અસ્મિતાપર્વનું આચમન (ભાગ-2) – મૃગેશ શાહ

શ્રી જયદેવભાઈના વક્તવ્ય પછી કવિશ્રી ભગવતીકુમાર શર્માએ પોતાની ગઝલો ને કાવ્યોનો કાવ્યપાઠ રજૂ કર્યો હતો. તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે : ‘પૂ.મોરારિબાપુના જીવનકાર્ય વિશેની ગઝલના કેટલાક શેરોથી શરૂઆત કરું છું, જો કે એમાં એમનો નામોલ્લેખ નથી, અને જરૂરેય નથી. પરંતુ સાત શેરમાંના ચારેક યાદ આવે છે જે પ્રથમ કહીશ :’ આમ કહીને તેમણે ગઝલો અને કાવ્યો રજૂ કર્યા હતા :

dsc03406રામનામ હોઠે ને હૈયે
શબ્દ સ્ફૂરતાં ધન ધન થઈએ

ક્ષણ ક્ષણ અમે આવું કહીએ
જે ગાયું તુલસી નરસૈંયે

હરિ અનંત હરિ કથા અનંતા
જવાય ત્યાં લગ જાતે જઈએ

[મુક્તક]
શબ્દ બ્રહ્મને મારો પરમેશ્વર માનીને
કરું કવિતા સરસસ્વતી હાજર જાણીને
આકાશેથી ઊતરી આવ્યા અક્ષર પંખી
મને મોરપીંછું લેવા તત્પર જાણીને

[ગઝલનો મત્લાનો શેર – મારા જીવનનું ધ્રુવપદ ]

તું એક વખત માનવીને વ્હાલ કરી જો
કેવો તું થશે ધન્ય જરા ખ્યાલ કરી જો

[ગઝલનો મત્લાનો શેર]
સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી

[ગઝલ]
કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ
ડૂસકાંની સાથે એની હરિફાઈ તો જુઓ

આવ્યું ગયું ન કોઈ તમારા સ્મરણ સિવાય
કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ

અંધાર લીલો છમ અને ટહૂકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ

પડછાયાની યે કેવી કરે છે કાપકૂપ
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ

બે મત પ્રવર્તે એને વિશે હું તો છું જ છું
ઈશ્વર પરની મારી આ સરસાઈ તો જુઓ.

[ગઝલ]
શોધી ન હોય મેં એ દિશા જોઈતી નથી
રસ્તા કે રાહબરની કૃપા જોઈતી નથી

કોણે કહ્યું કે મારે ધરા જોઈતી નથી
આ સ્વર્ગમાં જવાની પ્રથા જોઈતી નથી

જો મેં કર્યું હો પાપ તો દેહાંતદંડ દો
શંકા ના લાભ જેવી સજા જોઈતી નથી

મોઘમ ઈશારા એક-બે જો સાંપડે તો બસ
હા જોઈતી નથી અને ના જોઈતી નથી

[ગઝલ]
ચંદન સમાન મહેકતી કાયાની પાસ છું
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું

તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું

જોઈ લે છેલ્લી વાર તું રેખાઓ હાથની
સંધ્યા સમયનો ક્ષીણ થતો હું ઉજાસ છું

ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું
આમેય ક્યાં જીવંત છું, હોવાનો ભાસ છું.

ચાતકના કંઠથી તે કોઈ ઊંટની ખરી
વિખરાઈને પડેલી ચિરંજીવ પ્યાસ છું

[ગઝલ]
ઉંબરો છોડી દ્વારમાં બેઠા
મૃત્યુના ઈંતજારમાં બેઠા

સાંજે બેઠા સવારમાં બેઠા
માત્ર તારા વિચારમાં બેઠા

જગમાં આવ્યા તો એમ લાગ્યું કે
જાણે કોઈ કારાગારમાં બેઠા

જેને મળવું હશે મળી લેશે
આ અમે તો બજારમાં બેઠા

ને તોય અકબંધ મારી એકલતા
જઈ ભલેને હજારમાં બેઠા

મૃત્યુ આવે તો કહેજો વ્યસ્ત છીએ
શ્વાસની સારવારમાં બેઠા

[ગઝલ – મત્લાનો શેર]
એ બહુ છાનેમાને આવે છે
મોત નાજૂક બહાને આવે છે

[ગઝલ]
તારા રેશમના ચીર જેવો છે
સ્પર્શ તારો સમીર જેવો છે.

સ્હેજ નમકીન છે છતાં નિષ્પાપ
પ્રેમ આંખોના નીર જેવો છે

સ્પષ્ટ પણ ગુઢ કોયડો કેવો ?
હાથમાંની લકીર જેવો છે

લે છે મૂજરા બજારમાં સૌના
એક માણસ કબીર જેવો છે

[ગઝલ]
પાછલે દ્વારેથી સ્મરણોની ગલીમાં નીકળ્યા
ઘરની દીવાલો ત્યજી તો ચાંદનીમાં નીકળ્યા

શબ્દ ઊર્મિ રંગ સૌરભ તેજ અને થોડી ભિનાશ
લ્યો અમે બેસી ગઝલની પાલખીમાં નીકળ્યા

હા ગયો પોઢાઢી અમને મોડી રાતે માલકૌંસ
ને અમે વહેલી સવારે ભૈરવીમાં નીકળ્યા

વેશ પલટા આંસુ પણ કેવા કરે છે આંખમાં
દુ:ખમાં જે નીકળ્યા હતા તે ખુશીમાં નીકળ્યા

પ્રેમપત્રોનો સમય ખારાશમાં ડૂબી ગયો
એ જ સુંદર અક્ષરો કંકોતરીમાં નીકળ્યા

[ભક્તિગીત]
મારે રુદિયે બે મંજીરા
એક જૂનાગઢનો મહેતો બીજી મેવાડની મીરાં

કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછંદા
એક મંજીરે ઝળહળ સૂરજ બીજે અમિયલ ચંદા
શ્વાસે શ્વાસે નામ સ્મરણના
સર સર વહત સમીરા…. મારે રુદિયે બે..

રાસ ચગ્યો ને હૈડા હોંશે
હાથની કીધી મશાલ
વિષનો પ્યાલો હોઠ પામીને
નર્દંબ બન્યો નિહાલ
હરિના જન તો ગહન ગંભીરા
જ્યમ જમુના ના નીરા…. મારે રુદિયે બે….

પ્રથમ દિવસની રાત્રી ‘સંગીત-નૃત્ય મહોત્સવ’ કાર્યક્રમમાં વાદ્યસંગીત અંતર્ગત આહતવાદ્યો-પરક્યુશન સંગીત શ્રી આનંદન શિવમણીએ પ્રસ્તુત કર્યું હતું. ‘તાલ’, ‘રોઝા’, ‘સ્લમડૉગ’ જેવી અનેક ઉત્તમ ફિલ્મોમાં એ.આર. રહેમાન જોડે પરક્યુશન ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર શ્રી આનંદન શિવમણીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. (વધુ માહિતી માટે તેમની સાઈટ : www.shivamani.in )
.

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-3]

બીજા દિવસે સંગોષ્ઠિ-3નો પ્રારંભ બરાબર નવ વાગ્યે થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘આર્ષવાણીનું અમૃત’. આ વિષય અંતર્ગત મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’ વિશે શ્રી દયાશંકર મિશ્ર, રવિન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ વિશે શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ અને જયશંકર પ્રસાદના મહાકાવ્ય ‘કામાયની’ વિશે શ્રી ચંદ્રપ્રકાશ દેવલે વક્તવ્યો રજૂ કર્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ બિન્દુબેન ભટ્ટે કર્યું હતું.

સૌપ્રથમ ‘સાવિત્રી’ વિશે વાતની શરૂઆત કરતાં શ્રી દયાશંકર મિશ્રે જણાવ્યું હતું કે : ‘સાવિત્રી શ્રીઅરવિંદનું મહાકાવ્ય છે. ઉપન્યાસને પણ કાવ્ય કહે છે. મહાકાવ્ય એક હિમાલયની ચોટી જેવું છે. એના પછી કોઈપણ બીજા ફોર્મમાં કંઈક લખવું એ કોઈ પણ કવિ માટે અશક્ય છે. ‘એલિયર્ડ’ નામના કવિ અમેરિકામાં જન્મ્યા, બ્રિટનમાં વસ્યા પણ તમને એ વાત જાણી આનંદ થશે કે એમની રૂચિ ભારતના ઉપનિષદોમાં હતી. એમનો પી.એચ.ડીનો વિષય પણ એ જ રહ્યો. એમણે મહાકાવ્ય વિશે ઘણી વાતો કરી છે. એલયર્ડે કહ્યું હતું કે વર્તમાન યુગને સમજવો હોય તો ભૂતકાળને બરાબર સમજવો પડશે.’

dsc_3969વિષય પ્રવેશ કરતાં શ્રી દયાશંકરભાઈએ જણાવ્યું હતું કે : ‘શ્રી અરવિંદ 1910માં પોડિચેરી ગયા. તેમણે 1950માં શરીર છોડ્યું. તેઓ યોગી હતા પણ એમણે કહ્યું હતું કે મારી મુખ્ય ઓળખ તો કવિની છે. એમણે 6-7 મહાકાવ્યો લખ્યા છે. 3000 થી 4000 પંક્તિઓના મહાકાવ્યો લખ્યા છે. સાવિત્રી લખવામાં એમણે 50 વર્ષનો સમય લીધો છે. 1857માં પરદેશથી આવીને એમણે સાવિત્રી મહાકાવ્યની 1500 લાઈન લખી હતી. અરવિંદ ભારતમાં સૌથી પહેલા આવ્યા વડોદરામાં. આપણે સદભાગી છીએ. ત્યાં આવીને એમણે ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિ વિશે શીખ્યા. 1945માં સાવિત્રીને અંતિમ સ્વરૂપ આપ્યું. એ પ્રગટ કરવા નહોતા માગતા. આપણી સંસ્કૃતિ એ છે કે પોતાના અભિમાન માટે કશું ન કરવું, જે કંઈ કરવું એ પ્રભુને સમર્પિત કરવા માટે કરવું. જે લોકો એમ માને છે કે આ બધું હું લખું છું એનો અહંકાર ઈશ્વર સ્વીકાર નથી કરતો. એમના દેહવિલય પછી 1955માં અમલકિરણ નામના પ્રસિદ્ધ કવિ છે એમણે સાવિત્રી પ્રકાશિત કર્યું. બાકી, એમને તો નામ અને કીર્તિની જરૂર જ નહોતી એટલે એમણે પ્રકાશન નહોતું કર્યું. એમણે દશ વાર સાવિત્રી Rewise કર્યું. અંગ્રેજીના તો એ નિષ્ણાત હતા તેથી પ્રૂફ માટે એમ નહોતું કર્યું. હકીકતે એમને તો ઊંડાણમાં જવું હતું.’

