સંતની વાતો – ગોપાળજી ઓધવજી ઠક્કર

[ પ્રાચીનકાળમાં સંતમુખે કે લોકમુખે વહેતી કથાઓને વાર્તા સ્વરૂપે લખીને ‘સસ્તું સાહિત્ય’ દ્વારા પ્રકાશિત કરાયેલ ‘સંતની વાતો’ પુસ્તકમાંથી સાભાર. પ્રાચીન પ્રત સિવાય પુસ્તક હાલમાં ઉપલબ્ધ નથી.]

[1] ટેકમાં અડગ રહો

એક વખત એક બ્રાહ્મણ કે જેનું નામ રામશંકર હતું અને જે યજમાન-વૃત્તિનો ધંધો કરતા હતા અને જેને થોડાઘણા પણ ધર્મના સંસ્કારો હતા અને જે ત્રિકાળ સંધ્યા અને પાઠપૂજા કરવાનું બનતા સુધી ચૂકતા નહિ, તે પોતાના યજમાનના લગ્નપ્રસંગે આમંત્રણથી એક ગામ જતા હતા. એક ખભે ખડિયો, બીજે ખભે લોટો ને દોરી અને હાથમાં લાકડી લઈ ચાલતા હતા. રસ્તામાં એક વડલાનું મોટું ઝાડ આવ્યું, પાસે કૂવો હતો અને બીજાં થોડાં ઝાડ પણ હતાં તે અતિ રમણિય સ્થળ જોઈ રામશંકરે નાહવાધોવાનો અને સંધ્યા કરવાનો વિચાર કર્યો. કપડાં ઉતારી ઝાડની બખોલમાં મૂક્યાં. કૂવા પાસે ડોલ હતી તે લઈ પાણી સીંચી સ્નાન કર્યું, કપડાં બદલી લઈને સંધ્યા કરવા બેઠા અને પાઠપૂજા કરવા માંડી.

એટલામાં એક ભરવાડ સીમમાંથી પાણી પીવા કૂવાકાંઠે આવ્યો. મહારાજને નાક પકડતાં અને કાંઈ ભણતા અને ગણગણતા જોઈને થોડે દૂર ઊભો રહ્યો અને બધું જોયા કર્યું કે આ મહારાજ આ શું કરે છે. પોતાના નિત્યકર્મથી પરવારી રામશંકર ઊભા થયા એટલે પેલો ભરવાડ તેના પગમાં પડ્યો અને કહ્યું :
‘મહારાજ, આ તમે શું કરતા હતા અને આમ કરવાથી બાપા લાભ શું થાય ?’
‘ભાઈ, હું તો ભગવાનને યાદ કરતો હતો અને આમ કરવાથી કોક દિવસ ભગવાનનાં દર્શન થાય.’ આ સાંભળી ભોળા ભરવાડે કહ્યું : ‘મહારાજ, મને તો કાંઈક એવું બતાવો કે મને પણ ભગવાનના દર્શન થાય. જો એમ થાય તો બેડો પાર.’
‘ભાઈ, એ કામ બહુ જ અઘરું છે અને જુગના જુગ જાય ત્યારે માંડમાંડ ભગવાન પ્રસન્ન થાય.’
‘બાપા, ઘણા ભગતોની વાત સાંભળી છે કે ભગવાને ભક્તોને દરશન દીધાં અને કહે છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે તો બાપ, મને કાંઈક તો મારગ બતાવો, રસ્તો બતાવો. એટલે હું એ રસ્તે રસ્તે હાલ્યો જઈશ.’ ભરવાડે કહ્યું.
‘ભાઈ જો, તારે નાહીને ‘લક્ષ્મીવર’….. ‘લક્ષ્મીવર’…. એમ માળા ફેરવવી અને બરાબર જો માળા ફેરવીશ તો ભગવાન આપોઆપ આવીને જરૂર દરશન દેવાના.’
ભરવાડ કહે : ‘હું હવે તમે કહ્યું એમ જ કરવાનો, પણ તમે અહીંથી ક્યાં જાઓ છો ? જો દૂર જવું હોય તો અહીં રોકાઈ જાવ, મારે ઝૂંપડે બાપા, આવો અને ચોખ્ખી રસોઈ બનાવો.’
‘ભાઈ,’ મહારાજ કહે, ‘હું તો અહીંથી એક ગાઉ દૂર મથાવડા છે ત્યાં જાઉં છું અને કાનાના દીકરા ચોંદાના લગ્ન છે તે બે-ત્રણ દિવસ રોકાઈ જઈશ, વળી આગળથી તેને ખબર આપ્યા છે તે સીધુંસામાન બધું તૈયાર રાખ્યું હશે, માટે હવે તો ત્યાં જઈને રસોઈ બનાવી જમીશું.’

