- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઓછું કેમ લખો છો ? – રિદ્ધિ દેસાઈ

[‘કુમાર’ સામાયિક જુલાઈ-2007માંથી સાભાર.]

ગોડસે સેરેન્ડર થયેલો ત્યારે લક્ષકોટિ પત્રકારોએ એને એક એક અને કેવળ એક જ સવાલ પૂછ્યો હતો : ‘ગાંધીજીને માર્યા કેમ ? વ્હાય ડિડ યુ કિલ મહાત્મા ? બાપુલા કશાલા ઠાર મારલા ? – સાક્ષરોના ટોળામાં પહેલો પગ મૂકું છું ત્યાં મારી ઉપર પણ એક જ પ્રશ્નની ઝડી વરસે છે : ‘રિદ્ધિબહેન ! આટલું ઓછું કેમ લખો છો ? ઓછું કેમ લખો છો ? ઓછું કેમ લખો છો ? આ તરફ હુંયે ભારે સ્માર્ટ એટલે તરત કહું છું – ‘શ્રીમાન, કેસરની સળીઓ જ હોય, ગૂણો ના હોય !’
‘બરાબર છે… ઉલ્કાપાત પણ ક્યારેક જ થાય છે ને.’ એકાદ લેખક પોતે લેખક હોવાની ખાતરી કરાવે છે. અહીં ડાયલોગ ડિલિવરી ઉત્તમ રહી. માનવું પડે. પણ ખરે કહું ? કેસરની સળીઓ જ હોય, અત્તરનું પૂંમડું જ હોય. કસ્તૂરીનાં કારખાનાં ન હોય…. સાહિત્યના ફિલ્ડમાં હોઈએ એટલે આવું બધું નાટકિયું બોલવું પડે. (નહીંતર મને લેખિકામાં ગણાવાનું છોડી દે એ લોકો !) બાકી હકીકત તો હું અને મારો આત્મા જ જાણે છે ! વધારે તો શું લખીએ કપાળ ? પ્રેરણા થાય તો લખીએ ને !

આ પ્રેરણા ભારે નખટી. અડધી રાતે ટાણે-કટાણે ગમે ત્યારે આવી ધમકે. બે ડગલાં એની તરફ આગળ વધીએ એટલે એ બાવીસ ડગલાં પાછળ હટી જાય ! પહેલું પાન લખાતું હોય ત્યારે માંહે મોજાં ઊછળતાં હોય.. આ..હ.. આજે તો માર્ક ટ્વેઈનની છુટ્ટી કરી નાખીશ ! વુડહાઉસને ભૂ પીતો કરી નાખીશ ! આ લેખથી સાહિત્યમાં ડંકો વગાડી દઈશ ! પણ અડધે પહોંચીએ ત્યાં આપણો ઘંટ વાગી જાય. અંતે એ જ…. ફેરવેલ ટુ ધ આર્મ્સ ! (આર્મ્સ = કલમ અને કાગળ)

આપણી ઘનઘોર મૂંઝવણ લઈને એકાદ પીઢ લેખક પાસે જઈએ એટલે એય એકનો એક ‘જૂનો અને જાણીતો’ ડાયલોગ ફટકારે : તમે ઊગતા લેખકો કંઈ વાંચતા જ નથી ! હૅમિંગ્વેને વાંચ્યો છે ? બર્ટ્રાન્ડ રસેલને વાંચ્યો છે ? ઝ્યાં પોલ સાર્ત્રને વાંચ્યો છે ? કાફકા-કામૂ-મોપાસાંને વાંચ્યા છે ? વિષયથી લઈને વ્યાકરણ સુધીની આપણી કોઈ પણ તકલીફ હોય એમનો ડાયલોગ એક જ હોય ! શૂરા બોલ્યા નવ ફરે. અગાઉ એક વૈદ પણ એમ જ કરતા. એમણે ‘રામબાણ ફાકી’ નામનું એક અમોઘ ચૂરણ ઉત્પાદ્યું હતું. રોગ ગમે તે હોય… દરદી કોઈ પણ વયનો હોય… એમનો ઈલાજ એક જ રહેતો… પેટન્ટ ! મારા પાડોશીના બાબલાને દાંત આવવાના ઝાડા થયેલા, એક બહેનને સર્ગભાવસ્થાની ઊલટીઓ થતી હતી, બાને સાંધાનો વા હતો, બાપુજીને આધાશીશી થયેલી, શેરીના ગુરખાને કૂતરું કરડ્યું હતું ને વૈદરાજે એક જ તીર વડે પાંચપાંચ નિશાન પાડ્યાં’તાં.
‘તને શું છે બહેન….’ છેલ્લે હું બાકી રહેલી.
‘જવા દો ને.. વર સાથે સજ્જડ મારામારી થાય છે !’
‘આ ચૂરણ ફાકજો !’ આદતના જોરે એ બોલી ગયેલા. પછી વાત વાળી લીધેલી. ‘મારામારી કરતા ઘા પડ્યા હોય એની ઉપર આ ચૂરણ લગાડજો… ઘીમાં ભેળવીને. મૂઢ માર વાગ્યો હોય તો બરફનું પાણી મેળવજો. છોલટાં ઊખડી ગયાં હોય તો હળદર મેળવજો…’

