અવનવી બાળવાર્તાઓ – સંકલિત

[1] ચકલીનું બચ્ચું – પ્રવીણ મહેતા

[રીડગુજરાતીને આ બાળવાર્તા મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત બાળવાર્તા તેમના તાજેતરમાં પ્રકાશિત થનારા પુસ્તક ‘નાનીમા, વાર્તા કહોને !’ માંથી લેવામાં આવી છે. પુસ્તક પ્રકાશિત થયે તેની વધુ વિગતો પછીથી અહીં આપવામાં આવશે.]

એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક સુંદર નાનકડું સરોવર હતું. સરોવરની ચારે બાજુ ઊંચા ઊંચા ઝાડો હતાં. બાજુબાજુમાં થોડા રૂપાળા છોડ પણ ઊગ્યા હતાં. એ સરોવરમાં ઘણા કાચબા રહે. નાના ને મોટા, જાડા ને પાતળા, બધા સાથે સંપીને રહે અને આનંદ કરે. સરોવરની બાજુના ઝાડ ઉપર એક ચકીબેને પોતાનો માળો બાંધ્યો હતો.
ચકીબેનને બે નાનકડાં રૂપાળાં બચ્ચાં હતાં.
ચકીબેન કહે : ‘જોજો, બાજુમાં સરોવર છે, તેમાં ન્હાવા ન જતાં. તમે નાનાં છો ને તરતાં પણ આવડતું નથી. હું તમને ત્યાં લઈ જઈ નવડાવીશ – માટે દોડાદોડી ન કરવી. મારી વાત ધ્યાનમાં રાખશો ને ?’

બન્ને બચ્ચાં કહે : ‘હા મા! અમે ત્યાં નહિ જઈએ. અમે તો બાજુમાં ઊગેલાં રાતાં-પીળાં ફૂલો સાથે રમીશું ને ગીતો ગાઈશું ને નાચીશું.’ પણ નાનું બચ્ચું નટખટ હતું – તોફાની હતું ! તેને પાણીમાં તરતાં કાચબાનાં નાનાં નાનાં બચ્ચાંને જોયેલાં. તેને થયું, ‘ચાલને થોડું તરી આવું. તરવાની ભારે મઝા પડે – માને ક્યાં ખબર પડવાની છે ! ઉપર ઉપર તરીએ ને નીચે ચોખ્ખું પાણી ! તે નાનું ગીત ગાય :

કાચબાકાકા, ઓ કાચબાકાકા !
તમે તો ભાઈ ભારે છો પાકા !
છાનામાના ધીમા ધીમા તરો તમે
મારે પણ તરવું છે, રસ્તો બતાવો મને !

પણ એમ કાંઈ કાચબાકાકા તેને તરતાં શીખવાડે ? હજુ તે તો બહુ નાનું હતું ને ? આમ કાચબાકાકા દેખાતા બંધ થાય ને નાનું બચ્ચું નિરાશ થઈ જાય ! એક દિવસ ચકીબેન ચણની શોધમાં ગયાં. મોટું બચ્ચું થોડું આળસુ તેથી સૂઈ ગયું ને નાનું બચ્ચું ધીમેથી ઊઠીને-કૂદીને સરોવરની પાળે આવ્યું. તેને થયું ‘લાવ, આજે તો થોડું તરવું છે. પાણીમાં પગ મૂકીશ, નાની પાંખ ફફડાવીશ એટલે તરતાં આવડી જશે. મા અહીં ક્યાં છે કે મને ધમકાવશે ?’