મહારાજ એને રસ્તે ગયા અને આ ભરવાડે તો પોતાની પછેડી ધોઈ, સૂકવી અને પછી પોતે નાહીધોઈ ને પેલી પછેડી પહેરી લીધી અને દોરડું હતું તેને થોડી ગાંઠો બાંધી ‘લક્ષ્મીવર’, ‘લક્ષ્મીવર’… એમ માળા જપવા બેસી ગયો. બપોરે તેની બાયડી ભાત લઈને આવી અને બધે ગોતતીગોતતી કૂવાકાંઠે આવી તો ભરવાડ માળા જપતો હતો. બાઈએ કહ્યું કે ‘ભાત ખાઈ લો.’ ભરવાડે મૂંગામૂંગા નિશાની કરી કે ‘હવે હું અહીંથી ઊઠવાનો જ નથી. ભગવાનનાં દરશન થાય પછી વાત.’ બાઈએ ઘણું સમજાવ્યું પણ તે તો એક ટળીને બીજો થયો નહિ; ત્યારે બાઈએ જતાંજતાં કહ્યું કે, ‘તમને વળી આ લપ કોણે વળગાડી ? આવી લપમાં તે તમને કોણે વાળ્યા ? મારો રોયો એવો તે કોણ મળ્યો કે તમને આવી લપમાં પાડ્યા ?’ આ સાંભળી પેલો ભરવાડ ગુસ્સે થઈ ગયો. અને કહ્યું કે, ‘તું હવે ભલી થઈને જા, મારો કેડો મૂક, તું તારે રસ્તે.’ એટલે પેલી ભરવાડણે વાત મૂકી દીધી પણ જતાંજતાં બોલી કે, ‘તમારી લપ પૂરી થાય ત્યારે ઘેર આવજો, હવે તમારી લપમાં હું નહિ પડું.’

બાઈ તો ગઈ પણ ભરવાડ પેલી માળાનું નામ ‘લક્ષ્મીવર’, ‘લક્ષ્મીવર’ ભૂલી ગયો અને બાઈ બહુ લપ જેમ બોલતી હતી તે યાદ રહી ગયું, એટલે ‘લક્ષ્મીવર’, ‘લક્ષ્મીવર’ ને બદલે – ‘લપસીંદર’, ‘લપસીંદર’ એમ માળા ફેરવવા લાગ્યો. ખાધાપીધા વિના, નાહીને આવી રીતે ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ લપસીંદરની માળા ફેરવ્યા જ કરી અને જતાઆવતા વટેમાર્ગુઓ આ જોઈ અને સાંભળીને હસતા, મશ્કરી કરતા ચાલ્યા જાય અને આવે; પણ ભરવાડે તો પોતાની ટેક જાળવી. ત્રીજી રાત્રિના બરાબર ત્રણ વાગે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે :
‘પ્રભુ, તમારાં હજાર નામ તો છે, પણ એક તમારા નવા ભગતે એક હજાર ને એકમું નામ પાડ્યું છે, હવે તો તેને દરશન દઈને બિચારાને દુ:ખમાંથી મુક્ત કરો.’
‘ચાલો તમે સાથે, અને નવા ભગતની મજા જોઈએ.’ ભગવાન બોલ્યા. ભગવાન અને લક્ષ્મીજી કૂવાકાંઠે આવ્યાં. અને લક્ષ્મીજી પોતે પેલા ભરવાડ પાસે આવી કહેવા લાગ્યાં : ‘હે ભાઈ, તું જરા આંખ ઉઘાડી જો તો ખરો, જો પણે દૂર કોણ બેઠું છે ? અને કહે કે તે કોણ છે ?’ ભરવાડે આંખો ઉઘાડી અને એક માણસ દૂર બેઠેલ છે તે જોયું, પણ એ સામાન્ય માણસ છે અને આ બાઈ મને મફતની કનડે છે અને ભજનમાં ભંગ પાડે છે એમ સમજી ખિજાઈને તે બોલ્યો : ‘હવે તું તારે રસ્તે જા ને ! ભલી થઈને મને ભજન કરવા દે ને, એ કોણ છે, કોણ છે તે લે કહું છું, એ છે તારો સાંઢ, હવે કાંઈ છે ?’ આ સાંભળીને લક્ષ્મીજી ભગવાન પાસે આવ્યાં અને કહ્યું કે ‘આ તમારો ભગત તો જબરો લાગે છે.’ ભગવાન કહે ‘તે ક્યાં ખોટું બોલ્યો છે ? એણે તો ખરી વાત તમને કહી દીધી. ચાલો હવે હું આવું અને તેને મનાવું.’

