કવિ શ્રી રમેશ પારેખને આખરી સલામ (શ્રદ્ધાંજલી)

[ ગુજરાતી કવિજગતના તેમજ સાહિત્ય ક્ષેત્રના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખનું (જન્મ : 27-10-1940) ગઈ કાલે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં ગુજરાતી સાહિત્યને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. તેમની રચનાઓ અને તેમનું વ્યક્તિત્વ એટલું સર્વ વિદિત છે કે તેનો વિશેષ પરિચય આપવાની પણ જરૂર નથી. કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે ‘રમેશ સર્જકતાથી ફાટ ફાટ થતો કવિ છે. એમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું તત્વ તે સર્જકની વિપુલતા છે. આ વિપુલતા, એકાદ સંગ્રહમાં એની સરસ્વતી લુપ્ત નથી થઈ એની તો પ્રતીતિ આપે છે, પણ એની કલમમાં આવેલા પૂરનો પણ ખ્યાલ આપે છે; અને પૂરનો સ્વભાવ છે ડુબાડવાનો….. કશાયને પણ તાણી જવાનો….’

આવા આપણા લોકપ્રિય કવિ શ્રી રમેશ પારેખને રીડગુજરાતી તેમની ચુનંદા 11 કવિતાઓ દ્વારા આખરી સલામ કરે છે અને સાથે પ્રાર્થના કરે છે કે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે.

નોંધ : કવિ શ્રી ના દુ:ખદ અવસાન નિમિત્તે આજે અન્ય નવા લેખો મુકવાનું કાર્ય બંધ રહેશે. આવતીકાલથી રાબેતા મુજબ લેખો પ્રગટ કરવામાં આવશે. ]

[1] કોઈ ચાલ્યું ગયું

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું

છાપરું શ્વાસ રુંધી, ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

[2] હાથ નહીં આવે મને

હું તને બાવળ કહું કે ફૂલ : સમજાવે મને
તું પવન છે, અર્થ તારો હાથ નહીં આવે મને

આવવા સાથે પ્રણયને કોઈ ક્યાં સંબંધ છે
યાદમાં પણ આવવું જો હોય તો આવે મને

આરસીમાં પણ પ્રતિબિંબોથી હોઉં છું જુદો
તો હજુ તું કોઈ સાથે કેમ સરખાવે મને

વાવવું છે પાનખરની આંખમાં પણ એક ફૂલ
કોણ છે, જે એક પગલામાં જ હંફાવે મને ?

ઘર હતું તે વિસ્તરીને વિશ્વ થઈ બેઠું અને
આંગણું પણ કોઈ રણની જેમ ભટકાવે મને

એમને માલૂમ નથી કે શું હશે મારે તરસ
આમ નહીં તો ઝાંઝવાનાં જળ ન લલચાવે મને

[3] દૂર

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધી યે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાંથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દશ્ય આંખમાં ઝાંખુ કે આંધળું,
દશ્યોને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર

કોને ખબર, રમેશ….. ક્યા માર્ગે પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર.

[4] મને

મને ફૂલ ટાંકી રહ્યું છે કોઈ
કે શબ મારું ઢાંકી રહ્યું છે કોઈ ?

હયાતીના જળની છું હું માછલી
લઈ જાળ તાકી રહ્યું છે કોઈ ?

હું જળમાછલી છું એ ગુનાસબબ
મને બ્હાર હાંકી રહ્યું છે કોઈ

ન ખંડેર જોઉં તો શું જોઉં હું ?
હજી સ્વપ્ન બાકી રહ્યું છે કોઈ ?

મજા એ કે સદીઓથી ચાલ્યો નથી
ને મારામાં થાકી રહ્યું છે કોઈ

કરે ખેડ મૃત્યુ ને તું જળ સીંચે,
મને ધ્યાન પાકી રહ્યું છે કોઈ

[5] સ્વપ્ન

સ્વપ્ન ચુંબનથી ય નાનું હોય છે
તો ય મજિયારું બધાનું હોય છે

એક ઓશિકા ઉપર બે મસ્તકો-
-ને વધેરાઈ જવાનું હોય છે

સ્વપ્ન સાથે આંખ ના તૂટી પડે
એ જ કાવતરું ખુદાનું હોય છે

રણ નીચોવો તો નદીઓ નીકળે
સ્વપ્ન એવું ક્યાં મજાનું હોય છે ?

રાતને તો કીડિયારું સ્વપ્નનું
સૌની આંખે પૂરવાનું હોય છે

ઓશિકું જાણે કે સપનાંની પરબ
જ્યાં જઈ મૃગજળ પીવાનું હોય છે

સ્વપ્ન ઊગે જેટની ઝડપે, રમેશ
આપણે ત્યાં આંબવાનું હોય છે


[6] થયો !

