- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રોજેરોજના સંગ્રામ – જયવતી કાજી

આપણને ઘણી વખત વિચાર આવે છે, જીવનમાં જો કોઈ મોટી વિપત્તિ આવી પડે તો આપણે શું કરીશું ? એ તો હકીકત છે કે સખત બીમારી, મૃત્યુ, મોટું આર્થિક નુકશાન –આવી વિપત્તિઓ જીવનમાં કવચિત આવતી હોય છે પણ રોજના જીવનમાં આવતી નાની નાની ક્રાઈસીસનું શું ? રોજ ને રોજની નાની ચિંતાઓ-તનાવ અને ગભરાટનું શું ? આવું તો કંઈ ને કંઈ બન્યા જ કરે છે. તમારા પુત્રની પરીક્ષાનું પરિણામ આવવાનું હોય અને એના પર એની ભાવિ કારકિર્દીનો આધાર હોય, તમારી તરુણ પુત્રી એના મિત્રોની પાર્ટીમાંથી મોડી રાતે આવે, તમારી કામ કરનારી બાઈ અચાનક રજા પર જવાનું કહે, કૂકિંગ ગેસ ખલાસ થવા આવ્યો હોય પણ નવું ગેસ સિલિન્ડર આવતું ન હોય, પાર્ટી કરવાની હોય કે પછી સોનાની ચેઈન ક્યાંક મુકાઈ ગઈ હોય અને જડતી ન હોય ! ઑફિસમાં તમને પ્રમોશન મળે એવી વકી હોય અને તમે એની રાહ જોતા હો કે પછી અચાનક ચાર મહેમાનો આવી જાય ત્યારે શું થાય છે ? તમે અકળાઈ જાવ, ચિંતા કરો, અથવા તો મનથી અસ્વસ્થ બનો છો, ખરું ને ?

આવી જાત જાતની ચિંતા-તાણ-ગભરાટ રોજિંદા જીવનમાં થતાં જ હોય છે. આવી નાની નાની ઘટનાઓ કંઈ મોટી આપત્તિ નથી. આપણા પર એથી કંઈ આભ નથી તૂટી પડવાનું. આ તો બધું જીવનમાં બન્યા કરતું હોય છે. છતાં જ્યારે આવું કંઈક બને છે ત્યારે આ ઘટનાઓ આપણા મગજ પર જાણે કે અંધકારપટ છાઈ દે છે. આપણે બેચેન બની જઈએ છીએ ! ગુસ્સે થઈએ છીએ અને તે વખતે મગજ પરનો કાબૂ ગુમાવી બેસીએ છીએ. આપણે કંઈક કહીએ અને આપણા અભિપ્રાયને કોઈક ધડ દઈને રદિયો આપે અને કહે કે તમે આમ કહો છો પણ એવું છે જ નહિ, ત્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આપણું મોં લાલચોળ થઈ જાય છે. ખરું જોતાં આપણે તર્કથી વિચાર કરીશું તો સમજાશે કે એવે વખતે આપણે આપણી વાત સામી વ્યક્તિને મુદ્દાસર સમજાવવી જોઈએ, પણ આપણે તો ગરમ થઈ જઈએ છીએ અને ક્યારેક તો સામે એવા શબ્દો બોલી જઈએ છીએ કે જેને માટે આપણે કદાચ અફસોસ કરવો પડે.

અમે એક બપોરે પત્તાં રમતાં હતાં અને એમાં કોઈક મુદ્દા પર મારા બે મિત્રો દલીલે ચઢી ગયા, અને પછી તો એવું બન્યું કે એ મુદ્દો બાજુએ રહી ગયો અને આક્ષેપો શરૂ થયા – તમે દરેક વખતે આવું જ કરો છો અને તમને મારું અપમાન કરવાની ટેવ પડી છે… રમત હોય તો પણ શું ? આવું હું નહિ સાંખી લઉં.. વગેરે… પરિણામ એ આવ્યું કે જેમ તેમ અમે સમાધાન કરાવ્યું. બન્નેને પછી તો લાગ્યું કે વાત સાવ ખોટી વધી ગઈ ! નાની બાબતમાં બન્નેએ મગજ ગુમાવવું જોઈતું નહોતું. જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે તર્ક ગુમાવી બેસીએ છીએ. એક અજ્ઞાત અંગ્રેજ કવિએ સરસ લખ્યું છે :

When I have lost my temper
I have lost my reason too.
I am never proud of anything
Which angrily I do.
When I have talked in anger
and my cheeks were flaming red,
I have always uttered
Something which I wish I had n’t said.

