અઝીમ પ્રેમજી સાથે વાર્તાલાપ – અનુ. કેયૂર કોટક

[ ‘ભારતની સફળતાના શિલ્પી’ નામના 2008માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં નવા ભારતના વિકાસમાં પ્રાણ મૂકનાર અગ્રણી ઉદ્યોગપતિઓએ શ્રી વીર સંઘવી સાથે કરેલો નિખાલસ વાર્તાલાપ છે. શ્રી વીર સંઘવી પ્રસિદ્ધ પત્રકારોમાંના એક છે. તેમણે ‘સ્ટાર ટીવી’ અને ‘એનડીટીવી’ ન્યૂઝ ચેનલો પર ઘણા સફળ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. આજે માણીએ આ પુસ્તકમાંથી વિપ્રોના શ્રી અઝીમ પ્રેમજી સાથેનો તેમનો વાર્તાલાપ. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

azimઅઝીમ પ્રેમજીનો ઈન્ટરવ્યૂ લેવો સરળ નથી. વિપ્રોના જનસંપર્ક વિભાગથી પ્રક્રિયા શરૂ થાય છે અને તે ‘તમારી વિનંતી પર વિચાર કરીશું’ તેમ કહે છે. પછી એક પ્રશ્નોત્તરીની માગણી થાય છે કે હું શું શું જાણવા માગું છું ? હું જવાબ આપું છું કે આ તે પ્રકારનું કામ નથી. આ તો પ્રોફાઈલ્સનો મતલબ આંકડાની માયાજાળથી પર વ્યાપારના સૂત્ર સંચાલકનું અસલી વ્યક્તિત્વ સામે લાવવાનું છે. ચાલો ઠીક છે, વિપ્રોના જનસંપર્ક વિભાગનો જવાબ ઈ-મેઈલમાં આવે છે કે હું પ્રેમજીને મળી શકું છું પણ તેમ છતાં તેઓ તે પહેલાં પ્રશ્નોત્તરી મેળવવા માગે છે કારણ કે તેઓ ઈ-મેઈલ પર વધુ અનુકૂળતા અનુભવે છે.

હું પ્રશ્નો વિશે વિચારવા લાગું છું. છેવટે હું તમામ સ્વાભાવિક સવાલ લખીને મોકલું છું. સદીના અંતે ભારતના સૌથી ધનિક માણસ હોવાનું કેવું લાગે છે ? તમામ સાથીદારો તમને છોડીને કેમ ચાલ્યા જાય છે ? શું તમે પોતાને ગુજરાતી માનો છો ? વગેર વગેરે સવાલો મેં બનાવ્યા. એક વખત ફરી જનસંપર્ક વિભાગનો જવાબી ઈ-મેઈલ આવે છે કે ‘બસ આટલા જ પ્રશ્નો ? અમે તો વિચાર્યું હતું કે તમે લાંબી વાતચીત કરશો પણ આ તો માત્ર છ જ પ્રશ્નો મોકલ્યા છે.’ હું ફરી વખત તેમને મારો હેતુ સમજાવું છું કે મારી રુચિ વિપ્રોની વ્યાપારિક યોજનામાં નથી. હું તો અઝીમ સાહેબના મૂળિયાં સુધી જવા માગું છું. તે વિભાગ મારા જવાબથી રાજી ન હોવા છતાં એક સમજૂતી કરવા તૈયાર થઈ જાય છે. પ્રેમજી મારા સવાલોનો જવાબ ઈ-મેઈલ પર આપશે અને પછી અમે વિપ્રોની બૅંગલોર ઑફિસમાં લંચ માટે મળી શકીશું એમ નક્કી થાય છે. લંચમાં તેમને મળવાની એક અનૌપચારિક તક મળશે અને કદાચ અમુક એવા સવાલ પણ પૂછવાની તક મળશે જે મૂળપ્રશ્નાવલીમાં નહોતાં એમ મેં વિચાર્યું.

