એક ટોળું અધમૂઉં – રિદ્ધિ દેસાઈ

[ હાસ્યલેખ, ‘નવનીત-સમર્પણ’ એપ્રિલ-2009માંથી સાભાર.]

ટૂર એટલે કે પ્રવાસેથી આવેલો માણસ ચોવીસ કલાક સુધી કોઈ કામનો રહેતો નથી. ઘરના બધા સભ્યો પ્રવાસેથી આવ્યા હોય તો કલિંગની યુદ્ધભૂમિ જેવું વાતાવરણ ઘરમાં હોય. ‘પા….આ…ણીઈઈ….’ લાશોના સમૂહ વચ્ચે કપાયેલા હાથવાળો સૈનિક ગાંગરે એવો અવાજ ઘરના એકાદ ખૂણેથી આવે છે. પણ લાશો વળી કે’દા’ડો પાણી આપવા ઊભી થાય છે ! આપણું આમ જીવતી લાશમાં રૂપાંતર કરવા બદલ ટૂર-ટ્રાવેલ્સવાળાઓનો આભાર માનવો ઘટે. બાકી, જીવતેજીવતાં, લાશ જેવો આરામ ક્યાં મળે છે ? પણ વેરો કે ટિકિટ-બિકિટના પૈસા ના ખર્ચવા પડે એટલે એ આપણને ઊંચા-ઊંચા પહાડો, લાંબા-લાંબા જંગલો, નદીના ઊબડખાબડ ઘાટો જેવા મફતિયાં-વિકટ (એમને માટે મફતિયાં અને આપણી માટે વિકટ) સ્થળોએ લાવીને ફેંકે છે, એ ખોટું છે. એક તો ક્યાંક ઘસાવું પડે એવા પ્રસંગોથી જાતને જિંદગીભર બચાવીને રાખી હોય છે…. ને આ લોકો એનું સાટું વાળી દે છે !

આવી જ સજ્જડ અનુભૂતિ કરાવતું એક પ્રવાસસ્થળ આજકાલ બહુ ચગ્યું છે. મનુષ્યો એને ‘બર્ડ સેન્કચુરી’ કહે છે અને કવિ પ્રજાતિના જીવો એને પક્ષીનગર, પંખીતીર્થ, વિહંગવાટિકા, કૂજન કાનન એવું બધું મન ફાવે તેવું કહે છે. પણ મહેતાજી કહી ગયા છે તેમ ઘાટ ઘડ્યા પછી (પ્રવાસીઓનો) એનાં નામરૂપ જ જુદાં છે. અંતે તો એ ટાંટિયાની કઢી જ છે ! પક્ષી જેવી ઊડતી વસ્તુઓને હાથ વડે પકડી શકાતી નથી. ત્યાં એને આંખ વડે પકડવા મથવું એ મૂર્ખામી નહીં તો બીજું શું કહેવાય ? પણ આપણે ગુજરાતીઓ ભોળા, એટલે પહેલાં તો એનું અંગ્રેજી નામ જ આપણને ઘેલા કરી દે છે. એમાં પંખીફંખી સાથે આપણને કોઈ નિસબત હોય નહીં. પક્ષીઓના ત્રાસની આપણને ક્યાં નવાઈ છે ! સવાર સવારમાં કાબર-ચકલાં માથું ખાઈ જતાં હોય, ભરબપોરે કોયલ લોહી પી જતી હોય અને કાગડા-કબૂતરાં તો એમના બાપાનું રાજ હોય એમ ગમે ત્યારે આવતાં-જતાં હોય. એવામાં એ જોવાલાયક કરતાં મારવાલાયક વધુ લાગે ! પણ અહીં જાદુ ‘બર્ડ સેન્ક્ચુરી’ જેવા છટાદાર નામનો અને ખાસ તો એની સામાજિક અસરકારકતાનો છે. હું ભણેલોગણેલો-મોર્ડન સેન્સિટિવ- એસ્થેટિક સેન્સવાળો અને નેચર લવર છું… આ બધ્ધું એક જ શબ્દ વડે વ્યક્ત કરી શકાય છે, ને પાંચમા કહીએ તો આપણી સરસ પર્સનાલિટી ઊભી થાય છે.

