માણસની જાત – રણછોડભાઈ જે. પોંકિયા

[ ‘અખંડ આનંદ’ એપ્રિલ-2009માંથી સાભાર.]

ઘરના આંગણમાં ઝાડ હોવું એ ઘરની શોભા છે. મને નાનપણથી ઝાડનો શોખ બહુ. અમારા ઘર આગળ આંગણ નાનું છે છતાં ત્યાં થોડી જગા કરી એક બાજુ ખૂણા ઉપર અમે વર્ષો પહેલાં ચીકુની એક કલમ રોપેલી. નાનેથી એની નીચે નીકળેલી ડાળીઓ કાપતાં હવે તે મોટું ઝાડ થઈ ગયું છે. દર વરસે એની ઋતુ આવે એટલે એક બુલબુલ ક્યાંકથી આવી ચીકુની બે ડાળીઓની વચ્ચેના ખાંચામાં માળો બાંધે, ઈંડાં મૂકે. કોઈ વરસે એમાંથી ઊછરીને બચ્ચાં બહાર આવે તો કોઈ વરસે કાગડા, ખીસકોલાં ઈંડા પાડી નાખે – બે દિવસ બુલબુલ માળા ઉપર ચંચળ ગતિએ ઊડાઊડ કરીને પછી ક્યાંક ચાલ્યું જાય…

વસંત આવે અને કોયલનો મીઠો ટહુકો સંભળાય… હાશ, હવે ઠંડી ઓછી થશે. પાનખર ગઈ !… કોયલ બોલે અને છોકરાં એને ચીડવવા સામો ટહુકો કરે… એને એક ખાસિયત હોય છે, તેને સામા ચાળા પાડો તેમ તેમ એ જોરજોરથી ચીસો પાડવા માંડે – તમે થાકો એ ન થાકે !… આ બધાં તો ઋતુ ઋતુના પ્રવાસી, પણ પોપટ, ચકલાં, કાબર, ખીસખોલાં વગેરેનો તો આ ઝાડમાં કાયમનો વસવાટ. આખો દિવસ કલબલાટ કર્યા કરે. ચીકુની ડાળીએ ટાંગેલ શકોરામાંથી પાણી ઉડાડતાં ઉડાડતાં કંઈક જાતની મસ્તી કર્યા કરે… ચીકુના ઝાડમાં એક સુખ. વરસના અમુક ભાગ સિવાય આખું વરસ તેમાં ફળ આવ્યાં કરે. પોપટ અને ખીસખોલાં આખો દિવસ અધપાકેલાં ફળોને ટોચા મારી મારીને ખોતર્યા કરે. હજુ થોડુંક ખાય ત્યાં એ ફળ નીચે પડી જાય; છતાં એને આપણી જેમ આ બાબતનો અફસોસ કે લોભ નહીં. તે નીચે પડેલા ફળને લેવા ન આવે, તરત બીજું ગોતી લ્યે !… પણ વળી પાછું એનું એ…. આ બધું જોવામાં આનંદ આવે.

એક વખત વાતવાતમાં મારા ડૉક્ટર મિત્રે સહજ રીતે વાત કરેલી : ‘માણસે જંગલી અવસ્થામાંથી નીકળી ઘણી પ્રગતિ કરી છતાં આપણા સિવાય આપણે બીજાં પશુપક્ષીઓનો સહજ રીતે હજુ વિશ્વાસ મેળવી શકતાં નથી.’ ન સમજાવાથી મેં પ્રશ્નભાવથી તેની સામે જોયું, એણે ચોખવટ કરી :
‘આ સૃષ્ટિમાં આપણી સાથે અનેક પશુપક્ષીઓ રહે છે. તેમાં બીજાં તો ઠીક, પણ હિંસક પ્રાણીઓનો પણ અનેક પક્ષીઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કે, કંઈ પણ પ્રયત્ન કર્યા વગર ભરોસો કરતાં હોય છે. દાખલા તરીકે – ગાય, ભેંસ કે બીજાં પશુઓ ચરતાં હોય તો બગલા, કાગડા, કાબર વગેરે તેની પીઠ પર બેસી આનંદથી સહેલ કરતાં હોય છે. સાવ પશુના પગ પાસે ચણ કે જીવજંતુ જેવો ખોરાક હોય તો નિર્ભય થઈને આ પક્ષીઓ ચણતાં હોય છે. મગર કે સિંહ હિંસક પ્રાણી મોં ફાડીને પડ્યું હોય તો તેના દાંતમાં ચોંટેલ ખોરાક આ પક્ષીઓ છેક મોંમાં જઈને સાફ કરી એ ખોરાક આરોગે છે. એનાથી એને કોઈ ભય લાગતો નથી !… એક આપણે માણસજાત જ એવી છીએ કે, પાલતુ પ્રાણી-પક્ષી સિવાય કોઈ આપણો વિશ્વાસ કરશે નહીં ! હાથમાં ચણ કે ખાવાનું લઈ આપણે હાથ લંબાવશું – તે દેખશે કે આ ખાવાનો ખોરાક છે છતાં, કોઈ પક્ષીઓ-પ્રાણીઓ વિશ્વાસ કરીને ઝટ દઈ આપણી પાસે આવશે નહીં ! હા, થોડી મહેનતે સફળતા મળે ખરી… પેલાં પ્રાણીઓ તો આવું કંઈ નથી કરતાં છતાં… આપણી માણસજાતની એટલી ખામી….’ આ સહેજે ખ્યાલમાં ન આવે એવી વાત વિચારવા જેવી લાગી.

