એસિયલ હોવ – ડૉ. સુનીતા

[ શ્રદ્ધાથી શિખર જીતી વિશ્વને બદલનારા મહામાનવોની જીવનગાથાઓના પુસ્તક ‘શ્રદ્ધાથી શિખર જીતનારાં’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

asialએમ તો વિજ્ઞાને હજારો વસ્તુઓની શોધ કરી છે, જેમનાથી આપણું જીવન આરામદાયક બન્યું તથા એમના કારણે અનેક તકલીફો તથા મૂંઝવણોથી આપણે બચ્યા. પરંતુ આ શોધોમાં સિલાઈ મશીન સૌથી જુદી જ તથા અદ્દભુત શોધ છે. એટલા માટે કે એ ઘર-ઘરમાં વપરાતી ચીજ છે અને લગભગ દરરોજ એની જરૂર પડે છે. કદાચ એટલા જ માટે સ્ત્રીઓનું તો એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. એક મોટા લેખકે કહ્યું, ‘હળ પછી કદાચ સીવણયંત્ર જ વિજ્ઞાનની એવી શોધ છે, જેણે આપણા જીવનમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું.’ એમ તો ખોરાક પછી કપડાં જ તો મનુષ્યની સૌથી મોટી અને મૂળ જરૂરિયાત છે.

સીવણયંત્રની શોધ અમેરિકન વિજ્ઞાની એલિયસ હોવે કરી હતી. પણ એલિયસ હોવ પુસ્તકિયા વિજ્ઞાની નહોતા. ન તો એમણે વિજ્ઞાનનું કોઈ વ્યાવહારિક શિક્ષણ લીધું હતું. એમણે પુસ્તકોથી નહીં, જીવનના ખુલ્લા વિશ્વવિદ્યાલયમાં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું અને જાતે પ્રયોગ કરીને શીખ્યા હતા. સીવણયંત્રની શોધ કરનારા ખંતીલા વિજ્ઞાની હોવનું જીવન કેટલું કઠિન તથા સંઘર્ષપૂર્ણ હતું અને કેટલી ચઢતી-પડતીમાંથી પસાર થયા બાદ એમને સફળતા મળી, એ સ્વયં કોઈ રોમાંચક કથાથી ઓછું નથી. વાસ્તવમાં હોવ એક કારખાનામાં મિકેનિક તરીકે કામ કરતા હતા. એમના પિતા સારા ખેડૂત હતા, પરંતુ એલિયસ હોવ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માગતા હતા. આથી પિતાનું ઘર છોડીને એમણે એક સાધારણ મિકેનિકનું કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ હોવે પોતાના માલિકને કોઈ સાથે વાત કરતા સાંભળ્યા. એમના માલિકનું કહેવું હતું – ‘કેવું સારું, કોઈ કપડાં સીવવાનું મશીન બનાવે તો. એનાથી દુનિયાનું ખૂબ કલ્યાણ થશે. વળી આપણને એની જરૂર પણ છે.’ બસ, તે દિવસે હોવે નક્કી કરી લીધું કે ગમે તે થઈ જાય, તેઓ સીવણયંત્ર બનાવીને જ જંપશે.

તે સમયે એલિયસ હોવની આર્થિક સ્થિતિ સારી નહોતી. છતાં એમણે નોકરી છોડી દીધી. પોતાના સામાન તથા કુટુંબીઓને સાથે લઈને પિતાના ફાર્મ પર આવી ગયા અને પોતાના પ્રયોગોમાં લાગી ગયા. પણ એક દિવસ એમની તે નાનકડી પ્રયોગશાળામાં આગ લાગી ગઈ અને એમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું. હોવ અત્યંત નિરાશ થઈ ગયા. ઉપરથી ઘરનાં માણસો એમને મહેણાં મારતાં હતાં. ઘરની હાલત સારી નહોતી, છતાં એમના મનમાં સીવણયંત્ર સિવાય બીજી કોઈ બાબત ઠસતી જ નહોતી. એમણે પોતાના એક જૂના મિત્ર જ્યૉર્જ ફિશરને આની વાત કરી. ફિશરે એમને મદદ કરવાની ખાતરી આપી. હોવ સપરિવાર ફિશરને ત્યાં રહેવા લાગ્યા અને પોતાના કામમાં મંડી પડ્યા.