મારી પ્રેરણાલક્ષી સમસ્યા સાંભળીને સાક્ષરે એમની ત્રીસ વર્ષ જૂની સલાહ લહેજાનાય ફરક વિના આપી. મહાન સર્જકોને વાંચો તો પ્રેરણા મળે ને ! એમની સલાહથી હું ભોળવાઈ જ જવાની હતી કે મા સરસ્વતીની કૃપાથી મનમાં સુવિચાર ઝબક્યો. પુસ્તકો વાંચવામાં ખોટો ટાઈમ શું લેવા બગાડવો ? એને બદલે એના લેખકો પ્રેરણા કેવી રીતે મેળવતા, લેખનનો મૂડ કેમ જમાવતા, એ જાણી લઉં તો ઘણો સમય બચે ! આફટર ઑલ, ટાઈમ ઈઝ મની. મેં ખોજબીન શરૂ કરી.

દોસ્તોવસ્કી જેવા કૈંક મહાન સર્જકોને ચ્હા પીવાથી પ્રેરણા મળતી. જાસૂસી-કથાસમ્રાટ એડગર વૉલેસ લખવા બેસતા ત્યારે એમનો એક નોકર ખડે પગે સેવા બજાવતો. સાકી જામ ભરી આપે એમ એ લેખકને તે સતત ચાના કપ ધર્યા કરતો. ચ્હાની વાત આવી એટલે મને પહેલો ડર એ લાગ્યો કે રખે ને ચા પી પીને હું કાળી પડી જાઉં ને ખુદ પ્રેરણા જ મને ન ઓળખી શકે તો ? (નોંધ : હું ચ્હા પીતી નથી.) લેખિકાને બદલે આ કઈ કાળુડીના ઘરમાં આવી ગઈ, એમ વિચારીને એ પાછી વળી જાય તો ? વળી, મને ચ્હાના જામ ભરી કોણ આપે ? મારે તો નોકર કહો કે પતિ કહો, બધું એક જ એટલે એમને પૂછી જોયું :
‘એ જી, મને લખવામાં હેલ્પ કરશો ?’
‘હેલ્પ એટલે ? લેખ મારે લખવો પડશે ?’
‘હોતું હશે ! લેખ તો હું જ લખીશ…. જુઓ, હું લખતી હોઉં ત્યારે તમારે મને સતત ચ્હાના કપ ધર્યા કરવાના…’
‘એના કરતા ચ્હાની લારીએ બેસીને લખતી હોય તો… ચાવાળો ભીખો હરખભેર એ સેવા બજાવશે !’ ગુજરાતની એક ફૂટડી લેખિકા ચાની લારીએ બેસીને લેખો લખે એ દશ્ય બિહામણું હોવાથી (ખોટું લાગે છે ? તો કલ્પના કરી જુઓ…!) મેં ચાનો વિચાર માંડી વાળ્યો.