તે તો ચપ ચપ કરતું સરોવરની પાળી પરથી ધીમેથી પાણીમાં ઊતર્યું ને મંડ્યું પાંખો ફફડાવવા – પણ એમ કાંઈ તરતાં આવડી જાય ? એ તો ભાઈ મંડ્યા પાણીમાં ડૂબવા ને મૂંઝાવા લાગ્યા ! પણ હવે શું કરવું ? : ‘કોઈ મને પાણીમાંથી બહાર કાઢો – મને મદદ કરો !’ થોડે દૂર એક કાચબાભાઈ તરતા હતા. તે નાના બચ્ચાને ડૂબતાં જોઈ ગયા.
‘અરે, આ ચકલીનું નાનું બચ્ચું તો ડૂબવા લાગ્યું !’ તે તો ઝડપથી તરીને તેની પાસે પહોંચ્યા ને બચ્ચાને ધીમેથી પોતાની પીઠ પર લઈ લીધું. કહે, ‘અરે, બચુભાઈ ! આમ પાણીમાં તરતાં ન આવડતું હોય તો પાણીમાં ન પડાય, ડૂબી જવાય. ચાલો, તમને પાળ ઉપર મૂકી જાઉં છું – આવી ભૂલો કદી ન કરશો હો ને ?’
‘કાચબાકાકા ! તમોએ મારો જીવ બચાવ્યો. હવે કદી હું પાણીમાં નહિ પડું. તમારો ખૂબ ખૂબ આભાર.’ તે બોલ્યું.
કાચબાકાકા કહે : ‘બચુભાઈ, આપણે બધાં પડોશી છીએ. એકબીજાને મદદ કરવી એ આપણી ફરજ છે. હંમેશાં મા-બાપનું માનવું અને માન આપવું – ખોટી જીદ ન કરવી. હવેથી ડાહ્યો થજો ને વિચારી-સમજીને કામ કરજો.’ તે તેને પાળ પર મૂકી આવ્યા.

વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય
એવા ખોટા કામથી જાન ઘણાનાં જાય

કાચબાકાકાએ ચકીબેન મળ્યા ત્યારે આ વાત કરી. ચકીબેને તેમનો ખૂબ જ આભાર માન્યો. ચકીબેને નાના બચ્ચાને આ માટે માર્યું નહિ પણ સમજાવ્યું ને શિખામણ આપી કે આવું હવેથી કદી ન કરવું. નાનું બચ્ચું કહે : ‘મા, મને માફ કરો – હવે આવું કદી નહિ કરું.’ ચકીબેને તેને માફી આપી.

બાલદોસ્તો, તમે પણ આ વાર્તામાંથી શીખવા જેવું જરૂર શીખજો – ન સમજાય તો પપ્પા-મમ્મીને પૂછજો. મમ્મી-પપ્પા જે કહે તે બરાબર સાંભળજો, વિચારજો ને સમજીને સારા થજો. કદી ખોટી જીદ ન કરશો.
.

[2] ધરતીમાતાનું દુ:ખ – વસંતલાલ પરમાર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

એક દિવસ હવા અને સૂરજ સાથે સહેલગાહે નીકળ્યાં છે. બન્ને જણા વાતો કરતાં કરતાં ખૂબ દૂર નીકળી ગયાં. ત્યાં એમના કાને કોઈનો વેદનાભર્યો આર્તનાદ સંભળાયો. હવાએ નજીક જઈને જોયું તો જોતાંવેંત જ એ ચમકીને બોલી ઊઠી : ‘અરે આ તો ધરતીમાતા ! ધરતીમાતા રડી રહ્યાં છે ! ચાલો એમને આશ્વાસન આપીએ.’
‘હા, ચાલો.’ કહીને સૂરજે હવાની વાતને સમર્થન આપ્યું. સૂરજ અને હવા ધરતીમાતા પાસે આવ્યાં અને એમના દુ:ખનું કારણ પૂછ્યું.
ધરતીમાતા રડતા અવાજે બોલ્યાં : ‘મારાં સંતાનો આજે ભૂખે મરે છે. ચીંથરેહાલ દશા ભોગવી રહ્યાં છે. એ મારાથી સહન થઈ શકતું નથી એટલે રડું છું.’
હવા કહે : ‘લોકો ભૂખે કેમ મરે છે, શું વરસાદ નથી વરસ્યો ?’
ધરતીમાતા કહે : ‘વરસાદ તો ખૂબ જ વરસ્યો હતો. પણ બધુંય પાણી સાગર અને સરિતામાં વહી ગયું અને પાછોતરો વરસાદ ન થવાને કારણે ખેતરોમાં પાક ન થયો. આજે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.’

