સમય નથી ! – ફાધર વાલેસ

તમે પ્રાર્થનામાં કેમ બેસતા નથી ?
સમય નથી એટલે.
હા, આધુનિક માનવીને સમય ઓછો હોય છે. કામ ઘણાં હોય છે, ધાંધલ ઘણી હોય છે. દિવસના ચોવીસ કલાક એને ઓછા પડે છે. સવારે વહેલા નીકળવું પડે, અને સાંજે ઘેર પાછો આવે ત્યારે થોડો સમય તો છે પણ મનની તૈયારી નથી, શાંતિ નથી, મૂડ નથી, એટલે પ્રાર્થનામાં કોણ બેસે ? જૂના જમાનામાં લોકો નવરા હતા એટલે પ્રાર્થના ને ધ્યાન માટે કલાકોના કલાકો કાઢી શકતા. આપણો જમાનો જુદો. વેગ છે, ઉતાવળ છે, ભીડ છે. ઑફિસનો સમય સાચવવાનો છે, સમાજનાં બંધનો સ્વીકારવાનાં છે. એમાં ધર્મને માટે સમય રહ્યો નથી. સવારે ઊઠીને ભગવાનનું નામ લઈએ તો ઘણું. બાકી લાંબા સમય સુધી નિરાંતે પ્રાર્થનામાં બેસવું તો અશક્ય છે. નિવૃત્ત થઈશું ત્યારે માળા ફેરવીશું. પણ હાલ તો કામ ચાલુ એટલે પ્રાર્થના મોકૂફ.

સમય નથી.
સમય તો છે. રોજ ચોવીસ કલાક. પૂરા ને સાચા. પણ એ સમયની વહેંચણી આપણા હાથમાં છે. એ ચોવીસ કલાકમાંથી કેટલા શામાં ગાળવા એ આપણી મરજીની વાત છે અને આપણી મરજી પોતાનાં વિશિષ્ટ ધોરણો પ્રમાણે એમની વહેંચણી કરતી જાય છે. કામમાં ને આરામમાં ને મનોરંજનમાં ને ગપ્પામાં. પોતાની ઈચ્છા પ્રમાણે ને જરૂરિયાતો પ્રમાણે તે સમય વહેંચી આપે છે, અને બાકીનાં કામ માટે ‘સમય નથી’ એમ કહીને દિલગીરી બતાવે છે. વધારે ગમે અથવા વિશેષ જોઈએ એ પહેલું લે છે. ને બીજું બધું રહી જાય છે.

આમંત્રણ આવ્યું. ગમ્યું. ‘જરૂર આવીશ’ એમ તરત અનુમતિ દર્શાવી. બીજું આમંત્રણ આવ્યું. પણ એ ઠેકાણે તો જવું ગમતું નહોતું. એટલે ‘સમય નથી’ એમ કહીને ક્ષમા માગી. સમય તો હતો, પણ એક આમંત્રણ ગમતું હતું જ્યારે બીજું ગમતું નહોતું અને તેથી જુદો જવાબ આપ્યો : ‘જરૂર આવીશ’ એટલે ‘ગમે છે’ અને ‘સમય નથી’ એટલે ‘ગમતું નથી’. અલબત્ત, વિવેક ખાતર ‘તમારે ત્યાં આવવું ગમતું નથી એટલે આવતો નથી’ એમ ન કહેવાય, માટે શિષ્ટાચારનું ભાષાંતર કરીને ‘આવવાની ઘણી ઈચ્છા છે, પણ બિલકુલ સમય નથી એટલે લાચાર છું’ એમ કહીએ છીએ. અથવા તો રુચિ-અરુચિનો સવાલ ન હોય, પણ લાભનો ને ફાયદાનો. ઑફિસ જવું કદાચ ગમતું ન હોય, પણ ઑફિસે જવાથી પૈસા મળે છે, પગાર મળે છે, એટલે એ માટે પૂરો સમય કાઢીએ છીએ. લાભ છે એટલે કરીએ છીએ. રુચિ છે એટલે કરીએ છીએ ને બાકી તો…. સમય નથી.