અમારા ચીકુના ઝાડમાં ખિસકોલી આખો દિવસ ચડઊતર કર્યા કરતી. અધપાકેલાં ફળો ખોતરી ખોતરીને બગાડ્યાં કરે અને એનો કિક…કિક… અવાજ બંધ જ ન હોય ! ખિસકોલી એ એવું બાળક જેવું ચંચળ પ્રાણી છે કે, તેને ઘડીકે જંપ નહીં ! વળી પાછું નાનાં પ્રાણીઓમાં એ અને પંખીઓમાં કાબર – બેય સંત્રીનું કામ કરતાં હોય છે. આજુબાજુમાં ક્યાંય ભય જેવું – સાપ, બિલાડી, બાજ-શકરો કે એવું કંઈ હોય તો ખિસકોલી એકધારી કિક…કિક… બોલતી પૂંછડીનો ઝૂંડો ફગફગાવતી દોડાદોડ કરી પાડે ! એવી જ રીતે પંખીમાં કાબર પોતાના કાયમી અવાજથી જુદો જ કર્કશ અવાજ કાઢી બીજાં બધાંને આ ભયથી ચેતવવા માંડે !

અમારી ફળીમાં એક રૂપકડી ખિસકોલી આખો દિવસ મકાનની ભીંતે, ફળીમાં કે ચીકુની ડાળીઓમાં ઘૂમ્યા જ કરતી. એની ચંચળતા બહુ ગમતી. એની કૂદાકૂદ હું હળવે હૈયે નીરખ્યા કરતો. એક દિવસ હું બપોરના ઓસરીમાં જમતો હતો. મારાથી થોડેક છેટે આ ખિસકોલી ફળીમાં આમતેમ ઘૂમતી ઘૂમતી કંઈ ખાવા જેવું મળે તો લઈ ચપચપ ખાતી હતી. એને જોઈ હું જમતો હતો એ થાળીમાંથી રોટલીનો ટુકડો એના તરફ ફેંક્યો. ખિસકોલીની જાત પોતાના આગલા બે પગનો હાથ જેવો ઉપયોગ કરતી હોય છે. થોડી વાર ખંચકાઈને પછી તેણે એ રોટલીનો ટુકડો મોંમાં લીધો. થોડે દૂર જઈ પૂંછડીભેર બેસી એ ટુકડો બે હાથે પકડી ચપચપ ખાવા માંડી. બીજે દિવસે હું જમવા બેઠો તો એ મારાથી છેટે આવીને આમતેમ આંટા મારવા માંડી. મેં રોટલીનો ટુકડો એની તરફ ફેંક્યો તો પહેલાંની જેમ જ એ દૂર લઈ જઈને ખાઈ ગઈ… ત્રીજે દિવસે પણ આમ જ થયું. હવે તો એ રોજ મારા જમવાના સમયે આવવા માંડી. મારાથી છેટે આંટા માર્યા કરતી, હું પણ ખાવાનું નાખું અને એ છેટે જઈને ખાઈ લેતી. આમ અમારા બેય વચ્ચે નિત્યક્રમ ગોઠવાઈ ગયો… એના પરથી અખતરો કરવાનું મન થયું. હવે હું રોજ રોટલીનો ટુકડો નાખવામાં મારા અને એના વચ્ચેના અંતરને થોડું થોડું ટુંકાવવા લાગ્યો. એ પણ મારા ઉપર ધીમે ધીમે વિશ્વાસ મૂકવા માંડી… આમ ઘણા દિવસના અંતે તેણે મારા ઉપર સાવ વિશ્વાસ મૂકી દીધો….

