હઁસી સિતમ – નસીર ઈસમાઈલી

[‘સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ’ પુસ્તકમાંથી સાભાર.]

સાવ સીધી-સાદી સુખદ ઘટના. હા ! હતી તો એ આમ સાવ સીધી-સાદી સુખદ ઘટના, પણ એ ઘટનાએ સદા જવાઁ શાલિન માટે એના ઘરમાં અને એના પોતાના દિમાગમાં એવી પરેશાનીભરી પઝલ ઊભી કરી દીધી હતી કે ન તો શાલિન એ કોઈને કહી શકે યા ન તો એ પરિસ્થિતિને સહી શકે. આમ તો શાલિનની આ વાત તદ્દન સીધી-સાદી છે. શાલિનના કમાતા-ધમાતા સ્માર્ટ દીકરા અર્ણવની રૂપાળી પત્ની સુસ્મિતાએ છ મહિના પહેલાં પહેલા ખોળે દેવના ચક્કર જેવા રૂપાળા દીકરાને જન્મ આપીને ઘરમાં હર્ષની હેલી લાવી દીધી હતી. શાલિન એની બકસમ પત્ની સુરેખા અને શાલિનના, અર્ણવથી નાના બંને અપરિણીત દીકરાઓ, બધાં જ એ તાજા ગુલાબી ફૂલના આગમનથી ખુશખુશાલ થઈ ગયેલાં અને શાલિને હોંશભેર પૌત્રનું નામ અંશ પણ એના જન્મદિવસે જ પાડી દીધેલું, પણ….

….પણ હૉસ્પિટલમાં અંશને શાલિનના હાથમાં આપતાં જ્યારે શાલિનની પુત્રવધૂ સુસ્મિતાએ કૅમેરા સાથે ઊભેલા અર્ણવને એમ કહ્યું કે હવે અંશનો એના દાદાજી સાથે એક ફોટો લઈ લો ત્યારે ખૂબ જ પ્યારો પ્યારો શબ્દ ‘દાદાજી’ શાલિનને સહેજ દઝાડી ગયો. શાલિનના ઉદ્દંડ, આખાબોલા સ્વભાવ અને તેજ દિમાગના લીધે એને ઑફિસમાં કોઈ દાદા કહેતું ત્યારે એનો ચૌડો સીનો ગર્વથી સહેજ વધુ ચૌડો બની જતો, પણ અહીં સાવ જુદા જ સંદર્ભમાં સંભળાયેલો દાદાજી શબ્દ એને સહેજ નર્વસ કરી ગયો.

એ પછી એક દિવસ શાલિને આદમ કદના મિરર સામે ઊભા રહીને ધ્યાનથી એની જાતને નિહાળી. સાઈડ-બર્નસ ભૂખરાં થઈ ગયાં હતાં ને ગાલ પર ‘બે ચીન્સ’ની આછી લકીરો ઊતરી આવી હતી, પણ કલીન શેવ્ડ ગૌર, સ્માર્ટ ચહેરાના લસ્ટરમાં કંઈ ખાસ ફર્ક પડ્યો નહોતો. કમરનું માપ સીનાના માપ કરતાં હજી વધ્યું નહોતું અને બદન હજીય જીન્સ-જર્સી પહેરી શકાય એટલું ચુસ્ત અને ટટ્ટાર હતું. જરૂર પડ્યે બાંયો ચડાવવાનાં હિંમત અને આત્મવિશ્વાસ પણ હજી આંખોમાંથી આથમ્યાં નહોતાં. પહેલા વરસાદમાં ભીંજાયા વગર હજી રહી નહોતું શકાતું. અને ખીલેલાં ફૂલ તથા સુંદર હસતા ચહેરાઓ હજી જોવાં ગમતાં હતાં. શાયદ એ ચહેરાઓનેય આયનામાં પડઘાઈ રહેલા આ સ્માર્ટ શમ્મીકપૂરી હસતા ચહેરા સાથે વાતો કરવી ગમતી હતી, તો પછી… તો પછી….!