હિમાલયની આધ્યાત્મિક સફરેથી આવેલા યાત્રીઓમાં વિચિત્ર પરિવર્તનો જોવા મળ્યાં છે. વિરાટના દર્શન પછી એમને બધ્ધું વામણું લાગે છે (પોતાના સિવાય). બાથરૂમને બદલે ઘરના શિખર (અગાશી) પર નાહવાનું મન થાય છે. કાંડે મધપૂડો પાળ્યો હોય એમ રુદ્રાક્ષના વીંટાઓ આવી જાય છે ને ‘હર હર મહાદેવ…!’ ની ધૂનના તો એ એવા આદિ થઈ જાય છે કે પોતું કરતી પડોશણને જોઈને પણ એ જ મંત્રસ્ફૂરણ થઈ જાય છે – ‘હર હર મહાદેવ !’ ‘બર્ડ સેન્ક્ચુરી’વાળાઓમાંય આવી અસરગ્રસ્તતા જોવા મળે છે, જે પ્રવાસ પહેલાં જ ઉજાગર થઈ જાય છે. ‘અમે તો બર્ડ સેન્ક્ચુરી જોવા જવાના !’ આટલું કહેતાં એમની છાતી કૂકડા જેવી ફૂલી જાય છે. ઉત્સાહના અતિરેકને કારણે એમની ચાલમાં કૂદ્ક વર્તાય છે. વાતચીતમાં પંખીના કૂજનને મળતા ચિત્કારોનું પ્રમાણ વધી જાય છે. ટિકિટના પૈસા ખર્ચ્યા હોવાથી આમનો પક્ષીપ્રેમ એકાએક વધી જાય છે…. ને અગાઉ હૂડહૂડ… કરીને ભગાડ્યાં હોય છે એ જ પક્ષીઓ વહાલાં લાગવા માંડે છે ત્યારે જાણવું કે આત્મા બર્ડ-લોકે પ્રયાણ કરવાનો થયો છે.

‘બર્ડ સેન્ક્ચુરી’માં આંખની ભૂમિકા મુખ્ય છે. આંખ ઈઝ મસ્ટ ! પૂજ્યભાવ ગમે એટલો હોય પણ સૂરદાસને ત્યાં ન મોકલાય. મોકલીયે તોય એ આત્મા-પરમાત્માને પંખી કલ્પીને કૂજનના ઢાળનાં ભજનો રચીને પરત આવી જાય :
ઉરમેં પંછી ઊડાઊડ ક્યૂં ઢૂંઢે પાતપાત
ખુદ હી ટહુકે ખુદ હી સુને ઐસો મેરો રામ !
ટૂંકમાં સૂરદાસ માટે પંખી એ અનુભૂતિનો વિષય. જોવાનો નહીં. જ્યારે આપણી બાબતમાં તો એનાથી તદ્દન ઊલટું હોય ! આપણે સ્થૂળચક્ષુઓ તો એના રંગ કે દેખાવથી આગળ વધીએ જ નહીં એટલે બર્ડ સેન્ક્ચુરીમાં જવાની આપણી તૈયારીઓય એકદમ સ્થૂળ હોય !

‘માલુ, જંગલમાં ધૂળ બહુ ઊડતી હોય છે એટલે આપણે ધૂળિયા રંગનાં કપડાં જ લઈશું, હોં !’
‘શટ અપ ! આપણે પ્રવાસમાં જઈએ છીએ…. ભીખ માગવા નહીં, સમજ્યાં ! હું તો લીલી ને પીળી સાડી લઈશ…’
‘જોજે… તને ઝાડ સમજીને પક્ષીઓ માળો-બાળો ના બાંધે !’
‘હવે મૂંગા મરો ને તૈયાર થાઓ ! પરફ્યુમ અને ટોપી લેવા જવાનું છે….’
‘હેં ! તું સાડી પર ટોપી પહેરીશ ?’
‘હા… અને નીચે બૂટ પણ…’
‘બાપ રે…’
‘મમ્મી, મારી માટે ક્રીમ અને લિપસ્ટિક લેતી આવજે…’
‘અને મારી માટે ગોગલ્સ ને લેધરબેલ્ટ…’
‘માલુ, નાસ્તો-બાસ્તો લીધો છે ?’
‘અરે હા, મુખ્ય વસ્તુ તો ભૂલી જ ગઈ ! ખાખરા, થેપલાં, મસાલાપૂરી, ચેવડો, ગાંઠિયા-પાપડી, ભાખરવડી અને અથાણું… બીજું શું ?’
બગલામુખીના સમ, આમાં તમને પક્ષી બાબતનું કંઈ પણ શોધ્યું જડે નહીં ! આ તો સારું છે કે ભગવાને આંખો ચહેરા પર જડી છે… બાકી એને અલગથી લગાવવી પડતી હોય તો આ તો એય ભૂલી જાય ! (પણ ગોગલ્સ ના ભૂલે !)

