હૃદયના સ્પંદનો – અનિલ આચાર્ય

[ માનવીય જીવનની ઊર્મિ અને લાગણીઓને દર્શાવતા બે પત્રો – એ આજના લેખનો મુખ્ય વિષય છે. પ્રથમ પત્ર પિતા દ્વારા પુત્રીને સંબોધીને લખાયેલો છે. આ પત્ર એવી પુત્રીને છે જે પરણ્યા બાદ દર શનિવારે માતા-પિતાને મળવા આવે છે. આ મુલાકાતમાં વ્યક્ત થતી રંગછટાઓનું લાગણીભીનું ચિત્રણ તેમાં દર્શાવાયું છે. બીજો પત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે છે જે સમાજની સાંપ્રત પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ બંને પત્રો ક્રમશ: ‘અહા ! જિંદગી’ અને ‘ફિલિંગ્સ’ સામાયિકમાં પ્રકાશિત થયેલા છે. પત્રોના સર્જક શ્રી અનિલભાઈ વ્યવસાયે દિવ્યભાસ્કરના Editorial વિભાગમાં તેમની સેવાઓ આપી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર પત્રો મોકલવા માટે અનિલભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998010379 સંપર્ક કરી શકો છો. ]

[1] આગમનથી આગમન સુધી…

પ્રિય ફ્રાતું,
હા, તારી મમ્મીની નીકી.
આ ઘરથી તારી વિદાયને એક વર્ષ થયું. તું હતી, આ ઘરમાં ચતુષ્કોણ રચાયેલો હતો. અમે બે તમે ભાઈ-બહેન. હવે ચતુષ્કોણ નથી, ત્રિકોણ છે. અમે બે અને તારો ભાઈ. અમે જ વિદાયની ઘડી નિર્ધારી હતી અને છતાંય ‘ન જા, ન જા’ના અમારા ઉચ્ચારો વચ્ચે તું સાસરે વિદાય થઈ. ખુશકિસ્મતી છે કે તું આ જ નગરમાં અને તે પણ બે-ત્રણ કિ.મી.ના અંતરે જ વસે છે. અમે વર્કિંગ પેરેન્ટ્સ, તમે વર્કિંગ દંપતી છો. આપણા માટે ઊગતો સૂરજ ઘરબહારના પ્રસ્થાન માટેનો એલાર્મ અને આથમતો સૂરજ ઘરપ્રવેશની ડોર બેલ છે.

દીકરી, તું જ્યારે આ ઘરના ચતુષ્કોણનો એક ખૂણો હતી ત્યારે આ ઘર મહેકમય રહેતું. વાતોમાં, પ્રેમની અભિવ્યક્તિમાં અને ઘર પ્રત્યેની લગનમાં, જીવંતતાનો સ્પર્શ હતો. ઘર ભર્યું-ભર્યું હતું. તારા ગયા પછી જાણે ઘરમાં સ્થગિતતા છે, ઓછા થઈ ગયેલા સંવાદો છે. બનતી ભાત-ભાતની વાનગીની સુવાસનો રસોડાને ઈન્તજાર છે. જાણે કલરવ ખોવાઈ ગયો છે. ટહુકો રિસાઈ ગયો છે. આંગણાનાં હીંચકાની હવાને ઝૂલવનાર કોઈ નથી. હીંચકો ઝૂરે છે. તેને ઝૂલવનારનો ઈન્તજાર છે. પણ આ બધા વચ્ચે ખુશી છે. વીક ઍન્ડમાં આ ઘરે તું ટહુકો બની ટપકી પડે છે. એકાદ રાત, એકાદ અડધો દિવસ રોકાઈ જાય છે ત્યારે આ ઘર પ્રફુલ્લિત બની રહે છે. સંચાર પામે છે. નોકરી પૂરી કરીને સીધા આ ઘેર તું આવે અને સાંજ મહેકી ઊઠે છે.

