- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ડાયરીનું નવું પાનું – પ્રવીણ દરજી

જગત વિચારોથી બદલાયું છે, જગત અક્ષરોથી બદલાયું છે. આજે એ બંને પ્રવૃત્તિ પ્રત્યે આપણી ઉદાસીનતા વધતી જાય છે. સૌને ટોળામાં જીવવું છે, ટોળાને આગળ કરવું છે. અક્ષરોનું સ્થાન કમ્યૂટર લેતું થયું છે. વિચાર અને અક્ષરનો સંબંધ પણ હવે સમજની બહારનો બનતો જાય છે. કહો કે હવે અક્ષર અટકતા જાય છે, વિચાર અટકતા જાય છે. ઊછીની ભાષા, ઊછીના વિચારથી જીવવાનું હવે માણસને કોઠે પડતું જાય છે. નવા માર્કેટે માણસને આખો ને આખો ખરીદી લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વિચાર અને અક્ષર માત્ર વિચાર અને અક્ષર નથી. તેની સાથે આપણું બૌદ્ધિક, ભાવાત્મક જગત પણ તસોતસ જોડાયેલું છે. આછા-ઓછા-અધૂરા અક્ષરો ઘણા સંકેતો પ્રસારી આપે છે. એ જ રીતે કેટલાક વિચારતંતુઓ પણ સંકેતોનું એક નવું વિશ્વ રચી રહે છે. તામ્રપત્રો, શિલાલેખો, તાડપત્રોનાં લખાણો માત્ર ઈતિહાસની ખૂટતી કડી જ બની રહે છે એવું નથી. માણસની ઈચ્છાઓ, ગમા-અણગમા, સંવેદનો, લાગણીઓનું પણ ત્યાં એક ભર્યું ભર્યું વિશ્વ ઢબુરાયેલું હોય છે.

આથી જ હું કોઈને વિચારો એમ કહું છું ત્યારે સાથે ઉમેરું છું લખો પણ ખરા. અને કોઈને લખો એમ કહું છું ત્યારે મારા મનમાં હોય છે કે એ લખશે તો તે માટે કશુંક વિચારશે તો ખરો જ ને ! લખવું અને વિચારવું એ આપણું ઈંધણ છે. તેના વિના ગતિ કેવી ? પોતે રિક્ત છે, શૂન્ય છે એમ કહેનારને એટલું તો વિચારવું જ પડે છે કે તેમ શાને કારણે ? ક્યા અનુભવો-ક્ષણો એવા વિચાર તરફ દોરી જાય છે ? અથવા કોઈક એમ કહેશે કે પોતાને સ્પેસ મળી છે તો આ સ્પેસ મળવી એટલે શું ? સ્પેસ વેળા કેવી મન:સ્થિતિ હોય છે ? અને એવી સ્પેસને અભાવે ભીતરમાં શું થતું હોય છે ? અક્ષરસંદર્ભે પણ એમ જ છે. ક્યા અક્ષર પાડું ? એ વડે શું અવતરિત કરું ? તેનું પરિણામ વિધાયક આવશે ખરું ? અને જો અક્ષર ન જ પાડું તો ભીતરમાં શું થયા કરશે ?

આ અને આવા પ્રશ્નોના ઉત્તરો આપણને ઘણીવાર કૉફી હાઉસ પૂરો પાડી શકે. પેરિસનાં રેસ્ટોરાંએ ઘણા નવા વિચારો આપ્યા છે, એવાં ટી-કૉફી પાર્લરો ઘણીવાર ચર્ચાચૉરો ને એમ વિચારચૉરો બન્યાં છે. ‘સ્વરાજ્ય’ મારો જન્મસિદ્ધ હક્ક છે’, ‘ક્વિટ ઈન્ડિયા’, ‘કરેંગે યા મરેંગે’, ‘જય જવાન, જય કિસાન’ આવા શબ્દો-અક્ષરો માત્ર શબ્દો-અક્ષરો નથી. એક આખા યુગની ચેતનાને, વિચારધ્વનિને તે પ્રકટ કરે છે. તેમાંથી અનેક સંદર્ભો જાગે છે. તેમાં દશ્યો છે, ચેતના છે, ઊર્જા છે, વીતી ગયેલા સમયની કથાસૃષ્ટિ છે, જીવાઈ ગયેલા સમયનો ધ્વનિ છે. આવા અક્ષરોનું ક્યારે, કેવું મૂલ્ય અંકાશે, કોની ચેતના સંકોરાશે તેની આપણને કશી ખબર નથી. ઘણીવાર નાનાં નાનાં વાક્યો, એકાદ-બે અક્ષર, ટચૂકડો પત્ર કોઈ માણસની આખી જિંદગી બદલી નાખતાં હોય છે. એવા થોડાક અક્ષરો કોઈકના કે અનેકોનાં હૃદય સાથે જોડાયેલો સેતુ બની જતા હોય છે. પણ આજે એવું ચિત્ર કે એવાં ચિત્ત ઓછાં મળે છે. શું કહીશું એને ? કોનો દોષ છે એ ? આપણી સંવેદનક્ષમતા ઓછી થતી જાય છે ? આપણે સ્વકેન્દ્રી જ બની રહેવા માગીએ છીએ ? માહિતીમાં બધુ સમાવી દઈ વાત પૂરી થઈ ગયાનું સમજીએ છીએ ? અથવા આપણા માનવીય સંબંધોને ‘માર્કેટ’ પૂરતું સીમિત લેખીને કૃતાર્થતા અનુભવતા થઈ ગયા છીએ ? ગમે તે હો, વિચારનો દુષ્કાળ વધતો જાય છે તો અક્ષરની આરાધના પણ ટૂંપાતી જાય છે. આપણે કણ-કણમાં વિભક્ત થઈને આપણો જ મહિમા ગુમાવી રહ્યા છીએ.

