હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

[‘હાસ્યથી રુદન સુધી’ એ શ્રી નિર્મિશભાઈની દિવ્યભાસ્કર અખબારમાં પ્રકાશિત થતી સુપ્રસિદ્ધ કટારનું નામ છે. તેમાં પ્રગટ થયેલા લેખોને સમાવતા આ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત છે ત્રણ હાસ્ય લેખો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

haasya[1] પાણીથી પૂરી સુધી !

‘નિમ્મેસભૈ, બેસ્ટ આઈટમ કઈ ?’ ગનપટ હુરટીએ આવતાવેંત ‘ગોટારાવારો’ પ્રશ્ન પૂછ્યો. જવાબમાં હું દરવખતે જૂનવાણી સાબિત થાઉં છું, એટલે નવા જમાનાનો ખ્યાલ રાખી, મેં કહ્યું, ‘મલ્લિકા શેરાવત !’ એનો ત્રિકોણ ચહેરો ખેંચાઈને ષટકોણ થઈ ગયો.
‘ટમે બી હું યાર ! ટમને જરા બી સરમ નીં મલે ? ઉં કેઉંછ કે ખાવાની બેસ્ટ આઈટમનું નામ બોલો, બસ વાટ પૂરી !’ એ ગિન્નાયો.
‘લાંચ.’ મેં કહ્યું.
‘અરે ઉં…. ખોરાકની વાટ કરટો છું યાર ! ઉં લાંચ આલું, ટો જ હાચો જવાબ આલહો ?’ એણે રાડ નાખી.
‘ગણપતભાઈ, ખાવામાં… મતલબ કે ખોરાકમાં મને લગભગ બધું ભાવે છે, પણ એમાંથી બેસ્ટ આઈટમ પસંદ કરી નહીં શકું.’ મેં જણાવ્યું.
‘બેસ્ટ આઈટમ… પાનીપૂરી, બસ વાટ પૂરી !’ એણે યુ.પી.ના ભૈયાની જેમ કહ્યું. એના જવાબથી મારું મોં તરત પહોળું થઈ ગયું. પછી મેં ‘પાણીપૂરી’ અંગે ઘણું ચિંતન કર્યું.

ઘણીવાર તુચ્છ લાગતી વસ્તુઓમાંયે ગહન રહસ્યો પડેલાં હોય છે ! પાણીપૂરી પણ એવી વસ્તુ છે. એનાં મુખ્ય બે અંગ છે. (1) બહારનું બરડ શરીર એટલે કે પૂરી અને (2) અંદરનો આત્મા એટલે કે મસાલાયુક્ત ચટપટું પાણી. પાણી અને પૂરી ! પાણી ઈશ્વરે બનાવ્યું છે અને પૂરી મનુષ્યે. આપણી આજની સૃષ્ટિ પણ ઈશ્વર અને મનુષ્યના સર્જનોથી સમૃદ્ધ છે. એક હાથે તાળી ન પડે. આપણે પાણીથી પૂરી સુધી જવાનું છે ! એટલે કે ઈશ્વરે જે કાંઈ ભેટ આપ્યું છે (પાણી !) તે બિંદુથી આપણા પુરુષાર્થના બળે (સ્ત્રીઓએ ‘મહિલાર્થના બળે’ એમ વાંચવું) લક્ષ્ય (પૂરી !) સુધી પહોંચવાનું છે.

પહેલાં તો હું કોઈ સ્ત્રીની આંખોમાં પાણી જોતો કે તરત મને કવિ મૈથિલિશરણ ગુપ્તની પંક્તિઓ યાદ આવતી…
‘અબલા જીવન હાય
તુમ્હારી યહી કહાની !
આંચલ મેં હૈ દૂધ
ઔર આંખો મેં પાની !’
….પણ પાણીપૂરીએ મને રહસ્ય સમજાવ્યું કે હે અક્કલમઠ્ઠા, દરેક સ્ત્રી અબળા નથી ! કોઈ સબળાએ તીખી પાણીપૂરી ખાધી હોય, તો એની આંખમાં પાણી હોઈ શકે, એટલે એને દુ:ખી ના ગણવી !