આખરે મશીન તૈયાર થયું, પરંતુ હજી એમાં થોડી-ઘણી કચાશ હતી. એક તો કાપડને આગળ ધપાવવા માટે થોડી વ્યવસ્થા કરવાની હતી. બીજી મુશ્કેલી એ હતી કે થોડાક ટાંકા પછી અટકવું પડતું હતું અને ફરીથી મશીનને ચાલુ કરીને આગળ કામ કરવું પડતું હતું. હોવે આ તકલીફોનો ઈલાજ પણ શોધી કાઢ્યો. આખરે મશીન ખૂબ સારી રીતે કામ કરવા લાગ્યું. હોવે તેના પર પોતાનો તથા ફિશરનો સૂટ સીવ્યો. ખરેખર મશીનનું કામ ખૂબ જ સંતોષકારક હતું. ફિશર તો આ જોઈને ઊછળી પડ્યો. અત્યાર સુધીમાં મશીન બનાવવામાં ખૂબ ખર્ચ થઈ ગયો હતો. આ તમામ ખર્ચ ફિશરે જ કર્યો હતો. એને આશા હતી કે હવે આ મશીનો ધડાધડ વેચાશે અને એનું બધું ધન પાછું આવી જશે. ફિશર અને હોવે અનેક જગ્યાએ આ મશીનનું પ્રદર્શન કર્યું. પરંતુ કોઈએ તેને ખરીદવામાં રસ ન દાખવ્યો, બલકે દરજીઓ તો એમની વિરુદ્ધ થઈ ગયા. વિચારવા લાગ્યા કે આ મશીનના આગમનથી એમની રોજી જતી રહેશે.

હવે હોવ પાછા નિરાશ થવા લાગ્યા. જે મશીનને બનાવવા માટે એમણે આટલાં કષ્ટ વેઠ્યાં હતાં, તેને લોકો આ રીતે ધુત્કારે, તે એમનાથી સહન થઈ શકતું નહોતું. પરંતુ તેમનું મન કહેતું હતું કે આજે નહીં તો કાલે લોકો આનું મહત્વ સમજશે. આખરે બોસ્ટનમાં કપડાં બનાવનારી ફેક્ટરીના માલિક સાથે એમણે વાત કરી. માલિકે મશીન જોયું તો એને ઘણું આશ્ચર્ય થયું. તેણે એક સ્પર્ધાનું આયોજન કર્યું. એક બાજુ હાથ વડે સીવનારી કુશળ સ્ત્રીઓ હતી, બીજી બાજુ હોવ. પાંચેય સ્ત્રીઓને એક-એક કપડું આપવામાં આવ્યું અને એકલા હોવને એ જ આકારના પાંચ ટુકડા. તેઓમાંથી કોઈ સ્ત્રી હજી એક કપડું પણ સીવી શકી નહોતી કે હોવે સીવણ મશીન વડે પાંચ કપડાં સીવીને બતાવી દીધાં. છતાં ફેક્ટરીનો માલિક તે મશીનને ખરીદવા માટે તૈયાર ન થયો. હા, જોનારાઓએ તેની ખૂબ જ પ્રશંસા કરી. ત્યાર પછી હોવે વૉશિંગ્ટન જઈને મશીનનું પેટન્ટ કરાવ્યું, છતાં મશીનનો કોઈ ઘરાક આગળ ન આવ્યો. અત્યાર સુધીમાં ફિશર પણ કંટાળી ગયો હતો અને વધારે ખર્ચ કરવાની તેની સ્થિતિ ન હતી. તેણે હોવને સ્પષ્ટ જણાવી દીધું – ‘ભાઈ, હવે તારો અને તારા પરિવારનો બોજ ઉઠાવવો મારા માટે શક્ય નથી.’ હોવ પોતાનાં પત્ની-બાળકોની સાથે ફરીથી રસ્તા પર આવી ગયા.

shraddhaથોડા સમય પછી એલિયસ હોવ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે પોતાના મશીનનાં અનેક પ્રદર્શનો કર્યાં. લોકો તેની શોધની ખૂબ જ પ્રશંસા કરતા, પરંતુ તેને કોઈ ખરીદવા આવતું નહીં. ત્યાં સુધી કે લંડનમાં એક વ્યક્તિએ હોવના સીવણયંત્રને પોતાના નામ પર પેટન્ટ કરાવવાની કોશિશ કરી. હોવ નિરાશ થઈ ગયા હતા. તેઓ જ્યારે લંડનથી પાછા ફર્યા, એમની પાસે પોતાની યાત્રાના ખર્ચ માટે ધન પણ નહોતું. એમણે પોતાના પેટન્ટ અંગેના કાગળ ગિરવે મૂકીને થોડું ધન મેળવ્યું અને પરિવારને પાછો મોકલી દીધો. પછી તેઓ એક જહાજ પર રસોઈયાનું કામ કરીને અમેરિકા આવ્યા. અહીં આવીને તેમણે જોયું, તેમની પત્ની મરણપથારી પર પડી છે. પત્નીના મૃત્યુ પછી હોવ બિલકુલ તૂટી ગયા. એમની આ પીડા ત્યારે અધિક વધી ગઈ જ્યારે તેમણે છાપામાં સીવણયંત્ર વિશે વાંચ્યું. સમાચારમાં મોટા અક્ષરે લખ્યું હતું – ‘સીવણયંત્ર : એક મહાન શોધ.’ એલિયસ હોવ એ આખા સમાચાર વાંચી ગયા, પણ એમાં ક્યાંય એમના નામનો ઉલ્લેખ નહોતો. લંડનમાં એમણે પોતાના સીવણયંત્રનાં અનેક પ્રદર્શનો કર્યાં હતાં. લોકોએ જોઈ-જોઈને એવાં જ મશીનો બનાવી નાખ્યાં અને ખૂબ પૈસા કમાવા લાગ્યા. તેઓ એ ભૂલી ગયા કે સીવણયંત્રને હોવ પોતાના નામથી પેટન્ટ કરાવી ચૂક્યા હતા.