પ્રાર્થનામાં બેસવા માટે સમય નથી. એટલે કે રુચિ નથી અને લાભ નથી – એનો અર્થ એ થયો શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ઈચ્છા નથી, મન નથી. પ્રાર્થના કરવાથી કશું મળવાનું નથી, કશો ફાયદો થવાનો નથી. એનું કોઈ કામ નથી, કોઈ મહત્વ નથી. માટે આપણી પસંદગીની યાદીમાં પ્રાર્થના છેલ્લે છેલ્લે લખીએ છીએ – અને એનો વારો કદી આવતો નથી. જો પ્રાર્થના કરવાથી કોઈ ચોખ્ખો લાભ તરત ને તરત મળવાનો હોત તો એનું નામ આગળ લાવત અને એનો વારો આવત.

સમય નથી.
લોકો વિવેક સમજે છે એટલે આગળ દબાણ કરતા નથી. સમય નથી એટલે કે અનુકૂળ નથી, મનગમતું નથી, માટે એ આવતો નથી. ભલે. વિવેકથી આમંત્રણ આપ્યું; વિવેકથી એણે બહાનું કાઢ્યું. ને સંબંધ તો સચવાયો ને સમાજની સભ્યતા જળવાઈ. શિષ્ટાચારની બલિહારી છે.
સમય નથી.
ભગવાન પણ વિવેક સમજે છે. એ લોકોને સમય નથી એટલે એમની ઈચ્છા નથી, શ્રદ્ધા નથી, ‘પ્રાર્થના માટે સમય નથી એટલે કે મને મળવા માટે માનવીને સમય નથી, મારી સાથે બેસવા માટે એને સમય નથી. મારી પૂજા કરવા માટે માનવીને સમય નથી, મારી ભક્તિ કરવા માટે સમય નથી. સમય નથી, એટલે કે એને મન પ્રાર્થનાનું મહત્વ નથી, ફાયદો નથી, અર્થ જ નથી.’ ભગવાન એમ સમજે છે. માનવીનો વિવેક સમજે છે. અને…. અને પોતાનું અપમાન પણ સમજે છે. શું, હું આમંત્રણ આપું અને એ ન સ્વીકારે ? હું બોલાવું ને એ એ નહિ આવે ? હું મળવા આવું ને એ બહાનું કાઢે ? સમય નથી. શું, ભગવાનને માટે પણ સમય નથી ? ધર્મને માટે પણ સમય નથી ? આત્માના કલ્યાણ માટે પણ સમય નથી ?

ને એમાં માનવી સારી દલીલ ચલાવે. ચતુર છે ને ! માણસ સ્વભાવે તો વકીલ છે, એટલે ભગવાનની આગળ પણ પોતાની વકીલાત અજમાવે છે, કહે છે : ‘પ્રાર્થના માટે સમય રહેતો નથી કારણ કે આખો દિવસ કામમાં છું; અને એ કામ મારે માટે ધર્મ છે ને ! એ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. હું મારા કુટુંબ માટે, મારાં માબાપ ને મારાં સંતાનો માટે, ગુજરાન ચલાવવા ને જીવનનિર્વાહ કરવા કામ કરું છું. માટે એ મારો ધર્મ છે, મારી ફરજ છે. મારા માટે એ ભગવાનની ઈચ્છા છે, ભગવાનની આજ્ઞા છે. ભગવાનનું જ કામ છે. એનું કામ છે, પછી હું એમાં રોકાઉં તો એને વાંધો ન હોય ને ! અને પછી પ્રાર્થના માટે સમય ન રહે તોય એને ખોટું પણ નહિ લાગે ને !’ ચતુર વાત છે. કુશળ દલીલ છે. મન એ ચલાવીને ખુશ થાય છે. સારી હોંશિયારી બતાવી ! પણ દિલને સંતોષ નથી. એ જાણે છે કે દલીલ ખોટી છે. પણ એ મનને સમજાવી શકતું નથી.

