માત્ર સ્મારકો નહીં, સંસ્કારિતા પણ – રજનીકુમાર પંડ્યા

[ આજે 1લી મે, ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિન’ નિમિત્તે માણીએ ગુજરાતની અસ્મિતાનું સ્મરણ કરાવતો એક વિશેષ લેખ, ‘ગુજરાતની અસ્મિતા : મારી નજરે’ પુસ્તકમાંથી સાભાર. સૌ વાચકમિત્રોને, જય જય ગરવી ગુજરાત. ]

આશરે સવાસો વર્ષ પહેલાં અમારા વડવા – ગોવર્ધન પરશુરામ પંડ્યા પોતાની વૃદ્ધાવસ્થામાં પણ પગપાળા કાશીની જાત્રાએ ગયા હશે તે ત્યાંના એક વહીવંચાએ એમને જર્મન સિલ્વરનો એક અસાધારણ લાંબો પ્યાલો ભેટ આપેલો તે સાથે લાવ્યા. જીવ્યા ત્યાં સુધી અતિ જતનપૂર્વક જાળવ્યો. અંતકાળે લગભગ બાણું વર્ષની વયે, જ્યારે એ સ્મૃતિભ્રંશનો ભોગ બન્યા ત્યારે પોતાના પુત્ર (મારા દાદા) જેશંકરનું નામ ભૂલી ગયા – ઈશારાથી એમને નજીક બોલાવ્યા – એ વખતે એમની છેલ્લી ઘડીઓ ગણાતી હતી – છતાં જાતે જ એમણે ગંગાજળની લોટી ભણી આંગળી ચીંધીને મોંની ડાબલી ઉઘાડબંધ કરી. સંકેત કર્યો એ એમના મોમાં ટોવે (રેડે).

હું વર્ણનો સાંભળી શકું – સમજી શકું એ ઉંમરનો એટલે કે સાતેક વર્ષનો હતો ત્યારે મારા દાદા મને પોતાના પિતાના એ અંતકાળની ઘડીઓ હાથની ચિત્રાત્મક ચેષ્ટાઓ વડે વર્ણવી બતાવતા હતા. કહેતા હતા : ‘રંજુ, હું એમના મોંમાં ગંગાજળની લોટીમાંથી ચમચી વડે ગંગાજળ ટોવા ગયો. પણ એમણે મને રોક્યો – મહામહેનતે પણ ક્ષીણ હથેળીના સંકેતથી મને પેલો કાશીવાળો પ્યાલો લઈ આવવા કહ્યું, એ મારું નામ સુદ્ધાં ભૂલી ગયા હતા. પણ એ પ્યાલાને ભૂલ્યા નહોતા કે જે કાશીની જાત્રા વખતે કોઈ પંડ્યાએ પ્રેમથી ભેટનો કહીને આપ્યો હતો. મેં એ પ્યાલો લીધો, એમણે એ ધ્રૂજતી કૃશ હથેળીમાં પકડ્યો ને પછી મેં એમના મોંમાં ગંગાજળ ટોયું. તુલસીનું પાન મૂક્યું અને એમણે ડોક ઢાળી દીધી, દેહ છૂટી ગયો.