શ્રી જયશંકરજીએ જણાવ્યું હતું કે : ‘કવિતા અમૂર્તને મૂર્ત બનાવે છે. ઉપનિષદ, ગીતા વગેરે કવિતાઓ જ છે. પ્રેમ, આત્મા, ભગવાન, દયા, અમૂર્ત છે; દેખાતી નથી, પણ એનો ભાવ કવિતા પકડે છે. શ્રી અરવિંદે કહ્યું કે કવિતા એ મંત્ર છે. એ વેદ અને ઉપનિષદમાં છે. એની ઋચાઓ છે તે એક પ્રકારની કવિતા છે. શ્રી અરવિંદે કહ્યું હતું કે કવિ એ છે જે પોતાની આત્માને ઓળખે. શ્રી અરવિંદે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો અને એ કર્યા પછી એમણે કવિતા લખી. એમણે એમ પણ કહ્યું કે સામાન્ય માણસોની પણ એક આત્મા હોય છે. કવિનો ધર્મ એ પણ છે કે જે સામાન્ય લોકો પોતાની આત્માને નથી ઓળખતા એમને પણ તે ઓળખે. અને એમને મદદ કરે.’

‘સાવિત્રી શું છે ? વ્રત-ઉપવાસના ક્ષેત્રમાં સાવિત્રીની ઘણી વાતો આવે છે. હું વિનમ્રતાથી એટલું કહેવા માગું છું કે સાવિત્રીની આ વાતનો એ વ્રત-ઉપવાસ સાથે કોઈ સંબંધ નથી. ગાયત્રી ઉપનિષદ કરીને એક ઉપનિષદ છે એની પહેલી ઋચા એ છે કે સાવિત્રી એ વાણી છે. વાણી એટલે શબ્દબ્રહ્મ. સાવિત્રીનો અર્થ શબ્દબ્રહ્મ છે. એવા શબ્દો જે બ્રહ્મનો અનુભવ કરાવે. એ મહાભારતનો કોઈ પ્રસંગ નથી. કવિ પોતાના સાક્ષાત્કારને કવિતામાં વ્યક્ત કરે છે. અરવિંદે યોગ એમાં વ્યકત કર્યો. એ કોઈ પ્રાણાયામ કે આસનની વાત નથી. એ છે આત્માનું પરમાત્મા સાથે મિલન. એને જ ખરો યોગ કહે છે. એ જ યોગ અર્જૂનને શ્રીકૃષ્ણે આપ્યો. શ્રી અરવિંદે સાવિત્રીમાં એમ કહ્યું છે કે આ અધ્યાત્મનો કાળ નથી એમ વાત નથી, આજે પણ જે થોડોક પ્રયત્ન કરશે એ પરમાત્માને અનુભવશે અને ક્યાંકને ક્યાંક એનું ઈશ્વર સાથે સંધાન થઈ શકશે. સૃષ્ટિની શરૂઆતથી લઈને આજ સુધી સૌના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે જો આ સૃષ્ટિને ભગવાને બનાવી હોય તો ભગવાન તો સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે તો દુનિયામાં અશુભ ક્યાંથી આવ્યું ? અસત્ય , દુ:ખ ક્યાંથી આવ્યું ? ખરેખર તો આનંદ હોવો જોઈએ, તો દુ:ખ કેમ મળે છે ? અને અમરતા હોવી જોઈએ એના બદલે રોજ મૃત્યુ કેમ દેખાય છે ? એનો એક જવાબ મિલ્ટને ‘પેરેડાઈઝ લોસ્ટ’ નામના કાવ્યમાં ‘શેતાન’નું પાત્ર બનાવીને આપ્યો. આપણે એને ‘કર્મનો સિદ્ધાંત’ કહીએ છીએ. દરેકને પોતાના કર્મનું ફળ ભોગવવું પડશે. શ્રી અરવિંદ કહે છે જેણે પોતાનો આત્મા ઓળખ્યો છે એ કર્મના સિદ્ધાંતને પણ દૂર કરી શકે છે. શ્રી અરવિંદની આ નવી વાત છે. વાર્તા તો તમે જાણો જ છો કે સત્યવાનનો પતિ એક વર્ષમાં મરવાનો હતો. સાવિત્રીએ કંઈ પ્રેમપત્ર લખ્યો નહોતો ! કદી એની સાથે વાત પણ કરી નહોતી. એ કેવળ એને ફક્ત જુએ છે. અંતરદષ્ટિથી એને જુએ છે. સાવિત્રીનો હેતુ મૃત્યુને બદલવાનો છે. જેમને અમરત્વ જોઈએ છે એમણે મૃત્યુના માર્ગથી જ જવું પડશે. સાવિત્રી અને મૃત્યુનો એમાં સુંદર સંવાદ છે. યમરાજા કહે છે પૃથ્વી પર અમરત્વ જેવી કોઈ ચીજ નથી માટે પાછી વળ. તું પ્રેમની વાતો કરે છે ? પ્રેમ કંઈ નથી. મેં સત્યવાનને માર્યો ત્યાં જ તારો પ્રેમ અમર થઈ ગયો. તું જે પ્રેમની વાત કરે છે એ તો તારી શારીરિક ભૂખ છે… એટલે તું જા. સાવિત્રી જવાબ આપે છે કે તમે તર્ક કરો છો, હું તર્ક નથી કરતી. અલૌકિક આત્મા-પરમાત્માનું જ્ઞાન તર્કથી નથી મળતું, અંત:પ્રેરણા કે સ્ફૂર્ણાથી મળે છે. અંતે સાવિત્રી ભગવાન પાસે જાય છે. ભગવાન કહે છે કે તમારી માટે સત, ચિત્ત, આનંદનો પ્રદેશ છે, ત્યાં જ તમે જાઓ. સાવિત્રી વિનમ્રતાથી હાથ જોડીને ના પાડે છે. અમરતા નથી જોઈતી. મને પૃથ્વી પર જ જવું છે. અરવિંદે કહ્યું છે કે જેવું જીવન છે, દુ:ખી છે, સંઘર્ષ ભર્યું છે પણ એ જીવન એક દિવસે દિવ્ય જીવન બનશે. સાવિત્રી કહે છે મને મુક્તિ નથી જોઈતી. લોકો જે આત્માને નથી ઓળખતા એમને મારે જાગૃત કરવા છે અને શ્રી અરવિંદ અનુસાર આજની સૌથી મોટી સમસ્યા એ જ છે. આપણે આર્થિક અને રાજકિય પરિવર્તનની વાત કરીએ છીએ પણ શ્રી અરવિંદ કહે છે કે ભારતમાં જો હવે કોઈ પરિવર્તન થશે તો એ ‘આધ્યાત્મિક પરિવર્તન’ હશે.’

તેમણે વક્તવ્યના સમાપનમાં કહ્યું હતું કે : ‘સાવિત્રી ભગવાન પાસે ચાર વરદાન માગે છે : એક શાંતિ. ગમે એટલી અશાંતિ વચ્ચે હું શાંત રહી શકું. બીજું જ્ઞાન. એવું જ્ઞાન જે અલૌકિક હોય, પરિવર્તિત ન હોય. શાશ્વત-સનાતન હોય. ત્રીજી વસ્તુ માગી : શક્તિ. એટલે કે તાકાત કે જેથી લોકોની આત્માને જાગૃત કરી શકું. અને છેલ્લે સૌથી મોટી વાત એણે માગી : આધ્યત્મિકતા. આત્માને જગાડવાની એક શક્તિ માગે છે. આ મહાકાવ્ય ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે. આ મહાકાવ્ય એક મંત્ર છે.’

બીજા ક્રમે શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સુપ્રસિદ્ધ મહાકાવ્ય ‘ગીતાંજલિ’ વિશે વાત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે : ‘1941માં જેમનો અસ્ત થયો એમ ભાસ્યું એ શ્રી રવીન્દ્રનાથ ટાગોર વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યકારો પૈકીના એક છે. તેમની પ્રતિભા બહુમુખી છે. સર્જકતા એમના કર્મના બધા ક્ષેત્રોમાં દેખાય છે. સાહિત્ય, સંગીત અને ચિત્રકલાની જ વાત કરીએ તો વિશ્વના કોઈ સર્જક એમની જોડમાં બેસી શકે એવી ક્ષમતા આપણને જોવા મળતી નથી. અરે, માત્ર સાહિત્યની જ વાત કરીએ તો પણ એમનું પ્રદાન એટલું બધું અસાધારણ છે કે એમની સાથે કોને મૂકવા એ આપણને પ્રશ્ન થાય ! એમના સાહિત્યમાં વૈવિધ્ય અને વૈપુલ્ય અપાર છે. 2000 જેટલા ગીતો, 1000 કાવ્યો, 8 નવલકથાઓ, 4 લઘુનવલો, 84 વાર્તાઓ, 39 નાટકો, અસંખ્ય નિબંધ, પ્રવાસવૃત્ત, પત્ર, ડાયરી, વિવેચન અનેક સ્વરૂપોમાં એમની કલમ વિહરી છે. એક મહાકાવ્યને બાદ કરીએ તો ગદ્ય-પદ્યના લગભગ તમામ ક્ષેત્રોમાં અસાધારણ કહી શકાય એવું તેમણે પ્રદાન કરેલું છે. આટલા વિવિધ ક્ષેત્રોમાં વિપુલ સર્જન કર્યું હોવા છતાં એક જગ્યાએ તેઓ કહે છે કે ‘હું માત્ર કવિ છું.’ એમના નાટકો, નિબંધો, વિવેચનો કે ગમે તે વાંચો. એમાં આપણને ‘આ એક કવિનું સર્જન છે’ એવો અનુભવ થયા વિના રહેતો નથી. બહુ નાની વયથી એમનામાં કવિતાનો સળવળાટ શરૂ થઈ ગયો હતો. હજુ તો તેઓ અક્ષરો ઓળખતા થાય, ત્યાં તો.. ‘પાણી પડે છે… પાંદડું હાલે છે…’ એવી લયપ્રાસ વાળી પંક્તિએ એમના પર ભૂરકી નાખી અને આ નાદની અસર એમના જીવનના અંત સુધી એમના પર રહી. એ પોતે પણ શબ્દ, લયના એક જાદુગર બની ગયા અને એક વિપુલ સૃષ્ટિ એમણે આપણી આગળ ખોલી આપી જે એક અદભુત સૃષ્ટિ છે.’

