તૃષ્ણા – અશ્વિની બાપટ

[ સામાન્યત: વાર્તામાં એકાદ ઘટના હોય છે, પાત્રોના સંવાદ હોય છે અને વાર્તાને અંતે કંઈક ચમત્કૃતિ હોય છે. પરંતુ એ બધાથી આ વાર્તા કંઈક જુદા પ્રકારની ઘડાઈ છે. આ વાર્તામાં માનવીય જીવનના અને માનવીય વિચારધારાના અનેક રંગો સમાયેલા છે. અંતિમ ફકરો એની ચરમસીમા છે. એ સાયકોલોજી છે ? ફિલોસોફી છે ? કે માનવીય મૂળભૂત વૃત્તિઓની કથા છે ? કદાચ જેટલા પરિમાણો વિચારીએ એનાથી એક નવું પરિમાણ એમાં છુપાયેલું-દબાયેલું દેખાય છે. બે-ત્રણ વાર વાંચ્યા પછી વાર્તાના ઊંડાણમાં રહેલો એક જુદો ધ્વનિ સંભળાય છે જે ઉપર-ઉપરની કથાઓ કરતાં સદંતર જુદો હોય એમ બની શકે. એ કયો ધ્વનિ છે ? એની માટે તો વાર્તા જ માણવી રહી. પ્રસ્તુત છે ‘તૃષ્ણા’ – અભિયાન દીપોત્સવી 2008માંથી સાભાર. – તંત્રી, રીડગુજરાતી. ]

પાંચ એકની બોરીવલી ફાસ્ટ ઈન્ડિકેટર જોઈને એ પ્લેટફોર્મ નંબર પાંચ તરફ દોડવા માંડ્યો. ટ્રેન આવતી જ હશે. પાંચ નંબર તરફ જનારા ટોળામાં એક વાર સામેલ થયો કે પછી પોતાની મરજી પ્રમાણે ચાલવાનું હતું જ નહીં. એની ઝડપ અને દિશા બધું ગિરદીને હવાલે થઈ ગયું. ગાડી આવી જ રહી હતી અને ડબ્બામાંના આઠ-દસ ઊતરે ન ઊતરે ત્યાં જ ચાલતી ગાડીમાં અનેક ચઢી ગયા હતા. એણે પણ કોશિશ કરી પણ ફાવ્યું નહીં. ગાડી ઊભી રહી ત્યાં સુધીમાં અંદર બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી. શું કરવું ? ગાડી છોડી દેવી ? ચર્ચગેટથી કાંદિવલી સુધી ઊભા રહેવું પડશે અને જો આ છોડી દીધી તો બીજી ટ્રેનમાં પણ આવું જ તો થશે. એને આ લોકલ ટ્રેનોની જરા પણ સમજણ નહોતી અને સાંજના સમયમાં તો ભલભલા પાવરધા પણ તોબા પોકારી દેતા હોય એમાં એ તો સાવ નવો નિશાળિયો હતો. નવો નિશાળિયો ! અઠ્ઠાવનમાં વર્ષે આ શબ્દ કેવો ફની લાગે છે !

છેવટે એ ચઢ્યો અને તરત જ ગાડી શરૂ થઈ ગઈ. દરવાજા આગળ જ એને ઊભા રહેવાની જગ્યા મળી ગઈ એટલે એ ખુશ હતો. હવે બસ બે-એક વરસ આમ કાઢવાનાં, પછી તો નિરાંત જ છે. બધાં જ કહે છે કે ગૌતમભાઈ બહુ સમય પ્રમાણે, યોગ્ય નિર્ણય લે છે. હવે રિટાયરમેન્ટ આવ્યું એટલે યોગ્ય સમયે ઠાકુરદ્વારની રૂમ કાઢીને પરામાં ફલૅટ લઈ લીધો. ગાડીનો પ્રવાસ હવે માંડ બે વરસ અને એમાંય એની ઘણી રજાઓ ભેગી થઈ હતી એટલે નિવૃત્તિ પહેલાં હવે ચારેક મહિના જ ગાડીથી પનારો છે. આવી બધી ગણતરી કરતાં ગૌતમે બહાર નજર નાખી તો મરીનલાઈન્સ નીકળી પણ ગયું હતું. અને દરેક પ્રવાસી એની આસપાસ વધી ગયા હતા. ચોપાટીની હવા કોઈ પણ અંતરાય વિના આજે એને મળી રહી હતી. મુંબઈની ટ્રેનમાંથી બહાર જોઈ શકાય એવી જગ્યા મળે એટલે કોઈ પણ ફિલૉસૉફર થઈ જાય. ગૌતમની ફિલૉસૉફી ‘લાઈફ પણ શું ચીજ છે ?’ના કુતૂહલથી શરૂ થતી અને ‘યહી હૈ જિંદગી’ના સમાધાનભર્યા વાક્ય પર પૂરી થતી. બે દિવસ પછી એ લોકો નવા ફલૅટમાં શિફટ થશે, જગ્યાની મોકળાશ હશે અને લાઈફ કદાચ જુદી જ થઈ જશે.

