સમોવડ – અજય ઓઝા

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.]

એક મગની બે ફાડ જેવી બહેનપણીઓનું આમ અચાનક અલગ પડી જવું એ સૌ કોઈ માટે આશ્ચર્યની વાત હતી. ગઈ કાલ સુધી એક સાથે બોલાતાં નામ વચ્ચે અજાણ્યો ખટરાગ ક્યાંથી પેદા થયો એ કોઈ જાણતું નહોતું. કોઈ સુશીલાબહેનનું નામ યાદ કરે એટલે સવિતાબહેનને પણ યાદ કરે જ. સવિતાબહેનની શિસ્ત જો તમને ગમતી હોય તો સુશીલાબહેનની સ્પિચ પણ તમને ગમે જ. સવિતાબહેનનો રંગ જુઓ અને સુશીલાબહેનનું રૂપ. સુશીલાબહેનની વાતોમાં તમે ખેંચાઈ જાવ એમ જ સવિતાબહેનની આંખોમાં પણ બને.

સુશીલાબહેન અને સવિતાબહેન; સમોવડ, ઉંમર પિસ્તાળીસની, પણ દેખાય પાંત્રીસની, જોડી નં. વન, અનોખી બહેનપણીઓ, ક્યારેક કોઈ એક જોવા ન મળે, જ્યાં જુઓ ત્યાં સાથે. એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતા. એકતા એવી કે ઑફિસ સાથે જાય. બંનેનાં ટેબલ પણ આજુબાજુમાં. બંનેની ચોઈસ સરખી. કામ સરખું અને સેલેરી પણ સરખી. અનેક નારીવાદી સંસ્થાઓમાં મુખ્ય હોદ્દાઓ તેમના નામે ચડેલા. ઑફિસ સમયમાં અને ઑફિસ સમય બાદ તેઓ આ બધી નારીવાદી સંસ્થાઓના કાર્યમાં હોય. બંને સાડી જ પહેરે.

વિવિધતા એવી નિરાળી કે સુશીલાબહેન લો-કટસ્લીવ બ્લાઉઝ પર સરકતી સિલ્ક સાડી પહેરે તો સવિતાબહેન કોલર બ્લાઉઝ પર કૉટન સાડી કવરઅપ કરીને જ પહેરે. વિવિધતા એવી કે સુશીલાબહેન નારીવાદી સંસ્થાઓના કાર્યક્રમોમાં જુસ્સાભેર ભાષણ વાંચી જાય તો સવિતાબહેન માત્ર એ ભાષણના લેખનમાં જ પોતાનું યોગદાન આપે. સુશીલાબહેનને ઘેર પહોંચવાની ઉતાવળ ન હોય પણ સવિતાબહેનને વાહિયાત કારણોમાં સમય બગાડવાનું ન ગમે. સુશીલાબહેન વાતવાતમાં પુરુષજાતને વખોડ્યા કરે ને સવિતાબહેન સૌને સરખો આદર આપવામાં નાનપ ન અનુભવે. વિવિધતા એવી કે સુશીલાબહેન પોતાના સ્વાર્થ માટે કોઈની પણ સાથે ઝઘડો વહોરી લે ત્યારે સવિતાબહેન સાચી વાતને સ્વીકારી ઝઘડો શાંત કરી દે. વિવિધતા એવી કે…, ખેર જવા દો એ વિવિધતાને, કેમ કે વિવિધતા એટલી બધી પણ નહોતી કે બંને વચ્ચે આમ અચાનક માઈલો ઊંડી ખાઈ સર્જાઈ જાય.