આવું તો ઘરસંસારમાં કેટલુંએ બનતું હોય છે. નાની વાત મોટું સ્વરૂપ લઈ લે. વાતનું વતેસર થાય અને બધાંનાં મન ઊંચાં થાય ! કોઈક ઉપયોગી મોંઘી વસ્તુ હોય, આપણને ગમતી હોય એ તૂટી જાય ત્યારે આપણો જીવ બળવાનો. આવે વખતે આપણે જો આપણી જાતને સાચવી લઈએ, મગજને કાબૂમાં રાખવાનો યત્ન કરીએ તો ઝઘડો અટકી જશે. આપણે વખતસર પહોંચવાનું હોય, ઘેરથી સમયની ગણતરી કરીને નીકળ્યા હોઈએ અને બસ આવે જ નહિ. થોડાક દિવસ કુટુંબ સાથે રજા ગાળવાનો વિચાર કર્યો હોય, બધી તૈયારી કરી હોય, ટિકિટ આવી ગઈ હોય, રિઝર્વેશન થઈ ગયું હોય અને ઑફિસમાં મહત્વનું કામ અચાનક આવી પડે અને જવાનું કેન્સલ કરવું પડે ત્યારે ગુસ્સો આવવાનો. એમ થાય કે હમણાં ઝઘડો થઈ જશે… આ બધા પ્રસંગે આપણે જો થોડુંક હસી શકીએ-વિનોદવૃત્તિ રાખી શકીએ કે એ વાતને રમૂજમાં લઈ શકીએ તો વાદળ વિખરાઈ જશે. ગુસ્સો માખણની માફક ઓગળી જશે અને વાતાવરણમાં એક આછી શીતળ લહેર પ્રસરી જશે.

નાની નાની આવી ઘટનાઓ, જેને આપણે ‘લીટલ ક્રાઈસીસ ઑફ લાઈફ’ કહી શકીએ અને જે જીવન સાથે અવિચ્છિન્ન રીતે સંકળાયેલી હોય છે એટલું જ નહિ પણ બહુ સામાન્ય હોય છે તે બધી ભેગી થઈને આપણા મનની શાંતિ અને સુખને નષ્ટ કરે છે. આપણે ઝંખીએ છીએ આપણા મનની શાંતિ અને to be completely ourselves –એને એ હણી નાંખે છે ! સ્વસ્થતા એક ખૂબ મોટો અને મહત્વનો ગુણ છે. આ ગુણ લઈને બધાં જન્મ્યાં નથી હોતાં અને બધામાં એનો સદંતર અભાવ પણ નથી હોતો, પરંતુ આપણે એ સજાગ રહી જરૂર કેળવી શકીએ. એ અશક્ય નથી પણ આપણા હાથમાં છે. મનની સ્વસ્થતા, સમતુલા અને અક્ષુબ્ધતા આપણા સુખ માટે આવશ્યક છે એટલું જ નહિ પણ કંઈ સારું અને મોટું કાર્ય પાર પાડવા માટે પણ એ ઉપયોગી છે. અમારા મિત્ર અને જાણીતા નાટ્યકાર, નાટ્યલેખક અને હાસ્યકાર શ્રી જયંતી પટેલે મને એક વખત કહ્યું હતું, ‘મારે બહેનો સમક્ષ એક નાનકડો નાટ્ય પ્રયોગ કરવો છે !’
‘કયો ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘પતિ સાથે ઝઘડો થાય તો એવે વખતે સામો ઝઘડો કરવાને બદલે એને હસી કાઢો.’ હાસ્ય અને રમૂજ તો જીવનની પ્રસન્નતા છે. એનાથી તો જીવન મઘમઘતું અને લીલુંછમ રહે છે ! મહાત્મા ગાંધીજી, ચર્ચિલ, લિંકન, બર્નાર્ડ શૉ એમની વિનોદવૃત્તિ માટે વિખ્યાત છે. આપણે જોઈશું તો કેટલાયે મોટા માણસોમાં, મોટા બીઝનેસ એક્ઝિક્યૂટિવ્સમાં, વકીલોમાં અને સર્જન્સમાં કટોકટીમાં માનસિક સ્વસ્થતા જાળવવાની અદ્દભુત શક્તિ હોય છે. ફાઈનલ ટેનિસ મેચ રમાતી હોય- લાખો ડૉલરનું ઈનામ હોય અને સાથે મોટી કીર્તિ સંકળાયેલી હોય અને છેલ્લા પોઈન્ટ પર હારજીત અવલંબતી હોય ત્યારે રમનારને કેટલું ટેન્શન થતું હશે ? પ્રત્યેક સર્જન માટે દરેક ઑપરેશન કોઈક રીતે અલગ હોય છે. ગમે ત્યારે કોઈક વસ્તુ અણધારી અને ગંભીર વળાંક લઈ શકે. આવે વખતે મૂંઝાયા વગર કે અકળાયા વગર શાંત ચિત્તે વિચારી કાર્ય પાર પાડવાનું કેટલું મુશ્કેલ હોય છે ! મને થાય છે કે આવી ઘડીએ આ માણસો કેવી રીતે ચિત્તની સ્વસ્થતા રાખી શકતા હશે ?