પછી ભગવાન પોતે આવ્યા અને ભરવાડને કહ્યું : ‘ભાઈ, તારે જેનાં દરશન કરવાનાં હતાં તે હું છું; માટે દરશન કરી રાજી થા.’
ભરવાડે કહ્યું : ‘બાપા, તમે જ ભગવાન એની મને ખાતરી કેમ થાય ? તમે ખોટું કેમ બોલતા ન હો ? જો સાચા હો તો અહીં ઘડી ઊભા રહો અને હું મારા ગુરુને તેડી લાવું…’
ભક્તાધીન ભગવાન કહે : ‘ભાઈ, ભલે એમ કર…’ એટલે ભરવાડે ભગવાનને કહ્યું : ‘આ ઝાડ પાસે આવો..’ એટલે ભગવાન ઝાડ પાસે આવ્યા એટલે ભરવાડે ઝાડફરતું દોરડું વીંટીને ભગવાનને બાંધી દીધા અને કહ્યું કે, ‘જુઓ, હું અબઘડી આવું છું.’ એમ કહી દોટ મૂકીને પેલા ગોર મહારાજને શોધી એમને બધી વાત કરી. પણ મહારાજને ગળે તે વાત કેમેય કરીને ઉતરે નહિ. છતાં ભૂત જેવા ભરવાડની ધાકથી અને ડાંગની બીકથી તે ભરવાડ જોડે ચાલ્યા. ત્યાં પહોંચીને ભરવાડે દૂરથી બતાવ્યું કે, ‘જુઓ, પેલા ઝાડની સાથે બાંધેલા એ ભગવાન છે કે નહિ ?’ મહારાજની આંખે તો ઝાડ દેખાય, બીજું દેખાય જ નહિ એટલે તેણે કહ્યું : ‘ભાઈ, ભગવાન ક્યાં છે ? આ તો ઝાડનું થડ છે, મને નાહકનો શું કામ બાપ હેરાન કરે છે ? આ અમારા વાળ કાળા મટી ધોળા થયા અને માળા ફેરવતાંફેરવતાં પારા ઘસાઈ ગયા, તો ય ભગવાન મળ્યા નથી, અને તે તને ત્રણ દિવસમાં મળી જાય ?’

ભરવાડે કહ્યું : ‘મહારાજ, જરા આંખ ચોળીને જુઓને, આ ઝાડ સાથે માણસ છે તે નથી ભાળતા ?’ મહારાજે કહ્યું : ‘ભાઈ, હું તો કાંઈ ભાળતો નથી ત્યાં શું કહું ?’ આથી ભરવાડે ડાંગ ઉપાડી અને ભગવાને કહ્યું : ‘તું સાચો ભગવાન હો તો આને દરશન દે, નહિ તો આ ડાંગભેગું માથું ઉડાડી દઈશ….’ ભગવાન હસ્યા અને મહારાજને દર્શન દીધાં. મહારાજ ભગવાનને પગે લાગ્યા અને પોતાની જિંદગી સાર્થક થઈ એમ માન્યું. ભરવાડને કહ્યું કે : ‘આ સાચે જ ભગવાન છે… તેને પગે લાગ…’ પણ ભરવાડને પેલી પંક્તિ યાદ આવી :

ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસકું લાગું પાય ?
બલિહારી વો ગુરુકી, જીને ગોવિંદ દિયો બતાય

પહેલાં મહારાજને પગે લાગ્યો અને પછી ભગવાનને અને લક્ષ્મીજીને પગે લાગ્યો. ભગવાન અને લક્ષ્મીજી અંતર્ધાન થયાં, મહારાજ પોતાને કામે ગયા અને ભરવાડ ભક્તિ કરી આનંદ કરવા લાગ્યો. આવી રીતે વૈરાગ્ય અને લીધેલ ટેકથી ભરવાડ જેવા ભૂત ગણાય છતાં તે ભગવાનનાં દર્શન કરી શક્યો અને ભગવાન માત્ર ભાવના જ ભૂખ્યા છે એ વાત પણ સાબિત કરી દેખાડી. ભગવાને ગીતામાં કહ્યું જ છે ને કે :

पत्रं पुष्पं फ़लं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्यपह्तमश्नामि प्रयतात्मन: ।।

.

[2] માગતાં શીખો

એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું.

એક વખત પુરુષોત્તમ માસ આવ્યો અને વળી તે શ્રાવણ માસ હતો; એટલે જેશંકરે, ભીડભંજક મહાદેવમાં બેસી આખો દિવસ શંકરની ઉપાસના કરવા નક્કી કર્યું, આની વાદે માણેકલાલે પણ નિશ્ચય કર્યો અને બન્ને જણાએ મહાદેવ-ભોળા ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. બ્રાહ્મણ અંદર બેસે અને વાણિયો બહાર બેસે એટલો જ ફેર. બરાબર મહિના દિવસ સુધી એક ચિત્ત અને ધ્યાનથી ઉપવાસ કરીને ‘ૐ નમ: શિવાય’ ના સવા લક્ષ જપ કર્યાં. ભોળાનાથ પ્રસન્ન થયા અને એકેક વરદાન માગી લેવા કહ્યું. વાણિયો તો ખુશખુશ થઈ ગયો, પણ બ્રાહ્મણ લોભી તે ભગવાન ભોળાનાથને કહે : ‘પ્રભો, આ તો આપનો અન્યાય છે. હું અંદર બેસીને આપને સ્નાન કરાવતો, ચંદન ચોપડતો, ફૂલ ચડાવતો અને વળી જ્ઞાતે બ્રાહ્મણ જ્યારે આ વાણિયો તો બહાર બેસતો અને જ્ઞાતે વૈશ્ય. માટે વરદાનમાં ફરક હોવો જોઈએ. વાણિયાને આપે ભલે એક વરદાન આપ્યું અને તેને એક જ બસ છે; કારણ કે તે તો એકલો જ છે, જ્યારે દીનાનાથ, અમે તો ત્રણ જણાં છીએ, તો અમો ત્રણેને એક એક વરદાન મળવું જોઈએ.’ ભગવાન કહે : ‘ભાઈ, ભલે ત્રણ વરદાન તમારા ત્રણ વચ્ચે, પણ તું જાણે છે કે, અતિલોભ પાપનું મૂળ છે, લોભે લક્ષણ જાય; પણ તું અનુભવથી જ શીખીશ, તથાસ્તુ.’

