- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર

[ સત્યઘટના પર આધારિત, ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

‘મેં આઈ કમ ઈન સર ?’ મેં ફાઈલોમાંથી માથું ઊંચું કરી જોયું તો એક ઊંચો, ગોરો યુવાન ગળામાં ટાઈ અને હાથમાં બ્રિફકેસ સાથે મારી કૅબિનના દરવાજે અંદર આવવાની પરવાનગી માગતો ઊભો હતો. મેં તેને અંદર બોલાવી બેસવા કહ્યું. અચાનક મારું મન ભૂતકાળમાં સરી ગયું. આવનાર યુવાન કૉમર્સ કૉલેજમાં મારો વિદ્યાર્થી હતો. આપણે તેને કરણના નામે ઓળખીએ. કૉલેજમાં તોફાન મસ્તીમાં અગ્રેસર, અભ્યાસ સિવાય કૉલેજની દરેક ઈતર પ્રવૃત્તિમાં ગળાડૂબ. લેકચર ભાગ્યે જ એટેન્ડ કરે, પણ જ્યારે વર્ગમાં હોય ત્યારે પ્રોફેસરને પ્રશ્ન પૂછે એમાં તેની ઊંચી બુદ્ધિમતાનાં દર્શન થાય છતાં પરીક્ષાઓમાં માંડમાંડ પાસ થતો.

એક દિવસ મેં એને સ્ટાફ રૂમમાં બોલાવી કહ્યું કે તે ખૂબ હોશિયાર છે, પણ અભ્યાસક્રમમાં ધ્યાન રાખવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ જ કરતો રહેશે તો ભવિષ્યમાં પસ્તાવો થશે. મારી વિગતવાર સમજાવવાની રીત એને ગળે ઊતરી ગઈ કે કેમ પણ તેણે બધી ઈતર પ્રવૃત્તિ ઓછી કરી સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં પરોવ્યું. બુદ્ધિશાળી અને હોશિયાર તો હતો જ અને પરીક્ષા વખતે ખૂબ મહેનત કરી તેથી બી.કૉમમાં ફર્સ્ટ કલાસ સાથે પાસ થયો. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે મીઠાઈનું બૉક્સ લઈ મને મળવા આવ્યો અને મેં એને સલાહ અને માર્ગદર્શન આપેલ તે બદલ એણે મારો આભાર માન્યો. આગળ સી.એ.નો અભ્યાસ કરશે એમ કહી તેણે ત્યારે વિદાય લીધી’તી. એ કરણ આજે વર્ષો પછી મને મળવા આવ્યો ત્યારે એ સી.એ. થઈ ગયો હતો, વિદેશમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં ફાઈનાન્સ કન્ટ્રોલર તરીકે કામ કરતો હતો. એનો વાર્ષિક પગાર હજારો નહીં બલકે લાખો રૂપિયા હતો.

‘યસ કરણ વ્હોટ બ્રિંગ્સ યુ હીયર ?’ વર્ષો પછી મળ્યો હોવા છતાં મને તેનું નામ પણ યાદ હતું એ જાણીને એ રાજી થયો.
‘સર, આઈ હેવ સિરિયસ સોશ્યલ પ્રોબ્લેમ ઍન્ડ આઈ નીડ યોર એડવાઈઝ ઍન્ડ હેલ્પ…’ ‘સર, મારો એક ગંભીર સામાજિક પ્રોબ્લેમ છે જેમાં મને તમારી સલાહ અને મદદની જરૂર છે.’ એમ પ્રત્યુત્તરમાં કહી તેણે પોતાની સમસ્યા મને વિગતવાર કહી જે નીચે મુજબ હતી :

