સેલફોન સુવિધા – મૃગેશ શાહ

[જાન્યુઆરી-2006ના ‘અખંડ આનંદ’ સામાયિકમાં પ્રસિદ્ધ કરાયેલી કૃતિ, આજે રીડગુજરાતીના વાચકો માટે.]

આજે રસ્તામાં અચાનક મારા જૂના મિત્ર મિ. ખત્રી મળી ગયા. મેં પૂછયું, ‘શું મિ. ખત્રી ? શું ચાલે છે ?’
‘ઓહો…. મિ. શાહ, ઘણા વખતે !’
‘હવે ટાઈમ ક્યાં મળે છે….યાર…. આ ઘરથી ઑફિસ અને ઑફિસથી સીધા ઘેર. તારે શું ચાલે છે ? છોકરાને વળાવી દીધો ?’ શબ્દો વાપરવામાં હું ક્યારેક બાફી મારતો.
‘એટલે ? સમજ્યો નહિ’ મારા સીધા ઍટેકથી મિ.ખત્રી મૂંઝાણા.
‘ના…ના…. આઈ મીન નિલેશ શું કરે છે ?’
‘હા…નીલેશ… એમ કહો ને. એને તો વીઝા મળી ગયો ને ! અત્યારે તો લહેર કરે છે અમેરિકામાં. સૌ સૌના કુટુંબ સાથે સુખી. એક વાત માનવી પડે હોં, આજકાલના છોકરાઓનું નસીબ ભારે ! આપણે તો કરજણે નહોતું જોયું ત્યાં તો આ લોકો કૅલિફોર્નિયા સુધી પહોંચી ગયા.’
‘એકવીસમી સદી છે ભાઈ, જે નહીં થાય તે ઓછું. હવે તો સંચારપ્રાપ્તિની સરળ સુલભ સુવિદ્યાને લીધે દેશ દેશ વચ્ચે અંતર ક્યાં રહ્યું જ છે.’ મેં કહ્યું.
‘યાર…..તું ઘણીવાર શું બોલે છે તે કંઈ સમજાતું નથી.’
‘એટલે કે હું તો સેલફોન સુવિદ્યાની વાત કરતો હતો !’
‘હા…. એ તો છે જ વળી. મેં પણ હમણાં સેલફોનનું ડબલું લીધું છે. શું છે કે શાક-બાક લેવા નીકળ્યા હોય તો શ્રીમતીજી પાછો ફરી ધક્કો ના ખવડાવે અને 100 ગ્રામ ભીંડા ભેગી 200 ગ્રામ પાપડીયે નાખતા અવાય.’ સેલફોનનો નવો જ ઉપયોગ ખત્રીએ પોતાના અંગત અનુભવ સાથે રજૂ કર્યો.
‘હા…હા… એ તો છે જ વળી હોં. તમે કઈ કંપનીનું કાર્ડ નખાવ્યું છે ? મેં પૂછયું.
‘ઍરટેલનું બોસ, બહુ સરસ સ્કીમ છે.’
‘એમ ?’
‘હાસ્તો, તારું કઈ કંપનીનું છે ?’
‘આઈડિયાનું છે, પણ કોણ જાણે કેમ એ લોકોને આપણું ખિસ્સુ ખંખેરવા સીવાય બીજો કોઈ આઈડિયા આવતો નથી લાગતો. હવે મારે એ બદલી નાખવું છે.’ મેં કહ્યું.
‘બદલી નાખ. આ સરસ છે. પણ તારા ફોન નંબરનું શું ?’
‘તેં કહ્યું એમ. આપણો ફોન નંબર ક્યાં પ્રાઈમ મિનિસ્ટરને આપવો છે. શાક જ લાવવું છે ને ? વળી, બૉસનો ડાયરેક્ટ કંટ્રોલ પણ છૂટે.’
‘હા…હા… તો તો ચોક્ક્સ કરાય. તું તારા નજીકના કોઈ એસ.ટી.ડીના બુથ પર જઈ તપાસ કર અને સ્કીમ બરાબર સમજી લેજે.’ ‘હા. ચોક્કસ, ચલ ત્યારે મળીએ પછી.’ એમ કહી અમે છૂટા પડ્યાં.