આ રીતે હું બૅંગલોર પહોંચ્યો અને હોટલમાં પ્રેમજીના એક મદદનીશની રાહ જોઉં છું જે મને તેમની સાથે લંચ માટે લેવા આવશે. અત્યાર સુધી મને પ્રશ્નોની યાદી પર કોઈ પ્રતિક્રિયા મળી નથી અને એટલે જ હું બહુ નિશ્ચિત નથી કે હું પૂરક સવાલ કેવી રીતે પૂછીશ, કારણ કે મારી પાસે પહેલાં પ્રશ્નોના જવાબ જ નથી. હું નક્કી કરું છું કે કદાચ જવાબ પાછળથી આવશે. અત્યારે તો લંચનો આનંદ લઈએ. વિપ્રોના બૅંગલોરમાં ઘણા કાર્યાલય છે. તેમાંથી મેં ઈલેકટ્રોનિક સિટીવાળું કાર્યાલય જોયું છે, જે ઈન્ફોસિસ કેમ્પસની નજીક છે. જોકે પ્રેમજી જે જગ્યાએ કામ કરે છે તે ઈલેકટ્રોનિક્સ સિટીના ક્રોમ અને કાચની બનેલી ઑફિસ કરતાં ઘણી અલગ છે. તે નાજુક, હરિયાળીયુક્ત અને સરળતાથી કોઈ પ્રકૃતિ પ્રેમી બિનસરકારી સંગઠનના હેડક્વાર્ટર જેવી છે.

કેફેટેરિયા સાથે જોડાયેલો એક નાનો અંગત રૂમ છે જ્યાં અમારે લોકોએ લંચ લેવાનું હતું. હું રૂમમાં પ્રવેશ્યો પછી થોડી સેકન્ડમાં પ્રેમજી અંદર આવે છે. તે હંમેશા તેમની પ્રગટ થતી તસ્વીર જેવા જ દેખાય છે. શાંત, ગંભીર, સફેદ ઘટ્ટ વાળ. તેમણે સફેદ શર્ટ પહેર્યો છે જેના ડાબા ખિસ્સા પર કંપનીનો લોગો છે. અમે તેમના ભોજનકક્ષમાં છીએ, પણ તે બહુ શરમાળ અને અટપટા દેખાય છે. મને ભોજનનો થોડો અંદાજ હતો. વિપ્રોના જનસંપર્ક વિભાગે હું શાકાહારી છું કે નહિ તે જાણી લીધું હતું. મને ભોજનમાં બધું ચાલે છે તેવો જવાબ સાંભળીને તેમણે પૂછ્યું કે ચાઈનીસ ચાલશે કે નહિ ? આ જ કારણે જ્યારે વેઈટર સ્વીટ કોર્ન સૂપનો કટોરો લઈ આવ્યો ત્યારે હું ચકિત ન થયો. પ્રેમજી કંઈક વાત કરવાનો પ્રયત્ન કરે છે. છેવટે વાત બેંગલોરના બગડતા જતા આધારભૂત માળખા વિશે થવા લાગી. હું તેમને જણાવું છું કે ભારતના સૌથી સારાં શહેરોમાંના એક બેંગલોરના વાતાવરણમાં થયેલા બગાડથી મને બહુ ડર લાગે છે. પ્રેમજી પણ એ બાબતે એટલા જ ચિંતિત છે. પણ તેઓ કહે છે કે ‘મેં હવે નિર્ણય કર્યો છે કે એ વિશે હું બહુ નહિ બોલું.’ થોડાં વર્ષો પહેલાં તેમણે બૅંગલૉર પ્રત્યે બેજવાબદારી માટે સરકારની ટીકા કરી હતી ત્યારે નેતાઓએ તેમની બહુ કડક શબ્દોમાં ટીકા કરી હતી, ઝાટકણી કાઢી હતી.

safalta‘બેંગલોર બહુ અલગ હતું.’ તેઓ યાદ કરતાં કહે છે, ‘મને યાદ છે કે જ્યારે અમે યુવાન હતા ત્યારે અમે ક્યારેક અહીં રજાઓ ગાળવા આવતા હતા. આ એક પહાડી શહેર જેવું હતું. મારા એક મિત્રના પિતાની એમ.જી. રોડ પર સાત એકરની જમીન હતી અને તેના પર હરિયાળી હતી. 1980 સુધી આ રહેવા માટે સારી જગ્યા હતી.’ જ્યારે તેઓ પોતાના બાળપણના દિવસોમાંથી પાછા ફર્યા ત્યારે હું નક્કી કરું છું કે કદાચ હવે ઈન્ટરવ્યૂની શરૂઆત થઈ શકે છે.

