈભવશાળી ! ધર્મ જ્યારે આવી વિસંગતીઓથી ચાલે છે ત્યારે સર્વધર્મ સમભાવ સમજાતો નથી. હિન્દુધર્મમાં તો પાછી અનેક જાતિઓ ! ધર્મ શું જાતિમાં પુરાઈ રહેશે ? ડૉ. આંબેડેકરે સરસ કહ્યું હતું કે હિન્દુધર્મ ચાર માળનો ફ્લેટ છે. જે જ્યાં જે જાતિમાં જન્મ લે છે ત્યાં જ અવસાન પામે છે. તે એક માળથી બીજે માળે લટાર મારવા પણ જતો નથી કારણ કે એક માળથી બીજે માળ જવા દાદર જ નથી ! જેમાં જાતિવાદ હોય, અસ્પૃશ્યતા હોય, ઊંચનીંચના ભેદભાવ હોય એમાં એક માણસને બીજા પ્રત્યે આદર રહે ખરો ? અને જો એક જ ધર્મમાં માણસને બીજા પ્રત્યે આદર રહેતો ન હોય તો તો પછી બીજા ધર્મ પ્રત્યે સમભાવની વૃત્તિ કેવી રીતે થઈ શકે ?’

‘હવે તો મંદિર પણ ભગવાનના નામે ઓછા અને વ્યક્તિના નામે વધારે ઓળખાય છે ! હું દિલ્હી ગયો તો મેં રિક્ષાવાળાને કહ્યું કે ભાઈ મને લક્ષ્મી-નારાયણ મંદિર લઈ જા. એ ચોંક્યો ! મને કહે કે તમે કોઈ ગામડેથી આવ્યા છો કે શું ? અહીંયા તો એ નામનું કોઈ મંદિર જ નથી. પછી મેં એને નકશો બતાવ્યો – તો એ કહે કે સાહેબ, ‘બિરલા મંદિર’ એમ સીધું બોલો ને ! કેવું ગજબ છે !! દિલ્હીમાં લક્ષ્મી-નારાયણ પણ બિરલાને નામે ઓળખાય છે. આજે ધર્મ અનેક જાતિ-ઉપજાતિઓમાં અટવાયો છે. ગાંધીજીએ આ જાતિવાદને સમાપ્ત કરવા જ કમર કસી. મેં મારી પર કોઈ જાતિનું લેબલ લગાવ્યું નથી. બ્રાહ્મણ હોવા છતાં જનોઈ નથી લીધી; લગ્ન પણ જાણીજોઈને રજિસ્ટર કર્યા. કોઈ વિધિઓમાં હું નથી પડ્યો. ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું હતું કે લગ્નમાં એક પક્ષ હરિજન નહીં હોય તો હું લગ્નમાં નહીં જઉં અને તેથી એ પોતાના પ્રિય એવા મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈના લગ્નમાં પણ નહોતા ગયા. જાતિ અને સંપ્રદાયોમાંથી ધર્મ બહાર નીકળીને એક નહીં બને તો શું ધર્મ ઉપયોગી રહેશે ખરો ?’

‘ચરખો, ઝાડુ અને સામુદાયિક પ્રાર્થના એ ગાંધીજીના ત્રણ પ્રતિકો છે. એમણે રાષ્ટ્રને ઝંડો-ઝાડુ અને ઝોળી આપ્યા. ઝંડો રાષ્ટ્રપ્રેમનું પ્રતિક અને ઝાડુ જાતિવાદ સમાપ્ત કરવાનું પ્રતિક. ત્રીજું, સામુદાયિક પ્રાર્થના એટલા માટે કે સૌ એકબીજાની ભલાઈ માટે પ્રાર્થના કરે. હિન્દુ મુસલમાન માટે, ગુજરાત મહારાષ્ટ્ર માટે એમ પરસ્પર પ્રેમભાવ સર્જાય. ‘રાષ્ટ્ર’ શબ્દનો અર્થ જ એ છે કે ભૂમિનો એવો ભાગ કે જ્યાં લોકો એકબીજા સાથે રોજ પ્રેમથી જીવવાનો સંકલ્પ કરે. એટલે જ ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાયા, ભારતપિતા નહીં ! ગાંધીજીનું કાર્ય ફક્ત સ્વરાજ્યનું ન હતું, પણ એમનું કામ એક સામાન્ય માણસના મનમાં પરિવર્તનની વિચારધારાને જન્માવવાનું હતું. શરૂઆતમાં તો એમને લાગ્યું કે ઈશ્વર સત્ય છે પણ પછી એમને ચિંતન કરતાં જણાયું કે 33 કરોડ દેવતાઓ હોય તો કંઈ સત્ય 33 કરોડ ન હોય. સત્ય તો એક જ હોય. ત્યારે એમને સમજાયું કે હકીકતે સત્ય જ ઈશ્વર છે અને એ સમયે એમના મનમાં સદભાવનાની વિચારધારાનો જન્મ થયો. ગાંધીજીને મન બધા જ ધર્મો સમાન હતા. ધર્માંતરને એમણે કદી સ્વીકાર્યું નહોતું. અને આ ધર્માંતરની વ્યાખ્યા પણ ગજબ છે ! આપણા ધર્મમાંથી કોઈ બહાર જાય તો આપણે એને ધર્માંતર કહીએ છીએ અને બીજા કોઈ ધર્મમાંથી વ્યક્તિ આપણા ધર્મમાં આવે તો એને આપણે ‘સુધરી ગયા’ એમ કહીએ છીએ. જરાક આપણી માનસિકતા તો જુઓ ! પંચમહાલમાં જૈનોએ સૌથી વધારે ધર્માંતર કરાવ્યા, એમ કહીને કે એ લોકોને અમારો શાકાહાર અને અહિંસા પસંદ આવ્યા. હકીકતે એમ નહોતું. એ બધો ગરીબી અને ખરીદ-વેચાણનો મામલો હતો. ગાંધીજીએ કહ્યું હતું કે સાચા ધર્મની શરૂઆત કરવી હોય તો એક જ જાતિમાં વિવાહ બંધ કરો. જાતિવાદને સમાપ્ત કરો. પણ આપણે એ ક્યાં સ્વીકારવું છે ? એમ થાય તો કેટલાંકની ધર્મના નામે દુકાનો ચાલે છે એ બંધ થઈ જાય; તેથી દલાલો બધાને એક થવા દેતા નથી.’