આટલી ઊંડી ખાઈ કાંઈ એક દિવસમાં બની શકે નહિ, એટલે દિવસોથી આ ખાઈ બનતી રહી હોય તેવું બને. માટે માંડીને વાતના મૂળને તપાસવાં જોઈશે. આમ જુઓ, તો સુશીલાબહેન પુરુષવિરોધી સ્વભાવનાં કહેવાય અને સવિતાબહેન સમતાનાં આગ્રહી. સુશીલાબહેન આક્રમક અને સવિતાબહેન બિલકુલ શાંત. એક તલવાર તો એક ઢાલ. ઑફિસમાં કામમાં પૂરતું ધ્યાન આપવામાં સવિતાબહેન વફાદાર હોય પણ સુશીલાબહેનને ચાલુ ઑફિસે કોઈ નારીસંસ્થા નાનકડા ઉદઘાટન માટે ફોન કરે તો તરત જ ફાઈલો ટેબલ પર ખુલ્લી છોડીને એ નીકળી જાય. માત્ર સ્ત્રી હોવાના નાતે સરકારી નોકરીમાં જે કાંઈ ‘વણલખ્યા’ લાભ લઈ શકાય છે એ તમામ લાભ સુશીલાબહેન મેળવી લે. બંનેના પતિદેવો પણ અન્ય સરકારી કચેરીમાં નોકરી કરે. છતાં સવિતાબહેન કદી પણ આવા સ્ત્રી હોવાના મળતા લાભો પણ ન સ્વીકારે. એટલે જ મહિલાવાદી વાતોને સવિતાબહેન બરાબર ભાષણમાં લખી વણી શકે, જોકે એ ભાષણ તો સુશીલાબહેન જ વાંચે તેથી તેની જ વાહ વાહ થાય.

એક દિવસ ઑફિસમાં સુશીલાબહેનને ચાર દિવસની કોઈ ટ્રેનિંગમાં જવાનો કાગળ આવ્યો. સ્ત્રી હોવાના લાભો આવા વખતે જ વટાવી શકાય એ વાત બરાબર સમજતાં. તરત જ તેઓ ચેમ્બરમાં તેમના સાહેબ સાથે લડી પડ્યાં, ‘બહેનોને કાંઈ ચાર-ચાર દિવસની ટ્રેનિંગ હોય ? અમારાં બાળકો અને ઘરનું શું થાય ? આવી ટ્રેનિંગ તો ભાઈઓને જ હોય. તમે એમ કરો મારા બદલે આ મહેતાને જ મોકલી આપો ને !’ સવિતાબહેન જાણતાં કે મહેતા ઑફિસનો મહત્વનો માણસ. તેના વગર કેટલાંય મહત્વનાં કામો અટકી પડે. સાહેબ પણ આ વાત બરાબર જાણે, છતાં સુશીલાબહેનનું ‘સ્ત્રીત્વ’ તેમને અન્યાય કરતાં અટકાવી ન શકે. અને ક્યારેય કોઈને ‘ના’ ન કહેતો મહેતા હંમેશની જેમ સુશીલાબહેનની જગ્યાએ ટ્રેનિંગ લેવા પહોંચી જાય. સરકારી કેસની મુદતમાં દફતર લઈ કોર્ટમાં રજૂ કરવા જવાનું હોય, અન્ય કોઈ પેટા કચેરીમાં કામ સબબ જવાનું હોય, કોઈ તપાસ કે સર્વેમાં ફિલ્ડવર્ક કરવાનું થયું હોય કે એવાં કોઈ પણ કામો કે જેમાં સીધી લીટીની જવાબદારી સુશીલાબહેનની થતી હોય તેવાં તમામ કામોમાં તેમનું સ્ત્રીત્વ મહેતાને હંમેશા નડતું રહ્યું છે. સવિતાબહેનને પણ આ વાત ગમે નહિ પણ સુશીલાબહેનને તે સમજાવે તે પહેલાં સુશીલાબહેન જ તેને શિખામણ આપવા માંડે, ‘જો ભ’ઈ, આપણાથી કાંઈ ઘર મૂકીને બહારગામ જવાય નહિ. ને આ ક્યાં હરદ્વારની જાત્રા છે તે દોડવા માંડીએ. આવાં કાગળિયાંને ગણકારીએ તો નોકરી થાય જ નહિ, હા. ને આ ભાઈઓ શું કામના ? એય આપણા જેટલો પગાર ક્યાં નથી લેતા ? આપણા બદલે ગમે તેને ગોઠવી દેવાના હોય. બધે દોડીએ તો આપણી વેલ્યૂ રહે કેટલી ?’

