- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

દુનિયાની અજાયબ કમાન – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

આપણે બધા કમાન (Arch) થી તો સારી રીતે પરિચિત છીએ. કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ મોટો ધાર્મિક કાર્યક્રમ હોય કે કોઈનું ભવ્ય સ્વાગત કરવાનું હોય તો કમાનો ઊભી કરવાની પ્રથા છે. ઘણીવાર કોઈ જાહેર બિલ્ડિંગના પ્રવેશદ્વાર કે બગીચા જેવી જગ્યાએ કાયમી કમાન પણ બનાવવામાં આવતી હોય છે. અહીં, આપણે એક અજાયબ જેવી કમાનની વાત કરીશું કે જે અન્ય કમાનો કરતાં ઘણી રીતે નિરાળી છે.

યુ.એસ.એ (અમેરિકા)ના મિસોરી રાજ્યમાં મિસિસીપી નદીને કિનારે ‘સેન્ટ લુઈસ’ નામનું શહેર આવેલું છે. શિકાગોથી આ શહેર દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે 550 કિલોમીટર દૂર છે. મિસિસીપી નદી આપણી ગંગા નદી જેવી લાગે. નદી આખી પાણીથી ભરેલી અને તેમાં પાણી સતત વહેતું રહે છે. આ નદીના કિનારા પર એક ભવ્ય કમાન બનાવવામાં આવી છે જે ‘ગેટ વે આર્ક’ના નામે ઓળખાય છે. દુનિયામાં ઘણાં ભવ્ય બાંધકામો થયેલાં છે. આ કમાન પણ તે રીતનું એક અદ્દભુત બાંધકામ ગણી શકાય. જો કે તે દુનિયામાં બહુ પ્રસિદ્ધ થઈ નથી.
ઈજનેરી કુશળતાના નમૂના જેવી આ કમાનની ઉંચાઈ જમીનથી 630 ફૂટ (192 મીટર) છે જેને આપણે આશરે 70 માળના મકાન જેટલી કહી શકીએ ! જમીન પર તેના બંને પાયા વચ્ચેનું અંતર પણ તેની ઉંચાઈ જેટલું જ છે. સામાન્ય રીતે કમાનના થાંભલા ચોરસ, લંબચોરસ કે ગોળાકાર હોય, પરંતુ આ કમાનના થાંભલાનો આડછેદ ત્રિકોણાકાર છે. પાયા આગળ આ ત્રિકોણાકાર થાંભલાની દરેક બાજુ 54 ફૂટ (16 મીટર) લાંબી છે. ઉપર તરફ જતાં થાંભલો સાંકડો થતો જાય છે. છેક ઉપરના આડા ભાગમાં ત્રિકોણની બાજુ 17 ફૂટ (5 મીટર) જેટલી લાંબી છે. કમાન બનાવવામાં મુખ્યત્વે પોલાદ અને આર.સી.સી.નો ઉપયોગ થયો છે. કમાનનું કુલ વજન અધધધ કહેવાય એટલું 17246 ટન છે, જેમાં 900 ટન પોલાદ છે. એક ટન એટલે 1000 કિલોગ્રામ. કમાનની જેમ વળાંક લેતા બે થાંભલા પર અન્ય કોઈ ટેકા વગર આટલું બધું વજન કમાન સ્વરૂપે ગોઠવવું એ ઈજનેરી કલાનું અનોખું ઉદાહરણ છે.

