વાંદરાનું કાળજું – રતિલાલ સાં. નાયક

[‘પંચતંત્રની વાતો’ ભાગ-1માંથી સાભાર.]

story1વાત છે વાંદરા અને મગરની મિત્રતાની.
વાંદરો રહેતો હતો નદીકાંઠે. ત્યાં મજાનો જાંબુડો ઊગ્યો હતો. એના ઉપર મીઠાં મધ જાંબુ બેસતાં. વાંદરાને એ ખાવાનો આનંદ મળતો. જાંબુડા પાસેની નદીમાં એક મગર આવ્યો. તે નદીમાંથી નીકળીને જાંબુડા નીચે બેઠો. એને એકલું-એકલું લાગ્યું. જાંબુડા ઉપર વાંદરો હતો. તેને પણ એકલું-એકલું લાગતું હતું. તે કોઈ વાત કરનારની શોધ કર્યા કરતો.

વાંદરાએ મગરને જોયો ને પૂછ્યું : ‘અરે ભાઈ, તમે અહીં ક્યાંથી ?’
મગર બોલ્યો : ‘ભાઈ, હું બહુ દૂરથી આવું છું. પહેલા દરિયામાં રહેતો, હવે નદીમાં રહું છું. ખોરાકની શોધમાં છું.’
વાંદરાએ કહ્યું : ‘ભાઈ, ભલે આવ્યા. આ જાંબુડા ઉપર ઢગલે-ઢગલા જાંબુ બેઠાં છે. હું તોડીને નીચે ફેંકું છું. મોજથી ખાઓ. ખાશો ને ખુશ થશો.’ વાંદરાએ જાંબુ તોડીતોડીને નીચે ફેંકવા માંડ્યાં. મગર એ ખાતો જ રહ્યો. પેટ ભરીને જાંબુ ખાધા પછી એ બોલ્યો, ‘વાંદરાભાઈ, આભાર. જાંબુ અમૃત જેવાં છે. તમે ખવરાવ્યાં ને મેં ખાધાં. મને તમે મિત્ર બનાવ્યો. ફરીથી આવું તો ફરી ખવરાવશો ને ?’
વાંદરો બોલ્યો : ‘રોજ આવજોને, ભાઈ ! હું એકલો છું તે મને તમારો સહવાસ મળશે.’ મગરે જાંબુ ખાધાં. વાંદરા સાથે વાતો કરી અને મોડેથી એ પાછો ફર્યો. કહેતો ગયો, ‘કાલે પાછો જાંબુ ખાવા આવીશ.’

બીજો દિવસ થયો. મગર ફરીથી આવ્યો. વાંદરાએ ઢગલો જાંબુ નીચે નાખ્યાં. મગર એ ખાતો ગયો ને એના સ્વાદનાં વખાણ કરતો ગયો. સાથેસાથે વાંદરાનાં વખાણ પણ કરતો ગયો. પછી તો રોજ મગર આવતો ગયો. વાંદરો તેને જાંબુ ખવરાવતો રહ્યો. વાંદરા અને મગર વચ્ચે લાંબી લાંબી વાતો પણ થયા કરી.

એક દિવસ વાંદરાએ કહ્યું, ‘ભાઈ, તમારા જેવો દોસ્ત મળ્યો એથી ઘણો આનંદ થયો છે. તમે ન મળ્યા હોત તો એકલા-એકલા દહાડા ગાળવા પડત. જગતમાં એકલા વખત વિતાવવા જેવું કોઈ દુ:ખ નથી, ખરું ને ?’
મગરે કહ્યું : ‘વાંદરાભાઈ, હું એકલો નથી રહેતો એટલે કેમ કહી શકું ? ઘેર પત્ની છે. નદીની પેલી તરફ બેટમાં અમે સાથે રહીએ છીએ.’
વાંદરો બોલ્યો : ‘તમે પણ ખરા છો, મગરભાઈ ! ઘેર પત્ની છે એ વાત જ ન કહી ! હું ભાભી માટે જાંબુ તો મોકલત ! આજે તો જાઓ ત્યારે સાથે જાંબુ લેતા જજો જ.’ વાંદરાએ મગરને જાંબુ ખવરાવ્યાં. પછી મગરી માટે જાંબુ સાથે મોકલાવ્યાં. મગરે મગરીને જાંબુ આપતાં કહ્યું :
‘મારા દોસ્તે તારા માટે આ ભેટ મોકલી છે.’ મગરીને પાકાં રસદાર જાંબુ ભાવ્યા6, જાંબુ દેખાવે પણ રંગદાર ને ખાધે સ્વાદદાર. મગરી ખાતી ગઈ ને બોલતી ગઈ, ‘સ્વર્ગનું જાણે અમૃતફળ ! કાલે પણ આવાં જ પાકાં જાંબુ મારા માટે લેતા આવજો !’
મગરે કહ્યું : ‘મારો મિત્ર જાંબુ જેવો જ દિલદાર છે. એ જરૂર આપશે ને હું ભૂલ્યા વિના લેતો આવીશ.’ મગર તો મગરી માટે રોજ પાકાં જાંબુ લાવતો રહ્યો. મગરીને એ ખૂબ ભાવવા લાગ્યાં.