સવિતાબહેનને બોલવું હોય કે, ‘પગાર તો આપણે પણ લઈએ છીએ. ઑફિસમાં સૌથી મોડા આવવાની અને કાયમ વહેલાસર જવાની છૂટ માત્ર સ્ત્રી હોવાના કારણે આપણે કોઈ પણ કપાત વગર ભોગવી શકીએ છીએ. ખરેખર તો આપણે સ્ત્રી હોવાનો ગેરલાભ લઈ રહ્યાં છીએ.’ સવિતાબહેનની વાત હોઠની બહાર નીકળવાનો અવસર ભાગ્યે જ આવે તેથી તેમની વાત તેમના મનમાં ઘૂંટાયા કરે.

એક વાર આ જોડી નંબર વન કોઈ બીલ ભરવાની લાંબી લાઈનમાં ઊભાં રહ્યાં. બન્યું એવું કે ત્યાં બહેનો માટે અલગ લાઈન નહોતી. સવિતાબહેન તો કંઈ બોલે નહિ, પણ સુશીલાબહેનથી રહેવાય નહિ. તે અલગ લાઈન માટે દલીલો કરવા માંડ્યા. આથી ત્યાં ઊભેલી અન્ય સ્ત્રીઓ પણ સાથે જોડાઈ ને થયો દેકારો. ચેમ્બરમાં બેઠેલો કોઈ પંજાબી ઑફિસર અવાજ સાંભળી દોડી આવ્યો, ‘ક્યા હુવા ? ક્યા બાત હૈ ?’
હવે સુશીલાબહેનને મોકો મળ્યો, હિન્દીમાં રજૂઆત કરવાનો. ઉગ્ર રજૂઆત કરી. તેમને શાંતિથી સાંભળી ઑફિસર કડક સ્વરોમાં બોલ્યો : ‘બહેનજી, મહિલાયેં પુરુષ સમાન હોનેકા કાયદા અબ કાયમ હો ચુકા હૈ, જબ સબ સમાન હૈ તો ફિર કતારેં અલગ ક્યું ? અલગ કતારે બનાકર ક્યા આપ ફિર એક બાર યે સાબિત કરના ચાહતી હૈ કિ મહિલાયેં કમજોર હૈ ? વૈસે હમેં એતરાજ નહિ, પહલે હમ ભી મહિલાઓંકી સુવિધા કા ખ્યાલ રખતે થે. પર આપ હી દેખિયે યે મહિલાયે કૈસે ચીટિંગ કરતી હૈ. દેખિયે યે જિતની મહિલાયેં કતારમેં ખડી હૈ ઉન સભી કે પતિદેવ બાહર પાર્કિંગમેં ખડે ઈંતજાર કરતે હૈ. વે યે સોચકર અપની ઓરતો કો યહાં લાતે હૈ તાકિ ઔરતોકી કતારમેં ઉનકા નંબર જલદી લગ જાયે ! ઈસસે ભી આગે દેખિયે કુછ મહિલાયેં અપને સાથ પાસ-પડોસ ઔર સગે-સંબંધિયોંકે ભી દો-ચાર બીલ લેકર આયીં હૈ ! અગર સભી લોગ ઐસા કરેંગે તો ઉન પુરુષો પર ક્યા અસર પડેગા જિનકા હક યે મહિલાયે છીને હી જા રહી હૈ ?’ બોલતા બોલતા ઑફિસરના સ્વરમાં વધી રહેલી કડકાઈને માત્ર સામાન્ય સ્ત્રીઓએ જ નહિ પણ સુશીલાબહેને પણ પસીનાભર અનુભવી ! આવી પછડાટ તેમણે કદી ખાધી નહોતી. અબળા સબળીકરણના કોઈ યુદ્ધમાં જાણે હાર્યાં હોય તેમ નિરાશ થયાં.