ગ્રાન્ટ રોડ પર તો પચીસેક જણા ડબ્બામાં ઉમેરાયા અને ગૌતમ દરવાજા પાસે જ હતો એટલે ધક્કામુક્કીમાં થોડો માર એને લાગ્યો. કાંદિવલીના ધક્કા ખાતો થયો ત્યારથી મુંબઈગરાની સહનશીલતા એને સમજાઈ ગઈ હતી. સાંભળ્યું-વાંચ્યું તો ઘણું હતું અને હવે ‘એડજેસ્ટ’ થવાનું શીખી રહ્યો હતો. સમયસર નીકળ્યા પછી પણ ધાર્યા સમયે પહોંચી ન શકાય, મોડી આવેલી ટ્રેનની ગિરદી પણ એવી હોય કે એમાં ચઢી ન શકાય અને ચઢવા મળે ત્યારે એકાદ-બે મુક્કા મળે અથવા પૉલિશવાળા બૂટ પર કોઈનો પગ આવે, ચશ્માં વાંકાં વળી જાય કાં તો અકારણ ગલીચ શબ્દો સાંભળવા પડે વગેરે. એક વાર તો એને કાંદિવલી ઊતરવા પણ મળ્યું ન હતું. એણે ઊઠીને આગળ આવવામાં જરા ઢીલ કરી તો બોરીવલીથી પાછા આવવું પડ્યું હતું. પણ હવે તો એને ઠીકાઠીક આવડી ગયું હતું.

આજે એના હાથમાં નવા ફલૅટની ચાવી આવવાની હતી અને આવતી કાલથી પૅકિંગ શરૂ. દોઢ રૂમના સમાનને વળી કેટલી વાર લાગવાની ! ઘણુંખરું તો કાઢી જ નાખવાનું છે. ઈલેક્ટ્રૉનિક ચીજો સિવાય કપડાં અને ચોપડા બસ ! મનીષના ચોપડા તો સાવંતને ઘેર જ રાખવાનાં છે. એ મુંબઈ આવશે ત્યારે ત્યાંથી જ ભલે લઈ જતો. એમ તો ચાલીમાં બધાં જ સૌને સાચવી લે તેવાં છે. નીતુનાં લગ્નમાં કેટલું માણસ આવ્યું હતું ! સૌ સચવાઈ ગયાં હતાં. વિશાખા પણ વ્યવહાર બરાબર રાખતી ને ભઈ ! આપ ભલા તો જગ ભલા. વિશાખા પણ બહુ મદદરૂપ બને બધાને. વિશાખા તો બહુ મોટા ઘરમાં રહેવા ટેવાયેલી હતી પણ અહીં મુંબઈ આવી તો કોઈ દિવસ પડારા કર્યા નહીં. બા-બાપુજીની સામે કદી ફરિયાદ કે કજિયો લઈને બેઠી નહોતી. વિશાખાએ ત્યારે નીતુના જન્મ પછી, બાપુજીને જરા સજેસ્ટ કર્યું હતું પરામાં મોટી જગ્યા લેવાનું. પણ બાપુજીને ઠાકુરદ્વાર છોડવું જ નહોતું. અને ગૌતમ એકનો એક એટલે જુદા રહેવા જવાની વાત આવે ને બાનું ઈમોશનલ બ્લૅકમેઈલિંગ શરૂ થઈ જાય. સાસુ-વહુમાં આમ કદી કોઈ કંકાસ થવાનું યાદ નથી, પણ વહુ-દીકરા જુદી જગ્યાએ રહેવામાં બાની નામરજી સામે વિશાખા કચવાતી. વળી એવા પૈસાય ક્યાં હતા કે ચાલીની રૂમ કાઢ્ય વિના પરામાં ઘર લઈ શકાય.

વિશાખા નોકરી કરવા જતી એટલે છોકરાંવ સાચવવામાં બાની બહુ મદદ પણ થઈ હતી. એ તો વિશુ પણ કબૂલે છે. બાપુજી મનીષ-નીતુને ભણાવતા અને ગૌતમ હંમેશાં કહેતો : ‘જોયું, માબાપ તે આ ! બાકી અમારી ઑફિસમાં હું એક એક કિસ્સા એવા સાંભળું છું – વડીલોની છત્રછાયા વિના એમનાં બાળકોની શી હાલત થાય છે તે.’ બધું સરસ હતું પણ જગ્યા ખૂબ નાની ને આઠ બાય આઠના ઓરડામાં એમની પથારી થતી. સાવ સંકડાશ અને એ અડધી રૂમ ભલે જુદી હતી; એને એક સરકનારો દરવાજો પણ કરાવ્યો હતો તોય બા-બાપુજીની સાવ અડોઅડ જ. બેડરૂમ તો નહીં જ. આમ શયનખંડનો અભાવ એના મનને કોરી ખાતો. એને થતું કે વિશુ બહુ આ વિશે બોલતી નથી પણ એને પણ આ વસ્તુનો અભાવ વરતાયો તો હશે જ આટલાં વરસ. બે બાળકો થઈ ગયાં પછી વિશુ તો ભલે એમનામાં જ ઓતપ્રોત થયેલી જોતો છતાં એ રાત્રે સૂતી વખતે એના પર જરા ચિડાઈને જ સૂતી એના પરથી લાગતું કે વિશુ આવા ઘરમાં ખુશ નથી. પણ બાપુજીની જિદ સામે એનું કશું ચાલતું નથી. એ લોકોને આ એરિયા છોડવો નથી અને ગૌતમને જુદો રહેવા દેવો પણ નથી.

