સર્વોત્તમ ચતુરાઈની કથાઓ – વસંતલાલ પરમાર

[ ‘સર્વોત્તમ ચતુરાઈની કથાઓ’ પુસ્તકમાંથી બાળવાર્તાઓ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

chaturai[1] ચતુર શેઠાણી

રાજસ્થાનની આ લોકકથા છે.
જેસલમેર વિસ્તારમાં માનગઢ નામનું ગામ હતું. આ ગામમાં કેસરીમલ નામનો એક વણિક હતો. એ ખૂબ ભલોભોળો હતો. એને છળ-કપટ કે દગો-પ્રપંચ કરતાં આવડતું નહિ. એની હાટડી બજારના એક છેડે હતી. લોકો એને છેતરીને માલ લઈ જતાં. મહાપરાણે હાટડીમાંથી રોટલાનું ખર્ચ નીકળતું. પણ આ શેઠની શેઠાણી મહાચતુર હતી. એ રોજ શેઠને વેપારમાં લાભ અને ફાયદો કેમ થાય એની તરકીબો બતાવતી, પણ શેઠને તો આમાં કંઈ ન સમજાતું. સીધા-સાદા વેપારમાંથી કોઈ નફો તો બાજુએ રહ્યો, પણ ખોટ આવવા માંડી. શેઠ જે ધંધામાં હાથ નાખતા એમાં નફાને બદલે નુકશાન જ રહેતું. થોડાં વરસોમાં તો બાપદાદાની એકઠી કરેલી દોલત પગ કરી ગઈ.

છેવટે સમય એવો આવ્યો કે બે ટંક પેટ ભરવાના પણ સાંસા પડવા લાગ્યા. ચતુર શેઠાણીએ શેઠની સાથે ખૂબ માથાકૂટ કરી પણ કંઈ વળ્યું નહિ. શેઠને વેપારની આંટીઘૂંટીઓ મગજમાં ઊતરતી જ નહિ. પરંતુ એ વર્ષે ભગવાનની દયાથી ચોમાસું સારું ગયું. ખેતરોમાં ખૂબ અનાજ પાક્યું. સાથે સાથે પાકાં ચીભડાં, પીળી ઘમરક કાકડીઓ, મીઠાં ખરબુજાં અને મીઠાં મધ જેવાં મતીરાં પણ ખૂબ પાક્યાં. અનાજનો વેપાર કરવાની તો શેઠમાં તાકાત ન હતી એટલે શેઠાણીએ એક દિવસ કહ્યું :

‘શેઠજી ! પૈસા વગર આપણાથી અનાજનો વેપાર થાય એમ નથી, પણ ચીભડાં, કાકડી, ખરબૂજાં અને મતીરાંનો વેપાર કરો. એમાં મૂડી ઓછી અને દોઢો નફો થાય. બદલામાં મળેલું અનાજ પણ ખાસ્સું એકઠું થશે. ધંધો પણ સીધો-સાદો અને સહેલોસટ છે. રોકડનો વેપાર, ઉધારીનું નામ નહિ અને ચોપડો ચીતરવાનો પણ નહિ.’
શેઠ ખિજાઈને બોલ્યા : ‘શેઠાણી ! આ તમે શું કહો છો ? એ તો કાછિયા બકાલાનો ધંધો કહેવાય, વાણિયાના દીકરાને એ શોભે નહિ.’
શેઠાણી કહે : ‘ધંધામાં શરમ શાની ? બધા વેપાર-ધંધા તમે કરી જોયા, પણ એકેયમાં બરકત આવી ? આમ નવરા બેસી રહીને શું કરશો ?’ – શેઠાણીએ ખૂબ સમજાવ્યા પછી ભોળો શેઠ માની ગયો. એણે બકાલાનું હાટ માંડ્યું. સરસ મજાનાં પાકેલાં ચીભડાં અને રસદાર ખરબૂજાં (સક્કરટેટી)ની મીઠી સોડમથી આખું બજાર મહેંકી ઊઠ્યું. સૂરજ માથે આવ્યો ત્યાં સુધીમાં તો ધાન (અનાજ)નો મોટો ઢગલો થઈ ગયો.

