અવનવું – સંકલિત

[1] નાણાં મંત્રાલયની અનોખી સ્પર્ધા – મુંબઈ સમાચાર

દુનિયાના અનેક દેશના ચલણી નાણાંનાં ચિહ્ન છે. અમેરિકાનો ડોલર, જાપાનનો યેન, બ્રિટનનો પાઉન્ડ જેવા વજનદાર ચલણનાં પોતીકાં ચિહ્ન છે. આ ચિહ્ન જોઈને સંબંધિત દેશની મુદ્રા નજર સમક્ષ તરવરે છે. હવે વૈશ્વિક સ્તરે રૂપિયાની આગવી ઓળખ આપવા સરકારે રૂપિયાનું ચિહ્ન સૂચવવાની અનોખી સ્પર્ધાની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં વ્યાવસાયિક કલાકારો અને નાગરિકોને આ માટે ઈજન આપવામાં આવ્યું છે. આગામી 15 એપ્રિલ, 2009 સુધી સ્પર્ધાનું પ્રવેશપત્ર મોકલવાનું રહેશે. વૈશ્વિક સ્તરે ચલણ એ દેશનું માન લેખવામાં આવે છે. કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિની જાણકારી તેના ચલણના વિનિમય દર પરથી મેળવી શકાય છે. નવું ચિહ્ન દાખલ કરવામાં આવે તો દેશની ઓળખ મેળવી શકાય છે.

આ માટે જ નાણાં મંત્રાલય દ્વારા રૂપિયા માટે ચિહ્ન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ ચિહ્ન પર દેશની ઐતિહાસિક પરંપરા અને સાંસ્કૃતિક વારસો પ્રતિબિંબિત થવો જોઈએ. આ ઉપરાંત તે સર્વસ્વીકૃત હોવું જોઈએ. આ ચિહ્ન શ્વેતશ્યામ ડિઝાઈન A4 સાઈઝના પેપર પર મોકલવાની રહેશે. આ ઉપરાંત ડિઝાઈનની સંકલ્પના જણાવવાની રહેશે. વ્યક્તિગત અથવા જૂથને આ માટેના પ્રવેશપત્ર મોકલવામાં આવશે. પસંદ કરવામાં આવેલા ચિહ્નની માલિકી કેન્દ્ર સરકારની રહેશે. ડિઝાઈનર તેના પર હકદાવો કરી શકશે નહીં. પ્રવેશપત્રની ચકાસણી દેશની જાણીતી આર્ટ યુનિવર્સિટીના સાત પરીક્ષક, કેન્દ્ર સરકારના બે સભ્ય અને રિઝર્વ બેન્કના બે સભ્યની બનેલી સમિતિ કરશે. છેલ્લા દોરમાં પાંચ પ્રવેશપત્રની વિચારણા કરાશે. એમાં પસંદ કરવામાં આવેલા દરેકને રૂ. 25,000નું ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં વિજેતાને રૂ. 2,50,000 નું ઈનામ એનાયત કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ પ્રવેશપત્રની સાથે રૂ. 500નો બૅન્ક ડ્રાફ્ટ ‘પે ઍન્ડ એકાઉન્ટ્સ ઑફિસર’, નાણા મંત્રાલય, નોર્થ બ્લોક, નવી દિલ્હી નામે કઢાવવાનો રહેશે. પ્રવેશપત્ર અંડર સેક્રેટરી (ચલણ) નાણાં મંત્રાલય, નોર્થ બ્લોક, નવી દિલ્હી ખાતે 15 એપ્રિલ, 2009 સુધીમાં મોકલવાનું રહેશે. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે નાણાં મંત્રાલય દ્વારા મુકવામાં આવેલી આ PDF ફાઈલ વાંચો :  http://finmin.nic.in/the_ministry/dept_eco_affairs/currency_coinage/Comp_Design.pdf
.

[2] ગરીબોને મફત મોબાઈલ – મન્નુ શેખચલ્લી (હાસ્ય, ‘ગુજરાત સમાચાર’માંથી સાભાર.)