પાણીપૂરી એક મહાન સંદેશ પણ આપે છે કે દુ:ખને જ સુખ સમજો, પછી દુ:ખ રહેશે જ નહીં. પાણીપૂરી ખાવામાં દુ:ખ ઘણાં, હોં ! એક તો પૂરીની સાઈઝ મોટી હોય ને આપણા મોંની સાઈઝ કાયમ નાની પડતી હોય. પછી ‘ગપ્પ’ જેવો અવાજ કરી સાપ દેડકો ગળે, એમ એને ગળવા જતાં, બધું ગોળ ફરતું દેખાય ! (એટલે કદાચ યુ.પી.માં એને ‘ગોલગપ્પા’ કહે છે.) બંગાલીઓ એને માછલીની જેમ ખાવા જાય, એટલે ‘પુચ્ચ’ કરતો અવાજ આવે ! (આથી બંગાલીઓ એને ‘પુચકા’ કહે છે.) વિવેચકો વળી એને ‘અતિ-ઈન્દ્રિયગ્રાહ્ય’ પણ કહી શકે, કારણ કે એને ખાતાં પહેલાં મોઢામાં અને ખાધા પછી આંખ અને નાકમાં પાણી આવવા લાગે છે. એને ખાવાથી આખો ચહેરો પાણીમાં ડૂબી જાય છે, એટલે કેટલાક લોકો તો સાથે નૅપકીનના બદલે ટુવાલ રાખે છે. વળી, પાણીપૂરી ખાવા જતાં, છીંક આવતાં આવતાં રહી ગઈ હોય, એવો વિચિત્ર ચહેરો થઈ જતો હોય છે. (એટલે મૂર્ધન્ય સાહિત્યકારો તો પાણીપૂરી ખાતા જ નથી !) એટલે આબરૂદાર મનુષ્ય છાનેમાને પાણીપૂરી ખાઈ આવે છે. (આથી નાગપુરમાં પાણીપૂરીને ‘ગૂપચૂપ’ કહે છે !) આમ પાણીથી પૂરી સુધી જવામાં દુ:ખો ઘણાં છે, પણ એ બધાં સુખદ છે ! એટલે તો ગનપટ હુરટી કહે છે, ‘હાંભરો નિમ્મેસભૈ ! ઈસ્ટ ઓર વેસ્ટ, પાનીપૂરી ઈઝ ઢ બેસ્ટ, બસ વાટ પૂરી !’
.

[2] ઝંલંકં દિંખંલાં જાં !

પ્રિય વાચકમિત્રો, ભૂતકાળમાં મેં તમને ગેરમાર્ગે દોર્યાં હતાં, મને માફ કરશો… પ્લીઝ ! કવિ કલાપીએ પણ કહ્યું છે… હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો કર્યા પછી, એક મહાન ફિલ્મીગીતમાં વારંવાર ડૂબકી મારીને હું પૂણ્યશાળી બન્યો છું. ભૂલને સુધારવી જરૂરી છે. ‘ઝંલંકં દિંખંલાં જાં, એંકં બાંરં આં જાં….’ એ એક મહાન કૃતિ છે, પણ હું અજ્ઞાની એને સમજી શક્યો નહોતો અને મેં મારા લેખોમાં એના વિરુદ્ધ ઘણી હૈયાવરાળો કાઢેલી, એ બદલ આજે મને ઘણી શરમ આવે છે, મને ક્ષમા કરજો.

‘ઝંલંકં દિંખંલાં જાં….’ ને હિમેશ રેશમિયાએ ભલે નાકમાંથી ગાયું હોય, પણ એથી એ મહાન ગીતની મહાનતા ઓછી થતી નથી. મેં એ વિશે ઊંડું વિચાર્યું ને ચિંતન-મનન કર્યાં, તો મને ચમત્કારિક અનુભવ થયો ! એ ગીત માત્ર હીટ ફિલ્મીગીત જ નથી, પણ એક ઉત્તમ ભજન પણ છે, એની મને સૌથી પહેલી ખબર પડી છે, એ બદલ મને ગૌરવ પણ થાય છે. ફિલ્મ ‘અક્સર’માં હિરો ઈમારન હાશમીએ હાથને વારાફરતી ઊંચા કરી, યથાશક્તિ ઉછળકૂદ કરી, એ ગીત પરદા પર ગાયું છે અને નવી પેઢીને બહુ ગમ્યું પણ છે. નવી પેઢીને હું કહીશ કે એ એક ઉત્તમ ભજન પણ છે, ઘડપણમાં કામ લાગે એવું !

