રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2009 – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

ઈશ્વરકૃપાથી ફરી એકવાર, પ્રતિ વર્ષથી જેમ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા’ આવી પહોંચી છે જેનો વધારે ને વધારે પ્રમાણમાં સર્જકમિત્રો લાભ ઉઠાવે તેવી નમ્ર વિનંતી છે.

મોટે ભાગે આપણે સહુ એમ માનતા હોઈએ છીએ કે લેખન બહુ ઊંચા પ્રકારની કલા છે અને એ તો જેને કુદરતી બક્ષિસ હોય એ જ લખી શકે ! ઘણા લોકો એમ માનતા હોય છે કે વાર્તા લખવી એ કંઈ આપણું કામ નહીં ! પણ હકીકતે વાત એમ નથી. લેખન કલાના અનેક સ્તરો છે. ભલે આપણે બહુ ઊંચા સ્તર સુધી પહોંચી ન શકીએ પરંતુ આપણા જીવનને ઘડતા વિચારોની અભિવ્યક્તિ તો આપણે કરી જ શકીએ. વ્યક્તિમાં રહેલી અભિવ્યક્તિને બહાર લાવવાનું સૌથી સરળ માધ્યમ ‘વાર્તા-લેખન’ છે. આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ, આપણે લેખક બન્યા વગર પણ સુંદર રીતે વર્ણવી શકીએ છીએ. અને આ વર્ણવવાનું એટલા માટે છે કે જેથી આપણને કોઈક ઘટનામાંથી કોઈ સંદેશ મળ્યો હોય તો એ આપણે બીજા સુધી પહોંચાડી શકીએ. એમ તો, આજથી અમુક વર્ષો પહેલા ફોટો પાડવો એ પણ બહુ અઘરી વાત ગણાતી હતી. કોઈને કેમેરો વાપરતાંય નહોતું આવડતું ! આજે વાત સાવ જુદી છે. ફોટોગ્રાફી ત્યારેય કલા હતી અને આજે પણ છે. પરંતુ આજે સામાન્ય માનવી પોતાને આવડે એ રીતે, પોતાની ક્ષમતા અનુસાર જાતે ફોટા પાડી જ શકે છે. બસ, એવું જ વાર્તાનું પણ છે. તેથી એવા ભ્રમમાં રહેવું યોગ્ય નથી કે વાર્તા લખતા તો ફક્ત લેખકને જ આવડે ! સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર પોતે અનુભવેલી ઘટનાને વાર્તા સ્વરૂપે વ્યક્ત કરી શકે છે.

ભવિષ્યના વર્ષોમાં લેખનને લોકો એક થેરાપી કહે તો નવાઈ નહીં ! લેખન એ હળવાશ મેળવવાનું એક સાધન છે. જે માણસ લખે છે હળવો રહી શકે છે. મનોવૈજ્ઞાનિકો પણ હવે તેને સમર્થન આપે છે. જે પોતાની વ્યથા, ભાવ, લાગણીઓને કાગળ પર ઠાલવતાં શીખી જાય છે તે અનેક માનસિક રોગોથી બચી જાય છે. સારું લેખન લખનારને તો બચાવે જ છે પરંતુ વાંચનારના જીવનમાં પણ નવો પ્રકાશ પાથરે છે. આથી, લેખન એ આજના સમયનું બહુ આવશ્યક માધ્યમ છે. માણસ લખે છે એટલો સમય તે પોતાના મન સાથે સંવાદની કળા સાધે છે. જેનો મન સાથે સંવાદ સધાઈ જાય એનો પછી જગત સાથેનો સંવાદનો તંતુ તૂટતો નથી. હાલનો યુગ એવો છે કે માણસે હળવાશમાં રહેવા માટે કોઈને કોઈ સાધનનો સહારો લેવો જ રહ્યો. જો હકીકતે એમ જ હોય, તો આ લેખનકલા શું ખોટી ?