સવિતાબહેન શાંતિથી સમજાવવા લાગ્યાં, ‘વાત સાવ ખોટી તો ન જ કહેવાય હોં ! પોતાનો સમય બચાવવા સ્ત્રીઓ અન્ય પુરુષોનો સમય બગાડે એ પણ વાજબી તો નથી જ. જ્યારે સમાન હકની વાત હોય તો અગ્રતા આપવાની વાત ઊભી કરવી એ સૌથી મોટી મૂરખાઈ ગણાય. સમોવડ થવું જ હોય તો એક તરફી પક્ષપાત થતો પણ અટકાવવો પડશે, નહિતર સ્ત્રી પુરુષની સમોવડ ક્યારેય ન થઈ શકે. ને છેવટે આ બધી બાબતો સ્ત્રીને સ્પર્શતી હોઈ સ્ત્રીએ જ આગળ આવવું ઠીક કહેવાય. કેમ કે સ્ત્રીએ પુરુષની સાથે કદમ મિલાવવાના છે, પુરુષને હરાવવાનો હોતો નથી.’ સુશીલાબહેન થોડી વાર ધુંધવાયેલા જ રહ્યાં, પછી બોલ્યાં :
‘તું નોખી માટીની બની છો. તું શું વિચારે છે મને કાંઈ સમજાતું નથી. લે હવે આ બીલ લઈને પુરુષોની લાઈનમાં પાછળ ઊભી રહી જા એટલે તને ખબર પડે. આ બાબત મારે બહાર હાઈલાઈટ કરવી પડશે. મારે હવે રિફ્રેશ થવા ઘેર જવું પડશે. મારું બીલ પણ સાથે ભરતી આવજે.’ કહી પરસેવો લૂછતાં સુશીલાબહેન બહાર નીકળી ગયાં. સવિતાબહેનના ચહેરા પર કળી ન શકાય તેવી રેખાઓ ઉપસી આવી. તેમના મનમાં કંઈક જુદો જ સંઘર્ષ ચાલી રહ્યો હતો. સ્ત્રી પુરુષની સમોવડ થવાની બાબતે તેઓ કદાચ સાચી દિશામાં હતાં. આ વાત તે પણ સારી રીતે સમજતાં હતાં. તેમને અફસોસ એ વાતનો થયા કરે છે કે આટલી નાની સરખી સાચી વાત તેઓ સુશીલાબહેનને સમજાવી શકતાં નથી.

આવા પ્રકારના નાના-નાના સંઘર્ષોને કારણે જ બંને સખીઓ વચ્ચે ખટરાગ ઊભો થયો હતો. હંમેશાંની શાંત પ્રકૃતિને છોડીને સવિતાબહેને બહુ જ આક્રમક રવૈયો જેવી રીતે અપનાવ્યો તે કોઈનીયે સમજની બહાર હતું. આખરે એ ઘટના જેણે આ ભેગા થયેલા ‘ઈંધણ’ને ચિનગારી ચાંપી. કોઈ મોટા સેમિનારમાં બંનેને જવાનું થયું. સેમિનારમાં સુશીલાબહેનને ‘સ્ત્રી-ભૃણ હત્યા’ વિષય પર વક્તવ્ય આપવાનું હતું. પહેલી જ વાર એવું બન્યું કે સવિતાબહેને વક્તવ્ય લખી આપવાની સાફ ના સુણાવી દીધી. સુશીલાબહેનને વસમો આઘાત લાગ્યો તેથી તેમણે નાછૂટકે ભાષણ આપવાની અસમર્થતા દર્શાવવી પડી અને સવિતાબહેને ભાષણ આપવાની જવાબદારી સામેથી ઉપાડી લઈને સુશીલાબહેનને ભારે અચંબામાં મૂકી દીધાં !