‘ફ્રૉમ હીઅર ટુ ઈટર્નિટી’ જેવી અદ્દભુત નવલકથાના સર્જક જેમ્સ જોન્સ પ્રેરણા માટે મોતને ગળે લગાડતાય ખચકાતા નહોતા ! હિંમતની કિંમત છે ભાઈ ! ના, એ જ્વાળામુખીના પર્વતની ટોચ પર બેસીને નહોતા લખતા, બલકે એ માટે એક ઘરેલુ માર્ગ અપનાવતા. સવાર સવારમાં એ નિત્ય અડધું પાકીટ સિગારેટ ફૂંકી નાખતા. એ વખતે (ધુમાડા કાઢતી વખતે) એમનો ચહેરો જ્વાળામુખીના પર્વત જેવો જ ભવ્ય લાગતો. ‘પ્રેરણા’ માટે લેખકોએ ઘર ફૂંક્યાના બનાવો યુગે યુગે બન્યા છે. એના કરતા સિગારેટ ફૂંકવી વધુ સારી એમ વિચાર કરતા જણાયું. આમેય સિગારેટ પીતી સ્ત્રીઓ મને પહેલેથી જ શાનદાર-રુઆબદાર લાગી છે. વળી, આપણને એક ઘર હોય, ઘરને ચાર દીવાલો હોય. દીવાલો પર બબ્બે બારીઓ અને એકાદ બારણું હોય જેને ભારતીય નારીના મોંની માફક ધારીએ ત્યારે બંધ કરી શકાય. ટૂંકમાં, જગત જાણી ન જાય એમ હું ધૂમ્રયજ્ઞ તો કરી શકું. પણ અચાનક કોઈ આવી ચઢે તો ?

એના કરતાં કવિ શેલીનો નુસખો મને વધુ માફક આવે. આ અંગ્રેજ બચ્ચાને સતત ખાતા રહેવાથી વિચારો સ્ફૂરતા. એક તરફ એમના દાંત ચાલતા, તો બીજી તરફ એમની કલમ, પણ દાંત અને કલમ વચ્ચેની આ સ્પર્ધાનું ઈનામ લઈ જતું એમનું પેટ ! એમને અપચો ઈનામમાં મળતો. કહે છે કે પેટના વિચિત્ર અવાજોને કારણે શ્રોતાઓને એમનાં કાવ્યો વધુ સંગીતમય લાગતાં. એક સૂની સાંજે મારા હાસ્યને પણ સંગીતમય બનાવવાનો વિચાર પ્રગટ્યો. બજારમાં જઈ રહેલા સાસુને કહ્યું :
‘સાસુશ્રી, આઠ-દસ પ્રકારના ભિન્નભિન્ન નાસ્તાઓ લઈ આવશો…’
‘કેમ ? મહેમાન આવવાના છે ?’
‘હા ! એક અગમ્ય દિશામાંથી ઝગમગાટ પાથરતી થનગનતી રુણઝુણ કરતી એ આવશે….’
‘કોઈ નાચવાવાળીને (‘ડાન્સર’ માટે સાસુજી આ શબ્દ વાપરે છે.) બોલાવી છે કે ?’ આવું કહે પછી પ્રેરણા આવે ?

પ્રસિદ્ધ વિદ્વાન રાહુલ સાંકૃત્યાયન સર્જન માટે સંહારને પ્રોત્સાહિત કરતા. ના, ચારપાંચ વિવેચકોને ટીચાવ્યા બાદ જ તેઓ લખવા બેસતા એવું કાંઈ નથી. છતાંય કોમળ કાળજાંઓને હલબલાવી નાખે એવી વાત તો છે જ. લખતા લખતા તેઓ બાર બાર બાફેલી મરઘીઓ સ્વાહા કરી જતા ! જોકે, લોકભાષામાં કહીએ તો એ બાર બાફેલા ઈંડાં જ ખાતા, પણ ઈંડાં એટલે ભાવિ મરઘી જ ને ! પેલા ફિલસૂફનો કિસ્સો યાદ કરો…. એક વાર એક ફિલસૂફને વડનો ટેટો બતાવતા એમના શિષ્યે પૂછ્યું : ‘આ શું છે ?’ એટલે ફિલસૂફે કહ્યું : ‘ઓ..હ ! આ તો વિશાળ વટવૃક્ષ છે. એની ઉપર ઘણી શાખાઓ છે… શાખાઓ પર અસંખ્ય પર્ણો છે. એની ઉપર કૂજતાં પંખીઓને પણ હું જોઈ રહ્યો છું……’ એ જ રીતે બાર બાફેલાં ઈંડાં વિશે આપણે પણ કહી શકીએ કે ઓહ આ તો બાર બાર મરઘા છે ! એમને બે પાંખ છે. પાંખમાં અસંખ્ય પીંછાં છે. માથે રાતું છોગું છે. સવાર સવારમાં એને ‘કુકડે કુક’ નો રાગડો તાણીને લોકોનું માથું પકવતો હું જોઈ રહી છું.’ મુદ્દાની વાત એ જ કે લેખનનો મૂડ જમાવવાનો આવો પાતકી અને ઘાતકી રસ્તો આપણને ના ગમે. આપણું ભવિષ્ય બનાવવા મરઘીઓનું ભવિષ્ય કે ભવિષ્યની મરઘીઓને ખતમ ના કરાય. ઉપર જઈને ભગવાનને મોં બતાવવાનું છે, ભાઈ !