dsc_3971શ્રી પ્રસાદભાઈએ કહ્યું કે : ‘1882માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ : ‘સંધ્યાસંગીત’. અંતે 1942માં તેમના મરણોત્તરકાવ્ય સંગ્રહ : ‘શેષલેખા’. પૂરા છ દાયકા સુધી કાવ્ય સર્જન એમણે કર્યું અને 49 કાવ્યસંગ્રહો આપણને તેમની પાસેથી પ્રાપ્ત થયા. 1883માં ‘પ્રભાતસંગીત’ નામનો કાવ્યસંગ્રહ-બંગાળમાં છવાઈ ગયો. પ્રકૃતિ, ધરતી, મનુષ્ય માટેનો પ્રેમ પણ તેમના કાવ્યસંગ્રહોમાં જોવા મળે છે. ત્યારબાદ 1890 માં સત્વશીલ સંગ્રહ ‘માનસી.’ એમાં ઉત્તમ પ્રેમ કાવ્યો છે. 1891માં ગામડાઓના પરિભ્રમણ થતાં ગ્રામપ્રકૃતિનો સંસર્ગ થાય છે અને ‘સોનારકલી’ કાવ્યસંગ્રહ આવે છે. ધીમે ધીમે કવિતા અધ્યાત્મથી રંગાતી જાય છે. ‘ચિત્રા’, ‘કથા’, ‘કલ્પના’, ‘ક્ષણિક’, જેવા ઉત્તમ કાવ્યસંગ્રહ મળે છે. એમની કવિતાઓમાં પુરાણકથાઓ અને ભારતના ગૌરવ ઈતિહાસને આલેખે છે. જાણે વ્યાસ, વાલ્મીકિ, અને કાલિદાસની જેમ તેઓ આપણી સમક્ષ ઉપસી આવે છે.’

‘બંગાળી “ગીતાંજલિ” ઈ.સ. 1910માં પ્રગટ થાય છે. વીસમી સદીનો પ્રથમ દસક કવિના જીવનનો કસોટી કાળ છે. 1901માં ‘શાંતિનિકેતન’માં સ્થાયી થાય છે. વહીવટ માટે નાણાંકીય ભીડનો અનુભવ કરે છે અને એમની પત્નીના ઘરેણાઓ અને પૂરીમાં આવેલું મકાન પણ વેચવા પડ્યા. 1902માં મૃણાલીદેવીનું અવસાન થાય છે. 1903માં એમની તેર વર્ષની પુત્રીનું મૃત્યુ થાય છે. એની હજી કળ વળે ત્યાં બે વર્ષબાદ એમના પૂજ્ય પિતાશ્રી, કે જેમનો એમના જીવન પર અત્યંત પ્રભાવ પડેલો એવા શ્રી દેવેન્દ્રનાથનું અવસાન થયું. હજુ તો એમાંથી નીકળે ત્યાં 1907માં એમના નાના અને આશાસ્પદ પુત્ર સમીન્દ્રનું અવસાન થયું. પાંચ વર્ષમાં ચાર-ચાર જણના મૃત્યુનો આઘાત એમના જીવન પર આવી પડ્યો. શરૂઆતમાં કવિ થોડા વિચલિત થઈ ગયા. પણ એમની પ્રજ્ઞાએ જીવન અને મૃત્યુના રહસ્યને પામવાનો પુરુષાર્થ કર્યો. એમને સમજાયું કે આ જીવન અને મૃત્યુ એકબીજા સાથે સંકળાયેલા છે અને એમની એ પ્રજ્ઞા પાસેથી આપણને આધ્યાત્મિક અને ઊર્ઘ્વગામી કવિતાઓ આપણને મળવા માંડી. એટલે જ આવી પરિસ્થિતિ હોવા છતાં એમના જીવનમાં ક્યાંક કટુતા કે રુક્ષતા ન આવી. એમનું જીવન આધ્યાત્મિક દિશામાં અભિમુખ બન્યું.’

‘ગીતાંજલિને સમજવા એમના અન્ય કાવ્યોને પણ સમજવા પડે. નાટક પણ સમજવા પડે. અહીં માનવજીવન, નારી, દુ:ખ, મૃત્યુ, પ્રકૃતિ અને પરમેશ્વર આ બધું જ છે પણ સમગ્રપણે તેના કેન્દ્રમાં છે અધ્યાત્મ. મનુષ્યપ્રેમ, પ્રકૃતિપ્રેમ, રાષ્ટ્ર્પ્રેમ એ બધું જ પ્રભુપ્રેમમાં રૂપાંતરિત થાય છે. એમના પ્રભુ પ્રિયતમ છે સખા પણ છે. એમના ઈશ્વર જાણે માનવીય ઈશ્વર છે – જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, વાત કરી શકાય, પ્રેમ કરી શકાય. 1912માં અંગ્રેજી ગીતાંજલિ પ્રગટ થઈ એ પહેલા બે વર્ષ પહેલાં બંગાળી ગીતાંજલિ પ્રગટ થઈ હતી. બંગાળી ગીતાંજલિમાં 157 ગીતો હતાં જ્યારે અંગ્રેજી ગીતાંજલિમાં 103 કાવ્યો છે. કવિએ સ્વયં આ અનુવાદો કર્યા છે તેથી એને ભાવાનુવાદ કહેવા વધારે યોગ્ય રહેશે. અંગ્રેજી ગીતાંજલિ એમનું શ્રેષ્ઠ કાવ્ય છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે પણ કવિની પ્રસિદ્ધિમાં તેનો મોટો ફાળો છે તે નકારી શકાય તેમ નથી. અંગ્રેજી ગીતાંજલિને મળેલા ‘નોબેલ પુરસ્કાર’ને લીધે જ કવિ માત્ર વિશ્વસાહિત્યમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ પર છવાઈ ગયા એમ આપણે કહી શકીએ. એનો ઈતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. 1910માં બંગાળી ગીતાંજલિ પ્રગટ થયો ત્યારે બંગાળમાં પણ કંઈ મહત્વના કવિ તરીકે તેઓ પ્રસ્થાપિત થયા નહોતા. તેમના કેટલાક શુભેચ્છકો એમાં રસ લેતા હતા. એ લોકો એમને અંગ્રેજી અનુવાદ કરવાનું કહેતા પણ એમને એમના અંગ્રેજી પર બહુ વિશ્વાસ નહોતો. ભણેલા ખૂબ ઓછું એટલે એમણે મિત્રોને કહ્યું કે તમે લોકો અનુવાદ કરો. એમની સૌથી પહેલી કૃતિનો અનુવાદ સિસ્ટર નિવેદિતાએ કર્યો. ‘કાબૂલીવાલા’ની વાર્તાનું અંગ્રેજીમાં રૂપાંતર થયું. એ પછી અન્ય લોકોએ કરેલા અનુવાદો સામાયિકોમાં પ્રકાશિત થવા લાગ્યા અને વિશ્વની અંદર એમનું નામ ગાજવા માંડ્યું. 1912માં વિદેશયાત્રા નક્કી કરી. વિદાય સમારંભ થયો. છેક વહાણમાં બેસી ગયા. અને છેલ્લી ક્ષણે એમનું સ્વાસ્થ્ય એટલું બધું બગડી ગયું કે ડોક્ટરને બોલાવવા પડ્યા અને એમણે વિદેશયાત્રા માટે ના પાડી. એમણે વહાણમાંથી ઊતરી જવું પડ્યું. જવાનું અટક્યું. ડૉક્ટરે સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું એટલે તેઓ ડોક્ટર સાથે એક અન્ય સ્થળે ગયા. પણ આ તો કવિ જીવ ! ડોક્ટરે ના પાડી તોય એમણે કંઈક તો શરૂ કર્યું ! પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે એમને થયું કે ચૂપ કેમ રહેવાય ? એટલે પેલા મિત્રોનું સૂચન યાદ આવ્યું અને ગીતાંજલિનો અંગ્રેજીમાં અનુવાદ કરવા માંડયા. એક પછી એક અનુવાદ થતા ગયા. પછી બે મહિના પછી ફરી એ ઈંગ્લેન્ડ ગયા. બીજા થોડા અનુવાદો વહાણમાં કર્યા. લંડનમાં રોગસ્ટાઈનને પહેલા મળ્યા અને અંગ્રેજી અનુવાદો વાંચવાનું કહ્યું. એ વાંચીને એમને જે અસર થઈ એ વિશે એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે ‘તે સાંજે મેં એ કાવ્યો વાંચ્યા. એ કવિતા નવા જ પ્રકારની હતી. જે મારા મતે મહાન રહસ્યવાદી સંતોના સ્તરની હતી.’ એમણે ત્રણ નકલો કરીને વિખ્યાત ત્રણ કવિઓને આપી. એમની પ્રશંસા પ્રાપ્ત થતાં, એમને એમના અનુવાદ પર વિશ્વાસ બેઠો. એમનો કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમને અંતે બધા ઊભા થઈ નીચું મોં કરી ચાલ્યા ગયા. કોઈ કંઈ બોલ્યું નહીં. એમને થયું કે શું થયું ? બીજા દિવસે પ્રશંસાના પત્રોનો વરસાદ વરસ્યો !’

