અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ

[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5]

અસ્મિતાપર્વના ત્રીજા દિવસની આ સવારની બેઠકનો વિષય હતો ‘મનુષ્યત્વ’. આ બેઠકનું સંચાલન જાણીતા કવિ-વિવેચક શ્રી વિનોદભાઈ જોશીએ કર્યું હતું. આ બેઠકમાં શ્રી વિદ્યુત જોશીએ મનુષ્યત્વના સામાજીક સંદર્ભ વિશે વાત કરી હતી, જ્યારે શ્રી પ્રદીપ ખાંડવાલા એ આ વિષયને મેનેજમેન્ટ સંદર્ભથી સમજાવ્યો હતો. છેલ્લે શ્રી પ્રબોધ પરીખે મનુષ્યત્વનો તાત્વિક સંદર્ભ જણાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બરાબર સવારે નવ વાગ્યે થઈ હતી.

dsc_4281આ બેઠકના પ્રથમ વક્તા શ્રી વિદ્યુતભાઈ જોશીએ પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વ વિશે શીખ્યો છું તો સાહિત્યકારો પાસેથી જ. કદાચ કોઈએ સૌથી સારી ‘મનુષ્યત્વ’ની વ્યાખ્યા કહી હોય તો એ નરસિંહ મહેતાએ કહી છે : ‘વૈશ્વવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે…..’ ક્યાંય એમણે માળા જપે કે મંદિર જાય એને ‘મનુષ્યત્વ’ નથી કહ્યું ! એમણે જે લક્ષણો ગણાવ્યાં છે એ નિતાંત sociological છે. ‘મનુષ્યત્વ’ની મુખ્ય બાબત એ છે કે આપણે ખરેખર માણસને પ્રેમ કરવો જોઈએ, પછી ભલે એના વિચાર ન યોગ્ય લાગે તો એના વિચારનો વિરોધ કરી શકીએ. પરંતુ ઘણી વાર આપણે તો માણસનો જ વિરોધ કરવા લાગીએ છીએ ! આપ જ્યારે વિચારોનો વિરોધ કરો છો ત્યારે સામી વ્યક્તિને ઊંચે ઊઠવામાં, એની શુદ્ધિમાં એને મદદ કરો છો.’

‘મનુષ્યત્વ, માણસાઈ, ઈનસાનિયત જે કહો તે એક જ છે. ‘મનુષ્યત્વ’ના ત્રણ જુદા અર્થો જોવા મળ્યા છે. પહેલો અર્થ ધર્મએ આપેલો છે. ખાસ તો મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મો વિશે વાત કરીશ. એમાં શેતાન અને ઈશ્વરની વ્યાખ્યા તો કરવામાં આવી, એમાં Good અને Bad સમજાવવમાં આવ્યા પણ એના માપદંડો ક્યા ? મારા માપદંડ એ સાચા માપદંડ – અને બધો ઝઘડો ત્યાંથી શરૂ થયો ! હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાને ‘મનુષ્યત્વ’ ગણવામાં આવ્યા. વ્યાખ્યા પહોળી કરી. તેથી વધુ સ્વીકૃત બની છે. સાહિત્ય મનુષ્યત્વનું વિવિધ રસમાં નિરૂપણ કરે છે. મેઘાણી હોય તો સંઘર્ષમાં મનુષત્વ દેખાડે, ર.વ. દેસાઈ હોય તો એ ગ્રામ વિકાસની વાતોમાં મનુષ્યત્વ બતાવે. જુદા જુદા લોકો જુદી જુદી રીતે કહે છે. સાહિત્યનો ‘શબ્દ’ અને સમાજશાસ્ત્રની ‘પદ્ધતિ’ આ બંને મળે તો સાચું મનુષ્યત્વ પામી શકાય. સાહિત્યકાર એટલે હું વીજળીના ચમકારે મોતી પરોવનાર સાચા સાહિત્યકારની વાત કરું છું.’

તેમણે વાતનો વિસ્તાર કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વ પમાય છે એના વર્તનથી જ. વ્યક્તિ એના વર્તનથી ઓળખાય. વર્તનને ત્રણ વિભાગમાં વહેંચાય છે : Psycology એના Individual Behaviour નો અભ્યાસ કરે છે. Sociology એ Institutionl Behaviour નો અભ્યાસ કરે છે. Anthopology છે એ Cultural Behaviour નો અભ્યાસ કરે છે. કોઈ પણ વ્યક્તિના વર્તનના વ્યક્તિગત, સમાજગત-સંસ્થાગત અને સાંસ્કૃતિગત એમ ત્રણ પરિમાણ હોય છે. સ્પષ્ટરીતે વર્તનમાં આ ત્રણેય પરિમાણો અલગ જોઈ શકાતા નથી. વિનોબાજીએ એક વાર કહ્યું હતું કે જ્યારે હું જલેબી ખાઉં છું ત્યારે હું મેંદો ખાઉં છું, ખાંડ ખાઉં છું…. એમ અલગ અલગ કહી શકાતું નથી. પણ મેંદો જરા કાચો રહી ગયો છે, ચાસણીનો તાર જરા વધારે થઈ ગયો છે એમ કહી શકાય. એટલે કે વિશ્લેષણની રીતે આ ત્રણેય પરિમાણોને અલગ પાડી શકાય પણ વાસ્તવિક રીતે આ ત્રણેય પરિમાણોને અલગ પાડી શકાય નહિ. આજે હું વાત કરીશ તે માત્ર કેટલાક સંસ્થાગત લક્ષણોને લઈને જ વાત કરીશ.’

‘મનુષ્યત્વની શરૂઆત ક્યાંથી થાય છે ? જન્મે છે ત્યારે તો માણસ કોરી સ્લેટ છે. સમાજશાસ્ત્ર એમ કહેતું નથી કે એ પૂર્વજન્મના કર્મો લઈને જન્મે છે કે નહિ કારણ કે એ સમાજશાસ્ત્રનો વિષય નથી. આમ ન જ હોઈ શકે તેમ સમાજશાસ્ત્ર કહેતું નથી પણ આ માપવાનો એનો ગજ નથી. તાનસેનને કોઈકે પૂછ્યું હતું કે તમે કેટલું સંગીત જાણો છો ? તો એમણે દરિયાકિનારાથી એક ટીપું લઈને કહ્યું હતું કે આટલું ! કઈ રીતે માણસ સજ્જન કે ગુંડો બને છે ? એના ઘટકો કયા છે ? હકીકતે બાળક કુટુંબમાં સામાજીકરણની પ્રક્રિયાથી શીખે છે. બોલચાલની ભાષા શીખે છે, માતાપિતાના વર્તનને એ જુએ છે અને અનુકરણ કરે છે. કુટુંબમાંથી શીખવાની પ્રક્રિયા થાય છે. કુટુંબમાં જે વલણો હોય એ બાળકમાં આવે એમ મહદઅંશે કહી શકાય. કદાચ એમ ન પણ બને ! કેવા વાતાવરણમાં બાળકને તમે મૂકો છો એનો સવાલ છે. જેમને મનુષ્યત્વ ખીલવવું છે એમને કુટુંબની સામાજિકરણની પ્રક્રિયાથી કામ શરૂ કરવાનું છે. અમે સમાજશાસ્ત્રીઓ આના દાખલા પણ શોધતા હોઈએ છીએ અને મેં એને લગતા બે દાખલા શોધી કાઢ્યા છે. એક અમલા-કમલાનો દાખલો અને બીજો વરુબાળ અને રામુનો દાખલો. અમલા-કમલા નામની બહેનો જંગલમાં છૂટી પડી ગઈ. બોલતા ન શીખી. Language is a social construct. ક્યાંથી શીખે ? શીખવાની તમામ ક્ષમતા હોવા છતાં એ ભાષા ન શીખી શકી. પશુપંખીઓના અવાજ કરતા શીખી. આખરે એ મનુષ્ય હતી. એમણે એ નહોતું શીખવાનું. પરિણામે એડજેસ્ટમેન્ટના પ્રોબ્લેમ થયા એમાં તે મૃત્યુ પામી પણ મનુષ્યત્વ ન મેળવી શકી ! એવો જ દાખલો વરુબાળનો. એક બાળક વિખૂટું પડી ગયું. વરૂએ એને ઊછેર્યું. મોટું થયું ત્યારે એક માણસના ધ્યાનમાં આવ્યું ત્યારે એ એકદમ દોડીને બચકાં ભરતા વરૂ જેવું વર્તન કરતું હતું. એને પકડીને શહેરમાં લઈ ગયા. એને મનુષ્યત્વના લક્ષણો શીખવવાની કોશિશ કરી પણ બહુ મોડું થઈ ગયું હતું. બાળક જો સમાજથી વિખુટું પડી જાય તો મનુષ્યત્વ શીખી શકતું નથી એના આ ઉદાહરણો છે.’