એ ગીતનો આરંભ કઈ રીતે થાય છે, જરા વિચારો ! શરૂઆતમાં જ કૂતરાં રડતાં હોય એમ ‘ઉઉઉ…ઉઉઉ’ થાય છે, યાદ છે ? કહેવાય છે કે જમડા કોઈ માણસનો જીવ લેવા આવે, ત્યારે કૂતરાંને જ એ દેખાય છે, એટલે કૂતરાં રોવા માંડે છે ! હિમેશ રેશમિયાએ ઉત્તમ આધ્યાત્મિક સંગીત આપી, આરંભે જ ‘ઉઉઉ….’ કરીને આપણને એક દિવ્ય સંદેશ આપ્યો છે કે હે તુચ્છ માનવ, જમડા તને ગમે ત્યારે ઝાલી લેશે, આ દેહના કોઈ ભરોસા નથી, દેહ તો ક્ષણભંગુર છે ! માટે પ્રભુમાં ધ્યાન પરોવો ! – આમ ઉત્તમ આરંભ થતાં, આખું વાતાવરણ જ આધ્યાત્મિક બની જાય છે ! પછી તરત નાકમાંથી ગવાય છે કે… ‘ઝંલંકં દિંખંલાં જાં….’ જાણે કે યુગ યુગનો દર્શનાભિલાષી ભક્ત પ્રભુને કહે છે કે….. હે પ્રભુ, તારી એક ઝલક તો દેખાડી દે ! વેદનાપૂર્ણ અવાજે હિમેશ રેશમિયા ‘ઝલક દિખલા જાં….’ એમ સળંગ ચાર વખત ગાય છે. (આપણે ત્યાં વેદો ચાર છે. જીવનની અવસ્થાઓ ચાર છે. ઠાઠડી ઉપાડવા ચાર ડાઘુઓ જોઈએ છે. જગદગુરુ શંકરાચાર્યે પણ ચાર મઠો સ્થાપેલા. એટલે ‘ચાર’નું આધ્યાત્મિક મહત્વ છે !) આથી પ્રભુને સાચા હૃદયથી વિનંતી કરવા ચાર વાર ‘ઝંલંકં દિંખંલા જાં….’ ગાવું જ પડે, સાચા ભક્તો એ વાત તરત સમજી શકશે. જીવનમાં પ્રભુની એક ઝલક મળે તોયે ચોર્યાસી લાખ ફેરા વસુલ થઈ જતા હોય છે ! ભક્તો પણ પ્રભુનું મહત્વ સમજે છે, પ્રભુ કાંઈ વારંવાર દર્શન આપવા ના જ આવે. પ્રભુને ‘એક વાર આવ’ એવી વિનંતી જ કરવાની હોય, પણ વિનંતી તો વારંવાર કરવી પડે. માટે તો અખૂટ શ્રદ્ધા સાથે હિમેશ રેશમિયા વેદનાને વારંવાર ઘૂંટતાં ગાય છે કે…. ‘એંક બાંર આંજાં, આંજાં, આંજાં, આંજાં, આંઆં…જાં !’

દીદાર એટલે દર્શન, એ તો તમે જાણતા હશો. ગીતમાં આગળ એવા અદ્દભુત શબ્દો આવે છે કે…. ‘દીંદાંરં કોં તંરંસેં અખિંયાં, નાં દિંન ગુંજરે, નાં કટેં રતિંયાં !’ ભક્તના હૃદયમાં પ્રભુ માટે કેટલો અદમ્ય તલસાટ છે ! દિવસ ગુજરતો નથી ને રાત કપાતી નથી, પ્રભુદર્શન માટે ભક્તની આંખો તો તરસ્યા જ કરે છે ! (ભજનની વાત ચાલતી હોય, ત્યારેય તમે બગાસાં ખાવ છો ? શરમ નથી આવતી ? ચલો, જાગૃત થાવ નહીં તો પાપમાં પડશો !)