તાજેતરમાં ચૂંટણી પ્રચારમાં એક પક્ષે એવી જાહેરાત કરી કે અમે સત્તામાં આવીશું તો ગરીબીની રેખા નીચે જીવતા લોકોને મફત મોબાઈલ આપીશું ! પણ જો ખરેખર એ રીતે ગરીબોને મફત મોબાઈલ આપવામાં આવે તો શું હાલત થાય એના બે પ્રસંગો જોઈએ. પહેલાં મોબાઈલનો પ્રસંગ અને પછી એસ.એમ.એસનો પ્રસંગ…

દ્રશ્ય : 1

શેઠાણીબા સવાર સવારનાં ઘરનાં મંદિરીયા સામે બેસી પૂજા કરતાં હશે ત્યાં મોબાઈલમાં ભિખારીનો ફોન આવશે : ‘આ ગરીબ ભિખારીને કંઈ આપજો બાઆઆઆ….’
શેઠાણી ચિડાશે : ‘મૂઆ ! શરમ નથી આવતી ? સરકારે મફતમાં મોબાઈલ આપ્યો છે, એટલે એનાથી ભીખ માગે છે ?’
ભિખારી કહેશે : ‘શું કરું બા ? તમે ચોથા માળે રહો છો, અને હું લંગડો છું ! દાદરા ચડાય એવું નથી એટલે મોબાઈલથી ભીખ માગું છું ! એ….. કંઈ આલજો બાઆઆઆ…

દ્રશ્ય : 2

બીજાં શેઠાણી તો ગ્રાઉન્ડ ફ્લોરના બંગલામાં રહેતાં હશે. એમને ભિખારીનો ‘લાઈવ’ અવાજ સંભળાશે : ‘આ ગરીબ ભિખારીને કંઈ આલજો બા….’ શેઠાણી પેલા ભિખારીને બોલાવીને કહેશે : ‘લે, આ સાંજની રોટલીઓ અને શાક વધ્યું છે.’
ભિખારી કહેશે : ‘બા, પેટ તો ભરેલું છે !’
‘તો ભીખ શેની માગે છે ?’
‘ટૉકટાઈમની…!!’ ભિખારી શરૂ થઈ જશે, ‘એ થોડા ટૉકટાઈમનું રિ-ચાર્જ કરી આલજો બાઆઆ…..’

દ્રશ્ય : 3

ગામડાના એક ગરીબ ઘરડા કાકા એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં લાકડી લઈને રસ્તે જતા હશે. કોઈ પૂછશે : ‘કાકા, ક્યાં ચાલ્યા ?’
કાકા કહેશે : ‘આ રામપરા ગામે મોબાઈલ કરવા.’
‘રામપરા તો હજી 10 કિ.મી. દૂર છે અને મોબાઈલ તો તમારા હાથમાં છે !’
‘હા, પણ અમારા ગામમાં ટાવર ક્યાં પકડાય છે ?’
‘તો ઠીક, પણ વાત કોની જોડે કરવાની છે ?’
‘તારી કાકી જોડે ! મફતમાં મોબાઈલ મલ્યા છે તો વાપરીએ ને ?’
‘એ ખરું. પણ કાકી ક્યાં છે ?’
અડધો કિલોમીટર પાછળ ધીમે ધીમે ચાલતાં ડોશી તરફ આંગળી ચીંધીને કાકા કહેશે : ‘જો.. એ આવે તારી કાકી !’

ગરીબોને મોબાઈલ અપાશે તો એના પર કેવા એસ.એમ.એસ આવશે એની પણ કલ્પના કરવી રહી ! પ્રસ્તુત છે કેટલાક અવનવા એસ.એમ.એસ….!!

[1] મહત્વની સૂચના : રેશની દુકાને આજે પણ અનાજ આવ્યું નથી ! ધક્કો ખાશો નહિ,….

[2] ધ્યાન આપો : કેરોસીનની લાઈનમાં ડબલાં મુકવાનો સમય માત્ર 9 થી 10 છે. 10 વાગ્યા પછી મૂકેલું ડબલું ફેંકી દેવામાં આવશે !