આ કમાનની ખાસ ખૂબીની વાત એ છે કે તે અંદરથી પોલી છે અને આ પોલાણમાં થઈને કમાનના પાયાથી તે છેક ટોચ સુધી જઈ શકાય છે. આ માટે પોલાણમાં આઠ ડબ્બાવાળી એક નાની ટ્રેન ગોઠવવામાં આવી છે. દરેક ડબ્બામાં પાંચ વ્યક્તિ બેસી શકે એટલે એક સાથે કુલ 40 વ્યક્તિ ટ્રેનમાં બેસીને ઉપર જઈ શકે. બંને થાંભલામાં આવી એક-એક ટ્રેન છે. વીજળીથી ચાલતી આ ટ્રેન 4 મિનિટમાં નીચેથી ઉપર પહોંચી જાય છે. કમાનના પોલાણમાં ટ્રેનના પાયાની બાજુમાં એક સીડી પણ રાખેલી છે. વિદ્યુતપાવર ખોરવાઈ જાય કે બીજી કોઈ તકલીફ ઊભી થાય તેવા આકસ્મિક સંજોગોમાં ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓને બહાર કાઢી, આ સીડી મારફતે નીચે લાવી શકાય. બંને થાંભલામાં આવી સીડી રાખવામાં આવી છે. દરેક બાજુની સીડીમાં 1076 પગથિયાં છે. ટ્રેનની કેબિનોનાં બારણામાં કાચની એક નાનકડી બારી રાખેલી છે. કેબિનમાં બેઠા બેઠા બારીમાંથી સીડીનાં પગથિયાં જોઈ શકાય છે.

કમાનના છેક ઉપરના, લગભગ આડો કહી શકાય એવા ભાગમાં આરામથી હરીફરી શકાય એટલી જગ્યા છે. બંને બાજુની ટ્રેનમાંથી આવેલા 80 જણ આરામથી ઊભા રહી શકે એટલી જગ્યા છે. અહીં બંને બાજુ બારીઓ રાખવામાં આવેલી છે, તેમાંથી આજુબાજુનું દશ્ય જોઈ શકાય છે. એક બાજુ ‘સેન્ટ લુઈસ’ શહેર દેખાય છે જ્યારે બીજી બાજુ મિસિસીપી નદી દેખાય છે. આ શહેરનું સૌથી ઊંચું બાંધકામ આ કમાન જ છે, તેથી શહેરના ડાઉનટાઉનમાં આવેલાં 50-60 માળનાં ઊંચા મકાનો પણ કમાનની ટોચમાંથી નીચાં દેખાય છે. રોડ પર દોડતી ગાડીઓનું દ્રશ્ય સુંદર લાગે છે. થોડે દૂર આવેલું સ્ટેડિયમ પણ જોઈ શકાય છે. બીજી બાજુ દેખાતી મિસિસીપી નદીનું જાણે વિહંગાવલોકન કરતા હોઈએ એમ લાગે છે. નદીમાં દોડતી ક્રુઝ, બોટ જેવી નાનકડી લાગે છે ! નદી પરનો પુલ, તેના પર દોડતી ગાડીઓ, બીજા પુલ પરથી પસાર થતી ટ્રેન – આ બધું જોવાની મજા આવે છે. અહીંથી દૂર દૂર સુધીનું કુદરતી દ્રશ્ય ખરેખર અદ્દભુત લાગે છે.

કમાનની અંદર ચઢતી-ઉતરતી ટ્રેનો અને માણસોની આટલી બધી ચહલપહલ હોવા છતાં કમાનની બહાર જમીન પર ઊભેલા માણસોને એમાંનું કશું જ દેખાય નહિ ! એ જ તો ખૂબી છે ! કમાનની આ ટ્રેનમાં ઉપર-જવા આવવાનું અલબત્ત, મફત નથી. ટ્રેનની વ્યક્તિ દીઠ 10 ડૉલર ટિકિટ રાખવામાં આવી છે. બીજી એક વાત એ છે કે કમાનના બે પાયા વચ્ચેની જમીન પર લૉન ઉગાડવામાં આવી છે. આ એક સામાન્ય હરિયાળું મેદાન જ લાગે ! આ મેદાનની નીચે એક વિશાળ ભોંયરું છે. ટ્રેનમાં બેસવા માટે પહેલાં તો આ ભોંયરામાં જવાનું હોય છે. કમાનના બંને થાંભલા આગળ ભોંયરામાં જવાનો રસ્તો છે. ભોંયરાના આ વિસ્તારને ‘વીઝીટિંગ સેન્ટર’ કહે છે. સિક્યોરીટીની તપાસમાંથી પસાર થઈને ભોંયરામાં પ્રવેશો એટલે એક બાજુ ટિકિટબારી, પૂછપરછ કેન્દ્ર, આરામગૃહ, પાણી પીવાની વ્યવસ્થા વગેરે આવેલાં છે. વળી, ત્યાં એક મોટી દુકાન પણ આવેલી છે કે જ્યાં ભાતભાતની વસ્તુઓ જેવી કે કમાનની પ્રતિકૃતિવાળાં કીચન, લોગો, રમકડાં વગેરે મળે છે. કમાનનો ઈતિહાસ અને એના બાંધકામને લગતાં પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ છે. આ મુલાકાતની યાદગીરીરૂપે આમાંની કોઈક વસ્તુ લેવાનું મન તો ચોક્કસ થઈ જ જાય !