મને એ વાત કરનારા મારા દાદા એ પછી એકાદ વર્ષ ખુદ ગત થઈ ગયા. પણ મારા મનમાં ઉત્તરપ્રદેશના કોઈ અનામી પંડ્યાની ઓળખ વાવતા ગયા, એક નકશીદાર પણ બહુ કિંમતી નહીં એવા પ્યાલા વડે, એ પ્યાલાને અલગથી સાચવવાની મારે ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી, એ પ્યાલો વારંવાર મને હડફેટેય ચડતો. એ વખતે એના ‘ટણણણણ’ અવાજથી મારા મનમાં જરા સરખી શૂળ ભોંકાતી. એને અપરાધભાવથી હું હાથમાં લેતો. ધ્યાનથી જોતો – બિલકુલ સાધારણ કક્ષાના હાથટાંકણા વડે એના ઉપર સાવ અણઘડ આકારના ફૂલબુટ્ટા ટોચેલા હતા. પણ મોટા અક્ષરે હિંદીમાં લખ્યું હતું : ‘શીતલ જલ પીજીયે…’ આ શબ્દો એમાં ભરેલા ઠંડા પાણી કરતાંય વધુ ઠંડક મને પહોંચાડતા. આજે હજી એ પ્યાલો વખતની વા-ઝડીમાં ક્યાં ફેંકાઈ ગયો એ ખ્યાલ નથી, પરંતુ ‘શીતલ જલ પીજીયે’ શબ્દોમાં રહેલી અપાર ઠંડકને એ સૂચવતા સમયની વા-ઝંડી, એક સેન્ટીગ્રેડ પણ ઓછી કરી શક્યું નથી. ચેતનામાં એક સમીકરણ બેસી ગયું છે, જે સાવ વિચિત્ર અને હાસ્યાસ્પદ ગણાય તેવું છે. ઉત્તરપ્રદેશ-કાશી-અસાધારણ લાંબો પ્યાલો – શીતલ જળ પીજીયે…’ ધીરે ધીરે એનું સંક્ષિપ્તીકરણ થઈ જાય છે – ઉત્તરપ્રદેશ = શીતલ જલ પીજીયે = અપાર ઠંડક – માનવમન આવા સંક્ષિપ્તીકરણ તરફ દોરાઈ જવાના વલણવાળું છે.

પ્રદેશની અસ્મિતા, બહુ મોટા, બહુ બહુ જૂના, પુરાતન ઈતિહાસના બનાવોમાં, ઝમી ઝમીને એકત્ર થયેલા અર્કથી પણ બને છે. ઉપર લખી તેવી નાની નાની અંગત ઘટનારેખાઓથી પણ. પહેલાં તો બીજા પ્રદેશોથી જુદો એવો એક ચહેરો બની આવે છે. ને પછી આગળ જતાં એ નોખા-અનોખા ચહેરા ઉપર આગવા ગૌરવનું, અને આગવી વિલક્ષણતાઓનું ઓજ પ્રગટે છે. એ ઉપર ઉપરથી કરવામાં આવેલો મેઈક-અપ નથી. એ સ્વયંભાવી સત્વનું પ્રગટીકરણ છે જે ચહેરાને ગરવાઈ બક્ષે છે. આપણી જુદી, આપણી આગવી, આપણે જાતે, આપણા સત્વમાંથી નિપજાવેલી ગરવાઈ – એ ગર્વ નથી, ગરવાઈ છે. ગર્વ તો ભારે ઉપદ્રવકારી છે, જેનો પરચો આજકાલ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, ઝારખંડમાં પણ અને સિંહદ્વીપ (સિલોન)માં પણ. સવાસો વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના એક ભૈયા કે પંડાએ આપેલો ‘શીતલ જલ પીજીયે’વાળો ગ્લાસ ભલે આજે ગુમ છે પણ એની ઉપર ટંકાયેલું લખાણ, એ ગ્લાસના મેળવનારન પ્રપ્રૌત્ર સુધી એની શીળી છાયા પ્રસરાવી શક્યું છે – તરસ છીપાવનારો ગ્લાસને જ્યારે હોઠે અડકાડે છે ત્યારે આ લખાણ પર એની નજર પડી જાય તો (અને એનામાં સંવેદનાથી ભર્યું ભર્યું હૃદય હોય તો) એ જળની શીતળતા એના જઠરથી આગળ હૃદય સુધી પહોંચે છે.