તું પવનમાંથી સમેટાયો ને ઝીણું બી થયો
બાદ કૂંપળ, વૃક્ષ, ઠૂંઠું ને પછી ખુરશી થયો

તું ઉઘાડેછોગ ખર્ચાઈ ગયો રસ્તા પર
છેવટે તારો મરેલો પગ સખ્ત ગિરદી થયો

જીવ ફસડાયો, ઉતરડાયો ને ફાટ્યો ઠેરઠેર
થીગડાં તે સ્વપ્નનાં માર્યા અને દરજી થયો

તેં પવન મુઠ્ઠીમાં લેવા હાથ લંબાવ્યા અને
હાથ લંબાતા રહ્યા ને તું પવનચક્કી થયો

ઊડવાનું મન, પરંતુ પાંખ નહીં, તેથીસ્તો
નામ પોપટલાલ તેં રાખ્યું અને પંખી થયો

વેશ તેં પ્હેર્યો’તો છ અક્ષરનો કિંતુ હે રમેશ !
એ નાપવટ બેવફા પણ કેટલો જલદી થયો !

[7] હરિએ દીધો હરિવટો….

હરિએ દઈ દીધો હરિવટો…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંનાં હેવા

નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો…..

મીરાં કે પ્રભુ અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા

દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો !’
હરિએ દઈ દીધો હરિવટો…

[8] એક છોકરીના હાથથી….

એક છોકરીના હાથથી રૂમાલ પડે
તે લેવા આખુંયે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે; બુઢ્ઢાઓ આંખ મીંચે

‘નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે’
તે બાબત પર ઠેર ઠેર ગરમી
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઈ ગયા ધરમી

કારણકે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને
તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
‘જરા મોઢાંઓ માંજો ને શોભો !

કારણકે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

[9] રમેશમાં….

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં

ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે
અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં

આખ્ખું રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં

ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ
આજે ઝૂલે છે એકલાં જાળાં, રમેશમાં

ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં

[10] ન મોકલાવ….

આંખોમાં આવી રીતે તું દશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ

[11] વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડ ભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્યાં ગયો કવિ ? – કમલેશ પટેલ
યુવાનોને – વિલ ડ્યૂરાં Next »   

13 પ્રતિભાવો : કવિ શ્રી રમેશ પારેખને આખરી સલામ (શ્રદ્ધાંજલી)

 1. Neela Kadakia says:

  શી હતી ઉતાવળ સપનાની આ પરબમાં
  જઈ મૃગજળ પીવાની

  શી ઉતાવળ હતી થીજેલાં આ માનસરોવરનાં
  હંસલા બનવાની

  શી ઉતાવળ હતી આ વિસ્તરેલા વિશ્વનાં
  રણમાં ભટકવાની

  શી ઉતાવળ હતી આ ભૂલભૂલામણીનાં
  મારગે ‘રમેશ’ તને પહોંચવાની

  શી ઉતાવળ હતી ‘રસીલા’નયનોને
  અશ્રુભીનાં કરવાની

  નીલા કડકિઆ
  મુંબઈ
  વાલકેશ્વર

 2. સુરેશ જાની says:

  ‘ આ મનપાંચમના મેળામાં કોઇ જાત લઇને આવ્યા છે.’

  – સદ્ગતની સમગ્ર કવિતાને આવરી લેતા પુસ્તક ‘છ અક્ષરનું નામ’ નું જ્યારે અમરેલીમાં 1991માં વિમોચન થયું હતું, ત્યારે આ ગીત સુરેશ દલાલ સહિત અન્ય સાહિત્યકારોએ સમૂહમાં ગાયું હતું . આ પ્રસંગે છ ઘોડાની બગીમાં આ પુસ્તક્ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
  ભાગ્યે જ કોઇ ગુજરાતી પુસ્તકને અને કવિને આટલું જાહેર સન્માન મળ્યું હશે.

 3. digambar swadia says:

  DHEER GAMBHIR PRAKRUTI..DUUR KSHITIJ MA KASHU SHODHTI
  AATUR AANKHO..MANOMANTHAN…KALAM DWARA AVATARAN..RAMESHBHAI, TAME TO PARLOK NU PRAYAN KARYU PAN TAMARA ARTH-SABHAR KAVYATUR NA AMARA JEVA BHAVKO NA
  BAKI NA AAYAKHAN NU SHUN?
  AA LOK NU TAMARU TAP TAMANE PARLOK MA PAN UPYOGI THAY EVI PRABHU NE PRARTHANA..

 4. JAYESH PANCHAL says:

  salut to king of creativity.

 5. Urvin Shah says:

  ReaderGujarati ne khub khub dhanyawad. And thanks a lot for the stuff.

 6. premjibhai says:

  Ramesh Parekh leaves a void here. I would like to the names of his books and availability with costs.
  God bless his soul and give eternal peace.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.