ચાલો, મારી તમોને વિનંતી છે, ઈજન છે, અરે, આગળ વધીને પ્રાર્થના પણ છે. કશું પણ લખો, કાગળ ઉપર, બસની ટિકિટ ઉપર, છાપામાં કોરી દેખાતી જગા ઉપર, તમારા બાળકોની નોટબુકમાં, તમે મૂકેલી તમારી ખીસાની ડાયરીમાં. તમે તરત પ્રશ્ન કરશો કે શું લખીશું ? મારું કહેવું છે ગમે તે, ગમે તે લખો. આ ગમે તેમાં, તમે કોઈક સુંદર ચહેરો નિહાળીને ખુશ થઈ ગયા હો તો તે વિશે લખો. તમોને તે વિશે જાગેલી સંવેદનાને તેમાં વ્યક્ત કરો. અથવા તમે આજે કશુંક કામ દોડીને કરવા ગયા હો, નિ:સ્વાર્થભાવે જ કરતા હો અને તમારા ઉપર કોઈ આળ મૂકે તો તમે કેવી પ્રતિક્રિયા પ્રકટ કરી તે લખો. અથવા તમે બાળપણમાં ગાળેલી કેટલીક મધુર ક્ષણોને ભૂતકાળમાંથી પાછી બોલાવો, તેને જીવંત કરી મૂકો, બીજા સામે પ્રકટ કરી તમારા તેમ તેના પણ આનંદને દઢાવો, અથવા તમે ચાલતાં ચાલતાં ક્યાંક ભૂલા પડ્યા હો, કોઈ આડીઅવળી ગલીમાં ભરાઈ ગયા હો અને તમોને એક નાનું અમથું છોકરું હસતાં હસતાં આવીને – અરે, એ રસ્તો તો અહીંથી જ આગળ જાય છે – એમ કહે, અને તમે તમારી બાઘાઈ ઉપર થોડાક ખીજાઈ જાવ તો એના વિશે લખો….

કહું છું લખો, ગમે તે લખો, ચાહો તે, ઈચ્છો તે લખો. તમારી આસપાસ, તમારા ચિત્તમાં, ઘણી સૃષ્ટિઓ જન્મે છે અને આથમે છે. જો આટલું જ ધ્યાન રાખો તો ઘણું છે. તમારા ભાઈ-ભાંડું, તમારાં માતાપિતા, તમારા મિત્રો, તમે ક્યાંક કોઈની આત્મકથા વાંચી હોય તો તે, તમારા માટે કોઈ સદભાવ રાખતું હોય તો તે, તમારાથી કોઈએ રુસણું લીધું હોય તો તે પણ, તમે કોઈ વૃદ્ધને દેખીને તમારા આવનાર વૃદ્ધત્વની કલ્પના કરી રહ્યા હો તો તે – એમ ઘણું ઘણું તમારી પાસે છે. તમે રોજબરોજના જીવનમાં વિના કારણે બીજાની ટીકાટિપ્પણીઓ કરતા, તેમાંથી આનંદ લૂંટતા, ગોસિપિંગ કરતા માનવો વિશે પણ થોડાક અક્ષરો પાડી શકો. તમારું આ પણ ઉત્તરદાયિત્વ છે એક માણસ તરીકે. જગતને અનુભવો અને પ્રકટ કરો. જગતના, માનવીના હજાર હજાર રંગ છે. એ બધા રંગો એક જ માણસ તો કેવી રીતે પ્રકટ કરશે ? આવા અનેક જણના અક્ષરોમાંથી પસાર થતાં એ બધું પામી શકીશું. જીવંત રહેવા, ગતિ રાખવા, મનને તાજું રાખવા માનવ અને જગતને નજીકથી પામવા આ એકદમ અનિવાર્ય બાબત છે.