એક દિવસ મગરીએ પૂછ્યું : ‘રોજ મારા માટે જાંબુ મોકલનાર તમારો આ મિત્ર કોણ છે ?’
મગર બોલ્યો : ‘એ એક વાંદરો છે. નદીના કાંઠે જાંબુડા ઉપર ઘર કરીને એ રહે છે.’
મગરી બોલી : ‘વાહ ! આ જાંબુ મોકલે છે એ વાંદરો છે ? તમે ભારે ઠગાયા છો. મગર અને વાંદરાને વળી ભાઈબંધી કેવી ? મગર તો વાંદરાને જુએ કે પકડીને ફાડી ખાય.’
મગરે કહ્યું : ‘હું એમ નથી કરી શકતો. આ વાંદરો બહુ ભલો છે. અમે બંને એકમેકના ભાઈબંધ બન્યા છીએ. અમને પરસ્પર ખૂબ પ્રેમ છે. એને મારા ઉપરાંત મારાં સગાં માટે પણ ખૂબ પ્રેમ છે. મારાં સૌ કોઈ માટે ભારે હેતપ્રીત છે. માટે તો એ તારે માટે પણ મહેનત કરી તોડી તોડી રસદાર જાંબુ મોકલે છે. વાંદરો મારો ભાઈબંધ ન હોત તો હું પણ શી રીતે જાંબુડા ઉપર ચઢત ને તારે માટે જાંબુ લાવી શકત ?’ મગરી એ દિવસ તો ખાસ આગળ ન બોલી ને જાંબુ ખાવામાં પડી ગઈ. મગરી મોજથી જાંબુ ખાતી રહી એ મગરને પણ ગમ્યું. મગર વિચારતો જ રહ્યો, ‘વાંદરો કેટલો ભલો છે ! એને આ જાંબુ તોડવામાં કેટલી બધી તકલીફ ઉઠાવવી પડે છે ! મારા માટેની ચાહના ખાતર એ કેટલું બધું દુ:ખ વેઠે છે ! મને કેવો ઉમદા મિત્ર મળ્યો છે !’ મગરે પ્રભુનો પાડ માન્યો.

મગરી ભારે ચાલાક હતી. એના મનમાં થયું, ‘વાંદરો જાંબુડા ઉપર રહે છે તો રોજ જાંબુ ખાતો હશે. એ ઋતુમાં રોજ મીઠાં જાંબુ ખાતો હશે તો એનું કાળજું કેવું મીઠું હશે ? એ વાંદરો જ જો મળી જાય તો એનું કાળજું ખાવાની કેવી મજા આવે ! આવો વિચાર આવતાંની સાથે એણે એક યુક્તિ વિચારી કાઢી. એણે એક વખત મગરને કહ્યું, ‘તમે જાંબુ આપનાર તમારા મિત્રને એક વખત ઘેર તેડી લાવો. મારે એમને મળવું છે.’
મગર બોલ્યો : ‘તું કેવી વિચિત્ર વાત કરે છે ! એ આપણે ઘેર કેવી રીતે આવે ? એ જમીન ઉપર રહેનાર પ્રાણી છે. એ પાણીમાં શી રીતે આવે ? પાણીમાં પેસતાં જ ડૂબી જાય.’
મગરીએ કહ્યું, ‘તમે એક વાર નોતરું તો આપો ! વાંદરા ચાલાક હોય છે. અહીં કેમ આવવું એનો ઉપાય એ શોધી કાઢશે.’
મગરે કહેવા ખાતર કહ્યું, ‘ભલે, એને હું અહીં આવવા કહી જોઈશ. અહીં આવવાનો ઉપાય પણ હું જ વિચારી કાઢીશ.’ પણ મગરે ખરેખર એમ ન કર્યું. એ વાંદરાને નોતરું આપવાનું ટાળતો રહ્યો. દિવસો સુધી વાંદરાને મગરે આ વાત જ ન કરી. મગરી રોજ પૂછતી, ‘તમારા મિત્રને નોતરું આપ્યું ? તેમણે આપણે ઘેર ક્યારે આવવા કહ્યું છે ?’ મગર કંઈ ને કંઈ બહાનું શોધી કાઢતો ને મગરીને મનાવી લેતો.

