વૃત્તિઓ અને આવેશ – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબહેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો. ]

[1] અપેક્ષાઓ અને આશાઓ

ન રાખું આશા કદી કોઈ પાસ
પછી કરે કોણ મને નિરાશ ?
(રમણલાલ સોની)

આ દુનિયામાં દરેક વ્યક્તિ અલગ અલગ કાર્યો કરી રહી છે, આ દરેક કાર્યો કરવા પાછળ તેનો અલગ-અલગ હેતુ છે. દરેક વ્યક્તિ પોતાનાં સ્વાર્થની કાર્યો કરે છે. જ્યારે સ્થુળ રીતે કોઈ વળતરની અપેક્ષા ન હોય ત્યારે પણ સુક્ષ્મમાં એવો ભાવ રહેલો હોય છે કે કોઈક તેનાં કાર્યને બિરદાવે. પોતાના કાર્યની પ્રશંસા કરે. થોડાં જ એવા વિરલાઓ હોય છે કે તેઓ કોઈપણ કાર્ય સ્વાર્થથી નહીં પરંતુ પરમાર્થનાં ભાવથી કરતા હોય છે. વાત માત્ર કાર્યો પૂરતી સીમિત નથી. માણસ પોતાના સંબંધોની સીમમાં પણ અપેક્ષા અને આશાઓનું વાવેતર કર્યા જ કરે છે. અને જો તે અપેક્ષા કે આશા ઊગી ન નીકળે તો સંબંધોમાં પાનખર આવી જાય છે.

દરેક વ્યક્તિને જશની અપેક્ષા હોય છે. ઘણા લોકોને તો એવું લાગતું હોય છે કે તેમના ભાગ્યમાં અપજશ જ લખાયો છે. આવા લોકો હંમેશા પોતાની કોરી ભાવનાઓને દરેકની પાસે ઠાલવતા રહે છે. તેઓની ફરિયાદની યાદી ઘણી લાંબી હશે અને સંતોષની યાદી ઓછી. આવા લોકોને જ્યારે જ્યોતિષ અમસ્તુ જ કહી દે કે તમે ઘણું બધુ કરો છો પણ તમને જશ નથી મળતો. આવા સંવાદો સાંભળીને મોટે ભાગે દરેક વ્યક્તિની આંખોમાં સંતોષની ઝલક જોવા મળે છે. તેને થાય છે કે દુનિયામાં એક વ્યક્તિ તો છે કે જેને ખબર છે કે મારા ભાગ્યમાં આપવાનું જ લખેલું છે.

માણસ શા માટે આવી ભાવનાઓનો શિકાર બને છે ? કારણ કે માણસની અપેક્ષાઓનું પ્રમાણ વધુ હોય છે. અપેક્ષાઓ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે અને જ્યારે સામે પ્રતિભાવ ન મળે ત્યારે લાગણીઓમાં ઓટ આવવા લાગે છે. એક વ્યક્તિ તેનાં મિત્ર સાથે દરરોજ ફરવા જતો. ધીમે-ધીમે ફરવા જવાનો ક્રમ બની ગયો હતો. ધીરે ધીરે તે ક્રમ મહિનાઓમાં પરિવર્તિત થઈ ગયો. બંને જે રસ્તા પર સાથે ફરવા નીકળતા તે રસ્તા પર આવતાં એક કોફી શૉપમાં સાથે કોફી પીતા. પરંતુ બંને જણા જ્યારે કોફી પીને કાઉન્ટર પર પૈસા ચુકવવા જતા ત્યારે હંમેશા એક જ વ્યક્તિનો હાથ પૈસા ચૂકવવા માટે લાંબો થતો. બીજા મિત્રએ ક્યારેય પૈસા ચૂકવવાની ઉદારતા દાખવી ન હતી. જ્યારે આવો રોજિંદો ક્રમ બની ગયો ત્યારે તેનાં મિત્રને એક વખત લાગ્યું કે, મારાં મિત્રને એક વખત તો એવું થવું જ જોઈએ કે આજે હું મારાં મિત્ર માટે કંઈક કરું. દરરોજ કૉફી શૉપની બહાર નીકળીને એક વખત તેને એવો વિચાર આવી જતો. પરંતુ હંમેશા તેની આશાને નિરાશા જ સાંપડતી. ધીરે ધીરે અપેક્ષાની પકડ મજબૂત થવ લાગી અને સંબંધની પકડ નબળી થવા લાગી. તેને હંમેશા થતું કે હું કમનસીબ છું કે મને મિત્ર પણ સ્વાર્થી જ મળ્યો છે.