‘હવે તો આયના સામેથી હટો ! હવે તો તમે દાદાજી બની ગયા છો, દાદાજી !’ પત્નીએ શાલિનની આયના-ચેષ્ટા જોઈને હસતી ટકોર કરેલી ને પોતાની વિચારમાળાનો મણકો તૂટતાં ચમકીને શાલિને પત્નીને ઉત્તર આપેલો,
‘તારી વાત સાચી છે, પરંતુ પચાસ પણ પૂરાં કર્યા પહેલાં ‘દાદાજી’ બની જવું કંઈક અજીબ લાગે છે, સુરેખા. બસ, હવે આપણી ઈનિંગ પૂરી થઈ ? બારી સમાપ્તિકી ઘોષણા !’ એવું કંઈક નર્વસ સ્વરે બોલીને શાલિન આયના સામેથી હટી ગયેલો, પણ ‘દાદાજી’ શબ્દ એના મનમાંથી હટતો નહોતો અને ઘરમાં તો એ શબ્દ વારંવાર એના કાને હવે પડ્યા જ કરતો હતો. ઑફિસમાં પહેલાંની જેમ રાબેતા મુજબ જીન્સ-જર્સી પહેરવાની ઈચ્છા થતી, પણ એ કબાટમાંથી બહાર કાઢતાં જ પત્ની કહેતી, ‘હવે આવી લાલ જર્સીમાં વરણાગી રેડરોઝ બનીને જાવ એ ના શોભે. તમે હવે દાદાજી બન્યા છો, દાદાજી !’ ઊફ ! બકસમ બિજલી સુરેખાને છેડવાના ઉમંગની ભરતી આવી જતી ત્યારે પણ આ ‘દાદાજે’ શબ્દ શાલિનના એ ઉમંગના ફુગ્ગાની હવા કાઢી નાખતો. અરે, ઑફિસમાં એની સામે બેસતી પેલી બટકી બોલકણી મહિલા કર્મચારીએ પણ શાલિનના ‘દાદા’ બન્યાના સમાચાર જાણતાં હસતાં હસતાં એને કહી નાખેલું, ‘ભઈ, હવે તો રૂપિયો (!) ગગડ્યો ગણાય !’ અને અંશ ! ઝાકળભીના તાજા ગુલાબના ફૂલ જેવો ધવલ-મુલાયમ અંશ તો જાણે એના દાદાજીની આ મૂંઝવણ પર કાળી કાળી પારદર્શક આંખોમાંથી એવું મીઠું મીઠું મુસ્કરાતો કે એ મુસ્કરાહટમાં ક્ષણવાર તો શાલિન રૂપિયો ગગડવાની ગડગડાહટને ભૂલી જતો, પણ અંશથી દૂર થતાં જ ‘દાદાજી’ શબ્દ કાનમાં ઘૂસી ગયેલા કાનખજૂરાની જેમ એક બેચેનીભર્યો સળવળાટ કર્યા કરતો. એવામાં તે દિવસે….

…તે દિવસે સ્કૂટર સર્વિસમાં હતું ને સાંજે ઑફિસેથી છૂટ્યા પછી એવા જ બેકરાર દાદાઈ મૂડમાં શાલિન ભૂલથી એકના બદલે એના વિચારોની જેમ ઊલ્ટી દિશામાં જતી બીજી જ બસમાં બેસી ગયો ને કંડકટરને દસની નોટ આપી લાસ્ટ સ્ટૉપની ટિકિટ લઈ લીધી અને ગણ્યા વગર જ ચેન્જ અને ટિકિટ શર્ટના ખિસ્સામાં મૂકી દઈને એ વિચારોમાં ખોવાઈ ગયો. છ-સાત સ્ટૉપેજ પસાર થઈ ગયા પછી અચાનક બસની બારી બહારના અજાણ્યા વિસ્તાર તરફ નજર જતાં શાલિનને એની ભૂલ સમજાઈ ને પોતાની જાત પર ‘આ પણ ઉંમર થઈ ગયાની જ નિશાની છે.’ બબડતાં એ પછીના સ્ટૉપેજ પર ઊતરી ગયો.