લગભગ સાત-આઠ મહિના પહેલાં કરણની ઈન્ટરનેટ દ્વારા એક યુવતી સાથે મૈત્રી થઈ. એમ.બી.એ. પાસ કરી તે બેંગલોરમાં એક બહુરાષ્ટ્રિય કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતી હતી અને તેનો પગાર પણ લાખો રૂપિયામાં હતો. બન્નેની મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ અને બન્નેએ જીવનસાથી બનવાનું નક્કી કર્યું ત્યારે યુવતીએ કરણને કહ્યું કે તેના કુટુંબની આર્થિક હાલત નબળી છે તેથી લગ્ન પછી પણ તેણે તેના કુટુંબને થોડીઘણી આર્થિક મદદ કરવી પડશે. કરણને એનો કોઈ વાંધો નહોતો. સાત-આઠ મહિના ઈન્ટરનેટ પર ચેટિંગ કરવા ઉપરાંત ચાર-પાંચ વખત રૂબરૂ પર મળ્યાં હતાં. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. કરણના કુટુંબ તરફથી કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી અને અચાનક યુવતી લગ્ન કરવાની ના પાડતી’તી.

લગ્નની ના પાડવા માટે તેણીએ કરણને કહેલ કારણ કરણે મને કહ્યાં ત્યારે મને તેમાં તથ્ય ન લાગ્યું. અને કારણ કંઈક બીજું જ હોવું જોઈએ જે પેલી છોકરીએ કહ્યું નહોતું અથવા કહી શકતી નહોતી અમે મને લાગ્યું. શક્ય હોય તો મારે તેણીની સાથે રૂબરૂ વાત કરવી છે એમ મેં જ્યારે કરણને કહ્યું ત્યારે કરણે મને તેનો ફોન નંબર આપ્યો. મેં ફોન જોડી મારો પરિચય આપી, ફોન કરવાનું કારણ કહ્યું ત્યારે તેણીએ સામેથી કહ્યું કે તે બીજે દિવસે રૂબરૂ આવીને મારી સાથે વાત કરશે. વધુમાં એણે કહ્યું કે તે પણ મારી કૉલેજની વિદ્યાર્થીની હતી.

બીજે દિવસે નિર્ધારિત સમયે કન્યા મને મળવા આવી. સાથે તેના પિતા અને અન્ય બે સંબંધી હતા. કન્યાના પિતા ગુસ્સામાં હતા અને સંબંધીઓ મુંઝાયેલા લાગતા હતા. વાતાવરણ પરથી મને લાગ્યું કે મારી કામગીરી બહુ કપરી હતી, પણ અંતરઆત્માનો અવાજ કહેતો હતો કે કોઈક માર્ગ જરૂર નીકળશે. મેં છોકરીને તેની તકલીફ જણાવવા કહ્યું ત્યારે તેના પિતા તાડૂક્યા કે તેમને લગ્નની બિલકુલ ઈચ્છા નથી, પછી મારે તેના કારણ જાણવાની શી જરૂર છે ? મને અણસાર આવ્યો કે કન્યા કરતાં તેના પિતાને વાંધો હતો. મેં તેમને સમજાય તે ભાષામાં કહ્યું કે લગ્ન કરવાનું જે બન્ને જણાએ નક્કી કર્યું છે તેમને જ તે અંગે નિર્ણય કરવા દો. કન્યા સાથે મેં એકાંતમાં વાત કરવાની ઈચ્છા દર્શાવી, જે પિતાએ સાથે આવેલા સંબંધીઓની શરમને કારણે કચવાતે મને માન્ય રાખી. સાથે આવેલાને બહાર બેસાડી મેં કન્યાને નિખાલસપણે અને પ્રમાણિકપણે કારણો કહેવા કહ્યું. શરૂઆતમાં તેણે આપેલાં કારણોમાં દમ નહોતો, પણ મેં તેને વિશ્વાસમાં લઈ ઊલટતપાસ કરી તો તે જોરજોરથી રડવા લાગી. પાણી આપી તેને સાંત્વન આપ્યું.