જો કે, કવિ મૈથિલીશરણ ગુપ્તે તો ભગવાનને જ નીચે બોલાવી લીધેલા. તેઓ તેમની દરેક કૃતિ શરૂ કરતા પહેલા મથાળે ‘શ્રી રામ’ને બેસાડતા ને રામના નામે એમની ભલભલી રચનાઓ તરી જતી ! ‘મૈંને કુછ ભી નહીં લિખા હૈ, જો કુછ ભી લિખવાયા હૈ વો ઈશ્વરને હી લિખવાયા હૈ….’ એવું તો ખુદ મૈથિલીજીએ પણ કબૂલેલું. આ સ્પિરિચ્યુઅલ નુસખો મને બહુ ગમ્યો. લેખ શરૂ કરતા પહેલાં જ ભગવાનનું નામ લખીને એમને સહાયતા કરવા કટિબદ્ધ કરી નાખવાના ! બીજી કોઈ માથાકૂટ નહીં ! આ પેન ઝાલી… આ તમારું નામ લખ્યું. હવે તો તમે લખાવો એ ખરું ! મારો નવો લેખ ‘બ્રાન્ડ ન્યૂ બેવકૂફી’ શરૂ કરતાં પહેલાં મેંય કાગળ પર સુંદર અક્ષરે ‘શ્રી રામ’ લખ્યું. પછી લેખ સંબંધી વિચારો કરી જોયા, પણ કંઈ સૂઝ્યું નહીં એટલે નીચે ‘લક્ષ્મણ’ લખ્યું. દસેક મિનિટ રહીને નીચે ‘જાનકી’ લખ્યું. ‘હનુમાન’ લખતા લખતા હું ઘસઘસાટ ઊંઘી ગઈ ! જાગીને જોયું તો જગત દીસ્યું નહીં. હું સંતકોટિએ પહોંચી ગઈ છું કે શું ? મનમાં પ્રશ્ન થયો. પણ પછી સમજાયું. સવારના ચાર વાગ્યા હતા એટલે જગત બારી-બારણાં બંધ કરીને પોઢી ગયેલું. એક હું અને મારી સમસ્યા જ જાગતાં હતાં !

