- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હજાર ઓડિશનની સફર – રેખા ખાન

[‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.]

એક સારી ભૂમિકા મળવી એ શું છે તે કલર્સ ચેનલ પર પ્રસારિત થતી ‘બાલિકા વધૂ’માં સુગુનાની ભૂમિકા ભજવનાર વિભા આનંદથી વિશેષ કોણ જાણી શકે ? દહેરાદૂનની 16-17વર્ષની આ છોકરીને આ ભૂમિકા સેંકડો ઓડિશન પછી મળી ! આજે તેનું અભિનેત્રી બનવાનું સ્વપ્ન પૂરું થયું છે પરંતુ એની આ સફર કેવી રીતે પસાર થઈ, તે ચાલો જાણીએ એના જ શબ્દોમાં :

હું દહેરાદૂનમાં ઊછરી છું. મારા પપ્પા ફોટોગ્રાફર છે. ઘરમાં હું સૌથી મોટી છું. એક નાનો ભાઈ અને એક બહેન છે. હું પહેલેથી જ અભિનેત્રી બનવા ઈચ્છતી હતી. જો કે અમારા કુટુંબમાં કોઈ ફિલ્મ કે ટેલિવિઝન ક્ષેત્રે સંકળાયેલું નહોતું. મારી મમ્મીનું પોતાનું પાર્લર છે. બાળપણમાં મને નૃત્યનો પણ શોખ હતો. પહેલા ધોરણમાં હતી ત્યારે પહેલી વાર સ્ટેજ પર નૃત્ય કર્યું હતું. ત્યારપછી દર વર્ષે ડાન્સિંગમાં ભાગ લેતી હતી. સ્ટેજફિયર મને ક્યારેય નહોતો. છઠ્ઠા ધોરણમાં એક નાટકમાં કામ કર્યું હતું જેમાં હું રાજકુમારી બની હતી. ત્યારથી એક્ટિંગ-ડાન્સિંગમાં મજા આવવા લાગી હતી.

મારું દસમા ધોરણનું ભણવાનું પૂરું થયું એટલે અમે મુંબઈ આવી ગયા. સમજો કે મમ્મી-પપ્પાએ મારા સપનાને પોતાનું સમજી પહેલેથી જ કંઈક નક્કી કરી રાખ્યું હતું. ઘરમાંથી બહાર નીકળતી વખતે મમ્મીથી અલગ થતાં ખૂબ રડી. પણ પછી આંસુ લૂછીને મનમાં ને મનમાં નક્કી કર્યું કે કંઈક બનીને જ પાછી આવીશ. મુંબઈ વિશે મેં બહુ સાંભળ્યું હતું. પરંતુ, મુંબઈ મારા સ્વપ્ન કરતાં કંઈક જુદું જ નીકળ્યું ! અહીંના મુશળધાર વરસાદને જોઈને તો મારી આંખ પહોળી થઈ ગઈ હતી. અહીં ટ્રેનની ભીડ જોઈને તો મને થતું કે હું બેહોશ થઈ જઈશ.

મુંબઈ આવ્યા પછી મારા પપ્પાએ મને ચાર બંગલામાં આવેલી એક ડાન્સ એકેડેમીમાં દાખલ કરી દીધી. તેથી મારે રોજ મીરા રોડથી ટ્રેનમાં બેસી અંધેરી આવવું પડતું. સવારે સાત વાગે નીકળીને રાત્રે નવ વાગે પાછી ફરતી. સાથે એક્ટિંગ કલાસમાં પણ જવા લાગી હતી. શરૂમાં તો ટ્રેનમાં ચડી જ શકતી નહીં, પછી ધીમે ધીમે શીખી ગઈ. ભીડમાં એવી દબાઈ જતી ! એક વાર ભીડમાં મારી બેગ ફાટી ગઈ, વાળ છૂટી ગયા, કપડાંના હાલ બૂરા થઈ ગયા. તે દિવસે મમ્મીની બહુ યાદ આવી. એણે કેવી આશાઓ સાથે મને મોકલી હતી !