આગળ અંતરામાં આવી ભવ્ય પંક્તિઓ ગવાય છે : ‘કરતાં રહેતાં હું મૈં બસ તેંરીં હીં બાતેં, અકસંર યાંદ આંતી હૈં, તેંરીં મુંલાંકાંતે તેંરેં ઈંશ્ક કોં પાંનાં મેંરાં પાંગલપન હૈં, તેંરેં એંહસાંનો મેં ડૂંબી હર ધડકન હૈં.’ અહીં ભક્તના હૃદયની તડપ પાગલપનની હદ સુધી વિસ્તરી જાય છે. ભક્ત પ્રભુની જ વાતો કર્યા કરતો હોય, ત્યાં લગી તો ઠીક, પણ પ્રભુ સાથે મુલાકાત થઈ નથી, છતાં ભક્તને લાગે છે કે થઈ છે ! પછી પોતાના પાગલપનનો સ્વીકાર કરતાં ભક્ત કહે છે કે હે પ્રભુ, તારા પ્રેમને મેળવવો જ મારો એક માત્ર મકસદ છે. ને તારા અહેસાનોમાં મારી પ્રત્યેક ધડકન ડૂબી ગઈ છે ! વાહ ! ભક્ત પ્રભુ પ્રત્યે કેટલો સમર્પિત છે, એનો આમાંથી અંદાજ મળે છે. નરસિંહ ને મીરાનાં ભજનોનેય ટક્કર મારે એવું આ ભજન હું તો મનમાં સતત ગાયા કરું છું ને એથી મને અદ્દભુત માનસિક શાંતિ મળે છે. (મારી પત્ની મારા ઈરાદા વિશે શંકા કર્યા કરે છે, પણ એ તો અજ્ઞાની છે ! પ્રભુ ભક્તિમાં વળી શંકા કેવી ?)

પ્રભુ પ્રત્યે ભરપૂર શ્રદ્ધા સાથે આગળનાં અંતરામાં ગવાયું છે : ‘જરેં જરેં પેં મૈં તેંરીં આંહટ સૂનતાં હૂં, તેંરેં હી ખ્વાબોં કી ચાંદર મૈં બૂંનતાં હૂં, ચાંહત કી ગહેંરાંઈ, ક્યૂં તૂં નાં પહેચાનેં ? મેંરીં બેંતાબીં કાં આંલમ તૂં નાં જાનેં.’ ચાદર તો કબીરેય ઘણી વણેલી, ચદરિયા ઝીની રે ઝીની ! આપણો ભક્ત અહીં પ્રભુનાં ખ્વાબોની ચાદર વણે છે અને પ્રભુની આહટ, એ અનાહત નાદ છે, ચામડાના કાનથી એ ના સંભળાય, સમાધિની કક્ષાએ જવું પડે એ માટે ! અહીં ભક્ત ગળગળો થઈ જતાં પ્રભુને પૂછે છે કે મારા પ્રેમની ઊંડાઈ અને મારા તલસાટન વિશ્વને તું કેમ જાણતો નથી ? શું મારી ભક્તિમાં ખોટ છે ? શું હું તારો નથી, પરાયો છું ?

ખરેખર તો શિક્ષણશાસ્ત્રીઓએ આ ‘ભજન’નું મહત્વ સમજી, એને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવું જોઈએ, જેથી નવી પેઢી રસપૂર્વક આધ્યાત્મિક માર્ગે વળી શકે. આ ‘ભજન’ ધ્યાનમાં આવ્યા પછી મને એટલો તો સંતોષ થયો કે હજી આપણી સંસ્કૃતિ મરી નથી પરવારી, નવા સમયમાં નવા રૂપે નવી પેઢી સાથેય પ્રભુ તો રહેલો જ છે, એની ઝલક પણ મળ્યા જ કરે છે !
.

[3] ભાખરી બનાવશો ? તમે ?

તમારે ત્યાં આખી સોસાયટીને સંભળાવવાનું હોય, એટલા જોરથી ટીવીમાં ગીત વાગી રહ્યું છે : ‘કોઈ ન રોકો દિલ કી ઉડાન કો, દિલ વો ચલા, હોહો…હો…હો…હો… !’ જાણે લંગડી રમતા હોવ, એ રીતે તમે નૃત્ય પણ કરી રહ્યા છો, શું વાત છે ? આઈ સી, પત્ની પિયર ગઈ છે, એટલે.