‘બાળક થોડું મોટું થાય એટલે કુટુંબની બહાર નીકળે. મિત્રો જોડે રમે. એને મિત્રોની અસર થાય. માતાપિતા કરતા મિત્રો અને પડોશીઓ વધારે વહાલા લાગે છે. એને નવું નવું શીખવા મળે છે. કુટુંબ સંસ્કારો ઓગળે અને વ્યાપક સંસ્કારો આવે. બાળક થોડું અસમંજસ થાય મૂંઝાય પણ ખરું કે આ સાચું કે તે સાચું ? કુટુંબવાળા સાચા કે મિત્રો કહે છે એ સાચું ? પડોશ કોનો છે અને કેવો છે એની પર બહુ આઘાર છે. પછી આવે છે શાળાની અને શિક્ષકોની ભૂમિકા. શિક્ષકોનો બહુ મોટો રોલ છે. ખાસ કરીને કોલેજના શિક્ષકોની બહુ છાપ નથી પડતી. પ્રાથમિક શાળાના શિક્ષકોની અમીટ છાપ બાળકના વર્તન પર હોય છે. એ એની કિશોર અવસ્થામાં હોય છે. એટલે જ કહેવાય છે કે બાળકને જો તમારે કંઈ પણ બનાવવું હોય તો એને બારમા વર્ષ પહેલાં પકડો. 15-16 વર્ષની વય પછી પકડશો તો તમે એના પર કોઈ સંસ્કાર ચઢાવી નહીં શકો. સાહિત્યકારો લખે છે ત્યારે એમના પ્રાથમિક શાળાના શિક્ષકોને વધારે યાદ કરે છે. કૉલેજના શિક્ષકોને કોઈ યાદ કરતું નથી. એ વિષય પર ઘણા સંશોધનો થયો છે. આ બધાને અંતે બાળક પોતાની ભૂમિકા ભજવવા તૈયાર થઈ જાય છે. એમાં વ્યક્ત થતું એનું વર્તન એ જ મનુષ્યત્વ. મનુષ્યત્વ એ સામાજિક નીપજ છે, એ જન્મથી નથી આવતું. જન્મથી તો કેટલીક ક્ષમતાઓ કે કૌશલ્ય હોઈ શકે પણ આ જે ઢોળ ચઢે છે તે મનુષ્યત્વ છે. મનુષ્યત્વ કંઈ લાકડીના મારથી શીખવી ન શકાય.’

‘જેમ જેમ સંદર્ભો બદલાતા જાય તેમ તેમ આપણા મનુષ્યત્વના ખ્યાલો પણ બદલાતા જાય છે. માણસ કોઈ એક વ્યક્તિ નથી, એ અનેક વ્યક્તિત્વનો સમૂહ છે. અનેક ભૂમિકાઓનો સમૂહ છે. એક માણસ એક જગ્યાએ જુદો હોય અને બીજી જગ્યાએ સાવ જ જુદો લાગે. બહાર નીતિની વાત કરનાર દુકાનમાં જઈને છેતરતો પણ હોઈ શકે. ખાદી પહેરનાર કેટલાક કુકર્મો કરનાર પણ હોઈ શકે. વ્યક્તિ જેવી જાહેરમાં દેખાય છે એ મનુષ્યત્વ નથી. કેટલીકવાર તો સાવ ઊંધું પણ હોઈ શકે ! વિજ્ઞાની ભક્ત પણ હોઈ શકે છે. એ મિશ્રણ ખોટું નથી. એ એના વ્યક્તિત્વના જુદા જુદા પાસા છે. માણસમાં પડેલા આ વિરોધાભાસને સ્વીકારીને માણસને માણસ તરીકે સ્વીકારવો રહ્યો. મનુષ્ય દેવ નથી. મનુષ્ય મનુષ્ય જ છે. જે કંઈ બધુ ખરાબ છે સારું છે એ એનું મિશ્રણ છે. આ સ્વીકારવું જ પડે. એ ન સ્વીકારો તો જગતમાં, કુટુંબમાં અને મિત્રોમાં ઘણા બધા પ્રશ્નો થાય. તમારા કરતા જુદું વર્તન કરે છે એનું પણ કંઈ કારણ હશે એમ માનીને સ્વીકારવું રહ્યું. સમજીએ નહીં ત્યાં સુધી કોઈ પ્રત્યે રોષ વ્યક્ત ન થાય. એની ટીકા ન થાય. માટે હું કહું છું કે વિચારની ટીકા કરો, માણસની ટીકા ન કરો. કેથેલિક સંપ્રદાયે એમ કહ્યું કે જેને કામ કરવું પડે એ બધા પાપી !! બ્રેડ-બટર મેળવવા પડે એ બધા પાપી અને કામ ન કરવું પડે એ બધા પુણ્યશાળી !! એટલે એ લોકોમાં એવું કહેવાયું કે છ દિવસ કામ કરો અને સાતમે દિવસે રવિવારે ચર્ચમાં જઈને માફી માગો. આ ખોટી વિચારધારા સામે માર્ટિન લ્યૂથર કિંગે બળવો કર્યો. એણે સુત્ર આપ્યું કે : Work is worship – કામ એ જ ધર્મ છે. એમાં જ ઈશ્વર દેખાવો જોઈએ. એટલે જ જે કેથલીક દેશો હતા એમનો બહુ વિકાસ ન થયો અને જે પ્રોટેસ્ટન્ટ દેશો હતા એ બધા વિકસિત બન્યા. ઈટાલી, સ્પેન, પોર્ટુગલ કેથલીક હોવાને લીધે પછાત રહ્યા. યુ.એસ.એ, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ બધા પ્રોટેસ્ટન્ટ થયા એટલે એ ડેવલપ થયા. એટલે ક્યા Norms તમે સ્વીકારો છો એના પર પણ ‘મનુષ્યત્વ’નો આધાર રહેલો છે.’

વધુમાં શ્રી વિદ્યુતભાઈએ જણાવ્યું હતું કે : ‘સમયે સમયે મનુષ્યત્વના ખ્યાલો બદલાતા રહ્યા છે. પહેલા માણસ દાન કરે, ધર્મ કરે તે મનુષ્યત્વ કહેવાતું. ફ્રાન્સની ક્રાંતિએ આ ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા અને ત્રણ સુત્રો આપ્યા : Liberty, Equality અને Fraternity. આ કરે તે મનુષ્યત્વ. આ બધા જ માટે. આ સંસ્કારો ધર્મ વિરોધી નથી કે અધ્યાત્મ વિરોધી પણ નથી. હવેના સંપ્રદાયોએ આ મૂલ્યો સ્વીકારવા જોઈએ. સમય બદલાય તેમ મૂલ્ય બદલાય. ધરમૂળથી બધું બદલાતું જ રહે. સૌરાષ્ટ્રમાં એક સમયે બહારવટિયાઓની બોલબાલા હતી. 1956 પછી ડાકુઓની સંસ્થા કેમ રહી નહીં ? સરકારે તો કોઈ પ્રયત્નો કર્યા નથી. પરંતુ એક માત્ર Land Reformના પગલા લીધાં અને ગીરાસદારી નાબૂદ થઈ અને એની સાથે સાથે બહારવટિયાઓની સંસ્થા પણ નાબૂદ થઈ ગઈ. મેઘાણી કહેતા એમ ‘ડોકું કપાય અને ધડ હાલે…’ એ બધી વાતો બંધ થઈ. એટલે હું ઘણીવાર કહું છું કે હું મેઘાણીની શૈલી સ્વીકારું છું, મેઘાણીના મૂલ્યો નથી સ્વીકારતો. હવે મનુષ્યત્વની વ્યાખ્યા તમે બદલશો કે નહીં બદલો ?’

‘હવે સ્થળ-સંદર્ભની વાત આવે છે. સ્થળ પ્રમાણે સંસ્કૃતિ બદલાતી રહે છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જુદી છે. કેમ ? માણસો તો ગુજરાત જેવા જ છે પણ અહીં સામાજીક સંદર્ભો જુદા છે. અહીં ગીરાસદારી પ્રથા હતી એટલે મારે જો મોટા માણસ થવું હોય તો બાજુના દશ ગામનો ધણી હોય એને મારીને એની જમીન આંચકી લેવી પડે. ગુજરાતના અન્ય પ્રદેશોમાં એમ નહોતું. ત્યાં રૈયતવાળી પ્રથા હતી. સ્થળ-સંદર્ભે બધું બદલાતું રહે. એક જગ્યા એવી છે કે જ્યાં તમારે મોટા થવા માટે બીજાને મારવો પડે છે અને બીજી જગ્યા એવી છે કે તમારે મોટા થવા માટે બીજાનો સહકાર કરવો પડે છે. આ બંને જગ્યાએ મનુષ્યત્વનાં લક્ષણો જુદાં જુદાં થાય છે. ઈ.સ1987-88માં સનત મહેતાએ મને એમ કીધું કે તું મને મહુવાની આસપાસના વિસ્તારમાં ડુંગળી બહુ થાય છે તો એની મંડળી બનાવી આપ. મને એનો અનુભવ હતો. તળાજામાં મિંટિગ કરી તો ફક્ત ત્રણ જણ હાજર. મેં પૂછ્યું કે કેમ ગામવાળા ના આવ્યા ? તો કહે કે માર ખાવા આવે !! તો મેં પૂછ્યું કે તો ક્યાં મિટિંગ રાખીએ તો ગામવાળા આવે ? તો તેઓ કહે સરતાનપરમાં મિટિંગ કરો. ત્યાં મિટિંગ કરી તો ત્યાં 150 જણ હાજર ! મારા એક મિત્ર માસુખ ભટ્ટ પણ હાજર હતા. એ ત્યાંના મુખ્ય કહેવાતા. મને કહે કે મારી ઘેર લાડુ ખાવા આવો. મેં એમને હા કહી. એમની ઘરે ગયો તો મને સૌથી પહેલા પાણીનો પ્યાલો આપ્યો. મેં કહ્યું કે પાણી નથી પીવું. એ કહે બ્રાહ્મણ દેવતા મારી ઘેર પાણી ન પીવે એ કેમ ચાલે ? તો મેં કીધું તમે મારું કામ ન કરો અને હું તમારું પાણી કેવી રીતે પીવું ? એમણે મને કહ્યું કે તમારે માટે લાડુ બનાવ્યા છે. મેં મોઢું ચઢાવીને કીધું કે તમારા લાડુ ખપે જ નહિ મને ! એ કહે મારા ઘરેથી બ્રાહ્મણ ભૂખ્યો જાય તે કેમ ચાલે ? જવાબમાં મેં કીધું કે તમારે ઘરેથી બ્રાહ્મણ દક્ષિણા લીધા વિના જાય એ પણ કેમ ચાલે ? છેવટે તેઓએ મને કહ્યું કે શું કામ છે બોલો ? તો મેં કહ્યું કે એક સહકારી મંડળી બનાવવાની છે…. આ તો જમાદાર વ્યક્તિ હતા. એમણે તરત બધાને કહ્યું કે અલ્યા… બધા અહીં આવો… અહીં સહી કરી દો. અગિયાર જણે શું કરવાનું છે એ જાણ્યા વિના સહી કરી દીધી અને મંડળી બની ગઈ !! આને હું ‘પદ્ધતિ’ કહું છું. સમાજશાસ્ત્રથી પદ્ધતિ જુદી જુદી જગ્યાએ જુદી જુદી હોય છે. સ્થળ બદલાય તેમ તેમ જુદી જુદી રીતે વર્તવું પડે. આ છે સ્થળ-સંદર્ભ.’