આવી તડામાર તૈયારી સાથે પ્રવાસ કરતાં કરતાં છેવટે એમનો સંઘ કાશીએ પહોંચે છે. મસાણના ઝાંપા જેવા દેખાતા એક જર્જર ગેટ પાસે એમને છૂટા મૂકવામાં આવે છે. ‘જાઓ સાલાઓ… રખડી ખાઓ !’ આ જ વાતને ટૂરનો મેનેજર જરા સારી ભાષામાં કહે છે અને એમને ભટકવામાં સુગમતા પડે એ માટે પાકીટમાર જેવા દેખાવનો એક ગાઈડ પણ કરી આપે છે. બગીચામાં ગાય ઘૂસે એમ હડૂડૂડૂ…. કરતા સહેલાણીઓ એક નવી જ દુનિયામાં પ્રવેશે છે. ‘બકી, વૉટરબેગ લીધી ?’, ‘પપ્પા… નાસ્તાનો ડબો ?’, ‘નેપકીન ક્યાં ?’ જૂની દુનિયા હજુ એમનો પીછો છોડતી નથી. પણ નવી દુનિયાનાંય પોતાનાં આકર્ષણો હોય છે. મિજાજ તો એવું કહે છે કે હરખાવા માટે લીલાંછમ્મ વૃક્ષો અને રંગબેરંગી ફૂલો જ કાફી હોય છે. પણ પૈસા ફૂલ-બૂલ માટે નહીં, પક્ષીઓ માટે ખર્ચ્યા હોય છે એટલે માટીમાંથી સોનું શોધતા હોય એમ વૃક્ષોમાંથી પંખીઓ શોધવામાં આવે છે.
ચિક ચિક ચિક ચિક…
‘હે-ઈ ! ત્યાં કોઈ પક્ષી છે ! જુઓ તો કયું પક્ષી છે ? માય ગોડ, કેટલો સ્વીટ અવાજ છે…. ત્યાં પેલું રહ્યું પંખી… એક ફોટો પાડું… ક્લિક ક્લિક !’
‘અલ્યા આ તો ખિસકોલું છે ! હત્ત તારી માનું ખિસકોલું ! શીટ ! બબ્બે ફોટા બગાડ્યા… ખિસકોલી છે ભાઈ ખિસકોલી. આગળ વધો….’

હજુ તો ‘ઈફતદા એ ઈશ્ક’ હોય છે એટલે સહેલાણીઓનો ઉત્સાહ માતો નથી. અસુરોની લાશો પર કાળા કામાની જોગણીઓ ફરી વળે એમ ચોમેર પથરાયેલાં સૂકાં પાંદડાંના થર પર ફસડ ફસડ કરતાં સહુ ફરી વળે છે. ‘અલ્યા જોજો… નીચે સાપ-બાપ ના હોય !’
‘કાકા…. સાપ તો સમજ્યા, પણ નીચે બાપ ક્યાંથી હોય ?’
‘આપણો બાપ ન હોય પણ સાપનો બાપ તો હોય ને !’ ઘરમાં મોં ખોલવા મળતું નથી એ આવા પ્રવાસોમાં બહુ ખીલે છે. (નો જોક). ચાલતાં ચાલતાં એમનું મોં પણ સતત ચાલે છે.
‘યાર… તમારું ફેવરિટ બર્ડ કયું ?’
‘મને મેકાઉ પક્ષી બહુ ગમે… આપણે બોલીએને એ બધ્ધું જ એ બોલે !’
‘છટ ! એને તો ચાળા પાડવા કહેવાય… એના કરતાં લક્કડખોદ બહુ સરસ !’
‘સરસ ? અરે ડેન્જરસ એમ બોલ ! મારા મામાએ એક લક્કડખોદ પાળેલું. મામા બહાર ગયેલા ત્યારે એણે ખાટલાનો પાયો ટોચી નાખેલો…. મામા-મામી બેઉને હોસ્પિટલ ભેગાં કરવાં પડેલાં !’
‘ભાઈ… આપણું ફેવરિટ તો બસ કિંગફિશર ! એ… તીરની માફક પાણીમાં ગરીને માછલી પકડી લાવે. યુ નો, હું તો એની માટે ખાવાનુંય લાવ્યો છું….’
‘ઓ…હ.. એમાં જ હું વિચારતો’તો કે બસમાં ગંધાય છે શું ? છટ ! બા’મણ થઈને બેગમાં માછલાં રાખો છો ?’
‘અહં ! હું તો કિંગફિશર માટે ગાંઠિયા લાવ્યો છું…..!’ કહે છે કે ગુજરાતની વિચક્ષણ પ્રજાને હવે પંખીઓ બરાબર ઓળખી ગયાં છે. બે કિ.મી. આઘેથી ગાંઠિયા-ફાફડાની ગંધ આવતાં જ એ ભારતના નકશાની બહાર નીકળી જાય છે….