સાંજનો સમય થયો. એ વખતે ચાર સ્ત્રીઓ શેઠની હાટડીએ આવી. ચારેય એ છાતી સુધીના ઘુંઘટ તાણ્યા હતા. હાથીદાંતના ચૂડલાથી હાથ ભરાયેલા હતા. પીળી ધમરક ચૂંદડીઓ ઓઢેલી હતી અને સોળ શણગારથી સજેલી હતી. એમણે હાટમાં બચેલાં બધાંયે ચીભડાં, કાકડીઓ, ખરબૂજાં અને મતીરાં (નાનું તરબૂચ) તોળાવ્યાં અને ગાંસડીઓ બાંધીને લઈને ચાલવા લાગી. તેમને જતાં જોઈ શેઠ ગભરાયાં અને બોલ્યાં :
‘અરે, બાઈઓ ! દામ દીધા વગર ગાંસડીઓ બાંધીને ક્યાં જાઓ છો ? અરે, માવડીઓ ! તમે તો આ ધંધો પણ ચોપટ કરી દેશો.’
ચારે જણીઓ ઘુંઘટમાં મંદ હસીને બોલી : ‘ના રે શેઠજી ! અમે તમારો ધંધો ચોપટ નહિ કરીએ. અમે ચારે જણીઓ સારા-ખાનદાન ઘરની છીએ. સવારે પૈસા લઈ જજો. પૈસા આપવાનું અમે ક્યાં ના કહીએ છીએ ?’
શેઠ કહે : ‘પણ તમે તો જુવાન વહુવારૂઓ છો. ઘુંઘટ તાણેલા છે એટલે મોં જોયા વગર ઓળખાણ પણ કેમ પડે ? તમારા ઘરનો પત્તો કે ઠેકાણું તો બતાવો ? મારો તો આખા દિવસનો નફો તમે તાણી જાઓ છો…’

એક બોલી : ‘હાથમાં ઘર છે, એ ઘર મારું….’
બીજી બોલી : ‘ઘરમાં ઘર છે, એ ઘર મારું….’
ત્રીજી બોલી : ‘મોંમાં ઘર છે, એ ઘર મારું…..’
ચોથી બોલી : ‘ઘરની પાસે ઘર છે, એ ઘર મારું….’

ચારે જણીઓની આ રહસ્યભરી વાણીમાં શેઠને કંઈ ગતાગમ ન પડી. એ જબરી પરેશાનીમાં પડી ગયા. એટલી વારમાં તો પેલી ચારે જણીઓ, પોતપોતાની ગાંસડીઓ ઉપાડીને ચાલતી થઈ ગઈ હતી. શેઠે વિચાર્યું કે આ તો ખોટું થયું. આ ધંધામાં પણ કંઈ બરકત ન આવી, શેઠાણીને શો જવાબ આપીશ ? સાંજે હાટ વધાવીને શેઠ ઉદાસ મોંએ ઘેર પહોંચ્યા. શેઠના માથા પરની અનાજની ગાંસડી ઊતરાવતાં શેઠાણીએ કહ્યું :
‘બધો માલ વેચાયો નહિ કે શું ? કે પછી બધું ધાન એકી સાથે ઉપાડી શકાયું નહિ ? કેમ આટલું જ ?’ શેઠાણીના પ્રશ્નના જવાબમાં શેઠે નવા ધંધાની બધી વાત વિગતવાર કહી સંભળાવી અને કહ્યું કે : ‘બપોર સુધીમાં તો ધંધો ધમધોકાર ચાલ્યો. નફો પણ સારો થયો હતો, પણ સાંજને સમયે ચાર વહુવારુઓ આવી અને બચેલો બધો માલ લઈ ગઈ, પણ આપ્યું કંઈ નહિ. એમણે જે પત્તો-ઠેકાણું કહ્યું એમાં મને કંઈ સમજણ પડી નહિ.’ એમ કહીને શેઠે વારે ઘડિયે ગોખતાં કંઠસ્થ થઈ ગયેલી પેલી પંક્તિઓનો કોયડો શેઠાણીને કહ્યો. આ સાંભળી શેઠાણી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યાં : ‘ઓ મારા ભોળા શેઠ ! આમાં તમને ન સમજાયું ? ચિંતા કરવાની જરૂર નથી. ઠામ-ઠેકાણાં બરાબર છે. સીધા એમને ઘેર જ પહોંચી જવાશે. તમે આરામથી વાળુ કરી લો. એ પછી હું તમને એ બધું સમજાવી દઈશ. પુરુષ સ્ત્રીની અક્કલ સાથે હોડ નથી લઈ શકતો એટલે તો રાત-દિવસ ઘરની બહાર જ્યાં-ત્યાં ભટકતો રહે છે, અને સ્ત્રી ઘરની શોભા અને આબરૂ વધારે છે, સમજ્યાં ?’

