- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નારીનાં બે વિશ્વ – રીના મહેતા

[વલસાડમાં 2000માં યોજાયેલા એક કાર્યશિબિરમાં રજૂ થયેલા વક્તવ્યના અંશો ]

મારી કેટલીક વ્યક્તિગત વાતો કરીશ.
અઠવાડિયા પહેલાં એક વર્કશોપ અંગે આમંત્રણ આપતો ફોન આવે છે. વલસાડ કયા દિવસે આવવું તેની વાત ચાલે છે. ત્યાં જ ફોનની બહાર ‘મધુ… મધુ….’ ના ઉદ્દગારો સંભળાય છે. તમને થશે કે આ મધુ કોણ છે ? મધુ એ અમારે ત્યાં કામ કરતી બાઈ છે. આજકાલ એ નિયમિત આવતી નથી. જો હું વલસાડ જાઉં ને એ જ દિવસે તે ન આવે તો ? રસોઈ, બે બાળકો, રવિવારના મહેમાનો ને તે ઉપરાંત કામવાળીની ગેરહાજરી…. આ બધું ઘરડાં સાસુ કઈ રીતે પાર પાડે ? હું બે ઘડી અવઢવમાં રહું છું પછી મક્કમતાથી ‘પડશે તેવા દેવાશે’ કરી હા પાડી દઉં છું.

તે પછી ચાર-પાંચ દિવસે ભરબપોરે બારણે કુરિયરમાંથી આવેલો માણસ મારા નામની બૂમો મારે છે. મને જોઈ મોટે મોટેથી પૂછે છે કે ‘રીનાબહેન શર્મા કે મહેતા?’ હું તરત જ કહું છું – ‘મારી જ ટપાલ છે.’ પરંતુ એને ગળે ઊતરતું નથી. એ પૂછે છે (બેધડક), ‘બે અટક કેમ લખી છે ? શર્મા અટક છે કે મહેતા ? બે અટક કંઈ હોય ?’
મારાં સાસુ વચ્ચે પડીને કહે છે કે, ‘પહેલાં ‘શર્મા’ અટક હતી. હવે લગ્ન થયાં એટલે ‘મહેતા’ અટક છે.’
‘હં…. તો પછી હવે ‘મહેતા’ જ રાખો ને !’, એમ બોલતો એ ગજવામાંથી ઝપ્પ દઈ પેન કાઢી કવર પરના ‘શર્મા’ શબ્દને મોટો છેકો મારી દે છે. હું એ છેકાને નિર્લેપભાવે ક્યાંય સુધી જોઈ રહું છું.’

અલબત્ત, હું મારાં સાહિત્યિક લખાણો ઘણા સમયથી ‘મહેતા’ અટકથી જ લખું છું. હવે મને ‘શર્મા’ અટક જાણે મારી લાગતી નથી. એ કોઈ ભૂતકાળની બીજી સ્ત્રીની હોય એવુંયે લાગે છે. તો વળી ‘મહેતા’ અટક પણ મારા નામ જોડે ભળી-મળી ગયેલી લાગતી નથી. પણ પછી હું બબડું છું – શો ફરક પડે છે અટકથી ? હું એનાથી કંઈ બદલાઈ તો નથી જતીને ?

હું એકંદરે સંવેદનશીલ, હૃદયજીવી, માણસપ્રેમી, મધ્યમમાર્ગી, સમન્વયવાદી સ્ત્રી છું. લાંબી લાંબી દલીલો અને વિવાદો મારા સ્વભાવમાં નથી મને મારું સ્વમાન વહાલું છે, પણ મારું સ્વમાન મારો અહમ ન બની જાય તે અંગે હું સભાન રહું છું.

મને – તમને બધાંને ખબર છે કે આપણે આપણી આસપાસ વસતી, રહેતી, મળતી સ્ત્રીઓ કરતાં કંઈક જુદા છીએ, કારણકે આપણે લખીએ છીએ. આપણી આસપાસની સ્ત્રીઓ ઓટલા પરિષદો, સાડીના સેલ, ખરીદી વગેરે બાબતોમાં ગ્રસ્ત હોય છે ત્યારે આપણું લખવું, લાઈબ્રેરીમાં જવું, કવિ સંમેલનમાં જવું, સ્થાનિક ચૅનલ કે રેડિયો પર જવું એમને અસામાન્ય લાગે, પણ ધીમે ધીમે તેઓ આપણી આ અલગતાથી ટેવાઈ જાય છે. અલબત્ત, હું મારી આસપાસની ઈતર સ્ત્રીઓ સાથે એવો અલગાવ નથી રાખતી. ક્યારેક તેમના જીવન અને સામાન્ય વાતોમાંથી મને લેખનનો કોઈ સરસ મુદ્દો પણ મળી જાય છે.