છોડ છોડમાં રણછોડ ! કહેનારે કહ્યું છે. પણ હાલ તો છોડમાં રણછોડ કરતાંય પંખીઓ વધુ અગત્યનાં છે, જે દેખાતાં નથી એવામાં કદાચ સાચ્ચે રણછોડ દેખાય તો ધન્ય થઈ જવાને બદલે લોકો એમને આવું જ પૂછે : ‘અહીં ક્યાં ક્યાં પંખીઓ છે ? એ કેટલે આઘે છે ? હજુ કેટલું ચાલવું પડશે ? પંખીઓ છે તો ખરાને ?’ વિદ્વાનો તો બુદ્ધિશાળી હોય છે. કરવત મે’લાવા કાશી એ જવાય, બર્ડ સેન્ક્ચુરીમાં નહીં ! એટલું સમજતા હોય છે એટલે એ તો આવી ટૂરોમાં જતા જ નથી. ઘરમાં મજેથી શીરો ખાતાં ખાતાં બાળપોથીમાં પક્ષીઓ જોઈ લે છે ને વખત આવ્યે એને આધારે સમાજનું પથદર્શન પણ કરે છે : ‘જુઓ બંધુ, આપ નિર્દેશ કરી રહ્યા છો તે સુઘરીનો માળો નથી ! સુઘરીનો માળો મદારીની મોરલી (બિન) સદશ હોય છે. આ જે છે, તે તો દરજીડાનો માળો !’

આ તરફ ધૂળ અને તડકામાં રખડી રખડીને પ્રવાસીઓનાં હાડકાં હચમચી જાય છે. પોલીસે મારી મારીને ભગાડેલા રેફ્યુજીઓના ટોળા જેવા એ દેખાય છે. (એમના દેદાર જોયા પછી એમનું ‘જૂથ’ના કહેવાય… ટોળું કહેવાય ‘ટોળું’ !) કલાક-દોઢ કલાક સતત ડોક તાણ્યા પછીય પંખી દેખાતાં નથી ત્યારે ‘નભ ખોલીને જોયું પંખી નથી, નથી…’ એવી કવિતા નથી સૂઝતી… નક્કર અપશબ્દો સૂઝે છે ! વિદ્રોહ સૂઝે છે ! ભરેલું પેટ ક્રાન્તિ લાવી શકતું નથી… ગાઈડ સારી પેઠે જાણતો હોય છે એટલે એ વખતે એય એનો દાવ ફેંકે છે – ‘લગતા હૈ પંછી દાના ચુગને ગયે હોંગે…. આપ લોગ ભી નાશતા-વાશતા કર લિજીયે, તબ તક પંછી આ જાએંગે.’ પ્રવાસીઓ તો ભોળા, એટલે ‘આટલે દૂર શું આપણે નાસ્તો ખાવા આયા છીએ ?’ એવું વિચારવાને બદલે પૂરી-થેપલાંના ડબ્બા ખોલવા માંડે છે. પેટ ભર્યા પછી બધા અળસાતાં અળસાતાં ઊભા થાય છે એટલે ગાઈડ પણ એના અસલ ‘કેરેકટર’માં આવે છે. ગોળ ગોળ વાતો કરીને પ્રવાસીઓને આડે પાટે ચડાવે છે :
‘ઈધર આઈયે, આપકો કુછ નયા દિખાતા હૂં… દેખિયે, યે શ્રીપર્ણી કા વૃક્ષ હૈ. કહેતે હૈ કિ ઈસમે સાક્ષાત લક્ષ્મીજી કા વાસ હૈ….’
‘પણ… પંખીજી કા વાસ કિધર હૈ ? હમકો પક્ષી દિખાઓ ! પક્ષી કિધર હૈ ? પક્ષી કિધર હૈ ? પક્ષી કિધર હૈ ?’