આતંકવાદ વિશે વાત કરતાં શ્રી ધર્માધિકારીજીએ જણાવ્યું હતું કે : ‘દરેક જણ પોતાના હૃદય પર હાથ મૂકીને વિચારો કે શું આપણા હૃદયના એક ખૂણામાં ધર્મના નામે કટ્ટરતા નથી ? ખલિલ જિબ્રાને સરસ કહ્યું છે કે ઝાડનું કોઈ પણ પાનું તૂટીને નીચે નથી પડતું જ્યાં સુધી સમગ્ર ઝાડની એમાં મુક સંમતિ ન હોય. આપણી મૂક સંમતિ વિના આ દેશમાં એક પણ આતંકવાદ પેદા ન થઈ શકે. શું એમાં આપણો હિસ્સો નથી ? શું આપણે નાને પાયે ઘરના લોકોને આતંકિત નથી કરતાં ? મને પંજાબની એક છોકરીનો કિસ્સો યાદ આવે છે. એના પપ્પા એ છોકરીને કાયમ કહેતા કે તારી મમ્મી તો રસોઈઘરની મહારાણી છે. એક દિવસ એ છોકરીને થયું કે લાવ હું રસોડામાં જઈને જોઉં કે મમ્મી મહારાણી કેવી રીતે છે. ત્યાં જઈને એણે જોયું કે રસોઈઘરના તમામ વાસણો, ચમચી સુદ્ધાં પર એના પિતાનું નામ લખેલું હતું. કોઈ જગ્યાએ મમ્મીનું નામ નહીં. અને તોય એને બધા મહારાણી કહે ? સમાજમાં ‘મહારાણી’ શબ્દ વાપરીને જ ‘ગુલામી’ કરાવવામાં આવતી હોય છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે ધર્મ શું રસોઈઘરના વાસણો પર નામ લખીને રાખશો ? ધર્મની બુનિયાદ શું છે ?’
સમાપનમાં શ્રી ચંદ્રશેખરજીએ કહ્યું હતું કે ‘ધર્મના મૂળ વિશે વિચારો. જ્યાં સુધી એ નહીં વિચારો ત્યાં સુધી ગાંધી સમજાવા મુશ્કેલ છે. જે લોકો ‘લકીરના ફકીર’ હશે એ ગાંધીને નહીં સમજી શકે. પરીક્ષાના દિવસોમાં મંદિરો ઊભરાય એ ધર્મ છે કે પલાયનવાદ છે એ હવે નક્કી તમારે કરવાનું.’

[પ્રથમ દિવસ : બીજી બેઠક]

સાંજની બીજી બેઠકનો વિષય હતો : ‘સદભાવના અને સાહિત્ય’, જેમાં સૌપ્રથમ સાહિત્યકાર અને ઈતિહાસવિદ એવા શ્રી નરોત્તમભાઈ પલાણે પોતાની નવલકથા ‘હૂ હૂ’ વિશે વાત કરી હતી. આ નવલકથાની ભૂમિકા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે : ‘આ નવલકથા લખવાની પ્રેરણા મને સમાજમાં થયેલા કોમી રમખાણોમાંથી મળી. આપણે ત્યાં થોડા વર્ષો અગાઉ હિન્દુ-મુસ્લિમ એવા કોઈ ભેદભાવ હતા જ નહીં. કોઈને નામનો અર્થ પણ ખબર નહોતી. ગામડામાં લોકો ‘અબ્દુલ’ભાઈને અબ્દુલચાચા તરીકે જ ઓળખે. હજુ, આજે પણ ગામડાઓમાં એ સદભાવ છે જ. પરંતુ શહેરમાં આપણે મિડિયાને આધારે શ્વાસ લઈએ છીએ. જાણે કે પેપર-ટી.વી. કહે એ જ સર્વસ્વ ! મિડિયામાં જે બતાવાય છે તે ખરેખરા જીવાતા જીવનમાં એમ હોતું નથી. મેં સંશોધન કર્યું છે કે ગુજરાતમાં કુલ 18,000 વસાહતો છે જેમાંથી ફક્ત 12 એકમોમાં જ કોમી રમખાણો થયા છે. કદાચ થોડા વધારે ગણી લઈએ તોય 18,000માંથી ફક્ત 18 એકમોમાં જ રમખાણો થયા એમ ગણાય. પરંતુ એમાં તો મિડિયા વાતને એવી ચગાવશે કે આખું ગુજરાત ભડકે બળે છે ! અલ્યા ભાઈ, આટલામાં આખું ગુજરાત આવી ગયું ? શહેરોમાં સત્તા અને સ્વાર્થ પ્રધાન છે એટલે ત્યાં જ એ બધું છે. ગામડાઓમાં આંતરિક સંબધો યથાવત રહે છે. દુ:ખ એ વાતનું છે કે આપણે સામાજિક સંવાદની ઘટનાઓ ઉપર ફોકસ નથી કરતા.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે : ‘આ સૌરાષ્ટ્રના દરિયાકિનારે એવા અનેક સદભાવના સ્થાનો જોવા મળશે. કોડિનાર પાસે ‘વેલણ’ કરીને ગામ છે. ત્યાં જો બહારગામનું કોઈ કુટુંબ પીરને ચાદર ચઢાવવા આવે તો ત્યાંનો મુંજાવર એમ કહે છે કે સામે રહેલા માતાજીના મંદિરે નાળિયેર વધેરો તો જ પીરને ચાદર ચઢશે. વળી, માતાજીના મંદિરમાં કોઈ હિન્દુ કુટુંબ શ્રીફળ વધેરવા આવે તો પૂજારી એમ કહેશે કે સામેના પીરને મલિદો ચઢાવો તો જ માતાજી પ્રસન્ન થશે – એવી આ ગામની પ્રથા છે. ગામ સાવ અભણ છે અને મજૂરી કરનારા લોકો વસે છે પણ એમની સમજ તો જુઓ ! હૂ હૂ માં વિખવાદ દૂર કરીને સંવાદ સ્થાપવાની વાત છે. હૂ હૂ એ મૂળમાં સોરઠી શબ્દ છે જેનો અર્થ થાય છે દરિયાઈ તુફાન. દરિયામાં તોફાન આવે તો એના મોજાં ઉછળીને કાંઠાના વિસ્તારો સુધી પહોંચી જાય, લોકોની ખેતી બગાડે, બાગ-બગીચા બગડે. એમ આ કોમી વિખવાદ એ હૂ હૂ જેવો છે જેમાં કોઈ સલામત રહેતું નથી. આ નવલકથાના નાયક રામ અને રાજુ બંને ગિરનારની પરિક્રમમાં નીકળ્યા છે. પરિક્રમમાં બે સ્થળો એવા આવે છે જ્યાં બધાને પ્રેમથી ખિચડી અપાય છે; ભલે ને એ કોઈ પણ કોમજ્ઞાતિના કેમ ન હોય. બંને નાયક ખિચડી ખાઈને ત્યાં રાતવાસો કરે છે. રાજુને નવાઈ લાગે છે કે મંદિરમાં મુસલમાન પણ રાતવાસો કરી શકે ? એને થાય છે કે કાશ એવી એકાદ મસ્જિદ પણ હોય કે મુસલમાન સાથે હિન્દુ પણ રાતવાસો કરી શકે.’