બીજે દિવસે મારા કાર્ડનો ટૉકટાઈમ પૂરો થતાં, ખત્રીની વાતને યાદ રાખીને હું એસ.ટી.ડી બૂથ પર જવા નીકળ્યો. મારા ઘરની નજીક આવેલા એક બૂથ પર એક થોડા ઉંમરલાયક કાકા બેઠેલા. કાકાના મોં પર મોબાઈલના જ્ઞાનનું તેજ ઝળહળતું હતું. મેં મારા જ્ઞાનવર્ધન માટે તેમની સાથે વિસ્તારથી ચર્ચા આરંભી.
‘નવું પ્રિપેડ કાર્ડ લેવું છે, કાકા’
‘કયું લેવું છે ?’ કાકાએ પૂછયું.
‘જી, આમ તો ઍરટેલનું. બીજુ કોઈ સસ્તું અને સારું છે ખરું ?’
‘ઘણી કંપનીઓ છે. તમારા ઉપયોગ પર બધું ડિપેન્ડ છે.’
‘તો મને જરા ડિટેલમાં સમજાવોને’

કાકાએ પહેલેથી શરૂઆત કરી.
‘જુઓ આ ઍરટેલની સ્કીમ એવી છે કે તેમાં લોકલ કૉલના 1.20 પૈસા છે.’
‘કાકા, આ લોકલ કૉલ આખા ગુજરાતમાં ગણાય કે ખાલી આપણા શહેરમાં જ ?’ મેં પૂછયું.
‘આખા ગુજરાતમાં 1.20 પૈસા છે.’
‘ઠીક. પણ એ ત્રણ મિનિટના કે એક મિનિટના ?’
‘અરે સાહેબ, એક મિનિટના જ હોય ને. મને જરા સમજાવવા તો દો.’ કાકાએ જરા ભૃકુટિ તંગ કરી.
‘હા…હા….’
‘જુઓ ફરીથી સમજાવું છું. લોકલ કૉલ તમારો 1.20 પૈસા લાગશે. અને એસ.ટી.ડી કરશો તો 2.40 લાગશે. તમને રૂ. 325માંથી રૂ. 180નો ટૉકટાઈમ મળે. આ બધાં માટે પહેલા તમારે સ્ટાર્ટર પૅક લેવું પડે.’