હવે હું મારા પગ પાસે ખાવાનું નાખું કે, હાથમાં રાખી હાથ લંબાવું તોય મારા હાથમાંથી તે ખાવાનું લેવા માંડી. હું એને હળવે હાથે અડકીને માથે હાથ ફેરવું – કંઈ બીક રહી નહીં. તે કિક… કિક… કરે ત્યારે પૂંછડીને ઝાટકો મારી ઊંચી કરે, હું કોમળતાથી પૂંછડી દબાવી રમાડું – મારો એને જરાય ભય રહ્યો નહીં !… અમારાં છોકરાંઓએ હવે ચીકુના ઝાડ ઉપરથી એનું નામ પણ પાડી દીધું – ‘ચીકુ’. છેલ્લે છેલ્લે તો અમે જમવા બેસીએ અને એ ગમે ત્યાંથી દોડી આવે. જરાય બીક નહીં. થાળીમાંથી એ રોટલીનો ટુકડો જાતે કાપી લઈ ખાવા માંડતી… આમ આખો દિવસ એ અમારા વચ્ચે ફળીમાં ઘૂમ્યા કરતી એટલે ક્યાંક કોઈના પગ નીચે ચગદાઈ ન જાય એવી અમને દહેશત રહ્યા કરતી. ઘરનાં સૌને એની તકેદારી રાખવી પડતી. મારી પત્ની ઘરનાંઓને ઘણી વાર ચેતવતી : ‘ધ્યાન રાખજો, ખિસકોલી મરી જાય તો બહુ મોટું પાપ લાગે છે ! બ્રાહ્મણને પૂછજો, સોનાની ખિસકોલી બનાવી મહાદેવ મંદિરે મૂકવી પડે !’ મને હસવું આવતું – મનમાં થતું : ‘પોથીવાળાઓએ કિમિયો કર્યો છે ને કાંઈ….’
ખિસકોલી રાતના ઝાડ ઉપર તો ન છૂટકે રહે છે. એને રહેવાનું મકાનોનાં નેવાં નીચે, નળિયાં અને ભીંતના સંઘેવાળે જો જગા હોય તો ભલે, અને ન હોય તો કરી લઈને ત્યાં રહેઠાણ કરી લેતી હોય છે. અમારા ફળીના સામે ખૂણે એક જૂની ઓરડી છે. એ ઓરડીનાં નેવાં નીચે એણે રહેઠાણ કરી લીધેલ હતું. આમ અમારો આ વહેવાર ચાલતો હતો. તેમાં એક દિવસ થોડો ફેરફાર થયો. હું જમતો હતો. ચીકુ મારી થાળીમાંથી ખાવાનું લઈ ત્યાં જ ખાવાના બદલે મોંમાં ટુકડો લઈ સીધી એના રહેઠાણે દોડી ગઈ. ત્યાં જઈ બહારથી કલબલાટ કરતાં બે નાનાં બચ્ચાં એના ઘરમાંથી બહાર આવ્યાં. ચીકુ એને પોતે લાવેલું ખાવાનું આપી વળી મારી થાળીમાંથી વધારાનું લઈ ગઈ. અમને સમજ પડી ગઈ… ચીકુના કુટુંબમાં વધારો થયો છે. બાળકો નાનાં બચ્ચાંઓને જોઈ બહુ ખુશ થયાં. પછી તો રોજ એનું અને બચ્ચાંઓનું ખાવાનું કોઈ પણ જાતના સંકોચ વગર અમારી પાસેથી લેતી હતી. આ વહેવારમાં એક દિવસ અણધારી ખલેલ પડી ગઈ…