આમ ને આમ ગયાં વરસો ! યહી હૈ જિંદગી ! વિશાખાને પચાસ પૂરાં થશે એ જ દિવસે એ લોકો નવા ઘેર રહેવા જશે એ કેવો યોગ ! એને જન્મદિવસની ભેટમાં એક નહીં પણ બબ્બે બેડરૂમનો ફલૅટ મળશે. ગૌતમને નવયુવાનીના દિવસો યાદ આવ્યા. વિશાખાએ છાપાંમાં આવતી જાહેરાતો કાપી રાખી હતી. ઑફિસમાં બેઠાં બેઠાં બંને ફોન પર જગ્યાઓ વિશે વાત કરતાં. બા-બાપુજીથી છુપાવીને રવિવારે જગ્યા જોવા નીકળી પડતાં પણ પૈસાનું આડે આવતું. મોટા ફલૅટ માટે એણે પણ બાપુજીને સમજાવ્યા હતા. એક વાર તો બોરીવલી-દહીંસર વચ્ચે એમણે એક બહુ સરસ ફલૅટ જોયો હતો. બિલ્ડરનો માણસ ચાવી આપીને જતો રહ્યો હતો ત્યારે વિશાખા કેવી ખીલી ઊઠી હતી. લોનની વ્યવસ્થા થઈ જશે, થોડું દૂર પડે એટલું જ બાકી આના જેવી કોઈ જગ્યા નથી અને એણે તો લગભગ માની જ લીધું હતું કે એ જગ્યા એમની જ થશે. ફર્નિચર, પડદા, વૉશિંગમશીનની જગ્યા, ફ્રીઝની જગ્યા બધું જ એણે ગોઠવી કાઢ્યું. બંનેનાં પગારમાંથી લોન તો ફેડાઈ જશે. બા થોડા દિવસ નારાજ રહેશે એટલું જ ને ! મનીષ – નીતુ માટે અહીં ઉત્તમ કૉન્વેન્ટ સ્કૂલ છે, પારણાંઘર પણ છે વગેરે વગેરે. પણ એ વખતે ગૌતમે બાનાં આંસુ સામે નમતું જોખ્યું. અત્યારે રહી રહીને ગૌતમને બા પર ગુસ્સો આવી ગયો.

હવે આ બધાની ભરપાઈ કરી દેશે, વિશુ ! લાઈફ બિગિન્સ નાઉ… વિશાખાને અલ્ટિમેટ સરપ્રાઈઝ ગિફટ મળશે ! કાંદિવલી સ્ટેશને ચાલતી ગાડીએ જ બીજાઓ સાથે ઊતરી પડ્યો. સ્ટેશન બહાર નીકળીને તરત જ રિક્ષા રોકી અને કહ્યું : ‘બાલાજી કોમ્પ્લેક્ષ’ બિલ્ડરને આપવાનો છેલ્લો ચેક એણે ફોલ્ડરમાં સાચવીને રાખ્યો હતો તે ફરી એક વાર જોઈ લીધો. રિક્ષા કૉમ્પ્લેક્ષમાં આવી અને એ ગૌરવભેર ગેટની અંદર ગયો. વાહ ! શું સિક્યૉરિટી છે ! અનેક લોકો રહેવા આવી ગયા હતા. એમનો ફલૅટ આઠમા માળે. બિલ્ડરની ઑફિસ પહેલા માળે. ધીમંતભાઈને ચૅક આપ્યો, ચાવી લીધી અને લિફટમાં આઠમા માળે જવા ગયો પણ વળી થયું, હવે આવવાનું જ છે તો પરમ દિવસે બેઉ સાથે જ આવીશું એમ વિચારી ‘ગ્રાઉન્ડ ફ્લોર’નું બટન જ દબાવી દીધું અને દસમી મિનિટે તો એ કાંદિવલી સ્ટેશન તરફ રિક્ષામાં જઈ રહ્યો હતો. કદી નહોતી અનુભવી એટલી, ઘરે પહોંચવાની તાલાવેલી એને થઈ રહી હતી.