હવે તો દેવીને નૈવેધ ધરાવવું જ પડશે… હું આખરી નિર્ણય પર પહોંચી. મને શીલર યાદ આવ્યો. આ જર્મન કવિ પ્રેરણાદેવીને રીઝવવા સડેલાં સફરજનનો અમોઘ પ્રયોગ કરતો. સડેલાં સફરજનની દિવ્ય (?) સુગંધથી એનો સૂતેલો સ્પિરિટ જાગી જતો અને લખવા માંડતો. કહે છે કે આ કવિની પ્રતિભાથી મહાકવિ ગટે એટલો પ્રભાવિત હતો કે એના મૃત્યુ બાદ ગટે એની ખોપરી (કબ્રસ્તાનમાંથી ખોદીને ?) પોતાના લખવાના ટેબલ પર રાખતો ! આ વાતથી આપણેય પ્રભાવિત થયાં. કાલે ઊઠીને એકાદ ભાવિ હાસ્યકાર મારી ખોપરી એના ટેબલ પર રાખે તો મારું જીવન તો (મર્યા પછી) સાર્થક થઈ જાય. મેં તાબડતોબ સફરજનનાં શસ્ત્ર સજ્જ કર્યાં. મારા ટેબલના ઉપલા ખાનામાં એની પ્રાણપ્રતિષ્ઠા કરી. છ છ દિવસ ધીરજ ધરી ધરીને મારો ચહેરો ભગીરથ જેવો થઈ ગયો. પણ એ હતાં કે બગડે જ નહીં ! માણસને બગડતા વાર લાગતી નથી. પણ ફળને બગડતા ઘણી વાર લાગે છે, એ સત્ય મને ત્યાંથી લાદ્યું. આઠમા દિવસે એની ઉપર કથ્થાઈ રંગનું એક ટપકું દેખાયું. સુંદરીના ગુલાબી ગાલ પરના ખંજન જેવું એ શોભતું હતું. પણ ધીમે ધીમે એની સંખ્યા વધવા માંડી. અગાઉ જે ખંજાન લાગતું હતું તે શીળીનાં ચાઠાં જેવું દેખાવા માંડ્યું. હું કંપી ઊઠી. રૂપની ક્ષણભંગુરતા આ રીતે મારી સામે આવશે એની કલ્પના નહોતી !

એક સવારે ટેબલના ખાનાની ભીતર એ (સફરજન) ફદફદિતાવસ્થામાં જણાયું. રક્તપિત્તની અંતિમ અવસ્થાનો રોગી જગતના ફિટકારથી બચવા અંધકારમય સ્થળે છુપાઈ બેઠો હોય એવું દારુણ એ દશ્ય હતું. જીવન પ્રત્યે વૈરાગ્ય પ્રગટે એ પહેલાં હું ઝટ ઝટ લખવા બેસી ગઈ. હવે તો વાતાવરણ પણ તૈયાર હતું ! (સફરજનના) સડામાં સુગંધ ભળી હતી, જે નાસિકા વાટે મગજમાં પ્રસરીને મને ઉત્તેજિત (અસ્વસ્થ) કરતી હતી. મેં વેધક નજરે આકાશ તરફ જોયું. આકાશમાં કૂવો હોય, કૂવામાં વિચારો હોય અને વિચારોને ખેંચવાના હોય, એમ મગજમાં રુધિરાભિસરણ તેજ થાય એ વાસ્તે કેટલીક વાર માથું ખણ્યું. ‘ચાલતાનું નસીબ ચાલે…’ મુજબ આઠ-દસ વાર ઘરમાં આંટા માર્યા. પ્રેરણા હવામાં અદશ્યરૂપે હોય છે, એવું સાંભળ્યું હતું એટલે કેટલાક ઊંડા શ્વાસ ખેંચ્યા. પણ પ્રેરણા ન આવી. કામવાળી ઝમકુડી આવી.
‘બુન, આ માથું ફાટી જાય એવી ગંધ હેની (શેની) આવે સે ?’
‘તું ત્રણ દા’ડાથી નાહી નહીં હોય, એટલે જ… જા, નાહીને આવ…’ કહીને એને કાઢી મૂકી. જો કે વાત તો એની ખરી હતી. સડેલાં સફરજનની ખાટી-તૂરી-કડવી ગંધ ઘરમાં ચૉમેર પ્રસરી ગઈ હતી. થોડી વાર રહીને ટપાલી આવ્યો. ‘બહેન, અહીં ગટર ઊભરાઈ લાગે છે…. બહુ વાસ આવે છે સવેળા કમ્પ્લેન કરજો, નહીંતર સુધરાઈવાળા તો ખબર છે ને…..’
‘ભલે ભલે, તું તારે જા…..’ કહીને એનેય વિદાય કર્યો. એવામાં કયામત જેવા કંચનકાકી આવ્યાં. આ ભારાડી બાઈએ માછલી-મટનથી લઈને એના આગળના ક્ષેત્રો સુધી ગજું કાઢેલું. એમના પતિ આઝાદીથી લડાઈમાં ખપી ગયેલા ત્યારથી દેશની સાથે સાથે એ પણ આઝાદ થઈ ગયેલાં.

