ચાલો…સમયને પેલે પાર – વિમલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વિમલભાઈનો (કોલકતા) ખૂબ ખૂબ આભાર. સર્જનક્ષેત્રે તેમણે સુંદર ટૂંકીવાર્તાઓ આપી છે. થોડા સમય અગાઉ તેમની એક વાર્તાને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આપ તેમનો આ સરનામે : shahvimal3@gmail.com સંપર્ક કરી શકો છો.]

time_clock

આ સમયને શાની ઉતાવળ હશે ?
હંમેશા દોડતો જ હોય છે.
હજુ હમણાં તો પરોઢીયે ઠંડા મીઠા પવનની સાથે વહેતો હતો, પંખીઓના કલરવમાં મરકતો હતો અને સૂર્ય ઊગતાની વારમાંજ તેનાં પ્રલંબ કિરણોની હૂંફ સાથે ચારે તરફ વેરાવા લાગ્યો ? સવારે નરમ અને પછી ગરમ બનીને બપોરે ત્રાટકતો સમય સંધ્યાના રંગમાં કેવો ખીલે છે ! રાતના સહુ સૂઈ જાય પણ એ તો તારાના તેજમાં ચમકતો રહે અને વળી શાંત ઘેરા અંધકારમાં પણ એ સરતો રહે. સમયના સ્પર્શે કળી ફૂલ બનીને હસી ઊઠે છે અને બીજ ધરતીમાં ઊંડે દટાઈને યોગ્ય સમયે વૃક્ષ બનીને બહાર આવે છે. કેટલીયે સંસ્કૃતિના વિકાસ અને વિનાશનો સાક્ષી છે આ સમય.

ટાવર પર રહેલા વિશાળ ઘડીયાળમાં કેદ સમયને જોઈને ક્યારેક આનંદ આવે છે. એની નીચે લટકતા લોલકમાં તેને મટકતો જોઈને મજા પડે છે. આપણે વળી તેને નાનકડી ઘડીયાળમાં કેદ કરીને કાંડા પર બાંધીએ છીએ અને હરખાઈએ છીએ. પણ ગમે તેટલી કોશિશ કરવા છતાં તે બંધાતો નથી. બલકે આપણને સામેથી બાંધે છે. સમયની કેદમાં આપણે સહુ જકડાયેલા છીએ. ખૂંટાના જોરે જેમ વાછડું કુદે તેમ આપણે સહુ સમયના ખૂંટાની સાથે બંધાયેલા કુદાકુદ કરીએ છીએ. સમય પાક્યે એકાએક દોરી ખેંચાઈ જાય છે… અને… આપણે થોડો સમય ડાહી ડાહી વાતો કરીએ છીએ, દુ:ખને કે સુખને વાગોળીયે છીએ. પણ સમય !! એ ક્યારેય પાછું વળીને જોતો નથી. એ સાચો સંત છે. સુખ કે દુ:ખ તેને સ્પર્શતા નથી.
વહેતું પાણી હંમેશા તાજુ લાગે છે પણ જો એક જગ્યાએ તે ભેગું થાય તો તેને કોહવાટ લાગે છે. પરંતુ સમય ક્યારેય પગ વાળીને બેસતો નથી એટલે એ હંમેશા તાજો રહે છે – ever fresh. બધી વસ્તુને સમયનો લુણો લાગે છે પણ સમયને કોઈ લુણો લાગતો નથી. મહાવીર સ્વામીએ કહેલું : ‘ગૌતમ એક ક્ષણનોય પ્રમાદ કરીશ નહીં.’ આ વાતની સમયને કદાચ પહેલેથી જ ખબર હશે. કહે છે કે સમય સમય બલવાન હૈ, નહીં માનવ બલવાન. જે તેને સમજે છે, સાચવે છે તે ટકી જાય છે; જે નથી સમજતો તે તૂટી જાય છે. માટે જ ગુજરાતીમાં કહેવત છે ‘સમય વર્તે સાવધાન’.