સાંજ દિવસની ઢલાન ઊતરી રહી હતી. ઑફિસેથી પાછા ફરતાં મોડું થવાની ઘરનાં ચિંતા કરતાં હશે એ વિચારમાં જ પાછા જવા માટે સામેના બસસ્ટૉપ પર જવા શાલિન રોડ ક્રૉસ કરી રહ્યો હતો અને એની પડખે જ રોડ ક્રૉસ કરી રહ્યો હતો અને એની પડખે જ રોડ ક્રૉસ કરી રહેલી એક અજાણી પ્રૌઢ મહિલાએ ઝાંખા ઊજાસમાં આંખો ખેંચી એને ઉદ્દેશીને કહ્યું, ‘કોણ શાલિન – શાલુ ? હું શાલિની.’ એ શાલિની હતી. એકત્રીસ વર્ષ પહેલાં અઢારની ઉંમરે મૉર્નિંગ કૉલેજમાં લર્નિંગ સાથે અર્નિંગ કરવા માટે શાલિને જે સરકારી ઑફિસમાં નોકરી જોઈન કરી હતી એ ઑફિસની એક રૂપાળી મહિલા સહકર્મચારિણી. શાલિનથી વયમાં ચાર-પાંચ વર્ષ મોટી શાલિની ત્યારે એ ઑફિસમાં એ સમયની ખૂબસૂરત અભિનેત્રી ‘શર્મિલા ટાગોર’ના બિરુદથી ઓળખાતી હતી. શાલિની ત્યારે પરણિત હતી અને એક બચ્ચાની મા પણ.

નોકરી જોઈન કર્યાના પહેલા દિવસે જ જોડેના ટેબલ પરથી હસતી, રૂપ-સુગંધનો દરિયો છલકાવતી શાલિનીને પોતાનો પરિચય આપતાં શાલિને કહેલું,
‘મારું નામ શાલિન છે, પણ દોસ્તો ટૂંકમાં મને શાલુ કહે છે, તમે ?’
‘મને પણ શાલુ કહે છે. પણ મારું નામ શાલિની છે.’ ગૌર ગુલાબી ગાલોને ખંજની ખિલખિલાટથી ભરી દઈ, મોટી આંખો નચાવી શરારતી સ્વરે શાલિનીએ કહેલું ને શાલિન ખડખડાટ હસી પડેલો અને પછી ટૂંક સમયમાં બંને એકબીજાને તુંકારથી બોલાવતાં દોસ્તો બની ગયેલાં. પછી તો એ ઑફિસ છોડીને શાલિને કંઈ કેટલીય નોકરીઓ બદલી નાખેલી. સુરેખા સાથે પ્રેમમાં પડીને ઝટઝટ પરણી પણ જવાયું હતું ને જિંદગીની ગર્દિશોમાં શાલિની તો ક્યારનીય એના રોમેન્ટિક દિમાગના દાયરાની બહાર પણ ચાલી ગઈ હતી અને આજે….