મનુષ્યત્વના અંતિમ પરિમાણ વિશે વાત કરતાં વિદ્યુતભાઈ જણાવ્યું હતું કે : ‘ચોથું આવે છે જૂથસંદર્ભ. જુદા જુદા જૂથોનો સંદર્ભ ‘મનુષ્યત્વ’ વિશે જુદો જુદો હોય છે. ક્ષ્રત્રિય તો યુદ્ધ જ કરે. જો એનામાં એ વૃત્તિ ન હોત તો રાજ્યો સચવાયા હોત ? એ એમ કહે કે હું તો અહિંસક જ રહીશ, તો શું થાત ? એ એનો ધર્મ હતો. વાણિયાએ ધંધો કરવાનો. ભીલોની લગ્ન પ્રથા મેં જાતે જોઈ છે કે એક ગામ બીજા ગામ પર હુમલો કરે અને છોકરીને ભગાડીને ચાલ્યા જાય. આને એ લોકો લગ્ન કહે ! આપણે જે સાત ફેરા ફરાવીને કરીએ એ લગ્ન કે પેલા લગ્ન ? તો કહેવું પડે કે બંને લગ્ન ! જુદા જુદા જૂથની અલગ અલગ પદ્ધતિઓ સમાજમાં સ્વીકારવી જ પડે. વૈવિધ્યને આપણે સ્વીકારીએ. મારું ‘મનુષ્યત્વ’ એ જ ‘મનુષ્યત્વ’ એવો આગ્રહ જતો કરીએ. આધિપત્યનો ખ્યાલ જતો કરીએ. અમારે સામાજીક સર્વેના ક્ષેત્રમાં એવા જુદા જુદા સર્વે પણ થાય છે કે જેમાં લોકોને પૂછવામાં આવે કે તમે લસણ ખાઓ છો ? ફલાણા સંપ્રદાયમાં જોડાતા પહેલા તમે લસણ ખાતા હતા ? પેલો કહે હા… અને હવે ખાઓ છો ? તો પેલો કહે ના… આવો ખોટો સર્વે કરનારા ફટ દઈને કહી દે કે ફલાણા સંપ્રદાયની આ સામાજિક અસર !! હકીકતે આવું કદી બનતું નથી. આવું છીછરું ‘મનુષ્યત્વ’ કદી હોતું નથી. એ તો અંદરથી ઊઠતો અવાજ છે. માણસોને ખરેખર તમારે બદલવા હોય અને એને તમારા મનુષ્યત્વ તરફ લાવવા હોય તો એક વિદ્વાને ત્રણ લક્ષણો જણાવ્યા છે. પહેલું લક્ષણ એણે એમ કહ્યું છે કે તમે માણસોને ચાહો. તમારે જેને બદલવો છે એને તમે ધિક્કારશો તો કેવી રીતે ચાલશે ? બીજું આવે છે કરુણા. સ્વાર્થનો સંબંધ નહીં, પણ કરુણાનો સંબંધ અને ત્રીજું લક્ષણ છે sharp intellcutal analysis. આખરે તો આપણે બધાએ એક એવી વ્યાખ્યા કરવી જોઈએ જેમાં મનુષ્યત્વની અંદર બધા સમાવિષ્ટ હોય.’

આ સંગોષ્ઠિના બીજા પ્રવક્તા શ્રી પ્રદીપ ખાંડવાલાએ મેનેજમેન્ટ સંદર્ભ અંતર્ગત ‘મનુષ્યત્વ’ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે : ‘મેનેજમેન્ટના પહેલા ત્રણ અક્ષર તો ‘મેન’ એટલે કે માણસ છે અને એ અંતર્ગત મારે વાત કરવાની છે મેનેજમેન્ટ અને મનુષ્યત્વના સંબંધ વિશેની. આ વ્યાખ્યાનમાં મારે મેનેજમેન્ટ વિશેના ખોટા ખ્યાલો દૂર કરવા છે અને મેનેજમેન્ટ કેવો પદારથ છે એ વધું સ્પષ્ટ કરવું છે. એના સંબંધની વાત કરવી છે. મેનેજમેન્ટ અને સાહિત્ય વિશે પણ થોડી વાત કરવી છે. ‘મનુષ્યત્વ’ શબ્દથી હું મનુષ્યના કોઈ દૈવીગુણોની વાત કરવા નથી માગતો. આ વ્યાખ્યાન પૂરતું મનુષ્યના દૈવી અને પાશવી એમ દ્વિસ્વભાવને હું ‘મનુષ્યત્વ’ ગણું છું. માણસ પેટ ભરવા પશુ-પક્ષીને હણી શકે છે અને રામાયણ પણ રચી શકે છે. મનુષ્ય હિટલર જેવો ક્રૂર પણ બની શકે છે અને કરુણા, વાત્સલ્ય, સ્થિતપ્રજ્ઞતા પણ દાખવી શકે છે. આને લીધે ‘સંજોગ’ અને ‘સંદર્ભ’નું મહત્વ બહુ વધી જાય છે. મેનેજમેન્ટ માટે સંજોગ અને સદર્ભનું ખૂબ મહત્વ છે. કોઈ પણ સંસ્થા હોય, એ પછી કંપનીથી લઈને આશ્રમ સુધી ગમે તે હોય, મેનેજમેન્ટની આવશ્યકતા સર્વમાન્ય છે. તો આ મેનેજમેન્ટ છે શું ? કેટલાક માટે પૈસા બનાવવાનું સાધન છે. પરંતુ કેટલાક એવા પણ છે જે મેનેજમેન્ટને ‘માનવ અને સંસ્થાવિકાસ’નું પ્રથમકક્ષાનું સાધન ગણે છે. કેટલાક એને કલા ગણે છે. આમ તો મેનેજમેન્ટ માનવનું સર્જન છે એટલે માનવના ગુણો કે અવગુણો મેનેજમેન્ટમાં પણ પ્રતિબિંબિત થવાના. એટલે જ મેનેજમેન્ટ વિકાસરોધક બની શકે અને વિકાસકારક અને રચનાત્મક પણ બની શકે છે. મેનેજમેન્ટની એક વ્યાખ્યા છે કે “સંસ્થાના ધ્યેયને પૂરી કરનાર એક વ્યવસ્થાપૂર્વકની સામૂહિક પ્રવૃત્તિ” આમ તો એ કીડીઓમાં અને મધમાખીઓમાં પણ છે. પરંતુ મેનેજમેન્ટ એનાથીયે વધુ વિકટસમસ્યાઓને હલ કરી શકે છે. એ ઘણું જટીલ છે.’

dsc_4294‘કોઈ પૂછે કે મેનેજમેન્ટની જરૂરિયાત શું છે ? તો તજજ્ઞો કહેશે કે મેનેજમેન્ટ સંસ્થાની એવી જવાબદારી માથે લે છે જે સંસ્થાનું કોઈ બીજું જૂથ નથી લઈ શકતું. મેનેજમેન્ટની પહેલી જવાબદારી છે સંસ્થાના લક્ષ્યો નક્કી કરવાની અને એને હાંસલ કરવા વ્યૂહનીતિ ઘડવાની. બીજી જવાબદારી છે ક્યા પદસ્થાનોએ આ વ્યૂહરચનાએ કયો ભાગ ભજવવાનો છે એ નક્કી કરવાની અને ત્રીજી જવાબદારી છે આ પદસ્થાનો માટે યોગ્ય મેનેજરો અને કર્મચારીઓને રોકવાની અને આ લોકોને એ જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર કરવાની. ચોથી જવાબદારી છે ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની યોજના ઘડવાની. પાંચમી જવાબદારી છે સંસ્થાની બધી પ્રવૃત્તિઓ વચ્ચે એકસુત્રતા સ્થાપવાની. છઠ્ઠી જવાબદારી છે સંસ્થાની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવાની. સાતમી જવાબદારી છે સંસ્થાના સભ્યોને ઉત્સાહિત કરવાની, માર્ગદર્શન આપવાની. આઠમી જવાબદારી છે બધા સ્ટૉક હોલ્ડરોને સંતુષ્ટ રાખવાની. નવમી જવાબદારી છે કેન્દ્રમાં ટકાવ અને નીતિયુક્ત વ્યવહાર રાખવાની. મેનેજમેન્ટ બધી જ જવાબદારીઓ પૂરી કરે છે માટે તેને કોઈપણ સંસ્થાનું હૃદય અથવા મગજ ગણવામાં આવ્યું છે.’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે : ‘તે બીબાઢાળ નથી. એનું ખૂબ મહત્વ છે. કેટલાક ઉત્તમ મેનેજમેન્ટો સાહસિક પણ હોય છે. ગુજરાતમાં રણછોડલાલ છોટાલાલથી માંડીને અંબાણી-અદાણી સુધીના મેનેજમેન્ટની પરંપરા રહી છે. ઘણી જૂની સંસ્થાઓ વહેવાર ડહાપણથી ધંધો ચલાવે છે તો બીજી બાજુ સરકારી ક્ષેત્રોમાં મેનેજમેન્ટ ખરું પણ એમાં જડતા જોવા મળે છે. ક્યાંક ખરા અર્થમાં મેનેજમેન્ટ હોય પણ છે. ક્યાંક ટીમવર્ક પર ભાર દેનારા ઓર્ગેનિક-મેનેજમેન્ટ પણ હોય છે. ઘણા નીતીને મહત્વ આપે છે જ્યારે ઘણા અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા હોય છે. ‘ટાટા જૂન’ અને ‘સત્યમ કમ્પ્યુટર’ આ વિરોધાભાસી મેનેજમેન્ટના નમૂનાઓ છે. કેટલાક આપખુદ હોય છે તો ક્યાંક એવા મેનેજમેન્ટો પણ છે જે સર્વસંમતિના નિર્ણયો લેવામાં માને છે. નીતિપ્રધાન મેનેજમેન્ટ વલણમાં મનુષ્યો અને પર્યાવરણ પ્રત્યેની કાળજી વર્તાય છે. જ્યારે નીતિ છોડે છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા માફિયા જેવું માનસ સર્જાવાનો ભય રહે છે.’