લખવાથી શું થાય ? કોણ વાંચે ? કોઈ નવોદિત લખે છે ? લખે તો છાપે કોણ ? – જેવા અનેક પ્રશ્નો હવે ગૌણ બની ગયા છે કારણ કે આખું વર્ષ દરમ્યાન રીડગુજરાતી પર આપણે સૌ એવી અનેક કલમોને માણીએ છીએ જેમણે આ અગાઉ ક્યારેય લખ્યું નથી. માત્ર એટલું જ નહિ, તેઓ લેખન સાથે કોઈ રીતે સંકળાયેલા ન હોવા છતાં તેમણે સુંદર જીવનપ્રેરક ઘટનાઓની આપણને ભેટ ધરી છે. કોઈ રેલવેમાં હોય તો કોઈ સોફટવેર એન્જિનિયર, કોઈ માર્કેટિંગમાં હોય તો કોઈ યુનિવર્સિટીમાં, કોઈ વેપારી હોય તો કોઈ વૈજ્ઞાનિક – અનેક પ્રકારના વાચકો વિપુલ પ્રમાણમાં લખતા થયા છે જે ગુજરાતી ભાષા માટે સારા શુકન છે. નવોદિત સર્જકોના લેખોએ રીડગુજરાતીની શોભા વધારી છે અને તેથી જ તેમને વધારે પ્રોત્સાહન મળે એ માટે આ વાર્તા-સ્પર્ધાનું આયોજન કરવાનો અનેરો આનંદ થાય છે.

હવે થોડી સ્પર્ધા વિશે વાત કરી લઈએ. વાર્તા-સ્પર્ધાના નિયમો અને તેનું સ્વરૂપ પ્રત્યેક વર્ષની જેમ જ રાખવામાં આવ્યું છે. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહિ – તેવા ગત વર્ષના નિયમમાં એટલી છૂટછાટ રાખવામાં આવી છે કે કાવ્ય-ગઝલનાં પુસ્તક પ્રકાશિત થયા હોય તેવા સર્જકો-કવિઓ વાર્તા-લેખન સ્પર્ધામાં આ વર્ષથી ભાગ લઈ શકે છે. 1800 થી 3000 શબ્દોમાં વાર્તાની ગૂંથણી કરીને સર્જકોએ પોતાની વાર્તા 05 જુલાઈ, 2009 પહેલાં મોકલી આપવાની છે. આ માટેની તમામ માહિતી આ લેખના અંતે આપવામાં આવી છે જેથી પુનરુક્તિની જરૂર નથી. અહીં વિશેષ વાત એ કરવાની છે કે જેટલી પણ કૃતિઓ પ્રાપ્ત થાય એ તમામમાં ‘વાર્તા-તત્વ’ હોવું જરૂરી છે. અહેવાલ, ઉપદેશ, ચર્ચા કે નિબંધને વાર્તાનું સ્વરૂપ આપી શકાય નહિ. ઉત્તમ વાર્તા માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે, જેની વાત આપણે ગત વર્ષે કરી હતી – તેને ફરી એક વાર સમજી લઈએ :

[1] નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.

[2] વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.

[3] વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.

[4] વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.

[5] વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની સમીક્ષા માટે ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યકારો વિનામૂલ્યે પોતાની સેવા આપતા રહે છે. ડૉ. શરદ ઠાકર, વર્ષાબેન અડાલજા, પ્રો. પ્રિયકાન્ત પરીખ, જૉસેફ મૅકવાન, વંદનાબેન ભટ્ટ, સુધીર દલાલ, અવંતિકાબેન ગુણવંત, સતીશ ડણાક જેવા અનેક વિદ્વાનોએ આ કાર્યમાં પોતાનો કિંમતી સમય આપ્યો છે. ચાલુ વર્ષે, આ માટે સુપ્રસિદ્ધ વાર્તા અને નવલકથાકાર મહેશ યાજ્ઞિક, મીરાબેન ભટ્ટ અને ભાવનગરના શ્રી અજયભાઈ ઓઝા આ સેવા આપી રહ્યા છે. આથી, વાચકો-સર્જકો પાસે આશા રાખીએ કે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉત્તમ વાર્તાઓનું સર્જન કરે જેથી નિર્ણાયકોની સેવા લેખે લાગે.