એ સેમિનારમાં સવિતાબહેને નર્મ સ્વરે આપેલું ભાષણ : ‘બહેનો, એક લાંબા અરસાથી આપણે કેટલાક ચવાયેલા શબ્દોને સાંભળવા ટેવાયેલાં છીએ. ‘મહિલા સશક્તીકરણ, સ્ત્રી-પુરુષ સમોવડી, મહિલા અનામત…’ અર્થને આપણે પામ્યા છીએ કે કેમ તેની પરવા કોઈએ નથી કરી એવા શબ્દોનો આપણે વાત-વાતમાં પ્રયોગ કરીએ છીએ. પહેલી દષ્ટિએ તો સ્ત્રીને પુરુષથી અલગ ગણીને પછી સૂત્રો પોકારવાની રીત જ મને સમજાતી નથી. પુરુષ આપણો દુશ્મન છે એવી પૂર્વધારણાઓ પર રચાયેલી વાતો ને આવી વાતોને વટાવી ખાનાર તત્વો પ્રત્યે મને જરાય માન થતું નથી. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવી સારી વાત હશે પણ એમ કહી આપણે મહિલાઓને પુરુષની સામે કઈ હોડમાં ઉતારવા માંગીએ છીએ ? જવાબ તમને નહીં મળે. દરેક સફળ પુરુષની પાછળ એવી સ્ત્રીનો હાથ હોય છે તેમ સફળ નારી માટે પુરુષનો સહકાર કેમ ન માંગી શકાય ? જરાય અઘરી વાત નથી. પરંતુ તમે જોયું હશે કે આપણી આસપાસ જેટલી મહિલા કૉર્પોરેટર કે મહિલા સરપંચ હશે તે તમામનો મોટા ભાગનો વહીવટ તેમના નામે તેમના પતિઓ જ કરતા હશે ! શા માટે ? મહિલા અનામતની મશ્કરી ખુદ મહિલાઓ જ કરી રહી છે ? આનાથી વધુ શરમજનક વાત આપણા માટે શી હોઈ શકે ? આમ જ ચાલવાનું હોય તો શી જરૂર છે મહિલા સશક્તીકરણની કે મહિલા જાગૃતિની ?

….મને યાદ છે મારો વિષય છે સ્ત્રી-ભૃણ હત્યા. છતાં જીવંત સ્ત્રીને જીવંતતાની ખાતરી અપાવવા મારે આ કહેવું પડે છે. કહેવાય છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સ્ત્રી-ભૃણ હત્યા કરવામાં અને અટકાવવામાં સ્ત્રીઓ જ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એમાં બેમત નથી. મારા ખ્યાલ પ્રમાણે સાસુઓ સૌથી વધુ અંગભૂત ઘટક બની હકારાત્મક અભિગમ અપનાવી વહુઓને સધિયારો આપે તો સમજજો કે આપણે લડાઈ જીતી ગયાં. પણ તકલીફ ત્યાં જ થાય છે કે બહાર ગમે તેવી વાતો કરતી સાસુઓ પોતાની વહુ પાસે હંમેશાં દીકરો જ માંગે છે. અથવા સ્ત્રી-ભૃણનો નિકાલ કરવા દબાણ કરે છે. આપણે આવાં ઢોંગી તત્વો ઓળખી નથી શકતાં ને એવું થાય છે કે એવા લોકોને આપણે આવા સેમિનારમાં આમંત્રણ આપી આવીએ છીએ.’ સવિતાબહેન સુશીલાબહેન તરફ નજર સુદ્ધાંય નાંખ્યા વગર જ બોલ્યાં હોવા છતાં સ્ટેજ પર બેઠેલાં સુશીલાબહેન નખશીખ એવાં કંપી રહ્યાં હતાં કે પછીના શબ્દો તેમના કાન સુધી પણ ન આવી શક્યા.

