- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ – હરીશ વટાવવાળા

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.]

હું ‘કાન્ત’નો ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહ વાંચી રહ્યો છું. ‘વસંતવિજય’ કાવ્ય વાંચ્યા પછી થોડાંક પાનાં ફેરવતાં નજર અટકી આ પંક્તિઓ પાસે :

વસન્ત વનદેવતા ! શુભ, સદૈવ સત્યંવદા,
કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;
અને વનવને, અતેક ગિરિને તટે, સાગરે,
ભરે અનિલબાલકો વિરલ દિવ્ય તારા સ્વરો !

વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,
તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી:
સખી સકલ જીવની ! સદય દેવી ! સાષ્ટાંગની
નમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું :

વસો અમ શરીરમાં, હૃદયમાં, અને નેહમાં,
કસો પ્રકૃતિ સર્વથા પ્રણદાનની ચેહમાં (પૃ. 157)

પોષ અધવાર્યો છે. સૂર્ય ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ જઈ રહ્યો છે. આ ક્રિયા તે મકરસંક્રાંતિ. અહીં મને જહોન હીથ-સ્ટબની કવિતાની એક પંક્તિ યાદ આવે છે : ‘The sun visiting in a different sky’ તડકાએ માર્ગ બદલ્યો છે. કેકટ્સની ટોચે નાનાં ઘેરાં લાલ રંગનાં પુષ્પો બેસી ગયાં છે. એને જોતાં જ વસંતના આગમનની બારી ખૂલે છે. 14મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉત્તરાયણનો. સવારથી જ આકાશમાં જાણે કે સપ્તરંગી પતંગો રંગની દિશા શોધતા હોય તેમ આકાશને આંબી રહી છે. તે ઘડીક આમ તો ઘડીક તેમ એમ આમતેમ ડોલી રહી છે.

રંગની સાથે ઋતુનો અવિનાભાવી સંબંધ છે. દૂર ગગને ઊડતી પતંગો તો પતંગિયાં જ લાગે ! પતંગનું નામ પણ પતંગિયાં પરથી જ પડ્યું હશે ! આખું આકાશ પતંગછાયું બની ગયું છે. રૂના પોલ જેવી નાની નાની વાદળીઓ વચ્ચે ઊડતી પતંગોનું સૌન્દર્ય મનને તરબતર કરે છે. વાદળીઓ પણ આકાશમાં પવનસંગે દોસ્તી કરતી હોય તેમ મંદ-તરલ ગતિએ દોડી રહી છે. વસંતની પહેલી વધાઈ તો પતંગો જ આપે છે. અહીં મને કવિ ‘બેજાન’ બહાદરપુરીની ગઝલનો શે’ર યાદ આવે છે :
ગમનના શોકમાં વરસે શિશિર કેરાં નયન જુઓ,
વધાવે છે છતાં કેવી વસંતનું આગમન જુઓ.

વિદાય લેતી શિશિર વસંતના આગમને વધાવતી હોય તેમ જણાય છે. શિશિરની આંખમાં આંસુ અને વસંતની આંખમાં હર્ષની લાગણી જોઈ શકાય છે. વૃક્ષોની ઝૂકેલ ડાળખીઓને કૂંપળ ફૂટી રહી છે. વૃક્ષોમાં પાનખર પછી ફરીથી ચેતનાનો સંચાર થતો અને એક નૂતન જીવનનો આવિષ્કાર થતો જોઈ શકાય છે. પુષ્પોમાં પરાગ મહેંકી રહ્યો છે અને તડકો પુષ્પોના ગાલ પંપાળી રહ્યો છે. પક્ષીઓએ શાખાઓ ઉપર બેસવાનું અને ચહચહવાનું શરૂ કરી દીધું છે. સ્વચ્છ વાદળીઓની અવર-જવર વચ્ચે પક્ષીઓની ઉડાન અને શ્વેત સારસ જોડીઓ પાંખો પસારી ધીમી ગતિએ ઊડી રહ્યાં છે. તીણી ચીસે એ આકાશને ચીરે છે. એવું લાગે કે આ સારસોની ઉડાન પૃથ્વી અને આકાશનું સાયુજ્ય રચે છે ! ભમરાઓએ અને મધમાખીઓએ ગુંજન કરવાનું શરૂ કરી દીધું છે, પાણીના નળે ટપકતાં પાણીએ મધમાખીએ બેસવાનું શરૂ કરી દીધું છે. જાણે કે પ્રણયની ઋતુનું આગમન થવાનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે. વૃક્ષોને હવે નવી કૂંપળ ફૂટવા લાગી છે. પાંદડાઓ ગેરુઓ રંગ છોડી લીલાં થઈ રહ્યાં છે. પીળાં પડી ગયેલાં અને સૂકાઈ ગયેલાં પર્ણને પવન ઘસડીને લઈ જઈ રહ્યો છે. પાનખરની વેદનાને સ્થાને વાસંતી રાગ ગવાઈ રહ્યો છે.