આપણે બીજી સ્ત્રીઓથી અલગ પડીએ છીએ, પણ અમુક કામ તો આપણે કરવાનાં રહે જ છે. ઘરકામ – એ સ્ત્રીઓ માટે ઘણો બધો સમય – શક્તિ રોકી લેતું કામ છે. આપણી સંસાર વ્યવસ્થા જ એવી છે કે અપરણિત કે પરણિત અવસ્થામાં સ્ત્રીઓને ઘરકામ રહે જ. મને યાદ છે કે હું કૉલેજમાં ભણતી હતી ત્યારે એક વાર ‘ગુજરાતમિત્ર’ ની દીપોત્સવી પૂર્તિ માટે મારે ખૂબ જલ્દી એક વાર્તા લખી આપવાની હતી. તે દિવસે હું મારી માતા સાથે ઘરકામમાં વ્યસ્ત હતી. કામવાળી નહોતી આવી એટલે વાસણ માંજવા બેઠી હતી. મારા પિતાને થયું કે હવે આ લખી રહી…. સાંજે તેઓ ઘરે આવ્યા એટલે મેં મારી વાર્તા તેમને આપી. તેઓ એકદમ આશ્ચર્યથી બોલી પડ્યા :
‘નાની ! તું વાસણ પણ માંજે અને વાર્તા પણ લખે ?’

આ વાક્ય આટલાં વર્ષો પછી પણ મને બરાબર યાદ રહી ગયું છે. આ વાસણના ‘વ’ અને વાર્તાના ‘વ’ ની વાસ્તવિકતા આપણી લેખિકાઓ સાથે હંમેશાની રહી છે. જોકે એમાં ઘણા અપવાદો હશે, પણ સુંદર હૃદયસ્પર્શી વાર્તાઓ લખનારાં લેખિકા સરસ મજાની કૂણીકૂણી રોટલી પણ બનાવતાં હશે ! મારી આ કલ્પના ખોટી નહિ હોય. વળી, વાસણ અને વાર્તા બંનેને હું જીવનની વિરોધાભાસી ઘટનાઓ પણ નથી ગણતી.

મારા પિતાએ મારામાં શબ્દ-પ્રીતિનું સંવર્ધન કર્યું તો મારી માતાએ તેનું માતૃધર્મ બજાવ્યું. નાનપણથી જ ઘરનાં કામો પ્રત્યે અણગમો, કંટાળો ન જન્મે તેનું એણે ધ્યાન રાખ્યું. તેથી આજે મારે મન ઘરકામ એ શરમ લાગવા જેવું કામ નથી જ નથી. મેં અપરણિત અને પરિણીત બંને અવસ્થામાં લખ્યું છે. આશ્ચર્યની વાત છે કે લગ્ન બાદ મારું લેખન વધ્યું છે. અલબત્ત, બાળકોની જવાબદારીને કારણે મેં પત્રકારત્વ નો વ્યવસાય સ્વેચ્છાએ છોડ્યો છે. તેથી વાંચન-લેખન માટે હું સમય ફાળવી શકું છું, પણ એક વાસ્તવિકતા છે કે લગ્ન પછી સ્ત્રીએ ફુરસદના સમયે જ લેખન કરવું પડે છે.

સરસ મજાની સવાર હોય, આકાશ સ્વયં સૂર્યની કવિતા બની ગયું હોય ને થાય કે બે ઘડી હીંચકે બેસી કંઈ સરસ લખાય તો કેવું ? … પણ, ઘરમાં કેટલાં બધાં કામ પડ્યાં હોય. વૉશિંગ મશીનનો ઘરઘરાટ, વાસણોનો ખડખડાટ, પાણીનો ધડધડાટ, ટી.વીનો કકળાટ, બાળકોનું લેસન – શાળા…. આ બધું પરવારતાં બાર વાગી જાય ને આકરા તડકામાં સૂર્યોદયની કવિતાની ક્ષણ સુકાઈને ક્યાંય ઊડી ગઈ હોય.

હું તો મોટે ભાગે બપોરે બારથી પાંચની શાંતિમાં જ લખું, પણ ક્યારેક જરૂર હોય તો રાતે કે સાંજે લખવા બેસું. નાનું બાળક મારી પાસે આવે. એને વાર્તા સાંભળવી હોય. એ જીદ કરે. હું એને પટાવું. લખતાં લખતાં અનેક વાર ભેજાફોડી કરું. કલમની અંદર ને બહાર જાઉં. મારી લિંક ખોરવાઈ જાય, પણ ઘણી વાર આ જ બાળકની ભોળી, જિજ્ઞાસુ દુનિયા મને કદી ન જાણેલું એવું અવનવું શીખવાડી જાય. જેને હું લેખનનો અવરોધ માનું એ લેખનનું કારણ પણ બની જાય. એક સવારે મેં મારા પતિને કહ્યું, ‘હું પુરુષ હોત તો સારું થાત ને ?’ એણે ચમકીને પૂછયું, ‘કેમ ?’ ‘તો અત્યારે હું આ લેખ લખી શક્ત ને ?’ મેં કહ્યું.
‘તે લખ ને. કોણ ના કહે છે ?’ એણે હસીને કહ્યું.