નવી વાનગીઓ બને છે. નવી વાતો ઊઘડતી રહે છે. ટી.વી. બંધ રહે છે. ઘર ધબકતું રહે છે. વહેલી રસોઈ બની જાય છે, વહેલું જમાય જાય છે. ફોન પર તો સંપર્ક સતત હોય જ છે, માટે નવા સમાચાર તો ખાસ ક્યાંથી હોય ? પણ બેડરૂમના ડબલબેડમાં ફરી ચતુષ્કોણ રચાઈ જાય છે. ચર્ચાઈ ગયેલી વાતો, ફરી ચર્ચાય છે. તેને રૂબરૂનો સ્પર્શ મળે છે. પંખો તેની maximum ઝડપે મુકાય છે. અમને તે માફક નથી તોય ગમે છે, કેમકે તને ગમે છે. તું સાથે હોય છે ને ? અમે બંને બે-બે ચાદરો ઓઢી લઈએ છીએ. ઝાંખા પ્રકાશમાં, શિયાળાની ઠંડીમાં અરસપરસની હૂંફનું તાપણું બની રહીએ છીએ. અમને ગમે છે. તું આવેલી હોય ને તેં વાપરેલા નાઈટ ડ્રેસ, ટુથબ્રશ, ટુવાલ, પાવડર, કોમ્બ, હેર પિન, કોન્ટેક લેન્સની બોટલમાં રહેલ બોસ્ક ઍન્ડ લેમ્બનું લિકવીડ તારો સ્પર્શ પામે છે.

ચાર દીવાલની એક બાજુની એક આખી દીવાલમાં કબાટ છે. આપણા ચાર માટેનાં ચાર રેકના વોર્ડરોબનું ચોથું ખાનું તારું ખાનું હતું. જ્યારથી તું હાઈસ્કૂલમાં પ્રવેશી હતી, તને મળેલા અલગ, તારા જ ખાનાનો રોમાંચ હતો. નાની-નાની વસ્તુઓ કાળજીપૂર્વક ગોઠવાતી રહેતી. કપડાં, ગમતાં પુસ્તકો, ભાતભાતની, રંગબેરંગી બંગડીઓ, સાચાં-ખોટાં ઘરેણાં અને પછી તું મોટી થતી રહી. તું યુવાન બનતી રહી. વસ્ત્રોની સંખ્યા વધતી રહી. પુસ્તકો વધતાં રહ્યાં. જિંદગીની તસવીરનાં તારી માતાએ વ્યવસ્થિત ગોઠવેલાં આલ્બમો વધતાં ગયાં. નવરાત્રી માટેનાં ચણિયા-ચોળીની જોડીઓની સંખ્યા વધતી ગઈ. બર્થ-ડે, નવા વર્ષનાં મળેલા શુભેચ્છા કાર્ડસ, ગિફ્ટોથી ખાનું ભરાતું રહ્યું, ઠસોઠસ ભરાતું રહ્યું. તારી નિસબતનો પ્રથમ કાગળ, તારાં જન્મનું પ્રમાણપત્ર, તારા જન્મ વખતે તારીખિયા પરનું સૌપ્રથમ તારિખિયાનું પત્ર, જન્મપત્રિકા, પ્રમાણપત્રો ઉમેરાતાં રહ્યાં. ખાનું સભર-સભર થતું રહ્યું. ઉભરાતું ચાલ્યું હતું અને ઉંમર હતી, ઈજન હતું નવા ઘર તરફ પ્રયાણ કરવાનું. ચોથા નંબરના ખાનામાંથી ઘણું લઈ જવાનું હતું અને છતાંય ઘણું રાખી જવાનું હતું અને ત્યારે વોર્ડરોબનું ચોથું ખાનું રડી રહ્યંન હતું. અમારા મનની જેમ, કેમ કે આ પહેલા આટલું એકસામટું કદી ખાલી નહોતું થયું. અંદર રહી ગયું હતું એક આશ્વાસન કે ફરી તારો સ્પર્શ પામવા મળશે. હા, તે ખાનું ખુશકિસ્મત છે. શનિવારની સાંજે તે તારો સ્પર્શ પામે છે, જેમ અમે પામીએ છીએ. ગમતો, ભીનાશ આપતો. શનિ-રવિમાં તું આવે છે ને એ તને પામે છે.