ફંકશન આટોપાઈ ગયું પણ મનોમન સમસમી ગયેલાં સુશીલાબહેન સવિતાબહેન સાથે હિસાબ બરાબર કરવા બીજે દિવસે સમયસર ઑફિસે પહોંચી ગયાં, પણ તેમને ક્યાં ખબર હતી કે ઑફિસમાં વધુ એક આઘાતજનક સમાચાર તેમના પગ નીચેથી ધરતીને પણ સરકાવી દેવાના છે ? જતાંવેંત જ પ્યુન તેમના હાથમાં કવર આપી ગયો કે તેમના નામની ‘શૉ-કોઝ’ નોટિસ હતી :
‘શ્રીમતી સુશીલાબહેન,
છેલ્લા ઘણા સમયથી આપની વર્તણૂક અંગે આ કચેરીને અવારનવાર ફરિયાદ મળ્યા કરી છે. કચેરીએ આ ફરિયાદો અંગે પોતાની રાહે તપાસ કરતાં તેમાં તથ્ય હોવાનું જણાય છે. આપની વિરુદ્ધ નીચેની બાબતે ખુલાસાઓ માંગવામાં આવે છે :
[1] ચાલુ વર્ષમાં આપને લેવાની થતી ઓછામાં ઓછી સાત દિવસની તાલીમ પૈકી છ દિવસની તાલીમમાં હાજરી આપેલ નથી. જે હુકમના અનાદર માટે સંતોષકારક રજૂઆત કરશો.
[2] અગાઉ પતિ-પત્નીના કિસ્સામાં તમને અગ્રિમતા આપી ખાસ કિસ્સા તરીકે બદલીનો લાભ આપવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમ મુજબ સરકારી નોકરી કરતાં પતિ-પત્ની પૈકી એકને જ મળવાપાત્ર એલ.ટી.સી, હાઉસ રેન્ટ એલાઉન્સ જેવાં ભથ્થાંઓના નિયમનો આપના કિસ્સામાં અમલ થયો નથી. હાલમાં સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહેલ આવાં સરકારી દંપતીને શોધી કાઢી તેમની તપાસ કરવા અંગે બહોળા પ્રમાણમાં અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે આપનો કિસ્સો તપાસતાં નાણાકીય છેતરપિંડીનો પ્રથમદર્શી કેસ ઊભો થાય છે, જે અંગે આપને બરતરફ શા માટે ન કરવા તેનાં લેખિત કારણો દિવસ પંદરમાં આ કચેરીને જણાવવા આથી કડક સૂચના આપવામાં આવે છે. ઉપરોક્ત નોટીસનો જવાબ મળવામાં વિલંબ થયે આપને કશું કહેવાનું રહેતું નથી તેમ સમજી આ કચેરી કાનૂની રાહે પગલાં ભરી શકશે.’

સુશીલાબહેનના પગ નીચેથી ધરતી ખરેખર ખસી ગઈ હતી. તેમણે સવિતાબહેનના ટેબલ તરફ નજર કરી. કોઈ વિચિત્ર સંતોષભર્યા ચહેરે તેઓ પોતાના કામમાં મશગૂલ હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વીકાર – જયવતી કાજી
રંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ – હરીશ વટાવવાળા Next »   

26 પ્રતિભાવો : સમોવડ – અજય ઓઝા

 1. Ravi , japan says:

  very nice story..
  after long time readgujarati ma
  aa topic par article avyo !!

 2. Pratik says:

  really a thought provoking story…

 3. Ritesh Shah says:

  nice story an eye opener for ladies like shushila

 4. kumar says:

  ખુબ સરસ વાર્તા

 5. pragna says:

  સામાન્ય રિતે સ્ત્રી સશક્તિ કરન ના નામે સ્ત્રીઓ સ્ત્રી હોવાનો ફાયદો ઉટ્ટાવિ ને તેમ્નિ જાત ને વધારે નબળી બનાવિ રહિ ચ્હે.