‘એ માત્ર કર્મચારીઓ અને મેનેજરોને જ પ્રભાવિત કરતું નથી, એના પ્રચાર માધ્યમથી ક્યારેક લાખો તો ક્યારેક કરોડો ગ્રાહકોને પણ પ્રભાવિત કરે છે. એમની અભિલાષાઓ અને મૂલ્યોને પણ ઘડે છે. જ્યારે મેનેજમેન્ટ ખોટો લાભ લેવા માગતું હોય ત્યારે લોકોને ખોટી દિશામાં વાળે છે. જ્યારે તે માણસની ઉમદા લાગણીઓ અને આદર્શોને ઉત્તેજિત કરે છે ત્યાર તે સાલસતા, પર્યાવરણનું જતન કરે છે. મેનેજમેન્ટના સંદર્ભમાં કંપનીઓની કેટલીક રચનાત્મક શક્તિના ઉદાહરણ આપું પણ તે પહેલા વિનાશકતાના ઉદાહરણ જોઈએ. એનું તાજુ ઉદાહરણ ‘સત્યમ કોમ્પ્યુટર’ છે. સિદ્ધાંતહીન લોભનું પ્રતીક ! અમેરિકાની ‘વર્લ્ડકોમ’ કંપનીએ પણ એમ કર્યું હતું. આવા ધબડકાઓમાં માત્ર શેરહૉલ્ડર પાયમાલ નથી થતા, સંખ્યાબંધ ગ્રાહકો અને વિક્રેતાઓને પણ નુકશાન જતું હોય છે. દર વર્ષે અમેરિકાની કંપનીઓની ઠગાઈના કિસ્સા બમણા થતા જાય છે. અન્ય કેટલાય મૂડીવાદી દેશોમાં ગૂના આચરતી કંપનીઓ પકડાઈ છે. મેનેજમેન્ટ જેટલું વિનાશક થઈ શકે છે એટલું જ રચનાત્મક અને ઉમદા હોઈ શકે છે. એની મનુષ્યત્વ અને સાલસતા તરફ વાળવાની શક્તિ પણ પ્રચંડ છે. એના અનેક દાખલા છે. દેશદેશાવરમાં છે. જાપાનની ‘ટોકિયો ઈલેક્ટ્રિક કંપની’ વિશ્વની સૌથી મોટી ઊર્જા ઉત્પાદન કરતી કંપની છે અને તેમણે પ્રદુષણ નિયંત્રણમાં ભારે સફળતા મેળવી છે. અમેરિકાની ‘જોન્સન ઍન્ડ જોન્સન કંપની’ની એક બનાવટમાં કોઈકે સાઈનાઈડ નામનું ઝેર ભેળવી દીધું. કંપનીએ બધો માલ પાછો ખેંચ્યો અને પાંચસો કરોડ રૂપિયાનું નુકશાન વેઠ્યું. એટલું જ નહિ, કંપનીએ પોતાના 2500 કર્મચારીઓને લોકોને સાવધાન કરવા રોક્યા. એનાથી વિપરીત એક બીજી અમેરિકન કંપનીની વર્તણૂંક જુઓ. એને પણ એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું ત્યારે એક જ શહેરમાંથી દવા પાછી ખેંચી અને લોકોને સાવધાન કરવા કશો પ્રયત્ન કર્યો નહિ. ભારત ઈલેક્ટ્રિકલ (ભેલ) કંપનીએ વીસ લાખ ઝાડોનું રોપણ કર્યું અને પોતાનો ફાળો આપ્યો. કેટલાય ખાનગીક્ષેત્રના નાના એકમો છે જેમણે નફા કરવાની સાથે સાલસતા પણ બતાવી છે. ઘણી કંપનીઓ પોતાના નફાનો અમુક ભાગ ધર્માદામાં પણ વાપરે છે, ઉત્કર્ષલક્ષી ચળવળોમાં ભાગ પણ લેતી હોય છે. સાલસતા અને નફાવૃદ્ધિ એકબીજાના વિરોધી નથી. આપણા દેશમાં પણ ખાનગીક્ષેત્રે ઘણી કંપનીઓ છે જેમણે ગરીબી નિવારણ, નિરક્ષરતા નિવારણ અને ટકાઉ વિકાસક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. અંબુજા સિમેન્ટે 2001 સુધીમાં 30,000 બાગયતી ખેતીના એકમોને મદદ કરી હતી, 3 હોસ્પિટલો બનાવી હતી. આદિત્ય બિરલાએ 100 ગામોને પાણીપૂરવઠા અને અક્ષર તાલીમ માટે મદદ કરી હતી. ટાટા સ્ટીલની ગરીબી નિવારણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે સિદ્ધિઓ જાણીતી છે. એના પ્લાન્ટની આસપાસ રહેતા લાખો આદિવાસીઓના જીવન ઉજાગર કર્યા છે.’

‘મેં મારા એક પુસ્તકમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે કંપનીઓ સાલસતા સાથે નફો કરી ન શકે ? એમાં ઘણા સંશોધનોનો સહારો લીધો અને ઘણા રીપોર્ટ જોયા. 100 જેટલી કંપનીઓના ઉદાહરણ લીધા કે જે સારો નફો કરતી હતી અને જે એક યા બીજી રીતે સાલસ વર્તાવ પણ કરતી હતી. આ પુસ્તકમાં સાલસતાના છ પથ વર્ણવ્યા છે. દાન, સમાજઉત્કર્ષ, નીતિમત્તા, સારા ઉદ્યોગના વિકાસ માટેનો પ્રયત્ન જેથી પ્રતિસ્પર્ધીઓનો પણ વિકાસ થાય, સંસ્થાકીય લોકશાહી અને સંસ્થાકીય આદ્યાત્મિકતા. આ પથને મનુષ્યત્વ સાથે સીધો સંબંધ છે. એને આપણે ટૂંકમાં જોઈએ :

[1] દાન : દાન પુરાણી પ્રણાલી છે. મોટે ભાગે તે શ્રીમંતો કરતા. હવે કંપનીઓ કરી રહી છે. બ્રિટનની કંપનીઓ 1% ભાગ દાન કરે છે.

[2] સામાજિક જવાબદારી : ટકાઉ વિકાસ, ગરીબી નિવારણ, દેશ વિકાસ, સમાજ કલ્યાણ એ સામાજિક જવાબદારી છે. સંસ્થાઓએ સામાજિક જવાબદારીઓ સ્વીકારીને ઋણ ચૂકવવાનું હોય છે. ગ્રામીણ વિસ્તારમાં રસ્તા બનાવવા, પાણીની વ્યવસ્થા અને શિક્ષણ તથા પ્રાથમિક સારવારની જોગવાઈ કંપનીઓએ કરી છે.

[3] નીતિમત્તા : નીતિનો પ્રશ્ન મહત્વનો છે. ધંધાકીય નીતિનું અમેરિકામાં ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. કંપનીઓ આચારસંહિતા બનાવતી હોય છે. કંપનીઓને મોટા પાયા પર આચારસંહિતાની તાલીમ આપતી હોય છે. એમાં ધર્મ પણ એક મોટો સ્ત્રોત છે. આપણે ત્યાં ઘણી કંપનીઓ છે જે ગીતાના આદર્શો સાથે આચરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

[4] ઉદ્યોગોના સર્વ એકમોનો વિકાસ : વિકાસ એવો હોવો જોઈએ કે જેની સાથે પ્રતિસ્પર્ધીઓનો પણ વિકાસ થવો જોઈએ. બિરલા, અંબાણી વગેરે જૂથોએ ઘણી તકનીકી સંસ્થાઓ સ્થાપી છે જેનો લાભ ઉદ્યોગોના દરેક એકમને ઉપલબ્ધ છે. સહકાર વધારી સરકારી નીતિઓ બદલવાનો પ્રયાસ કરવો જેથી આખા ઉદ્યોગજગતને ફાયદો થઈ શકે.

[5] સંસ્થાકીય લોકશાહી : આ સરકાર અને સહકારી મંડળીઓમાં વધારે પ્રચલિત છે. ધંધાકીય એકમોમાં તેનું ઓછું પ્રમાણ છે. ધંધામાં પણ લોકશાહીના સિદ્ધાંતો અમલમાં મૂકવાનો પ્રયાસ થઈ શકે. આ પ્રયાસોમાં એક છે કર્મચારીઓનો નિર્ણય લેવામાં ભાગ લેવો. ટાટા-સ્ટીલ કંપનીએ એનો બહુ ઉપયોગ કર્યો છે.

[6] સંસ્થાકીય આધ્યાત્મિકતા : ધંધામાં આધ્યાત્મિકતા આમ તો ખાસ જોવા નથી મળતી પણ એના થોડા દાખલા છે અને રસપ્રદ છે. જાપાન અને અમેરિકામાં એવી કંપનીઓ મળી આવી છે જે પોતાનું કામ પ્રાર્થના પછી શરૂ કરે છે. એવી પણ કંપનીઓ છે જેમાં સામુહિક ધ્યાનનો પ્રયોગ થઈ રહ્યો છે.