‘અરે શાલિની ! શાલુ ! હું તો નજર પડવા છતાંય તને ઓળખી નહોતો શક્યો. તેં ભલો મને આટલાં વર્ષેય આ ઝાંખા ઉજાસમાં પણ ઓળખી કાઢ્યો ?’ શ્યામ થઈ ગયેલી ઝુર્રીઓ ઊપસેલી, જાડી શાલિનીની કાળા કૂંડાળામઢી આંખોમાં ઝાંખતાં શાલિને આશ્ચર્યભર્યા સ્વરે કહ્યું.
‘સ્ત્રીઓ જલદી બુઢ્ઢી થઈ જતી હોય છે, શાલિન ! અને તારામાં તો ક્યાં કંઈ ખાસ ફેર પડ્યો છે કે તું ના ઓળખાય ? વજન સહેજ વધેલું લાગે છે ને વાળ જરા ભૂખરા થઈ ગયા છે, એટલું જ. બાકી તો તું હજીય એવો ને એવો જ ટટ્ટાર છે, જેવો આપણી ઑફિસમાં હતો. હું તો હજીય એ જ ઑફિસમાં છું – પણ હેડકલાર્ક તરીકે, હવે રિટાયરમેન્ટને ચાર વર્ષ બાકી છે. ચાલ ઘેર આવે છે ને ? અહીં હાઉસિંગ બોર્ડના ફલેટ્સમાં જ મારું ઘર છે. તું ક્યાં છે હમણાં ?’ શાલિનીએ સ્નેહભર્યા સ્વરે કહ્યું ને એના એ શબ્દોનું-સ્વરનું માધુર્ય શાલિનના દિમાગમાં નશો બનીને છવાઈ ગયું, ‘તારામાં તો ક્યાં કંઈ ખાસ ફેર પડ્યો છે, શાલિન ?’

એટલામાં જ સામેથી ઘરની દિશામાં જતી ભરચક બસ આવી રહેલી દેખાઈ ને શાલિનીને, ‘આજે મોડું થઈ ગયું છે, ફરી ક્યારેક નિરાંતે આપણી ઑફિસમાં જ મળીશ.’ કહી એના હાથમાં પોતાના સરનામાવાળું કાર્ડ મૂકી શાલિને એ નશામાં જ એક યુવાનની સ્ફૂર્તિથી દોડીને એ ઊભી ન રહેલી ભીડ ભરેલી ધીમી પડેલી બસને પકડી લીધી…… અને શાલિન ઘરે પહોંચ્યો ત્યારે એના દિમાગમાં ‘દાદાજી’ શબ્દના બદલે એક જૂનું ગીત નવા શબ્દો સાથે હોઠ પર સિસોટી બનીને ગુંજતું હતું.
અંશને કિયા ક્યા હઁસી સિતમ,
વો રહે ન રહે, હમ રહે હૈં હમ !

અને ઘરમાં પેસતાં જ શાલિનનો ‘મૂડ’ પારખી જઈ પૌત્રને શાલિનના હાથમાં મૂકતાં સુરેખાએ હસતા સ્વરે અંશને કહ્યું.
‘અંશ, આજે ઘણા દિવસે તારા ‘દાદાજી’ આટલા આનંદિત મૂડમાં છે. પૂછ જોઈએ એમને કે દાદાજી ઑફિસેથી આવવામાં આજે કેમ આટલું મોડું થયું ?
અને ફુગ્ગામાંથી હવા નીકળી રહી હોય એમ ધીમ સ્વરે શાલિને પત્નીને ઉત્તર આપ્યો, ‘એ તો આજે ભૂલથી ઊલટી દિશામાં જતી બસમાં બેસી જવાયું હતું ને એટલે….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રસંગ કથા – લાલસિંહ માનસિંહ રાઓલ
એક ટોળું અધમૂઉં – રિદ્ધિ દેસાઈ Next »   

17 પ્રતિભાવો : હઁસી સિતમ – નસીર ઈસમાઈલી

 1. kumar says:

  આ વાર્તા ઘણી જગ્યાએ વાંચેલી છે.
  પણ આજે જરા જુદી રીતે માણી.

 2. pragnaju says:

  वक्त ने किया क्या हंसी सीतम …
  हम रहे ना हम , तुम रहे ना तुम.
  दोस्त दोस्त ना रहा प्यार प्यार ना रहा
  जिन्दगी हमे तेरा ऐतबार ना रहा…પંક્તીઓની યાદ અપાવતી મઝાની વાર્તા

 3. Veena Dave, USA says:

  good story.