અચ્છા, તો આ ફોલ્યા વિનાનાં શિંગોડાનું શાક તમે બનાવ્યું, એમ ? શિંગોડાનું શાક નથી ? તો આ કાળું કાળું છે શું ? ‘બાફેલા બટાકાનું શાક છે, પણ જરા દાઝી ગયું છે !’ એમ તમે કહો છો, એ વાત મને ગળે ઊતરતી નથી, તો આ શાક તમને શી રીતે ગળે ઊતરશે ? એની વે, તમારો આ પ્રચંડ ઉત્સાહ જોઈ હું ખૂબ પ્રભાવિત થઈ ગયો છું. છતાં હું કહીશ કે જાતે રાંધવાનું જોખમ ન લેશો, હૉટલમાં ખાઈ લો. પણ તમે યાર બહુ જીદ્દી છો. એક લઠ્ઠો પકડ્યો, તે છોડતા જ નથી. ભાખરી પણ જાતે જ બનાવવી છે ? હજી કહું છું કે દુકાનમાંથી બ્રેડ લઈ આવો, મારું માનો ! ખેર, જેવી તમારી ઈચ્છા ! તમને ભાખરી બનાવતાં આવડે છે ? નથી આવડતીને ? તો પછી ! અચ્છા, તો મારી મદદ જોઈએ છે ! હું તો માર્ગદર્શન આપી શકું. તમારી સામે હજી બીજો સરળ વિકલ્પ છે. દાળ-ચોખા ભેગા કરી, જરૂર પુરતું પાણી ઉમેરી, તપેલી ગૅસ પર ચડાવી દેશો તો ખિચડી બની જશે. પણ તમે નહીં ગાંઠો, તો પછી ભાખરી જ બનાવો, ચાલો !

પહેલાં તો કોઈને મારવા જતા હોવ, એમ ઝભ્ભાની બાંય ઊંચી ચડાવી લો અને ઊંડા શ્વાસ લઈ આત્મવિશ્વાસ વધારી લો. ભાખરી બનાવવા માટે ભરપૂર આત્મવિશ્વાસની જરૂર હોય છે. આમાં ઢીલા લોકોનું કામ નથી. ભાખરી સ્વભાવે કડક હોય છે, એ તો તમે જાણો છો. હવે કડકપણું દેખાડવા હાથના ગોટલા ના ફૂલાવશો, પ્લીઝ. આપણે અહીં કુસ્તી નથી કરવાની !

એમ કરો, પહેલાં રસોડામાંથી લોઢી શોધી કાઢો. હે ભગવાન, તમે આ શું ઉઠાવી લાવ્યા ? આ તો… ચાળણી છે ! માફ કરજો, ખોટું ના લગાડતા, પણ તમારી જેમ લોઢી યે કાળા રંગની હોય છે. હા એ જ, એ જ ! હવે ગૅસ ચાલુ કરી એના પર લોઢી મૂકી દો. ગૅસ આમ ચાલુ ના કરાય મિત્ર, તમે તો જાણે સૂતળીબૉમ્બ સળગાવવાનો હોય એમ દિવાસળી ચાંપી ના ચાંપી ત્યાં ભાગવા માંડો છો. આ સામે લાઈટર પડ્યું છે એને બર્નર પાસે લઈ જઈ પાછળથી દબાવો, એટલે તણખો થશે. હવે લોઢીને બરાબર તપવા દો, સરસ. હવે…. સૉરી હોં ! ગેસ બંધ કરીને લોઢી નીચે ઊતારી લો. પહેલાં તો લોટ બાંધવો પડશેને ? ઓહ, દાઝ્યાને ? અરે ભૈ ગરમ લોઢી હાથથી ના ઉતારાય. જાવ પહેલાં સાણસી શોધો. જવા દો, તમને નહીં જડે. લાવો હું જ શોધું. જુઓ, આ વાસણનો ઘોડો પહેલાં ચૅક કરવો પડે. જો કે આમાં સાણસી નથી. તમને પાઠ ભણાવવા ભાભીએ સાણસીને ક્યાંક સંતાડી તો નથીને ? સાણસી જેવી ચીજ ના જડે, એ કેવું ! અરે વાહ, તમે સાણસી શોધી નાંખી, ક્યા બાત હૈ ! શું કહ્યું, ગૅસના ચૂલાની નીચેથી જડી એમ ? સરસ.