dsc_4343

‘એ પછી તેઓ અમેરિકા ગયા. ત્યાં ગીતાંજલિની અંગ્રેજી નકલ પ્રગટ કરવામાં આવી અને ચપોચપ વેચાઈ ગઈ. અદ્દભુત પ્રતિસાદ સાંપડ્યો. માર્ચ 1913માં ‘મેકમિલન’ કંપનીએ ગીતાંજલિની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી. પછીના આઠ માસમાં ‘નોબેલ પ્રાઈઝ’ની જાહેરાત થઈ એ પહેલા દશ-દશ વાર તેનું પુન:મુદ્રણ થયું. ‘નોબેલ પ્રાઈઝ’માં અનેક કૃતિઓના નામ સૂચવાયા હતા. સ્ટર્જ મૂરે રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’નું નામ સૂચવ્યું હતું. પસંદગી તો ફ્રેન્ચ કવિયત્રી પર ઊતરી હતી પણ ફાઈનલ નિર્ણય બાકી હતો. સ્વીડીશ અકાદમીના સભ્ય અને એ જ વર્ષના નોબેલ ઉમેદવાર જેમને બીજા વર્ષે ‘નોબેલ પ્રાઈઝ’ મળ્યું એવા વર્નર વોન હાઈન્સટાઈન, એમનું પોતાનું નામ હતું છતાં એમણે ચર્ચામાં ભાગ લેતાં કહ્યું, કે નહિ, આ પુરસ્કાર રવીન્દ્રનાથને આપવો જોઈએ. એમણે કહ્યું કે એમના કાવ્યોથી આપણને આપણા યુગના એક શ્રેષ્ઠ કવિનો પરિચય થયો છે. એમની સાથે સરખાવી શકાય એવું કંઈ જ મેં વાંચ્યું નથી. એમના હૃદયની નિર્મળતા, સહજ ને ઊધ્વગામી શૈલી, પૂર્ણ આધ્યાત્મિકતા બધું જ એક ગહન ને દુર્લભ આધ્યાત્મસૌંદર્યની છાપ મૂકી જાય છે. જાહેરાત થઈ ‘નોબેલ પુરસ્કાર આપવાની’. એનો તાર એમને શાંતિનિકેતનમાં મળ્યો. પછી તો અભિનંદનનો વરસાદ વરસ્યો. બંગાળ અને બંગાળ બહાર એમની કીર્તિ અસાધારણ સ્થાને પહોંચી ગઈ.’ આમ કહીને શ્રી પ્રસાદભાઈએ કવિની ગીતાંજલિમાંની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ બંગાળી અને ગુજરાતીમાં વાંચીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

વક્તવ્યના અંતે તેમણે કહ્યું હતું કે : ‘ગીતાંજલિમાં પ્રગટનું અધ્યાત્મ જગત વિશિષ્ટ છે. અહીં વિશ્વેશ્વરને વિશ્વની ભીતર જ પામવાનો પ્રયાસ થયો છે. પર્ણ પર પડતા સવારના તડકામાં પણ કવિને ઈશ્વરનો પ્રેમ દેખાય છે. ક્યારે રવીન્દ્રનાથ બાઉલરૂપે, સૂફીરૂપે, રહસ્યવાદી સંતરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એમાં જીવન સાધનાનો પ્રકાશ છે. કવિ જીવનની સહજ અનુભૂતિમાં પરમતત્વની ઝલક પામે છે. કવિને મુક્તિ પસંદ નથી. એ સંસારના બંધનો વચ્ચે રહીને જ મુક્તિનો આનંદ પામવા ઈચ્છે છે. એટલે જ તો ગીતાંજલિના એક ગીતમાં કહે છે કે વૈરાગ્યના સાધનથી મુક્તિ મળતી હોય તો મને ખપતી નથી. કવિ મનુષ્ય જીવનનો અને જીવનમાં કર્મયોગનો મહિમા ગીતાંજલિમાં કરે છે. એમને મન મનુષ્યની આઝાદીનું અદકેરું મૂલ્ય છે. એમનો ઈશ્વર મંદિરોમાં બંધાઈ રહેતો નથી. એ તો ખેડૂતો જ્યાં પરસેવો વહાવીને મહેનત કરે છે ત્યાં ઊભો છે. પ્રકૃતિનું એમને અદમ્ય આકર્ષણ હતું. એમની સાધના જાણે ‘જીવનયોગ’ છે.’

dsc_3980આ સંગોષ્ઠિના અંતિમ પ્રવક્તા શ્રી ચંદ્રપ્રકાશ દેવલજીએ જયશંકર પ્રસાદના મહાકાવ્ય ‘કામાયની’ વિશે થોડી સંક્ષિપ્ત વાત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યના આરંભમાં વિવિધ પ્રકારના સંબોધન વિશે વિસ્તૃત વાત કરી હતી. ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે : ‘મહાકાવ્યો ભારતીય કાવ્યના નવનીત સમાન જ નહીં પણ ભારતીય સાહિત્યની ઓળખ રૂપ છે. હવાઈજહાજને જેમ ઊડવા માટે લાંબી દોડ લગાવવી પડે છે તેમ હું વિષયના કેન્દ્ર સુધી પહોંચતા પહેલાં તેની ભૂમિકા વિશે વિસ્તારથી વાત કરીશ. બાળકને બોલવાનું શીખતા ત્રણ થી ચાર વર્ષનો સમય લાગે છે પણ ક્યાં કેટલું બોલવું એ શીખતા એને સાત વર્ષનો સમય લાગે છે. પૃથ્વીના આ ગોળાને ભાષા એ જ રૂપાંતરિત કર્યો છે. ભાષાને કારણે જ આપણે સભ્ય અને સુસંસ્કૃત બન્યા. વિકાસના આટલા પગથિયા ચઢીને આજે આપણે વિકસિત કહેવડાવાને યોગ્ય થયા. આ બધો ભાષાનો જ પ્રતાપ છે. જો ભાષા ન હોત તો આપણે વિચારી પણ ના શકત. આપણા વિચારોનું માધ્યમ પણ ભાષા જ છે. કોઈ કલ્પના કે અનુભૂતિ ભાષા વિના ન થઈ શકે. ભાષા ન હોત તો ન ભક્તિ હોત, ન સાહિત્ય, ન કવિતા કે ન દર્શન, ન કલ્પના હોત કે ન વિચાર, ન ભાવ હોત કે ન તો ભાવના. ન ઈશ્વર હોત કે ન ધર્મ. ન સામાજિક વ્યવસ્થા હોત કે ન તો રાજનીતિ. આ સંસારમાં મનુષ્ય જો ઈશ્વ્રરનો ચમત્કાર હોય તો એટલી જ માત્રામાં ભાષા એ પણ એક ચમત્કાર છે. શબ્દોની સાધના કરનારને કવિ કહે છે.’

એ પછી તેમણે કવિ, કવિતાની વ્યાખ્યા અને કવિના મનોભાવોનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. છેલ્લે, ‘કામાયની’નો ટૂંકો પરિચય આપતાં તેમણે જણાવ્યું હતું કે : ‘1936માં ‘કામાયની’ની રચના જયશંકર પ્રસાદે કરી. આ એક મહાકાવ્ય છે. તેની અંતિમ પંક્તિઓ પરમ આનંદ તરફ લઈ જાય છે. કાવ્યમાં સમરસતા બતાવવામાં આવી છે. કવિએ જડ અને ચેતનની સમરસતા બતાવી છે. સાતમા મન્વંતરના મનુની કથા કામાયનીમાં વર્ણવાયેલી છે. જલપ્રલય બાદ મનુ એકલા બચ્યાં છે. એવો વિરાટ આ કાવ્યનો આરંભ છે. હિમગિરિના શિખર પર એ જઈને બેઠા છે. એમને ત્યાં બધે જડ ચેતનમાં સમરસતા દેખાય છે. જ્યાં સુધી દષ્ટિ જાય છે ત્યાં સુધી શિવતત્વ છે એમ તેમણે કહ્યું. એમાં શ્રદ્ધાને ગુરુરૂપમાં સ્થાપિત કરે છે. એ રીતે વિસ્તૃત ફલક પર ‘કામાયની’ મહાકાવ્ય બને છે’ એમ કહીને તેમણે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
.

[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-4]

સંગોષ્ઠિ-4 એટલે કે સાંજની સભાનું સંચાલન શ્રી સુમન શાહે કર્યું હતું; જેનો વિષય હતો ‘મહાકાવ્યના ઉદ્દગાતા’. આ વિષય પર હોમર વિશે શ્રી ભોળાભાઈ પટેલે, દાન્તે વિશે શ્રી ધીરુ પરીખે તેમજ મિલ્ટન વિશે શ્રી અવધેશકુમાર સિંહે પોતાના વક્તવ્યો આપ્યા હતા.