અંતમાં શ્રી પ્રદીપભાઈ જણાવ્યું હતું કે : ‘કંપનીની સાલસતા લાંબાગાળે નફાની પોષક છે. અનેક અભ્યાસો બાદ મેં નોંધ્યું છે કે સામાજીક કાર્ય કરતી કંપનીઓ સામાજીક કાર્ય નહિ કરતી કંપનીઓ કરતાં અનેક ઘણી આગળ છે. પ્રદૂષણ વગેરે ઘટાડવાની વાતને વળગી રહે તો કદાચ નફો ઘટે, પરંતુ એમાંથી મેનેજમેન્ટનો ઉપયોગ કરીને રસ્તો કાઢે તો નફો પણ વધે અને પ્રગતિ પણ થાય. સાલસતા નફાવર્ધક છે એ કંપનીઓએ સમજી લેવું જોઈએ. મેનેજમેન્ટ અને સાહિત્યનો શું સંબંધ ? સાહિત્ય માણસને ઘડવામાં મદદરૂપ થાય છે. સંસ્થાએ સંદર્ભનો કોશ છે. સર્જનને યાદ બનાવવામાં સંદર્ભનું મોટું પ્રદાન છે. મેનેજમેન્ટની જે પ્રગતિ થઈ છે, ફેરફરો થયા છે, સામાજીક કાર્ય થયું છે તેની સાહિત્ય ક્ષેત્રે નોંધ લેવી જોઈએ. મેનેજમેન્ટના ગુણગાન ગવાય એવું સાહિત્ય સર્જવાનું હું નથી કહેતો પણ આ બધા સારા પરિબળો આપણે સાહિત્યમાં ભૂલી જવાના ? સાચા ‘મનુષ્યત્વ’ના સર્જનમાં મેનેજમેન્ટનો ઘણો ફાળો છે.’

આ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી પ્રબોધભાઈ પરીખે ‘મનુષ્યત્વ’નો તાત્વિક સંદર્ભ ખોલી આપ્યો હતો. તેમણે પોતાના વિષયની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘મનુષ્યત્વની વ્યાખ્યા કરતાં… એના લક્ષણો બનાવતા… આ માણસ હોવું એટલે શું ? અન્ય મનુષ્ય વચ્ચે માણસ હોવું એટલે શું ? અને એ પણ આ પૃથ્વી પર પંચમહાભૂતોની વચ્ચે આ અનંત સૃષ્ટિમાં માણસ હોવું એટલે શું ? ભર્યા ભર્યા બ્રહ્માંડની વચ્ચોવચ્ચ માણસ હોવું એટલે શું ? અને એ પણ આકસ્મિકપણે જન્મ અને મૃત્યુના બે રહસ્યો વચ્ચે હોવું… અને આ ‘હોવું’ એટલા માટે છે કે હું સભાન છું. શેનાથી સભાન છું ? હું અપૂર્ણતાથી સભાન છું. ‘કાલબોધ’ અને ‘મૃત્યુબોધ’થી સભાન છું. મનુષ્યનું એક અનન્ય લક્ષણ છે કે એ પોતાને જ પ્રશ્નરૂપે જોઈ શકે છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં વિહરવાની મનુષ્યની શક્તિ, પોતાનાથી જ વિસ્મય પામવાની શક્તિ, અસ્તિત્વના હોવાપણાથી આશ્ચર્યચકિત થવાની સંવેદના અતિપ્રાચીનકાળમાં રખડતી માનવ ટોળકીમાં સંવેદનારૂપે કઈ રીતે ક્યારે પ્રગટ થઈ હશે ? ક્યા સંસ્કારકોશોમાં તે અંકાઈ હશે ? આ કૂતુહલનો વિષય થયો. પ્રાચીન શ્લોકો, ચિત્રો અને પ્રાર્થનાઓ – મનુષ્ય સર્જિત અભિવ્યક્તિઓ દ્વારા જ મને ખબર પડી છે કે હું સભાન છું, સચેતન છું સતર્ક છું અને મારી જાતને પ્રશ્નરૂપે જોઈ શકું છું.’

dsc_4315‘મનુષ્ય આચાર-વિચારશીલ પ્રાણી છે તે વેદ-વેદાંત દર્શનોમાં આપણે જોઈ શકીએ. માણસને પોતાને પ્રશ્ન પૂછવાની, અંદર પ્રવેશવાની ચાવી છે એના ‘ઈતિહાસબોધ’માં. શું એવું કોઈ લક્ષણ મળી આવે જે આપણને સભાન કરે કે સચેત કરે ? તો એક સમજવા માટે નામ આપું છું ‘અસ્તિત્વબોધ.’ અને ત્યાંથી પ્રગટે છે આપણા સૌની ચિંતનયાત્રા. તો આ અસ્તિત્વબોધ શું છે ? આ મનુષ્યનું એવું લક્ષણ છે જે એને પોતા સામે પ્રગટ કરે છે. આ પૃથ્વી પર નદીનાળા, પર્વતો વગેરેની પ્રગટ થવાની, હોવાની અનેક ઈતિહાસ કથાઓ છે. આખી જડ-ચેતન સૃષ્ટિથી જગત ભરેલું પડ્યું છે. મનુષ્ય પણ તેમાંનો એક છે. પરંતુ મનુષ્યનું હોવું આ અન્યના હોવાથી મૂળભૂત રીતે અનન્ય છે. એ અસ્તિત્વબોધના રૂપમાં મનુષ્ય છે. દરેક પ્રદાર્થોના ગુણધર્મો છે. એ જ્ઞાનનો અને અનુભવનો વિષય છે. પરંતુ મનુષ્યનું હોવું, વ્યક્તિત્વનું હોવું, એનું વિશેષ એ છે કે પોતાના વિશે આશ્ચર્ય અનુભવે, વિસ્મયરૂપે કે મૂંઝવણરૂપે તે આશ્ચર્ય અનુભવે છે. મનુષ્યને જેમ અસ્તિત્વબોધ છે તેમ શૂન્યબોધ એટલે કે મૃત્યુબોધ છે. આ અસ્તિત્વબોધ અને મૃત્યુબોધ વચ્ચે પોતાના ‘હોવા’ વિશે મનુષ્યને એક વિશિષ્ટ સમજ છે અને એ છે ‘દુ:ખબોધ’. દુ:ખબોધથી ત્રણ લક્ષણો સુચિત થાય છે. એક તો આપણું હોવું ‘અનિત્ય’ છે, બીજું આપણું હોવું એ ‘અનાત્મ’ છે. અને ત્રીજું આપણું હોવું એ ‘દુ:ખમય’ છે. દુ:ખમય એટલા માટે કારણ કે વ્યક્તિને જન્મ છે અને મરણ છે. એ શક્યતા નથી એ તો ઘટના છે. અસ્તિત્વબોધથી પ્રગટેલી, મૃત્યુબોધથી જાગેલી અને દુ:ખબોધને અનુભવતી તથા ચોથી વાત ‘આનંદબોધ’ને ઝંખતી આ મનુષ્યતા છે. આ થયો મનુષ્યત્વના લક્ષણોની યાદીનો એક નકશો. આ ચારેય બોધ એના પૃથ્વી પર હોવાથી, પૃથ્વી પરના સંબંધોથી અને એ સંબંધોમાં થતા ગરબડોની ઈતિહાસથી આ બને છે. એથી આ ચારેય બોધને મારે આપની સમક્ષ માત્ર એક બોધ દ્વારા રજૂ કરવા છે અને એ છે ‘ઈતિહાસબોધ’.

‘શું આપણામાં એવી કોઈ શક્યતાઓ છે કે જેથી આપણે પોતાને દેશ, કાળ, સંપ્રદાય વગેરેથી અલગ કરીને પોતાના ‘હોવા’ વીશે જાણી શકીએ ? મનુષ્યત્વ વિશે વિચારી શકીએ એવો પ્રદેશ કોઈ એકાંતમાં કે કુરુક્ષેત્રમાં કે ભરચક રેલ્વેસ્ટેશન વચ્ચે હોય ખરો ? પણ ન હોય, કારણ કે શ્રુતિઓ વિભિન્ન છે, કોઈ પણ ઋષિનો મત ભિન્ન છે, ધર્મનું તત્વ ગૂઢ છે. છેવટે મહાપુરુષોના પંથે આપણે ચાલીએ છીએ. મનુષ્યજીવનને કેમ જાણીશું ? જીવ, જગત અને ઈશ્વર એ તત્વજ્ઞાનના ત્રણ પ્રશ્નો છે એમ પંડિત સુખલાલજી કહે છે. હું કહું છું કે એક જ પ્રશ્ન છે : જીવ ! બે મનુષ્ય વચ્ચેનો સંવાદ એ તત્વજ્ઞાનની એક ભૂમિકા છે. જે અર્થમાં સઘળા પ્રદાર્થો ચોક્કસ ગુણધર્મ સાથે આ પૃથ્વી પર છે તે અર્થમાં મનુષ્ય નથી. કારણ કે વૃક્ષો કે પર્વતોની જેમ મનુષ્ય નથી. એ માત્ર એના સભાન અને સ્વઓળખથી જ છે. એટલે જ એના વિશેનો સંવાદ મનુષ્યના ઈતિહાસમાંથી જ મળે. કઈ રીતે એણે સંબંધો બાંધ્યા, કઈ રીતે એ રહ્યો એ બધુ જાણીને જ મનુષ્યત્વના ગુણધર્મને જાણી શકાય.’