‘જામનગરના એક મંદિરમાં આજે પણ કોઈ મૂર્તિ નથી, ત્યાં કુરાન અને ગીતા સાથે પૂજાય છે – પરંતુ મિડિયાનું ધ્યાન ત્યાં જતું નથી. સમાજ તો હકીકતે સંપથી જ જીવતો હોય છે. સ્વામી પ્રાણનાથ અને નાનકે તો હજ પણ પઢી. હિન્દુ સાધુ હોવા છતાં આજે પણ પ્રણામી સંપ્રદાયનો ચુસ્ત અનુયાયી અવસાન પામે તો એના મોઢામાં ઝમઝમના કૂવાનું પાણી અને જમુનાજીનું જળ – એમ બંને એક સાથે મૂકવામાં આવે છે. બતાવો કોઈ મિડિયાએ આની નોંધ લીધી હોય તો ! સૌરાષ્ટ્રમાં તો વળી ક્યાંય ભેદભાવ નથી. જૂનાગઢમાં મુસલમાનો પણ ચાંલ્લો કરતા. કેટલાક મંદિરોમાં શીતળામાતાની પૂજા કરતાં મુસ્લિમોને મેં જોયા છે. એમને મળો તો એ કહેશે કે આ તો અમારી પરંપરા છે, ભલે ને ધર્મ ગમે તે હોય. જૂનાગઢના નવાબે ગાયો પણ રાખેલી અને એમની એક ગાયને તો પશુમેળામાં એવોર્ડ મળેલો. હું પોતે સૌરાષ્ટ્રનો 1000 કિ.મીનો દરિયાકિનારો પગે ચાલીને ફર્યો છું. મેં અનેક સંવાદોના સુમધુર પ્રસંગો જોયા છે. ક્યાંય કોઈ વિસંવાદિતતા છે જ નહિ. હા, મધ્યકાળમાં શૌચની પ્રથાએ થોડી ગરબડ ઊભી કરી. જે કેવળ સ્વચ્છતા માટે હતું એણે આભડછેટનું વૃક્ષ પેદા કર્યું. સૌરાષ્ટ્રના 800 વર્ષના શાસનકાળ દરમિયાન કટ્ટરતાના માત્ર બે દાખલા નોંધાયા છે; ફક્ત બે. સૌરાષ્ટ્રનો એવો મોટો આધ્યાત્મિક પ્રભાવ છે કે અહીં કટ્ટરતા ચાલતી નથી અને પ્રજા સમરસ થઈને જીવે છે.’

‘મેં તો આવો સમાજ વર્ષોથી જોયો છે. પણ જ્યારે હું અમદાવાદ ગયો ત્યારે સ્તબ્ધ થઈ ગયો. મેં જોયું કે ફલાણા વિસ્તારમાં હિન્દુઓથી ના નીકળાય કારણ કે એ મુસલમાનોનો વિસ્તાર છે અને ફલાણા વિસ્તારમાં મુસલમાનોથી ના નીકળાય કારણ કે તે હિન્દુઓનો વિસ્તાર છે ! આ કેવી વાત ! લોકોએ જાણે ગઢ બનાવ્યા છે ! એટલે જ મેં કહ્યું કે શહેરોમાં આખું ચિત્ર જુદું છે. ગામડાઓમાં તેમ નથી. અને તેમાંય સૌરાષ્ટ્ર તો ભાવનાનો પ્રદેશ છે. કોઈ કહે કે આને ભગવાન મનાય ? તો કહેશે કે હા, ચોક્કસ; એને પણ ભગવાન મનાય. ભગવાન જ પૂજ્ય નહીં, તું પણ પૂજ્ય ! એવી વિશાળ દિલની ભાવનાથી માણસો અહીં જીવે છે. જૂનાગઢમાં જુઓ ગિરનાર દરવાજાથી તળેટી સુધીના રોડ પર એક પણ મુસલમાન દરગાહ નહીં. 400 વર્ષનું નવાબનું શાસન છતાં એ જગ્યા પર માત્ર હિંદુઓ જ અને ગિરનાર દરવાજાથી દાતાર સુધીના રોડ પર મુસલમાનના ધર્મસ્થાનો. ત્યાં હિંદુઓનું એકપણ ધર્મસ્થળ ન મળે. બધા બરાબર સંપીને રહ્યા છે. જૂનાગઢના સિક્કામાં એક બાજુ નવાબ અને બીજી બાજુ નાગર દિવાનના ફોટા. રાજા કહે કે રાજ ભલે મારું છે પણ ચલાવે છે તો આ દિવાનો. બીજી એક વાત મને કદાચ એ પણ લાગે છે કે જેટલો કોમી એખલાસ માટે હિન્દુધર્મના સંતોએ પ્રયત્ન કર્યો છે એટલો અન્ય ધર્મોના માણસો તરફથી થયો નથી. દરેક ધર્મના લોકો ખુમારી ઉતારી સમરસ બનીને જીવે એ જ જીવનનો સંદેશ છે. નવલકથાનો અંત એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. અંતે એટલું જ કહીશ કે આપણે ત્યાં તો હિંદુ મુસલમાન શું – જીવ-શિવના પણ ભેદ નથી. આખરે સમરસતા જ મુખ્ય વસ્તુ છે.’