પોતાના વક્તવ્યનો પ્રારંભ કરતાં શ્રી ભોળાભાઈ પટેલે કહ્યું કે, ‘ગ્રીસમાં સૌથી સુંદર ગણાતી હેલનની કથા ‘ઈલિયટ’ માં કવિ હોમરે ગાઈ છે. હોમર હેલનના સૌંદર્યનું વર્ણન કરવા બેસતા નથી. લગભગ ગૌતમ બુદ્ધથી પણ 400 વર્ષ પહેલાં હોમરનો સમય માનવામાં આવે છે. વળી, ઈલિયટમાં આવતા પ્રસંગોની વાત તો એનીયે પહેલાની ગણાય છે. એવું મનાય છે કે એ સમયે દેવતાઓની પૃથ્વી પર અવરજવર હતી. ગ્રીસ વાર્તાઓમાં પણ આપણી કથાઓની જેવા જ દેવતાઓ છે.’

dsc_4172‘એમાં કથા એવી આવે છે કે દેવતાઓને ત્યાં એકવાર મિજબાની હતી. વચ્ચે સોનાનું સફરજન રાખવામાં આવ્યું હતું. ગ્રીસની ત્રણેય દેવીઓ કહે કે એ તો મને જ મળવું જોઈએ. અંતે એમ નક્કી થયું કે ટ્રોયનો રાજકુમાર નક્કી કરે એને સફરજન આપવું. ત્રણેય દેવીઓએ એ રાજકુમારને પ્રલોભનો આપ્યા કે અમે તને સામ્રાજ્ય અપાવીશું. એ પૈકી વીનસ કહે છે કે હું તને સુંદર હેલન અપાવીશ. એટલે એને રાજકુમારે સફરજન આપ્યું. એ વખતે તો હેલન પરિણીતા છે. રાજકુમાર ત્યાં જઈ ને રહે છે એ સમયે એનો પતિ ત્યાં નથી. રાજકુમાર તેના પ્રેમમાં પડે છે અને હેલન એની સાથે ભાગી જાય છે. તેઓ ટ્રોય દેશમાં પહોંચે છે. બધા રાજવીઓ ભેગા થયા કે આ તો અપમાન કહેવાય. બધા વહાણો ટ્રોય પર ચઢાઈ કરે છે…’

વાર્તાનો પ્રવાહ આગળ ચલાવતા ભોળાભાઈએ જણાવ્યું કે : ‘હવે આ જે યુદ્ધ થયું એ દશ વર્ષ ચાલે છે, જ્યારે હોમરનું ‘ઈલિયટ’ મહાકાવ્ય તે 50 દિવસમાં વાત પૂરી કરી દે છે. હોમરે વૃદ્ધ માણસોના ચરિત્રો ઘણા સરસ રીતે ઘડ્યા છે. ગ્રીકો જ્યાં જ્યાં જીતે ત્યાંથી કન્યાઓ લઈ આવે. આ એમની સંસ્કૃતિનું આપણને દર્શન થાય. હોમરની એક પદ્ધતિ છે કે દરેક પાત્ર આવે એટલે એને કોઈને કોઈ વિશેષણ આપે. ‘ઈલિયટ’માં 24 સર્ગ છે. ‘ઓડિસી’ પણ એમણે રચેલું બીજું મહાકાવ્ય છે. મહાકાવ્ય આપણને વિશાળતાનું દ્રશ્ય બતાવે છે. અનેક જહાજોના વર્ણન એમાં આવે છે. ગ્રીકો સાહસી હતા. યુદ્ધ કરવાનું પસંદ કરતા. પરાક્રમ કરતા. હોમર કાવ્યકલા કેવી કરે છે એ જુઓ ! એક્લિસ નામના પાત્રને યુદ્ધમાં જતી વખતે એની માતા બખ્તરવાળા પાસે બખ્તર બનાવડાવે છે અને કહે છે તેમાં ગોવાલણો ચીતર, પનીહારીઓ ચીતર, … આખું કાવ્યનો સર્ગ એની પર છે. યુદ્ધમાં એ જાય છે. પછી લશ્કરો થંભે છે. ટ્રોયનો પેલો રાજકુમાર અને હેલનનો પતિ એ બંને વચ્ચે દ્વન્દ્વ-યુદ્ધ નક્કી થાય છે. એમાં જે જીત્યું એને હેલન આપી દેવાની. હેલનનો યુદ્ધ જોવા માટે યુદ્ધભૂમિમાં પ્રવેશ થાય છે. હેલનને બધાએ પહેલી વખત જોઈ ત્યારે ત્યાં બેઠેલા ડોસાઓ બોલ્યા કે આની માટે બે પક્ષો લઢી મરે તે યોગ્ય જ છે ! હોમરે અહીં આડકતરી રીતે હેલનના સૌંદર્યનું વર્ણન કર્યું છે કે એ કેવી સુંદર હશે કે બધા બોલ્યા કે બે પક્ષો લઢી મરે એ જ યોગ્ય છે ! આ મહાકવિનું એક લક્ષણ છે. રામાયણમાં આપણે વાંચતા હોઈએ તો આપણે રામના પક્ષે હોઈએ છીએ. હનુમાનજી જડીબુટ્ટી લાવામાં વાર કરે તો આપણે ઊંચાનીચા થઈ જઈએ. હોમર કોઈનો પક્ષ નથી લેતા. બંને બાજુના લઢવૈયાઓની આખી વાત કરે છે. હોમર જેવો કુટુંબનો કોઈ કવિ નથી. બધા જ પાત્રોના કૌટુંબિક સંબંધો ખૂબ સરસ રીતે નિરૂપે છે. હોમરે માનવભાવોની વાત યુદ્ધ વચ્ચે પણ મૂકી છે. પછી યુદ્ધમાં થતા મૃત્યુ અને એ પછીના વિલાપના દ્રશ્યો ખૂબ કરૂણ રીતે સરસ વર્ણન કરીને આપ્યા છે. એમાં ‘પ્રાયમ અને એક્લિસ’ – એમ બે પાત્રોનું મિલન અદ્દભુત બતાવાયું છે. મૃતદેહને પાછો મેળવવાના પ્રસંગો મનનીય છે. પછી બંને ભેગા થાય છે અને બહુ સરસ વર્ણન આવે છે. 17,000 પંક્તિઓનું આ ઈલિયર્ડ મહાકાવ્ય છે.’

‘ઓડિસિયસ ગૃહ-આગમનની કથા છે. ઓડિસિયસ ભ્રમણકથા છે. એમાં 24 સર્ગ છે. એમાં ‘ઈલિયટ’ના યુદ્ધ પછીની વાત છે. ‘ઓડિસિયસ’ નામનો યુવક દશ વર્ષે ઘરે પહોંચે છે. એ પ્રદેશમાં તો પત્ની કંઈ વીસ વર્ષ સુધી પતિની રાહ ન જુએ. એની પત્ની સુંદર છે. એને બધા પરણવા આવે છે. ઓડિસિયસની ઈચ્છા છે કે હું પોતાના ગામ ‘ઈથાકા’ પાછો ફરું. પોતાના ઘરમાં, પોતાના શયનખંડમાં પત્ની સાથે એને ઊંઘી જવું છે. એ દશ વર્ષમાં તે રસ્તામાં આવતા અસુરોને મારે છે, દેવતાઓના પ્રલોભનથી બચે છે, ખડકો અને પર્વતો પાર કરીને નીકળે છે અને નરભક્ષી માણસોથી બચે છે. એ જ્યારે દસ વર્ષે આ બધા કષ્ટો સહન કરતાં પોતાને ગામ પહોંચે છે ત્યારે એની પાસે કંઈ નથી. પહેરવાના કપડાંય નથી. બસ, એક ઝાડીમાં જાય છે અને ઓલિવના પાંદડા પહેરીને સૂઈ જાય છે. હવે એના મિત્રો કે પરિવાર કોઈ નથી. હોમર જે ઉપમા આપે છે એ દ્રશ્યમાં તે બહુ જ અદ્દભુત છે. હોમર કહે છે એ વખતે ઓડિસિયસ એક ખેડૂત જેવો લાગે છે. ગ્રીક સાહિત્યમાં છેલ્લે Recognition હોય છે. એને ‘અભિજ્ઞાન’ કહે છે. જેમ કર્ણને ખબર પડે છે કે તે પોતે કુંતીનો પુત્ર છે. આપણે ત્યાં આવું ઘણાં મહાકાવ્યોમાં લખાયું છે.’

‘આ બાજુ, ઓડિસિયસની પત્ની ભારતીય સ્ત્રી જેવી છે. બાવીસ વર્ષ થઈ ગયા પતિ નથી આવ્યો પણ બીજા કોઈને પરણતી નથી. કોઈ પૂછે તો કહે કે હું મારા સસરાનું કફન ગૂંથું છું પૂરું થઈ જશે ત્યારે પરણીશ. એ દિવસે કફન ગૂંથે અને રાત્રે ખોલી કાઢે. યુદ્ધ સમયમાં ઘણી સ્ત્રીઓ ગૂંથવાનું કામ કરતી. કેવું સુંદર દ્રશ્ય હોમર મૂકી આપે છે ! ઓડિસિયસ ઈથાકા-ગામ આવે છે ત્યારે એના ઘા સાફ કરનારી નર્સ એને ઓળખી જાય છે કે આ ‘ઓડિસિયસ’ છે ! પણ એ પોતાની ઓળખાણની વાત બીજાને કહેવાની ના પાડે છે. છેલ્લે જે કટોકટીનું દ્રશ્ય છે એમાં આસપાસના લોકોને કેવી રીતે દૂર કરવા અને પોતાની ઓળખાણ કેવી રીતે આપવી એની વાત છે. છેવટે ઓડિસિયસનું ધનુષ્ય લાવીને મૂકવામાં આવે છે. જનકની ધનુષ્યની પ્રતિજ્ઞાની જેમ ત્યાં પણ એક પ્રતિજ્ઞા છે કે જે એ ચઢાવશે એની સાથે પેલી સ્ત્રી પરણે. ઓડિસિયસ પોતાના હાથમાં તેને લે છે અને ચઢાવીને બધા જ સ્પર્ધકોનો વધ કરી નાખે છે. હવે એ એની પત્ની પાસે જાય છે. પત્ની ઓળખવાની ના પાડે છે. તો હવે ઓળખાણ કેવી રીતે આપવી ?’

મહાકાવ્યના અંતભાગની સમજૂતિ આપતાં ભોળાભાઈએ કહ્યું કે : ‘પેલી સ્ત્રી દાસીને આજ્ઞા કરે છે કે અજાણ્યા અતિથિને અહીં નહીં સુવાડીએ. પત્નીએ એની સાથે સૂવાની સાફ ના પાડી. એની માટે પલંગ બહાર બીજા ખંડમાં મૂકવાનું કહ્યું. ઓડિસિયસ ગર્જના કરે છે. એ કેવી રીતે બની શકે ? ઓડિસિયસ કહે છે કે આ પલંગમાં એક પાયો તો જીવતા ઓલિવ ઝાડનો છે. બાકીના ત્રણ પાયા સુવર્ણના છે અને તે સોનાથી જડેલું છે. આ રહસ્ય તો પતિ-પત્ની જ જાણતા હતા ! એનાથી ઓળખાણનું આ બીજું દ્રશ્ય આવ્યું. એ પછી પતિ-પત્નીનું સુંદર મિલન થાય છે. ઓડિસિયસ પોતાના બાપને મળવા ખેતરે જાય છે, ત્યાં એનો કૂતરો છે. બિચારો સૂનમૂન સાવ દૂબળો થઈને બેઠેલો છે. એણે ઓડિસિયસનો અવાજ સાંભળ્યો અને પડ્યા પડ્યા એણે પોતાના સ્વામી પર આંખ મેળવી અને આંખ મીંચી દીધી. ઓડિસિયસના આંખનું એક આંસુ એની પર પડ્યું. આ જે હોમરે વર્ણન કર્યું છે જાણે આપણે લટકતા રહીએ. આ હોમરની કાવ્ય કલા છે કે કોમળભાવો, વીરભાવો, અશ્વની વાત, કૂતરાની વાત સાથે એ કેટલાય ભાવો ગૂંથે લે છે. આમ, હોમરના મહાકાવ્યો અદ્દભુત છે.’