પરંતુ અચાનક એક દિવસ તેનો અકસ્માત થયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે તેનાં મિત્રને આ વાતની ખબર પડી ત્યારે, તરત જ તે તેમનાં મિત્રની ખબર અંતર પૂછવા હૉસ્પિટલ પર પહોંચી ગયો. માત્ર ખાલી હાથે નહીં પણ કૉફી ભરેલાં થર્મોસ સાથે. તેનો મિત્ર ઘણા સમય સુધી હૉસ્પિટલમાં રહ્યો. પરંતુ જ્યાં સુધી તે હૉસ્પિટલમાં રહ્યો ત્યાં સુધી તેનાં મિત્રને કૉફી પાવાનો ક્રમ પણ ન તૂટ્યો. એક દિવસ પેલા મિત્રથી રહેવાયું નહીં તેણે કહ્યું કે, ‘તું શા માટે દરરોજ મારા માટે આટલા કષ્ટ ઉઠાવે છે. હવેથી મારાં માટે કૉફી ન લાવતો.’ જવાબમાં મિત્રએ એટલું જ કહ્યું કે, ‘દોસ્ત ! આ તો મારી ફરજ છે. અત્યારે મને તારી સાથે પીધેલાં દરેક કોફીનાં કપનું ઋણ અદા કરવાની તક મળી છે. હવે મને મારું કામ કરવા દે.’ ત્યારે તેના મિત્રને થયું કે આ દુનિયામાં મારાથી વધારે કોઈ નસીબદાર નહીં હોય કે મને આટલો સારો મિત્ર મળ્યો છે.

બસ, દરેક સંબંધોનું આવું જ હોય છે. પોતાની અપેક્ષાનાં ત્રાજવામાં દરેક વ્યક્તિનું તોલમાપ કરે છે. અને જો એ વ્યક્તિ તે કસોટીમાંથી પાર ન થાય તો નિરાશ થઈ જાય છે. અને જો પાર ઉતરી જાય તો ખુશ થઈ જાય છે. હકીકતે ઘણી વખત આપણને જે અપેક્ષા હોય છે તેનો સામે વાળી વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો, અને આમ પણ કોઈ કોઈના માટે કંઈ કરતું નથી. માત્ર સંજોગો જ માણસ પાસે બધું કરાવે છે. સમયથી અદ્દભુત કોઈ ડૉક્ટર નથી. સમય દરેક વ્યક્તિનાં કૃત્યો અને ભાવનાઓની અદ્દભુત નોંધ રાખે છે. આપણને તેનો કોઈ તાળો મળે એમ નથી. સમય હંમેશા કોફીનાં કપનો જવાબ કોફી ભરેલાં થર્મોસ રૂપે આપે છે. પરંતુ શું એ સમયની રાહ જોવા માટેની ઉદારતા આપણે બતાવી શકીએ ખરા ? અને જો બતાવી શકીએ તો પછી આપણને ક્યારેય કોઈ વ્યક્તિ પાસેથી આશા નહીં રહે. તેથી જ કોઈ નિરાશા પણ નહીં રહે.
.

[2] ક્રોધ એક આવેશ

ગુસ્સો કે ક્રોધ એ કુદરતી આવેશ છે. પરંતુ જો તેનું પ્રમાણ વધી જાય તો સૌથી વધુ નુકશાન વ્યક્તિને પોતાને જ થાય છે. જ્યારે ગુસ્સામાં આવીને કોઈ પણ વ્યક્તિ પગથી પથ્થરને ઠોકર મારે ત્યારે તે પથ્થરને નહીં પોતાના પગને જ ઈજા પહોંચાડે છે. ક્રોધ એ એવી નબળી ક્ષણ છે કે ત્યારે વ્યક્તિ સારા-નરસાંનું બધું જ ભાન ભૂલી જાય છે. એટલે જ જે વ્યક્તિ પોતાની જાત પર કાબૂ રાખી શકે છે તે દરેક વ્યક્તિને વશમાં કરી શકે છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે અને એ સ્વભાવ જ આખરે માણસની ઓળખાણ બની જાય છે. જીવનપર્યંત અને જીવન પૂરું થયા પછી પણ મોટે ભાગે માણસને તેનાં સ્વભાવ અને તેની ખાસિયતોને આધારે જ યાદ કરવામાં આવે છે.