ઘરમાં પહેલો પગ મૂકતાં જ એ અટકી ગયાં અને પોલીસના કૂતરાની માફક ચૉમેર સૂંઘવા મંડ્યાં. પછી મારી નજર આવીને ધીમેથી કહ્યું :
‘આ બધું ક્યારથી ચાલુ કર્યું ?’
‘આ બધું એટલે ? હું સમજી નહીં…’
‘બેસ બેસ હવે બહુ ડાહી થા મા.’ તારી આ કંચનકાકી દુનિયા ફરેલી છે, હમજીને ! ચાલ ત્યારે મઝ્ઝા કર..!’ હું ખુલાસો કરું એ પહેલાં એ ભરતીના મોજાની સ્પીડે નીકળી ગયાં. બહાર જઈને એમણે દુનિયામાં મારી ખ્યાતિ ફેલાવી કે શી ખબર પણ ત્યારબાદ એક પછી એક હમદર્દો આવવા માંડ્યા.
‘કેમ છે ’લી ? મઝામાં ને ! મમ્મી બહારગામ ગયાં લાગે છે નહીં ? જો જે ઘરની બહાર નીકળતી નહીં. બારી-બારણાં વાસીને રાખ. ઠેઠ બહાર સુધી વાસ આવે છે – તબિયત સાચવજે… લીંબુપાણીની જરૂર હોય તો કહેજો. તમે લેખકો તો આવું બધું લો, નહીં ?’
હું તો સજડબંબ થઈ ગઈ ! કિંકર્તવ્યમૂઢ થઈ ગઈ. આ બધું શું થઈ રહ્યું છે ! હવે શું કરવું… એવું વિચારતી હતી ત્યાં તો બારણે એક અજાણ્યો માણસ દેખાયો.
‘કેમ છો…. મઝામાં ને !’ મને વર્ષોથી ઓળખતો હોય એવી છટાથી એ બોલ્યો.
‘જી, મઝામાં… તમે કોણ ?’
‘હં ચિમન ! ઝબક સોસાયટીમાંથી આવું છું. પેલું છે ?’
‘પેલું ?’
એ પીળા દાંત સાથે ખંધુ હસ્યો : ‘હું દવાની વાત કરું છું…..’
‘દવા ? એ તો સોસાયટીની બહાર ફાર્મસી છે એમાં મળશે….’
‘તમે સમજ્યાં નહીં. દવા એટલે ‘માલ…..’
‘માલ ?’
‘હંઅ…. મેં સાંભળ્યું છે કે અહીં…. ખેર, બહુ અરજન્ટ છે એટલે…. મારા એક સંબંધી મુંબઈથી આવ્યા છે એમને રોજ લેવાની આદત છે….’
‘ભાઈ, તમે કંઈક ગેરસમજ કરી રહ્યા છો…’
‘એમાં ગેરસમજશાની ! વાસ તો આવે છે ! એવું હોય તો પાંચપચ્ચી વધારે લઈ લેજો…’
‘જુઓ ભાઈ, તમે શું કહો છો એ મને સમજાતું નથી….’
‘ઓ.કે… બે આપો….’
‘ગેટ આઉટ !’

કહેવાની જરૂર નથી કે પ્રેરણાના એ સ્ત્રોતનો મારે ભારે હૈયે નિકાલ કરવો પડ્યો. ‘માણસ મરી જાય છે, પણ એનાં કર્મોની સુવાસ રહે છે…’ એ સૂત્ર મુજબ સફરજનની વિદાય બાદ પણ ત્રણ દિવસ સુધી ટેબલના ખાનામાં એની સુવાસ રહેલી. પણ પ્રેરણા તો જાણે સફરજનની સાથે જ સ્વર્ગસ્થ થઈ ગયેલી !
‘શીલર ગમે ત્યાં જન્મી શકત; પણ ભારતમાં તો નહીં જ.’ હું મનોમન બબડી એવામાં રૂપલનો ફોન આવ્યો.
‘અલી, તને પ્રેરણા જોઈએ છે ને ? આજના પેપરના પાન નં સાત પર છપાયું છે કે ટ્રેઝર આયલૅન્ડના લેખક આર. એલ. સ્ટીવન્સનને ગધેડા પર બેસવાથી પ્રેરણા મળતી હતી….’

હવે તો લેખકમિત્રો અને વાચકમિત્રો સમજી ગયા હશે કે હું ઓછું કેમ લખું છું.