ત્યાર પછીના બીજા પ્રવક્તા શ્રી ધીરુભાઈ પરીખે ‘દાન્તે’ વિશે વાત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યનો પ્રારંભ કરતાં કહ્યું હતું કે : ‘એક નવ વર્ષનો છોકરો આઠ વર્ષ અને ચાર માસને કન્યાને ફ્લોરેન્સ નામના શહેરની ગલીઓમાંથી પસાર થતા જુએ છે. બંને વચ્ચે કોઈ વ્યવહાર થતો નથી. વાતચીત પણ નહીં. એટલા નાના બાળકોને પ્રેમમાં શું ખબર પડે ? પરંતુ બિયાટ્રિસ નામની છોકરીને, આ દાન્તે નામનો છોકરો ફરી અઢાર વર્ષ પછી એ જ ગલીમાંથી પસાર થતી જુએ છે ત્યારે એની કાખમાં એક બાળક હોય છે. એને જોઈને દાન્તેનો સ્વપ્નભંગ થયો. એક માતાને જુએ છે ત્યારે સ્ત્રી તરફનું પુરુષનું દષ્ટિબિંદુ શું છે એ દાન્તે આમાં પ્રગટ કરવા માગે છે. એમણે ‘ડિવાઈન કોમેડી’ નામે મહાકાવ્ય લખ્યું છે.’

dsc_4173‘આ ‘ડિવાઈન કોમેડી’માં જીવ થકી શિવ થવાની વાત છે. એમણે ત્યાંથી શરૂઆત કરી છે કે જીવ તો દરેકમાં છે પરંતુ આપણે શિવ બનવાનું છે. આ એમના મહાકાવ્ય વિશે નવ હજાર જેટલા વિવેચન ગ્રંથો વિશ્વમાં લખાયા છે. આ ‘કોમેડી’ એટલે કંઈ ‘ટ્રેજેડી’ની વિરોધી શબ્દની વાત નથી. અહીં ‘કોમેડી’ શબ્દનો અર્થ આનંદ થાય છે. જેને શોક વ્યાપ્ત છે, જીવનમાં શોક છે તેને એ શોકમાંથી મુક્ત કરીને આનંદયાત્રા તરફ લઈ જવું એ આ મહાકાવ્યનો ઉદ્દેશ છે. આ મહાકાવ્યના ત્રણ ખંડ છે. પહેલો ખંડ એટલે નરકલોક, બીજો ખંડ એટલે પ્રાયશ્ચિતલોક અને ત્રીજો ખંડ એટલે સ્વર્ગલોક. દાન્તેને મતે આ સ્વર્ગલોક એ ‘ધ કોમેડી’ એટલે કે ‘આનંદલોક’ છે. આ ભૌતિક આનંદની વાત નથી. આ પાતાળ લોકથી સ્વર્ગલોક તરફ ગતિ કરવાનું કાવ્ય છે. પહેલા ખંડમાં 34 સર્ગ છે, બીજા ખંડમાં 33 સર્ગ છે અને ત્રીજા ખંડમાં 33 સર્ગ છે. કુલ 100 સર્ગનું આ કાવ્ય છે. એકદમ સુઆયોજિત કાવ્ય છે. જગતના જે સાત ઉત્તમ મહાકાવ્યો ગણાવાયા છે તેમાંનું આ એક ઉત્તમ મહાકાવ્ય છે.’

‘આપણી આ બેઠકનો વિષય છે ‘મહાકાવ્યના ઉદગાતા’. ઉદગાતાનો અર્થ થાય છે સામવેદના મંત્રોચ્ચાર કરનાર પુરોહિત. ‘મહાકાવ્યના ઋષિતુલ્ય રચનાકાર’ એવો અર્થ આપણે ઘટાવવાનો છે. દાન્તે એવા ઈટાલીયન મહાકાવ્યના ઉદ્દગાતા એટલે કે સર્જક છે. તેમના રચેલા મહાકાવ્યનું નામ ‘લા કોમેડિયા’ એટલે કે ‘ધ કોમેડી’ છે અર્થાત આનંદ છે. રામાયણ, મહાભારત, ઈલિયર્ડ, ઓડિસી અને ઈનિડ ઈસપૂર્વેની સદીઓમાં લખાયેલા છે. છઠ્ઠું આ ‘ડિવાઈન કોમેડી’ 1300થી 1321 દરમ્યાન રચાયેલું મહાકાવ્ય છે. એમને એ રચતા 20 વર્ષ લાગ્યા છે. છેલ્લું મહાકાવ્ય મિલ્ટનનું ‘પેરેડાઈઝ લોસ્ટ’ નામે ઈ.સ. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું. રામાયણ મહાભારત બંને સંસ્કૃતમાં, ઈલિયર્ડ-ઓડિસી ગ્રીકમાં, ઈનીડ લેટિનમાં લખાયા છે. એટલે કે આ કાવ્યો પ્રશિસ્ટ ભાષામાં રચાયેલા મહાકાવ્યો છે; જ્યારે દાન્તેનું ‘ડિવાઈન કોમેડી’ ઈટલીની પ્રાદેશિક ભાષામાં રચાયેલું કાવ્ય હોઈ તે બીજા મહાકાવ્યોથી ભાષાની દષ્ટિએ જુદુ પડે છે. જ્યારે ‘પેરેડાઈઝ લોસ્ટ’ અંગ્રેજી ભાષામાં રચાયું છે. આમ, ભાષાની દષ્ટિએ દાન્તેનું આ કાવ્ય એક અને અનન્ય છે.’

દાન્તે વિશે વાત કરતાં શ્રી ધીરુભાઈએ કહ્યું હતું કે : ‘હવે દાન્તે વિશે થોડી હકીકત જોઈએ. એમનો જન્મ ઈ.સ. 1265માં થયો હતો. એમના પ્રપિતામહને ત્યાંના સમ્રાટે ‘ઉમરાવ’નો ઈલકાબ આપ્યો હતો. એમનું ધર્મયુદ્ધમાં અવસાન થયું હતું. તેઓ પોપ પક્ષના તરફદાર હતા પણ એમનામાં ધર્મઝનુન નહોતું. બલ્કે એમનામાં સાચી ધર્મસમજ વિકસી હતી. ‘દાન્તે’ એ કવિનું ટૂંકું નામ છે. એમની માતાનું અવસાન એમની નાની વયે થયેલું અને પિતાનું અવસાન અઢાર વર્ષની વયે થયેલું. સાહિત્યની એમણે કેળવણી લીધેલી. ચારિત્ર્ય ઘડતરના પાઠ પણ તેઓ શીખ્યા. ઈટાલીના મોટા નગરોમાં કેળવણી લીધી હતી. પેરિસનો પ્રવાસ કર્યો હતો. પ્રાકૃતિક-નૈતિક ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. ધર્મશાસ્ત્રોના દાવા-દલીલમાં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. એમના જન્મકાળે રાજકીય અશાંતિનું વાતાવરણ હતું. ધર્મસત્તા અને રાજ્યસત્તા સામ-સામે હતી. દાન્તે એ પણ તે સંઘર્ષમાં ઝંપલાવ્યું હતું. એમને ધર્મસત્તા અને લોકશાહીમાં અપૂર્વ શ્રદ્ધા હતી. દાન્તે 24 વર્ષની ભરયુવાન વયે યુદ્ધમાં પણ જોડાયા. ત્યાં એમણે સક્રિય ભાગ લીધો. 1293માં દાન્તે એ દવા બનાવનાર કંપનીમાં સભ્યપદ સ્વીકાર્યું હતું. કેટલાક હોદ્દાઓ પર તેઓ રહ્યા. ઈ.સ. 1295થીએ રાજકારણમાં વધારે સક્રિય બન્યા. ત્યારબાદ 1297માં રાજકારણમાં વળાંક આવે છે, ધર્મયુદ્ધ થાય છે. પક્ષોમાં ફાંટા પડે છે. ગોરા-કાળાના ભેદ પડે છે. ઈ.સ. 1300 બાદ ફરી પરિસ્થિતિ બદલાઈ. ઘણા સમાધાન કાર્યોમાં એ જોડાયા. દાન્તેને એ બધામાં ખૂબ સહન કરવાનું આવ્યું. ઈ.સ. 1302માં તેઓ જેલમાં ગયા. દંડ ભરવાનો ચુકાદો આપવામાં આવ્યો. દાન્તેએ દંડની રકમ ભરવાનો ઈન્કાર કર્યો. ફ્લોરેન્સ શહેરમાં હાજર થયા નહીં. પરિણામે એમના 14 મિત્રો સાથે મૃત્યુની સજા ફરવામાં આવી. દાન્તે નો મિજાજ વકર્યો અને વણસ્યો. એમણે ગોરાઓ સાથે હાથ મિલાવ્યા અને બળપૂર્વક ફ્લોરેન્સમાં પ્રવેશવા નિશ્ચય કર્યો. ઈ.સ. 1304માં એમને પરાજય મળ્યો અને ત્યારબાદ એમની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. હવે કવિ એમનામાં જન્મે છે.’