સૂરજ કહે : ‘લોકોએ પાણી સંઘરી રાખવું જોઈએ. પાણી સંઘરવા માટે તળાવ ખોદવા જોઈએ. લોકો તળાવ કેમ નથી ખોદતા ?’
ધરતીમાતા કહે : ‘તળાવ કેમ નથી ખોદતા એની તો મને ખબર નથી. કદાચ એ લોકોને એનું જ્ઞાન નહિ હોય.’
હવા કહે : ‘ધરતીમાતા ! એમની ફિકર હવે તમે કરશો નહીં. લોકોને હું તળાવની ઉપયોગિતા સમજાવીશ. તમારું દુ:ખ અમે દૂર કરીશું.’

આ વાતને બે-ચાર દિવસ વીતી ગયા.
હવાએ એક ઉપદેશકનું રૂપ ધારણ કર્યું અને એ એક ગામમાં જઈ પહોંચી. ગામના ઠાકર મંદિરમાં લોકોની સભા ભરવામાં આવી. હવાએ લોકો સમક્ષ જુસ્સાદાર ભાષણ આપ્યું. એમાં લોકોને સ્વાવલંબી અને હળીમળીને કામ કરવા સમજાવ્યું. ‘અપના હાથ જગન્નાથ’નો મંત્ર શીખવ્યો. એ પછી ગામને પાણીની તંગી અનુભવવી પડે છે માટે ગામમાં એક તળાવ ખોદવું એમ પણ સમજાવ્યું. હવાનું ભાષણ ખૂબ જ પ્રભાવશાળી નીવડ્યું. લોકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધું. હવાએ ગામલોકોની ભાવભીની વિદાય લીધી ત્યારે એ ખુશખુશાલ હતી. એને વિશ્વાસ હતો કે, ગામલોકો એના કહેવા પ્રમાણે જરૂર કરશે.

પરંતુ આ તો ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ એ પ્રમાણે થયું. વર્ષાઋતુ આવી. વરસાદ પણ ખૂબ વરસ્યો, પરંતુ ગામલોકોએ તળાવ ખોદ્યું ન હોવાથી બધુંય પાણી વહી ગયું. હવાને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે એ વિમાસણમાં પડી. એની આશા ઠગારી નીકળી. એના ભાષણની અસર ક્ષણિક હતી. લોકોએ એક કાને સાંભળ્યું અને બીજા કાને કાઢી નાખ્યું. હવે શું કરવું ? ધરતીમાતાનું દુ:ખ દૂર કેમ કરવું ?
હવા સૂરજને કહેવા લાગી : ‘સૂરજભાઈ ! આ ગામના લોકો ગમાર છે. ધરતીમાતાનું દુ:ખ દૂર કરવા હવે શું કરીશું ?’
સૂરજ હસીને બોલ્યા : ‘બહેન ! એમ નિરાશ ન થશો. હવે હું મારો ઉપાય અજમાવું.’
હવા કહે : ‘ભાઈ ! મને તો આશા નથી, પરંતુ જો તમને વિશ્વાસ પડતો હોય તો તમારો ઉપાય અજમાવો.’