ગુજરાતની અસ્મિતા, એની પ્રજાનાં આગવાં લક્ષણો પરથી પ્રગટ થાય છે. ગુજરાતનાં શિલ્પસ્થાપત્ય, પ્રાચીન પુરાતન કળાના કોઈ ઉપલબ્ધ અવશેષો, સદીઓથી સચવાતી આવેલી પરંપરાગત કળા, ભરતકામ, અણમોલ વિદ્વતા અને અજોડ જીવનસારને ડહાપણના રૂપમાં સંગોપીને રહેલા ગ્રંથો, સોળે કળાએ ખીલી ઊઠેલી સર્જકતા જેમાં વ્યક્ત થઈ છે તેવા, માત્ર ગુજરાતના જ અને ગુજરાતમાં જ હોઈ શકે તેવા ગ્રંથરત્નો, લોકગીતો અને લોકકલાઓ, ગૃહસજ્જા અને વિશિષ્ટ વાસ્તુવિધાન, વાવ, કૂવા, ગહવરો, ખાંભી, પાળિયા, હજુ ક્યાંક જીવતી રહેલી આખ્યાન પરંપરા, ભજનો અને ગામના ચોરા પર થતાં માઈકલેસ કથાવચનો, ગોરજટાણે ગામડાના ગોંદરે, સંધ્યાના રંગો સાથે સમરસ થઈને વહેતા ઝાલર ધ્વનિ અને ઘંટારવ અને એ જ સમયે પાછી વળતી ગાયોના ગળે બાંધેલી ટોકરીઓના મંજુલ રણકાર, વહેલી સવારે દળણાં સાથે ઝીણામીઠા સ્ત્રી-સ્વરમાંથી વહેતાં પ્રભાતિયાં, તો ક્યાંક રાતે-મધરાતે ગિરના ડુંગરના ગાળાઓમાં ઊઠતા ભજન-મંજીરાના સંગાથમાં ઊઠતા પડછંદ પુરુષસ્વરનાં ભજનો પણ ઊઠે, ને વચ્ચે નરઘાં (તબલાં)ની તાલમાં એવી તો, ચારેય આંગળાંના પ્રહારથી પેદા થતી થાપી પડે કે સાંભળનારનાં સાતેય બ્રહ્માંડ ઝગમગી ઊઠે – આ બધી ગુજરાતની, એના સ્વની વ્યાવર્તક રેખાઓ છે.

પણ આ બધી દશ્યમાન, શ્રવણગત કે નાનપણથી સ્મૃતિમાં છપાતી રહેતી ઓળખરેખાઓ છે – બહુ છે, ઘણી સંસ્કારસમૃદ્ધ છે અને ભલે કાળાંતરે એમાં નાનાંમોટા પરિવર્તનો આવ્યાં છે જેમાં કેટલાંક સારાં છે, ને કેટલાંક ઉઝરડાદાર છે. (જેમ કે અતિ ઊંચા ડેસીબલનાં ધ્વનિવર્ધક યંત્રોની એમાં સંડોવણી, ફિલ્મીઢાળ સાથે ને સંકરતા, એકદમ અણધારી દ્રુત ગતિમાં ગરબાની શરૂઆત) પણ એ તો વહેતા કાળના કરતૂત છે. એમાં કોઈ કાંઈ ના કરી શકે – અમુક સમયના ખંડની અસ્મિતા, અમુક સમયગાળા પછી ‘ઘરડી’ થઈ જાય છે ને એ પછી અસ્મિતાનું પણ એક નવું ‘જનરેશન’ આવે છે. વીતેલા કાળમાં જીવેલા, જીવી ચૂકેલા જૂની અગાઉની ઉપર લખી તે ગુજરાતની ઓળખના આશકો, આ અસ્મિતામાં થતા ઉમેરાને ‘બગાડ’ની રીતે જુએ છે. પણ આ લેખની શરૂઆતમાં મેં જે ઉત્તરપ્રદેશના ‘શીતલ જલ પીજીયે’વાળા ગ્લાસની વાત લખી તેવી, એવી ઘણી અદૃષ્ટ ઓળખ ગુજરાતની અસ્મિતાની છે કે જેને આલેખવા માટે આખું પુસ્તક જોઈએ, અને એ કામ માત્ર અભ્યાસીઓ જ કરી શકે.