‘મનુષ્યએ પોતાની ઓળખ વ્યાકુળતા દ્વારા આપી છે. કૃષ્ણ કહે છે તેમ મારી પાસે જે ચાર જણ આવે છે એમાં પહેલો છે આર્ત એટલે કે દુ:ખી. કદાચ પહેલી વાર આ પૃથ્વી પર એવું થયું હશે ત્યારે મનુષ્ય ભયભીત થઈ ઊઠ્યો હશે. શ્રુતિઓ ગાઈ ઊઠ્યો હશે. મનુષ્ય તરછોડાયો છે, દુભાયો છે અને ક્યાંક અચાનક આવી પડ્યો છે એવી લાગણી એને થઈ હશે. એને એમ થયું હશે કે આ સૃષ્ટિ અને આ હું છું એની વચ્ચે કેમ કંઈ મેળ નથી ? શક્ય છે કે ટાગોરની જેમ માનવી વિશ્વમાનવીની અનુભૂતિને પણ અનુભવી શકે. જરાક ચિંતન કરતાં મનુષ્યત્વની કેટલીય છબીઓ આપણી આંખ સામે ભાંગી પડતી તરવરી ઊઠે છે. પણ છતાં આપણે તેને વળગી રહીએ છીએ. જનસમુહને કરુણાથી જોનાર જ અત્યાચાર અને હિંસા સામે ક્યારેક આંખમીંચાણા કરી લેતો હોય છે. હત્યાના તાંડવ પછી બેચન બનીને તે સાધુ-સંતો મુલ્લા-મૌલવીઓને વ્યાકુળ હૃદયે પૂછી નથી શકતો એવો આ મનુષ્ય કોણ છે ? જે આદર્શોના પાઠ તમે ભણો છો તે કેમ અહીંયા ગેરહાજર છે ? મારા શહેર, નગર, દેશ અને પૃથ્વી પર આ બધું કેમ ગેરહાજર છે ? કેમ એ આદશો, મહાત્મા ગાંધીજીના વ્રતો અને સંવાદની વાતો આ વાતાવરણમાં પ્રત્યક્ષ નથી ? ગાંધીજીને એમના છેલ્લા વર્ષોમાં આ અનુભવ બહુ ઉત્કટતાથી થયો હતો. આ સભાનતાથી ગાંધી કરુણ સ્વરે વારંવાર રોઈ પડતા અને કહેતા કે મારું આખું જીવન નિષ્ફળ ગયું.’

‘અન્ય જેમાં મારી સ્વની ખોજ છે અને સ્વ જેમાં મારી અન્યની ખોજ છે – પ્રેમની આ સાદીસીધી વ્યાખ્યા છે. પ્રીતિ, મૈત્રીની આ વ્યાખ્યા છે. મનુષ્યત્વની આ વ્યાખ્યા છે. મહાભારતના અનુશાસન અને શાંતિપર્વમાં વિગતવાર વ્યક્ત થયેલી આ વ્યાખ્યા છે. યુદ્ધિષ્ઠિર ધર્મ અને અધર્મનો ભેદ જાણવા માગે છે અને ભીષ્મ કહે છે કે એ સરળ છે કે જ્યાં મૈત્રી પ્રેમ છે ત્યાં ધર્મ છે. જ્યાં તે નથી ત્યાં અધર્મ છે. ચિંતન અને મનન વ્યક્તિને સજાગ અને સભાન કરે છે. એથી જ સ્વને અન્ય તરીકે અને અન્યને સ્વતરીકે જાણી અને પામી શકાય છે. એ બનશે ત્યારે મારો દુ:ખબોદ, શૂન્યબોધ, અસ્તિત્વબોધ, આનંદબોધ એક સાથે જાગી ઊઠશે. શું મનુષ્ય આ બધા બોધનો મર્મ આ ક્ષણે જાણી શકે ? હા ચોક્કસ જાણી શકે. એ આચરણ કરવા માટેની શક્યતા ઈતિહાસમાં છે.’

પોતાના વક્તવ્યના સમાપનમાં તેમણે કહ્યું હતું કે : ‘આચાર્યો, ગુરુઓ, સત્સંગ, મંદિરો-દેરાસર કે મસ્જિદોની ખોટ નથી. તો પછી ક્યાં શું ખૂટે છે ? જો બધી જ સગવડ છે, બધી વ્યવસ્થા છે, બધી સમજણ છે, બધા જ શાસ્ત્રો છે તો ક્યાં શું ખૂટ્યું ? જેને કારણે મારા મનુષ્યત્વમાં કશુંક ખૂટ્યું ? એની મને સમજ આવી. એનો મને ડર લાગ્યો. કશુંક તો છે. મહાત્માગાંધી કહે છે કે તું એના માટે બોલ જે બોલી નથી શકતા, જેને ઘા લાગ્યો છે પણ જે કહી નથી શકતા, જે પીડીત છે. એને કેન્દ્રમાં રાખીને બોલીશ તો તારું મનુષ્યત્વ સાર્થક થશે. એ બધું આપણા હૃદયમાં પ્રગટ થાય અને ફરીથી પાછું આપણે ઈતિહાસબોધ થી આનંદબોધની યાત્રા કરી શકીએ. આ તમામ બોધને વટાવીજનારી મનુષ્યની જો કોઈ ઓળખ હોય તો એ છે ‘શબ્દબોધ’. રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ મારું અંતર વિકસિત કરો. એને જગાડો. એને પ્રવૃત્ત કરો. એને નિર્ભય કર. પ્રમાદ વિના સંશયરહિત કર. એને સર્વ સાથે જોડ. એને બંધનમાંથી મુક્ત કર. મારા બધા જ કર્મોમાં તારા શાંત લયનો સંચાર કર. એને સતત કાયમ માટે આનંદિત કર. આખરે એ જ તો મનુષ્યત્વ છે.’
.

[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-6]

ત્રીજા દિવસની સાંજની બેઠકનો વિષય હતો : કાવ્યાયન; જેનું સંચાલન ડૉ. રઈશ મનીયારે કર્યું હતું. આ બેઠકમાં કુલ છ કવિઓએ પોતાની ઉત્તમ રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી હરિકૃષ્ણ પાઠક, શ્રી જવાહર બક્ષી, શ્રી દલપત પઢિયાર, શ્રી ભરત વિંઝુડા, શ્રી રાજેન્દ્ર પટેલ અને ડૉ. રઈશ મનીયારે કાવ્યપઠન કર્યું હતું. આ બેઠકમાં પઠન કરાયેલા કેટલાક કાવ્યો અને ગઝલોનો આપણે સ્વાદ માણીશું, જે નીચે પ્રમાણે છે :

[1] રાજેન્દ્ર પટેલ

dsc03476એક છેડેથી બીજા છેડે કપડાં
સૂકવવાંની દોરી બાંધી છે
સૂકાતાં કપડાં માંથી
ગઈકાલનો સ્પર્શ ટપકે ટપક… ટપક…
વહી ગયેલાં સમયમાંથી
સ્મૃતિ ટપકે ટપક… ટપક…
બાપુજીના કપડાંની બાદબાકીથી
કપડાં સુકવતી માની આંખમાંથી
ભીની એકલતા ટપકે ટપક… ટપક…
ક્યારેક કપડાં સૂકાતાં ન હોય ત્યારે
ખાલી દોરી પર પંખી બેસે
અને મનમાં શૈશવ ટપકે ટપક… ટપક…
ક્યારેક લંબાયેલા હાથને
ન મળે કશો આધાર અને
બધીયે હસ્તરેખાઓ ટપકે ટપક… ટપક…
દોરી પર જે કપડાં સૂકાય છે
તેમાં સચવાયેલો ભેજ અમને
બાથ ભરી ટપકે છે સતત ટપક… ટપક…
.

[2] ભરત વિંઝૂડા

dsc03477હાથમાં હાથ મિલાવેલી દૂરતાનું શું ?
ભીડમાં ઘેરી વળે છે તે શૂન્યતાનું શું ?

જો તમે એમ કહો છો સમાનતાનું શું ?
તો ભીંત પર છે એ છબીની મહાનતાનું શું ?

તું કહે માંગ પરંતુ કશું ન માગું હું
બેઉ બાજુની નરી આ ઉદારતાનું શું ?

ક્યાં સમાઈ શકું છું હું હજી બે ગજમાં
ને કરું યત્ન તો મારી વિશાળતાનું શું ?

એ જુએ છે ને કહે છે બધું જ સુંદર છે
હું કહું એમ, તો મારી સભાનતાનું શું ?
.

[3] ડૉ. રઈશ મનિયાર

dsc_4400ન ભોમિયા ન તો નકશા લઈને રખડું છું
લપેટી પગમાં હું રસ્તા લઈને રખડું છું

તલાશ છે મને મારી સળંગ હસ્તીની,
હું મારા અંશો અધૂરા લઈને રખડું છું

રખડપટ્ટીને હું પ્રવાસો ગણું છું
અડચણ નડે તો વિસામો ગણું છું

પડું છું હું તેથી જ ભોંઠો ને ખોટો
હું પ્રત્યેક માણસને સાચો ગણું છું

જીતે જે સતત તે જીવનને શું જાણે ?
પરાજિતને તો હું સવાયો ગણું છું

દિવસભરની ઘટમાળ જાણે મુકદ્દમો,
ને નિંદરને હું તો ચુકાદો ગણું છું

બધી માન્યતાઓ ફગાવ્યા પછી જે
વિચાર આવે એને ઈરાદો ગણું છું

બિમારી બધાની હું ક્યાં ગણવા બેસું
મને આવડે એ ઈલાજો ગણું છું

.

[4] દલપત પઢિયાર

dsc_4408મન તારે મુંઝાવું નહીં
જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ
મન તારે મુંઝાવું નહીં

ઘરમાંની દાઝેલી વનમાં જ્યાં ગઈ
ત્યાં વનમાં પણ લાગેલી લાય
જઈ જઈને કેટલે આઘે જવું
પડછાયા પાછા ના જાય
કે’છે કે અજવાળું સાથે આવે
બાકી બધું અહીંનું અહીં

મન તારે મુંઝાવું નહીં.
જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ
મન તારે મુંઝાવું નહીં.

ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોકરું
બળદની ડોકેથી ઊતરે ના જોતરું
પૂછે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને
ચલણ તો ચોખાનું બાકી બધું ફોતરું
સોનાની હોય તોય જાળ અંતે જાળ છે
માછલીએ મરવાનું મહીં

મન તારે મુંઝાવું નહીં.
જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ
મન તારે મુંઝાવું નહીં.
.

[5] જવાહર બક્ષી

dsc_4410અજવાળાનો આવો શું નુસખો કરવાનો ?
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો ?

સબંધો અને સંજોગો તો પડછાયા છે
પડછાયા પર શુંય વળી ગુસ્સો કરવાનો ?