બીજે દિવસે સાંજે સૂરજ મજૂરનો વેશ ધારણ કરી પેલા ગામમાં પહોંચ્યો. કોઈની સાથે વાતચીત ન કર્યા સિવાય એ સીધો ગયો ગામને પાદર. ત્યાં એક પડતર જમીનનો ટુકડો પડ્યો હતો. એના પર કોદાળીથી ખોદવા મંડી પડ્યો. આખી રાત સૂરજ ખોદતો રહ્યો. પાંચ-સાત હાથ ઊંડો ખાડો એણે ખોદી નાખ્યો. પરોઢ થતાં પહેલાં તો સૂરજ ત્યાંથી વિદાય થયો. સવારે ગામલોકો ખોદાયેલો ખાડો જોઈને વિચારમાં પડી ગયા અને એકબીજાને પૂછવા માંડ્યા : ‘અહીં કોણે ખોદ્યું હશે ? કાલે સાંજે એક મજૂર જેવો આવ્યો હતો, એને કોણે મોકલ્યો હશે ? શું એણે એ કામ કર્યું હશે ?’ સાંજ પડી. લોકોએ જોયું તો પેલો કાલવાળો મજૂર આજે પણ આવી રહ્યો છે. એના ખભે કોદાળી છે અને હાથમાં પાવડો અને ટોકર છે. આવતાવેંત જ એ કોઈની સાથે બોલ્યા-ચાલ્યા વગર સીધો પોતાના કામે લાગી ગયો. આમ ચાર-પાંચ દિવસ વીતી ગયા.

લોકોને આથી આશ્ચર્ય થયું. એક દિવસ દસ-બાર જણા એની પાસે ગયા અને ‘રામ રામ’ કરીને પૂછ્યું :
‘ભાઈ ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? અહીં તમને કોણે મોકલ્યા છે ? અહીં શું કરો છો ?’
સૂરજે કહ્યું : ‘ભાઈઓ ! હું તો એક મજૂર છું. અહીં તળાવ ખોદવા આવ્યો છું. મને કોઈએ મોકલ્યો નથી. હું જાતે જ આવ્યો છું.’
‘તમને અહીં તળાવ ખોદવાથી શો ફાયદો થશે ?’
‘મને નહીં પણ તમારા ગામને તો જરૂર લાભ થશે. તમારા ગામને તળાવની ખૂબ જરૂર છે. એ જરૂરિયાત પૂરી પડશે તો મને ખૂબ આનંદ આવશે.’
‘શું તમે એકલા તળાવ ખોદશો ?’
‘હા, કેમ નહીં ! સમય તો લાગશે, પરંતુ તળાવ ખોદવું એ ચોક્કસ વાત. ભલે બે-પાંચ વરસ વીતી જાય.’
‘અમે તમને મદદ કરીએ તો ?’
‘તો તો આનંદની વાત. તળાવ ઝટપટ ખોદાઈ જશે.’

સૂરજની સાથે ગામ લોકો જોડાયા. થોડા દિવસમાં તળાવ ખોદાઈ ગયું. પોતાનું કામ પૂરું થયે સૂરજે ગામ લોકોની વિદાય લીધી. હવાએ આ જોયું. એણે આ ચમત્કારની વાત પૂછી :
સૂરજે કહ્યું : ‘બહેન ! તમે લોકોને તળાવ ખોદવાનું કહેતાં હતાં, ઉપદેશ આપતાં હતાં. જ્યારે હું તો જાતે કામ કરતો હતો એની લોકો પર અસર પડી અને મારી સાથે જોડાયા. લોકોને ઉપદેશની જરૂર નથી, પણ સાચા કાર્યકરની જરૂર છે.’ હવાને સૂરજની વાત હવે સમજાઈ ગઈ.

વર્ષાઋતુ આવી. વરસાદ ખૂબ વરસ્યો. લોકોએ સાચા તન-મનથી તળાવ ઊડું ખોદેલું હતું એટલે વરસાદના પાણીથી તળાવ ચિક્કાર ભરાઈ ગયું. લોકોને વાપરવા પાણી મળ્યું, ઢોરને પીવા પાણી મળ્યું અને ખેતીવાડી માટે પણ પાણી ઉપયોગી નીવડ્યું. આ જોઈ ધરતીમાતા ખુશ ખુશ થઈ ગયાં. એમણે હવા અને સૂરજને શાબાશી આપી. હવા બોલી : ‘ધરતીમાતા ! સાચી શાબાશીને પાત્ર તો સૂરજભાઈ છે. એમણે લોકોને ઉપદેશ આપ્યા વગર કામ કરીને લોકોને કામ કરતા કરી દીધા. ખરેખર ‘કહેવા કરતાં કરવું ભલું’ એ વાત સાચી છે.