[3] 36 કરોડ ગરીબો માટે શુભસમાચાર : શેવરોલેટ કારના ભાવમાં 15 ટકાનો ઘટાડો !

[4] ‘કવીઝ ટાઈમ’ જવાબ આપો, 10 રૂપિયાનું રિ-ચાર્જ સારું કે કાલનો વાસી રોટલો ? હમણાં જ એસ.એમ.એસ કરો અને જીતો 1 રસગુલ્લું !

[5] શું આપ આજે પણ ભૂખ્યા રહ્યા ? ચિંતા ન કરો. સળંગ સાત ટંક ભૂખ્યા રહેનારને મળશે 100 ગ્રામ પચનૉલ !… ખાધેલું પચાવે, ભૂખ જગાડે…

[6] અમુક ખાનગી એસ.એમ.એસ પણ ફરતા થઈ જશે. જેમ કે : ‘દોડો…દોડો….દોડો… જગન્નાથ મંદિરે ભિખારીઓને ઘીના લાડવા મફત વહેંચાય છે…!’ તરત બીજો મેસેજ આવશે : ‘અફવાઓ ફેલાવવી એ ગુનો છે – જગન્નાથ મંદિર.’

[7] વધુ એક ખાનગી મેસેજ : ‘ભિખારીઓ ધ્યાન આપે…. આ મહિનાનો પોલીસનો હપ્તો ના ભર્યો હોય તે તાત્કાલિક ભરી જાય !’

[8] અને છેલ્લે, રોજ એમાં પરચૂરણના ભાવ આવતા હશે : ‘પરચૂરણ સમાચાર…. અધિક માસમાં મંદી ! ભિખારીઓ પાસે ચિલ્લરનો ભરાવો થઈ જતાં પરચૂરણના ભાવ સાવ તળિયે…’
.

[3] પ્રેરણા – ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (‘મધુરમ’) (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત કવિ શેલીના પત્ની મેરી શેલીએ એક વાર એક વાર્તા લખી હતી. એનું નામ હતું ફ્રેન્કેન્સ્ટાઈન. એ એક જ વાર્તા તેણે લખી હતી. એના સર્જન પાછળ એક રસપ્રદ કિસ્સો રહેલો છે. એક વાર મેરી અને એના પતિ કવિ શેલી વચ્ચે ચડભડ થઈ. મેરીએ કહેલું : ‘કવિતા લખવી એમાં શું ?’ એ તો સરળ કામ પણ એવું કંઈક થ્રિલીંગ લખો તો મોટું કામ કર્યું ગણાય. હું તો જુઓ એવું કંઈક સર્જન કરી શકું છું.’ એ પછી એણે એ મીઠા ઝઘડાના વિવાદ પછી જે કલાકૃતિ લખી તે ફ્રેન્કેન્સ્ટાઈન કલાકૃતિ વિશ્વની સૌપ્રથમ વિજ્ઞાનકથા ગણાય છે.
.

[4] ઈશ્વરની એલચી કચેરી – ફોટો સ્ટોરી : ઝવેરીલાલ મહેતા (‘ગુજરાત સમાચાર’ માંથી સાભાર.)

photostoryઆપણી પૃથ્વી પર ઉપરવાળાએ, સંખ્યાબંધ સ્થળોએ નામ કે સંસ્થાના બોર્ડ લગાડ્યા વગર એલચી કચેરીઓ ખોલી છે. આ એમ્બેસેડરો કોણ છે એની માહિતી ભગવાને ખાનગી રાખી છે. અને હા, કેટલાક લોકો એવા દાનેશ્વરી છે કે એમને ‘કીર્તિકેરા કોટડા’ બાંધીને ઠેર ઠેર એમના નામની તખ્તીઓ કોતરાવીને ફીટ કરી દીધી છે. દા..ત, સ્મશાનમાં, બગીચાઓમાં યા જાહેર સ્થળોએ મૂકાતા બાંકડાઓમાં આ દાનેશ્વરીઓના નામો મોટા અક્ષરે લખેલા જોવા મળે છે. મંદિરોની દિવાલો તો ધાર્મિક દાતાઓના નામ અને દાન દ્વારા આરસથી લીંપાયેલી ભરચક ભીડ એવી હોય છે કે કોઈ એને વાંચવાની તકલીફ લેતા નથી. ઝવેરચંદ મેઘાણીએ કાઠિયાવાડને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ ગાઈને હૃદયના વધામણા કર્યા છે એટલા માટે કે કાઠિયાવાડ ભલે વાયા વીરમગામ કહેવાતું પરંતુ ભૂખ્યાને રોટલો આપવામાં ભામાશા જેવું ઉદાર રહ્યું છે.