વાત જાણે એવી બની કે, ફળીની એ ઓરડીમાં ક્યાંકથી આવીને એક મોટો ઉંદર ભરાઈ ગયો. રોજ એ નાની મોટી નુકશાની કરવા લાગ્યો. તેમજ જ્યાં ત્યાં ભોંય ખોતરીને કચરો કરવા માંડ્યો. ઉંદરની જાત – ખાય થોડું અને નુકશાન કરે ઝાઝું ! તેમાં પેલી નાની ઉંદરડીની જાત બહુ ખરાબ ! એને ખાવા સાથે નિસબત નહીં – બહુ ઓછું જોઈએ, પણ રાતદિવસ જરાય જંપ ન લ્યે. કોઈ પણ ચીજને આખો વખત કરકોલ્યા જ કરે ! કપડાં, પુસ્તકો, સોફા, અનાજ કે બીજી ઘરવખરી, કંઈ પણ સાજું રહેવા ન દે ! … ગમે તેવી કઠણ વસ્તુ હોય તેને દાંત ભરાવ્યા વગર ચાલે નહીં !…. ગામડામાં તો કંટાળીને સામાન્ય રીતે ઉંદરને ચલાવી લેવો પડતો હોય છે. પણ જ્યારે તેની સંખ્યા વધી જાય ત્યારે આ ત્રાસવાદીઓને કાઢવા છટકાં ગોઠવવાં પડતાં હોય છે… અમારાં મકાન નવાં અને થોડી મોકળાશવાળાં એટલે આવો પ્રસંગ ક્યારેક જ બનતો. કંટાળીને એક દિવસ મારી પુત્રવધૂએ માળિયામાંથી ઉંદર પકડવાનું પાંજરું શોધી કાઢ્યું. સાફસૂફ કરી તેના અંદરના હૂકમાં રોટલીનો ટુકડો ભરાવી, છટકું ગોઠવી, રાતના પાંજરું ઓરડીમાં મૂકી દીધું.

સવારે એ ઓરડીમાં કચરો સાફ કરતી હતી. પાંજરું એણે જોયું, એ એમને એમ ખાલી હતું. ઉંદર તેમાં આવેલો નહીં. તેણે ઓરડીમાં સફાઈ કરવા પાંજરું ઉપાડી સ્વાભાવિક રીતે બહાર ફળીમાં મૂક્યું. તે પછી ભૂલથી એ એમને એમ ત્યાં રહી ગયેલું. હું સવારમાં પરવારી ઘરમાં બેસીને છાપું વાંચતો હતો. થોડી વારે ખટાક…. ! એવો અવાજ સંભળાયો. મારો નાનો પૌત્ર મારી પાસે બેસી લેશન કરતો હતો. અવાજ સાંભળી તે લેશન પડતું મૂકી સહસા હર્ષથી ચિત્કારી ઊઠ્યો !
‘દાદા, મમ્મી ! પેલો ઉંદર પાંજરામાં આવી ગયો !’
‘જા જા, જલદી કર, એને નદીકાંઠે પાંજરું ખોલી મૂકી આવ !’ મેં છાપું એક બાજુ મૂકી તેને કહ્યું. મારા પૌત્રે જઈ પાંજરું ઊંચક્યું ત્યાં અંદરથી કિક…કિક.. એવો એકધારો કલશોર મચી ગયો ! સાંભળી હું ચમક્યો !… ઊઠીને એકદમ જોયું તો પાંજરામાં ઉંદરના બદલે અમારી ચીકુ અને તેનું બચ્ચું આવી ગયેલાં હતાં ! મેં તરત કહ્યું : ‘આમાં ઉંદર ક્યાં છે ? આ તો આપણી ચીકુ અને તેનું બચ્ચું આવી ગયાં છે !… કાઢ કાઢ, જલદી બહાર કાઢ !’ આમ કહી મેં પાંજરું તેના હાથમાંથી લઈ લીધું, તેનું હેન્ડલ દબાવી દરવાજો ખોલી નાખ્યો. જેવો પાંજરાનો દરવાજો ખોલ્યો કે બચ્ચું દોડી અને ભીંતે ચડી ગયું અને ચીકુ એકદમ ઠેક મારીને ભાગી !…. એનું મોઢું પાંજરાના કાણામાં ખૂંચાડી ખૂંચાડી લોહીલોહાણ થઈ ગયું હતું.