શ્રી નરોત્તમભાઈના વક્તવ્યબાદ જાણીતા સાહિત્યકાર અને કર્મશીલ સુશ્રી શરીફાબેન વીજળીવાળાએ મંઝુર અહેતેશામની ‘સુખા બર્ગદ’ નવલકથા વિશે વાત કરી હતી. તેમણે વાતનો આરંભ કરતાં કહ્યું હતું કે : ‘મારે નવલકથા વિશે બોલવનું છે પણ એ પહેલા હું થોડી ભૂમિકા બાંધીશ. પલાણદાદાએ આદર્શની દષ્ટિએ સારી લાગે તેવી વાત કરી પરંતુ હું હવે જે વાત કરીશ એ બહુ કડવી લાગે તેવી વાસ્તવની ભૂમિકા પર વાત કરીશ. આપણા રાષ્ટ્રમાં જો તમે હિંદુ બની જાઓ તો પણ સુખી છો, મુસ્લિમ બની જાઓ તો પણ સુખી છો પરંતુ જો તમે માણસ બનવાની વાત કરો તો તમારો ઘાટ ધોબીના કૂતરા જેવો થાય છે. આ નવલકથા મને એટલે જ વધારે ગમે છે કારણ કે એમાં હું પોતાને નિહાળી શકું છું. મેં આજ સુધી કોઈ ધર્મ સ્વીકાર્યો નથી અને પરિણામે સમાજે મને પણ સ્વીકારી નથી. નવલકથાના નાયકની આ જ પીડા છે.’

આ બાબતે વધુ તેમણે જણાવ્યું હતું કે : ‘મુસ્લિમ લોકોની કાયમી મર્યાદા એ છે કે એ લોકો ધર્મને રાજકારણથી છૂટો પાડી શકતા નથી. એમના રાજકારણમાં ધર્મનો સમાવેશ થઈ જાય છે. આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે હિંદુ-મુસ્લિમ બંને કોમ વચ્ચે ધર્મ જુદો છે, પણ સંસ્કૃતિ એક જ છે. બધી સમસ્યાઓનું કારણ એ છે કે આપણે એ ભૂલી ગયા છીએ કે સંસ્કૃતિ બધાની એક છે. ધર્મ તો કોઈ પણ હોઈ શકે. સંસ્કૃતિ હંમેશા ધર્મ કરતાં ચડિયાતી જ હોય. હિંદુ કે મુસ્લિમ હોવું મહત્વનું નથી; હિન્દુસ્તાની હોવું મહત્વનું છે. 1400વર્ષનું બંને પ્રજાનું સહજીવન છે. સમાન રહેણીકરણી, ખાણીપીણી, સંગીત, ભાષા-સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય – બધું જ છે. હિન્દુ મુસ્લીમના બધા જ સ્થાપત્યોનો આપણને ગર્વ છે. એ કળા રાષ્ટ્રની ધરોહર છે. તો પછી આસપાસ આ શું થઈ રહ્યું છે ? કેમ ભૂતકાળની ઘટનાઓ માટે વર્તમાનકાળને સજા કરાઈ રહી છે ? કેમ માણસોને ખાનોમાં વહેંચીને વાત કરાય છે ? આપણે તો લાશોને પણ ધર્મ પ્રમાણે વહેંચતા થઈ ગયા છે. કેમ તમારો અને મારો ધર્મ જોડવાને બદલે તોડવાનું સૌથી મોટું હથિયાર બની ગયો ? દરેકે પોતાની જાતને આ પ્રશ્નો પૂછવા. શું આપણને એક વધારાના મંદિર કે મસ્જિદની જરૂર છે ખરી ? ધર્મ તો અતિ અંગત વસ્તુ છે એને જાહેરમાં કેમ ઉછાળવામાં આવી ? જીવતા માણસની હોળી થાય અને આપણું રુંવાડુંયે ના ફરકે ? ક્યાં સુધી મંદિર અને મસ્જિદને નામે લડીશું ? રાજનેતાઓને તો લડાવવામાં રસ છે. આપણી શ્રદ્ધા અને આસ્થા આટલા તકલાદી કેમ નીકળ્યા ? દુનિયાનો કોઈ ધર્મ હિંસાને પ્રબોધે છે ખરો ? તોય દુનિયામાં એના નામે હિંસા કેમ થઈ ?’