‘એમણે એમ અનુભવ્યું કે હું માત્ર ફલોરેન્સ શહેરનો નથી, સમગ્ર ઈટાલીનો છું. ગાંધીજી જેમ સમગ્ર વિશ્વના બન્યા તેમ દાન્તે સમગ્ર વિશ્વના આરાધક અને આત્મશોધક બની રહ્યા. એ પછી તત્વજ્ઞાન, કાયદા અને લેખનકલાનો અભ્યાસ કર્યો. એમને તેમાં બહુ સધિયારો મળ્યો. એમણે એમને મહાકાવ્યાના ઉદગાતા બનાવ્યા. ઈ.સ. 1300થી એમણે ‘લા કોમેડિયા’ સર્જવાનું શરૂ કરી દીધું હતું જેમાં એમનું તત્વજ્ઞાન જણાય છે. તેઓ એવું માનતા થયા કે પૃથ્વીમાં પરમ સ્થૈર્ય સ્થાપવા માટે રાજ્યસત્તા અને ધર્મસત્તા એમ બંનેની જરૂર છે. ઈ.સ. 1321 સુધી એક ઓળખીતા અતિથિને ત્યાં રહ્યા અને ત્યાં જ જીવનના અંતિમ શ્વાસ લીધા. એ દરમિયાન ‘લા કોમેડિયા’ના ત્રીજા ખંડનું સર્જન એમણે પૂરું કર્યું. એક ઉત્તમ મહાકાવ્યનું સર્જન પૂરું કર્યાનો દાન્તેને અમાપ આત્મસંતોષ હતો. ઈ.સ. 1321ની સપ્ટેમ્બરની 13 કે 14 તારીખે એમણે પોતાના યજમાનને ત્યાં આખરી શ્વાસ લીધો. એમને બે પુત્રો અને પુત્રી હતા. એમનો ભવ્ય અંતિમ સંસ્કાર થયો હતો. એમને લોરેલના પર્ણોનો મુગટ પહેરાવામાં આવેલો. ત્યાં એ મોટું સન્માન ગણાય છે. એમણે પોતાનો કબર-લેખ આ પ્રમાણે છે લખ્યો હતો, જેમાં કેટલી વેદના દેખાય છે:

હું જેને ઘરથી ઘણે દૂર
રઝળતો કરી મૂકવા જેની કૂખે
મેં જન્મ ધારણ કર્યો હતો
અને છતાં એનો આ સંતાન એવા
મારે જે માતૃપ્રેમવિહિન પુરવાર થઈ હતી
તે સુંદર નગરીમાંથી હદપાર કરાયેલો
હું દાન્તે અહીં પોઢ્યો છું.

વક્તવ્યના સમાપનમાં શ્રી ધીરુભાઈએ કહ્યું હતું કે : ‘એમના મહાકાવ્યનો સાર એક જ છે કે જે પ્રાયશ્ચિત કરે છે તે આગળ વિકાસની તક પામે છે. જે પ્રાયશ્ચિત કરે છે એ પાપમુક્ત થાય છે અને પાપમુક્ત થતાં તે આત્માના ઉચ્ચસ્તર સુધી જવાનો અધિકારી બને છે. પણ ત્યાં સુધી એને આનંદ નથી. આ કાવ્યનો નાયક capital ‘I’ છે. I એટલે દાન્તે. દાન્તે એટલે તમે અને હું. આ એક જ કાવ્ય છે જેમાં નાયક પોતે કવિ બને છે. છેલ્લે એ આનંદલોકમાં પ્રવેશે છે. એટલે આત્માની અધોગતિથી લઈને આત્માની ઊર્ઘ્વગતિનું પ્રયાણ કેવું હોઈ શકે એ આ ત્રણે ખંડની અંદર દાન્તેએ ઋષિતુલ્ય વાણીથી આપણી સમક્ષ પ્રગટ કર્યું છે.’

આ સંગોષ્ઠિના અંતિમ પ્રવક્તા શ્રી અવધેશકુમાર સિંહે મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’ વિશે વાત કરી હતી. તેમણે વાતની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે : ‘સાહિત્ય સંવાદ સ્થાપિત ન કરી શકે કે સમાજમાં સેતુ ન બની શકે તો એવું સાહિત્ય ફેંકી દેવાને લાયક છે. ‘મિલ્ટન – મારી દષ્ટિએ’ એની પર હું વાત કરીશ. શૈલીનામના રોમેન્ટિક કવિએ હોમર, દાન્તે અને મિલ્ટનને યુરોપના ‘પ્રકાશપુત્ર’ તરીકે ઓળખાવ્યા છે. એમનું પૂરું નામ ‘જહોન મિલ્ટન’ હતું. વિશ્વના શ્રેષ્ઠ કવિઓમાં આપણે તેમને ચોક્કસ ગણી શકીએ. એમનો સમય 17મી સદીનો છે. એમના સમયના એક વિવેચકે તો એમને ‘Greatest author of English’ કહ્યા હતા. સદીઓ સુધી આ અંગ્રેજી કવિનું કવિતાના ક્ષેત્રમાં આધિપત્ય રહ્યું છે.’

dsc_4177‘મિલ્ટનનો જે સમય છે એની પર થોડી નજર કરવાની જરૂર છે. આમ જુઓ તો એમનો સમય અકબરના સમય પછીનો તુરંતનો છે. એ સમયે બે ધર્મો હતા એક તો ‘રોમન કેથલિક’ અને બીજા ‘શુદ્ધતાવાદીઓ’. જે શુદ્ધતાવાદીઓ હતા એમને ચર્ચમાં મ્યુઝિક કે કર્મકાંડથી સખત વિરોધ હતો. એમના દાદા રોમન કેથલિક હતા. પણ એમના પિતાએ ‘શુદ્ધતાવાદી’ ધર્મ સ્વીકાર્યો એટલે એમને સંપત્તિથી દૂર કરી દેવામાં આવ્યા. છેવટે તો ‘શુદ્ધતાવાદીઓ’ માટે એવું કહેવામાં આવ્યું કે એ લોકો એટલા માટે દુ:ખી છે કારણ કે દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યાંકને ક્યાંક કોઈ રીતે સુખી છે ! એટલી બધી જડતા આમાં આવી ગઈ ! આજથી 401 વર્ષ પહેલા મિલ્ટનનો જન્મ થયો હતો. અને 402 વર્ષ પહેલાં બાઈબલની Authorised edition બની હતી, એ પણ એક સંયોગની વાત છે. મિલ્ટને કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો. ઈ.સ. 1624માં એમણે સૌ પ્રથમ એમની કવિતા લખી. મિલ્ટન ‘પાર્લામેન્ટ સિસ્ટમ’ના પક્ષમાં હતા અને એમણે ત્યાં વર્ષના 288 પાઉન્ડ લેખે નોકરી પણ સ્વીકારી હતી. એમણે ત્રણ મુખ્ય કૃતિઓ રચી : ‘પેરેડાઈઝ લોસ્ટ’, તે પછી એ જ્યારે અંધ બન્યા ત્યારે એ આંધળાપણામાં ‘ઓન હીઝ બ્લાઈન્ડનેસ’ અને ત્રીજો ‘એરિયો પીજેટિકા’ – આ ત્રણ એમની મુખ્ય પ્રસિદ્ધ રચના. એમાંની આ છેલ્લી રચના રાજાશાહી દરમ્યાન લખાઈ.’

તેમણે આગળ જણાવ્યું હતું કે : ‘ઈ.સ 1655માં મિલ્ટનને ઈચ્છા થઈ કે કોઈ રાષ્ટ્ર ત્યારે જ રાષ્ટ્ર બને છે જ્યારે એ રાષ્ટ્ર પાસે પોતાનું મહાકાવ્ય હોય. એ પછી મિલ્ટનને પોતાનો પૂરો સમય મહાકાવ્યની વિષય વસ્તુ શોધવામાં લગાડ્યો અને કહેવાય છે કે મિલ્ટને લગભગ 100 draft તૈયાર કર્યા હતા. એ 100 પર વિચારતા વિચારતા છેલ્લે એમણે બે પસંદ કર્યા : એક તો ‘અલ્ફ્રેડ ધ કિંગ’ એની પર મહાકાવ્ય લખવું… પણ મનમાં થયું કે સૌથી મોટો રાજા ખરો પણ એ તો વર્ષો પછી એ રાજા પ્રસિદ્ધ ન હોય તો એ મહાકાવ્યને કોણ વાંચે ? એ પછી 1655-56થી તો એમની આંખે દેખાતું ઓછું થતું ગયું. ધીરે ધીરે તેઓ મહદઅંશે અંધ બની ગયા. ઈ.સ. 1666માં ‘પેરેડાઈઝ લોસ્ટ’ની પહેલી આવૃત્તિ તૈયાર થઈ. દશ ખંડમાં એ તૈયાર થયું. એ સમયે એ કાવ્ય ઘણા લોકોના સમજમાં ન આવ્યું. પછી તો ત્યાં પ્લેગ આવ્યો અને એ પ્લેગ પછી ફરીથી એમણે આ ‘પેરેડાઈઝ લોસ્ટ’ ને Rewise કરી અને એ બીજી આવૃત્તિ એમના મૃત્યુના વર્ષ એટલે કે ઈ.સ. 1674માં પ્રકાશિત થઈ. એ રીતે તેઓ મહાકવિ બન્યા.’