વિચાર કરતાં સમય બહુરૂપી જેવો લાગે છે. તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાતો નથી. તેને પકડવા જઈએ તો હાથમાંથી રેતીની માફક સરી જાય છે. કુદરતે તેને બે ભાગમાં વહેંચ્યો છે : દિવસ અને રાત. માણસે તેને સદીઓમાં અને વર્ષોમાં પથરાતો જોયો છે. વળી માસમાં દિવસમાં, કલાક, મિનિટ, સેકન્ડ અને મિલિસેકન્ડમાં તેનું વિભાજન કર્યું છે. આમ, સમયને તોડી-મરોડીને તેનું વિભાજન કરીને તેને સમજવાની કોશિશ માણસે કરી છે. પરંતુ તેનો દરેક ભાગ અખંડ છે, અક્ષત છે. લાખ કોશિશ કરવા છતાં માણસ સમયના વર્તુળની બહાર નથી નીકળી શકતો.

ખરેખર તો આપણે સહુ સમયના વિશાળ મહાસાગરના તરવૈયા છીએ. કોઈ કુશળ તરવૈયો છે તો કોઈ ડફોળ. કોઈ વળી ડૂબકી ખાતો તરે છે તો કોઈ તરવામાં બીજાને સહાયરૂપ થાય છે. પણ જે તરે છે તે ક્યારેક તો થાકે છે અને પછી ડૂબે છે. પણ જે વહે છે તે સમય પાક્યે જરૂરથી સામે પાર પહોંચે છે. આ વિશાળ સાગરની અદ્દભુત લહેરો, ભરતી અને ઓટ વચ્ચે પ્રસન્ન મન રાખી જે ‘એની’ ઈચ્છા મુજબ રહે છે અને વહે છે તે જ સામે પાર પહોંચે છે. જેની પાસે ઈચ્છાઓનો ભાર હળવો હોય તે સરળતાથી વહે છે અને જ્યારે ઈચ્છાઓ શેષ ન રહે ત્યારે દેહની જરૂરત પણ ન રહે. દેહ નથી તો જરા અને મૃત્યુ નથી. સમયનું બંધન નથી.

તો ચાલો…. વહીએ સમયને પેલે પાર…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પદ્યરચનાઓ – સંકલિત
કૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર Next »   

17 પ્રતિભાવો : ચાલો…સમયને પેલે પાર – વિમલ શાહ

 1. Pinki says:

  Very Very Nice Article. Thanks.

 2. Jayprakash Vyas says:

  વિચારમા મુકે તેવો આ લેખ.

  “પરિવર્તન એ સમયનો મુળ વિચાર છે.”

  પ્રત્યેક પરિવર્તનનો ઘટનાક્રમ અનેક સુક્ષ્મ ક્ષણોમાં વિસ્તરેલો છે અને જે સમયનો પર્યાય પણ છે. આમ પરિવર્તન (અર્થાત બદલાવ) સમયને આલિંગન આપીને બેઠો છે.

  માટે પરિવર્તન (અર્થાત બદલાવ) જે જોવાય છે તેને સમયની સાક્ષીએ સ્વીકારીને જીવીએ…………….
  અને….તો
  ચાલો…વહીએ સમયને પેલે પાર…………….
  માત્ર અને માત્ર કલ્યાણ માટે………………..!

 3. Pragnesh thakar says:

  “સમયને પેલે પાર”
  આ લેખ ખૂબ જ સરસ છે. હ્રદયને સ્પર્શી જાય તેવો છે

  પ્રજ્ઞેશ ઠાકર
  9429244630
  ગીર ગઢડા
  તા- ઊના

 4. Neepra says:

  હ્રદયસ્પર્શી લેખ… ફરી એકવાર મૃગેશભાઈનો આભાર

 5. Veena Dave,USA. says:

  સરસ અને સાચી વાત્.

 6. kumar says:

  જે દિવસે માણસ સમય ને પોતની મુઠી મા બાંધી લેવા માટે સક્ષમ બની જશે તે દિવસ માનવ ઈતીહાસ નો શ્રેશ્ઠ દિવસ કહેવાશે.
  ખરેખર ખુબ સરસ લેખ્.

 7. nayan panchal says:

  સમય સમય બલવાન નહી મનુષ્ય બલવાન.
  કાબે અર્જૂન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ.

  સરસ લેખ.

  નયન

 8. Soham says:

  સમયને તોડી-મરોડીને તેનું વિભાજન કરીને તેને સમજવાની કોશિશ માણસે કરી છે. પરંતુ તેનો દરેક ભાગ અખંડ છે, અક્ષત છે.

  ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં…
  ……. પૂર્ણમેવાવષ્યિયતે|

  બસ સમય નું પણ તેવુ જ છે….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.