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં
અહીં તો સ્વપન વચ્ચેથી રસ્તો કરવાનો

એ જાણે છે એનું રૂપ બધે નીખર્યું છે
તોય નિયમ ક્યાં તોડે છે પડદો કરવાનો
.

[6] હરિકૃષ્ણ પાઠક

dsc_4413સાધુની તાંબડીમાં ઢોકળાનો લોટ
એનો મહિમા તો એન કંઈ ભારી
એમાં તો સાગમટે હલક્યું છે ગામ
જાણે અવરસની ઊઘલી સવારી

સાધુનો બોલ ખરો સાધુનો હોય
કહો એને તો કોણ રે ઉથાપે
ઘેર ઘેર ઘંટી ને ઘંટ લે દળેલ
સૌ ચપટીક ચપટીક રેણ આપે

ઢોકળાનો લોટ નથી ભેગટ કે ભેળસેળ
સૌનો સમાસ કરી ચાલે
પહેલા વરસાદથી ફોરમતી ધરતીનો
ધૂળિયો ઉલ્લાસ લઈને મ્હાલે

બાજરી જુવાર વળી બંટીને બાવટો
ઘઉં ને ચણાની ચઢે પીઠી
ને ખાટુડી છાશનો જો આથો ચડ્યો
એની મીઠપ ન જાય ક્યાંય દીઠી

આંગળી અડાડે ભલે કકરો લાગે
એની મ્હાંયલી મીઠાશ તો દુલારી
સાધુની તાંબડીમાં ઢોકળાનો લોટ
એનો મહિમા તો એન કંઈ ભારી

ત્રીજા દિવસની રાત્રી બેઠક ‘રામવાડી’ ખાતે યોજાઈ હતી, જેની અંતર્ગત સુશ્રી મુક્તા જોશીએ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તદુપરાંત, અનેક નવોદિત કથક તાલીમ લેનાર વિદ્યાર્થીનીઓએ પોતાના સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.
.

[ચોથો દિવસ : શ્રી હનુમાન જયંતિ : હનુમંત એવોર્ડ અર્પણવિધિ]

અસ્મિતાપર્વનો અંતિમ દિવસ એટલે શ્રી હનુમાન જયંતી. શ્રી ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે સવારે બરાબર નવ વાગ્યે કાર્યક્રમનો આરંભ થયો હતો, જેમાં કુમારી આહુતિએ નૃત્યુ પ્રસ્તુત કર્યું હતું અને ત્યારબાદ ઘટકમ-વાદન કલા રજૂ કરવામાં આવી હતી. એ પછી ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ અપાતા ‘હનુમંત એવોર્ડ’ની અર્પણવિધિ યોજાઈ હતી. આ વર્ષે સિતારવાદન માટે પંડિત રવિશંકરજીને શાસ્ત્રીય વાદ્યસંગીત અંતર્ગત ‘હનુમંત એવોર્ડ’ થી સન્માનવામાં આવ્યા હતા. શાસ્ત્રીય નૃત્ય કથક માટે સુશ્રી રોશન કુમારીજીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો તથા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્યસંગીત માટે સુશ્રી કિશોરી આમોનકરને ‘હનુમંત એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. આ વર્ષથી ચિત્રકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં ‘કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણવિધિ’ની શરૂઆત થઈ હતી જેમાં સૌપ્રથમ વખત ચિત્રકલા માટે ‘કૈલાસ લલિતકલા એવોર્ડ’ શ્રી જેરામ પટેલને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ એવોર્ડ ગુજરાતના જાણીતા સાહિત્યકારોના હસ્તે અપાયા હતા તેમજ પૂ. બાપુ દ્વારા દરેક મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું જેનો સાર નીચે મુજબ છે :

लोकाभिरामं रणरंगधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् |
कारुण्यरूपं करुणाकरं तम् श्रीरामचंद्रम् शरणं प्रपद्ये ||
मनोजवं मारुत तुल्यवेगं, जितेन्द्रियं, बुद्धिमतां वरिष्ठम् |
वातात्मजं वानरयुथ मुख्यं, श्रीरामदुतं शरणम प्रपद्धे ||

dsc035361વક્તવ્યનો આરંભ કરતાં પૂ.બાપુએ જણાવ્યું હતું કે : ‘કૈલાસ ગુરુકુળમાં છેલ્લા બાર વર્ષથી અસ્મિતાપર્વનું આયોજન થાય છે તે હનુમાનજીના ચરણોમાં અર્ધ્યના રૂપમાં કરવામાં આવે છે. મને એમ લાગે છે કે ત્રણ દિવસનો આ ‘શબ્દયજ્ઞ’ હતો અને આજે એનું અવભૃથ સ્નાન છે. નૃત્ય, ગીત, વાદ્ય, સાહિત્ય વગેરે આ શબ્દયજ્ઞનો એક ભાગ હતા. તેથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. ખરેખર મને એમ લાગે છે કે હનુમાનજીના ચરણોમાં હવે શું રજૂ કરું ? હનુમાન જયંતી એટલે ચૈત્રી પૂર્ણિમા અને પૂર્ણિમા રાત્રીએ હોય છે. સાક્ષાત્કારના જગતમાં લગભગ બધા જ મહાપુરુષોને સાક્ષાત્કાર રાત્રીના સમયે થયો છે. માફ કરજો પણ સાધનામાં અજવાળું બાધક છે. એ એકાંત અવસ્થાનું વિધ્ન છે. રામજી ભલે દિવસે આવ્યા પણ એમની ખરી મુલાકાત તો રાત્રીમાં જ થતી હોય છે. દિવસે પણ રાત્રીને અનુભવવાની હોય છે. એટલે જ આ પૂર્ણિમા રાત્રીનો સંકેત કરે છે. તો આ બધી કલા-સાહિત્યથી હનુમાનજી વધારે ખુશ થાય એ જ એક માત્ર તમન્ના છે એમ હૃદયથી કહું છું. મારે એની પાસે કંઈ અષ્ટસિદ્ધિ કે નવનિધિ નથી જોઈતા. કોઈ પરમની યાદ કે સ્મૃતિ રહેવી એનાથી મોટી સિદ્ધિ વિશ્વમાં કઈ હોઈ શકે ? એ રહે એટલું જ બસ છે. હું તો એ પ્રકારની સિદ્ધિ ને જ પામવાની કામના કરું છું.’

‘આ હનુમંત તત્વ આખરે શું છે ? આપણે કેમ એને અજર-અમર કહીએ છીએ ? કારણ કે એ વહનશીલ છે. જગતમાં જે વહનશીલ છે એ ઘરડા નથી થતા, એની મૃત્યુ પણ નથી થતી. જે ગતીશીલ છે એનું મૃત્યુ નથી થતું. એ બીજાને જીવનપ્રદાન કરે છે. શ્રી હનુમંત એ પ્રવાહમાન તત્વ છે. એ નાભિથી નાસિકા સુધી છલાંગ મારતો જ રહે છે એટલે જ આપણે જીવી શકીએ છીએ. એને દેવ કે ભક્તિના તત્વ તરીકે થોડીક વાર ભૂલી જઈએ અને વિજ્ઞાનની રીતે જોઈએ તો પણ એ પ્રાણતત્વ છે; વાયુતત્વ છે. એના વગર જીવન કેમ ચાલે ? એ અર્થમાં એ પ્રાણશક્તિ છે. રામચરિત માનસમાં લખ્યું છે કે ભક્તિ ગંગા છે અને હનુમાનજી રામજીના ભક્ત છે એટલે ગંગાનો પ્રવાહ નિરંતર આ તત્વમાં વહે છે. આ ગતીશીલ છે. હનુમાનજી બહુ કર્મયોગી છે. એ ગાયનાચાર્ય છે. ખૂબ સુંદર ગાનારા છે. કાશ આપણા કાન સાંભળી શકે. વળી, ગાયન કરે છે એટલે એમનામાં સરસ્વતી પણ નિરંતર વહે છે. પોતાનું કાર્ય કરીને તેઓ અયોધ્યા રહ્યા છે એમ માનસમાં લખ્યું છે. મને એમ લાગે છે કે એ સરયુના તટ પાસે રહ્યા હશે. સરયુ ધ્યાનની નદી છે. એટલે કે આ હનુમાનજી ધ્યાન કરવા યોગ્ય છે. એમાં ગંગાસ્નાન પણ છે, સરયૂનું ધ્યાન પણ છે, યમુનાનું પાન પણ છે અને સરસ્વતીનું ગાન પણ છે એમ મને લાગે છે. એનું ધ્યાનસ્વરૂપ મને વધારે પ્રિય છે.’

આ અનુસંધાનમાં હનુમાન ચાલીસા વિશે વાત કરતાં પૂ.બાપુએ કહ્યું હતું કે : ‘હનુમાન ચાલીસામાં કહ્યું છે : “પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા.” એનો અર્થ એમ થાય છે કે બધા લોકોના હૃદયમાં ભગવાન બેઠા છે એ તો બરાબર પરંતુ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીના મનમાં હનુમાનજી વસી ગયા છે. એ ક્રાંતિ છે ! આપણા મનમાં તો રામ હોય એ તો સારી વાત છે જ, પણ હનુમાનજી ધન્ય છે કે એ ભગવાનના મનમાં વસી ગયા છે. ભગવાન આપણા હૃદયમાં બેસે એ તો બરાબર છે પણ આપણે ભગવાનના હૃદયમાં વસી શકીએ તો એ શિખર પર ચઢ્યા હોય એવી મોટી વાત છે. હવે એનો અર્થ શું ? એ ભગવાનના મનમાં વસી શકે તો આપણા જેવાનું શું ? ત્યારે મને એમ થાય છે કે રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે પ્રેમ અને જાનકી કરુણા છે. હનુમાનજી ક્યાં રહેશે ? જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હશે ત્યાં હનુમાનજી રહેશે.’