માણસનો સ્વભાવ તેનાં જીવનનાં દરેક ક્ષેત્રને સ્પર્શે છે. તેમનાં સંબંધો, વ્યવસાય, કુટુંબજીવન વગેરે દરેકને અસર કરે છે. ઘણી વખત ક્ષણિક ગુસ્સાને કારણે માણસનાં અમૂલ્ય સંબંધો પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ તેનાં વ્યવસાયને સૌથી વધુ અસર કરે છે. જે વેપારી વારંવાર ગુસ્સે થતાં હોય તેમની દુકાને ગ્રાહક બીજી વખત જવાનું ક્યારેય પસંદ કરતા નથી. કહેવાય છે કે કાશ્મીરમાં જઈને પણ ફ્રીઝ વેચી આવે તેનું નામ સાચો સેલ્સમેન ! આવા સેલ્સમેન હંમેશા પોતાના સ્વભાવ ને કારણે જ જંગ જીતી જતાં હોય છે. એટલે જ કોઈકે સરસ કહ્યું છે કે ગુસ્સે થવું એ સરળ બાબત છે પરંતુ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ સાથે ગુસ્સે થવું એ સહેલી વાત નથી.

એક વખત એક બોસે આવેશમાં આવીને તેમનાં કર્મચારીની ભૂલ બદલ તેને ખૂબ જ ઠપકો આપ્યો. એટલી હદે કે તેમની પોતાની તબિયત બગડી ગઈ. બી.પી. વધી ગયું. તેમ છતાં, તેમણે કર્મચારી પર ઉગ્ર રોષ ઠાલવ્યો. આખરે કર્મચારી જેવો બોસની ઑફિસમાંથી બહાર નીકળ્યો કે તરત જ તેણે પોતાનાં સહકમર્ચારી સામે સ્મિત વેરીને કહ્યું કે, ‘મેં તો બધું જ ખંખેરી નાખ્યું છે. જ્યારે બોસ ઠપકો આપતા હતા ત્યારે મેં મારાં કાન બંધ જ રાખ્યા હતાં. આમ, જ્યાં કળ વાપરવાની જરૂર હોય ત્યાં બળ વાપરવાથી કોઈ ફાયદો થતો નથી. ઊલ્ટું, નુકશાન પોતાને જ થાય છે. આમ પણ વારંવાર ગુસ્સે થતાં હોય તેવાં બોસ, શિક્ષક કે મિત્રને કોઈ પસંદ કરતું નથી.

કડવાશ એ કૅન્સર જેવી છે તે હંમેશા ધીમે-ધીમે સડો ઉત્પન્ન કરે છે. પરંતુ ક્રોધ એ અગ્નિ જેવો છે તે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે બધું જ બાળી નાખે છે. પછી પસ્તાવા સિવાય કંઈ બચતું નથી. એક વખત એક ટ્રક ડ્રાઈવરે નવો ટ્રક ખરીદ્યો. તે ખૂબ જ ખુશ હતો. તેનો નાનકડો પુત્ર પણ ત્યાં રમતો હતો. તેના હાથમાં હથોડી હતી. રમતમાં ને રમતમાં તે હથોડી ટ્રક પર ઠોકવા લાગ્યો. તેથી ટ્રકનો રંગ એક જગ્યાએથી સ્હેજ ઊખડી ગયો. તેમાં લિસોટો પડી ગયો. આ જોઈને ટ્રક ડ્રાઈવરને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે તેના પુત્રના હાથમાંથી હથોડી લઈ તેના હાથ પર મારી. થોડીવાર પછી તેને પોતાના ક્રોધનું ભાન આવ્યું અને તરત જ તે પોતાના પુત્રને હૉસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે હાથનું ઑપરેશન કર્યું. પરંતુ ડૉક્ટર તેની તૂટેલી આંગળીઓને બચાવી શક્યા નહીં. જ્યારે ઑપરેશન બાદ પુત્ર ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાના પિતા સમક્ષ માફી માંગી. પરંતુ પછી તેણે તરત જ પૂછી લીધું કે : ‘હવે મારી આંગળી ક્યારે ઊગશે ?’ આ સવાલ સાંભળી ને તેના પિતાનું હૃદય હચમચી ગયું. જવાબમાં માત્ર આંખોમાં આંસુ હતાં. તે એકપણ શબ્દ બોલી શક્યા નહીં. એ જ દિવસે તેમનાં પિતા એ આત્મહત્યા કરી લીધી.