અન્ય એક બાબત છે વિજેતા કૃતિઓના પ્રકાશન અંગેની. વાચકમિત્રોને ઘણી વાર એમ થતું હશે કે વિજેતા નિવડેલી કૃતિમાંની અમુક કૃતિનું રીડગુજરાતી પર પ્રકાશન કેમ નથી થતું ? જેમ કે ગત વર્ષે પ્રથમ ક્રમાંક પર વિજેતા થયેલી વાર્તા પ્રકાશિત કરી શકાઈ નહોતી. આમાં કારણભૂત બાબત છે ‘વાર્તાનું તત્વ અને તેનું સામાજિક મૂલ્ય.’ જ્યારે નિર્ણાયકો વાર્તાને મૂલવે છે ત્યારે તેમની દ્રષ્ટિ વાર્તાના લય, બંધારણ, ઘટના, કથા-પ્રવાહ, સંવાદો અને ભાષાની અભિવ્યક્તિ પર હોય છે. એમાંથી જે પાર ઊતરે તે શ્રેષ્ઠ વાર્તા નીવડે છે. એ વાર્તા કલાનો ઉત્તમ નમૂનો બને છે. આદર્શ પદ્ધતિ પ્રમાણે તો આ વાત એકદમ બરાબર છે. પરંતુ રીડગુજરાતીનો માત્ર આટલો માપદંડ નથી. રીડગુજરાતી પર જીવનપ્રેરક, સત્વશીલ અને શિષ્ટ વાંચનને અગ્રક્રમ આપવામાં આવે છે તેથી કલાના ઉત્તમ નમૂના હોવા ઉપરાંત કોઈ પણ વાર્તા જીવનને કશુંક આપે એવી હોવી જોઈએ. ફક્ત કલા નહિ, કલાની સાથે જીવન-વિચાર પણ એટલો જ જરૂરી છે. આથી, ઘણી વાર એમ બને છે કે કોઈક વાર્તામાં વાર્તાકારે યોગ્યરૂપે મૂકેલા અમુક દ્રશ્યો, સંવાદો કે ઉત્તેજક બાબતો વાર્તામાં પાત્રોની યોગ્ય અભિવ્યક્તિ માટે જરૂરી હોય છે પરંતુ તે પ્રકારના વર્ણનો રીડગુજરાતીની મર્યાદાને કારણે વિશાળ જનસૂમહ સમક્ષ મૂકી શકાય તેમ હોતા નથી. આ કારણથી કેટલીક વાર્તાઓ પ્રકાશિત કરી શકાતી નથી. એમાં વાર્તાકાર કે વાર્તાનો દોષ ન સમજતાં, રીડગુજરાતીના સ્વરૂપની મર્યાદા જ સમજવી. અમુક વર્ણનો વાર્તાને યોગ્ય રૂપ આપવા માટે જરૂરી હોય છે, પરંતુ એ જીવનોપયોગી કદાચ ન પણ હોય. આથી, જીવનોપયોગી સાહિત્ય સ્વીકારવાની મર્યાદાને કારણે કેટલીક કૃતિઓ લઈ શકાતી નથી. આમ છતાં, તે કૃતિઓ નિર્ણાયકોના નિર્ણય પ્રમાણે ઉત્તમ ક્રમાંકને અધિકારી તો છે જ. વળી, કોઈની કલમને રીડગુજરાતીની મર્યાદામાં બાંધી ન શકાય. સર્જકે શું લખવું એ માટે એ પોતાની રીતે સ્વતંત્ર છે. રીડગુજરાતી પર પ્રકાશિત ન થવાથી તેની કૃતિનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. કોઈ પણ સામાયિકના સ્વરૂપને ધ્યાનમાં રાખીને લેખકે ન લખવું જોઈએ. લેખકની કલમ સ્વતંત્ર હોવી જોઈએ. સામાયિકને યોગ્ય લાગે તો પ્રકાશિત કરે, અને યોગ્ય ન લાગે તો ન કરે. લેખક સ્વતંત્ર બની રહેવો જોઈએ. એને ‘રીડગુજરાતીનો લેખક’ એવું લેબલ ન લાગવું જોઈએ. ટૂંકમાં, વાર્તા-સ્પર્ધામાં આયોજન ફક્ત રીડગુજરાતીનું હોય છે, તે સિવાય તમામ નિર્ણયો નિર્ણાયકોના હોય છે જેમાં રીડગુજરાતીનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. નિર્ણાયક જેને પ્રથમ ક્રમાંક ઘોષિત કરે તે પ્રથમ ક્રમાંક મેળવવાને અધિકારી છે, પછી ભલે એમની વાર્તા રીડગુજરાતીને અનુરૂપ હોય કે ન હોય.