વાળુ-પાણી કર્યા પછી શેઠાણી પેલી સ્ત્રીઓના ઠેકાણાનો ખુલાસો કરવા માંડ્યા : ‘જુઓ શેઠ ! સાંભળો. સ્ત્રીઓ હથેળીમાં મહેંદી લગાવે છે. એટલે ‘હાથમાં ઘર’વાળી ઓરતના ઘરના ચોગાનમાં મહેંદીનો છોડ વાવેલો હશે. બીજી વાત. લટકતાં લીલાં નારિયેળની અંદર કાચો ગોટો હોય છે. એટલે ‘ઘરમાં ઘર’વાળી ઓરતના ઘર સામે નારિયેળીનું ઝાડ હશે ત્યાં તમે જજો. મોંમાં દાંત હોય છે, એનો મતલબ એ થયો કે ‘મોંમાં ઘર’વાળી ઓરતને ત્યાં હાથીદાંતના ચુડલાની દુકાન છે….’ આમ બોલી શેઠાણીએ શેઠના ચહેરા તરફ એક પ્રશ્નાર્થ નજર નાખીને કહ્યું, ‘હવે તો ચોથા ઠેકાણાનો મતલબ તમે સમજી ગયા હશો ને ? ઘરની પાસે ઘરનો શો અર્થ થાય ?’
શેઠ માથું ધુણાવતાં બોલ્યા : ‘મને તો આવી અટપટી વાતોમાં કંઈ જ સમજ પડતી નથી.’
શેઠાણી હસીને બોલ્યાં : ‘અરે શેઠિયા ! આવી સીધીસાદી વાત પણ તમારી સમજમાં આવતી નથી, ત્યારે તો તમને માણસનો અવતાર શું મળ્યો ! અત્તર વેચનાર સરૈયાના ઘરમાંથી અત્તરની ખુશબો પાસેના ઘરમાં પણ પહોંચી જાય છે. એટલા માટે સરૈયાના ઘરની પાસેનું ઘર પેલી ચોથી ઓરતનું છે. હવે તો સમજ્યા ને ?’

સવારે શેઠ ગઈકાલની ઉઘરાણીએ નીકળ્યા. ઘર શોધવામાં એમને કોઈ તકલીફ ન પડી. ઘેર જતાં જ વગર માગ્યે એમને પૈસા પણ મળી ગયા. બાળદોસ્તો, છે ને કેવી ચતુર શેઠાણી !
.

[2] ચતુર દીકરી

મગધ પ્રદેશના એક નાના ગામડામાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. એને એક દીકરી હતી. દીકરી ઉંમરલાયક થઈ, એટલે એને પરણાવીને સાસરે વળાવી. આ ખેડૂત ખૂબ જ ગરીબ હતો. એનું ખોરડું ખૂબ જૂનું-પુરાણું અને ખખડધજ હતું. એના ઘર પરની વળીઓ આડી અવળી બહાર નીકળી ગઈ હતી. જાણે ભૂખમરાને કારણે હાથી પોતાના દાંત બહાર કાઢીને ઊભો ન હોય ! એના ઘરમાં ભૂખમરો પણ ગજબનો હતો. ઘરની સ્ત્રી જ્યારે દળણું કરવા અનાજ ખાંડતી ત્યારે ઘરનાં બાળકો કબૂતરની જેમ આસપાસ વેરાયેલા દાણા વીણી-વીણીને ખાવા મંડી પડતાં. એના મકાનમાં છાપરા પર ઢાંકવા માટે પૂરતાં નળિયાં પણ ન હતાં, એટલે એના પર તાડપત્રીના ટુકડા ઢાંકવામાં આવતા, એથી વરસાદમાં રક્ષણ થતું. ધોધમાર વરસાદ પડતો હોય કે જબરો પવન ફૂંકાતો હોય ત્યારે એ તાડપત્રી ‘ઝૂન-ઝૂન’ અવાજ કરતી. ઘરમાં પ્રકાશ માટે દીવામાં પૂરવા તેલના પણ સાંસા હતા, એટલે અજવાળા માટે ચંદ્રના પ્રકાશની મદદ લેવાતી. આવા ગરીબ કુટુંબના પિતાની પુત્રીનું લગ્ન સંયોગવશાત્ એક શ્રીમંત ઘરના યુવક સાથે થયું હતું.