ટ્રકનું સમારકામ તો હજુ પણ થઈ શક્યું હોત પરંતુ તૂટેલું તન અને તૂટેલું મન ક્યારેય જોડી શકાતા નથી. વસ્તુ અને વ્યક્તિ વચ્ચે બહુ મોટો તફાવત છે. પરંતુ કમનસીબે ક્યારેક વસ્તુ સાથે વ્યક્તિ જેવો અને વ્યક્તિ સાથે વસ્તુ જેવો વ્યવ્હાર કરવામાં આવે છે. એટલે જ જ્યારે કોઈના હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય, કાચનો પ્યાલો ફૂટી જાય કે પછી આપણી ગમતી વસ્તુ કોઈથી તૂટી જાય કે ખોવાઈ જાય ત્યારે ગુસ્સો કરતા પહેલા એક વખત વિચારી લેવું કે વસ્તુ જ ગુમાવી છે ને વ્યક્તિ તો નહીં ? વસ્તુ તો બજારમાંથી નવી પણ મળી જશે પરંતુ વ્યક્તિ ક્યારેય નહીં મળે. માનવીનું હૃદય ફૂલ જેવું હોય છે, ઝાકળ ધીમે ધીમે પડે તો ફૂલ ઉઘાડું રહે છે, પણ મુશળધાર વરસાદ પડે તો તે બીડાઈ જાય છે.

ક્ષણિક ગુસ્સા કે ક્રોધની અસરકારક દવા એ છે કે લાંબા અંતરે ચાલવા નીકળી પડો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિવર તમને – અશોક ચાવડા
પદ્યરચનાઓ – સંકલિત Next »   

36 પ્રતિભાવો : વૃત્તિઓ અને આવેશ – તન્વી બુચ

 1. Keyur says:

  Tanvi

  Both articles are very nice Keep it up

  ક્ષણિક ગુસ્સા કે ક્રોધની અસરકારક દવા એ છે કે લાંબા અંતરે ચાલવા નીકળી પડો.

  ન રાખું આશા કદી કોઈ પાસ
  પછી કરે કોણ મને નિરાશ ?
  (રમણલાલ સોની)

  Keyur

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  “માનવીનું હૃદય ફૂલ જેવું હોય છે, ઝાકળ ધીમે ધીમે પડે તો ફૂલ ઉઘાડું રહે છે, પણ મુશળધાર વરસાદ પડે તો તે બીડાઈ જાય છે.”

 3. Urmila says:

  well written – Articles like these are inspiring and describes the bitter truth of uncontrollable Anger – I would send this article to my friends and also store in my computer for future reading

 4. પ્રેરણાદાયક લેખ..

  તુટેલું તન તો કદાચ જોડી શકાય પરંતુ તુટેલું મન કદાચ જોડી ના શકાય…
  આ મનને જો સાંધી શકવામાં વિજયી બનીએ તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય અને તે માટેનુ
  પ્રથમ પગથિયું.. ધૃણાનો ત્યાગ..!!

  કઈંક અવનવું..

 5. Buch Malav says:

  hi, dear tanvi,

  good articles..as it is based on the real fact i appriciate it.
  Buch Malav M.

 6. pragna says:

  “જ્યારે ગુસ્સામાં આવીને કોઈ પણ વ્યક્તિ પગથી પથ્થરને ઠોકર મારે ત્યારે તે પથ્થરને નહીં પોતાના પગને જ ઈજા પહોંચાડે છે.” સરસ લેખ.

 7. Ambaram K Sanghani says:

  તન્વીબેન,
  સરસ લેખો ! આપના અગાઊનાં લેખો પણ વાંચવાની મજા આવી હતી. તમે લખતા રહો, અમે વાંચતા રહીશું.

 8. Jayprakash Vyas says:

  તન્વીબેન,

  લેખ વાંચતા સ્પર્શે છે બે શબ્દો એક છે સમય અને બીજો સ્વભાવ ….!

  આમેય સંબંધોની સીમના અવકાશમાં,
  “સમય અને સ્વભાવ પકડાય નહિ ગતિશીલ
  તકાજો બદલાતા વખત આવ્યે બન્નૅ પરખાય જ છે”.

 9. Rajanikant Mehta says:

  Nice article. This some thing we need to remind our self
  every day. Compliments to Tanviben.