છેલ્લી બાબત છે સ્પર્ધાના પરિણામ અંગેની. ચાલુ વર્ષે સ્પર્ધાનું પરિણામ 10મી ઓગસ્ટ, 2009ના રોજ જાહેર કરવામાં આવશે. દર વર્ષે સ્પર્ધાના પરિણામ પછી પાંચ દિવસની અંદર વિજેતાઓને ઈનામની રકમ પહોંચતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વૈશ્વિક મંદી કદાચ રીડગુજરાતીને પણ નડી રહી છે ! તે કારણથી હજુ સ્પર્ધા માટે જરૂરી ડોનેશન પ્રાપ્ત થઈ શક્યું નથી આથી પુરસ્કાર વિતરણની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જેની નોંધ લેશો. આશા છે કે કોઈક દાતા આ યજ્ઞ-પ્રવૃત્તિ માટે જરૂરથી પોતાનું યોગદાન પૂરું પાડશે.

સૌ વાચકમિત્રોને આ સ્પર્ધા માટે શુભેચ્છાઓ અને તમામ નિર્ણાયકોનો તેમના અમૂલ્ય સહયોગ માટે ખૂબ ખૂબ આભાર. સ્પર્ધાની તમામ વિગતો આપ અહીં ક્લિક કરીને જોઈ શકો છો :  Click Here

લિ.
તંત્રી, મૃગેશ શાહ
+91 98980 64256

તા.ક : ગત વર્ષથી એક નવો સ્વાભાવિક ઉપક્રમ સર્જાયો છે અને તે એ છે કે સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થનાર સર્જકને વાચકો તરફથી ભેટપુસ્તક મોકલવામાં આવે છે. ગત વર્ષે ઉપલેટાના શ્રી અમિતભાઈ પિસાવાડીયા તરફથી ત્રણેય વિજેતાઓને ભેટપુસ્તક મોકલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે મહુવાના શ્રી જીગ્નેશભાઈ અધ્યારુ તરફથી પ્રથમ ત્રણ વિજેતાઓને ભેટપુસ્તક મોકલવામાં આવશે. આ ઉપરાંત, કોઈ પણ વાચકને ઈચ્છા હોય તે વિજેતાઓને ભેટપુસ્તક મોકલીને તેમને પ્રોત્સાહિત કરી શકે છે. વિજેતાઓના નામ અને સરનામું પરિણામના દિવસે જાહેર કરવામાં આવશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૃદયના સ્પંદનો – અનિલ આચાર્ય
તણખલાં – અનુ. જયંત મેઘાણી Next »   

23 પ્રતિભાવો : રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2009 – તંત્રી

 1. હ્રદયમાં પડેલાં સૂપ્ત ભાવોને જગાડવા માટે વાર્તા સ્પર્ધા એ ઉત્તમ તક છે.

 2. Moxesh Shah says:

  ઘર મા એક પ્રસન્ગ આવે અને બધા તેની તૈયારી મા લાગી જાય, તેમ રીડગુજરાતી નુ એક પ્રાસન્ગીક પર્વ દર વર્ષની જેમ આવી પહોંચ્યુ છે.
  ચાલો આપણૅ બધા તેની ઉજવણી ની તૈયારી મા લાગી જઈએ.

 3. તંત્રીશ્રી,
  મેં આ પહેલાં ક્યારેય વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો નથી,જેથી વાર્તા કેવી રીતે મોકલવી એ મને ખ્યાલ નથી.વાર્તા ms wordના formatમાં મોકલવાની છે? કે સીધી જ mail માં paste કરીને મોકલવાની છે?
  આ બાબત પર પ્રકાશ પાડવા વિનંતી…
  –નિશીત રાવલ

 4. સરસ.

  ભેટપુસ્તકના યોગદાન માટે જીજ્ઞેશભાઈનો આભાર અને હાર્દિક અભિનંદન!

 5. Editor says:

  શ્રી નિશીતભાઈ,

  લેખમાં બોલ્ડ અક્ષરે લખેલી લાઈનમાં લીન્ક આપવામાં આવી છે જેને ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકશો.