ઑફિસેથી છૂટ્યા પછી વિશાખા હંમેશ પ્રમાણે બસસ્ટૉપ પર આવી. કાબલાદેવીથી ઠાકુરદ્વાર આમ તો નજીક જ હતું પણ હમણાંની સાંજે એ થાકી જતી, એટલે બસમાં આવતી. બહુ વરસ ચાલ્યાં… હવે નિરાંત જોઈએ છે. સ્ટૉપ પર આવ્યા પછી એને યાદ આવ્યું કે આજે તો ગૌતમ મોડો આવવાનો હતો. ઘરે જઈને કરશે શું ! નાનકડા ઘરમાં પણ ખાલીપો એનાથી સહન થતો નહીં. ચાર મહિના પહેલાં જ, નીતુનાં લગ્ન પછી તરત જ મનીષ પણ બાજુવાળા સાવંતની દીકરી સાથે ‘ભાગી’ ગયો હતો. તે ભાગીને જ લગ્ન કરવાં પડે ને ! ગૌતમ પણ એના બાપુજી જેવો જિદ્દી હતો. ઓછાબોલો પણ કરે તો મનનું ધાર્યું જ. માબાપના વેણને કદી ઉથાપતો નહીં એટલું જ, બાકી જિદ્દી સ્વભાવ તો ખરો જ. લગ્ન કરીને મનીષ ઘેર આવ્યો ત્યારે એણે એને ઘરમાં પગ પણ મૂકવા દીધો નહીં. શાંતિથી બારણાં બંધ કરીને એને સંભળાય તેમ વિશાખા ને કહી દીધું : ‘એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યો તો જોઈ રાખજે.’ વિશાખા કેટલું કરગરી હતી ! એણે એમ સુદ્ધાં કહી દીધું કે આજે બા-બાપુજી હો તો એય માની જાત. એણે શું એવું પાપ કરી નાખ્યું’તું ? છોકરીને નાનેથી મોટી થતાં જોઈ હતી. સુશીલ, સંસ્કારી અને કેટલી મીઠી છે. ગુજરાતી નથી તો શું થઈ ગયું ? અને મનીષને પરણીને એય શાકાહારી થઈ જશે. સારું ભણેલી છે, સમજદાર છે અને નોકરી પણ કરે છે. મનીષ પણ મારો બેટો કેવો પાક્કો ! વિશાખાને છેક સુધી કળાવા દીધું નહોતું. એને બરાબર જાણ હતી એના બાપના સ્વભાવની. એટલે જ એણે પહેલેથી જ ડોમ્બિવલીમાં ઘર લઈ લીધું હતું. બધી તૈયારી હતી. પણ માને કશી જ ગંધ નહીં. વિશાખાને બહુ મોટો ધક્કો લાગ્યો હતો પણ એથી વિશેષ ધક્કો ગૌતમે જ્યારે આ વસ્તુ માટે વિશાખાને જ જવાબદાર ગણાવી તેનો લાગ્યો. વિશાખાને તો જાણે બધી ખબર જ હતી ! પણ વિશાખાને એ છોકરી ગમતી હતી એટલે સ્વીકારી લેતાં વાર ન લાગી. આમેય વિશાખા તો બધું જ, હંમેશાં સ્વીકારતી જ આવી છે.

બા-બાપુજી બંને એકની પાછળ બીજું એમ કરીને વરસ પહેલાં જ સ્વર્ગે સીધાવ્યાં. ગૌતમ, નીતુ, મનીષ બધાં જ પોતપોતાનાં કામથી મોડાં આવવાનાં હોય ત્યારે વિશાખા સાવ એકલી પડી જતી. બા-બાપુજીની વસ્તીને બહુ જ મિસ કરતી. આવું એકાંત એનાથી સહન થતું નહીં. છતાં કામમાં મન પરોવાતું. રસોઈ કરવી કે બધું ઊંચું-નીચું મૂકવું એમાં જ બધાનો આવવાનો વખત થઈ જતો અને એવું એકાંત પછી બહુ વસમું લાગતું નહીં પણ છેલ્લા ચારેક મહિનાથી, એ અનેક વાર સાંજે એકલી પડી જતી. ગૌતમ ઘણીય વાર મોડો આવતો. કેટલો બદલાઈ ગયો હતો એ મનીષનાં લગ્ન પછી. આવતો તો એકદમ થાકેલો અને જાણે અબોલા જ હોય એમ માંડ ચાર શબ્દ પણ એની સાથે બોલતો નહીં. કોઈ કોઈ વાર કહીને જતો કે આજે મોડું થશે. આજે પણ કહીને ગયો હતો મોડું થશે અને બપોરે તો એણે ફોન કરીને કહ્યું હતું કે કશું રાંધતી નહીં. તે શું બહાર જમવા લઈ જવાનો હતો ? એના અવાજમાં પણ કોઈ ન સમજાય તેવો ઉત્સાહ હતો એટલે કદાચ બહાર જ લઈ જવાનો હશે. પણ કારણ ? જન્મદિવસને તો હજી બે દિવસની વાર હતી. પણ હમણાંથી ગૌતમ એને કશું જ કહેતો નહીં. પહેલા આવું ન હતું. બોલવાનો સમય ઓછો હોવા છતાં એના મનની વાત હંમેશાં વિશાખાને જણાવતો. હવે તો ઘરમાં બે જ જણા છતાં એકબીજાના મનની વાત જાણવાની જાણે દરકાર જ નથી. વિશાખાને આ સૌથી વધુ વસમું લાગતું.