આ લખું છું ત્યારે સોમવારની સાંજ છે. તારી મમ્મી જયશ્રી, તારા નાઈટ ડ્રેસ, ટુવાલ, હેર પિન, પાવડરનો ડબ્બો, બંગડીઓ એકઠી કરી રહી છે. તારા ખાનામાં ગોઠવી રહી છે. ઉતાવળમાં બધું જે અસ્તવ્યસ્ત છે તેને વ્યવસ્થિત કરવામાં વ્યસ્ત છે. તારા કોમ્બમાં રહી ગયેલા વાળને દૂર કરે છે. શનિ-રવિમાં તારો સ્પર્શ પામતા એ વાળ સોમવારે જયશ્રીનો સ્પર્શ પામે છે. દીકરી, વોર્ડ રોબનો, ખાના નં 4 તો એમ જ મળી ગયેલો નંબર છે. અમારે મન વોર્ડ રોબનું તારું ખાનું હંમેશાં પ્રથમ નંબરે છે. અમારી નજર મળે છે. અમે બંને અરસપરસની આંખોમાં શનિવારનો જન્મેલો તારા માટેનો ઈન્તજાર વાંચી રહ્યા છીએ. દર સોમવાર સાંજની જેમ, અશ્રુભીની આંખે…

– પપ્પા, અનિલ
.
[2] જીવનની પીડા

પ્રિય પમ્મી,
કુશળતા ચાહું છું.

ખબર નહીં કેમ કારણ વિનાની બેચેની છે. જીવનમાં કેટલીક ક્ષણો ભાર લઈને આવતી હોય છે. સ્વજનો, સ્વપ્ન, સ્મિત, સ્નેહ સાથે હોવા છતાં એકાદ આસપાસની એવી ઘટનાનાં સાક્ષી બનીએ પછી પરાયાની તે પીડા આપણો અજંપો બની જાય. પમૂ, વાત કરવી છે સમાજનાં બદલાતા મૂલ્યોની. પોતાના જ્યારે પરાયા બની જાય અને પીડા પાંગરે તેની. સામે વિશાળ બંગલામાં વડીલ દંપતિ એકલા રહે છે. વિશાળ બંગલો, એટલો જ આંગણાનો સુંદર અને વિશાળ બાગ. આ જ શહેરમાં પુત્ર-પુત્રવધૂ અલગ રહે છે. ભાગ્યે જ હું તેઓને જોઉં છું. તે વૃદ્ધ દંપતિને રોજ સવારે ધીમા પગલે બાગમાં ચાલતા જોઉં છું. તે પગલાંનો વિષાદ હું સાંભળી શકું છું. તે પગલાંઓ કે જે કદી ચંચળ હતા, જે કદી પોતાના પુત્રની દોડ સાથે રેસમાં ઊતરતાં. પુત્રનાં કોમળ પગલાંની સામે પોતાના યુવાન પગલાં અસંખ્યવાર પરાજિત રાખતા, પુત્રના ચહેરા પર સ્મિત માટે, તેની ખુશી માટે. આજે તે પગલાંઓ પુત્રનાં પગલાને કરગરે છે, ઝંખે છે. તેઓ શા માટે વૃદ્ધ પગલાંઓને સથવારો નથી આપી શકતા ? બચપનમાં પુત્ર સાથે સંતાઈ જવાની રમતમાં તેઓ સહેલાઈથી પકડાઈ જાય તેમ છુપાતા રહેતા જેથી બાળક પોતાની જીતથી નાચી ઊઠે. આજે તેમને થાપ આપીને પુત્ર સંતાઈ ગયો છે. પોતાનો દાવ આવે ત્યારે પલાયન થઈ જવાનું ?