  લિ. તંત્રી.

 6. મૃગેશભાઈ સાથે સંપૂણૅ સંમત છું કે લેખન કળા ભવિષ્યમાં થેરાપી બની જશે.

  લેખનથી મનના ભાવો અભિવ્યકત થાય છે.
  લેખનથી પોતાના વિચારો દુનિયા સમક્ષ વહેચવાની તક મળે છે.
  અને
  લેખનથી મન હળવું અને શાંત થાય છે.

  આનું જ્વલંત ઉદાહરણ છે.
  તુલસીદાસનુ રામચરિત માનસ.

  વાતૉ સ્પધૉ ૨૦૦૯ દ્વારા કંઈક નવું જાણવાનું મળશે એવી અભિલાષા.
  આભાર.

 7. haresh says:

  thex mrugesh bhai.

 8. આવી પહોઁચ્યો અવસર સોહામણો વાર્તા સ્પર્ધાનો.

  આપનો આભાર મૃગેશભાઈ, દર વરસની માફક સ્પર્ધા સમયસર યોજવા માટે!

  ગયે વરસે મારી વાર્તા ‘ત્રીજો જન્મ?’ પ્રથમ ક્રમે આવી હતી એ મારૂ સદભાગ્ય હતું. ભલે આપે એ રીડ ગુજરાતી.કોમ પર પ્રકાશિત ન ક્રરી પણ મને હજારો ચાહકો મેળવી આપ્યા . અને એ મારા માટે ઘણી જ ગર્વની વાત છે.

  એનાથી અભિપ્રેત થઈને મેઁ મારો વાર્તાનો બ્લોગ બનાવ્યો અને મારી વાર્તાઓ સાહિત્ય રસિક મિત્રોના હૈયા સુધી પહોંચી. જે મિત્રોએ મને પ્રોત્સાહિત કર્યો છે અને કરતા રહે છે એ સર્વેનો હું હાર્દિક આભાર માનુ છું.

  હજુ પણ જે મિત્રોએ મારી ઈનામી કૃતિ ‘ત્રીજો જન્મ?’ ન માણી હોય તો એ હવે મારા બ્લોગ પર ઉપલબ્ધ છે એની નોંધ લેવા નમ્ર વિનંતી છે.
  ઉપર મારા નામ પર ક્લિક કરવાથી મારા બ્લોગ પર જઈ શકાશે અને મારી અન્ય વાર્તાઓ સહિત ‘ત્રીજો જન્મ?’ વાચી શકાશે. તો એનો લાભ લેવા વિનંતી છે. મને આપના અભિપ્રાયનો/comments નો ઈંતેજાર રહેશે.

  આ વખતે ભાગ લેવો કે ન લેવો એ નક્કી નથી કરી શકતો. છતાં પ્રયત્ન કરવાનો વિચાર તો છે.
  આ વખતે પણ સ્પર્ધામાં ઘણા લેખક-લેખીકાઓ ભાગ લે. ખાસ તો નવોદિત ભાગ લે એવી અભ્યર્થના છે.
  અને સ્પર્ધા તગડી બને, રસપ્રદ બને એવી અપેક્ષા છે.

  તો મિત્રો મંડી પડો કલમ લઈને !!
  ને મૃગેશભાઈને ઘણી ઘણી વાર્તાઓ મોકળા મને મોકલી દો

  સહુ સ્પર્ધકોને શુભકામના….!!
  વિજેતા ભલે ન બનીયે…પણ આ તંદુરસ્ત વાર્તા સ્પર્ધામા ભાગ લેવાનો લ્હાવો કદી ય ન ચુકીયે…!!

 9. Veena Dave, USA says:

  Wah, wah, thanks Shri Mrugeshbhai.

 10. OOOOOOOOOPs!!!!!

  મિત્રો માફ કરશો..!!
  સ્પર્ધાની પ્રાથમિક માહિતી વાંચતા વાંચતા જ એક વાર્તા સ્પર્ધા માટે મનમાં સ્ફુરી હતી. કિન્તુ-પરન્તુ,

  અફસોસ…!! અફસોસ !! અફસોસ !! અફસોસ !!