ઘણા દિવસે દીકરીની ખબર કાઢવા ગરીબ બાપ દીકરીના સાસરે ગયો. પિતાને ખૂબ દિવસો બાદ મળતાં દીકરી આનંદિત બની ગઈ અને પોતાના પિયરના સમાચાર જાણવા ખૂબ આતુર થઈ ગઈ. પરંતુ એની સમક્ષ એ અંગેની સમસ્યા પણ વિકટ હતી. પિતાને એકાંતમાં મળવાનો એ ભર્યાભાદર્યા ઘરમાં અવકાશ જ મળે એમ નહોતો અને સાસરિયાની હાજરીમાં તો સ્પષ્ટ શબ્દોમાં પિયરની કંગાલિયતના સમાચાર પૂછવાનું એને યોગ્ય ન લાગ્યું. પિયરની કંગાલ હાલત પોતાના સાસરિયા જાણી જાય એ એના સ્વમાની આત્માને સહેજ પણ મંજૂર ન હતું. પણ પિયરના સમાચાર તો કોઈ પણ રીતે જાણવા એ અધિરી બની હતી.
હવે કરવું શું ?
દીકરી હતી તો ગરીબ બાપની પણ ચતુર ખૂબ જ હતી. એણે પોતાની ચતુરાઈથી એ પ્રશ્નનો ઉકેલ કાઢવા નિર્ણય કર્યો.

એણે એના પિતાને પહેલો પ્રશ્ન કર્યો : ‘હાથિયા દાંત નિપોડે બાબા ?’ આ પ્રશ્નનો સાચો અર્થ એવો થતો હતો કે પિતાજી ! પહેલાંની જેમ હજુ પણ મકાન પરની વળીઓ શું બહાર જ નીકળેલી જ છે કે ? પણ એનાં સાસરિયાં તો એમ જ સમજ્યાં કે દ્વાર પર હજુય હાથી ઝૂલે છે કે કેમ ? એવું વહુ પૂછે છે. ચતુર દીકરીનો સાંકેતિક પ્રશ્ન બાપ સમજી ગયો. એણે જવાબ આપ્યો : ‘હાં, હાં બેટા, ઓઈસને !’ એટલે કે હા બેટી એ પ્રમાણે જ હજુ સ્થિતિ છે. એમાં કંઈ ફેર પડ્યો નથી.

દીકરીએ બીજો પ્રશ્ન પૂછ્યો : ‘ઉબકી તર બક ચૂને બાબા ?’ એટલે કે શું હજી પણ ઘરનાં બાળકો અનાજ ખાંડતી વખતે વેરાયેલા દાણા પક્ષીની જેમ વીણી વીણીને ખાય છે ? પરંતુ સાસરિયાં તો એમ સમજ્યાં કે વહુના પિયરમાં એટલો બધો વૈભવ છે કે પક્ષીઓ પળાય છે અને એમને દાણા નાખવામાં આવે છે ! પિતાએ સાંકેતિક અર્થ સમજી લઈને પહેલાંની જેમ જ જવાબ આપ્યો : ‘હાં, હાં બેટા, ઓઈસને !’

દીકરીએ હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યો : ‘ઝૂન-ઝૂન પટેરિયા બાજે બાબા ?’ એટલે કે પિતાજી ! શું હજુ પણ મકાનના છાપરાં ઉપર તાડપત્રીનો ઝૂન-ઝૂન અવાજ આવે છે ?’ પણ સાસરિયામાં તો આ પ્રશ્ન સાંભળીને બધા બહુ ખુશ થયા કારણ કે એનાથી એના પિયરપક્ષની વૈભવતાને ચાર-ચાંદ લાગી ગયા. સાસરિયાં એમ સમજ્યાં કે શું હજુ પણ આપણો મોટો પટારો રૂપિયાના રણકારથી ગુંજી રહ્યો છે કે ? પરંતુ પિતાજી તો સાચો પ્રશ્ન જાણી ગયા હતા તેથી પહેલાંની જેમ બોલ્યાં : ‘હાં, હાં, બેટા, ઓઈસને !’