બસસ્ટૉપ પર ગિરદી વધી ગઈ હતી. અને એક બસ આવી જે વિશાખાએ છોડી દીધી. તરત જ બીજી ખાલી બસ આવી પણ વિશાખાને ત્યારે જ એમ લાગ્યું કે ઘરે વહેલાં પહોંચીને શું કામ છે ? જવા દે… ગૌતમ તો દસ વાગ્યે આવશે. વિશાખા પશ્ચિમ તરફ ચાલવા માંડી. ચાલતાં ચાલતાં મરીન ડ્રાઈવ સુધી પહોંચી ગઈ. ત્યાં હવે ભીડ તદ્દન ઓછી હતી. એણે રસ્તો ક્રોસ કરી સમુદ્રને લગોલગ બનાવેલા ફૂટપાથ પર ચાલવા માંડ્યું. એક તરફ સ્પીડમાં ગાડીઓ દોડી જતી હતી. બહુ વરસો પહેલાં એ અને ગૌતમ અહીં આવતાં. એ વખતે જૂનાં મકાનો હતાં. ફૂટપાથ પણ આ રીતે વ્યવસ્થિત બાંધેલો નહોતો. શહેર બદલાતું જતું હતું એનાથી એ કાંઈ અજાણ તો નહોતી જ પણ આ ફેરફાર આજે ધ્યાનમાં આવ્યો એટલો કદી એના ધ્યાનમાં નહોતો. ફૂટપાથ પર ચોપાટી તરફ ચાલતાં એની એક તરફ પુરજોશમાં દોડી રહેલી ગાડીઓ, ઊંચા ઊંચા મકાનો અને બીજી તરફ સમુદ્ર હતો. નિતાંત, કદી વિચલિત ન થનારો કાયમનો એ જ સમુદ્ર. એને લાગ્યું કે આ સમુદ્ર જેવું શાશ્વત કશુંક એનામાં પણ છે. કાયમ છે. એ ભલે સતત લોકોમાં અટવાયેલી છે, ગૌતમ અને બાળકો અને બા-બાપુજી એની નાનકડી દુનિયાના સંજોગો બનાવ્યા કરે છે, એની અગ્રિમતાઓનો ક્રમ વારંવાર બદલાતો હોય છે. છતાં આ નિરંતર ‘કશુંક’ એનામાં છે જે આ દરિયા જેવું છે. કદી ન બદલાઈ શકે તેવું છે. કાયમ નાની હતી ત્યારે પણ એ હતું. જ્યારે જ્યારે એ એકલી પડતી ત્યારે ત્યારે આ જગત, આ સંસાર અને આ જીવન વિશે એને વિચારો આવ્યા કરતા. એની જાતનો એક ભાગ એવું આ અંત:તત્વ સંસારમાં અદીઠ એવા કોઈ તત્વની ખોજ કર્યા કરે છે. હજીય એ અકબંધ છે. નાનપણથી જ ભણવું, કલા-કૌશલ્યોમાં પારંગત થવું, સારો છોકરો, સારું કુટુંબ જોઈને પરણી જવું, બાળકો મોટાં કરવાં વગેરે વગેરેથી એના જીવનની વ્યાખ્યા બંધાઈ ગઈ હતી. સમાજે અને સમાજ દ્વારા માતાપિતાએ આ પૂર્વનિશ્ચિત વ્યાખ્યા એનામાં ઠસાવી દીધી હતી. એ વ્યાખ્યાના અર્થને સંગત જ એના જીવનમાં પ્રસંગો રંગ ભરતા, સુખ-દુ:ખ આવતાં, સમસ્યાઓ આવતી અને એ બધામાં જ એ એટલી રોકાયેલી હતી કે એ આ પોતાના અંત:તત્વને, એક વ્યક્તિ તરીકેની એની અનોખી તૃષાને ઈગ્નોર કરવાનું શીખી ગઈ હતી. બચેલા સમયમાં છાપામાંના કોયડાઓ ઉકેલતી બેસતી, ભરત-ગૂંથણ કરતી અને કોઈક રીતે પોતાના મગજને સુપ્ત બનાવી દેતી. આ તૃષ્ણાને ડામી દેતી. દુનિયાના જંતરનો એવો તો નશો હતો કે એના વિના પોતાની જાતને એ કલ્પી શકતી જ નહોતી. આજે પણ આ સમુદ્રના નિમિત્તે જ્યારે પોતાની જાતના આ અકબંધ ભાગની સન્મુખ થઈ રહી છે ત્યારે ભાગી છૂટવાનું મન થાય છે. કશુંક વિચિત્ર ફિલ થાય છે. કશું ગમતું નથી. કશું સૂઝતું નથી. એ ઝડપથી રસ્તો ક્રોસ કરી પોતાના ઘર તરફ ચાલવા માંડી.