ઈન્ફોસિસ અને વિપ્રો ઈન્ફર્મેશન ટૅકનોલોજીની બે મહાન કંપનીઓ છે તેમ છતાં તેમના સર્વેસર્વાની પૃષ્ઠભૂમિમાં ખાસ્સું અંતર છે. ઈન્ફોસિસ નિમ્ન-મધ્યમવર્ગીય ઈજનેરોની રચના છે જ્યારે વિપ્રોનાં મૂળિયાં પ્રેમજી ખાનદાનના ખાદ્ય તેલના વ્યાપારમાં છે (કંપનીનું મૂળ નામ વેસ્ટર્ન ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ હતું) અને અઝીમ સાહેબે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે એટલે આ દષ્ટિએ તે નારાયણમૂર્તિ કે નંદન નીલેકની જેવા ટૅકનોલોજી નિષ્ણાત પણ નથી. તેના વિરુદ્ધ તે એક એવા વ્યાપારી છે જે બીજી અન્ય ચીજવસ્તુઓ પર પણ એટલો જ ગર્વ અનુભવે છે જેમાં વિપ્રો કંપની ઈન્ફોર્મેશન ટેકનોલોજી સિવાય કાર્યરત છે. તેમાં તેમનું ગ્રાહક-ઉત્પાદન કેન્દ્ર પણ સામેલ છે, જે લોકપ્રિય સંતૂર સાબુ બનાવે છે. જ્યાં ઈન્ફર્મેશન ટૅકનોલોજીની સફળતાની મોટા ભાગની વાત (નર્ડ ફોર્મ્યુલા અંતર્ગત) એક પ્રકારના બદલાની વાત છે ત્યાં વિપ્રોની સફળતા કોઈ પારંપરિક વ્યવસાયનું સફળતાપૂર્વક સમયાનુકૂળ વિસ્તરણ છે.

‘આપનો પરિવાર કેટલો સમૃદ્ધ હતો ? બાળપણમાં આપ ધનિક છો તેવું અનુભવતા હતા ?’ મેં પૂછ્યું.
‘હા, હું જાણતો હતો કે અમે સુખીસંપન્ન છીએ. પણ હું બહુ ધનિક ખાનદાનનો નબીરો છું તેવો કોઈ ખ્યાલ નહોતો.’
‘શું તમારા પરિવાર પાસે કોઈ કાર હતી ?’
તે અટકે છે, ‘અમારી પાસે બે કાર હતી. એ યુગમાં મોટા ભાગના મધ્યમવર્ગીય ભારતીય પરિવાર એક કાર વિશે વિચારી પણ શકતા નહોતા. પણ એ ખરું કે એ કાર ભારતીય હતી, વિદેશી નહિ.’
‘1960માં આપના પરિવાર પાસે આગળ અભ્યાસ કરવા અમેરિકા મોકલવા જેટલા રૂપિયા હતા જે એક સ્તરની આપની સમૃદ્ધિ દેખાડે છે, ખરું ને ?’ મેં પૂછ્યું.
‘હા, પણ મને ભારત આવવાની વર્ષમાં માત્ર એક વખત જ મંજૂરી મળતી હતી. તે મારા માટે ખરેખર મોટી વાત હતી. હું તેની રાહ જોતો રહેતો.’
‘શું તમે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં હતાં ?’
‘ચોક્કસ ! મારાં બાળકો પણ હંમેશા ઈકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે.’
‘કેમ ?’
‘મૂલ્ય, મને બાળપણમાં જ શીખવવામાં આવ્યું છે કે ધન કરતાં વધારે મહત્વપૂર્ણ તમારાં મૂલ્ય છે.’

