અખંડિતતા માટે સમરસતા – મીરા ભટ્ટ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

પરિવાર એ માનવજાતિનું સાંસ્કૃતિક આરોહણનું મહત્વનું સોપાન છે. અરણ્યોમાં શિકાર કરતી માનવ ટોળકીઓમાં સ્ત્રી-પુરુષ વચ્ચે નર-માદા-સંબંધ તો હતો જ. પરંતુ એ સંબંધને પતિ-પત્નીની ગાંઠે બાંધી ધીરે ધીરે કામવાસનાને મર્યાદિત કરતા જવાની દિશા ખોળી અને એમાંથી જ માનવબાળને માતાપિતાની છત્રછાયા આપતું ‘પરિવાર’ નામનું ઘટક નિર્માણ કર્યું. પરિવારમાં માણસ માણસ સાથે રક્ત સંબંધે અને યૌન સંબંધે એકમેકના સંસર્ગમાં આવ્યા. પરિવાર એ વિવિધ વ્યક્તિઓનો માત્ર સરવાળો નથી. પારિવારિક સંબંધમાં મિશ્રણ નથી, રસાયણોનું સંયોજન છે. માણસ વ્યક્તિ મટી પિતા બને છે, પુત્ર બને છે, પત્ની કે માતા બને છે. એનું આ નવું સગપણ મિશ્રણનું પરિણામ નથી, સંયોજનનું પરિણામ છે. જેવી રીતે દૂધમાં સાકર નાખ્યા પછી દૂધ-સાકરનું મિશ્રણ નથી રહેતું, સંયોજન થાય છે, એ રીતે પારિવારિક સંબંધોમાં વ્યક્તિ વ્યક્તિ મટીને પિતા-માતા-બંધુ-ભગિની બને છે.

પરિવાર માનવમૂલ્યોની પ્રયોગશાળા છે, ધરુવાડિયું છે. પ્રેમ, વાત્સલ્ય, જવાબદારી, સહયોગ જેવાં મૂલ્યો આપણને પારિવારિક સંદર્ભમાંથી જ પ્રાપ્ત થયાં છે. આમ પરિવાર સંસ્થાનું સમાજ પર ભારે મોટું ઋણ છે. પરંતુ કમભાગ્યે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ધીરે ધીરે પરિવારનું વિઘટન થતાં થતાં માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં જે રાસાયણિક સંયોજન થતું રહેતું હતું, તે અટકી ગયું છે. વર્તમાન પરિવારમાં માણસો સંબંધોમાં જીવે છે ખરા, પરંતુ એ સંબંધો ધીરે ધીરે ઉપર-ઉપરના, તકલાદી, સ્વાર્થી બનતા જાય છે. પરિવારમાં આજે વિવિધ સંબંધોનાં ફૂલ તો છે, પરંતુ જાણે એ કાગળનાં ફૂલ છે. સંબંધોની સુગંધ હવામાં ખોવાઈ ગઈ છે. સંબંધોની આ તિરાડે સમાજને તો અસલામત કર્યો જ છે, વ્યક્તિને પણ વિખેરી છિન્ન-ભિન્ન કરી મૂક્યો છે. માણસ આજે વધુ ને વધુ એકલો-અટૂલો નિરાધાર બનતો જાય છે. પરિવારમાં જન્મ બાદ, માનવબાળ કોઈ સલામત હથેળીઓમાં ઝીલાતો, તે જાણે ધીરે ધીરે ઊંધે મોંએ ભૂમિ પર પટકાતો અનુભવાય છે. સંબંધોની જ્યારે બાદબાકી થાય છે અને પરસ્પર જવાબદારીની સભાનતા રહેતી નથી, ત્યારે સંબંધોમાં નર્યો સ્વાર્થ અને ભોગલાલસા જ કામ કરતી થઈ જાય છે. સ્વાર્થ પત્યે સઘળું નાશ પામે છે, છિન્ન-ભિન્ન થઈ જાય છે. માણસ ઊખડેલો-ઊખડેલો રહેતો થઈ જાય છે.