વૈરાગ્યભાવ સાથે એ ઘેર પાછી વળી ત્યારે ગૌતમ આવી ગયો હતો. દસ પહેલાં જ.
‘વિશુ… વિશાખા…’ ગૌતમના સ્વરમાં ઘણા દિવસે આનંદ રણક્યો. વિશાખાને નવાઈ લાગી.
‘વિશુ, આજે આપણે બહાર જમવા જઈએ. લેટ અસ સેલિબ્રેટ.’
‘હં… શેનું સેલિબ્રેશન ?’ વિશાખાએ સાવ ટાઢા સ્વરમાં પૂછ્યું.
‘કેમ ? તારો જન્મદિવસ આવે છે….’
‘એ તો પરમ દિવસે.’
‘હા, પણ આજથી જ આપણે શરૂ કરીએ ગ્રાન્ડ સેલિબ્રેશન.’
‘શું હવે…. આવડાં મોટાં થઈ ગયાં આપણે.’
‘મોટાં તો થતાં જ રહીએ ને આપણે ! પણ એય… તું જરા આંખો બંધ કર તો ?’
‘મારે માટે ગિફટ પણ આજે જ લાવ્યો છે કે ? પરમ દિવસ માટે રાખ…’
‘કંઈ એલફેલ બોલ નહીં. આ ગિફટ બહુ ભારે છે. ચાલ જોઉં, આંખો બંધ કર જોઉં.’
વિશાખાએ આંખો બંધ કરી. ગૌતમે એનો હાથ હાથમાં લીધો અને એના હાથમાં નવા ફલૅટની ચાવી મૂકી દીધી.
‘આ શું ?’
‘આ આપણા નવા ફલૅટની ચાવી છે. કાંદિવલીમાં, ટુ બેડ-હૉલ-કિચન.. જલસા છે હવે તને. પઝેશન મળી ગયું છે અને આ રૂમમાંથી પંદર દિવસમાં ગચ્છન્તિ.’

વિશાખા માટે આ આંચકો જ હતો. કાંદીવલીમાં ક્યાં ? કેવું મકાન છે ? ટાવર છે કે સાદું ? લિફટ ? સિક્યૉરિટી ? વગેરે અનેક સવાલો મનમાં દોડી ગયા અને હોઠે આવી ચઢ્યા પણ એના મોંમાંથી નીકળ્યું :
‘ટુ બી.એચ. કે. ? હવે એનું શું કામ ?’
ગૌતમની દુખતી રગ દબાઈ ગઈ. એના તમામ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. એને વિશાખા પર બહુ જ ગુસ્સો આવ્યો. કેટલી કડવાશ ભરી છે એનામાં ! વિશાખાએ ગૌતમના વિચાર વાંચી લીધા હોય એમ તરત જ બોલવા માંડી….
‘મારો અર્થ તું કરે છે તેવો નથી… તારો પ્રેમ સમજું છું. હું આવું બોલી ગઈ એ અત્યાર સુધીના અભાવને લીધે નહીં. મને ખબર છે તારી અસહાયતા. પણ તું જો ગૌતમ, આપણને શું મળ્યું-શું ન મળ્યું એ હકીકતને ગૌણ રાખીને જોઈએ તો પણ હવે આવી કોઈ વાતથી મને ફેર નહીં પડે. અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું – પૈસા મેળવવા નોકરી કે બા-બાપુજીની ઈચ્છાઓને માન આપવું – એ બધું જ જાણે આપણને આપણી જાતથી દૂર કરી નાખવાની પેરવી જ હતી. માયાની આ વિરાટ યંત્રણામાં કોઈક ભોગવવામાં કે કોઈક અભાવના દુ:ખમાં હોય છે. પણ આવાં સુખ-દુ:ખ આવે અને જાય. આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઈચ્છાઓનું કંઈ ગજું જ નથી. આપણે પોતાની રીતે ક્યાં ચાલી જ શકીએ છીએ ? અને એટલે જ ફાવે તેમ દોડવાની હવે મોકળાશ મળી છે તોય દોડવું છે ખરું ! એવું આપણે ક્યારે પૂછીશું ?’