ધરતીમાતાના આશીર્વાદ લઈને હવા અને સૂરજ પોતપોતાને રસ્તે વિદાય થયાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાભ સવાયા લેજો – પીઠા ભગત
હોમ ટિપ્સ – રાકેશ ઠક્કર Next »   

29 પ્રતિભાવો : અવનવી બાળવાર્તાઓ – સંકલિત

 1. ખુબ સુંદર અને બોધ આપતી વારતાઓ.

 2. Balkrishna Shah,Vile Parle says:

  સાદા શબ્દોમાં બોધ આપતી વાર્તાઓ ઍટલે સોનામાં સુગંધ

 3. dhiraj says:

  bahu maja aavi

 4. આજની બાળવાતૉઓ ટુંકીટચ અને બોધકારી.

  બાળપણમાં નિયમીત વાંચતા ફુલવાડીની યાદ આવી ગઈ.
  દર શનિવારે પ્રગટ થતી ફુલવાડીની અમે કાગના ડોળે રાહ જોતાં..!!

  ઉનાળુ વેકેશનમાં આવી બાળવાતૉઓ બાળકોને ખુબ જ ઉપયોગી.

  સમયસરની પ્રસ્તુતિ.

  આભાર.

 5. pragna says:

  રમકડૂં માં વાંચેલિ બાલવાર્તાઓ યાદ આવિ ગૈ.

 6. Veena Dave, USA says:

  સરસ. બાળવાર્તા પણ બોધ મોટાઓને. આવિ વાતો બાળપણ મા ભણીએ અને બોધ મોટા થઈએ ત્યારે યાદ રાખીએ તો એ ભણ્યાનો મતલબ સાથૅક થાય.

 7. Vraj Dave says:

  હા સાચી વાત રમકડુ, ફુલવાળી જેવા અઠવાડીકો માં વાંચેલ. હવે તો દર શનિવારે દૈનિકો બાલવાર્તા આપેજ છે. સરસ મજો પડી.
  વ્રજ દવે

 8. Vraj Dave says:

  “કહેવા કરતા કરવું ભલું” સરસ બોધ છે.

 9. ALPESH navda says:

  આ પ્રેમ નુ બન્ધન છે
  its true i agree.
  હા સાચી વાત.
  સરસ. બાળવાર્તા .
  સરસ. સરસ. સરસ. સરસ. સરસ. સરસ. સરસ.
  સરસ. સરસ. સરસ. સરસ. સરસ. સરસ. સરસ.

 10. Girish says:

  સુન્દર વાર્તા

 11. siddharth desai says:

  મને મારુ બાન્પન યાદ આવિ ગયુ અમારા ગુરુ શ્રેી પ્રાન્સુખ્ભઐ આવિ વાર્તાઓ કહેતા હતા.સુન્દેર બાલ્વાર્તાઓ ચ્હે

 12. Paresh says:

  સુંદર બાળવાર્તાઓ. સમજણ અને સંસ્કાર સભર બાળવાર્તાઓ વાંચવાની મઝા પડે જ છે પણ તેને યોગ્ય રીતે કહેવામાં આવે તો મઝા ઓર વધે. મારા બા(Mummy) એવી સરસ વાર્તા કહેતાં! “ટાઢુ ટબુકડુ”, “મા મને છમ્મ વડુ” “ચકો-ચકી” એકની એક વાર્તા તેમના મુખે લગભગ રોજ સાંભળતા. તેમની યાદ આવી ગઈ, આભાર

 13. nayan panchal says:

  સરસ વાર્તાઓ.

  બીજી વાર્તા વાંચતી વખતે નારીઓ દ્વારા ગામમાં કૂવા ખોદાયેલો તે લેખની યાદ આવી ગઈ.

  નયન

 14. Ritesh Shah says:

  mast bodh maley avi vaarta chey

 15. ભાવના શુક્લ says:

  સરસ બાળવાર્તાઓ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.