હવે પહેલાં તો કથરોટ શોધી લાવો. ઓહો, આ શું ? આ તો અખરોટ છે, મેં તો કથરોટ મંગાવી છે. એટલું તો સમજો કે ભાખરીમાં અખરોટ નાંખવાનું ના હોય ! કથરોટ નામનું વાસણ હોય છે. પે…લ્લી થાળીથીયે મોટી છે ને, એ કથરોટ. એને ખેંચતાં પહેલાં ધ્યાન રાખજો કે… અરે…. અરે…. પાડ્યાંને વાસણો ! ખેર, હવે જો તમે છ ભાખરી ખાઈ શકતા હોવ તો ચારેક મુઠી લોટ કથરોટમાં કાઢો. ગુડ, કથરોટમાં લોટની નાની ટેકરી બની છે, એની વચ્ચોવચ એક નાનો ખાડો પાડો, ગબ્બી જેવો, બસ. હવે એમાં માપસર તેલ નાંખો, એને મોયણ કહેવાય. હવે લોટને સંકોરી લો. પછી એમાં પાણી…. અરે આટલું બધું પાણી નહીં મિત્ર ! આ તો દોરી રંગવાની લૂગદી જેવું બની ગયું ! એમ કરો, એમાં થોડો કોરો લોટ ઉમેરો. પણ એમાંયે જોખમ છે, જો લોટ વધુ પડી જશે તો પાછું પાણી ઉમેરવું પડશે અને જો ફરી પાણી વધારે પડ્યું તો… જવા દો એ વાત. આ ઝીણું દળેલો લોટ આમ તો રોટલી બનાવવામાં વપરાય છે – આપણે જાડો-કાકરો લોટ લેવો પડશે. આ લૂગદીને તો ફેંકી જ દો.

હવે બધુ નવેસરથી કરવું પડશે. એમ કરો છાપાના પાનામાં આ લૉટની લૂગદી કાઢી લઈ, પડીકું વાળી પાડોશીના આંગણે ફેંકી દો, કોઈ જુએ નહીં એ રીતે ! યાર તમે તો એ પાનું જ લઈ આવ્યા જેમાં મારી કૉલમ છપાય છે, ખેર. હવે ખાલી થયેલી કથરૉટમાં જાડું દળેલો ઘઉંનો લોટ લઈ, માપસર, મોયણ નાંખી, માપસર પાણી નાંખી, લોટને ગુંદી નાંખો. બરાબર છે, હજી વધારે જોર કાઢીને ગુંદો ! જેટલું વધારે ગુંદશો, એટલી ભાખરી વધારે સારી બનશે. હાંફી ગયા ? ચાલો, હવે ગુલ્લાં બનાવી લઈએ. ‘ગુલ્લાં’ એટલે શું, ખબર નથી ? ગુલાબજાંબુની સાઈઝની ગોળીઓ બનાવો. જુઓ, આ રીતે. એને ગુલ્લાં કહેવાય. હવે જુઓ, હું વેલણથી આ ગુલ્લાને વણું છું. ઓત્તારીની ! આ તો ગુલ્લું ફાટીને વેરાઈ જાય છે ! મારું બેટું આમ કેમ ??

અરે ભાઈ, બારણું કોણ ઠબઠબાવે છે ? ખોલું છું, એક મિનિટ ! ઓહો, આ તો બાજુવાળાં કાન્તાબેન આવ્યાં છે. કાન્તાબેન, જરાક જુઓને… આ ભાખરી માટેનાં ગુલ્લાં વણાતાં નથી, તો… ! શું કહ્યું ? આ બાજરીનો લોટ છે, એમ ? માર્યા ઠાર ! અંદર મોયણ નાંખ્યું છે એટલે રોટલા યે નહીં બને એમ ને ? તો બધું ફેંકીને નવેસરથી કરવું પડશે ? એમ કરો મિત્ર, આજે તો દુકાનમાંથી બ્રેડ જ લઈ આવો. આજે મારો મુડ નથી. કાલે આપણે ભાખરી બનાવશું, ઓકે ?

[કુલ પાન : 176. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર
કૌત્સ – શ્રીદેવી ઓઝા, પ્રો.વિપિન ઓઝા Next »   

20 પ્રતિભાવો : હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

 1. વાહ નિર્મિશભાઈ, વાહ …..

  જો કે આમ તો નિર્મિશભાઈ નું નામ પડે અને લેખ ન વાંચીએ તો ચાલે જ નહીં, પણ આજે ખાસ કરીને શ્રી હિમેશ રેશમીયાનું ગીત એક નવાજ અર્થમાં વાંચ્યુ પછી લાગ્યું કે પ. પૂ. ૧૦૦૮ શ્રી નિર્મિશ મહારાજના લેખોમાં ઉંડુ આધ્યાત્મ વણાયેલું છે, તેમના આ લેખ જે ઉંડાણ છે એ જ સાચું ચિંતન છે. (જો કે આ વાતનો હિમેશ રેશમીયાને ખ્યાલ છે કે નહીં તે શંકાનો વિષય છે. ….. કારણ કે એમનું બીજું ગીત છે “અક્સર તું મુજે યાદ કરતા હૈ……!!”