‘મઝહબ કરતાં માભોમનું સ્થાન ઉપર જ હોય, એ વાત સમજવા જે તૈયાર ના હોય એણે દેશ છોડીને જવું. વિચારો અને માન્યતાઓની લડાઈ દલીલોથી લડાય, તલવારો અને બંદૂકોથી નહીં. જરાક તો વિચારો કે રોજગાર, ધંધા ગુમાવી બેસનાર વ્યક્તિ મંદિર કે મસ્જિદમાં જશે ખરો ? કેમ ઈતિહાસમાંથી આપણે કોઈ પાઠ નથી લેતા ? ગાંધીના એક જ અવાજે રમખાણો શાંત થઈ જતા, જ્યારે આજના નેતાઓના ભાષણો આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તેથી આજે સંસ્કૃતિને સમજવાની સાચી જરૂરિયાત છે – આટલી ભૂમિકા સ્વરૂપે વાત પૂરી કરીને હવે નવલકથાની વાત કરું.’

‘સુખા બર્ગદ – લેખક : મંઝુર અહેતેશામ. ભોપાલનો આ લેખક છે અને તેમની આ કૃતિ અતિચર્ચિત છે જે પાક્કા મુસલમાનોની વાત કરે છે. ધર્મ કઈ રીતે સામાજિક સંબંધોમાં ફાટ પડાવે છે એનું આમાં આલેખન છે અને તે સાથે હિંદુ-મુસ્લિમ સમસ્યાને નિર્મમ કહી શકાય તેવા તાટસ્થ્યથી લેખકે આલેખી છે. તે વિભાજન પછીના ભારતની સમસ્યાને આલેખે છે. કૃતિના પાયામાં એક પ્રશ્ન છે કે ધર્મ અને સંસ્કૃતિ એક છે કે જુદા છે ? 1970થી 1980 વચ્ચેના ભારતની આ નવલકથમાં વાત છે. નવલકથાના પાત્ર કથક રશિદા અને તેનો ભાઈ સુહેલની જિંદગીમાં આવતી મુશ્કેલીઓનું અહીં બયાન છે. ઉદારમતવાદીઓને મુસ્લિમ સમાજ સ્વીકારતો નથી અને મુસ્લિમ નામ છે માટે હિન્દુ સમાજ સ્વીકારતો નથી, એની તેમાં વાત છે જે મારી પણ પીડા છે. નાયક પહેલા રાષ્ટ્રવાદી મુસ્લિમ છે અને નવલકથાના અંતે તે કટ્ટરવાદી મુસ્લિમ બને છે. સુહેલ ન તો નમાજ પઢે છે ન તો રોજા રાખે છે. તેનો એક મિત્ર છે જેનું નામ વિજય છે. રશિદાને ભાઈની ચિંતા છે. સમય જતાં તેની સખીઓ બધી પરણી જાય છે અને રશિદા એકલી પડતી જાય છે. તેની આસપાસ જે બાકી રહ્યા છે એ પણ મઝહબી તાલિમ લઈ રહ્યા છે. મુસ્લિમો એકલા કેમ પડ્યા એનું આ પણ એક કારણ છે કે માત્ર મઝહબી તાલિમને જ મહત્વ આપવું. સામાન્ય પ્રવાહ સાથે મુસ્લિમો ભળી ન શક્યા એની પાછળ બે જણનું પાપ છે : એક તો રાજકારણીઓનું અને બીજા મુલ્લા-મૌલવીઓનું. જો એ લોકો ભણે તો ફતવાઓથી ન દોરાય.’

‘રશિદા એકલી રહીને કંટાળે છે; છોકરો શોધે છે પણ એને પાકિસ્તાન લગ્ન નથી કરવા. રેડિયો એનાઉન્સર તરીકે નોકરી સ્વીકારીને એકધારી ઘટમાળમાં જીવન વિતાવે છે. ધીરે ધીરે તે વિજય તરફ ઢળતી જાય છે. આસપાસ ગરીબી અને બેકારી વચ્ચે જીવતા મુસ્લિમોની વાત લેખકે આલેખી છે. સમય જતા બદલાતા જતા ભોપાલનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. રસ્તા પહોળા થતા જાય છે અને મનુષ્યના દિલ સાંકડા થતા જાય છે. આઝાદી પહેલા બધા સંપીને રહેતા હતા અને આઝાદી બાદ એ જ વાતાવરણમાં કોઈકે સહેજ કંઈક રંગ નાખ્યો અને આખું શહેર કોમી તોફાનોમાં પ્રથમ વાર સળગ્યું. શાંતિનો ભંગ આમ પણ નજીવી બાબતે જ થતો હોય છે ! અગસર નામના કોઈક ધાર્મિકનેતા ભાઈ સુહેલના મગજમાં વારંવાર હિંદુ વિરોધી વાતો નાખ્યા કરે છે. સુહેલના પિતાને આ ગમતું નથી. એ કોઈ કોમનો વિરોધ કરવામાં માનતા નથી. આ પિતા વકીલ છે. એ સુહેલને કહે છે કે આ બધા ધર્મના નામે ધંધો કરનારા છે. હું નમાજ ન પઢું કે મસ્જિદ ન જાઉં એની એમને ચિંતા નથી, એમને તો એ વાતની ચિંતા છે કે એમનો એક ઘરાક ઓછો થયો ! બધા જ ધર્મમાં લોકો પોતાના ચેલાઓની સંખ્યા વધારવા જરૂર લાગે એવા ઉપાયો અજમાવી રહ્યા છે. મંદિર-મસ્જિદ શોષણના સાધન છે, એની માટે લડી મરવું એ નરી બેવકૂફી છે – એમ પિતા દીકરા સુહેલને સમજાવે છે. આગળ વાત કરતાં પિતા દીકરાને કહે છે કે મેં ધાર્યું હોત તો હું પાકિસ્તાન જઈ શક્યો હોત પણ મને થયું કે મારે મારા દેશની સંસ્કૃતિ છોડીને શું કામ જવું જોઈએ. અંતે ફરી ફરીને એક જ વાત આવે છે કે સંસ્કૃતિ એ ધર્મથી ઉપરની વસ્તુ છે. એ ઘણી ઊંચી વાત છે. આજે દેશને મિશ્રસંસ્કૃતિ અને મિશ્રભાષાની જરૂર છે. સુહેલ એના પિતાની સંપીને રહેવાની વાત બધાને સમજાવે છે પણ લોકો એનો વિરોધ કરે છે. ધીમે ધીમે સુહેલનું આખું કુટુંબ મુસ્લિમો દ્વારા બહિષ્કૃત થાય છે, પણ એથી કંઈ હિંદુઓ એમને અપનાવતા નથી. કંટાળીને સુહેલ કટ્ટરવાદી થઈ જાય છે. જેનો એ વિરોધ કરતો હતો એવો એ થઈ જાય છે. આખી હિંદુ કોમને અને હિંદુસ્તાનને નફરત કરતો થઈ જાય છે.’