 6. Kavita says:

  Bravo Mrugeshbhai & Ajaybhai. I myself is a woman, but I must say that liked your story very much, too near to hypocrates in our society.

 7. nayan panchal says:

  ખૂબ સાચી વાત છે.

  કેટલીક મહિલાઓ તેમના રક્ષણ માટે બનાવવામાં આવેલા કાયદાનો પણ દુરુપયોગ કરે છે.
  આજની નારીની સ્થિતી ખાસ તો આર્થિક રીતે સ્વાવલંબી બનવાથી બદલાઈ ગઈ છે છતા પણ તેઓ કોઈક વાર ગેરવ્યાજબી રીતે તેમને મળતી ખાસ સવલતો નો ગેરલાભ ઉઠાવે છે.

  વિચારવાલાયક લેખ.

  નયન

 8. Kanchanamrut Hingrajia says:

  સરસ અને વાસ્તવિકતાની ખૂબ જ નજદિક કથા વસ્તુ.
  શોશણ અને પ્રતિશોશણ માટે પ્રમાણભાન ન રાખવામા આવે તો ઉત્તમ આદર્શના પણ નકારાત્મક પરિણામો મળે.આજના મજુર મંડળો અને યુનિયનો તેનું ઉદાહરણ છે.

 9. Arjav says:

  In this election time, I think this article should be forwarded to political parties too who are advocating for 33% women reservation.

  Also, our India seems to be the only country where people are proud to say [and get in line] of backward class.

  I must admit that we are good learners as we have mastered the “Divide and Rule Policy” from Britishers.

  I really appreciate such article writers/publishers for doing their bit. Khudos!

 10. Sudhir Patel says:

  ખૂબ જ સુંદર વાર્તા માટે અજયભાઈને અભિનંદન!
  ‘ગદ્યસભા’, ભાવનગરનાં સૌ મિત્રોને મારી ખાસ યાદ અને શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 11. Arvind says:

  its very good ,ilike it

 12. rahul says:

  ખૂબ જ સુંદર અને જરા હટ્કે ……..આવિ અદભુત વાર્તા માટે અજયભાઈને હ્ર્દયપુર્વક અભિનંદન

 13. નારીના સશક્તિકરણની જરૂરિયાત ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છે પરંતુ હવે શહેરી વિસ્તારોમાં એકંદરે વધુ પડતો ભેદભાવ જોવા નથી મળતો.

  સ્ત્રી જ સ્ત્રીની પ્રથમ શત્રુ છે એ વાત સાથે સંપૂર્ણપણે સહમત.

 14. ભાવના શુક્લ says:

  નારી જાગૃતિના નામે દંભ અને મિથ્યાભિમાનમા ભરમાઈ જતી દરેક સ્ત્રી માટે લાલ બત્તી સમાન લેખ.

  સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન કહેવુ કરતા સ્ત્રી જ સ્ત્રી ને સાચી રીતે પિછાણી અને રાહબર થઈ શકે કહેવુ વધુ યોગ્ય.

 15. અજયભાઈ આ કથામાં આજની નારીની માનસિકતા દર્શાવવામાં સફળ રહ્યા છે અને મેં સવિતાબેન જેવું કોઈ પાત્ર હજુ સુધી જોયું નથી.બધે સુશીલાબેન જ દેખાય છે.

 16. kishor budhadev says:

  “તકલીફ ત્યાં જ થાય છે કે બહાર ગમે તેવી વાતો કરતી સાસુઓ પોતાની વહુ પાસે હંમેશાં દીકરો જ માંગે છે. ” સરસ અને સત્ય કથા.

 17. Jagruti says:

  એક્દમ વાસ્તવિક

 18. Vaishali Maheshwari says:

  Nice story.

  A single story depicted completely two different women personalities: Savitabahen (Positive) & Sushilabahen (Negative).

  Women rights should definitely be given importance, but then women should also not misuse the rights that they possess.

  Thank you Author for this story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.