‘ઉલ્લુઓ’ તો ગાઈડની સામે જ હોય છે છતાં એ પૂરી માસૂમિયતથી કહે છે :
‘દેખિયે, ઈસ જંગલ મેં ગોરૈયા, ડવ, ગૂઝ ઔર રેવનબર્ડ વિશેષ રૂપસે પાયે જાતે હૈ… મગર ઉન્હેં દેખને કે લિયે થોડા ચલના પડેગા…’
‘ઠીક હૈ ચલો !’
ક્યારેય ન સાંભળ્યા હોય એવાં પક્ષીઓનાં નામ સાંભળીને પ્રવાસીઓના મનમાં નવી આશા, નવી ચેતના અને નવો ઉત્સાહ પ્રગટે છે. ઉમંગભરી વાતોનો બીજો દોર શરૂ થાય છે.
‘આ ગોરૈયા શું હશે…. કોઈ ગોરું પક્ષી લાગે છે… હાય હાય ! અલી, આ બગલો તો નહીં હોય ? એ ભાઈ… યે ગોરૌયા ક્યાંક લાંબે લાંબે પગ, લાંબી લાંબી ચાંચ, અને ધોળી પાંખવાળા તો નહીં હૈ ?’
‘નહીં મેડમ, યે તો બહોત હી છોટા ઓર સ્વીટ પંછી હૈ.’
‘તો ઠીક…’
‘નાનુભાઈ, આ ડવ શું હશે ?’
‘મારા ખ્યાલથી ડવ એ દવનું તળપદું સ્વરૂપ છે. માન ન માન, આ પક્ષી આગ જેવું કેસરીચટ્ટક હશે !’
‘મને તો યાર રેવનબર્ડમાં બહુ ઈન્ટરેસ્ટ છે… શું હશે એ ?’

વિસ્મય અને જિજ્ઞાસા હોય તો જિંદગીનો રસ્તો કપાઈ જાય છે. પણ બર્ડ સેન્ક્ચુરીમાં ચાલ્યા પછી સમજાય છે કે જિંદગીના રસ્તા કરતાં જંગલના રસ્તા વધુ અટપટા હોય છે. લગભગ બે-ત્રણ કિલોમીટર ચલાવ્યા પછી એ પ્રવાસીઓને જંગલના છેડે લઈ જાય છે. સામે થોડે દૂર આદિવાસીઓની વસાહત નજરે ચડે છે.
‘ભાઈઓ ઓર બહેનો, દેખિયે… વો સામને દાના ચુગ રહા હૈ, વો ગોરૈયા હૈ. વો ભસ્મ જૈસે રંગ કા હૈ વો ડવ હૈ, વહાં પાની મેં ગૂઝ તૈર રહે હૈ ઓર ઈસ પૈડ પે દેખિયે, કિતને રેવનબર્ડ હૈ !’
હેં ????
સમૃદ્ધ ગુજરાતીઓએ ચોખ્ખું ઘી ખાધું હોય છે એટલે એ બેભાન થતા નથી એટલું જ, બાકી કથિત પક્ષીઓને જોયા પછી આઘાતની તીવ્રતા એટલી જ હોય છે. ગુજ્જુઓને અંગ્રેજી ભાષાનું અજ્ઞાન અહીં પણ નડે છે. ટૂરના અઢી-ત્રણ હજાર ભર્યા પછી પ્રવાસીઓને કુલ મળીને ચાર શબ્દોનો અર્થ જાણવા મળે છે. (આટલું મોંઘું શિક્ષણ તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંય નથી હોતું !) ગોરૈયા એટલે આપણી ચકલી, ડવ એટલે કબૂતરા, ગૂઝ એટલે બતક અને રેવનબર્ડ એટલે કાળા કાગડા ! એ સિવાય બહુ બહુ તો પોપટ કે સમડી-બમડી જોવા મળે. એથી વધુ કંઈ જ નહીં !