 4. vraj dave says:

  ચાલો શાલુ….+….શાલુ . મજાપડી.દાદાજી માનવાચક શબ્દ છે.

  વ્રજ દવે.
  ગુજરાત

 5. ઈન્દ્રેશ વદન says:

  તમારો વધુ એક ‘સિગ્નેચર’ લેખ, નસીર. તમારા લાખો પ્રસશંકો તમારા લેખો અનેક વર્ષોથી સતત વાંચતા આવ્યા છે. અને, તેમણે દરેક લેખમાં ઘણી સામ્યતાઓ જોઈ છે. જેમકે મુખ્ય પાત્રો હંમેશા ચાલીસ-પચાસની વય ના આકર્ષક અને ‘રીઝર્વ્ડ’ વ્યક્તિઓ હોય છે. પુરુષપાત્રો ઘણી વખત દોઝખી જીવનની ચિંતાઓને સિગરેટની ધૂમ્રસેરમાં ઉડાડતા હોય છે, તો સ્ત્રીપાત્રો પાકટ અવસ્થાએ પણ યૌવનથી છલકાતાં હોય છે. અને, મુખ્ય પાત્ર(સ્ત્રી કે પુરુષ) સમયના ઝંઝાવાતમાં ખોવાયેલા ભૂતકાળને ફંફોળતા હોય છે, જેમાં કોઈક સુંદર વિજાતીય પાત્ર જરુરથી હોય છે.

  તમારા અસંખ્ય લેખો એકબીજાના ‘એક્સટેંશન’ જ લાગે છે, નસીર. શું તમે વિચાર્યુ છે કે આ અભિગમ તમે તમારા વાંચકો પ્રત્યે કરી રહેલો અન્યાય છે, બીજું ક્શું જ નહી.

  તમારો ‘નેક્સટ’ લેખ આ બીબાઢાળ અને કાર્બનકોપીયા પ્રકારથી થોડો અલગ હોય એવી ‘ચેલેંજ’ તમારે પોતાની સાથે લગાવવી જ રહી!!!

 6. darshana says:

  Hats off to comments of indresh vadan…i really admire the comment and the way it has given…made me smile…:)

 7. Paresh says:

  માણસને ઘરડાં થવુ ક્યારેય ગમતું નથી. તેમાંય જ્યારે ટીખળથી તેને કાકા કે દાદા કહેવામાં આવે છે ત્યારે તે ટીખળને માણવાની સાથે સાથે જ પોતાના બાહ્ય અને આંતરીક દેખાવ પ્રત્યે સભાન થઈ જાય છે જ. સુંદર વાર્તા.

 8. ભાવના શુક્લ says:

  વાહ! સાથે આહ્! કરાવતા નસીરજીના અનેક લેખો…. વાચતા જ પાપણોને ભ્રમર સુધી ખેચી છતને તાકી રહેતા શબ્દો…

 9. nayan panchal says:

  સરસ લેખ અને એટલી જ સરસ, ઈન્દ્રેશ ભાઈની કોમેન્ટ.
  નસીરજીના નિયમિત વાંચકો સમજી જ ગયા હશે..

  નયન

 10. riddhi says:

  sari 6eeeeeeeeee 6ellle hasuuuuuuuuu aavi jay 6eeeeeee

 11. krishna says:

  દિલ થી માણસ જલ્દી બુઢો થાય છે..

 12. Vaishali Maheshwari says:

  Nice one.

  If you grow old by your heart, then you are really old.
  But if you are physically fit and if you still feel young inside (in your heart), no one can turn you old.

  I have seen many people who get old before their age only, which means when they are young itself, as they become lazy and tired or running in their lives, but at the same time I have seen many people who are in in their fifties or more, but are still energetic, strong and healthy by mind and heart. Their will power is very strong.

  All younger generation, including me should treat such young hearted people as a role model, an example in our life and try to be like them. More energy and more freshness on every next birthday in the coming years.

  Thank you author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.