વળી પાછો હું વચ્ચે કૂદયો (ઉતાવળિયો ખરો ને !)
‘એ બધું તો બરાબર કાકા, પણ સરળ મોબાઈલ સંદેશનું શું ?’
‘એટલે?’ કાકા મારી વાતોથી આશ્ચર્યમાં પડી ગયા.
‘એસ. એમ. એસ. ની વાત કરું છું.’
‘તો એમ સરખું બોલોને. જો એસ.એમ.એસ તમારે નેશનલ હોય તો 2 રૂપિયા લાગે અને લોકલનો રૂ. 1 લાગે.’
‘એમાં ચિત્ર કે રિંગટોન મોકલાય ?’
‘મોકલાય જ ને..’
‘એનો ચાર્જ કેટલો થાય ?’
‘એ બધું એમ ખબર ન પડે. એ બધું તો એની સાઈઝ પર હોય.’
‘એમ ?’
‘હોવે.’ કાકા બોલ્યા.
‘રોમિંગનું શું ?’ મેં વળી પાછું નવું તૂત કાઢયું.
‘રોમિંગ બધુ એક્ટિવેટેડ જ આવે.’
‘તેનો કોઈ ચાર્જ નહીં ?’
‘હોય જ ને. નેશનલ રોમિંગના 40 રૂપિયા થાય.’
‘પણ આપણે ગુજરાતમાં જ રોમિંગ કરીએ તો ?’ મેં જરા કાકાને ગૂંચવાની કોશિશ કરી.
‘અલ્યા ભલા માણસ, ગુજરાતમાં તો લોકલ કૉલ છે. એમાં વળી, રોમિંગ ક્યાંથી આવ્યું ?’ કાકા ગુસ્સે થયા.
‘હા…હા.., અચ્છા, એમ, સમજ્યો.’ મેં એકસાથે બધી સમજણ વ્યક્ત કરી દીધી.
‘પણ હું રોમિંગમાંથી આપણા શહેરમાં કોઈને ફોન કરું તો કેટલા?’
‘રોમિંગ એટલે ક્યું નૅશનલ રોમિંગ ને ?’ હવે કાકાને પૂછપરછ કરવાનો વારો હતો.
‘હા, દાખલા તરીકે, કોલકત્તાથી આપણા શહેરમાં રહેતા મગન પટેલ ને.’
‘કોણ મગન પટેલ ?’
‘આ તો દાખલો છે, કાકા.’
‘તમારા સીમકાર્ડથી તમારા શહેરમાં કરો તો લોક્લ લાગે કે નહીં ?’ કાકા હવે બરાબર ગૂંચવાયા હતા.
‘પણ લૅન્ડલાઈનનું શું ?’ મેં પૂછયું.
‘હવે આમાં પાછી લૅન્ડલાઈન ક્યાંથી આવી ?’
‘કેમ ન હોય ! દાખલા તરીકે ઑફિસેથી મારા ઘરના લૅન્ડલાઈન પર, મારા ઘરના મોબાઈલથી ઑફિસના લૅન્ડલાઈન પર, મારા ઑફિસના લૅન્ડલાઈન પરથી મારા ઘરના લૅન્ડલાઈન પર, વગેરે…. વગેરે….’
‘ઑફિસના લૅન્ડલાઈન પરથી ઘરના લૅન્ડલાઈન વચ્ચે મોબાઈલ ક્યાંથી આવ્યો, યાર ?’ કાકા હવે સખત રીતે ગુંચવાયેલા અને ધૂંધવાયેલા જણાતા હતા, પણ હું મારી ઈન્કવાયરી છોડું એમ નહોતો.

‘હા, એ વાત તો બરાબર. પણ મોબાઈલથી લૅન્ડલાઈનના દર તો સમજાવો.’
‘જો હું થાકી ગયો ભાઈસા’બ.. છેલ્લી વાર તમને સમજાવું છું. હવે બરાબર સમજી લો. મોબાઈલથી મોબાઈલના 1.20 પૈસા છે. મોબાઈલથી લૅન્ડલાઈનના 2 રૂપિયા છે અને આ બધામાં કોઈ પણ રીતે એસ.ટી.ડીના 2.40 પૈસા છે. સમજ્યા હવે ?’

‘આ બધું તો બરાબર; પણ જી.એસ.એમ મોબાઈલનું શું ?’
‘તમે મને એ કહો ભાઈસા’બ, તમારે સીમકાર્ડ લેવાનું છે કે મોબાઈલની કંપની ખોલવાની છે ?’ કાકાની આંખોમાં રાતો રંગ હવે સ્પષ્ટ દેખાતો હતો.

મને થયું હવે વાતને બહુ લંબાવવામાં મજા નથી એટલે મેં કહ્યું. ‘ના. આ તો ખાલી જાણવા માટે.’
‘શું ધૂળ જાણવા માટે ? મારો કલાક બગાડી નાખ્યો. બોલો હવે શું કરવાનું છે ?’
‘ના બસ. આમાં આઈડિયાનું કાર્ડ છે, તે જરા રિચાર્જ કરી દો ને.’ એમ કહીને મેં મારો મોબાઈલ આપ્યો. અને નવું કાર્ડ લેવાને બદલે રિચાર્જ કરાવવાનું નક્કી કર્યું.