ત્યાં સુધીમાં સૂપનો કટોરો ખાલી થઈ ગયો અને અમે નૂડલ્સ ખાઈએ છીએ. પ્રેમજી કોઈ ખાસ રસ વિના ભોજન લઈ રહ્યા છે, પણ સૂપ પીરસાતું હતું તેના કરતાં અત્યારે વધુ તણાવમુક્ત છે. હું વિચારું છું કે આ જ તે સવાલ પૂછવાનો સૌથી વધુ અનુકૂળ સમય છે જેનો જવાબ દરેક માણસ જાણવા ઈચ્છે છે :
‘ભારતના સૌથી ધનિક માણસ બનીને શું અનુભવો છો, જેનું કુલ મૂલ્ય 1000 કરોડ ડૉલર કરતાં પણ વધારે મનાય છે ?’
‘પ્રાણીસંગ્રહાલયના પ્રાણી જેવું !’ તે કહે છે, ‘જ્યારે લોકો મારા રૂપિયા વિશે વાત કરે છે ત્યારે મને ચીડ ચડે છે. ઘણા વર્ષ સુધી મારી પાસે કેટલા રૂપિયા છે તેના પર જ લેખ પ્રકાશિત થયા છે. જાણે મારા જીવનમાં તેના સિવાય બીજું કંઈ હોય જ નહિ.’
‘એવું તો આજે પણ છે.’ મેં કહ્યું.
‘ઓછું થતું જાય છે. એની માટે હું લક્ષ્મી નિવાસ મિત્તલનો આભારી છું જે મારા કરતાં વધારે ધનિક થયા છે.’ તે હસીને કહે છે, ‘હવે અબજોપતિઓના બધા લેખમાં તેમનો જ ઉલ્લેખ થાય છે અને સદનસીબે મને બાકાત રાખવામાં આવે છે. મેં ગયા અઠવાડિયે જ જાણ્યું કે મુકેશ અંબાણી મારાથી આગળ નીકળી ગયા છે. તેનાથી મને વધુ રાહત મળી છે, કારણ કે મને મારા ધન વિશે કોઈ સવાલનો જવાબ આપવો ગમતો નથી.’
‘એવો કોઈ સમય હતો જ્યારે તમે અચાનક અનુભવ્યું કે હે ભગવાન ! હું હવે ભારતનો સૌથી ધનિક માણસ છું.’
‘ના, કારણ કે તે ધીમેધીમે થયું. એટલે જ્યાં સુધી પ્રેસ દ્વારા મને જાણકારી ન અપાઈ ત્યાં સુધી મને તેની બહુ જાણકારી નહોતી. તે ઊંચી છલાંગ જરૂર હતી જેને મેં અનુભવી હતી, બાકી બધું ધીમેધીમે થયું.’
‘વિપ્રોના 75% હિસ્સાના માલિક હોવાથી તમે આટલા ધનિક છો. તો શું ક્યારેય તેનો અમુક હિસ્સો વેચવાની લાલચ જાગી જેથી અમુક ધન મેળવી શકાય ?’
‘હું એટલા રૂપિયાનું શું કરીશ ? તમે એટલા બધા રોકડા રૂપિયા વપારી ન શકો. મારે તેનું ક્યાંક રોકાણ કરવું જ પડે તો પછી તે વિપ્રોમાં જ કેમ ન રહે ?’
‘શું આપ પોતાને ધનિક અનુભવો છો ?’
‘જ્યારે હું યુવાન હતો ત્યારે પણ મારો પરિવાર વધુ રૂપિયા ખર્ચ કરવામાં કે વાહિયાત જરૂરિયાતો પૂરી કરવામાં વિશ્વાસ ધરાવતો નહોતો. અમે રજાઓ ગાળવા પણ મહાબળેશ્વર કે કોઈ એવી જ જગ્યા પર જતાં. અમે વિદેશ જતા નહોતા. રૂપિયાને લઈને મારો દષ્ટિકોણ હજુ પણ તેવો જ છે.’