દિવસો જતાં વાંદરાનું કાળજું ખાવાની મગરીની ઈચ્છા જોર પકડતી ગઈ. મગરીએ એક યુક્તિ કરી. એણે માંદી હોવાનો ડોળ કર્યો. એ ઢીલીવીલી થઈ અને આંખમાં આંસુ લાવી કણસતી ગઈ. મગરને મગરી માટે ખૂબ લાગણી હતી. મગરીને જરાક ઢીલી જુએ તો એને કંઈનું કંઈ થઈ જતું. એ દુ:ખી થઈ મગરી પાસે ગયો અને બોલ્યો : ‘શું થયું છે ? તું કેમ હરતી-ફરતી અટકી ગઈ છે ? હું તારા માટે શું કરું ?’
મગરી બોલી, ‘હવે મને સમજાયું કે તમને મારા કરતાં તમારો મિત્ર વધારે વહાલો છે. તમને તમારો મિત્ર વધારે વહાલો હોય તો એની સાથે જ જઈને રહો. તમે તો ઈચ્છતા પણ હશો કે હું મરી જાઉં !’ મગર ભારે મુશ્કેલીમાં મુકાયો. શું કરવું એની એને સમજ ન પડી. વાંદરાનું કાળજું લાવવા જાય તો મિત્ર મરી જાય અને ન લાવે તો પત્ની મરી જાય. મગર રડમસ ચહેરે મગરીને કહેવા લાગ્યો, ‘વાંદરો મારો મિત્ર છે. મારે બીજો મિત્ર નથી. હું એનો જીવ શી રીતે લઉં ? એકમાત્ર મિત્ર ગુમાવીને હું પણ શી રીતે જીવીશ ?’
મગરીએ કહ્યું : ‘એ મિત્ર છે એથી શું થઈ ગયું ? હું પત્ની નથી ? એના વિના જીવી નહિ શકો એમ કેમ માનો છો ? હું તો તમને સાથ આપનાર છું જ. માની લો કે હું જ મરી ગઈ તો શી રીતે જીવી શકશો ? કોણ તમને ખવરાવશે ? કોણ તમારી સારસંભાળ લેશે ?’

story2મગરી રડવા લાગી. થોડી વારે શાંત પડીને કહેવા લાગી, ‘પતિ તરીકે મારી પ્રત્યેની તમારી કોઈ ફરજ ખરી કે નહિ ? તમે જીવતે જીવ મારી આવી ભૂંડી દશા થવા દેશો ? હું મરું એ જ તમને પસંદ છે ?’
મગરે મગરીને કહ્યું : ‘ખેર, હું વાંદરાને આપણા ઘેર આવવા નોતરું દેવા જાઉં છું.’
મગરી હરખાઈ.
મગર વાંદરા પાસે ઊપડ્યો.
વાંદરો મગરની રાહ જ જોઈ રહ્યો હતો. વાંદરાએ પૂછ્યું : ‘મિત્ર ! કેમ મોડું અવાયું ? ઘેર કોઈ સાજુંમાંદું છે ? તારી ચાલ આજે ઢીલી કેમ હતી ? તારા મોં ઉપર મને ઉત્સાહ કેમ નથી લાગતો ?’ વાંદરો ચાલાક હતો એટલે એને આવી શંકા પડી.
મગર નરમ અવાજે બોલ્યો : ‘મિત્ર ! મારે ને પત્નીને આજે લડવાનું થઈ ગયું. એ કહે છે કે તું રોજ મિત્રની મિજબાની માણે છે પણ મિત્રને આપણા ઘેર નોતરતો નથી. તું એમને આપણે ઘેર લાવ, નહિ તો હું મરી જઈશ. એટલે મિત્ર, તમને હું નોતરું દેવા આવ્યો છું. રસોઈ તૈયાર કરીને તમને આવકારવા એ રાહ જોઈ રહી છે.’
વાંદરો બોલ્યો : ‘મિત્ર ! ભાભીનું કહેવું તદ્દન બરાબર છે. ખાવું-ખવરાવવું એ લાગણીની નિશાની છે. પણ તમારું ઘર પાણીમાં છે. હું એમાં શી રીતે આવું ? તમે જ ભાભીને અહીં લઈ આવો. હું જ એમને અહીં મારા તરફથી જાંબુનું ભોજન કરાવીશ.’
મગરે કહ્યું : ‘મિત્ર ! પાણીનો ડર રાખવાની જરૂર નથી. મારી પીઠ ઉપર બેસી જાઓ. હું તરતો તરતો તમને આરામથી મારે ઘેર પહોંચાડી દઈશ.’ વાંદરો વિશ્વાસ મૂકી મગરની પીઠ ઉપર આવીને બેઠો.