આજે કુટુંબોમાં નજર નાંખીએ છીએ તો સંતાનો માતાપિતા પાસે કેવળ હક્ક-અધિકારની ભાષા જ વાપરતાં થઈ ગયાં છે. ‘આ જોઈએ, તે જોઈએ’ની એમની યાદી ઉત્તરોત્તર લાંબી થતી જાય છે, બીજી બાજુ જવાબદારી કે કર્તવ્યના નામે મીંડું જોવા મળે છે. અભ્યાસ અને ઈતર કૌશલ્યો મેળવવામાં જ એટલાં બધાં પ્રવૃત્ત થઈ જાય છે કે પરિવારના અંગરૂપે કશી જવાબદારી અનુભવતાં નથી. એટલું જ નહીં, પોતાને હક્કદાર માની વાણી-વ્યવહારમાં અવિનય દાખવતાં પણ થઈ જાય છે. અગાઉ કુટુંબોમાં છોકરા-છોકરીના ઉછેર બાબતે ભેદભાવ વર્તાતો, તેને સંતુલિત કરવા ગયા, તેમાં કેટલાક કિસ્સાઓમાં તો દીકરીઓએ ગજબનું કાઠું કાઢ્યું અને પોતાની સમાન શક્યતાઓ સિદ્ધ કરી દાખવી. એટલે જે બાળકો જવાબદાર બન્યાં, તેમણે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી. પરંતુ જે બાળકો લાડ-પ્યારમાં સ્વચ્છંદતાના માર્ગે ચઢી ગયાં, તેમને જીવનનો કોઈ માનવીય ઉદ્દેશ સાંપડ્યો નહીં, પરિણામે ક્ષુલ્લક ઈચ્છાઓના શિકાર બની, ‘હજુ વધુ, હજુ વધુ’ની સંસ્કૃતિના ભોગ બન્યાં.

સંબંધોને બાંધનારું તત્વ છે – પરસ્પરની જવાબદારી અને પ્રેમ. પરિવારોમાંથી ધીરે ધીરે આ બંને વસ્તુ વિદાય લઈ રહી છે. માણસોનો સમૂહ સ્નેહવશ યા તો સમાન વિચારવશ યા સમાન કાર્યવશ બનતો હોય છે. પરિવારમાં સમાન વિચાર કે કાર્ય ન પણ હોઈ શકે અને તેમાં સ્નેહતત્વ પાંખું પડે તો એ વેરવિખેર થયા વગર રહે નહીં. માત્ર છાપરું કે માત્ર રોટલો હૃદયોને જોડવાનું કામ ન કરી શકે. એટલે સંપન્ન પરિવારોએ જીવનશૈલી બદલવાની જરૂર છે. બાળકને જે જોઈએ તે નહીં, પરંતુ જે જરૂરી છે તે આપીને પોતાના પ્રેમને મર્યાદિત કરવો પડશે. બાળકોના હાથ-પગ વળતા રહે, કુટુંબના કામકાજમાં તેમનો ફાળો નોંધાતો રહે તેવું વાતાવરણ પેદા કરવું પડશે. પરિવારમાં લોકશાહીનું મૂલ્ય સ્થાપવું હશે તો જવાબદાર સભ્યનું નિર્માણ કરવું પડશે. આ માટે 18 વર્ષની પુખ્ત વયની રાહ જોવાની જરૂર નથી. નાનું બાળક પણ પોતાની થાળી કમ સે કમ ખાળ-ચોકડી સુધી તો પહોંચાડી જ શકે. મૂળ વાત સંસ્કાર પાડવાની છે. પોતાનાં કામ પોતે કરી લેવાની સ્વાશ્રયી વૃત્તિ પેદા કરવાની આજે ખૂબ જરૂર છે. બીજી જરૂર છે – શ્રમનિષ્ઠા નિર્માણ કરવાની. એશઆરામી જીવન નહીં, પરંતુ પરસેવો પડે તેટલું શ્રમાધારિત જીવન આરોગ્ય તેમજ શોષણમુક્તિ માટે ખૂબ જરૂરી છે. આજે જેમને શ્રમની જરાય ટેવ નથી, તેવા લોકો શ્રમિકોના અથાક પરિશ્રમનો ખોટો લાભ ઉઠાવતા રહી, પોતાના જીવનને પણ રોગના બારણા સુધી પહોંચાડતા રહે છે.