ત્યાં સુધીમાં વેઈટર નૂડલ્સ વગેરેની પ્લેટ સાફ કરીને ફળ લઈ આવ્યા. પ્રેમજી એક પ્લેટ પાછી મોકલી પોતાના માટે આઈસ્ક્રીમ મંગાવે છે. તે એટલા સહજ દેખાય છે કે હું તેમને પૂછી શકું છું કે : ‘તમે આટલા બધા શરમાળ કેમ લાગો છો ?’
‘શરમાળ ? જો હું તમને માત્ર શરમાળ લાગતો હોઉં તો તમારે મને દસ વર્ષ પહેલાં મળવું હતું. હવે તો હું બહુ સુધરી ગયો છું.’
‘તમે માત્ર શરમાળ પણ નથી દેખાતા, પણ ઘણા સાવધાન હોવ એમ પણ દેખાય છે.’
‘હા, હું બહુ સાવધાન છું. મને બહુ આત્મવિશ્વાસ નથી. હું મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં બહુ સમય લઉં છું. હું કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તેના પર હોમવર્ક કરવાનું પસંદ કરું છું.’
‘શું તે કારણે આપે વિવેક પોલને સી.ઈ.ઓ. બનાવવાનો નિર્ણય કર્યો ? કારણ કે વિવેકનો પ્રસિદ્ધિ તરફનો ઝુકાવ તેમના અલ્પભાષી સ્વભાવને પૂરક હતો ?’
‘ના’ તેમણે કહ્યું, ‘મેં કદી આ રીતે પોલ વિશે વિચાર્યું નથી. હું વિવેકને એટલા માટે લાવ્યો કારણ કે અશોક જતાં રહ્યા હતાં અને એમની જગ્યાએ અમારે કોઈ માણસની જરૂર હતી. મેં પોતે સી.ઈ.ઓ બનવાનો નિર્ણય કર્યો હતો પણ મારામાં બહુ આત્મવિશ્વાસ નહોતો. અત્યારે મને વિવેકની ક્ષમતામાં વિશ્વાસ છે અને વિપ્રોની બીજી પેઢી પણ એ હદ સુધી વિકસિત થઈ છે કે હું તેમના પર વધુ જવાબદારી નાંખી શકું.’
‘તો વિવેક પોલ જ કેમ ?’
‘કારણ કે એની પાસે એક વૈશ્વિક દષ્ટિ હતી અને કંપની તે તબક્કામાં હતી જ્યારે અમારે તેના જેવા જ માણસની જરૂર હતી.’

‘શું એમ કહેવું ઉચિત છે કે પ્રેમજી સાથે કામ કરવું બહુ સરળ નથી ?’
‘તમે એવું કેમ કહો છો ?’
‘કારણ કે તમે એવા માણસ છો જેને સમજવા બહુ મુશ્કેલ છે. સૌથી પ્રથમ તો આપનું પ્રસિદ્ધ શરમાળપણું તમને જાણવાનું અશક્ય કરી દે છે. એ પછી આપની બૌદ્ધિક પ્રખરતા. મને એમ લાગ્યું કે આપ બહુ જટિલ છો અને એકસાથે અનેક સ્તર પર કામ કરો છો. દરેક સ્થિતિને બારીકાઈથી સમજો છો. હું માનું છું કે આપનું મગજ એક ડુંગળી જેવું છે – દરેક વખતે તમે એક સ્તર હટાવો તો તેની નીચે એક વધુ સ્તર હોય છે.’
‘હું પોતાને અત્યંત સીધી અને સરળ વ્યક્તિ સમજું છું.’ એમણે કહ્યું.
‘હું તેનાથી સહમત નથી’ મેં કહ્યું અને ઉમેર્યું : ‘જો કે શરૂઆતના શરમાળપણા પછી મને આપના તરફથી એક વાસ્તવિક હૂંફ મળે છે તેમ છતાં આપ બહુ જટિલ લાગો છો.’ પ્રેમજી મને હોટલથી વિપ્રો સુધી લઈ આવનાર મદદનીશ સામે જુએ છે અને કહે છે : ‘આ મારી બહુ નજીક રહીને કામ કરે છે, એને પૂછો. તે મારા વિશે શું વિચારે છે ?’ તે મદદનીશ મને જણાવે છે કે તેણે પ્રેમજીની મૂળ પ્રવૃત્તિ વિશે ક્યારેય વિચાર્યું નથી. તેમની બૌદ્ધિક પ્રખરતાની વાતો જાણવા-સાંભળવા મળે છે તેમ છતાં તેમના બહુ બધા નિર્ણયો તેમની મૂળ પ્રવૃત્તિથી જ પ્રેરિત હોય છે.
‘તમે તેમની નજીક રહીને કામ કરો છો તો તમે ક્યારેય પ્રેમજીને ગુસ્સે થતા જોયા છે ?’
‘ના, ક્યારેય નહિ.’
‘એવું તે કંઈ હોય ? દરેક માણસ ક્યારેક તો ગુસ્સે થાય જ, ખાસ કરીને પોતાની મૂળ પ્રવૃત્તિનું કામ કરતો હોય.’
પ્રેમજી વાતને સમજી જાય છે અને વચ્ચેથી કહે છે : ‘ના, હું બહુ સાવધાન રહું છું કે ઑફિસમાં પોતાની સહજતા ન ગુમાવું, પણ ઘરની વાત જુદી છે. તમે મારા પરિવારને પૂછો.’
‘તો શું તમને ગુસ્સો આવે છે ?’
‘જી હા !’
‘તો શું એના પરથી લાગતું નથી કે જેટલો આપ સ્વીકાર કરો છો તેના કરતાં ઑફિસમાં આપ વધારે નિયંત્રણમાં રહો છો ?’
પ્રેમજી હસે છે.