વીરપુરમાં જય જલારામ… સ્વામિનારાયણના તમામ મંદિરો, ચકુડિયા મહાદેવ, બાપા સીતારામ તથા ખાસ તો 1985ની સાલથી શરૂ થયેલા કોઠારીયા ગામના વજાભગતનું રામરોટી અન્નક્ષેત્ર…… આ તમામથી જરા જુદી તરાહનું છે. અહીં મંદિર નથી પણ 986 ગીર ઓલાદની રાતી ગાયોની જાળવણી કરીને 4000 આસપાસના ગામડાઓમાં દૂધ અને છાશ આપે છે. વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર વગેરે ગામોમાં નિરાધાર ભૂખ્યા ગરીબ માનવીઓના મોઢા સુધી રોટલા પહોંચાડે છે. રોજે રોજ 27મણ બાજરીનો લોટ 26 સળગતા ચુલાઓ પર 26 ગામ મહિલાઓ રોટલા ટીપીને વહેલી સવારે સ્વયંસેવકો દ્વારા થેલીઓમાં ભરી સાયકલો પર ખેતરોમાં ખેત મજૂરોને, રખડતા ભિક્ષુકોને, સુરેન્દ્રનગરમાં ટેબલ ખુરશી પર મફત રામરોટી પીરસતી એક ઉદાર હૉટલને, ઘરડાઘરોને, અનાથાશ્રમોને, સાધુસંતોને ભિક્ષામાં – આમ બાજરીના બહેનોએ પકવેલા છ હજાર નંગ રોટલા ગરીબોની ભૂખ ભાંગવા ભગવાન ત્યાં પહોંચાડવાની આજ્ઞા કરે છે.

વાચકોને થશે કે 986 ગાયોના દૂધનું શું થાય છે ? તો જાણો… સવાર-સાંજ વઢવાણની ટી.બી. હૉસ્પિટલ, વિકાસ વિદ્યાલય, ઘર શાળા, અંધ વિદ્યાલય તથા અનાથાશ્રમ વગેરે સ્થળોએ વ્યક્તિદીઠ 250 ગ્રામ દૂધ ગણીને બોધરણા ભરીને દૂધ સવાર-સાંજ મફત પહોંચાડવામાં આવે છે. કોઠારીયા ગામની આસપાસના ખેત મજૂરોના 800 બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ અપાય છે. આ રસ્તેથી પસાર થતા સાધુ, સંતો બાવા કે બેકાર ગરીબોને ભોજન ચા, તથા દક્ષિણા ઉપરાંત જરૂરિયાતવાળાની ચકાસણી કર્યા બાદ વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે. કુદરતી આપત્તિ વેળા યથાશક્તિ જરૂરીયાતમંદ વ્યક્તિઓને મદદ કરાય છે. દુકાળના સમયે કેટલા કેમ્પ ખોલીને ખેડૂતો તથા માલધારીઓના પશુધનને નિભાવી લેવાય છે. આ તમામ વાત આપણે માનવજાત અને પશુધન માટે કરી પણ પારેવાને ચણ અને કિડીયારૂં માટે રોજ 80 કિલો જુવાર ગામડાઓમાં ઠેર ઠેર આવેલા ચબુતરાઓમાં નાખવામાં આવે છે. 200 નંગ બાજરાના રોટલાનો ભૂક્કો કરી કીડી, મંકોડા, તેતર, નોળિયા જેવા જીવોને ખવડાવવામાં વજાભગત ખટકો રાખે છે. વજાભગત કૃષ્ણભક્ત ભરવાડ છે. તેઓ સેવા કરવા પરણ્યા નથી. હવે તો એમની ખાસ્સી ઉંમર આ સેવામાં ક્યારે પસાર થઈ એ ખબર જ પડી નહિ.