પમૂ, બાગનાં એક ચોક્કસ વૃક્ષ નીચે બંને અચૂક બેસે છે. તે વૃક્ષનાં ખરબચડા થડને સ્નેહથી સ્પર્શતા અનેકવાર મેં નિહાળ્યા છે. એ વૃક્ષ તેમનો પુત્ર હજી અણસમજુ હતો ત્યારે તેના જન્મદિવસે પુત્રનાં હસ્તે વાવેલો છોડ છે, જે આજે વૃક્ષ બની ગયો છે. વૃક્ષની છાયા છે. તે વૃક્ષ અશોક વૃક્ષ છે. પણ અશોક વૃક્ષ નીચે તેઓ શોક સિવાય કશું નથી પામતા, તે વૃક્ષના ખરબચડા થડમાં પુત્રનો સ્પર્શ શોધે છે. પણ વ્યર્થ, જીવનની પાનખરમાં વસંતનાં સ્પર્શને ઝંખતા મા-બાપની છાયા પુત્રો કેમ બની નથી શકતા ? જ્યારે જાણે છે કે દરેક વસંતને પાનખર છે, તે પણ એક દિવસ પાનખરનું પીળું પાંદડું બની રહેશે. જે ઘરની ડોરબેલ સતત ગુંજતી રહેતી, તે ખામોશ છે. ક્યારેક બારણે ટકોરા પડે છે. તે ટકોરા પુત્ર આગમનનો સંદેશો નહીં હોય તે જાણવા છતાંય દરેક ટકોરે નવી આશા ખુલતી રહે છે. પણ વ્યર્થ જિંદગીની સમી સાંજનો આ ખાલીપાનો ભાર અસહ્ય હોય છે. પોતાના પરાયા બની જાય તેનો વિષાદ, દુનિયાનું કોઈપણ ડહાપણ, અધ્યાત્મ કે સમજ હરી નથી શકતું. બધું જ ડહાપણ ખરી પડે છે. તેઓની ઝાંખી બનેલ આંખોમાં હવે રૂદન નથી. થીજી ગયેલા અશ્રુની ખારાશ છે. 24 કલાકમાંથી 24 મિનિટ પણ પુત્રો શા માટે આપી નથી શકતા ? પમૂ, આ ન થવું જોઈએ. એક દશ્ય આંખ સામે ઊભરી આવે છે. રેસ્ટોરન્ટના ટેબલ પર બે વૃદ્ધો બેઠા છે. પુત્રોની વાતોમાં વ્યસ્ત છે. એક વૃદ્ધ કહે છે : ‘મારો પુત્ર મારું બહુ ધ્યાન રાખે છે. તે મને અવારનવાર Orkut પર મળે છે.’ કેટલી કરુણા ! શું હવે પિતા-પુત્રનું મિલન આ રીતે થશે ? જોશ મલિદાબાદીનો શેર સ્મૃતિમાં ઉભરાય છે :

જિતની બઢતી, ઉતની ઘટતી હૈ
જિંદગી આપ હી આપ કટતી હૈ

પણ શું આ જિંદગી છે ? તેઓની પીડાએ તેમને deadwood બનાવી દીધા છે. પણ પમ્મી, શું પુત્રો પણ deadwood નથી ? અને આજ સમાજનાં એક ભાગ તરીકે આપણે પણ આપણી જાતને શું કહીશું ? કેમ કે આપણે અને આસપાસ એટલે જ સમાજ, ખરું ને ? ખેર, વિરમીશ….

એ જ સદાનો તારો,
‘નિલ’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સર્વોત્તમ ચતુરાઈની કથાઓ – વસંતલાલ પરમાર
રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2009 – તંત્રી Next »   

20 પ્રતિભાવો : હૃદયના સ્પંદનો – અનિલ આચાર્ય

 1. Hitesh says:

  Really good one

 2. Paresh says:

  ખૂબ જ સુંદર. આભાર

 3. Sarika says:

  Very good letters.

  Thanks

 4. Veena Dave, USA says:

  ખુબ સરસ.