બીજા વિશ્વયુદ્ધની આ વાત છે. ભારત બર્મા સેક્ટરમાં બ્રિટનની પરિસ્થિતિ રણમોરચે ઘણી વિકટ હતી. એમને હાર મળી તે વખતે ત્યાંના બ્રિટિશ ફિલ્ડ માર્શલ હતા વાઈકાઉન્ટ સ્લીમ. એમનું સૈન્ય હારથી નાસીપાસ થઈ ગયેલું. એને કેમ પ્રોત્સાહિત કરવું એ પ્રશ્ન હતો. ફિલ્ડ માર્શલે સૌનિકોને ભેગા કર્યા અને એમને સંબોધતાં કહ્યું : ‘પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ શકી હોત.’
‘કેવી રીતે ?’ પાછળ ઊભેલા એક સૈનિકે સામો પ્રશ્ન કર્યો.
ફિલ્ડ માર્શલે કહ્યું, ‘હા, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત જો વરસાદ પડ્યો હોત તો !’ અને સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. પાર્લામેન્ટમાં પણ જ્યારે વાક્યુદ્ધ-દલીલો અને પ્રતિદલીલો થતી હોય, કોઈક બીલ પાસ થતું ન હોય ત્યારે રમૂજી પ્રસંગ, વાર્તા કે ટુચકો વાતાવરણને હળવું બનાવે છે એ આપણે જાણીએ છીએ. ક્રાઈસીસ વખતે તમે એકદમ ઉતાવળ ન કરો. એવું બને કે એટલામાં તમને કંઈક ઉપાય સૂઝે ! આપણને કોઈક અગત્યની ચાવી કે મોંઘી વસ્તુ જડતી ન હોય, અથવા તો કોઈક મહત્વનો કાગળ ગમે ત્યાં મુકાઈ ગયો હોય, શોધો પણ જડતો ન હોય તો જરા થંભી જાવ. વિચાર કરો કે છેલ્લી એ વસ્તુ કે કાગળ તમે ક્યારે જોયેલાં અને સંભવ છે કે તમને યાદ આવી જાય.

મારા એક મિત્ર લેખક અને પ્રાધ્યાપક છે. એમણે મને આ પ્રસંગ કહેલો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આગળ તેઓ લેકચર આપતા હતા. એક અંગ્રેજી નાટકની તેઓ વિદ્યાર્થીઓને વાત કરતા હતા, પણ એ નાટકના લેખકનું નામ યાદ જ ન આવે ! વિદ્યાર્થીઓને નામ ન કહે તો ખરાબ લાગે ! શું કરવું ? એમણે તો બીજા નાટક અંગે વાતો કરવા માંડી એટલામાં પેલા નાટકના લેખકનું નામ યાદ આવી ગયું ! વિદ્યાર્થીઓને કહ્યું, હું જે નાટકની તમને વાત કરતો હતો તે નાટકના લેખક છે સર જેઈમ્સ બેરી ! એમણે સમય લીધો અને નામ યાદ આવી ગયું. પોતે મૂંઝવણમાંથી બચી ગયા એટલું જ નહિ પણ વિદ્યાર્થીઓને કહી શક્યા, ‘મને આશ્ચર્ય થાય છે કે તમને કોઈને એ નામ ખબર નથી !’