અમદાવાદથી વીરમગામ જતાં હાઈ-વે પર લખતર તરફ જવાનો રસ્તો જે ડાબી બાજુ ફંટાય છે ત્યાંથી વળો કે સુરેન્દ્રનગર-વઢવાણ પહેલાં કોઠારીયા ગામ આવે છે. બસ ત્યાં રૂબરૂ જઈને નજરોનજર આ ઈશ્વરની એલચી કચેરીની દિનચર્યા નિહાળી શકો છો. આપણા ગુજરાતમાં ઠેર ઠેર આવી માનવતાભરી એલચી કચેરીઓ બૉર્ડ લગાડ્યા વગર મૂંગી મૂંગી સેવા કરી રહી છે. આ બધું કોણ સંભાળતું હશે ઈ ઉપરવાળો જાણે….!!!
.

[5] લગ્નસંબંધી અનોખી જાહેરખબર – ફિરોઝ ડી. ગાર્ડ (‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર)

જોઈએ છે યુવક-યુવતીઓ….
સદીઓથી સ્વસ્થતા પ્રાપ્ત કરવા ઈચ્છતા સમાજને તાત્કાલિક નીચેની યોગ્યતા ધરાવતાં યુવક અને યુવતીઓ જોઈએ છે :

આ યુવક અને યુવતીઓ એવાં હોવાં જોઈએ જેમની માનસિક સ્થિતિ સ્વસ્થ હોય અને તેઓ લગ્નને બંધન માનવાને બદલે પર્વ માને ! તેઓ તનના દેખાવને બદલે મનના સૌંદર્યને ધ્યાનમાં લે !
સમાજ તેમની શારીરિક હાઈટ કરતાં વિચારોની ઊંચાઈને વધુ ધ્યાનમાં લેશે….
નાના કુટુંબની સંકુચિતતાના બદલે સંયુક્ત કુટુંબની વિશાળતાને વિશેષ માન આપે.
જન્મકુંડળીને બદલે જેઓ વિચારકુંડળીને જોઈ-તપાસીને પોતાના જીવનસાથીનો નિર્ણય કરે.
જેઓ વ્યસન મુક્ત હોય, પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમી હોય અને જીવન પ્રત્યેનો સ્વસ્થ અભિગમ ધરાવતા હોય…

આવા યુવક અને યુવતીઓ તાત્કાલિક નીચેના સરનામે સંપર્ક કરે :
‘સ્વસ્થ સમાજ’
‘આવો સાથે સમજણથી રહીએ’ સોસાયટી,
‘થોડો પ્રેમ, થોડી મસ્તી’ એપાર્ટમેન્ટની બાજુમાં,
એકત્વની આરાધના પાર્ટી પ્લોટના પરિસરમાં,
દિલકી ગલી, લગ્નપુરી.
હૃદય બોક્સ નંબર : એક વત્તા એક બરાબર એક.
.

[6] ગઈકાલ-આજ-આવતીકાલ – નેહલ દલાલ

{ગઈકાલ}
‘આ વખતે ગરમીની મોટી રજાઓમાં અથાણાં-મસાલાનું કામ પતાવી છોકરાઓને લઈ દેશમાં જાશું. મામાને ઘેર રોકાવા જવા માટે છોકરાઓ ક્યારનાં અધીરા થાય છે. મોટી બેન પણ છોકરાઓને લઈ આવશે. બધાં ભેળાં રહીશું. મેળામાં ફરવા જાશું ખાઈ-પી બધા સાથે મજા કરશું.’