પ્રેમજીની કારકિર્દીની મોટીમોટી વાતો બહુ જાણીતી છે. જ્યારે તેમના પિતાજીને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમણે પારિવારિક વ્યવસાય સંભાળ્યો હતો. તે ખાદ્ય તેલમાંથી હાઈડ્રોલિક સિલિન્ડરના વ્યવસાય તરફ ગયા અને 1980માં ભારતમાંથી આઈબીએમની વિદાય પછી ઉત્પન્ન થયેલા શૂન્યાવકાશને ભરવા તેમણે ઈન્ફોર્મેશન ટૅકનૉલોજીના ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું. તેમનું આ નવું કાર્ય શરૂ કરવા જી.ઈ. બ્રિટિશ ટેલિકોમ અને એશરની સાથે ઘણી કંપનીએ વિપ્રોની મદદ કરી. પણ ઈન્ફોસિસથી અલગ, જેણે તેમની જેમ જ આઈબીએમના શૂન્યાવકાશને ભરવાનો પ્રયાસ કર્યો, તેમણે અન્ય વ્યવસાય પણ વિકસાવ્યા. તેમાં ગ્રાહક ઉત્પાદનો અને કોલ સેન્ટર પણ હતા. ઈન્ફર્મેશન ટૅકનૉલોજી પર છવાયેલા ઈજનેરોથી અલગ પ્રેમજી છેવટે એક વ્યવસાયી હતા, જે પોતાના સાબુના વ્યાપારને પણ એટલી જ ગંભીરતાથી લેતાં હતાં જેટલું મહત્વ તેઓ પોતાના ઈન્ફર્મેશન ટૅકનૉલોજી વિભાગને આપતા હતા. આટલા બધાં ક્ષેત્રોમાં તેમની સફળતાનું રહસ્ય શું ? સૌપ્રથમ તેઓ ચીજવસ્તુનાં મૂળિયાં સુધી જાય છે. કહે છે : ‘જો તમે કોઈ વિચાર કરો તો પછી તેના પર અમલ કરતા તમને કોઈ રોકી ન શકે. જ્યારે વિવેક અહીં હતો ત્યારે પણ હું પૂરેપૂરી જાણકારી રાખતો હતો.’ બીજું, તે લોકોને કુશળ બનાવે છે. પોતાની વાત કરતાં તેઓ કહે છે : ‘હું વ્યાવસાયિક બનવાનું પસંદ કરું છું. હું લોકોને તેમના વિભાગ એવી રીતે ચલાવવા પ્રોત્સાહિત કરું છું કે જાણે તે પોતાનો જ વ્યવસાય ચલાવી રહ્યા હોય. તે વધારે યોગ્ય છે, કારણ કે તેનાથી તેમને પ્રેરણા મળે છે. પણ સાથોસાથ તેના ગેરફાયદા પણ છે. તેમને જ્યારે બીજા વિભાગમાં મોકલવાની વાત આવે છે ત્યારે તેઓ ખચકાટ અનુભવે છે કારણ કે તે પોતાના વિભાગ સાથે ભાવનાત્મક સ્તરે જોડાઈ ગયા હોય છે.’ તારણ સ્વરૂપે તેઓ કહે છે : ‘હું સાવધાનીપૂર્વક શંકાશીલ છું.’ અને ભારપૂર્વક ઉમેરે છે : ‘તમે જેટલો શ્રેય આપો છો તેના કરતાં પ્રતિસ્પર્ધી હંમેશા વધારે યોગ્ય છે.’ તેનાથી એક સ્વાભાવિક સવાલ ઉત્પન્ન થાય છે :
‘શું ઈન્ફોસિસ સાથે ખરેખર આપની કોઈ હરિફાઈ છે કે એ માત્ર મીડિયાની નીપજ છે ?’
‘ઓહ, તે વાસ્તવિકતા છે.’ તે સ્પષ્ટ કહે છે : ‘અત્યારે તો તે અમારા કરતાં વધારે ઝડપથી આગળ વધી રહ્યા છે. પણ આગે આગે દેખે હોતા હૈ ક્યા.’