મનને જરા સમજાવીએ.
પતિની આગળ પત્ની ફરિયાદ કરે છે : ‘તમે હાલ ઘેર જમતા જ નથી. મારી સાથે તમે બેસતા નથી, રહેતા નથી. આખો દિવસ ઑફિસ ને મુલાકાતો ને ધંધો. પણ સાથે ફરવાનું નહિ, બેસવાનું નહિ, રહેવાનું નહિ. શું, આપણે આ માટે પરણ્યાં ? તમારે શું, તમારું કામ વહાલું કે હું વહાલી ?’ ત્યારે પતિ બચાવ કરે છે : ‘હું આખો દિવસ – ને અર્ધી રાત – કામ કરતો રહું છું એ વાત સાચી. પણ એ કામ તમારે માટે છે ને ! તમે આરામથી જીવી શકો, ગૌરવથી સમાજમાં રહી શકો એ માટે હું કામ કરું છું ને ! એટલે મારું કામ વહાલું, પણ એનો અર્થ એ થયો કે તું જ વહાલી. સમજી ?’ – એ જવાબથી શું પત્નીને સંતોષ થશે ? નહિ થાય. પત્ની તો જાણે છે કે કામની વાત સાચી છે. પતિને ઘણું કામ છે, અને એ કામ કુટુંબને માટે છે. પણ પત્ની એ પણ જાણે છે કે પતિની ઈચ્છા હોત તો એ ભારે કામની વચ્ચે પણ સમય કાઢી શકત, પત્ની જાણે છે કે બીજા પતિઓ છે જે ખૂબ કામમાં રહે છે અને તોપણ પોતાની પત્નીઓ સાથે રહેવા સમય મેળવે છે, પત્ની જાણે છે કે પહેલાં પોતાના પતિને આટલું જ કામ હતું અને તો પણ એ સારો એવો સમય ઘરે રહેતો. ને પત્ની એટલે સુધી કહેવા પણ તૈયાર છે કે જો કામનો વાંધો હોય અને કામ મારે માટે જ હોય તો હું એ કામનો થોડો લાભ જતો કરવા તૈયાર છું અને ઓછા પૈસાથી ચલાવીશ અને ઓછી સગવડે જીવીશ, પણ એટલો સમય હવે સાથે રહેવા દો, સાથે જીવવા દો. સાથે ન રહીએ તો પૈસા ને કીર્તિ શા કામનાં !

પત્નીને સંતોષ નથી.
ભગવાનને સંતોષ નથી.
ભગવાન જાણે છે કે માનવી કામમાં છે અને એ કામ ફરજનું કામ છે એટલે ધર્મનું કામ છે, ભગવાનનું કામ છે. પણ ભગવાન એ પણ જાણે છે કે માનવીને સમય છે જ, માનવીને રુચે તે માટે સમય કાઢી શકે, ઉપયોગી લાગે તે કામ માટે એ સમય મેળવી શકે.
પત્નીને સંતોષ નથી, કારણ કે એ જાણે છે કે જો પતિને પ્રેમ હોત તો ઘેર રહેત. ભગવાનને સંતોષ નથી, કારણ કે એ જાણે છે કે જો માનવીને ભક્તિ હોત તો પ્રાર્થનામાં બેસત.
સમય નથી એટલે… ઈચ્છા નથી, શ્રદ્ધા નથી, પ્રેમ નથી.

ને ખૂબીની વાત તો એ છે કે એ પ્રેમ જાગે ને એ શ્રદ્ધા બેસે ને એ ઈચ્છા થાય એ માટે ઉત્તમ સાધન તો પ્રાર્થના જ છે. પ્રાર્થનામાં બેસવાથી ભક્તિ જાગે, અને ભક્તિ લાગે ત્યારે પ્રાર્થનામાં બેસવાનું મન થાય. પ્રાર્થનામાં બેસવા માટે સમય નથી. ચોખ્ખું બોલીએ : ભક્તિ નથી. તો ભક્તિ થાય એ માટે રોજ નિયમિત સમય કાઢીને નિષ્ઠાથી ને આનંદથી પ્રાર્થનામાં બેસીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વહાલું વતન જૂનાગઢ – ડૉ. શરદ ઠાકર
એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત Next »   

17 પ્રતિભાવો : સમય નથી ! – ફાધર વાલેસ

 1. Hiral Thaker "Vasantiful" says:

  સાવ સાચી વાત. સમય મળે નહી કાઠવો પડે.

 2. Paresh says:

  દિવસમાં ફક્ત ૨૦-૩૦ મિનિટ પોતાની સાથે વાત કરવાની રાખો. શરૂઆતમાં પોતાના ધંધા કે નોકરી માટે પોતાની જ સાથે ચર્ચા કરવી અને સમય ફાળવવાની ટેવ પાડે એટલે આપોઆપ અન્ય બાબતના વિચારો આવશે અને મન શાંત એકાગ્ર બનતું જશે ત્યારબાદ પ્રાર્થના કર્શો તો સરળતાથી થઈ શકશે તેવો મારો અનુભવ છે. માન. ફાધર વાલેસનો ખૂબ આભાર.