મને લાગે છે કે ઘણી વખત આપણે સાચા છીએ, આપણે જીત્યા છીએ એ સાબિત કરવામાં વધારે ટેન્શન થતું હોય છે ! ટીકા કરવી સહેલી છે, પણ ખમવી ઘણી અઘરી છે. આપણું નાનકડું અપમાન પણ આપણે ખમી શકતા નથી; આપણે તરત ખળભળી ઊઠીશું. આપણે જો આપણી ટીકા કરનારનો હેતુ – એની પાછળનો આશય સમજવા યત્ન કરીશું તો આપણે એ ટીકાથી અકળાઈશું નહિ પણ અલિપ્ત થઈ શકીશું. તમે નિખાલસ થાવ. કહી દો કે મને હમણાં બહુ ટેન્શન રહે છે. મારું મગજ ઠેકાણે નથી. તમને પોતાને એટલે સારું લાગશે, તમારા મનનો બોજો હળવો થશે એટલું જ નહિ પણ એ સમજીને તમારી સાથે બીજા પણ અનુકૂળ વર્તાવ કરશે.

જીવનમાં બધું સીધું ઊતરતું નથી. હું તો કહીશ કે કંઈ નહિ ને કંઈક તો આડું જવાનું જ ! એટલે જીવનની અણધારી ઘટનાઓ માટે આપણે માનસિક તૈયારી રાખવી જોઈએ. માનસિક તૈયારી રાખવા ઉપરાંત એ માટેના વિકલ્પો પણ વિચારી રાખવા જોઈએ-જાણી લેવા જોઈએ. 1963ના મે મહિનામાં એસ્ટ્રોનોટ ગોર્ડન કુપર અવકાશયાનમાં અંતરિક્ષમાં ગયેલા. અવકાશયાનને નીચે ઉતરવાનું હતું-અંતરિક્ષમાંથી પૃથ્વી પર. એ માટે એમાં બધાં સ્વયં સંચાલિત યંત્રો હતાં. એકાએક તે કામ કરતાં બંધ થઈ ગયાં ! કટોકટી ઊભી થઈ. હવે કરવું શું ? પરંતુ ગોર્ડન એ માટે સજ્જ હતા. એમણે તરત જ મેન્યુઅલી ઓપરેઈટ કરવા માંડ્યું અને બરાબર નિર્ધારિત સ્થળે અને સમયે યાનને નીચે ઉતાર્યું ! કોઈકે પૂછ્યું : ‘તમે આવે વખતે ગભરાઈ ન ગયા ?’
‘હું ખાસ ગભરાયો નહોતો કારણ કે મેં શક્ય તેટલી ઈમરજન્સીનો વિચાર પહેલેથી કરેલો. એ બધાંની તાલીમ લીધેલી. ‘We had checked – checked and double checked !’ એમણે હસીને જવાબ આપેલો. શું શું બની શકે ? શું ખોટું થઈ શકે ? એનો પહેલેથી વિચાર કરવાથી ફાયદો જ થાય છે. એમ કરવાથી આપણે આપણો વ્યૂહ ગોઠવી શકીએ. ખાસ કરીને કંપનીની જનરલ મિટીંગ કે બોર્ડ મિટીંગ હોય તો ક્યા ક્યા મુદ્દા ઊભા થઈ શકે એમ છે એવો વિચાર કરી એ માટે થોડી પૂર્વતૈયારી કરી હોય તો તે વખતે આપણે ગભરાઈ કે મૂંઝાઈ નહિ જઈએ. એ વખતે આપણે નર્વસ થઈ ભળતોસળતો જવાબ નહિ દઈએ પણ સ્વસ્થતાથી આપણું કામ આગળ ચલાવી શકીશું.