એ સીધી દોડીને ચીકુના ઝાડે ચડી ગઈ… ઉપર જઈ આડી ફંટાયેલ ડાળી ઉપર આમથી તેમ દોડાદોડ કરતી એકધારું અમારા સામે જોઈ કિક… કિક… કરવા માંડી ! પુંછડીનો ઝંડો ઉલાળવા માંડી !…. મેં રોજના નિયમ પ્રમાણે ખાવાનું લઈ તેને શાંત કરવા બુચકારવા માંડી… પાસે ન આવી…. ઊઠીને હું ડાળી પાસે ગયો, હાથ લંબાવી ખાવાનું આપવા લલચાવી તો તે એકદમ ચમકી ઉપરની ડાળીએ જતી રહી… ત્યાં જઈ પાછી શોરબકોર કરવા માંડી !…. અમારા નાનકાએ એને ચીકુ… ચીકુ… કહી બહુ ફોસલાવી… ઘરનાં બીજાંઓએ પણ ઈશારાથી ઘણી ધરપત આપી, એ એકની બે ન થઈ !… જાણે હવે છેતરાય એ બીજા !…

એ પાંજરામાં રહીને એવી હબકી ગઈ હતી કે, અમારું આખું ઘર એને દગાખોર લાગ્યું ! એક જ ઝાટકે એણે અમારો વિશ્વાસ – અમારો સંગ છોડી દીધો !!… અમે બધાં થાકીને ત્યાંથી નિરાશ વદને દૂર ખસ્યાં… ક્યાંય સુધી તે કકળાટ કરતી રહી. પોતે તો ઠીક, પણ બીજાં પ્રાણી-પંખીઓને જાણે ચેતવતી હોય : ‘આ માણસની જાત જરાય ભરોસો કરવા પાત્ર નથી હોં !’…. પછી કદી એ અમારી પાસે આવી નહીં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોની માયાજાળ – મિલન શાહ
માત્ર સ્મારકો નહીં, સંસ્કારિતા પણ – રજનીકુમાર પંડ્યા Next »   

25 પ્રતિભાવો : માણસની જાત – રણછોડભાઈ જે. પોંકિયા

 1. kantibhai kallaiwalla says:

  Beutifully described the incident.Worth to praise, worth to read and worth to study that is my opinion without prejudice.

 2. Namrata says:

  very nice story.

 3. ગ્રામ્યજીવનનું દશૅન કરાવતા લેખકના આ સ્વાનુભાવે ભુતકાળની યાદોને તાજી કરાવી દીધી.

  ઘરમાં ખિસકોલીનું રમખાણ ઘરને ભયુઁ ભયુઁ રાખે.

  કોઈને પણ ના નડતી આ ખિસકોલી પાસેથી માણસજાતે ઘણું ઘણું શિખવાનું છે.
  કોઈને પણ નડીએ નહિ.
  પોતાની જ નિજ-મસ્તીમાં મસ્ત રહીએ.

  અને તેથી તો મારા રામને પણ વ્હાલી આ ખિસકોલી…!!

 4. Paresh says:

  સુંદર રજૂઆત. વાત સાચી જ છે કે કોઇપણ ઈતર-મનૂષ્ય મનૂષ્ય પર જલ્દી વિશ્વાસ નથી મુકતું. કોઈનો વિશ્વાસ સંપાદિત કરવામાં ઘણો સમય જ છે પણ વિશ્વાસ તૂટતાં વાર નથી લાગતી.

 5. સરસ વર્ણન. બહુ રસપુર્વક વાંચ્યું.

 6. ભાવના શુક્લ says:

  પછી કદી એ અમારી પાસે આવી નહીં….
  …………………………………………………………..
  કેટલી મજબુતીથી નાનકડા પ્રાણીએ પોતાના ગજા બહારનો વિશ્વાસ તંતુ ગુથ્યો અને કેટલો પાતળો અને બારીક નિવડ્યો એ ભોળુડા પ્રાણીનો વિશ્વાસ તંતુ!!! એ તુટવાના દુઃખ માથી એ ઉભરી જ ના શકે?

  ચોટ કોને કેટલી પહોચી તેનો હિસાબ જ કેમ કરી શકાય!!

  બહુ ચોટદાર વાર્તા..

 7. Veena Dave, USA says:

  સરસ વાત.

 8. sakhi says:

  very nice story

 9. Harshad Patel says:

  Science has taught us how to fly like bird in the air, how to swim like fish in water but how to live on earth we do not know! Animals are more sensative than human.

 10. વિશ્વાસ ઊભો કરતા લાંબો સમય લાગે છે પણ તૂટતા પળવાર ! સુંદર વાર્તા !

 11. nayan panchal says:

  જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ તે જ આપણને સૌથી વધુ તકલીફ પહોંચાડી શકે છે.

  ચીકુને જાણતા અજાણતા કેટલી બધી તકલીફ થઈ.

  ખૂબ જ સુંદર લેખ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.