 3. Bharat says:

  A very good article to explain everybody that we have to find time for all the things necessarey in the life and which are the valuable things in our life.
  Thnx Wales

 4. Kanchanamrut Hingrajia says:

  પ્રાર્થનાને ખાવું,પીવું,સુવું,બેસવું તેવી દૈનિક દેહધાર્મિક ક્રિયાની જેમ જો જીવનમાં વણી લેવામાં આવે તો પ્રાર્થના જીનવનનો એક ભાગ જબની જાય.
  ઘણે સમયે વાલેસ સાહેબને વાચવા મળ્યા.ખૂબ આનંદ થયો.મૃગેશભાઈ,ખૂબ ખૂબ આભા

 5. Ashish says:

  During my childhood I red many books of author. It is partly true in todays stressful life of all. But I do agree if we can spend little time for “PRATHANA” than the whole day of stress will get venished and one can enjoy every moment thereafter.

 6. Veena Dave, USA says:

  Very true.

  ટી વી પર નટ્/નટી જોવાનો, કુથલી કરવાનો, મફત સલાહ્ આપવાનો વગૅરૅ સમય હોય્.પ્રાથના તો કૈ માગવાનુ હોય તો જ માણસને યાદ આવે. સુખમા પ્રાથના કરનાર ને દુખ શાનુ હોય્? ભગવાન ને એમ લાગતુ હશે કે મારુ બનાવેલુ રમકડુ મને મુર્ખ બનાવવાની પેરવી કરવા લાગ્યુ ?

 7. Vinod Patel (USA) says:

  Our day should start with prayer. Prayer is our direst line with God. Cell phones are a necessity to keep our relationship in today’s society. Similarly, prayer is a necessity to keep our relationship with God. Nice article.

 8. પિયુ કવિતા says:

  સમય તો બધા પાસે સરખો જ છે, પણ જરુર છે તેને વ્યવસ્થિત ઉપયોગ કરવાની….

  સિતારામ.

 9. reenadesai says:

  An excellent article explaining Importance of Time management.

 10. Samir Sojitra says:

  જય શ્રી સ્વામિનારાયણ !
  ખૂબ જ સુંદર… સાચે જ આપણે માણસ એવા છીએ કે મરવા-જીવવાનું ભગવાને આપણા ઉપર છોડ્યું હોત તો આપણને મરવાનો સમય પણ ન મળત.

 11. ભાવના શુક્લ says:

  પત્ની ના ઉદાહરણ સાથે સરસ સમજાવ્યુ.. પત્ની જાણે છે કે પતિ પોતે ઇચ્છે તો જરુર સમય કાઢી શકે તેમ ભગવાન પણ જરુર વિચારતોજ હશે કે માણસ ઇચ્છે તો જરુર પ્રાર્થના માટે સમય ફાળવી શકે…અહી કોઈ કલાકો સુધી મંદીરમા મુર્તી સામે બેસી સ્થુળ પ્રાર્થનાની વાત નથી. માત્ર પાચ મિનિટની ભાવ-પ્રાર્થના દ્વારા પણ ઇશ્વરીય તત્વને આપણા રોજીંદા જીવન સાથે વણી લઈએ. વિશ્વાસ રાખવો પાચ જ મિનિટની પ્રાર્થનામા એટલી બધી તકાત રહેલી છે કે બીજા કલાકો અને દિવસોના કામો મિનિટોમા પતાવવાની ઉર્જા મેળવી અને કેળવી શકીએ છીએ.

 12. ઈન્દ્રેશ વદન says:

  I guess, ભગવાનને દિવસમાં યાદ કરવા એ પ્રાર્થના જ છે.

  ‘ફાધર વાલેસ’ ઉત્તમ લેખક છે, પરંતુ એમણે વર્ણવવું જોઈએ કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. શું ભજન ગાવુ કે સાંભળવું એ જ પ્રાર્થના છે?

  આજ નો માણસ ધ્યાનમાં બેસશે તો પણ તેને ભગવાન સિવાયનું બધુ યાદ આવશે.

 13. dilip desai says:

  પરા્થ્ના સ્વાસોસ્વાસ કર્તા પણા વધઊ ઉપયોગઈ છઍ. સમય નો ઉપયોગ કેવઇ રઈટએ કરવો ઈ
  પરાથના દવારા સમાજાશે.દીલીપ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.