‘અમારો ધર્મ સૌથી ચઢિયાતો અને સૌથી સારો એની લાગણીમાંથી જ નફરતનું ઝેર પેદા થાય છે. સુહેલ વિશિષ્ટ મન:સ્થિતિનો ભોગ બનેલો છે. વારંવાર આ સમુદાયની લાગણી દુભાય છે અને એમાં જ એમનો ડર જન્મેલો છે. થોડાક કડવા અનુભવો એને અંતિમવાદી તરફ દોરી જાય છે. તે હતાશ, નિભ્રાંત બને છે. સુહેલને બાળપણમાં રમતા હતા એ વડલો યાદ આવે છે. બર્ગદ એટલે વડલો. વડલો એ સંસ્કૃતિનું પ્રતિક છે. તે ઊભો ઊભો સુકાઈ ગયો છે. એટલે જ એનું નામ ‘સુખા બર્ગદ.’ લેખકે અહીં સમસ્યાઓ આલેખી છે પણ ઉકેલ નથી આપ્યો. આમ પણ, સર્જક ઉકેલ આપવા બંધાયેલો હોતો નથી. છેવટે એટલું જ કહીશ કે, કરારો કરવાથી કોમી સમસ્યા ઉકલવાની નથી; એ માટે તો ગાંધીજીએ કહ્યું હતું તેમ હૃદય પરિવર્તન એજ એનો એકમાત્ર ઉકેલ છે માટે આપણે સૌ ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધીએ એ જ શુભકામના.’

બરાબર સાંજે છ વાગ્યે પ્રથમ દિવસની તમામ બેઠકો પૂરી થઈ હતી. ત્યારબાદ રાત્રીના 8 થી 10 દરમિયાન કૈલાસ ગુરુકૂળ ખાતે સૌમ્ય જોષી અને વૃંદ (ફેડ ઈન થીયેટર-અમદાવાદ) દ્વારા ‘મહોરાં’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તે પછી ચિત્રકાર શ્રી સવજી છાયાની સુપુત્રીએ કથન નૃત્ય પ્રસ્તુત કર્યું હતું અને કાર્યક્રમના અંત ભાગમાં વિભાબેન અને શ્રી રાસબિહારીભાઈએ સુંદર ભજનો અને મનનીય ગઝલોથી રાત્રી બેઠકને યાદગાર બનાવી હતી.

[બીજો દિવસ : પ્રથમ બેઠક]

બીજા દિવસની પ્રથમ બેઠકનો વિષય હતો : ‘આપણા ધર્મની સુગંધ’ જેમાં વિવિધ ધર્મના વક્તાઓએ સુંદર વક્તવ્યો આપ્યા હતાં. સૌપ્રથમ પૂર્વ સાંસદ, પૂર્વ કુલપતિ અને સર્વોદય કાર્યકર એવા શ્રી રામજી સિંહે ‘હિંદુ ધર્મની સુગંધ’ વિશે વાત કરી હતી.

‘હિન્દુ’ શબ્દ વિશે વાત ની શરૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે : ‘હિન્દુ શબ્દ આવ્યો ક્યાંથી ? વેદોમાં નથી, મુખ્ય ઉપનિષદોમાં નથી, મહાભારતમાં નથી, ગીતામાં તો નથી જ. વાલ્મિકી રામાયણમાં એવો શબ્દ દેખાતો નથી અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એવો કોઈ શબ્દ મનુસ્મૃતિમાં પણ નથી. તો પછી આ ‘હિંદુ ધર્મ’ કેવી રીતે થયો ? આ કોઈ ઐતિહાસિક શબ્દ નથી. વિશ્વકોશોમાં પણ નથી. પરંતુ કહેવાય છે કે સપ્તસિંધુથી આ શબ્દ આવ્યો છે. ‘સ’ શબ્દનો ઉચ્ચાર બરાબર નહોતા કરી શકાતો એટલે એનો ‘હ’ થયો એમ કહેવાય છે. સાચું શું છે એ હું કહી શકું તેમ નથી. વૈદિક વાંગ્મય પ્રમાણે મને લાગે છે કે આ શબ્દ જાતિ અને ભૂગોળ સૂચક છે પણ તે ધર્મ સૂચક નથી. કોઈક વળી તેને ક્યારેક આર્યધર્મ કે બ્રાહ્મણધર્મ પણ કહે છે પરંતુ મને જે સૌથી યોગ્ય અને એકદમ બરાબર લાગે છે તે છે ‘સનાતન ધર્મ’. ગાંધીજીએ કહ્યું હતું કે હું સનાતની હિંદુ છું અને મારે માટે ધર્મ એક બાળકને હોય તેમ માતાની છાતી સમાન છે જે છોડી નથી શકાતો. તો ‘સનાતન ધર્મ’ એ શબ્દ હિંદુધર્મ કરતાં વધારે યોગ્ય લાગે છે.’