બ્રાહ્મણ તો દેવળેથી જ પોતાને ગામ ગયો અને ઘેર જઈને જુએ છે તો પોતાની પત્ની કપડાં ધોવાં નદીએ ગયેલી અને છોકરો નિશાળે ગયેલો. જેશંકર તો હરખમાં ને હરખમાં શૌચ આદિ દૈનિક ક્રિયાઓ પતાવવા ઉપડ્યાં. રસ્તામાં નદીએ પત્ની મળી અને તેને વરદાનની વાત કરી અને એક ઈચ્છિત વરદાન માગવાનું તેને ભાગે આવ્યું હતું તે વાત કરી ને પછી એ ઉપડ્યા. બ્રાહ્મણી તો વિચારમાં પડી કે મારે શું માગવું ? વિચાર કરતાં રૂપ માગવાનું નક્કી કર્યું. કારણ કે રૂપ હશે તો બ્રાહ્મણ વશ રહેશે; નહિ તો વરદાનથી ધન મેળવી બીજી રૂપાળી સ્ત્રીને પરણશે એવી બીક લાગી. બ્રાહ્મણીએ તો રૂપ માગ્યું અને રૂપસુંદરી બની ગઈ.

બરાબર આ વખતે એક રાજા શિકારે નીકળેલો. તે પોતાના ઘોડાને પાણી પાવા નદીએ આવ્યો અને આ રૂપરૂપના અવતારવાળી સ્ત્રીને જોઈને તેની દાનત બગડી. તેને એમ લાગ્યું કે આ સ્ત્રી તો રાજદરબારમાં શોભે, એમ વિચારીને પેલી સ્ત્રીને પકડી ઘોડે બેસાડી દીધી અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી, ઘોડાને દોડાવી મૂક્યો; જેશંકરનો છોકરો આ જ વખતે નદીએ બોલાવવા આવ્યો પણ પોતાની માતાનું હરણ થતાં જોઈને પોકેપોકે રોવા લાગ્યો. જેશંકર શૌચ આદિ પ્રાત:ક્રિયા પતાવીને આવ્યો અને બધી બનેલી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છોકરાને ઘેર મૂકીને, ગામમાંથી કોઈનો ઘોડો માગીને રાજાના ઘોડાની પછવાડે પછવાડે ગયો. રાજાએ તો બ્રાહ્મણીને ખૂબ આશા આપેલી અને પટરાણી બનાવીશ એમ વચન આપ્યું અને દરદાગીના અને કપડાંની લાલચમાં લપટાવી. બ્રાહ્મણ તે ગામમાં ગયો અને પોતાની સ્ત્રીનો માંડમાંડ પત્તો મેળવ્યો. બહુ જ કાકલૂદી અને કાલાવાલાથી એક જ વખત તે સ્ત્રીનું મોઢું જોવાની રજા મળી. મોઢું જુએ તો રૂપરૂપનો ભંડાર. બ્રાહ્મણ સમજી ગયો કે આ સ્ત્રીએ તો વરદાન માગી મને ખાડામાં ઉતારી દીધો. સ્ત્રીને ઘણું સમજાવ્યું કે હું તને માગે તે આપીશ, તું વ્યભિચારીણી કેમ થાય છે ? છોકરાં રોઈ રોઈને મરી જશે અને તને આ શું સૂઝ્યું ?’ ઘણી રીતે સમજાવી પણ તે તો એક ટળી બીજી થઈ નહિ. એ તો જબદજસ્ત નાગણી થઈ.

બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે તપ કરી માંડમાંડ વરદાન મળ્યાં અને આ સ્ત્રીએ તો એનો દાટવાળી દીધો. મારી કમાણી ઉપર પાણી ફેરવી દીધું, આના કરતાં તો ભગવાને એક વરદાન આપ્યું તે લીધું હોત તો ઠીક હતું. આ લોભનાં ફળ ભોગવવાં રહ્યાં. આ તો હું સુખ લેવા દોડ્યો, ત્યાં નસીબ બે ડગલાં આગળ ને આગળ. પછી બ્રાહ્મણે પણ રાજાને ઘણી વિનંતિ કરી : ‘હે રાજા તમારે તો પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે આ તો ભક્ષણ કરો છો, પ્રજાની મા અને દીકરીની લાજ અને મર્યાદા માટે તો ક્ષત્રિયોએ પોતાનાં માથાં આપ્યાં છે તેને બદલે તમે તો આવાં હલકાં અને નીચ કામ કરો છો ? તમે તો ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાવ, તેને બદલે બ્રાહ્મણનાં જ ગળાં કાપો છો ? રાજા, તું જરા સમજી જા. રાજા રાવણે પણ સીતાજીનું હરણ કરી શું લાડવો લીધો ? અને દુર્યોધને પાંચાળીનાં પટકુળ ખેંચી શું સુખ માણ્યું ?’ આવી રીતે ઘણાંઘણાં વચનો રાજાને સંભળાવ્યાં; પણ તે તો પોતાના વિચારમાં અડગ રહ્યો. છેવટે બ્રાહ્મણે ભોળાનાથ ભગવાનની સ્તુતિ કરી વરદાન માગ્યું કે : ‘હે ભોળાનાથ, આ સ્ત્રીને ગધેડી બનાવી દ્યો.’ બ્રાહ્મણી તુરત જ ગધેડી બની ગઈ અને આ જોઈને રાજા તો ગભરાયો અને બ્રાહ્મણને પગે પડી કહેવા લાગ્યો કે, ‘મહારાજ, મારો ગુનો માફ કરો. હું તમારી ક્ષમા માગું છું, તમે તો દયાળુ છો. મહારાજ, હવે તમારે જોઈએ તે માગી લો. પણ મને ગધેડો બનાવશો મા.’ રાજા તો ભાગીને સંતાઈ જ ગયો. બ્રાહ્મણ તો ગધેડીને દોરીને પોતાને ગામ આવ્યો. છોકરો તો બિચારો માના વિરહમાં રોતો હતો; કારણ કે તેને મા વિના સંસાર સૂનો હતો.

જેશંકરનો દીકરો બિચારો મા વિના ઝૂરતો હતો, એટલામાં ગધેડીને લઈ તેના પિતા આવી પહોંચ્યા. જેશંકરે કહ્યું : ‘બેટા ! રો મા, જો આ તારી માને પકડી લાવ્યો છું. તું નહિ સાચું માને કે આ તારી મા છે, પણ હું સાચું કહું છું કે આ તારી મા છે. હવે હું કહું તેમ કર. હાથ જોડી બોલ કે હે ભોળાનાથ શંકર, આ ગધેડી મારી મા જેવી હતી તેવી થઈ જાઓ.’ પિતાની આજ્ઞા પ્રમાણે પુત્રે કહ્યું એટલે તુરત જ ગધેડી બદલાઈ ગઈ અને તે બ્રાહ્મણી બની ગઈ; છોકરો માને પ્રેમથી ભેટી પડ્યો. ત્રણ વરદાન હતાં, પણ માગતા ન આવડ્યું એટલે હતા ત્યાં ને ત્યાં અને હતા તેવા ને તેવા રહ્યા.

હવે પેલા વાણિયા માણેકલાલે શું માગ્યું તે જુઓ. તેને તો એક જ વરદાન હતું. ધન માગે તો આંખ ન મળે, આંખ માગે તો ધન ન મળે અને પાછી નોકરી તો કરવી જ પડે. એટલે ખૂબ વિચાર કરી માગ્યું : ‘હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાશ કરતાં જોઉં.’ આમાં વાણિયાએ માગવામાં શું બાકી રાખ્યું ? ધન માગ્યું, વહુ માગી, દીકરા માગ્યા અને દીકરાનો પરિવાર માગ્યો, ઘર માગ્યું. ઢોર માંગ્યા અને આંખ પણ માગી લીધી. આવી રીતે જેને માગતાં આવડે છે તેનો બેડો પાર થાય છે. આપણે જેવું માગીએ એવું ઈશ્વર જરૂર આપે છે પણ માગતા પહેલાં આપણે આપણામાં લાયકાત લાવવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ લાયક બનો પછી માગણી મૂકો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર
નિરંતર પ્રગતિનો માર્ગ – જ્યોતિ થાનકી Next »   

18 પ્રતિભાવો : સંતની વાતો – ગોપાળજી ઓધવજી ઠક્કર

 1. આજની બંન્ને વાતૉઓ પ્રેરણા દાયક…!!