નદીની મધ્યમાં આવતાં જ મગરે ડૂબકી મારવા તૈયારી કરી. વાંદરો એ જોઈ ડરી ગયો ને બોલ્યો, ‘ભાઈ ! ધીમે-ધીમે ચાલો. પાણીની ઝાપટોથી મારું શરીર પલળી ગયું છે. ડૂબકી ન ખાશો.’ આ સાંભળી મગરને ખાતરી થઈ કે ‘વાંદરો હવે મારા પૂરા કબજામાં છે; મારી પીઠ પરથી જરા પણ ખસી નહિ શકે. હવે હું એને મૂળ વાત જણાવી દઉં. અંતકાળે એ જેને યાદ કરવા માગતો હોય એને ભલે યાદ કરી લે.’
મગર બોલ્યો : ‘હું તો ડૂબકી ખાવાનો જ. હું તો તમારી ભાભીના કહેવાથી તમને મારી નાખવા માટે મારી સાથે લાવ્યો છું.’ વાંદરો મુશ્કેલીમાં મુકાઈ ગયો. પણ હતો ચપળ એટલે કંઈક વિચારી કાઢીને એ બોલ્યો :
‘કેમ ભાઈ, મને શા માટે મારવા ઈચ્છો છો ? મેં તમારું શું બગાડ્યું છે ?’
મગરે કહ્યું : ‘ભાઈ ! મારી પત્ની માંદી પડી છે. વાંદરાનું કાળજું ખાય તો જ એ બચી શકે તેમ છે. અહીં બીજું વાંદરું નથી. હું તમારું જ કાળજું એને ખવરાવી શકું તેમ છું.’

વાંદરો સડાક જ થઈ ગયો. પણ પછી ઉપાય વિચારી બોલ્યો :
‘આવી બિના હતી તો મગરભાઈ, મને પહેલેથી જ કહેવું હતું ને ! ભાભીનો જીવ બચાવવા હું ખુશીથી મિત્રને કાળજું આપી દેત. કાળજું તો રક્ષણ માટે કાયમ જાંબુડા ઉપર જ એક બખોલમાં રાખું છું. માંગ્યું હોત તો ત્યાંથી કાઢીને એ વખતે જ તમારા હાથમાં મૂકી દેત. તમે મને અહીં ફોગટ લઈ આવ્યા. જલદી પાછા ફરો. આપણે કાળજું સાથે લઈ લઈએ. વાર કરશો તો ભાભીની માંદગી વધી જશે.’

મગરે પડખું ફેરવ્યું ને જાંબુડા તરફની દિશામાં તરવા માંડ્યું. વાંદરાને મગર ઝડપથી નદીકાંઠે લઈ આવ્યો. વાંદરો ઝડપથી ઠેકીને જાંબુડા ઉપર પહોંચી ગયો. પછી ભારે મોટા હાસ્ય સાથે બોલ્યો : ‘મૂરખાજી ! હવે ઘેર સિધાવો. તમારી પત્નીને કહેજો કે જગતમાં તું સૌથી મૂરખ છે. ભલા, કોઈ પોતાનું કાળજું શરીરથી છૂટું પાડીને અલગ મૂકી શક્યું છે ?’
મગર શરમિંદો પડી ગયો ને બોલ્યો : ‘વાંદરાભાઈ ! હું તો મજાક કરતો હતો. તમે પાછા આવો.’
વાંદરાએ જાંબુડા ઉપરથી જ કહ્યું : ‘ભાગો મગરભાઈ ! ભૂખી વ્યક્તિ કયું પાપ નથી કરતી ? શાસ્ત્રમાં કહ્યું છે કે એક વાર દગો કરે એનો જે ફરીથી વિશ્વાસ કરી જાય છે એ પોતાનો જીવ ગુમાવીને જ રહે છે.’

[ ચિત્ર સૌજન્ય : Flickr.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હિંમત : મારો દોસ્ત – મોહમ્મદ માંકડ
સ્પંદન : સાહિત્યિક પ્રવૃત્તિ – ‘સ્પંદન ટીમ’ Next »   

37 પ્રતિભાવો : વાંદરાનું કાળજું – રતિલાલ સાં. નાયક

 1. Hiral Thaker "Vasantiful" says:

  બાળપણ યાદ આવી ગયુ. લાગે છે રીડગુજરાતી પર પણ સ્કુલ વેકેશનનો મુડ આવી ગયો છે. 🙂

 2. arun says:

  વાહ મજા પડી ગઈ.નાનપણ મા બહુ વાચી આજે યાદ તાજા થઇ ગયી. પણ મોરલ ઓફ ધ સ્ટોરી કે પત્નિ જ મિત્રતા તોડાવે હા….હા…..હા…..