એવી અદૃષ્ટ, પણ છતાં માત્ર ગુજરાતની આગવી જ હોય તેવી એક ઓળખ એના આતિથ્યની છે – ‘અતિથિ દેવો ભવ’ની ઉક્તિને આચરણમાં ઢાળેલી જોવી હોય તો ગુજરાતમાં જોઈ શકાય, અને વિશેષ તો સૌરાષ્ટ્રના ગ્રામવિસ્તારમાં હજુ પણ અતિથિ જૂનો ઓળખીતો હોય ત્યાં જરૂરી નથી. ગમે તે અજાણ્યો વટેમાર્ગુ, પ્રવાસી, થોડી વાર માટે ‘પોરો’ ખાવા માટે આવ્યો હોય તોય તેના માટે રોટલાપાણીની અને પથારી પાગરણની જોગવાઈ થઈ જાય. અલબત્ત સાવચેતી જરૂર પ્રગટી છે. પણ જો જૂની પેઢીનો માણસ ઘરમાં કે ખેતરવાડીમાં હાજર હોય તો એ કરવામાં અણગમાનો પ્રવેશ હજી થયો નથી. આ પરંપરા પછી તો ધાર્મિક સ્થાનકો સુધી લંબાઈ, સૌરાષ્ટ્રમાં એવાં અનેક ‘બેસણાં’ છે, જ્યાં કશી પણ અપેક્ષા વગર આ રોજિંદી વ્યવસ્થા છે. ગુજરાતની અસ્મિતા ‘શીતલ જલ પીજીયે’થી થોડી આગળ વધે છે – વાવકૂવા ગળાવનારાઓ નીરના પ્રાણદાતા તરીકેનો મહિમા વર્ણવતાં વાક્યો પોતાના નામ ઉપરાંત આરસની તકતીમાં કોતરાવતા – અરે, ગ્રામીણ કન્યા પણ સાધારણ થેલી ઉપર હાથથી ભરતકામ કરતી હોય એમાં ‘વાપરનાર સુખી રહો’ જેવા વાક્યાર્થને ભરતથી ઉઠાવ આપતી. સદભાવના, શુભેચ્છા આશીર્વાદ પ્રસરાવવાની પ્રક્રિયા તલવારના મ્યાન સુધી લંબાતી – રાજવીઓ પોતાના તલવાર પર માત્ર ‘જય ભવાની’ જ નહીં, પણ ‘સતનો જય હો’ શબ્દો જરીની પટ્ટી (લેસ)થી લખાવતા.

ગુજરાતની આ ઓળખ, જેને અસ્મિતાનો જ એક અંશ ગણી શકાય તેમાં જીવદયાનો પણ આવિર્ભાવ વરતાતો. સૌરાષ્ટ્રમાં એક કાળે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં રાંધણિયામાં રોટલા રોટલી માટે તાવડી મંડાય ત્યારે કૂતરા માટેની ચાનકી (નાની સાઈઝની રોટલી કે રોટલો) પહેલાં ન બનતી હોય. ભાગ્યે જ કોઈ બ્રાહ્મણ ગૃહસ્થ જમવા બેસતાં પહેલાં ‘ગૌગ્રાસ’ (ગાય માટેનો કોળિયો) જુદો ના કાઢતો હોય. ખળાં ભરાય ત્યારે ખેડૂતો ગરીબ ગુરબા, નબળી સ્થિતિના માણસો માટે (રાજભાગ ઉપરાંત) ધરમભાગ જુદો રાખતા – એ ઉપરાંત મોસમ દરમ્યાન કોઈ ખેતરમાં આવી ચડ્યો હોય તો અમાપ માત્રામાં લીલો મેવો ખાવાની અને લઈ જવાની છૂટ, પોતે એની નોંધ પણ ના લે, એ રીતે રહેતી. મેવો એટલે ઝીંઝરા (લીલા ચણાનો પોપટા સહિતનો છોડ) લીલી મગફળી, પોંક, ફળ, બોર, રાયણ, કરમદાં, ચીકુ, અરે શેરડીના સાંઠા પણ.

ગુજરાતની, ગુજરાતીની આ ઓળખ એનાં શિલ્પસ્થાપત્યો સંગીત, સાહિત્ય કે સ્મારકોની ઓળખ કરતાં જરા પણ ઓછી મહત્વની નથી.