પણ હું જાણું છું કે આપણે સ્ત્રીઓ માટે આ ઝાઝું શક્ય નથી હોતું. વળી, તમારામાંથી ઘણી ખરી સ્ત્રીઓ તો નોકરી – વ્યવસાય સાથે જોડાયેલી છે. નોકરી, ઘર ઉપરાંત લેખન – એ થોડી કઠિન બાબત તો છે જ. લેખનમાં જે એકાગ્રતા – તન્મયતા જોઈએ તે ઘણી વાર નથી પણ સધાતી. આસપાસના કૌટુંબિક વાતાવરણનો પણ મોટો ફાળો છે. જો મારા પતિ કે મારાં સાસુ કે અન્ય સંબંધીઓ મારી લેખન પ્રવૃત્તિ માટે આટલું પ્રોત્સાહન કે સહકાર ન આપતાં હોત તો મારે માટે લખવું કેટલું કઠિન હોત, એમ મને થાય છે. એક પરિણીત સ્ત્રી માટે આ પરિબળ બહુ અગત્યનું છે. નોકરી, ઘરકામ, બાળકો વગેરે કામના બોજમાંથી તો એ માર્ગ કાઢી લેશે, પણ લેખન પરત્વે સ્વજનો અણગમો કે અસહકાર તેને અવશ્ય ખલેલ પહોંચાડશે.

હું એક ગૃહિણી છું. અલબત્ત, ‘આદર્શ’ તો નથી જ. હું રોજે રોજ બહાર જતી નથી, અનેક લોકોને મળતી પણ નથી. મારું જગત સીમિત લાગે – પણ નથી. કેમ કે, હું મારી આસપાસના જગતને, પરિવેશને, પ્રકૃતિને, માણસ – પશુ – પંખી, અરે ! ઝાકળના ટીપાને સુદ્ધાં ક્ષણ-બે ક્ષણ સ્પર્શી લઉં છું, સંવેદી લઉં છું. મારા આ નાનકડા, પણ અતિવિશાળ જગતની ઝીણી ઝીણી વાતોથી મારું હૃદય ભરાઈ જાય છે. એક ગૃહિણી તરીકે હું વાડાનો કચરો વાળું છું અને ખરી પડેલાં પાંદડામાંથી મને પાનખરનો પીળો રંગ જડી જાય છે. મારાં આ બે વિશ્વ-ગૃહિણી અને લેખિકા તરીકેનાં બે વિશ્વ – એકમેક સાથે જોડાયેલાં છે. હું તેમાંથી વારંવાર આવનજાવન કરું છું. આ આવનજાવન હવાની લહેરખી જેવી હોય છે. સાવ હળવી, મનેય ન વાગે તેવી.

પણ, મારે જો ફરિયાદ જ કરવાની હોય તો કહું – સાહિત્યિક કાર્યક્રમોમાં ધાર્યું જવાતું નથી. (ઘરે મારાં સાસુ ન હોત તો આટલુંયે ન જવાત) લાઈબ્રેરીમાં જવા માટે નવરાશનો સમય જ કાઢવો પડે. રવિવારની સાંજે સજોડે બે કલાક લાઈબ્રેરીમાં કાઢવા હોય ને ઘરે મહેમાન આવવાના તેમના નાસ્તાની તૈયારી કરવાની હોય. મિત્રો, સ્નેહીઓ, સગાંવહાલાંઓ સાથે લાંબી સાંસારિક વાતો થાય ને મનગમતા સાહિત્યરસિક મિત્ર સાથે અલપઝલપ. ઘર નાનું છે. વાંચવા-લખવાનો જુદો ઓરડો નથી. બધાં સૂઈ ગયાં હોય ને લાઈટ ચાલુ કરી મોડી રાતે હું લખી શકું ખરી ? ઘણી વાર. આંખ મીંચીને કલ્પું, ઉપરના માળે એક સુંદર ઓરડો, લખવાનું ટેબલ, પુસ્તકનું કબાટ, બારી બહાર વાટ જોતું આકાશ અને હું હોઈશ….

પણ જો રાત-દિવસ મનપસંદ સમય હું લેખન – વાંચનમાં ગાળી શક્ત તો ? તો જે સહેલાઈથી સાંપડે તેની આવી ઉત્કટ ઝંખના રહેત ખરી ? લાઈબ્રેરીમાંથી લાવીને વાંચવાનું બાકી પુસ્તક મારી અંદર આખી સવાર પતંગિયાની જેમ ફડફડ – ફડફડ થાત ખરું ? ઉત્તર છે ‘ના’.