આવો સજ્જડ મૂઢમાર ખાધા પછી ટ્રાવેલ્સવાળાઓને ફરિયાદ કરવા જઈએ તો એ લોકો રોકડું પરખાવે છે – આ તો પક્ષીઓ છે ભાઈ ! એમની મરજી હોય તો દેખાય, ને મરજી ના હોય તો ના દેખાય. એમાં આપણાથી બળજબરી થોડી કરાય ?… ને ફરિયાદ કરવી જ હોય તો ફોરેસ્ટ અધિકારીઓને કરો ! ઘરનો ભંગાર વેચતા હોય એમ વન્યસંપત્તિ વેચી રહ્યા છે… બોલો, છે હિંમત ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હઁસી સિતમ – નસીર ઈસમાઈલી
પુરુષાર્થ – ગિરીશ ગણાત્રા Next »   

30 પ્રતિભાવો : એક ટોળું અધમૂઉં – રિદ્ધિ દેસાઈ

 1. Nimisha says:

  Khubaj Saras Hasyalekh.
  aaj na modern jamana ma Bird Centaury jova mate ni ghelchha ane tyar bad na anubhavo ne ek hasyalekh ma pirsava badal Riddhimaben no khub khub abhar.

  Thanks a lot.

 2. પ્રવાસમાં સારા-નરસા અનુભવો થાય.

  બધું જ આપણને ગમતું મળી રહે તેવી આશા રાખવી વધુ પડતી ગણાય.
  પક્ષીઓ ના દેખાયા તેમાં ટ્રાવેલ્સવાળા કરતાં ગ્લોબલ વોમિઁગનો રોલ દેખાય છે જેમાં આપણે પણ થોડાં અંશે કનટ્રીબ્યુટ કરીએ છીએ…!!!

  આ લેખ હાસ્યલેખમાં ગણી શકાય..?

 3. કુણાલ says:

  કટાક્ષલેખ વધુ લાગ્યો જે સાચે જ માર્મિક હાસ્ય ઉપજાવી શકે … 🙂 ..

  મજા આવી… અને આજકાલ પક્ષીઓ ઘણાં જ ઓછાં થઈ ગયા છે એનું કારણ વાતાવરણમાં high frequency microwaves નું વધેલું પ્રમાણ પણ ઘણે અંશે કારણભૂત છે… હું મોબાઈલના મોજાંઓની વાત કરી રહ્યો છું…

  જે પંખીઓ પહેલાં સહેલાઈથી દેખાઈ જતાં અને ઘરમાં પણ આવી જતાં એમને જોવા આ રીતે બર્ડ સેન્ક્ચ્યુરીમાં જવું પડે એ દિવસો બહુ દુર નથી લાગી રહ્યાં…

  આખી પૃથ્વી પરના દરેક સજીવોમાં જો કોઈ સૌથી વધુ અ-કુદરતી પ્રાણી હોય તો એ મનુષ્ય છે…

  જો મનુષ્ય આ જ રીતે વધુ ને વધુ નૈસર્ગિક અસંતુલન વધારતો જશે તો ડાયનોસોરની જેમ કુદરત જાતે જ એનું પણ નિકંદન કરીને કોઈ નવી species વિકસાવી દેશે…

  સંશોધનના પરીણામોને માન્ય રાખીએ તો ડાયનોસોર તો કરોડો વર્ષો સુધી પૃથ્વી પર રહ્યાં પણ મનુષ્યને તો હજી થોડાં હજારો વર્ષો જ થયાં છે… અને એટલાં જ સમયમાં જો એણે આટલું બધું અસંતુલન કેળવી લીધું હોય તો મનુષ્યોને નામશેષ થવામાં કદાચ હવે વધું સમય નહિ લાગે …

 4. Nilesh Bhatt says:

  I enjoyed the complete article with equally distributed fun everywhere. There was a systematic progession of the story and quick-witted conversations. The fun was continuous.