‘અસ્મિતાપર્વનો આ છેલ્લો દિવસ હનુમાન જયંતીનો છે. અસ્મિતાપર્વ હું ધ્યાનથી સાંભળું છું. એમાંથી ઘણું મેળવું છું. જીવનને બનાવવા માટે જાણે ભાથું મળી રહે છે. ખૂબ આનંદ આવે છે. ગઈકાલે જ શ્રી વિદ્યુતભાઈએ કહેલું સુત્ર મને ખૂબ ગમ્યું કે : ‘માણસને પ્રેમ કરો, એના વિચારોનો ભલે વિરોધ કરો.’ એટલે જ જે પ્રેમ, કરુણા અને સત્ય રાખશે ત્યાં હનુમાનજી વસશે. આવો, આપણું જે પણ કાર્યક્ષેત્ર હોય એમાં સત્યને સ્થાપિત કરીએ જેથી હનુમાન વસે. હનુમાનજીની જેમ ગતીશીલ અને વહનશીલ રહીએ. એ ગતીશીલ રહેવામાં, યાત્રામાં જ આનંદ છે. આ કોઈ ઉપદેશ નથી, એક વિચાર છે. આપણા જીવનમાં ધીમે ધીમે સત્ય પ્રતિષ્ઠિત થતું જાય, પ્રેમ બધાને કરી શકીએ, બધા પર કરુણા રાખી શકીએ તો કેટલું સારું.’ એમ કહીને તેમણે એક ગઝલના કેટલાક શેર ટાંક્યા હતા :

આગ હૈ પાની હૈ મિટ્ટી હૈ હવા હૈ મુજમેં
તબ તો માનના પડતા હૈ ખુદા હૈ મુજમેં

આઈના યે તો દિખાતા હૈ ક્યા હું મૈં
લેકિન આઈના ઈસ પે હૈ ખામોશ કે ક્યા હું મૈં !

અબ તો સિર્ફ જાન હિ દેને કી બારી હૈ હે નુર !
મૈં કબ તક સાબિત કિયા કરું કે વફા હૈ મુજમે

‘ક્યારેક મને લાગે છે કે આપણે બધાં ફક્ત પાંચ મહાભુતોના જ નથી બન્યા પણ કુલ અગિયાર તત્વોના બન્યા છે કારણ કે એ પાંચ મહાભુતોની સાથે આપણામાં ક્યારેક કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, દ્વેષ, અહંકાર વગેરે દેખાતું જ હોય છે. સાધના કરનારાય ક્યારેક શ્રાપ આપી બેસે છે ત્યારે લાગે છે કે આ તત્વ પણ પેલા પંચમહાભુતોની જેમ પહેલેથી પ્રગટ્યું હશે ! ભગવાન કરે કે આ એકવીસમી સદીમાં ‘શ્રાપ’ શબ્દ વિશ્વમાંથી સમાપ્ત થઈ જાય. આ બધું છોડીને પ્રેમની સ્થાપના કરીએ તો હનુમાનજી આપણામાં વાસ કરે. જાનકી એટલે કરુણા. બુદ્ધ જેવી કરુણામાં હનુમાનજી વસે છે.’

વક્તવ્યના સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે : ‘ફરી એકવાર આપ સૌને હનુમાન જયંતીની વધાઈ. અસ્મિતાપર્વથી મને બહુ પ્રસન્નતા થાય છે. ઘણીવાર પૂછવામાં આવે છે કે બાપુ, આ પર્વની પાછળ તમારો હેતુ શું છે ? કોઈ હેતુ નથી. બસ, કેવળ આનંદ. પ્રતિવર્ષ આનંદમાં વૃદ્ધિ થતી રહે છે. આપ સૌ અસ્મિતાપર્વમાં આવ્યા એટલે આપ સૌને પ્રણામ કરતાં મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. હનુમંત એવોર્ડ સ્વીકારનાર પાંચ વિશિષ્ટ મહાનુભાવોને હું નમન કરું છું. હનુમાનજી આપણને ખુશ તો રાખે જ છે એટલે આ બધું કેવળ એની ખુશી માટે કરવામાં આવે છે. અન્ય કોઈ આકાંક્ષા નથી. બધા જ સત્ર, પ્રસાદ વિતરણ અને જે જે કાર્યક્રમ યોજાય છે એ કેવળ એની પ્રસન્નતા માટે જ છે. ફરી એક વાર મારી પ્રસન્નતા વ્યક્ત કરીને આપ સૌને પ્રણામ કરું છું.’ આમ કહીને તેમણે પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું.

વાર્તાઓ, મેનેજેમેન્ટ, કાવ્ય, અધ્યાત્મ, વિવેચન જેવા સાહિત્યના વિવિધ સ્વરૂપોને લઈને ચાલેલા આ ત્રિદિવસીય પર્વનું ચોથા દિવસના મધ્યાહ્ને સમાપન થયું હતું. સહુ સાહિત્યકારો અને મિત્રો ભોજન બાદ એકબીજાને મળીને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ વિદાય લઈ રહ્યા હતા. આનંદ અને પ્રસન્નતાનો આ માહોલ છોડીને કોઈને જવાનું મન તો નહોતું પણ જવાનું હતું ફરી પધારવા માટે !


.

[ અસ્મિતાપર્વ-12ના ફોટોગ્રાફ્સ નીચે પ્રમાણે છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) ]

[ અસ્મિતાપર્વ-12ના આ સંપૂર્ણ લેખની PDF File Download કરવા માટે :  CLICK HERE ]
.

[1] અસ્મિતાપર્વ-12ની ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન :
સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[2] અસ્મિતાપર્વ-12 : પૂ. બાપુનું પ્રાસંગિક વક્તવ્ય : (ઓડિયો-વિડિયો) :
http://iiramii.net/eventsanddates_hanuman_jayanti.html

[3] કાર્યક્રમનું સ્થળ :
શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત) : ફોન : +91 2844-222090.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભજી લેને કિરતાર – સતારદાસ
અસ્મિતાપર્વનું આચમન (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

23 પ્રતિભાવો : અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ

 1. મનુષ્યત્વ વિષય પરની સંગોષ્ટિ વિચારણીય છે. પ્રત્યેક વકતાનો દ્રષ્ટિકોણ માણવો ગમ્યો.

  જો કે આ વિષય આમ તો યુનિવશૅલ છે પણ તેના સંદૅભ પ્રદેશ અનુસાર બદલાઈ જવાની પણ તેટલી જ શક્યતા છે. ભારતમાં બાળક જો રડતું હોય તો મા અડધી અડધી થઈ જાય અને તેને ખુશ કરવા બધું કરી છુટે જ્યારે વિદેશમાં નાના બાળકને રડતો અટકાવા માતા કોઈ જ પ્રયાસ નહિ કરે. પોતાની મનપસંદ પ્રવૃતિમાં જ ગળાડુબ રહેશે..આ દ્રષ્ય ભારતીય માતા માટે અકલ્પનીય છે.
  જે જ્યાં સહજ છે તે જ બીજા પ્રદેશમાં અકલ્પનીય છે.

  માનવતાનું કામ કરનારી સંસ્થાઓનો વ્યાપ વિશ્વભરમાં વધ્યો છે છતાં બેફામ વધતી વસ્તી સામે પ્રયાસો ટુંકા પડતા જાય છે.

  કોઈ વિષય પર ગહન ચચૉ થાય અને તેનાં મનન અને મંથન માંથી આપણને નવું જાણવાનું મળે તેનો આનંદ શબ્દોમાં વ્યકત કરવો મુશ્કેલ છે.

  અસ્મિતા પવૅના વિસ્તૃત અહેવાલ માટે શ્રી મૃગેશભાઈનો આભાર.

 2. Veena Dave, USA says:

  ભગવાન, જીવન મા એક વખત તલગાજડા જઈ શકુ એવા આશિરવાદ મને આપજો. મારે તો પ્.પૂ બા ને મળવુ છે.પ્ પૂ બાપુ અને પ. પૂ. પ્રમુખસ્વામિ તો આ યુગના સન્તો છે.

  Shri Mrugeshbhai, many thanks to you.

 3. Veena Dave, USA says:

  *તલગાજરડા.

 4. asha jhaveri says:

  આભાર મ્રુગેશ ભાઈ
  અસ્મિતાપર્વ નુ આચ્ મન કરાવવા બદલ્
  આશા

 5. Sandhya Bhatt says:

  અસ્મિતાપર્વની તમામ બેઠકો વિશે આટલો વિગતપૂર્ણ અહેવાલ આપવા માટે ખૂબખૂબ આભાર.

 6. Rajni Gohil says:

  “અસ્મિતાપર્વનું આચમન” નું વાંચન કરીને અસ્મિતાયુકત જીવન જીવવાનું ભાથુ બાંધી લીધું. ખુબજ રસપ્રદ માહિતી આપવા બદલ આભાર.

 7. sudhir patel says:

  અસ્મિતા-પર્વનો સુંદર અને સચિત્ર અહેવાલ આપવા બદલ ખૂબ ખૂબ આભાર, મૃગેશભાઈ!
  સુધીર પટેલ.

 8. Sanjay Upadhyay says:

  અસ્મિતાપર્વ ટીવી પર અલપઝલપ જોવા છતા મ્રુગેશભાઈની કલમે તેનો અહેવાલ વાચવાની મઝા કૈ ઓર છે. કોઇ વિદ્વાન વિવેચક કરતા સહ્ર્દય સાહિત્યપ્રેમી પોતાનો આનન્દ અનેક વાચકો સુધી પહોચાડી શકે તેનુ આ જ્વલન્ત ઉદાહરણ છે.

 9. kirankumar chauhan says:

  મૃગેશભાઇ! તમે તો અમને ન્યાલ કરી દીધા.

 10. આભાર મૃગેશભાઈ.

 11. […] વધુ આગળ વાંચો : ભાગ-3 ] Email This Article to Friend |  Print This Article   « Previous […]

 12. nilam doshi says:

  સમગ્ર અસ્મિતાપ્રવ ફરી એકવાર માણી લીધું..સુન્દર આલેખન…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.