લગ્નના મંડપ રોપાઈ રહ્યા છે. અબીલ, ગુલાલ, હળદળ, કંકુથી ચૉરીઓ ચિતરાઈ રહી છે. કન્યાને ઉઘલવાના કોડ જાગી રહ્યા છે. દૂર દૂરથી ઢબૂકતા ઢોલના અવાજે એને એના અણજાણ્યાને જાણીતો કરવાનો ઉમંગ મનમાં મહોરી રહ્યો છે. ગણેશસ્થાપન, ગ્રહશાંતિ, મંડપમુહૂર્ત, ગુજરડાં-ગોરમટી, લગ્નવિધિ હવે માત્ર ક્રિયા થઈ ગઈ છે. મંડપ, મોંયરુ, રોશની, શરણાઈઓના સૂર, જમણ એ રિસેપ્શન પાર્ટીઓના વૈભવનો દેખાડો બની ગયો છે. લગ્નવિધિનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. લગ્ન એ બે આત્માનું મિલન નહિ, પરંતુ એકમાત્ર વિધિ બની રહ્યું છે. લગ્નની પવિત્ર અને ઉમદા ભાવનાનો લોપ થઈ ગયો છે. તેમ છતાં પરાપૂર્વથી ચાલી આવતી આ વિધિને આપણે અનુસરીએ છીએ ! એનુંય એક કારણ છે, એ દ્વારા લગ્ન એ બે વ્યક્તિ-પુરુષ અને સ્ત્રીના મિલનની માત્ર જાહેરાત બની ગયું છે. લગ્નસંસ્થાની સાચી ભાવના લુપ્ત થતી જાય છે. ઉતાવળિયાં લગ્ન નોંધણી રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી લગ્નનું પ્રમાણપત્ર મેળવી લે છે અને વૈવાહિક જીવન શરૂ કરી દે છે ! ભવની ભવાઈ તો અહીંથી જ શરૂ થાય છે !

હવે પેલી કન્યા વિરહિણી નાયિકા બનીને પ્રિયતમની રાહ જોતી હોય તેમ બારી ખોલીને બેઠી છે. એ વિચારતી હશે :
How sad looks to me your arrival,
spring, spring, The season of love !
what languorous excitement
I’m my soul in my blood !
– Alexander Puskin

એ વિચારતી હશે : ‘તૃપ્તિના ઓડકાર આવી જાય ત્યાં સુધી પ્રેમનો પારાવર અમીરસ ઘોળીને સતત પીવડાવતા પ્રિયતમની હું સતત રાહ જોઈ રહી છું ત્યારે જ એના આગમનની કોઈ જ એંધાણી વર્તાતી નથી ! ક્યાં હશે એ ? કોઈના આગોશમાં તો ભરાઈ પડ્યો નહીં હોય ને ? પેલો ભમરો કમળના ફૂલમાં ભરાઈ ગયો હોય તેમ ?! મારી ચેતના સુધી પહોંચવા એ અસમર્થ હશે ? હવે તો મારી આંખોનું આકાશ ભીંજાતુંય નથી ને કોરુંય નથી ! મારી તો દોલાચલ સ્થિતિ થઈ ગઈ છે ! પ્રકૃતિને તેના અસલ સ્વરૂપે નિહાળવાના દિવસો આવ્યા ત્યારે જ એ ખોવાઈ ગયો ?’ આમ વિચારતી પ્રોષિતભર્તૃકાની આંખોમાં સાગમટે સહસ્ત્ર દીપક ઝળહળતા હતા તે હોલવાઈ ગયા ! પતંગો અને પતંગિયાંની યાદ આવી રહી છે ત્યારે છોડ ઉપર ખીલી રહેલાં પુષ્પોની ઉપર મધમાખી રંગ ઢોળી રહી છે. પુષ્પને આલિંગી રહી છે. મધમાખી વારે વારે ઘડીક ઊડે અને વળી પાછી પુષ્પ ઉપર બેસીને એના પરાગનો મધુરસ પી રહી છે. મનુષ્યએ ચુંબન કરવાની પ્રથમ પ્રેરણા મધમાખી પાસેથી તો નહિ મેળવી હોયને ! પુષ્પનું, પ્રેમિકાનું અને પ્રિયતમનું આકર્ષણ અદ્દભુત છે.