‘મારું માનવું એમ છે કે કોઈ પણ મહાસમયમાં કોઈ પણ મહાપુરુષના મનમાં જ્યારે કોઈ મહાન-પ્રશ્ન પડખું ફેરવીને ઊભો થાય છે ત્યારે કોઈક મહાકાવ્યનો જન્મ થાય છે. મહાકાવ્ય માટે મહાપ્રશ્ન જોઈએ જ અને એનો ઉદગાતા એ જ બની શકે જે મહાકાવ્યની વિષય વસ્તુ હોય એને મહાવાક્યમાં લખે. મિલ્ટન કદાચ એ જ પ્રશ્નોની શોધમાં હતા. એ મહાપ્રશ્ન કયો હતો ? એક વાત મિલ્ટનના મનમાં સ્પષ્ટ થઈ કે મહાકાવ્ય એવા વિષય પર લખવું કે જે એટલું રુચિકર હોય કે જ્યાં સુધી માનવતા રહે ત્યાં સુધી બધાને માટે એ રસપ્રદ હોય. અંતે પેલા 100 draftમાંથી મિલ્ટન એવા નિર્ણય પર આવ્યા કે જ્યાં સુધી માનવતા છે ત્યાં સુધી માણસની રૂચિ એની ઉત્પત્તિને જાણવામાં છે. એની રૂચિ ‘આદમ અને ઈવ’માં છે. આના બે જવાબો મળે છે. એક વિજ્ઞાનનો અને બીજો ધર્મનો. ઈસાઈ જેવા ધર્મે તો જવાબ આપ્યો કે આજથી 6000 વર્ષ પહેલાં એક શુક્રવારે ભગવાનની ઈચ્છા થઈ અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ જ્યારે વિજ્ઞાને કહ્યું, ડાર્વિનના મત પ્રમાણે કે આપણે તો તબક્કાવાર વિકસ્યા છીએ – ગોરીલાથી માનવ સુધી. મિલ્ટને આ જ પ્રશ્નના આધાર પર એવું મહાકાવ્ય બનાવ્યું કે એમના સમયની રાજકીય સ્થિતિનું સાહિત્યિક રીતે પ્રતિરૂપણ થઈ શકે અને સાથે સાથે સર્વકાલિન રચના પણ એક રીતે તૈયાર થાય.’

‘એમણે જે વિષય વસ્તુ લીધી એ જગપ્રસિદ્ધ છે. આ મહાકાવ્યમાં કથા એવી છે કે સ્વર્ગ છે, એમાં ઈશ્વર છે અને એમની સાથે અનેક દેવદૂત છે. એમાં અલગ અલગ પ્રકારના દેવદૂત હતા. એમાંના એક દેવદૂતનું નામ હતું ‘લ્યુસીફર’ જેનો એનો અર્થ થાય છે ‘ચમકતું.’ આ દેવદૂતના મનમાં ઈચ્છા થઈ કે ઈશ્વર કાયમ સ્વર્ગ પર સત્તા રાખે છે તો હું કેમ સત્તા ન લઉં ? એ અને ઈશ્વર વચ્ચે સંઘર્ષ થયો જેમાં લ્યુસીફરની હાર અને ઈશ્વરનો વિજય થયો. હવે જે જે લ્યુસીફરની સાથે હતા એ બધા દેવદૂતોને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા. તેથી એમણે પોતાની રહેવાની એક નવી જગ્યા બનાવી અને એનું નામ એમણે રાખ્યું ‘પેન્ડમોનિયમ’. આ જગ્યામાં પેલો લ્યુસીફર આ બધાનો નેતા બન્યો. આ લ્યુસીફરને જ બીજા શબ્દોમાં શેતાન કહ્યો છે ! એણે બધાને કહ્યું કે આપણે ઈશ્વર સાથે ફરી લડીશું. બધા ભેગા મળે છે. શેતાન ચિંતિત છે. મિલ્ટન એની ચિંતાનું વર્ણન કરે છે. એ પોતાના સાથીઓને કહે છે કે સ્વર્ગ કે નર્કની ચિંતા ના કરો. સ્વર્ગ-નર્ક બધી મનની ઉપજાવેલી વસ્તુઓ છે. લ્યુસીફર ઈશ્વર પાસે બદલો લેવાની રીતો વિચારે છે. એણે વિચાર કર્યો કે ‘ગાર્ડન ઓફ ઈવ’ કે જ્યાં આદમ અને ઈવ રહે છે; એ બંને ઈશ્વરને અતિપ્રિય છે. બંને ઈશ્વરનું રૂપ છે. ઈશ્વરે એ ગાર્ડનમાં આવેલા જ્ઞાનવૃક્ષ પરના જે ફળો છે એ એમને ચાખવાની ના પાડી છે. જો એ તેઓ ચાખી લે તો એમને દંડ મળે. તેથી આ શેતાને વિચાર્યું કે સીધી રીતે તો ઈશ્વરને હરાવી નહીં શકાય પણ એમની પ્રિય વસ્તુને નુકશાન પહોંચાડવામાં આવે તો ઈશ્વરને નુકશાન પહોંચાડી શકાય. તે પછી એ જાસુસની જેમ આખા બ્રહ્માંડનું ચક્કર લગાવે છે. પેલા ગાર્ડન પાસે પહોંચે છે અને લાગ જોઈને, કે જ્યારે આદમ ક્યાંક બહાર ગયો છે એ સમયે સાપનું રૂપ ધારણ કરીને ઈવ પાસે જાય છે. સૌથી પહેલા ઈવના રૂપની બહુ પ્રશંસા કરે છે. ઈવ ખુશ થાય છે, પણ એને થાય છે કે તમે છો તો સાપ તો તમે બોલી કેવી રીતે શકો છો ? તો પેલો કહે છે મારી પાસે ફક્ત વાણી નથી મારી પાસે તર્ક પણ છે અને એ આ બંને મેં આ ઝાડના ફળ ખાવાથી મેળવ્યા છે. ઈવને તે એ ઝાડ પાસે લઈ જાય છે. ઈવ કહે છે કે આ તો એ જ ઝાડ છે જેના ફળ ખાવાની ઈશ્વરે ના પાડી છે. પછી અંતે તો ઈવે એ ફળ ખાધું. આદમ આવ્યા એટલે એમણે જોયું કે આ તો સર્વનાશ થયો ! છેલ્લે એમણે વિચાર્યું કે ઈવનું જે ભાગ્ય એ જ મારું ભાગ્ય એટલે આદમ પણ એને ખાઈ લે છે. ઈશ્વરને આ વાતની ખબર પડી. એમણે એમના દેવદૂતોને કહ્યું કે એમને સ્વર્ગથી કાઢી મૂકવામાં આવે… અને આ સ્વર્ગથી દૂર કરવા માટેની જે મિલ્ટને નવ લાઈનો લખી છે એ વાંચો તો ખ્યાલ આવે કે મિલ્ટનની કાવ્યક્ષમતા કેટલા ઉચ્ચ પ્રકારની હતી. એટલે જ આનું નામ છે ‘પેરેડાઈઝ લોસ્ટ’.

અંત માં શ્રી અવધેશકુમારે કહ્યું હતું કે : ‘એક પ્રશ્ન એ થાય કે આ તો બહુ પ્રસિદ્ધ વાર્તા કે જે બધી અંગ્રેજી પ્રજાને ખબર છે એ વિશે મહાકાવ્ય લખીને મિલ્ટને કઈ મોટી વાત કરી દીધી ? આમ તો એમના લખાણ પરથી એમ લાગે કે મિલ્ટનની સહાનુભૂતિ ઈશ્વર કરતા શેતાન સાથે વધારે છે ! એટલે જ વિવેચકોએ એની પર બહુ વિવાદ કર્યો છે. એમાં મહાનાયક કોણ ? ઉપર ઉપરથી તો એમ લાગે કે મહાનાયક તો ઈશ્વર. પણ બારેય પુસ્તકો વાંચીએ તો ખ્યાલ આવે કે નાયક તો શેતાન લાગે છે ! જો માનવતાવાદી દ્રષ્ટિકોણથી વાંચીએ તો ખ્યાલ આવે કે ઈશ્વર અને શેતાન કેન્દ્રમાં નથી. કેન્દ્રમાં તો ‘આદમ અને ઈવ’ છે. પરંતુ અહીં મૂળ વિચાર એ દેખાય છે કે માણસ પોતાની સમસ્યા પોતે જ ઊભી કરીને કશુંક ગુમાવે છે અને એનાથી પણ ઊંડે જઈએ તો એમ દેખાય છે કે ‘પેરેડાઈઝ ઓલ્સો લોસ્ટ’ એટલે સ્વર્ગે પણ મનુષ્યને છોડીને કંઈક ગુમાવ્યું છે. એની ખોટ સ્વર્ગમાં પણ સાલે છે. ‘પેરેડાઈઝ લોસ્ટ એડમ ઍન્ડ ઈવ.’ એટલે સ્વર્ગે ગુમાવ્યા છે આદમ અને ઈવને ! જેમ આપણને સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય છે તેમ પેલા ‘ગાર્ડન ઑફ ઈવ’ને પણ ઈચ્છા છે કે શું આદમ અને ઈવ હવે પાછા આવશે ? – આ મહાકાવ્યનો મૂળ વિચાર છે.’

બીજા દિવસની રાત્રે શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે સુશ્રી કિશોરી આમોનકરે શાસ્ત્રીય કંઠ્યસંગીત પ્રસ્તુત કર્યું હતું. વિવિધ પ્રકારના રાગો અને સંગીતની સંગતથી શ્રોતાઓ ડોલી ઊઠ્યા હતા. રાત્રે અગિયાર વાગ્યે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.

[ વધુ આગળ વાંચો : ભાગ-3 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્મિતાપર્વનું આચમન (ભાગ-3) – મૃગેશ શાહ
અસ્મિતાપર્વનું આચમન (ભાગ-1) – મૃગેશ શાહ Next »   

17 પ્રતિભાવો : અસ્મિતાપર્વનું આચમન (ભાગ-2) – મૃગેશ શાહ

  1. Harshad Patel says:

    Our literature is very wide and full of divine philosophy. It is a guiding light to the world. Tagore never went to school; however, he gave us “Gitanjali”. All three parts are very infomative!

  2. અવૉચીન ઋષિ સ્વ.રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ગીતાંજલિ વિષે સવિસ્તાર જાણ્યું.

    આ મહામાનવના જીવનમાં આવેલી આંધીઓ જાણી ઘણું જ દુખ થયું..પાંચ વષૅમાં ચાર ચાર સ્વજનનું નિધન..કદાચ પરિક્ષા કરનાર ઈશ્વર પણ પોતાના વજ્ર હ્રદય માટે શરમાયો હશે. શ્રી ઠાકુરજીની પ્રજ્ઞાને લીધે તેમના જીવનમાં કટુતા કે રુક્ષતા ના આવી.

    સ્વ. રવિન્દ્રનાથ ઠાકુરને નતમસ્તક શ્રધ્ધાંજલિ.

  3. અસ્મિતાપર્વનું સુંદર ‘ડાઈજેસ્ટ’… આભાર અને અભિનંદન ! ભગવતીકાકાની વાતો પણ રસ પડે એવી…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.