  મારી દિકરી સાસરે ગયા પછી હુ પણ તેની અહી રહેલી વસ્તુઓ જોઉ ત્યારે દિલ ભરાઈ જાય છે. તે ૫ કલાક ના ફ્લાઈ જેટલી દૂર છે.તેથી અવાર નવાર મળી શકાતુ નથી.

  મા બાપ (વડિલો) અને દિકરાવહુ કે દિકરીજમાઈ, બન્ને તરફ એકબીજાને અનુકુળ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. let go, appriciation વગેરે જીવન મા હોય તો બહુ સરસ જિન્દગી જાય્ બાકી તો ઠીક મારા ભૈ.
  કાલે જ અહી જ વાચેલુ કે હાથ ચલાવિએ તો અન્નની કોઠિઓ ભરાય અને જીભ ચલાવીયે તો કોઠીઓ ખાલી થાય. કોઠી ને સ્થાને ઘર મૂકી શકાય.

 5. sudha says:

  aaje bahdu j aavu j vanchavanu chhe dikri ne sasre vlavya pachhi ni vyatha mari sathe aavu j banelu chhe marraige kari London aavi gaya mara pappa mari badhi vastu o smabhale mari mummy 1 year pahel expired thai gaya bahu bahdu yad aave …….

  papa ne mara par appar lagni …………….badha mara papa ni sambhal rakhe chhe pan mane satat evu thay ke papa mara thi jojnooooooooo door chhe taem phone par ketli vato karoi shako aaje to papa ne bhaine bhabhi ne badha j yad aavi gaya………….
  pan khub j dilchot varta rahi…….
  jene mari lagani na tanavan ne jijodi nakhyaaaaaaaaaaaaaaaaaaa

  thanks

  sudha lathia/bhalsod

 6. જય પટેલ says:

  પુત્રીનો પત્ર વાંચી મનને વિષાદે હરી લીધું.

  આજની આ વ્યવસ્થાના સજૅક કોણ છે તે પ્રશ્ર્ન પણ પ્રાસંગિક છે.
  દરેક મા-બાપને ભણેલી-ગણેલી કમાતી પુત્રવધુ જોઈએ છીએ. કન્યા સંસ્કારી કેટલી છે તે માપવાનું કોઈ સાધન તો છે નહિ. આજના ઘરડાં ઘરના જમાનામાં મા-બાપ પુત્રને પરણાવતી વેળાએ અને પુત્રવધુના ગૃહપ્રવેશ વેળાએ સહજ વિચારે કે આ પુત્ર-પુત્રવધુ આપણને ઘરડાં ઘરનો રસ્તો તો નહિ બતાવે ને ?

  પીળું પાંદળું કુદરતના નિયમ પ્રમાણે પોતાની મેળે ખરી પડે પરંતુ આપણે ગુજરાતીઓ ભારતમાં સૌથી વધારે નિદૅય છીએ.. ઠાઠમાઠ વાળા સરસ મઝાના શબ્દોના વાઘાં પહેરાવેલાં ઘરડાં ઘર વિસામો..સંધ્યા
  ખોલીને બેઠાં છીએ.

  પાંદળું પીળું પડે તે પહેલાં આપણે તેનો નિકાલ ઘરડાં ઘરમાં કરી દેવાની સરસ ગોઠવણ કરી દીધી છે.

  ઘરડાં ઘર ગુજરાતનું કલંક છે.
  આવો આ પાપથી આપણી ભવિષ્યની પેઢીને બચાવીએ.

  સ્વણિમૅ ગુજરાતના શુભ પ્રસંગે સંકલ્પ કરીએ.

 7. Dinesh Pandya says:

  આગમનથી આગમન સુધી… જીવનની પીડા….

  “દિકરી ચાલી …. ચાલી પોતાને સાસરે
  મુકી મા-બાપ ભાઈને આશરે…….. (કવિ સુરેશ દલાલ)

  દિકરીના લગ્ન અને તેનુ સાસરે જવું એ આપણા જીવનની સુખદ-દુઃખદ વાસ્તવિક્તા છે.

  પુત્રનુ તેના પત્નિ-બાળકો સાથે જુદા રહેવું કે મા-બાપની અવહેલના કરવી એ પણ ન ઈચ્છવાજોગ્
  વાસ્તવિકતા જ છે.