ધીમે ધીમે એક્ટિંગ સ્કૂલ અને ડાન્સિંગ સાથે ઓડિશન આપવાનાં પણ મેં શરૂ કર્યાં. મને યાદ છે મારું સૌથી પહેલું ઓડિશન યુટીવીની એક સિરિયલ માટે હતું. હું ત્યાં પહોંચી તો મારા હાથમાં એક સ્ક્રિપ્ટ પકડાવી દેવામાં આવી. એમાં ભાભીનો રોલ હતો. પણ સિલેક્ટ ન થઈ. દુ:ખ તો બહુ થયું, પણ સ્વાભાવિક છે કે ભાભીના રોલ માટે હું બહુ નાની હતી. પણ મને તો જાણે પરીક્ષામાં નાપાસ થઈ હોઉં એવું લાગ્યું. એ પછી તો રિજેક્ટ થવાનો સિલસિલો એવો ચાલ્યો કે તમે માનશો જ નહીં ! મેં ઓછામાં ઓછાં હજાર ઓડિશન તો આપ્યાં જ હશે. કોઈ કહે કે હું ભૂમિકાને લાયક નથી, કોઈ કહે હું બહુ નાની છું. કેટલાક લોકો ક્યુટ ક્યુટ કહે પણ મને પસંદ કોઈ કરતું નહોતું. 2008માં તો એક એવો તબક્કો આવ્યો કે હું સાવ ભાંગી પડી હતી. થયું એવું કે એક ઓડિશનમાં મને સિલેક્ટ થઈ જવાની આશા હતી પણ એમાંય ન થઈ. દરમ્યાન મારી ડાન્સિંગ સ્કૂલ પણ પૂરી થઈ ગઈ હોવાથી એકદમ ખાલીપો લાગવા માંડ્યો. મેં ફરીથી એક્ટિંગ સ્કૂલ જોઈન કરી. થવા લાગ્યું કે હવે શું કરું ? ક્યાં જાઉં ? દસમા પછી ભણવાનુંય છોડી દીધું હતું. કામ મળવાની કોઈ દિશા દેખાતી નહોતી. જિંદગીમાં કાળાં વાદળ છવાઈ ગયાં હતાં. પણ એવામાં જ એક રૂપેરી કોર નજરે ચડી… !

મને મારી એક્ટિંગ સ્કૂલમાંથી જ ખબર પડી કે ‘બાલિકા વધૂ’નાં ઓડિશન ચાલી રહ્યાં છે. હંમેશની જેમ હું પહોંચી ઓડિશન આપવા. એમણે કહ્યું કાલે જણાવીશું. પહેલાં તો મારું મન મૂરઝાઈ ગયું પણ પછી ખરેખર એમનો સિલેકશન થઈ ગયાનો ફોન આવ્યો તો મને લાગ્યું કે હું જાણે સાતમા આસમાનમાં વિહરું છું. પણ કિસ્મત તો જુઓ, મારી સાથે ખુશી વહેંચનાર મારું પોતાનું અહીં કોઈ નહોતું. મારા પપ્પા પણ દહેરાદૂન ગયા હતા. મેં જલદી જલદી ઘરે ફોન લગાડ્યો અને આ સમાચાર જણાવ્યા. સિલેકશનના બે-ચાર દિવસમાં જ હું આખા યુનિટ સાથે રાજસ્થાનમાં શૂટિંગ કરી રહી હતી. મારી દષ્ટિએ સુગુના એક ચુલબુલી, લાડકી-માસુમ છોકરી છે, ખિલતા ફૂલ જેવી. પણ એ ફૂલ હવે કરમાઈ ગયું છે, વૈધવ્યને કારણે.

આ મારો પહેલો રોલ જ એવો સંવેદનાત્મક છે કે હું એની સાથે ભાવનાત્મક રીતે ખૂબ જોડાઈ ગઈ છું. સુગુનાનાં લગ્નને દિવસે જ એના વિધવા થઈ જવાનો સીન મારે માટે ખૂબ મુશ્કેલ હતો. અત્યારે આ ભૂમિકા નિભાવતાં થોડો ભાર લાગે છે. મને એમ થાય છે કે આપણા દેશમાં સુગુના જેવી છોકરીઓ આવા રીત-રિવાજોના બંધન સાથે કેવી રીતે જીવી શકતી હશે ? શૂટિંગ દરમ્યાન મારી જ ઉંમરની એક છોકરીનાં લગ્ન થતાં જોઈને હું પરેશાન થઈ ગઈ હતી. શું લગ્ન એ કોઈ ઢીંગલા-ઢીંગલીનો ખેલ છે ? બાળવિવાહ સરેઆમ ગલત છે. આ સિરિયલ જોઈને મા-બાપ પોતાનાં બાળકોની જિંદગી આવી કુપ્રથાઓથી બચાવી લે એ જ એનો હેતુ છે.

સુગુનાની મારી આ ભૂમિકાએ મને એક નવી ઓળખ આપી. પહેલી કમાણીનો પહેલો ચેક અને મારો આત્મવિશ્વાસ પાછો આપ્યો છે. આજે હું આ સ્થાને પહોંચી છું મારા પપ્પાને કારણે. પ્રોડક્શન હાઉસીસનાં સરનામાં લઈને એ જ સંઘર્ષ કરતા હતા. હું તો બસ એ સરનામે પહોંચી જતી. જ્યારે ઓડિશનમાં નિષ્ફળ જાઉં તો કહેતા : ‘હવે એ ભૂલી જા. હું તારી પાછળ છું ને !’ સુગુનાના વૈધવ્યવાળો એપિસોડ જોઈને પપ્પાનો ફોન આવ્યો. મને યાદ કરીને તેઓ ફોન પર રડતા હતા. પરંતુ, એમણે જ્યારે એમ કહ્યું, ‘કેમ વિભા, મેં મારું વચન પૂરું કર્યું ને ?’ ત્યારે મારી આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં. મને અભિનેત્રી બનાવવાનું વચન એમણે પૂરું કર્યું હતું. આ છે મારી હજાર ઓડિશનની સફર !