કબૂતરનો ઘૂ… ઘૂ… કરતો ધ્વનિ પ્રણયાનુભૂતિને પ્રકટ કરે છે. એમના હવે સળીઓ વીણવાના દિવસો આવી ગયા છે. સળીઓ વીણી માળો બનાવવાનું નર-માદાનું સહિયારું કામ છે. થોડા દિવસ પછી બારીની છાજલીએ કે કબાટ ઉપર કોમળ કોમળ બે બચ્ચાંનો તીણો અવાજ પણ સંભળાશે ત્યારે એ ધ્વનિ મનને તરબતર કરી દેશે. ત્યારે ધીમે ધીમે વસંતના ઉપનિષદનું એક પાન ખુલશે અને કોકિલાના કેલીકૂજનથી જાણે બત્રીસે કોઠે દીવા ઝગમગતા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. આ અનુભૂતિ જ જીવનરસ બની ચેતનાને ભરી દે છે. શ્રીમદભગવદગીતામાં પ્રકૃતિનો મહિમા ગાતાં કૃષ્ણએ કહ્યું છે : ‘प्रकृति क्रियमाणानि गुणै:’ ‘સઘળાં કર્મો પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે.’ એટલે જ વૃક્ષને કૂંપળ ફૂટી રહી છે, અને ચેતનાનો સર્ગ વિકસતો જોઈ શકાય છે. એના કર્મની ગતિ ધીમે ધીમે વિકસતી રહી છે. વિકસવું એ પ્રકૃતિજન્ય સ્વભાવ છે. કૂંપળમાંથી કાલે એ પાન થશે, નાની ડાળી થશે, શાખાઓ થશે અને એની પર ખીલશે રંગીન પુષ્પો.

ગુલાબની કળી વિકસવાની તૈયારી કરી રહી છે, બોગનવેલ પર લાલઘુમ્મ ફૂલોનો ગાલીચો પથરાઈ ગયો છે. ગુલાબી ઠંડીનો આહલાદક અનુભવ થઈ રહ્યો છે. ગુલાબની પાંદડી પર ઝાકળબિંદુ ચમકી રહ્યું છે. જાણે કે પ્રોષિતભર્તૃકાનું શબનમનું મોતી ન હોય ! એ જ સમયે દર્પણ પર ચાંચો મારી મારીને ચકલી થાકી ગઈ છે. પતંગિયાં એક પછી એક ફૂલે બેસતાં અને પાંખોને ઉઘાડ-વાસ કરતાં શીખી ગયાં છે. પતંગિયાંને પુષ્પો ખૂબ જ પ્રિય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. કોયલના ટહુકે આમ્રમંજરી મહેકી રહી છે. બદામનું વૃક્ષ ગઈ કાલ સુધી નિશ્ચેતન, પાન વગરનું ઊભું હતું તે આજે લીલા પાને વસંતનાં ગીતો ગાઈ રહ્યું છે. શું એનેય વસંતના આગમનની જાણ થઈ ગઈ હશે ! પુષ્પોમાં નૂતન પ્રાણ રેડાયો છે. કાગડાના માળામાં કોયલના ટહુકા સંભળાઈ રહ્યા છે. પ્રકૃતિનું રમ્ય રૂપ સોળે કળાએ ખીલી રહ્યું છે. લચકદાર કેસરી ફૂલો વચ્ચે કેસૂડો જામી રહ્યો છે. શિરીષના લાલ-જાંબલી પુષ્પો ખરવા લાગ્યાં છે. જાસુદનાં લાલચટ્ટાક પુષ્પોએ મનને હરી લીધું છે. તો કેસરનો જાંબુડિયો સફેદ રંગ પતંગિયાંની જેમ ઊડાઊડ કરી રહ્યો છે.

પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય સાધવાનો અને એને ઓળખવાનો, એમાં રમમાણ થવાનો એક અનેરો લ્હાવો છે. ઝરણાં સ્વચ્છ જળે વહી રહ્યાં છે, કલકલ નિનાદે. સરોવર પણ અનિલ લહરે નીતર્યાં નિર્મળ નીરે ડોલી રહ્યું છે. ગઈકાલ સુધી દૂર દૂરથી નિર્વસન દેખાતા ડુંગરાઓએ લીલો રંગ પહેરી લીધો છે. વૃક્ષોમાં કલરવનો સંવાદ સંભળાઈ રહ્યો છે. ફોટા પાછળ ચકલીએ માળો બાંધવાનું શરૂ કરી દીધું છે. તણખલાંનો મહેલ ધીમે ધીમે ચણાઈ રહ્યો છે. આવતી કાલે ત્યાં કલરવની લિપિ ઉકેલાશે અને ચકલો એના બચ્ચાંને શીખવશે ચ… ચકલીનો ચ…. આવી ક્ષણો પસાર કરતી પ્રોષિભર્તૃકાને વાસંતી વાયરા મૂંઝવી રહ્યા છે અને હું પૌત્ર જિમીતને, ઘરે રમવા આવેલી પડોશીની બાળકીને ચુંબન કરતો જોઉં છું. આ બાળસહજ ચેષ્ટાથી મને મારી શિશુછબી યાદ આવી જાય છે. મારા અસ્તિત્વનું પંખી ઊડવા મથે છે.