  સારા શબ્દવૈભવવાળા બહુ સુંદર પત્રો.
  તેંમા પ્ણ …..”આપણા માટે ઊગતો સૂરજ ઘરબહારના પ્રસ્થાન માટેનો એલાર્મ અને
  આથમતો સૂરજ ઘરપ્રવેશની ડોર બેલ છે.”

  અને “જિતની બઢતી, ઉતની ઘટતી હૈ
  જિંદગી આપ હી આપ કટતી હૈ અતિ સુંદર!

  લેખક શ્રી અનિલ્ભાઈ આચાર્ય અને તંત્રિશ્રી મૃગેશભાઈ બન્નેને અભિનંદન!

 8. Veena Dave, USA says:

  જયભાઈ, ગુજરાતમા ઘરડાઘર અને ઘોડિયાઘર બન્ને છે એ આપની જાણ માટે.

 9. jigna says:

  “પોતાના પરાયા બની જાય તેનો વિષાદ, દુનિયાનું કોઈપણ ડહાપણ, અધ્યાત્મ કે સમજ હરી નથી શકતું. બધું જ ડહાપણ ખરી પડે છે. ”

  ખુબ જ સત્ય હકીક્ત છે. અને એ સત્ય જેણે આ અનુભવ્યું હોય તેને જ ખબર પડે છે.

  આ સાથે જ શ્રી જય પટેલ ની એક વાત સાથે સંમત થા ઉ છુ.”દરેક મા-બાપને ભણેલી-ગણેલી કમાતી પુત્રવધુ જોઈએ છીએ. કન્યા સંસ્કારી કેટલી છે તે માપવાનું કોઈ સાધન તો છે નહિ. ”

  ખુબ સરસ.

 10. indravadan g vyas says:

  ભાઈ શ્રી અનિલભાઈ,
  તમારી કલમ માંથી ગઝબ ની બાનિ પ્રગટે છે.સંવેદનાના તાંણાવાણા સરસ રીતે ગુંથ્યા છે.ર્હદયને ચોટ લાગે છે જ્યારે વૃધોની લાગણીઓની વાત વાંચીએ છીયે ત્યારે.
  સદભાગ્યે મારા સંતાનો અમારી કાળજી ખુબ લે છે પણ તેના કરતા તેમના જીવનસાથીઓ અમારી વધૂ કાળજી લે છે.આવું સુખ ઘણા મંબાપોને પણ મળતુ હશે.હજુ માનવતા મરી પરવારી નથી.
  અભિનન્દન્..આ ઓક્ટોબરમાં વડોદરા આવીશુમ ત્યારે મળવાની કોશીશ કરીશુ.
  ઇન્દ્રવદન વ્યાસ અરોરા,યુ એસ એ.

 11. nayan panchal says:

  બંને પત્રો સરસ.

  એ સારી વાત છે કે “દીકરી વ્હાલનો દરિયો”ની અદભૂત સફળતા પછી “દીકરી એટલે દીકરી”, માતૃવંદના, વ્હાલી આસ્થા, થેંક્યુ પપ્પા જેવા ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે જેમાં માતા-પિતા પોતાના સંતાનો સાથે કે સંતાનો તેમના માતા-પિતા સાથે પત્ર/લેખના રૂપે સંવાદ કરે છે.
  આવા સારા સારા લેખો પણ માનવીય સંવેદના ઉજાગર કરતા ઉત્કૃષ્ટ સાહિત્યથી કોઈ રીતે કમ નથી.

  આભાર,
  નયન

 12. ભાવના શુક્લ says:

  અનિલભાઈ, બહુ હૃદયસ્પર્શી લખ્યુ… ૪૦૦૦૦ માઈલ દુર બેઠેલા મારા માતા-પિતા જાણે બોલતા હોય તેમ લાગ્યુ.

 13. govind shah says:

  very heart touching two letters. In future our childrens will meet us only for few minutes on internet?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.