  “સમય હંમેશા કોફીનાં કપનો જવાબ કોફી ભરેલાં થર્મોસ રૂપે આપે છે. પરંતુ શું એ સમયની રાહ જોવા માટેની ઉદારતા આપણે બતાવી શકીએ ખરા ? ”

  “એટલે જ જ્યારે કોઈના હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય, કાચનો પ્યાલો ફૂટી જાય કે પછી આપણી ગમતી વસ્તુ કોઈથી તૂટી જાય કે ખોવાઈ જાય ત્યારે ગુસ્સો કરતા પહેલા એક વખત વિચારી લેવું કે વસ્તુ જ ગુમાવી છે ને વ્યક્તિ તો નહીં ? વસ્તુ તો બજારમાંથી નવી પણ મળી જશે પરંતુ વ્યક્તિ ક્યારેય નહીં મળે.”

 10. BINDI says:

  ખુબ જ સરસ!!!
  કંઈક જાણવા જેવુ,સમજવા જેવું અને જીવન માં ઉતારવા જેવું!!!!!
  આભાર!!!

 11. Veena Dave, USA says:

  તન્વીબેન, ખુબ સરસ લેખ. keep it up.

 12. jaykant jani says:

  જે મળે જ્યારે મળે તેને વઘાવો પ્રેમ થી
  સાગર મળે કે ગાગર તેને વઘાવો પ્રેમ થી

  પૈર કો રાખો ગરમ્
  પેટ્કો રાખો નરમ્
  ફિર ભિ ગુસ્સા આયે
  ઉસકો મારો દ્ંડા
  તન્વિજી સારુ લખો છો
  જયકાંત જાની

 13. Mrugesh soni says:

  જીવનપર્યંત અને જીવન પૂરું થયા પછી પણ મોટે ભાગે માણસને તેનાં સ્વભાવ અને તેની ખાસિયતોને આધારે જ યાદ કરવામાં આવે છે.

  both articles r very good..
  kee it up..

 14. rahul says:

  બહુ જ સરસ લેખ હતો…….તન્વિબેન ને ધન્ય્વાદ …….

 15. Falgun Desai says:

  Both the articles are quite inspiring and refreshing.

  “For every minute you are angry, you lose sixty seconds of happiness” – One American Poet.

  Keep on the good work.

 16. Raju says:

  Tanviben
  Again we read nice articles on interesting topic

  Keep it on nice work

  Have a nice time

  Raju

 17. vikaS upadhyaY says:

  hi Tanvi,

  ur articles r really good,

  this lines r awesome,

  “માણસ પોતાના સંબંધોની સીમમાં પણ અપેક્ષા અને આશાઓનું વાવેતર કર્યા જ કરે છે. અને જો તે અપેક્ષા કે આશા ઊગી ન નીકળે તો સંબંધોમાં પાનખર આવી જાય છે.”

  “માણસનો સ્વભાવ તેનાં જીવનનાં દરેક ક્ષેત્રને સ્પર્શે છે.”

  i have read somewhere that “expectation leads to disappointment”. but i say “expectation from others leads to disappointment”

  i remember a line from Strange Meeting ~ By Wilfred Owen

  “I am the enemy you killed, my friend.”

  Keep it up

  vikaS upasdhyaY

 18. kumar says:

  તન્વીબહેન ખુબ્ સરસ લેખ્. આવા સરસ લેખ બદલ તમારો અને મ્રુગેશ્ભઈ નો ખુબ ખુબ આભાર્.

 19. Dr kamal parikh says:

  Dear Tanvi

  Excellent article,i found there is depth in thought process.

  congratulation for your inspired article.

  Dr. kamal parikh.

 20. nayan panchal says:

  કોઇનો પ્રેમ ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે.
  — ‘મધ્યબિંદુ’ કાજલ ઓઝા વૈધ.

  મને ક્રોધ આવે તો સૌથી પહેલુ કામ જઈને શૉવર નીચે ઉભા રહી જવાનુ. અને ક્રોધ ન જાય ત્યાં સુધી નહાયા કરવાનુ.

  સુંદર લેખ.

  આભાર,
  નયન

 21. Kavit says:

  Hello Tanvi

  Nice Articles

  Kavit

 22. Rupal says:

  Well thought of and well written articles. Negative emotions are also necessary….but they should be channelized positively to get desired results!

 23. Mayursinh says:

  TanviBen Title is appropriate and nice thought

  ન રાખું આશા કદી કોઈ પાસ
  પછી કરે કોણ મને નિરાશ ?

  Kharekhar sachi vat chhe

  Mayursinh

 24. jay patel says:

  Tanviben,
  Giving suggestion for long distance walking when anger comes , really true

  It is a chinese proverb.

  Jay Patel

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.