  આવી જ એક સરસ વાતૉ..
  બ્રહ્માજીએ સમુદ્ર મથંન બાદ ઝેર વધતાં તેના નિકાલ માટે ટહેલ નાખી..કોઈ ગયું નહિં..છેવટે ત્રણ ગુજરાતીઓ.. આદતસે મજબુર..મફતમાં ઝેર પણ ખોટું નહિં ..સમજી લેવા પહોંચી ગયા. સૌથી પ્રથમ બ્રાહ્મણ ઉભો રહ્યો..બ્રહ્માજીએ થોડું ઝેર બ્રાહ્મણની હથેળીમાં મુક્યું..તેણે પોતાની બંન્ને આંખોમાં લગાવ્યું. બીજા ક્રમે વાણિયાભાઈ ગયા..બ્રહ્માજીએ થોડું ઝેર વાણિયાની હથેળીમાં મુક્યું..તેણે પોતાની છાતીએ ઘસ્યું.
  છેલ્લે પટેલભાઈ રહ્યા..બ્રહ્માજીએ થોડું ઝેર પટેલની હથેળીમાં મુક્યું..તેણે પોતાની જીભ પર મુક્યું.

  આ ઝેર લગાવવાની ક્રિયાની અસર શું થઈ તે આપણે બધા જાણીએ છીએ…પરંતુ પ્રશ્ન થાય કે..

  બ્રાહ્મણે ઝેર આંખો પર જ કેમ લગાવ્યું…
  વાણિયાએ ઝેર છાતીએ જ કેમ લગાવ્યું…
  પટેલે ઝેર જીભ પર જ કેમ લગાવ્યું…

  આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે હોય તો જણાવશો.
  આભાર.

 2. Ritesh Shah says:

  ekdum adhvitiya bahuj saras aney prernadayak

 3. vraj dave says:

  અતીલોભ પાપનુ મુળ છે. અમો આવી વાતો બાલવાર્તા મા વાચેલ.

 4. Ashmita Mehta says:

  કોઇ મને પેહલી વાર્તા ના શ્લોક નો અર્થ કેહ્શે?

 5. ઈન્દ્રેશ વદન says:

  બીજી વાર્તા સાંભળેલી છે, પરંતુ ફરી વાંચીને પણ મજા આવી.

  તંત્રીશ્રીને હાસ્યલેખ વધુ મુકવા વિનંતી.

 6. ભાવના શુક્લ says:

  પ્રાચીન પ્રત સિવાય ઉપલબ્ધ નથી જાણી આશ્ચર્ય થયુ.
  આશા છે આ પુસ્તકની અન્ય વાર્તાઓ પણ અહી ભવિષ્યમા એક પછી એક વાચવા મળે.

 7. nayan panchal says:

  બીજી વાર્તા ફરીવાર વાંચવાની મજા આવી.

  ઘણીવાર આપણે આપણી પ્રાર્થનાઓ નાની નાની સિધ્ધીઓની પૂર્તિ માટે વાપરી નાખીએ છીએ, એવુ બની શકે કે તેમા મહત્વની વાત સાઈડ પર જ રહી જાય. આખરે તો આપણે જેની ઇચ્છા રાખીએ તે જ દેખાયને.

  નયન

 8. kumar says:

  બંન્ને વાતૉઓ પ્રેરણાદાયક
  Nice collection

 9. pragnesh says:

  gud 1..cheerzz!!

 10. Sonal Rana says:

  It is really nice story.

 11. Vaishali Maheshwari says:

  First story tells that hard work strong will, faith in God and determination can help achieve anything. And so that Bharwad did not care about anyone’s mimicry or laugh, but just prayed to God and he got to see God and Godesses.

  Second story tells, be smart in what you demand. Too many things can be done if we have something little also. It all depends on how we think and what way we choose to achieve things.

  Jeshankar demanded three wishes as he was a bit greedy. At the end, he used all the three wishes, but he did not get anything in return. He ended up where he was before, achieving nothing.

  Vaaniya Maneklal demanded just one wish without much greediness, but he used his wisdom. He used his wish wisely, so he ended up with so many things that made him happy at the end.

  Inpirational stories with good morals.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.