{આજ}
‘અરે નૂપુર, આ વખતે વૅકેશનમાં કઈ બાજુ જવાના ?’
‘આ વખતે તો દસ-પંદર દિવસ ગેંગટોક-દાર્જીલિંગ જવાનો પ્લાન છે. કદાચ સગવડ થાય તો સિંગાપોર-મલેશિયા પણ જઈએ. સ્વીટી-ટીનુના ઘણા ફ્રેન્ડઝ ફોરેઈન જવાના છે. દસ-બાર દિવસ છોકરાઓને ફેરવી આવીએ એટલે બાકીનું વૅકેશન શાંતિ !’

{આવતીકાલ}
‘અરે તન્વી, તને ખબર છે ? ‘એડવેન્ચર કૅમ્પ’વાળા આ વખતે છોકરાઓને સમર કેમ્પમાં ‘એજ્યુકેશનલ ટૂર’ પર લઈ જવાના છે. મેં તો બંટી-સોનુ માટે પહેલેથી રિઝર્વ કરાવી લીધું છે. તેઓ તો નાસાની પણ સફર કરાવશે. રોકેટ-યુ.એફ.ઓ અને અવકાશયાનનો પણ અનુભવ કરાવશે. વાઉ ! કેટલું થ્રીલિંગ ! છોકરાઓ એમની રીતે એન્જોય કરશે અને આપણે આપણી રીતે થોડા દિવસ આપણને પણ થોડું ચેઈન્જ મળશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદભાવના પર્વનો સારાંશ (ભાગ-1) – મૃગેશ શાહ
રોજેરોજના સંગ્રામ – જયવતી કાજી Next »   

12 પ્રતિભાવો : અવનવું – સંકલિત

 1. Hiral Thaker "Vasantiful" says:

  સરસ સંકલન.

  “ઈશ્વરની એલચી કચેરી” વાળી વાત તો ખરેખર દાદ માંગી લે તેવી છે.

 2. આજની પોસ્ટ વૈવિધ્યથી ભરપુર..

  વજાભગતની કચેરી પર ઈશ્વર પણ મીઠી બાજરીનો રોટલો ખાવા ઢુંકડો થયો હશે..અને ચૌક્ક્સ શરમાયો હશે…તેણે બનાવેલાં આ માટીનાં રમકડાં શું શું ના કરી શકે..

  ધન્ય ધન્ય છે વજાભગતના ખમીર અને સાહસને..

  વંદન આ મહાપુરુષને..

 3. “ઈશ્વરની એલચી કચેરી” વાંચીને બહુ આનંદ થયો. આજે ભારતમાં લોકો પશ્ચીમના દેશો કરતાં પણ વધુ ને વધુ ભૌતીકવાદી થતા જાય છે, ત્યારે આવી પ્રવૃત્તી પણ ચાલે છે એ તો માનવું પણ મુશ્કેલ લાગે તેવું છે. મીડીયાવાળા આવી બાબતોને પ્રકાશમાં લાવવાનું કેમ કરતા હોતા નથી?

  “ગુજરાત સમાચાર”ને આ માટે ખુબ ખુબ ધન્યવાદ. મૃગેશભાઈને પણ હાર્દીક ધન્યવાદ. આભાર મૃગેશભાઈ.

 4. nayan panchal says:

  ઇશ્વરની એલચી પ્રેરણાદાયક અને મન્નુ શેખચલ્લી વાંચીને તો મજા પડવાની જ. આજના ગુજરાત સમાચારમાં હવામા ગોળીબાર ખાસ વાંચજો.

  નયન

 5. Veena Dave,USA. says:

  ખુબ સરસ. ૪Great Kathiawad and kathiawadi, ૫,૬ વાહ.
  કાકા/મામા ને ત્યા વેકેશન્ ? એ દિવસો ગયા…. યાદ રહી …..

 6. Maharshi says:

  ઈશ્વરની એલચી કચેરી.. વધુ ગમી…
  સીતારામ

 7. Kanchanamrut Hingrajia says:

  સંકલિત વાતો તો હંમેશાં વિવિધ સામગ્રીના થાળ જેવી લાગે છે.

 8. agamkumar says:

  I like all articles in gujarati.
  thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.