જીવનની નાની નાની રોજ ઊભી થતી ક્રાઈસીસમાં આપણે માનસિક રીતે શાંત અને ઠંડા રહેતાં શીખીશું તો મોટી વિપત્તિ આવે ત્યારે એનો સામનો આપણે વધારે સારી રીતે કરી શકીશું. સાવ ભાંગી નહિ પડીએ. મેં કેટલીયે વ્યક્તિઓને જીવનમાં સ્વજનની ગંભીર માંદગી પ્રસંગે, મૃત્યુ પ્રસંગે કે એવી કોઈક કૌટુંબિક વિપત્તિમાં ખૂબ જ સ્વસ્થ રહેતાં જોઈ છે. શ્રીમદ ભગવદગીતામાં સ્થિતપ્રજ્ઞના ગુણ વર્ણવ્યા છે. એ એક બહુ જ ઊંચો આદર્શ છે. આપણે કદાચે એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી નહિ શકીએ પણ નાની નજીવી બાબતોમાં જરા જરામાં મિજાજ ન ગુમાવીને-સ્વસ્થતા જાળવી શકીએ તો પણ ઘણું છે. નાની બાબતોમાં મગજ પરનો સંયમ ગુમાવવો, એ દરેક માટે હાનિકારક છે. આપણા પોતાના સુખ માટે-આપણા સંબંધો માટે અને આપણા સ્વાસ્થ્ય માટે એ નુકશાનકર્તા છે. ડૉક્ટરો હવે એવા નિર્ણય પર આવતા જાય છે કે આપણા સ્વાસ્થ્યનો આધાર માનસિક તંગદિલીને હેન્ડલ કરવાની આપણી શક્તિ પર રહે છે. આપણા સ્વાસ્થ્ય પર હોર્મોન્સનો પુરવઠો અસર કરે છે. આપણે જ્યારે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણને કેટલાક પ્રકારના વધુ હોર્મોન્સની જરૂર પડે છે. આ વધારાના હોર્મોન્સને આર્થરાઈટીઝ જેવા રોગો સાથે સંબંધ છે. ડૉક્ટરો એટલે સુધી કહે છે કે સૂક્ષ્મ જીવાણુઓ અને ઝેરી પદાર્થ આપણને જેટલું નુકશાન કરે છે તેના કરતાં વધુ નુકશાન આપણને માનસિક તનાવથી થાય છે !

આ લખતી વખતે મને એક સ્વામીજીના પ્રવચનમાં સાંભળેલા શબ્દો યાદ આવે છે; ‘તમારા મનને અશાંત બનાવે એવું કંઈક બને ત્યારે તમે આકુળ-વ્યાકુળ થઈ ન જાવ. તમે તમારી જાતને કહો : Don’t be upset-calm down-don’t be upset.’ To be upset – વિચલિત થવું એટલે મનના શાંત સ્વસ્થ ભાવમાંથી ચલિત થવું. ક્રોધ-શોક અને ભયના કાંકરાથી મન-સરોવરના જળમાં વમળ ઊભાં થાય છે. કાં તો એને ઊઠવા ન દો – તેટલી અચલ સ્થિરતા પ્રાપ્ત કરો અથવા તો તેને ‘Don’t be upset’ના મંત્ર દ્વારા પાછાં શમાવી દઈ સ્થિર ભાવ પ્રાપ્ત કરવાની ટેવ પાડો. મન સાથે નિશ્ચય કરો, દુનિયા ઊંધી કેમ વળી નથી જતી, હું વ્યગ્ર નહિ જ થઈ જાઉં. ધંધામાં કોઈની ભૂલથી નુકશાન થયું ? ચાવીનો ઝૂડો ખોવાઈ ગયો ? દીકરાને ધારેલી કૉલેજમાં પ્રવેશ ન મળ્યો ? પુત્રીનું વેવિશાળ તૂટ્યું છે. ઠીક છે – રોવાકૂટવાથી પરિસ્થિતિ બદલાવાની નથી. થવાનું હતું તે થયું છે. જે થયું છે તેનો ઉપાય કરો. ઈલાજ કરો. આપત્તિનું પણ આયુષ્ય હોય છે. તે પૂરું થાય ત્યાં સુધી સમતા રાખો અને પછી પાછું જીવન પ્રસન્ન બનાવી દો.

જ્યારે જ્યારે મારું મન અશાંત અને અસ્વસ્થ બને છે, હું ચિંતિત થાઉં છું, મગજ પરથી કાબૂ ગુમાવું છું ત્યારે હું સ્વામી આત્માનંદજીના આ શબ્દો યાદ કરું છું : ‘Clam down-cool down and think what should be done now – એટલે જ લોકો કહે છે તમારું માથું ઠંડું રાખો અને પગ ગરમ…. આમ કરવું શરૂઆતમાં તો ખૂબ જ અઘરું છે પણ ધીમે ધીમે અભ્યાસથી કરી શકાય છે અને તે પરમ ઉપકારક નીવડે છે.