રડવાથી મન હલકું થયા પછી તે બોલી કે લગ્ન પછી હું નોકરી ચાલુ રાખું અને મારો આખો પગાર મારા પિતાને આપું તો જ તેઓ લગ્ન કરવા દેશે, પણ તેણે મને આ વાત કહી છે એમ તેના પિતાને ન કહેવું. આગળ તેણે કહ્યું કે તેની માતા પણ તેના પિતાની બાજુ લે છે. મેં જ્યારે કહ્યું કે લગ્નને બે જ દિવસની વાર છે ત્યારે તેણે મા-બાપના વિરોધની પરવા ન કરવી જોઈએ ત્યારે તે બોલી કે જો તે તેમ કરે તો તેના બાપુજી આપઘાત કરવાની ધમકી આપે છે. મામલો ખરેખર ગંભીર હતો. બાજુની કૅબિનમાં બેસાડી કન્યાએ કહેલ કારણની વાત કરણને કહી, તો તેનું પંજાબી લોહી ઊકળી ઊઠ્યું. લગ્ન પછી પણ કન્યાના કુટુંબને જરૂર પડ્યે આર્થિક મદદ કરવા તે તૈયાર હતો. લગ્ન પછી તેની પત્ની નોકરી ન કરે તોપણ તેને વાંધો નહોતો, પણ લગ્ન પછી પતિ-પત્નીએ શું કરવું એ નક્કી કરવાનો કન્યાના પિતાને શો હક્ક છે એવા એના સવાલમાં તથ્ય હતું. મેં એને કહ્યું કે તો પછી લગ્ન ન કરવાના કન્યાના નિર્ણયને સ્વીકારવા સિવાય બીજો માર્ગ નહોતો. આ વાત પણ કરણને માન્ય નહોતી, કારણ કે તેના હજારેક જેટલા નિમંત્રિતોને કંકોતરી અપાઈ ગઈ હતી અને તેની ત્રણ નાની બહેનોનાં લગ્ન કરવાનાં બાકી હતાં જેમાં મુશ્કેલી આવે એમ હતું. છેવટે મેં સૂચવ્યું કે તેઓ બન્નેએ એકાંતમાં બેસી માર્ગ કાઢવાનો પ્રયત્ન કરવો જે તેણે માન્ય રાખ્યું.

કન્યાના પિતાને જ્યારે મેં સૂચવ્યું કે છોકરો-છોકરી સાથે બેસીને પોતાનું ભાવિ નક્કી કરે ત્યારે ફરી પાછું, ‘અમારે લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી તો સમય બગાડવાનો શું અર્થ છે ?’ એવું ગાણું તેમણે ગાયું. સાથે આવેલાઓએ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દસ મિનિટથી વધારે નહીં એ શરતે કચવાતે મને કબૂલ થયા. પંદરેક મિનિટ થઈ એટલે કન્યાના પિતા ઊંચા-નીચા થવા લાગ્યા અને વીસ મિનિટ પછી કૅબિનમાં ધસી જઈ કન્યાનો હાથ પકડી બહાર ખેંચતા બૂમો પાડવા લાગ્યા. મેં તેમને મારી રીતે શાંત પાડી સમજાવ્યું કે જ્યાં સુધી તેઓ બન્ને બહાર ન આવે ત્યાં સુધી તેમણે દખલ ન કરવી. થોડી વાર બાદ કરણ અને તેની ભાવિ પત્નીએ મને કૅબિનમાં બોલાવીને કહ્યું કે કરણે કન્યાની શરત માન્ય રાખી છે. કરણના ચહેરા પર ખુશી કરતાં મજબૂરી અને આક્રોશ વધારે દેખાતાં હતાં. કન્યા પણ શરત મંજૂર રખાવવા બદલ ખુશ નહીં, પણ અસહાય અને લાચાર લાગતી હતી. ત્યાર બાદ કન્યાના પિતાને કૅબિનમાં બોલાવી કહ્યું કે તેમની શરત કરણને માન્ય છે ત્યારે એ મહાન પિતાએ મને કહ્યું કે મારે તેમની આ શરતની વાત તેમના કોઈ સગાસંબંધીમાં ન કહેવી, નહીં તો તેમની આબરૂ (?) જશે.

છેવટે બે દિવસ પછી કરણનાં લગ્ન થયાં. એ વાતને આજે એક વર્ષથી વધારે સમય થઈ ગયો. હજી પણ કરણ વિદેશમાં અને તેની પત્ની ભારતમાં નોકરી કરે છે. કરણને લગ્નમાં રસ જ નથી રહ્યો. કન્યાના પિતાની કન્યાના આખેઆખા પગારની વસૂલી હજી ચાલુ જ છે. આવાં માવતર ?