‘ભારતીય સંસ્કૃતિ સમાનતામાં માને છે. “પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન”ની જન્મ શતાબ્દી વખતે 1993માં મારે એક જૈન સમાજના પ્રતિનિધિ તરીકે જવાનું થયું ત્યારે બી.બી.સી.ના એક કોરસ્પોન્ડન્ટે મારી સાથે વાર્તાલાપ કર્યો. એમને એ જાણીને નવાઈ લાગી કે હું જૈન નથી પણ અહીં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું. એમને આશ્ચર્ય થયું કે તમે જૈન નથી તો પણ એ ધર્મનું પ્રતિનિધિત્વ કરો છો ? ત્યારે મેં કહ્યું કે એ જ ભારતીય સંસ્કૃતિ છે. સમાનતા એ જ સંસ્કૃતિની મુખ્ય વસ્તુ છે. ‘એકમ સદ વિપ્રા બહુધા વદન્તિ’ આખરે તો સત્ય પણ એક જ છે ને ! ધર્મના ત્રણ અંગ હોય છે : દર્શન, આખ્યાન અને ત્રીજું કર્મકાંડ. દરેક ધર્મના કર્મકાંડ અને આખ્યાન જુદા-જુદા હોઈ શકે પણ સારાંશ તો એક જ હોય છે. જીવનનો ‘આનંદ’ એ હિન્દુ ધર્મનું મૂળ છે.’

‘ટફલરે કહ્યું છે કે દુનિયાની આધુનિક સભ્યતાના ત્રણ ચિન્હ છે : વેલ્થ, પાવર અને નોલેજ (કોરી માહિતી, જ્ઞાન નહીં). આજની સભ્યતાની આ ત્રણેય મુખ્ય બાબત છે. એટલે જ નચિકેતાને યમે જ્યારે પ્રલોભનો આપ્યા ત્યારે આ વેલ્થ અને પાવરની લાલચ પણ આપી. પરંતુ નચિકેતાને તો મૃત્યુનું રહસ્ય જ જાણવું હતું. યમરાજાએ ફરી પ્રલોભનો આપ્યા કે જે માણસ માટે દુર્લભ હોય એ બધું તું લઈ લે… અને એ વાત કરતાં કરતાં યમે ‘Pleasure’ અને ‘Happiness’ નું અંતર બતાવ્યું. આજે આપણે બધા ‘Pleasure’ માટે પરેશાન છીએ, પણ ‘Happiness’ તરફ કોઈનું ધ્યાન નથી. ધર્મની ખોજ એ આનંદની ખોજ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે ન્યુયોર્ક શહેરમાં દર 27 માણસે 1 માણસ ક્યાંક તો પાગલખાને છે અથવા મનોચિકિત્સકની સારવાર લઈ રહ્યા છે. ધર્મનો અંતિમ ઉદ્દેશ શું છે એ સમજવું રહ્યું. આનંદ નહીં હોય તો ભૌતિક સંપત્તિનો શું અર્થ ? ઉપનિષદ કહે છે કે વ્યક્તિ જેટલો વ્યાપક થશે એટલો આનંદ વધશે. ત્યાં ‘ભૂમા’ શબ્દ વપરાયો છે. આપણને અલ્પમાં આનંદ નથી. આપણને વિશાળતા જ કબૂલ છે. ધર્મ સંકિર્ણતા માટે નથી. જ્યાં સંકોચ હોય ત્યાં ધર્મ સંકોચાઈ જાય છે. તમામ ધર્મોના લોકોને ભારતમાં આશ્રય મળે એ વિશાળતાપણું છે.’

પોતાનો અનુભવ વર્ણવતા શ્રી રામજી સિંહે જણાવ્યું હતું કે : ‘એકવાર ભણાવતાં મેં કહ્યું હતું કે હિન્દુ ધર્મ એ ધર્મ નથી પણ એક વિચારધારા છે. ધર્મમાં તો નિયમ પ્રમાણે એક જ દેવી-દેવતા હોય પણ અહીં હિન્દુ ધર્મમાં તો આસ્તિક પણ હિંદુ અને નાસ્તિક પણ હિંદુ. ધર્મમાં ‘One central book of reference’ હોય પરંતુ અહીં તો વેદ ના આવડે તો ઉપનિષદથીયે કામ ચાલે. એ ન ફાવે તો રામાયણ થી ચાલે. એ પણ ન આવડે તો એકલા હનુમાન ચાલીસા પણ ચાલી જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે સંકિર્ણ અર્થમાં હિંદુ ધર્મ ધર્મ નથી. એનો ફેલાવો એટલો બધો છે કે જે રસ્તે જવું હોય એ રસ્તે જઈ શકાય પરંતુ શરત એક છે : આધ્યાત્મિકતા. આ ધર્મનું આ મુખ્ય તત્વ છે. એને સમજાવવું અઘરું છે. નૈતિક અને શાશ્વત વ્યવસ્થાનું સંબોધન એટલે આધ્યાત્મિકતા. શ્રી અરવિંદે કહ્યું હતું કે કર્મકાંડ અને આખ્યાનની એક સીમા છે, પણ ધર્મનો આધાર છે આધ્યાત્મિકતા. એ આધ્યાત્મિકતા શબ્દોથી નથી જણાતી. ‘ન તત્ર ચક્ષુ ગતિ: ન વાક ગચ્છતિ…’ એ શબ્દોના માધ્યમથી સમજવું કઠિન છે. હિન્દુ ધર્મનો આધાર છે આધ્યાત્મિકતા.’