લંચ પૂરો થાય ત્યાં સુધી પ્રેમજી કોઈ પણ મુદ્દે વાત કરવા તૈયાર છે, પણ અફસોસ, મને ફાળવેલો સમય પૂર્ણ થયો અને તેમણે અન્ય બીજા લોકોને સમય આપ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં તેમના કાર્ય વિશે થોડું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ શિક્ષણ પર દર વર્ષે તેઓ કરોડ રૂપિયા ખર્ચે છે. તે ગ્રામીણ શિક્ષણની સમસ્યાઓને જ ભારતની તમામ સમસ્યાઓનું મૂળ માને છે. વધુમાં તેઓ આ બાબતે વિસ્તારથી વાત કરવા માટે મને ફરી આવવાનું કહે છે. હું મુંબઈ પરત ફરીને વિપ્રોના જનસંપર્ક વિભાગના ઈ-મેઈલની રાહ જોઉં છું જે મને લેખિત પ્રશ્નોત્તરીના જવાબમાં મોકલવાના હતા. શનિવાર બપોર સુધી – જ્યારે સમય સીમા પૂરી થવાની છે અને પ્રશ્નોનો જવાબ હજુ સુધી આવ્યો નથી – હું વધુ રાહ નહિ જોવાનો નિર્ણય કરું છું મને શંકા છે કે બન્યા-બનાવેલા જવાબ આ બહુ અંતર્મુખી અને મૂળભૂત રીતે સાવધાન માણસનો કોઈ બીજો જ પક્ષ રજૂ કરી દેશે.

હું તેમને બીજી વખત મળવા માગું છું. તમે ડુંગળીના તમામ સ્તરો ખોલો તો જ તેના સત્વ સુધી પહોંચી શકો છો ને !

[કુલ પાન : 126. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડૂબકી – વીનેશ અંતાણી
મોકલું છું…. – વર્ષા ગોંડલિયા ‘અશરવ’ Next »   

19 પ્રતિભાવો : અઝીમ પ્રેમજી સાથે વાર્તાલાપ – અનુ. કેયૂર કોટક

 1. શ્રી અઝીમ પ્રેમજી જરુરત કરતાં વધારે પડતા અંતૅમુખ લાગ્યા.

  કંઈક અંશે ભેદી પણ. સમગ્ર વાતચીત દરમ્યાન ઓપનનેસનો અભાવ આંખે ઉડીને વળગ્યો.
  ઈંનટરવ્યુંની મંજુરી સુધીનું ચોખલિયાપણું સમજાયું નહિં..!!

  ઘણી વાર ડુંગળીના સ્તરો ખોલતાં નીચે પેઠેલો સડો પણ ઉઘાડો પડી જતો હોય છે.

 2. આભાર … Interestingly, we just now mentioned his name among leading Gujarati Industrialists on our latest blog post on ‘Gujarat & Gujarati Language’ 🙂

 3. Jajkant Jani (USA) says:

  અજીજ પ્રેમજી is great game planer.
  મીરા ને હુ હરિની લાડ્લી કહુ છ્.
  શ્રી ક્રુષ્ણને પ્રેંમજી કહુ છુ.
  જેના હ્રદયમાં સાચો પ્રેમ હોય છે તેની ત્રણ ગર્લ્ ફ્રેન્ડ તેને જ્લ્દી છોડ્તી નથી.

  wealth , health and wisdom

  મને બાળપણમાં જ શીખવવામાં આવ્યું છે કે ધન કરતાં વધારે મહત્વપૂર્ણ તમારાં મૂલ્ય છે.’