આજે પરિવારમાં સમયનાં બંધન ઢીલાં પડી ગયાં છે. મન ફાવે ત્યારે સૂવું અને જાગવું, જમવાનું પણ પોતપોતાની રીતે, નાહવા માટે પણ બાળકોને ટોકવા પડે… ભલે આપણે કૌટુંબિક જીવનને ઘંટ વગાડીને ચાલતું શિબિર-જીવન ન બનાવીએ, તેમ છતાં ય સહિયારાપણાનો ભાવ તો રહેવો જ જોઈએ. પરિવારનું મોટામાં મોટું પ્રદાન છે – પરસ્પરની હૂંફ અને ઉષ્મા. આ હૂંફ કાંઈ હવામાંથી અદ્ધરતાલ ઊભી ન થઈ શકે. તે માટે પરસ્પર-નિસ્બત પ્રગટ થતી રહેવી જોઈએ. પરિવારમાં તો પ્રેમ હોય જ એવું ધારી લઈને ન ચલાય. પ્રેમ પણ માવજત માગે છે, કાળજી માગે છે. પોતાના હૃદયને પ્રેમથી ભરી દઈએ તો જ પ્રેમના અંકુર ફૂટે છે. પરિવારમાં લીધા-દીધાના ગણિત નહીં, દીધા-દીધાનું ગણિત જ ચાલવું જોઈએ. માનવતાએ વિકાસપંથે આગળ ડગ માંડવા હોય તો પરિવારના તમામ સંબંધોમાં ‘માતૃત્વની ઝલક’ લાવવી પડશે.

જો સમયસર જાગૃત નહીં થઈએ તો છિન્નભિન્ન પરિવારના સભ્યો એવો છિન્નભિન્ન સમાજ નિર્માણ કરશે જેની અસરો મહાયુદ્ધોના પ્રભાવથી લગીરે ઓછી ભયાનક નહીં હોય. સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ પરિવાર અનિવાર્ય છે. ‘આતંક’ કે ‘ત્રાસ’ નામની વૃત્તિ બિનજવાબદારીમાંથી પેદા થાય છે. આતંકવાદી પોતે તો ભયાનક મૃત્યુ સિવાય કશું પામતો નથી. તો શું કોઈના વેર પ્રત્યેનો બદલો લેવાની વૃત્તિ આટલી હદે જાય કે પોતાનું જીવન માણસ સસ્તું કરે ? હકીકતમાં આતંકવૃત્તિ માણસની સહજ વૃત્તિ નથી. આવી વૃત્તિ પાળી-પોષી-ઉછેરીને મોટી કરવામાં આવે છે. આતંકવૃત્તિ માણસમાં લાવવી પડે છે. સ્થાપિત હિતો આ વાવણી અને વાવેતરની નર્સરી પેદા કરે છે. બસ, મૂળ સોતા ઊખડેલા માણસને શોધી લો અને પછી ફાલ ઉતારો નાશવાદીઓનો ! જ્યાં સુધી પરિવારોમાં ‘અખંડ માનવ’નું નિર્માણ નહીં થાય ત્યાં સુધી વિચ્છિન્ન વ્યક્તિત્વ દ્વારા સમાજ ભાંગતો-તૂટતો રહેશે. સમાજનું બંધારણ ત્યારે જ થાય, જ્યારે પરિવારનાં ઘટકોનું પરસ્પર બંધારણ થાય ! રોટલીની કણક બાંધવી હોય છે ત્યારે લોટના કણેકણને એકમેક સાથે સંયોજવા પડે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જાગૃતપણે આ પ્રક્રિયા અજમાવાશે, તો જ એવું મેળવણ નિર્માણ થશે, જે સમસ્ત સમાજના દૂધને દહીંમાં પલટાવી શકશે. મેળવણમાં ફોદેફોદા હશે તો દહીં પણ એકરસ, સમરસ નહીં બને !