‘ધર્મના નામે બહુ સારા કામોય થયા છે અને ખોટા કામોય થયા છે. કેટલાક લોકોને ધર્મના નામે મારવામાં આવ્યા, સળગાવવામાં આવ્યાં. અહીં પણ અને વિદેશમાં પણ. તેથી લોકો કહે છે કે ધર્મને જ દફનાવી દો ! પણ વાત એમ નથી. શ્રી અરવિંદે એમ નથી કહ્યું કે ધર્મની જરૂરત નથી, એમણે એમ કહ્યું કે ધર્મની એક મર્યાદા ચોક્કસ હોય છે. એમણે intuition ની વાત કરી છે. ભારતીય હિન્દુ ધર્મની એ જ સાચી વાત છે કે જ્ઞાનના સાધનો તો અનેક છે પ્રત્યક્ષ, અનુમાન, પ્રમાણ વગેરે…. પણ એક જ્ઞાન છે : ‘ઈન્ટ્યુશન.’ વિજ્ઞાનમાં પણ ઑબ્ઝર્વેશન પછી હાઈપોથિસિસ આવે છે અને એ જ ઈન્ટ્યુશન છે. એટલે આ ઈન્ટ્યુશન વિજ્ઞાનનું વિરોધી નથી, ધર્મનું વિરોધી નથી પરંતુ કદાચ ધર્મની ઉપરનું તત્વ છે. એટલે આ ઈન્ટ્યુશન પણ હિન્દુ ધર્મનો એક આધાર છે. અરવિંદ જેને સુપરમાઈન્ટ કહે છે… માઈન્ડથી યે ઉપર એ શું છે ? એ આ જ ઈન્ટ્યુશન છે. બીજી એક વાત કરું તો મનુએ ધર્મની શું પરિભાષા કરી ? નૈતિકતા, ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઈન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્ય અને અક્રોધ. આ બધા લક્ષણોમાં કોઈ ધર્મનાને કોઈ વાંધો ન હોઈ શકે. આખરે બધા ધર્મો આ જ ઈચ્છે છે. એને ગાંધીજીએ નીતિ ધર્મ કહ્યો. ગાંધીજીના એકાદશ વ્રત એ જ છે. બાઈબલના ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ એ જ છે. મુસ્લિમોના શાસ્ત્રોમાં પણ એ જ વાત છે. આધ્યાત્મિકતા અને નૈતિકતામાં કોઈ ધર્મનો વિરોધ છે જ નહિ અને ધર્મનો એ જ પાયો છે. જેને જે રૂચિ હોય તે ભક્તિ, જ્ઞાન, કર્મ પ્રમાણે માર્ગ પસંદ કરી શકે. ગમે તે રસ્તે ત્યાં પહોંચી શકાય.’

‘તમને કદાચ કોઈ કહેશે કે હિંદુ ધર્મમાં આધ્યાત્મિક ઊંચાઈ તો ઘણી છે પરંતુ ‘સોશિયલ ઍન્જિનિયરિંગ’ બહુ ખરાબ છે. એનું કારણ એ કે આ ધર્મમાં અનેક 5500 જેટલી જાતિ-ઉપજાતિઓ છે. હકીકતે જાતિવાદ હિન્દુશાસ્ત્રો વિરોધી છે. વેદ અને ગીતા જુઓ તો ખ્યાલ આવે. ગીતા કહે છે : ‘ગુણ-કર્મ’ વિભાગે આ જુદી જુદી જાતિઓ છે, એ કંઈ જન્મથી જાતિવાદની વાત નથી. વર્ણાશ્રમનો ખરો અર્થ જ એ છે કે જેને જે રૂચિ હોય તે પ્રમાણે કામ કરી શકે. મને ભણાવવાનું ગમે તો એ મારો ધર્મ, પણ એથી કંઈ હું વેપાર ન કરી શકું તો હું અધાર્મિક થઈ ગયો એમ વાત નથી. ભગવાન મનુએ જાતિ વિશે કોઈ બાબતો કહી હોય તો એના પર પુન:વિચાર થવો જોઈએ અને એમાંથી આગળ નવું દર્શન થતું રહેવું જોઈએ. એટલે જ ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદ કરી. એક ગતિમાન, ગતિશીલ આત્મશોધક ધારા છે એ હિન્દુત્વની ગંગા છે. આશ્રમવ્યવસ્થા પણ બહુ વૈજ્ઞાનિક છે; ઊંડાણથી સમજીએ તો ખ્યાલ આવે.’

‘આપણે ત્યાં બીજી કે વાત એ છે કે ‘કામ’ને પણ ખોટો નથી માનવામાં આવ્યો. કામસૂત્રની રચના ઋષિ કરી શકે છે અને એની જરૂરિયાત પણ છે. વીણાના તારને એટલા જોરથી ન બાંધો કે તૂટી જાય અને એટલા ઢીલાય ન રાખો કે સંગીત જ ન વાગે ! – કામનો સ્વીકાર આપણે ત્યાં આ રીતે થયો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની એકદમ પ્રેક્ટિકલ હિન્દુ વિચારધારા છે. ધર્મ એટલે ડ્યુટી. વેદવ્યાસ ભગવાને બે હાથ ઊંચા કરીને એમ જ કહ્યું. એ કોઈ સંકુચિત વાત નથી. ‘અર્થ’ એટલે પૈસો ખોટો નથી કારણ કે ધર્મયુક્ત અર્થોપાર્જન યોગ્ય મનાયું છે. રાજનીતિમાં પણ ધર્મની આવશ્યકતા છે. ધર્મ વિના અર્થ વિનાશકારી છે, ધર્મ વિના વિદ્યા રાક્ષસી છે, ધર્મ વિના બધું જ ખતમ છે. અને છેલ્લે આ ધર્મ પોતાની મુક્તિની વાત નથી કરતો – એ તો પ્રહલાદની જેમ સમગ્ર પ્રજાને ઈશ્વરના દરબારમાં લઈ જવા ઈચ્છે છે. મોક્ષ ખરો, પણ પોતાનો નહીં; સમગ્ર પ્રજાનો. સમાજ દુ:ખોમાંથી મુક્ત થાય એ વિચારધારા હિન્દુ ધર્મનું એવરેસ્ટ છે. બસ, એટલું જ કહીશ કે… આ ત્યાગ જ ખરો ધર્મ છે.’

[ વધુ આગળ વાંચો : ભાગ-2 સદભાવના પર્વ [1] ]