દીકરીએ ચોથો અને અંતિમ પ્રશ્ન પૂછ્યો : ‘માણેક દિયરા જલે બાબા ?’ આ પ્રશ્ન એની પિયરની સંપન્નતા પર સંકેત કરતો હતો. તેથી સાસરિયાં એમ સમજ્યાં કે ઓહો ! વહુના પિયરિયાં તો એટલાં બધાં પૈસાદાર છે કે એમના ઘેર માણેકના દીવા બળે છે ! પરંતુ એનો સાંકેતિક અર્થ એવો થતો હતો કે પિતાજી ! હજુ પણ પ્રકાશ માટે ચંદ્રમાનો જ આશરો લેવો પડે છે કે ?.. પિતાજીએ નિરાશ થઈ માથું ઝૂકાવી જવાબ આપ્યો : ‘હાં હાં, બેટા, ઓઈસને !’ એટલે કે હા, બેટી ! હજુ પણ ઘરની સ્થિતિ એ જ છે.

પિતાના જવાબ સાંભળી પુત્રીનું હૈયું ભરાઈ ગયું. એની આંખોમાં આંસુ છલકાયાં. એથી હવે વધારે પ્રશ્નો પૂછવાનું સામર્થ્ય એનામાં ન રહ્યું. પરંતુ ચતુર દીકરીએ સાસરિયાં આગળ પોતાના પિયરની આબરૂને કેવી સાચવી લીધી !

[ કુલ પાન : 80. કિંમત રૂ. 60 (આવૃત્તિ : 1996 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : ગુજરાત પુસ્તકાલય સ.સ. મંડળ લિ. સંસ્થા વસાહત, મોતીભાઈ અમીન માર્ગ, રાવપુરા, વડોદરા. ફોન : +91 265 2422916.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોમ ટિપ્સ – રાકેશ ઠક્કર
હૃદયના સ્પંદનો – અનિલ આચાર્ય Next »   

19 પ્રતિભાવો : સર્વોત્તમ ચતુરાઈની કથાઓ – વસંતલાલ પરમાર

 1. sudhir says:

  Good story, one should read it.

 2. વનરાજ says:

  સરસ વાર્તા છે

 3. કોયડાવાળી બાળવાતૉઓ વાંચી બાળપણ યાદ આવી ગયું.

  કોમ્પ્યુટર રમતાં આજનાં બાળકોએ આવી વાતૉઓ જરુર વાંચવી જોઈએ.
  વાંચવાથી કંઈ ગુમાવાનું નથી.
  બોધપાઠ જરુર મળશે.

  આભાર.

 4. Veena Dave, USA says:

  સરસ.

 5. kumar says:

  ખુબ સરસ્
  ખરેખર ખુબ સરસ વાર્તાઓ

 6. Gaurav says:

  I read both of the stories, but believe me, none of them makes sense. I have not come across such words in my 26 years life even when I read lots of Gujarati literature. If I have difficulties, then what about children.

  Based on my experience, the fairy tales which I read in other languages like Hindi and English, they at least make sense to children, children can imagine and link to it.

  Not to discourage the author, but I don’t think that any of them teaches any value to our children. If we narrate these to our next generation, they will definitely run away from Gujarati.

  I am sorry, If I have been to harsh, but this is what I feel about these stories.

 7. nayan panchal says:

  પહેલી વાર્તાના કોયડો તો ‘દા વિન્ચી કોડ’ને ટક્કર મારે એવો. થોડો સાદો કોયડો આપ્યો હોત તો.

  સિંહાસન બત્રીસીની વાર્તાઓ યાદ આવી ગઈ.

  નયન

 8. Ritesh Shah says:

  સરસ્

 9. jigna says:

  બાળપણની વાર્તાઓ યાદ આવી ગઈ.
  સાથે જ શ્રી ગૌરવ સાથે સમંત થાઉ છુ. કે આવા શબ્દો ક્યારેય સાંભળયા કે વાંચ્યા નથી.

 10. ભાવના શુક્લ says:

  ચતુર શેઠાણી વાળી વાર્તા તો અમે પણ માથુ ખજવાળી ને વાચી..
  રાજસ્થાની સ્પર્શ પામેલી જબરી વાર્તાઓ…

 11. D.T.PATEL says:

  મને સુવિચાર બહુ ગમે છે તો મારા ઇમેલ પર મોકલિ આપસો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.