હું તો કહું છું કે દરેક એક નવો દિવસ એક નૂતન સૃષ્ટિ છે, એક નવી શક્યતાઓવાળું વિશ્વ છે. ત્યારે સૂર્ય નવો હોય છે, આભ પણ નવું હોય છે. હવાની લહેરખીનું રૂપ પણ તદ્દન નવું હોય છે, અવાજોનું વિશ્વ પણ ભિન્ન હોય છે. ગઈકાલ અને આજ વચ્ચે ભેદ છે. ખુદ ગઈકાલના તમે અને આજના તમે વચ્ચે પણ ફરક છે. આ ફરકને પકડીએ, પ્રકટ કરીએ. તમારા બંગલાની પાળી ઉપર દોડતી ખિસકોલીની પુલક પણ નિત્ય કરતાં આજે જુદી જ છે. છજામાં બેઠેલા કબૂતરની ચાલના પણ નિરાળી છે. તમારું પ્રિયપાત્ર પણ એ જ હોવા છતાં આજે તેના અવાજના કંપમાં કશોક ફેર છે, તેની આંખમાં કશીક ચમક છે. માનવીથી જગત આખું – આમ પળે પળે નવા રંગ-રૂપ ધારણ કરે છે. એને યાંત્રિક રીતે જોયા કરીશું તો કેમ ચાલશે ? એ પણ બહારનાં છે, તેટલાં જ ભીતરનાં પણ છે. કશું જ યાદ ન આવે તો કોરા કાગળમાં લખો – શાકવાળાનો શાક માટેનો આજનો લહેકો જુદો જ હતો, મહાશિવરાત્રી પછી ઓછી થતી ઠંડીના ચમકારા વર્તાય છે અથવા આજે રાતભર શરીરે ખંજવાળ આવ્યા કરી, અસ્વસ્થ રહ્યો, વિચારનાં હજાર હજાર પંખીઓએ ઊડાઊડ કર્યા કર્યું અથવા આજે ટી.વી. ઉપર વેલેન્ટાઈન્સ ડેનાં મોહક દ્રશ્યો આવવાં શરૂ થયાં અને ત્યાં જ લાઈટ ગૂલ, રંગભંગ અને રસભંગ કે છાપાવાળાએ હેડલાઈનમાં લખ્યું હોય : ‘આતંકવાદનો ખાત્મો બોલાવવો જ રહ્યો’ વગેરે વગેરેથી તમારા ચિત્ત ઉપર થયેલી અસરો… આદિ… આદિ…

તમારા વતનના વાડામાં મ્હોંરેલો શીમળો, એના રૂની ઊડાઊડ, બાળપણમાં તમે તેને લેવા કરેલી દોડાદોડ અથવા વતનમાંથી આવી શહેરના ફલૅટમાં વહેલી સવારે પ્રવેશ કરતા હો અને તમે કોઈ આગંતૂક છો, નવા છો, એમ ધારી દરેક ફલૅટની બારીઓમાંથી અનેક આંખોએ પોતપોતાની રીતે તમોને જોવા-માનવા પ્રયત્ન કર્યો હોય – કોઈકે ટૂથબ્રશ સાથે, કોઈકે ચ્હાના કપ સાથે, કોઈકે ટેલિફોનના – કોર્ડલેસ ટેલિફોનના ભૂંગળા સાથે તો કોઈકે ટુવાલ લપેટીને – વગેરે બાબતો પણ અક્ષરમાં ઊતરી શકે તેવી છે. દોસ્ત, તમે રોજ તમારી ડાયરીનું એક નવું પાનું ખોલો છો. તમે કશુંક ટપકાવો. અક્ષરો-વિચારો તે માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે એક મજેદાર મોરપિચ્છ છો, તમે હળવા હળવા કાશ ઘાશ છો, તમે અલ્પવૃક્ષ નહીં, જાતે જ કલ્પવૃક્ષ છો. માહિતીના બીજે કાંઠે લાગણીનો એક મહાનદ ઘૂઘવે છે તે તમે જ છો, તમે જ છો ! અક્ષર પાડો, પાડો ભાઈ !