  Article pointed few things in sarcastic way:
  1. We think that we can have fun only by paying. But reality is, we can get the same thing in our day to day life if we value it.
  2. “Gujjus” characteristics like a)typical english b)food love like Gadhiya etc.
  3. A concern towards relative absence of birds in our cities.

  Nice article. The real fun in any article is to have theme within it which is nothing but a series of sarcastic pointers woven into theme; comedy here.

 5. Paresh says:

  સુંદર કટાક્ષિકા. પૅકૅજ ટુરમાં આવા ઘણા અનુભવ થાય છે.

 6. ભાવના શુક્લ says:

  આ તો સારું છે કે ભગવાને આંખો ચહેરા પર જડી છે… બાકી એને અલગથી લગાવવી પડતી હોય તો આ તો એય ભૂલી જાય ! (પણ ગોગલ્સ ના ભૂલે !)
  ………………………………………………………………………
  રમુજ ના રુપમા અનેક નવતર રુપકો આ રીતે રિદ્ધિબહેને આપ્યા તે લેખ મા અનેક સ્થાને હસાવી જાય છે.

 7. sujata says:

  વિસ્મય અને જિજ્ઞાસા હોય તો જિંદગીનો રસ્તો કપાઈ જાય છે. ……………બ હુ જ સ ર સ્….
  નાસ્તો-બાસ્તો

  સાપ-બાપ

  નાશતા-વાશતા

  સમડી-બમડી ……………………

  હ્સાવ્યા – બ સાવ્યા?????????

 8. Megha says:

  totally agree with Nilesh Bhatt
  I think we’ve got a wonderful Hasya-lekhika in ‘riddhi desai’. Otherwise, except a couple of exception, this has remain male dominant area

 9. Veena Dave, USA says:

  સરસ હાસ્ય + કટાક્ષ લેખ્.

 10. nayan panchal says:

  જાઓ સાલાઓ…. રખડી ખાજો.

  પ્રથમ વાર નવનીત સમર્પણમાં આ લેખ વાંચતી વખતે તો ખૂબ જ હસ્યો હતો. રિધ્ધી બેન, એક પુસ્તક બહાર પાડો તો સારુ.

  આભાર,
  નયન

 11. Minal says:

  બહુ હસાવ્યા, સરસ કટાક્શ..

 12. Pravin Shah says:

  પ્રાણી સન્ગ્રાહાલયમા પૈસા લઈને ગાય, ભેસ અને બકરી બતાવે ત્યારે છેતરાયા હોય એવુ લાગે

 13. Devina Sangoi says:

  bahu saras majedar article

 14. Aparna says:

  WAS MORE DELIGHTED TO KNOW THAT A FEMALE HAS AUTHORED SUCH A HUMOUROUS AND SUBTLY THOUGHT PROVOKING ARTICLE
  CONGRATS..

  HOPE READ GUJARATI PROMOTES MORE FEMALE AUHTORS IN THE DOMAIN OF HUMOUR..SOMETHING LIKE LAUGHTER CHALLENGE???!!
  MRUGESHBHA.ARE YOU LISTENING?? U CAN DO IT

 15. Harshad Patel says:

  Riddhi Desai writes humorous articles and her subject matter selection is unique!

 16. કાઠીયાવાડી says:

  બહુ સરસ હાસ્ય લેખ છે. આનો લેખક કોણ છે ? કોઈને ખ્યાલ છે ?

 17. કાઠીયાવાડી says:

  માફ કરજો. શીર્ષક ઉપર તો ધ્યાન જ ન આપ્યુ.

  રીધ્ધિ દેસાઈ

 18. pragna says:

  સાચે જ ગુજરાતિઓ નુ અંગ્રેજિ નું અગ્ન્નાન એમને બધે નડૅ ચ્હે.રેવેનબડૃ અટ્લે કાગ્ડા તે જાણ્વા બર્ડ સેન્ક્ચુરિ માં જવુ પડૅ.

 19. GHANSHYAM says:

  ખુબ સ્રરસ લેખ બેન હસ્ય અને વ્યન્ગ બને જોવ મલ્યા
  ખુબ સરસ્
  લખત રહો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.