‘તો પહેલાં ભસવું હતું ને. ખાલી ખાલી ટાઈમ બગાડવા આવી જાઓ છો.’ થોડીવારે કાકા બોલ્યા, ‘લો. થઈ ગયો. 325 રૂપિયા આપો.’

મેં પૈસા આપ્યા અને જતાં જતાં પાછું પૂછયું, ‘હમણાં આઈડિયામાં શું સ્ક્રીમ ચાલે છે ?’
કાકાનો મોંનો નકશો જોઈને મને લાગ્યું કે હમણાં ચંપલ કાઢશે. પણ કાકા પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને બોલ્યા, ‘એ તમે હેલ્પલાઈનમાં પૂછશો તો વધારે જાણકારી મળશે. એમાં પૂછી લેજો.’

મેં વાતને પૂરી કરીને ત્યાંથી ચાલતાં ચાલતાં વિચાર્યું કે દેશમાં હરિયાળી ક્રાંતિ પછી હવે સેલક્રાંતિ આવી ગઈ છે. સેલફોનની સુવિદ્યાઓ ખરેખર નિરાળી છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતરમાં ઘૂંટવાની વાણી – ‘ગહનગંભીરા’
સુખ અને દુ:ખ Next »   

25 પ્રતિભાવો : સેલફોન સુવિધા – મૃગેશ શાહ

 1. Neela Kadakia says:

  મઝા આવી ગઈ વાંચવાની.

 2. JAWAHARLAL NANDA says:

  nice light comedy story!!

 3. અમિત પિસાવાડિયા ( ઉપલેટા) says:

  hahahahaa ખરેખર મજા આવી ,,, સરળ છતાં ઘણો રમુજી ,,, આભાર ,,

 4. Gira Shukla says:

  LOLOLOLOLOLOLOLOLOLLLLL
  wow, fantastic mrugesh bhai…

  can’t stop laughing on KAKA’s face. LOL 🙂

  thanks…

 5. janki says:

  hi mrugeshbhai.

  it was a very funny story. pan tame half story j kem muki?? kaka ni shop thi ghare jata pahela methipak khadho a part to rahi j gayo. 😉 and ghare avta modu thayu eno salampak pan cut kari didho tame.. 😛

  LOL

  anyways hilarious story.

 6. nilam.h doshi says:

  good.na hasavu hoy to pan hasi javayu.dont need to say SMILE PLEASE.

 7. keshar chaudhary says:

  very good mrugesh bhai aava joks update karta rahejo
  have a nice day

 8. Amit Manwade says:

  Gr8 Mrugesh bhai…..
  Very funny article 🙂 i cant stop laughing …
  Pls keep it up posting such articles….

  Amit

 9. Anjali says:

  very funny

 10. Dipika says:

  very interesting as i came to know about “cell phone suvidha” in india. here in usa, i used to use only monthly plan. i am not font of using all cell phone features as we use most of time internet, eventhough i read this article with curiousity as you made it as an incident.

 11. Bhupendra Shah says:

  ghyan sathe gammat

 12. Jayshree says:

  really cant stop laughing…
  very good one..
  keep on posting such stories..!!

 13. Moxesh Shah says:

  Dear Mrugeshbhai,
  It’s full of facts and reality. One can really get confused if try to evaluate. But fantastic try by you for extracting humor from the events happening around us.
  Great sense of Humor.

  Regards,
  Moxesh.

 14. Kirit Vakharia says:

  Its superb,very good sense of humour………..

 15. Urmi Saagar says:

  ha ha ha ha…. soooo funny!

 16. geeta says:

  very good.it relise my stress.

 17. nayan panchal says:

  કોઇક વાર આવી રીતે કોઈને હેરાન કરવાની મજા આવે છે.

  સરસ લેખ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.