[ કુલ પાન : 448. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : કીમ એજ્યુકેશન સોસાયટી વિદ્યાસંકુલ, સ્ટેશન રોડ, કીમ (પશ્ચિમ) જિ. સૂરત-394110. ફોન : +91 2621 230370 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માણસની જાત – રણછોડભાઈ જે. પોંકિયા
પુત્રી-જન્મનાં વધામણાં – મકરન્દ દવે Next »   

22 પ્રતિભાવો : માત્ર સ્મારકો નહીં, સંસ્કારિતા પણ – રજનીકુમાર પંડ્યા

 1. dhiraj thakkar says:

  !!!!!GUJARAT!!!!!

  FARI THI JO JANMA LEVANU THAY T0 AA BHOOMI MAJ LAU

  GANU AAPYU CHHE GUJARATE

  PRABHATIA, HALARDA, JODAKANA, GEET, BHAJAN, KAVITA, VARTA, UKHANA,
  DHOKALA, BHAJIYA, DAL-DHOKALI, ROTALO, KADHI, KHICHADI, OLO, AAVKAR, GARBA, BHAVAI, MELA, GANDHI,SARDAR,MEGHANI, MUNSHI, KANUDO, SAHAJANAND SWAMI, PRAMUKH SWAMI,MORARI BAPU, …..

  LIST LAMBU CHHE ……..

  TO BE CONTINUE……..

 2. આજે આપણા આગવા ગુજરાતના સ્થાપના દિન પર વિશ્વ ગુજૅરીના રત્નોને ખુબ ખુબ વધાઈ.

  ગુજરાતનો સૌથી મોટો કોઈ એક્સપોટૅ ઉધોગ હોય તો તે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની નિકાસ કરવાનો અને તેમ છતાં ગુજરાતની ધન્ય ધરા પર નવાં નવાં રત્નો પેદા થતાં જ રહે છે..!!

  શું છે આ ધરતીમાં..?

  આપણું ધામિઁક અને સામાજિક માળખું આપણને અન્યથી અલગ પાડે છે.
  મુકત વેપાર અને મુકત ખેતીની વિચારધારા આપણા રકતમાં વહે છે.
  ગાંધીજી અને સરદાર પટેલની દિક્ષા પામેલો ગુજરાતી વિશ્વના કોઈપણ ખુણે ખુમારી ખડો રહી શકે છે.
  એક ગુજરાતીને બીજા ગુજરાતી પર વિશ્વાસ.. તે જ ગુજરાતીઓની સૌથી મોટી મુડી.

  મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી.

  જય જય ગરવી ગુજરાત.

 3. Paresh says:

  આજે ગુજરાતના સ્થાપના દિને લેખ વાંચી આનંદ થયો. ગુજરાતી દૂધમાં સાંકરની જેમ અન્યને પોતાની સાથે ભેળવી પણ શકે છે અને ભળી પણ શકે છે. જય જય ગરવી ગુજરાત. આભાર

 4. “ગમે તે અજાણ્યો વટેમાર્ગુ, પ્રવાસી, થોડી વાર માટે ‘પોરો’ ખાવા માટે આવ્યો હોય તોય તેના માટે રોટલાપાણીની અને પથારી પાગરણની જોગવાઈ થઈ જાય.” આ વાંચીને મને થયેલો વર્ષો પહેલાંનો અનુભવ યાદ આવ્યો.
  ચોમાસાની શરુઆતના દીવસો હતા. બસ બંધ થઈ ગયેલી. તે સમયના વલસાડ જીલ્લાના ચીખલીથી અગાસી ચાલતા જવા નીકળ્યા. પુશ્કળ વરસાદને લીધે નદીમાં પુર હતું. અમે લગભગ પાંચ-છ જણા ઘરે જઈ શકીએ તેમ ન હતું. રાત પડી ગઈ. બાજુમાં જ એક ઘર હતું. ત્યાં બધા જ ભાઈઓને આશરો આપવામાં આવ્યો. સહુને જમાડવામાં આવ્યા અને સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. ૧૯૭૦ કે ૧૯૭૧ની આ બીના છે.

 5. ભાવના શુક્લ says:

  સરસ શબ્દાંકન ગુજરાતની અસ્મિતાનું

  જય ગરવી ગુજરાત!