  હા, મારાથી આ સ્પર્ધામાં ભાગ લઈ ન શકાય…! કારણકે, સ્પર્ધાના નિયમાનુસાર ગત સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા ૨૦૦૯ની આતંરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધામાં ભાગ લઈ ન શકે!!
  આ તો લંચબ્રેકમાં વિગતવાર નિયમો વાંચ્યા ત્યારે જ જાણ થઈ. એટલે સ્પર્ધામાંથી આપણુ નામ તો બાદ જ ક્રરજો.

  મૃગેશભાઈના આ નિયમ પાછળ પણ કોઈ સારો જ આશય હશે. આ વખતે કાવ્યો /ગઝલના પુસ્તકો પ્રકાશિત થયેલ લેખકને તક આપવામાં આવી છે. પણ ગયા વરસના વિજેતાઓ માટે મનાઈ છે.

  મૃગેશભાઈ, અમને કેમ અસ્પૃશ્ય ગણ્યા…??

 11. મૃગેશભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો … Thanks!

 12. Editor says:

  આદરણીય શ્રી નટવરભાઈ,

  આપના પ્રતિભાવ બદલ ધન્યવાદ.
  પ્રતિવર્ષ અગાઉના સ્પર્ધાના વિજેતા ભાગ ન લઈ શકે તેવો પ્રથમ વાર્તા-સ્પર્ધાથી જ નિયમ કરવામાં આવ્યો છે. આમ કરવાનો હેતુ માત્ર ને માત્ર નવા સ્પર્ધકોને ચાન્સ આપવાનો છે. વળી, આ નિયમ ફક્ત એક જ સ્પર્ધા માટે છે, જેથી આગામી સ્પર્ધામાં આપ ભાગ લઈ શકો છો. વિજેતાઓની સંભવિત પુનરુક્તિ ટાળવા માટે આ પદ્ધતિ રાખવામાં આવી છે.

  નિયમોમાં થોડા ફેરફાર કરવાની રીત પણ પ્રતિવર્ષ જુદી જુદી હોય છે જેથી બધા જ પ્રકારના સાહિત્યક્ષેત્રને આવરી શકાય. જેમ કે પ્રથમ વાર્તા સ્પર્ધામાં જેમના ત્રણ કે ત્રણથી વધુ પુસ્તક હોય એમને બાકાત રાખવામાં આવ્યા હતા. એ પછી એકથી વધુ પુસ્તક હોય તેમને બાકાત રખાયા હતા અને બીજાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લી વાર્તા સ્પર્ધામાં એક પણ પુસ્તક હોય તેમને બાકાત રખાયા હતા. જ્યારે આ સ્પર્ધામાં ગદ્ય-સર્જકોને બાકાત રાખીને કવિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  ધન્યવાદ.
  તંત્રી

 13. ભાવના શુક્લ says:

  હાશ ભાઈ…. બીજુ બધુ તો ઠીક, નિયમો અને તેની ફેરબદલી ને એવુ બધુ તો એડિટર સાહેબ જાણે અને લખનારા… અમે તો એમ થનગનીએ કે નવી નક્કોર ઢગલોક વાર્તાઓ હવે વાચવા મળશે!!!!

 14. મૃગેશભાઈ,

  એક પ્રશ્ન પૂછવો હતો તમને…કે…જે વાર્તા હું વાર્તાસ્પર્ધામાં મોકલવા ઈચ્છતો હોઊં,એ જો કોઈ ફિલ્મ પરથી પ્રેરીત હોય તો માન્ય ગણાય?

  અહીં પ્રેરણા એટલે માત્ર પ્લોટની પ્રેરણા સમજજો…સીધી ઊઠાંતરી નહી…પાત્રો અને સંજોગો મારાં હોય અને પ્લોટ અથવા વાર્તાનું હાર્દ માત્ર પ્રેરીત હોય….તો શું એ વાર્તા સ્પર્ધા માટે માન્ય ગણાય???

  થોડોક સમય કાઢીને મને મેઈલ વડે રીપ્લાય કરવા વિનંતી છે…
  —નિશીત (વિકી)

 15. Janakbhai says:

  Dear Mrugeshbhai,
  All the best for the competition held by you.
  Janakbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.