  આપ બહુ જટિલ છો અને એકસાથે અનેક સ્તર પર કામ કરો છો. દરેક સ્થિતિને બારીકાઈથી સમજો છો. હું માનું છું કે આપનું મગજ એક ડુંગળી જેવું છે – દરેક વખતે તમે એક સ્તર હટાવો તો તેની નીચે એક વધુ સ્તર હોય

  હું લોકોને તેમના વિભાગ એવી રીતે ચલાવવા પ્રોત્સાહિત કરું છું કે જાણે તે પોતાનો જ વ્યવસાય ચલાવી રહ્યા હોય. તે વધારે યોગ્ય છે, કારણ કે તેનાથી તેમને પ્રેરણા મળે છે. પણ સાથોસાથ તેના ગેરફાયદા પણ છે. તેમને જ્યારે બીજા વિભાગમાં મોકલવાની વાત આવે છે ત્યારે તેઓ ખચકાટ અનુભવે છે કારણ કે તે પોતાના વિભાગ સાથે ભાવનાત્મક સ્તરે જોડાઈ ગયા હોય છે.’

 4. Maharshi says:

  ખુબ સરસ…

 5. ભાવના શુક્લ says:

  બહુ જ ભેદી કે અંતર્મુખી ગણાનારો માણસ કદાચ શરમાળ પણાનો શિકાર હોય શકે. પ્રેમજી ખરેખર નિખાલસ લાગ્યા. તેમની પાસે ઉંડા મર્મથી ભરેલી અકળ વાતો ને બદલે સાદગી અને નિખાલસતાથી ભરેલા વિચારો વધુ લાગ્યા.

  ખરેખર બીજી મુલાકાત શક્ય બને તો અહી ફરી રજુ કરશો.

 6. Veena Dave, USA says:

  અડધો સમય પૈસાની વાતોમા ગયો. બીજા ઘણા અગત્યના મુદ્દા પુછ્યા હોત તો …….

 7. nayan panchal says:

  ભારતની ત્રણ અગ્રણી કંપનીઓની સ્થાપનામાં અલગ અલગ વિચારધારાઓ છે.

  TCSની સ્થાપના ૧૯૬૮માં થઈ. તેનો હેતુ તો ભારતમાં આઈટી ક્ષેત્રે પા-પા પગલી માંડવાનો હતો. તેમા સર જે.આર. ડી તાતાનુ વિઝન હતુ. કોઈ વ્યાપારી વૃતિ નહી.

  Infosysની સ્થાપનાની વાત તો બહુ જ પ્રખ્યાત છે. નારાયણમૂર્તિએ ૧૯૮૧માં પોતાની પત્ની પાસેથી ૧૦૦૦૦ રૂપિયા લઈને પોતાના ૬ મિત્રો સાથે પૂનાના એક ઘરમાં કંપની શરૂ કરી. તેમનો મુખ્ય ઉદ્દેશ ભારત જેવા દેશનો ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનો ડંકો વગાડવાનો હતો.

  વિપ્રોએ આઈટીમાં ૧૯૮૦ની સાલથી પગરવ માંડ્યા. પ્રેમજીની વ્યાપારીવૃતિના દર્શન એ વાતથી થાય છે કે આજે પણ વિપ્રોના ૭૫% શેર્સ તો તેમની પાસે જ છે. પરંતુ એ વાત પણ એટલી જ સાચી કે આવી કંપનીઓ હજારોને રોજગારી પૂરી પાડે છે.

  નયન

 8. shruti maru says:

  nice artical
  azim premji is great but he is simple man

  thank you for good artical

 9. kumar says:

  article was ok
  seems gives impression like Mr. Premji is nervous against the interviewer.

 10. mukeshpandya says:

  intrerview was so so.. successer is for every one PATHDARSHAK .Premji is like that person.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.