આરંભ એક-એક વ્યક્તિથી જ થશે. માણસે પહેલાં પોતાની અખંડિતતા સિદ્ધ કરવી પડશે. ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હશે ત્યાં સુધી એકસૂત્રતા પ્રગટ નહીં થાય. જીવનમાં મૂલ્યોને જીવવાં પડશે. હૃદયના સાચા ધબકાર ઝીલવા હશે તો વહેતાં શીખવું પડશે. ‘હું’માંથી ‘તું’માં, અને ‘અમે’માંથી ‘આપણે’ માં. આવો વિસ્તરતો માનવ જ અખંડ માનવ બની શકશે, આખ્ખો-પરિપૂર્ણ માનવ બની શકશે. વિરાટ-વ્યાપક આકાશમાં જે સમગ્રતા દેખાય છે, તેના લયમાં આવી અખંડિતતા છે. આકાશમાં સૌ એકમેકને અનુસરે છે, ત્યાં લય છે, છંદ છે ! સ્વચ્છંદ નથી, સમગ્રતાનો છંદ છે ! ‘સ્વ’ આગળ વિરાટ-વિશાળ-વ્યાપકતાનું એન્જિન ન જોડાય તો ન વિશ્વ પેદા થાય, ન વિશ્વેશ્વર પ્રાપ્ત થઈ શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લગ્નમાંગલ્ય – સં. શ્રી મગનભાઈ જો. પટેલ
વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

13 પ્રતિભાવો : અખંડિતતા માટે સમરસતા – મીરા ભટ્ટ

 1. સંસ્કારનું સંવૅધન સંયુક્ત પરિવારમાં વધારે સારી રીતે થઈ શકે.

  આજના યુગમાં જ્યાં અહંકારનું સામ્રાજ્ય તપે છે ત્યાં આ વિચાર હવે વધુ પડતો લાગે છે. દાદા-દાદીની છત્ર છાયા હેઠળ ઉછરતાં બાળકો કેટલાં ભાગ્યશાળી હોય છે જેમને દરરોજ વાતૉઓ સાંભળવા મળે..મંદિરમાં લઈ જાય..શાળાનું લેસન કરાવામાં મદદ કરે..અને કદાચ શિસ્તનું સિંચન પણ અહીંથી જ થાય..!!
  આ બધું શક્ય કયારે બને જેને ભાગ્યશાળી પુત્રવધુ મળે..!!
  પુત્રવધુની પધરામણી થતાં જ ઘરનું સમીકરણ બદલાઈ જાય.

 2. Paresh says:

  સુંદર લેખ. પરિવાર છેવટે સમાજનો જ ઘટક છે. પરિવાર સ્નેહના તાંતણે મજબુત હશે તો સમાજ પણ મજબુત થશે. આભાર મીરાબહેન

 3. pragnaju says:

  ‘હું’માંથી ‘તું’માં, અને ‘અમે’માંથી ‘આપણે’ માં. આવો વિસ્તરતો માનવ જ અખંડ માનવ બની શકશે, આખ્ખો-પરિપૂર્ણ માનવ બની શકશે. વિરાટ-વ્યાપક આકાશમાં જે સમગ્રતા દેખાય છે, તેના લયમાં આવી અખંડિતતા છે. આકાશમાં સૌ એકમેકને અનુસરે છે, ત્યાં લય છે, છંદ છે ! સ્વચ્છંદ નથી, સમગ્રતાનો છંદ છે ! ‘સ્વ’ આગળ વિરાટ-વિશાળ-વ્યાપકતાનું એન્જિન ન જોડાય તો ન વિશ્વ પેદા થાય, ન વિશ્વેશ્વર પ્રાપ્ત થઈ શકે.
  ખૂબ સુંદર

 4. nayan panchal says:

  આખરે સમાજ તો અનેક પરિવારોનો જ સમૂહ છે ને. જો આપણી કુટુંબ ભાવના મજબૂત હશે તો સમાજ પણ મજબૂત બનશે જ.

  સરસ લેખ.

  આભાર,
  નયન

 5. ભાવના શુક્લ says:

  સમરસતાનો ખુબ વ્યાપક અર્થ માનવસંબંધો અને પારીવારીક સંયોજનના અર્થમા મીરા બહેને અહી ખુબ જ સરસ રીતે વ્યક્ત કર્યો છે. હજુ એકવાર પુછવાનુ મન થાય કે આ પ્રકારના ઉત્તમ લેખો ખરેખર જે પ્રવાહને વાચવા જરુરી છે સમજવા જરુરી છે તેના સુધી પહોચાડવા કઈ રીતે..
  જે લોકો વ્યર્થ ભ્રમણાઓમા ભમતા રહી પોતાનો, મા-બાપનો અને અન્યનો સમય ખરાબ કરતા રહે છે તે તો આ કદી વાચવાના જ નથી જાણે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.