ગૌતમ વિશાખાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એને યાદ આવ્યું કે ગિરદીમાં કેવું ઝડપ-દિશા બધું પોતાની મરજીથી બહાર થઈ જતું હોય ! આપણે કેવા સતત ધકેલાતાં હોઈએ છીએ એમ જ મોટા ભાગના માણસો ધકેલાતા જતા હોય છે. પણ એનું શું ?… એટલે શું બધું છોડી દેવું ?
‘…. એટલે હવે આપણે શિફટ થવાનું છે કે નહીં ?’ ગૌતમે ખિન્નભાવે પૂછ્યું. વિશાખાને થયું કે ગૌતમ સમજી તો રહ્યો છે. ફલૅટમાં જવું-ન જવું એ પ્રશ્ન હતો જ નહીં. એને તો એનું મન વ્યક્ત કરવું હતું, ભલે ફલૅટના નિમિત્તે. એણે ગૌતમના ઉત્સાહને ઠંડો કરી નાખ્યો એ સારું ન કર્યું. એને થયું કે જ્યાં કોઈ જ મુક્ત નથી ત્યાં કોઈ પણ ફરિયાદનો અર્થ શું છે ? દુનિયા આ જ રીતે ચાલતી આવી છે અને ચાલતી રહેશે. આ રીતે બધું ચાલ્યા કરે છે એ માયાના મૂળમાંનું અદીઠ સત્ય છે. એ સત્યને પામવાની તૃષ્ણાનો ફક્ત અનુભવ પણ થાય તોય, એ સત્યની થોડી ઝાંખી થાય તોય કોઈ અદ્દભુત આનંદની લહેર ઊઠે છે. વિશાખા જરૂર ગૌતમને આ વાત ક્યારેક કહેશે. પણ આજે તો પહેલાં ગૌતમના સુખની, એના આનંદની કાળજી લેવી પડશે.
‘બહુ મોટો ધડાકો કર્યો હં તેં તો ! ખરેખર કમાલ કરી ! ક્યારે ફલૅટ જોયો, ક્યારે બધું નક્કી કર્યું કંઈ ગંધ જ ન આવવા દીધી. કેટલા થયા ફલૅટના ? બહુ મોંઘો થયો ?’
‘વિશુ… એ બધું તો ઠીક. બધું પાર પડી ગયું પણ તને ખબર છે ? આપણો ફલૅટ આઠમા માળે છે. શું સુપર્બ વ્યૂ છે !’
‘વાઉવ ! ફર્નિશ્ડ છે ?’
‘પાર્શિયલી… તને બહુ જ ગમશે. મોટા મોટા રૂમ્સ છે. મોટું કિચન અને હા, તને જોઈએ તો તારો અલગ રૂમ અને મારો અલગ રૂમ…’ ‘અલગ રૂમ’ બોલતાં ગૌતમે વિશાખાને પોતાની નજીક ખેંચી. પછી એની આંખોમાં આંખ પરોવી પૂછ્યું, ‘જોઈએ છે વૈરાગ્ય ?’ વિશાખાએ આંખ બંધ કરી દીધી અને ગૌતમની છાતી પર માથું ઢાળી દીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાખલા ગણો – ડૉ. વી. એમ. શાહ
હસતાં-રમતાં – સંકલિત Next »   

24 પ્રતિભાવો : તૃષ્ણા – અશ્વિની બાપટ

 1. ખૂબ સરસ, એક શ્વાસે વાંચી ગયો …..

  એક મધ્યમ વર્ગનો માનવ, પોતાના જીવનની પ્રાથમિકતાઓને મેળવવા કેટકેટલા સંઘર્ષ કરે છે, કદાચ તેણે ધારેલી વસ્તુ તેને મળે છે ત્યારે તે મળ્યાનો આનંદ અડધો થઈ જતો હશે……. પણ એમાં એના જીવનનું સત્વ નીચોવાયેલું હોય છે…..

  ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે અને આ લાગણીઓ કદાચ બધાંય ક્યારેક ને ક્યાંક અનુભવતા જ હશે….

 2. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ.

 3. Milan Shah says:

  Article is nice, describing reality. But sometimes question arises… Do all people live their life like this? Is there anything we can do about it?

 4. kumar says:

  ખરેખર ખુબ સરસ વાર્તા.

 5. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ વારતા. સામાન્ય માણસના મનોમંથનને ખુબ જ સુંદર રીતે રજુ કર્યુ છે.

 6. Moxesh Shah says:

  Fantastic……..

  હુ પણ એક શ્વાસે વાંચી ગયો …..

  “મુંબઈની ટ્રેનમાંથી બહાર જોઈ શકાય એવી જગ્યા મળે એટલે કોઈ પણ ફિલૉસૉફર થઈ જાય.” – What an obsevation? બસ હોય, કાર હોય, ટ્રેન હોય, વિમાન હોય કે કોઇ પણ વાહન હોય, બારી ની બહાર જોવા મળે ને ફિલૉસૉફર ના થવાય તો જ નવાઈ.

  મોટા ભાગ ના મધ્યમ વર્ગના માનવો ના જીવન દર્શન ઝીલી શકાય તેવો અરીસો….-
  “ગૌતમની ફિલૉસૉફી ‘લાઈફ પણ શું ચીજ છે ?’ના કુતૂહલથી શરૂ થતી અને ‘યહી હૈ જિંદગી’ના સમાધાનભર્યા વાક્ય પર પૂરી થતી.”