એક દિવસ હોવ આઈ.એ.સિંગરનો શોરૂમ જોવા ગયા. ત્યાં એવું જ સીવણયંત્ર જોઈને એમને આઘાત લાગ્યો. હવે કેસ લડવા સિવાય કોઈ છૂટકો ન હતો. પરંતુ હોવ પાસે તો થોડું-ઘણું પણ ધન નહોતું. પેટન્ટના કાગળ તો તેઓ પહેલેથી જ લંડનમાં ગિરવે મૂકી ચૂક્યા હતા. આખરે એક શ્રીમંત માણસે હોવને મદદ કરવાનું નક્કી કર્યું. તેઓ વર્ષો પહેલાં હોવના સીવણયંત્રનું પ્રદર્શન જોઈ ચૂક્યા હતા અને તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ મદદથી હોવના મનમાં ફરી આશાનો સંચાર થયો. અદાલતનો નિર્ણય હોવના પક્ષમાં ગયો. એમને વિજય મળ્યો તથા આખા જગતે આદરપૂર્વક એમને સીવણયંત્રના શોધકના રૂપમાં સન્માન તથા માન્યતા આપી. હોવે સીવણયંત્ર તૈયાર કરવાની પોતાની કંપની શરૂ કરી. જોતજોતામાં તેઓ ખૂબ જ શ્રીમંત બની ગયા. પરંતુ પોતાની ગરીબીને તેઓ ક્યારેય ભૂલ્યા નહોતા અને આજીવન ગરીબોને મદદ કરતા રહ્યા. મૃત્યુના થોડા મહિના પહેલાં હોવના પેટન્ટનું નવીનીકરણ થવાનું હતું, પણ એમણે ના પાડી દીધી. એમણે કહ્યું : ‘હું ચાહું છું, જે પણ ઈચ્છે તે સારું સીવણયંત્ર બનાવે, કેમકે એનાથી આખરે ગરીબોનું કલ્યાણ થાય છે અને લાખો લોકોને રોજી મળે છે.’

આ કહેતી વેળા જરૂર હોવની આંખોમાં પોતાની પત્નીનો ચહેરો રહ્યો હશે, કેમકે હોવ જ્યારે સાધારણ મિકેનિક હતા, ત્યારે કેવળ તેમની કમાઈથી જ ઘરનો ખર્ચો નહોતો ચાલતો. હોવની પત્નીને પણ હાથે સિલાઈ કરીને એમને સાથ આપવો પડતો હતો. ઘણી વાર તેઓ મોડી રાત સુધી કપડાં સીવતાં રહેતાં અને હોવ મનોમન વિચારતા રહેતા, ‘ભગવાન કરે, હું કોઈ રીતે મારાં પત્નીનો ભાર હળવો કરી શકું.’

અને ખરેખર સીવણયંત્રની શોધ કરીને હોવે કરોડો ગૃહિણીઓને સુખ અને આરામ પહોંચાડ્યાં છે.

[કુલ પાન : 126. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓછું કેમ લખો છો ? – રિદ્ધિ દેસાઈ
હરિવર તમને – અશોક ચાવડા Next »   

14 પ્રતિભાવો : એસિયલ હોવ – ડૉ. સુનીતા

 1. કુણાલ says:

  amazing …

 2. nayan panchal says:

  હોવે અને સિંગરની લુચ્ચાઈ અગાઉ વાંચી હતી, પરંતુ હોવેના જીવનમાં આટલી કરુણા પણ હતી તે ખબર ન હતી. આટલી મુશ્કેલીઓ સામે ટકી રહેવુ જ ઘણી મોટી વાત છે. સલામ.

  આભાર.

  નયન

 3. Amit Patel says:

  હજારો સલામ હોવને.

 4. Maharshi says:

  ખુબ જ સુંદર અને પ્રેરક કથા….

  લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
  ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
  મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
  ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
  આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
  કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

  – હરિવંશરાય બચ્ચન

 5. Harshad Patel says:

  Self confidence can achieve great things. Very inspiring story.

 6. khyati says:

  લેખ નુ ટાઇટલઃ એલિયાસ હોવે
  હોવુ જોઇએ.

 7. BINDI says:

  અદ્ ભૂત અને જાણકારી યુકત લેખ.
  આભાર.

 8. Neepra says:

  હોવેના જીવનમાં રહેલી કરુણા જ એનું જીવનબળ બની રહી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.