 6. Veena Dave, USA says:

  પ્યાલાની જેમ જ ભાવનગરના મારા દાદાના ઘરેથી સ્વાતન્ત્ર સન્ગ્રામનુ પહેલુ બ્યુગલ વાગ્યુ હતુ અને જેમા મારા પ્ પૂ. પપ્પા જોડાયા હતા તે અમારી પાસે નથી તેનુ દુખ છે.
  નસીબદાર છુ કે ભાવનગરમા (ગુજરાત/કાઠિયાવાડ્) જન્મી છુ.

  જય જય ગરવી ગુજરાત અને ગરવા ગુજરાતિઓ.

 7. કોઈને પૈસાનુઁ દાન આપવા કરતા ભાવથેી ઘડેીને ભોજન ખવડાવવુઁ વધુ મૂલ્યવાન છે તે શિક્ષણ મારી માતા પાસેથી અમને અમલ દ્વારા મળ્યુ છે પણ જાણ્યા-અજાણ્યાઓને પણ લગભગ રોજ રોટલા ઘડી આપવા કેટલુ વિશાળ દિલ જોઈએ તે તો જાતે કરીએ ત્યારે જ સમજાય. ગુજરાતની અસ્મિતાની યાદથી આનંદ થાય છે સાથે જ ઝાંખી થતી જવાનો રંજ પણ થાય. બેસવાનું કહી પાણીનું પૂછવાનું શિક્ષણ પણ ઊગતી પેઢીને આપવાનું ઓછું થતુ જાય છે.

 8. Urmila says:

  This particular article is about Gujarat but I had very good experience when I visited South India by car with my young children few years ago – we travelled by car and came across a field full of green pepper trees and other fruit trees – we stopped and I was showing different trees of various fruits, to my children,when out comes the owner of the field and spoke in English to my children and showed them around answered their questions and it turned out that he was a retired school teacher now growing his own fresh farm products. We had our picnic with us and asked him politely if he will let us share with him, which he did but insisted we share his vegetarian meal with him in his house on his dining tabel – we all shared delicious meal.My children had the practical experience of ‘the hospitality of people from India although we were strangers’

 9. Girish says:

  મારા ભારત નુ રતન ગુજરાત
  ખુબ સારિ વાત

 10. Dinesh Pandya says:

  ગુજરાત પાસે ધર્મ અને ભક્તિ છે, એક આગવી સંસ્ક્રુતિ છે એટલે આગવા સંસ્કાર છે, ગુજરાતનો ભાતીગળ ઈતિહાસ છે, ગુજરાત પાસે સાહસ છે, ગુજરાતે કસ્તુરભાઈ લાલભાઈ, નાનજી કાળીદાસ, ટાટા, અંબાણી,
  ટાંટી, કરસનદાસ પટેલ, જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા સાહસિક વ્યાપારીઓ-ઉદ્યોગપતિઓ દેશ ને આપ્યા, ગુજરાત ક્રુષ્ણ, નરસિંહની અને મહાત્મા ગાંધી, સરદાર ની ભૂમિ. આ બધાથી ગુજરાતની ગરવાઈ છે. ગુજરાત ક્યારેય ગર્વિષ્ટ નહોતું એટલે જ જય જય ગરવી ગુજરાત!

 11. nayan panchal says:

  આજે પણ ગુજરાત ભારતનુ ગ્રોથ એન્જિન જ છે ને…

  મને તો આવતા જન્મમાં પણ ગુજરાતી જ બનવુ છે…

  નયન

 12. Sandhya Bhatt says:

  ગુજરાતીઓ માટે ગૌરવરુપ ગણી શકાય એવા દિવસે ગુજરાતી જ લખી શકે એવો આપણી સંસ્કારિતાની
  ઓળખ સમો લેખ આપવા માટે લેખક અને પ્રકાશકનો આભાર.

 13. shah dipen says:

  બહુ જબર્દસ્ત વાર્તા ચે !!!!!!!!!!!!
  બહુ ગમિ!!!!!!!!!!

 14. manoj says:

  સરસ મજાનો લેખ ચે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.