  Jigneshbhai ની આ વાત એકદમ સાચી છે કે “ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે અને આ લાગણીઓ કદાચ બધાંય ક્યારેક ને ક્યાંક અનુભવતા જ હશે….”

 7. Kajal says:

  બહુ જ સરસ. ખરેખર જીવન આ જ છે. Thanks a lot for such a nice story!!

 8. nayan panchal says:

  તંત્રીનોંધને કારણે વાર્તા એકી શ્વાસે ન વાંચી. શાંતિથી તેનુ પાન કર્યુ.

  લાગણીઓની સુંદર અભિવ્યક્તિ. ફિલ્મ લાઈફ ઇન અ મેટ્રોની લાઈનની જેમ, One city Countless emotions…

  હવે ફરી બીજી-ત્રીજી વાર વાંચીશ અને કંઇક નવુ મળશે જ.

  “માયાની આ વિરાટ યંત્રણામાં કોઈક ભોગવવામાં કે કોઈક અભાવના દુ:ખમાં હોય છે.”
  હું ઉમેરવા માંગુ છું કે કોઈક તો એકી સાથે ભોગવવાના અને અભાવના દુઃખમાં પણ હોય છે.

  નયન

  એક ખણખોદ કર્યા વગર રહી શકતો નથી, મુંબઈનો છું એટલે; ચર્ચગેટ પર માત્ર ચાર જ પ્લેટફૉર્મ છે, પાંચ નહિ.

 9. vaishnav priti says:

  ખૌબજ સરસઐ i think ,this is fact of people who lives in mumbai.

 10. dr aniruddh says:

  excellent
  no words to decribe

 11. Daksha Ganatra says:

  Vishakha represents a real Indian woman. At this point even though she is above all of what mattered in the beginning, she expresses the positiveness just not hurt her husband’s feelings.

  Very nice story.

  Thanks,

 12. vraj dave says:

  ખુબ જ સરસ રજુઆત કરેી છે. જોકે રજુઆત તો નજ કહેવાય..પણ એક મનોવિચારો નુ લેખન છે. માનવીને જ્યારે મલે છે ત્યારે તેની ઈછા ઓ ખતમ થય ગય હોય છે.

 13. mshah says:

  this is the flip side of the morden life. in pursuit of our “dreams”, we never realizes how fast the life is running out.

 14. ઈન્દ્રેશ વદન says:

  સરસ લેખ મજબૂત સંવાદો સાથે.
  ફેવરિટ વન – “આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઈચ્છાઓનું કંઈ ગજું જ નથી?”

 15. ભાવના શુક્લ says:

  આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઈચ્છાઓનું કંઈ ગજું જ નથી.
  જે નથી તેના માટે સદાય તરસતા રહેવુ અને પ્રાપ્તિ પછી પણ મન એજ વિચારતુ રહે કે આટલી તિવ્રતા સાથે જે મેળવવા મથ્યા તે જ મન ચાહતુ હતુ? મનની તૃષ્ણાને સાચા અર્થમા સમજી શકવાનુ એક સરેરાશ માનવનુ ગજુ છે ખરુ? પશ્નોનો પ્રસવકાળ પુરો થઈ સમાધી મળી શકે ખરી મનને કદી પણ!

 16. Sakhi says:

  very nice artical

 17. Hemant says:

  સરસ બહુ સરસ , બહુ ગમી મને તો આ વાત હો…

  This is the reality of our lyf…….to how to handle it on all way…..!!!

 18. Himanshu says:

  Excellent….no words to describe the feeling it gives. Excellent peace of work…Congrats…!!!

 19. VIPUL PANCHAL says:

  i think it was mini mumbai darshan of commen man. nice story.

 20. Vaishali Maheshwari says:

  Wonderful story.

  Vishakha could not stop her feelings first when she knew about her surprise gift, but then as soon as she realizes that she has hurt her husband unintentionally, she tried to handle the situation. Whole story is described nicely, but this last part is described very well.

  There are few things in life which if we get on time, we feel very happy on possessing those, but later on, when the time passes by, even if we get those things, we cannot value those as we would have done before. But it is true that circumstances always do not allow us to do what we want.

  Parents should also understand their children and their wishes to some extent.
  Like in this story, if Goutam’s parents would have thought for a while and agreed on going to a new apartment, then it would make their son and daughter-in-law very happy.

  Parents should understand their children and children should understand their parents. They should sit together and come to a conclusion that would give satisfaction at both the ends.

  Wonderful work Author Saheb.

 21. bhamloo says:

  vishakha has grown to a person who has had a revelation and yet has not lost sensitivity. the internal journey of this character is the essence. some dreams are dreams and yet they give us a lot. 🙂
  such content can be come up with only when one reaches hightened awareness and sensitivity about everything. excellent work.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.