 3. Sudhir Naik says:

  This is an old and known story, however I felt like reading this as if I am reading it for the first time. An excelLent NARATION. Children will love this.

  Regards

  Sudhir Naik

 4. Amit Patel says:

  આજે પણ પંચતંત્રની વાર્તાઓ બાળપણ જેટલા જ ઉત્સાહથી વાંચવાની મજા આવે છે.
  સચિત્ર વર્ણનથી વાર્તા યાદગાર બની છે.

  રતિલાલ સાં. નાયક ના પૌત્ર ડો. સૌમ્ય નાયક મારો ખાસ મિત્ર છે. નાનપણમાં ઘણીવાર લેખકને ઘણીવાર મળવાનુ થતુ.
  એમણે અન્ય ઘણી બાળવાર્તાઓ પણ લખેલી છે એની જ રાહ છે.

 5. Veena Dave, USA says:

  બાળવારતા પણ બોધ મોટાઓ માટે. દુનિયા મા ઘણા મગર ટાઈપ જ હોય છે.

 6. Vinod Patel, USA says:

  Monkeys and human have 93% identical DNA. so we should behave in life like monkey in this story. We should be honest in life. It is more important to be honest with people who are helping us. Great story!

 7. Sonal Rana says:

  ofcourse its story which make rememberance of childhood…

 8. falguni nayak says:

  I REALLY ENJOYED READING THESE STORY BECAUSE IT IS GIVING US VERY GOOD INSPIRATION TO ALL AGES.

 9. kumar says:

  પંચતંત્ર – પ્રેરણાત્મક વાર્તાનો શ્રેશ્ઠ સ્ત્રોત.

 10. trupti says:

  મે મારિ દિકરિ ને આ વાર્રતા વાચિ સભલાવિ હતિ તે આજે યાદ આઈ ગઈ.
  With great difficulty i could type one line in Gujarati.
  When my daughter was small (now she is in 7th Std.) I used to buy all kinds of books for her in English as well as in Gujarati with the intension that, one day she will read them once she grows big. When she was small I used to read out the stories to her and this was one of the story i used to read for my daughter, and she also used to enjoy this story everytime I used to read this out for her ( she used to insist on me reading this story for her). When she went to English Medium school, she never devloped the habit of reading Gujarati, (but is lover of books in English, and would not come out of the book store once we are in, even when we went to the USA for a holiday last year, she would get insdie the book stores and would insist of me buyig the books, which are actully available with either Granth or Corssword) but this story was part of her study in one of the year ( Gujarati is a second language in her School.) and again she enjoyed reading and studying the story in the school.
  Really the auther brought our childhood back.

 11. nayan panchal says:

  નાનપણની આ બધી વાર્તાઓ પણ કીમતી સંભારણા છે. કીડી-કબૂતર, સસલુ-કાચબો, સિંહ-ઉંદર…

  મજા આવી ગઈ.

  આભાર,
  નયન

 12. mshah says:

  reminded me of my school days. keep it up.

 13. bijal says:

  બહુ મજા આવિ

 14. Kanchanamrut Hingrajia says:

  પંચતંત્રની વાર્તા હોય અને નાયક સાહેબની કલમ હોય પછી સરસ જ રચના આકાર પામે.
  નાયક સાહેબ મારા કોલેજના પહેલા વરસમાં અમારું ગુજરાતી લેતા !

 15. Snehal says:

  પંચતંત્રની વાર્તાઓ કોઈ દિવસ બાળકોને કહેવા જેવી મને લાગી નથી. જેમ કે આ વાર્તામાં મિત્રતાને ડિસ્કરેજ કરવામાં આવી છે. બાળકને એવો બોધ મળે કે પત્ની ને ખાતર સાચો મિત્ર પણ દગો દઈ શકે. એ વાત ક્યારેક સાચી હોય તો પણ કુમળા મન માટે એ પચાવવી અઘરી છે. (અથવા તો બહુ નાની ઉમ્મરે એ જ્ઞાન આપણે આપીએ છીએ. હાર્ડ ફેક્ટ્સ ઓફ લાઈફ્.) મોટા ભાગની વાર્તામાં એવુ છે. કદાચ જે હેતુ થી એ કહેવાઈ છે એને કારણે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.