  ત્રણે ત્રણ ખૂબ જ સરસ રચનાઓ છે, ત્રીજી પરિસ્થિતિનો અનુભવ અત્યારે કરી રહ્યો છું એ પૂરતું એ પોતીકી લાગે એ સ્વાભાવિક છે પણ મારી પ્રયોગશાળા “મેગી” અને ચા થી આગળ વધી નથી…..

  ખૂબ જ સરસ ….. પુસ્તક લેવું જ પડશે …..

  આભાર

 2. kumar says:

  કોઇ મહેરબાની કરીને હિમેશ રેશમિયાને આ લેખ મોકલો યાર ……… એને પણ ખબર નહી હોઇ કે તેમના ગીત નો આવૉ પણ મર્મ નીકળી શકે છે.

 3. Pinki says:

  વાઉ…. નિમ્મેસ ભૈ એટલે નિમ્મેસ ભૈ….વાટ પૂરી …… !!

 4. nayan panchal says:

  નિર્મિષભાઈનો હંમેશની જેમ સરસ લેખ.
  તેમના કાર્ટૂન પણ આવા જ તાજગીસભર હોય છે.

  હિમેશનુ ઉપરવાળુ ગીત સાંભળીને તો ભૂતો પણ આવી જાય છે.
  આભાર,

  નયન

 5. vishal says:

  નિમ્મેસભૈ!!! મારુ ટો ડિલ ખુશ ઠઈ ગયુ…

 6. ઈન્દ્રેશ વદન says:

  ‘ઝલક દિખલા જા’ લેખ ઘણો સરસ.

  હિમેશ રેશમિયા વાંચી ને જરુરથી ખુશ થશે.

 7. Jay says:

  નિર્મિશ ઠાકર, હસો અને હસાવો ……..વાટ પૂરી …… !!

 8. ભૈ મજા આઇવી…
  બસ વાટ પૂરી …

 9. jasvir bunait says:

  નિમ્મેસભૈ!!! ટમે તો કમાલ કરી …અતઃ થી ઇતિ સુધી…પાણીથી પૂરી સુધી !!! હિમેશ રેશમિયાના નાક થી ગળા સુધી તથા લોટ થઈ ભાખરી સુધી ના તમામ હાસ્ય લેખો માહિતિ સભર, આધ્યાત્મિક તથા અનુભવી લાગ્યા.
  “તુમ યુહીં હાસ્ય લેખો કો પ્રગટ કરતેં રહો….. હમ યુહીં મસ્ત નઝરોસે પઢતે રહે…..”

  મઝા આવી ગયી…

 10. raju says:

  ‘ઝલક દિખલા જા’ લેખ ઘણો સરસ.

  હિમેશ રેશમિયા વાંચી ને જરુરથી ખુશ થશે…….

 11. Jagdish says:

  ભૈ મજા આઇવી….
  ખૂબ જ સરસ…..

 12. Devanshi says:

  વાહ ખરેખર અદભુત!!!!!

 13. khushboo says:

  સારુ તો કાલે ભાખરી બનાવીશુ………

 14. Vaishali Maheshwari says:

  Author Saaheb. Wonderful articles.

  Seriously, East or West, Paani Puri is the best and your story also.

  About Himesh Reshammiya’s song, excellent. I guess you are a pious person.
  You could related this song also with Bhajan, thats simply awesome.
  You have given a line by line description about the song and the Bhajan, which was very interesting to read. Himesh Reshammiya is also a Gujarati, and he would love to read this. Why don’t you arrange to send this little piece of your article to him. He will be glad to read this religious translation and meaning of his song. I am waiting for you to translate other songs for us and post those here for us to read.

  Bhaakhri one is awesome. Somehow you taught all guys to make Bhakhri (and few girls also, who are not much into cooking) and made them aware of all the issues that might pop up and unintentional mistakes that they might do while making Bhakhri.

  Fun to read. Refreshed mind after reading these three articles.

  Thank you Mr. Nirmish.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.