ભોંયરામાં બીજી બાજુ એક મોટું મ્યુઝિયમ છે. તેમાં અમેરિકાના ઈતિહાસને લગતી ઘણી વસ્તુઓ જોવા મળે છે. ત્યાં એક થિયેટર પણ આવેલું છે. આ ભોંયરામાં ફોટોગ્રાફરો આપને વ્યક્તિગત કે ગૃપફોટો પણ પાડી આપે છે. ભોંયરામાં કમાનના બંને તરફના થાંભલાના પાયા બાજુ હજુ વધુ ઊંડા ઉતરીને પેલી ટ્રેનના પ્રવેશદ્વાર સુધી જવાય છે અને પછી, ટ્રેનમાં બેસી, કમાનની અંદરથી, ઉપર જવાની રોમાંચક સફર શરૂ થાય છે. કમાનના આ ભોંયરાની બાજુમાં એક બીજું ભોંયરું આવેલું છે જેનો ઉપયોગ ગાડીઓના પાર્કિંગ માટે થાય છે; જેનો 6 ડૉલર ચાર્જ લેવામાં આવે છે. કમાનની ભવ્યતા આકાશમાંથી જોવી હોય તો હેલિકોપ્ટર સર્વિસની પણ સુવિધા અહીં મળી શકે છે. મિસિસીપી નદીના કિનારાને અડીને એક હેલિપેડ બાંધવામાં આવ્યું છે. અહીંથી હેલિકોપ્ટરમાં બેસીને કમાન અને ‘સેન્ટ લુઈસ’ શહેરનો એક ચકરાવો લઈ શકાય છે. મિસિસીપી નદીમાં ક્રુઝમાં બેસીને ફરવાની વ્યવસ્થા પણ છે.

ઈરોસારીનેન અને હંસકાર્લ બંડેલ નામના ઈજનેરોએ આ કમાન બાંધવાનું બીડું ઝડપ્યું હતું. 1963માં તેનું બાંધકામ શરૂ થયું હતું જે અઢી વર્ષમાં પૂરું થયું હતું. બાંધકામ મોટે ભાગે રાતના સમયે જ કરાતું હતું કે જેથી પોલાદ પર સૂર્યના તાપની અસર ન થાય. બાંધકામનો ખર્ચ આપ શું ધારો છો ? એ જમાનામાં તેનો ખર્ચ 150 લાખ ડૉલર એટલે કે આશરે 60 કરોડ રૂપિયા હતો ! આવી અજાયબ કમાનને જોવા દર વર્ષે આશરે 10 લાખ લોકો તેની મુલાકાતે આવે છે. આ ભવ્ય કમાન ‘સેન્ટ લુઈસ’ શહેરનું ગૌરવ છે. અંદરના પોલાણમાં ટ્રેનની વ્યવસ્થા ધરાવતી આ રાક્ષસી કમાન દુનિયામાં અજોડ છે. ભવિષ્યમાં તક મળે તો આ ભવ્ય કમાનની ટ્રેનમાં બેસવાનો લ્હાવો જરૂરથી લેવા જેવો છે !